કાવ્ય-આચમન શ્રેણી – નલિન રાવળ/૩૦. અશ્વત્થામાની સ્વગતોક્તિ: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Heading|૩૦. અશ્વત્થામાની સ્વગતોક્તિ|નલિન રાવળ}} <poem> આકાશમાંના તાર...")
 
No edit summary
 
Line 212: Line 212:
{{Right|(અવકાશપંખી, પૃ. ૧૧૪-૧૨૦)}}
{{Right|(અવકાશપંખી, પૃ. ૧૧૪-૧૨૦)}}
</poem>
</poem>
{{HeaderNav2
|previous = ૨૯. સાંજનો તડકો
|next = ૩૧. નારી
}}

Latest revision as of 09:56, 18 September 2021


૩૦. અશ્વત્થામાની સ્વગતોક્તિ

નલિન રાવળ

આકાશમાંના તારકોને ક્રૂર ન્હોરથી પીંખી,
અંધકારનું આ તોતિંગ પંખી
પાંખોના તીક્ષ્ણ ઘાતથી અવકાશને ચીરી,
કુરુક્ષેત્રની છાતી પર ચિત્કાર કરતું તૂટી પડે છે.
મનુષ્યના લોહીનો સ્વાદ શું આટલો બધો મિષ્ટ હોય છે?

કયો અગ્નિ? મારા આત્માને દાહ દેતો, મારી આંખમાંથી
બહાર નીકળી
શબક્ષેત્રને ચૂડમાં લઈ
શ્વસી રહેલા પેલા અંધારપંખીની આંખોમાં તક્ષકની જેમ સરે છે.
સમુદ્રને ચીરી નાખતા તીક્ષ્ણ ખડકોની કઠોરતા

અંધારપંખીની ગુફાઓ જેવી ઊંડી આંખોમાં ભડભડાટ બળવા લાગી

કોના પડછાયા?
ટોળાંબંધ ઊંટના પડછાયાઓ જેવા આ પડછાયા મારા?
કઈ મરુભૂમિ તરફ દોડે છે આ પડછાયા?
બધી જ મરુભૂમિઓના પડછાયા
દિશાઓની કરોડરજ્જુઓ અને પવનોની પાંસળીઓ તોડતા
મારા મનમાં આવી ખડકાયા છે.
મનના એક ખૂણે ઊગેલ લોહિયાળ કાંટા જેવું ભોંકાય છે
આ કુરુક્ષેત્ર.
આ પ્હાડપ્હોળા લોહિયાળ કાંટા ઉપર બેઠેલું પેલું અંધારપંખી
કોઈ પ્રચંડ કાળા સ્વપ્નની જેમ હવે ત્વરાથી સળગી રહ્યું છે
બળતા એના ચિત્કારોનો અવાજ કોણ સાંભળે?
કોણ જુએ?

મૃત્યુ પામેલી આંખ જોઈ નથી શકતી,
મૃત્યુ પામેલા કાન સાંભળી નથી શકતા.

‘જે સાંભળે છે એ જ દુઃખ પામે છે,
જે જુએ છે એ જ દુઃખ પામે છે.’

કોણ બોલ્યું આ?
હું ક્યાં મનુષ્ય છું દુઃખ મને હોય?
હું ક્યાં પ્રેત છું દુઃખ મને હોય?
હું મનુષ્ય પણ નથી, હું પ્રેત પણ નથી
હું અશ્વત્થામા છું.
કાન પર પડતો આ અવાજ — અશ્વત્થામા અશ્વત્થામા — આખાય
મારા મનને
આવરીને પડતા વીંછીઓના વરસાદ જેવો લાગે છે.
હું અશ્વત્થામા છું.

લગોલગ આવી ગયા અમે
અમે લગોલગ આવી ગયા

પ્રેમ બળી જાય છે ત્યારે આ પંખીના જેવો લાગે છે.
શ્રદ્ધા બળી જાય છે ત્યારે આ પંખી
પીંછાં પ્રસારી નાચે છે.
સત્ય બળી જાય છે ત્યારે આ પંખી ચિચિયારીઓ પાડતું
નગરોનાં સડતાં છાપરાંઓ પર
ઘૂમરાવા લેતું ઊડે છે.
અમે લગોલગ આવી ગયા

બળતા અંધારપંખીની આંખમાં
મારી આંખો તીરની જેમ ઊંડી ઊતરી ગઈ
કેવો ઘોર અવાજ!

આ આંધળું અંધારપંખી અવકાશને હલબલાવી નાખે
એવો ચિત્કાર નાખી
મારા પગ પાસે ફસડાઈ ગયું.


જીવે છે
કુરુક્ષેત્ર પર ફેલાએલી પાંખોને એ હળવે હળવે સમેટે છે.
મહારથીઓનાં મૃત વક્ષઃસ્થલોમાં ખૂંપી ગયેલા લોહીનીંગળતા ન્હોરને
ક્રૂર આનંદમિશ્રિત વેદનાના ચિત્કારથી બહાર કાઢતું
ઢસડાતું ઢસડાતું

મારા નખમાં પ્રવેશે છે
ચડે છે
ઊડે છે
પડે છે
પછડાય છે
મારામાં
હું અશ્વત્થામા છું.

મારા પડછાયા હું હવે જોઈ નથી શકતો
દુર્યોધનના કણસવાનો અવાજ વધતા વાંસવનની જેમ
મારા રક્તમાં ફેલાય છે.
દ્રુપદપુત્રે ઉતારી લીધેલ પિતા દ્રોણના મસ્તકમાંથી
વછૂટતા લોહીના પ્રવાહમાં
અવશ એવો હું તણાઉં છું.

વૃદ્ધ પિતાના દેહમાં શું આટલું બધું લોહી હતું?
હું ખસી જઉં
મારા માથા ઉપર ઊડતા આવી રહેલા
આ બે ઘુવડોના માર્ગમાંથી
હું ખસી જઉં
નથી હોતું
ઘુવડની આંખોમાં રહેતું મૃત્યુ
આટલું જડ
હાડકા જેવું સફેદ
ક્રૂર એવી થીજેલી શૂન્યતાથી ભરેલું
નથી હોતું

આ ઘુવડો નથી
કુરુક્ષેત્રમાં એકેય વૃક્ષ જીવતું નથી

કોણ રુદ્ર! કૃપાચાર્ય!
હું તમને જોઈ શકતો નથી... તમારી આંખોને ઓળખું છું
શું તમે પણ મને જોઈ શકતા નથી?
ચળકતી જીવડા જેવી આંખો એકમેકમાં આપણે
હવે ભરાવી લીધી છે
આપણે જે છીએ તે હવે નથી
જે નથી તે હવે છીએ
સેનાઓ જે કાલે હતી તે આજે નથી
જે આજે નથી તે કદાચ કાલે હશે, જે કાલે હશે
તે કદાચ આવવાની કાલમાં નહીં હોય.

ચાલો
આપણે જે છીએ તે હવે નથી
તે નથી તે હવે છીએ
રુદ્ર તમે અહીં
કૃપાચાર્ય તમે અહીં

એનાં બચ્ચાં શોધતી આ ટિટોડીનો વલખાટ
મને મથી નાખે છે
ક્યાં હશે એનાં બચ્ચાં?

જો
અશ્વત્થામા
મૃત્યુ પામેલા અને સૂતેલાઓમાં શો ફેર છે?
ઘણો ફેર છે
અશ્વત્થામા
ઘણો ફેર છે
જો

મૃત્યુ પામેલાઓના બાહુઓ
ભીમના બાહુઓની જેમ નજરને ભીંસતા નથી
જો
આ નિદ્રિત રક્ષકના મુખ ઉપર
હમણાં જ ફરકી ગયેલું સ્મિત
તું મૃત્યુ પામેલાઓના મુખ ઉપર ફરકતું ક્યારેય જોઈ શકીશ?
જો
મૃત્યુ પામેલાઓની નાસિકા
અર્જુનની નાસિકાની જેમ પ્રકાશતી નથી.
યુધિષ્ઠિરના મુખ પર પથરાયેલી શાંત સ્નિગ્ધ આભા
પિતા દ્રોણના છેદાયેલા મસ્તકમાં ક્યાં છે?
જો
આ પંખિણી જેવી દ્રૌપદી
જેના સહોદરે તારા પિતાનો ઘાત કર્યો હતો તે આ દ્રૌપદી
કેવી નમણી
પોતાના ટહુકાર જેવાં પાંચ બાળકો પર
પાંખ પ્રસારી પોઢી છે.

અશ્વત્થામા!
આ પાંચ નિદ્રિત ક્ષણોને ર્‌હેંસી નાખ
આ ક્ષણોમાં આદિ-મધ્ય-અંત પોઢેલા છે
આ ક્ષણોમાં ડૂબેલો અને ઊગવાનો સૂર્ય પોઢેલો છે.
ર્‌હેંસ... ર્‌હેંસ...
પાંચ તારકોને હણી નાખ્યા
પાંચ બાળકોના રક્તમાં બોળાયેલા
આ હાથને
વિશ્વનું કયું તત્ત્વ ધોશે?
નાસ રુદ્ર
નાસ કૃપાચાર્ય
નાસ અશ્વત્થામા
ક્યાં નાસીશ? તું ક્યાં નાસીશ અશ્વત્થામા?
જો
આ તારાં રક્તાંકિત ચરણ
ત્રણે કાલખંડોની બહાર લથડિયાં લેતા ચાલે છે
જો
આ ઉત્તરાના ગર્ભમાં ફરેલા બ્રહ્માસ્ત્રને
કાલ ભગવાનનું ચક્ર છેદી રહ્યું છે
જો
અસ્તિ અને નાસ્તિ
સદ્ અને અસદ્‌ની
વચ્ચે
પરિરક્ષિત એવું એક ફૂલ
નમણી નારીના ઉદરમાં ખીલી રહ્યું છે.

તું
ક્યાં નાસીશ અશ્વત્થામા?
આ કાળા ફુગાયેલા સડેલા અંધકારમાં
તેં
જાતે જ તારો આત્મમણિ ફેંકી દીધો છે,
કળણમાં ઊંડો ને ઊંડો એ ઊતરતો જાય છે.
હું ક્યાં છું?
દુરિત ચિરંજીવી હોય છે?
ક્યારેય જે વિલય નહીં પામે એવું આ અસદ્
આત્માને દહ્યા જ કરશે?
હું ક્યાં છું?

શું આ રાખના ઢગલા જેવા સૂર્ય અને ચંદ્ર હશે?
શ્વાસને રૂંધી નાખતા એવા
આ સ્થિર કોના પડછાયાઓના પ્રદેશમાં
હું મૂઢ જેવો તલખું છું

હું ક્યાંથી નાસું
મારા સમયને પગ નથી
હું ક્યાંથી નાસું
ચારેકોર પડછાયાઓની ખીણો ખખડે છે
હું ક્યાંથી રડું
મારા સમયને આંખ નથી.
હું ક્યાંથી જન્મું
મારો સમય મરતો નથી
હું ક્યાં છું?

મારા મનને એક ખૂણે
લોહિયાળ કાંટા જેવું કુરુક્ષેત્ર

પ્હાડપ્હોળા લોહિયાળ કાંટા ઉપર બેઠેલું પેલું અંધારપંખી
મારા ચિત્તને એની ખડબચડી પાંખોના ફફડાટથી
હલબલાવે છે... હલબલાવે છે...
હું ક્યાં છું?... હું ક્યાં છું?
(અવકાશપંખી, પૃ. ૧૧૪-૧૨૦)