કાવ્ય-આચમન શ્રેણી – ઝવેરચંદ મેઘાણી/૧૪. કસુંબીનો રંગ: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Heading|૧૪. કસુંબીનો રંગ|ઝવેરચંદ મેઘાણી}} <poem> :::લાગ્યો કસુંબીનો રંગ...")
 
No edit summary
 
Line 53: Line 53:
{{Right|(સોના-નાવડી, પૃ. ૫-૬)}}
{{Right|(સોના-નાવડી, પૃ. ૫-૬)}}
</poem>
</poem>
{{HeaderNav2
|previous = ૧૩. આષાઢી સાંજ
|next = ૧૫. છેલ્લી પ્રાર્થના
}}

Latest revision as of 08:07, 22 September 2021


૧૪. કસુંબીનો રંગ

ઝવેરચંદ મેઘાણી

લાગ્યો કસુંબીનો રંગ –
રાજ, મને લાગ્યો કસુંબીનો રંગ!

જનનીના હૈયામાં પોઢંતાં પોઢંતાં
પીધો કસુંબીનો રંગ;
ધોળાં ધાવણ કેરી ધારાએ ધારાએ
પામ્યો કસુંબીનો રંગ. – રાજo

બહેનીને કંઠે નીતરતાં હાલરડાંમાં
ઘોળ્યો કસુંબીનો રંગ;
ભીષણ રાત્રિ કેરા પહાડોની ત્રાડોએ
ચોળ્યો કસુંબીનો રંગ. – રાજo

દુનિયાના વીરોનાં લીલાં બલિદાનોમાં
ભભક્યો કસુંબીનો રંગ;
સાગરને પારે સ્વાધીનતાની કબરોમાં
મહેક્યો કસુંબીનો રંગ. – રાજo

ભક્તોના તંબૂરથી ટપકેલો મસ્તીભર
ચાખ્યો કસુંબીનો રંગ;
વહાલી દિલદારાના પગની મેંદી પરથી
ચૂમ્યો કસુંબીનો રંગ. – રાજo

નવલી દુનિયા કેરાં સ્વપ્નોમાં કવિઓએ
ગાયો કસુંબીનો રંગ;
મુક્તિને ક્યારે નિજ રક્તો રેડણહારે
પાયો કસુંબીનો રંગ. – રાજo

પીડિતની આંસુડાધારે — હાહાકારે
રેલ્યો કસુંબીનો રંગ;
શહીદોના ધગધગતા નિ:શ્વાસે નિ:શ્વાસે
સળગ્યો કસુંબીનો રંગ. – રાજo

ધરતીનાં ભૂખ્યાં કંગાલોને ગાલે
છલકાયો કસુંબીનો રંગ;
બિસ્મિલ બેટાઓની માતાને ભાલે
મલકાયો કસુંબીનો રંગ. – રાજo

ઘોળી ઘોળી પ્યાલા ભરિયા: રંગીલા હો!
પીજો કસુંબીનો રંગ;
દોરંગાં દેખીને ડરિયાં: ટેકીલાં હો!
લેજો કસુંબીનો રંગ! – રાજo

રાજ, મને લાગ્યો કસુંબીનો રંગ –
લાગ્યો કસુંબીનો રંગ.

૧૯૩૪
(સોના-નાવડી, પૃ. ૫-૬)