કાવ્ય-આચમન શ્રેણી – ઝવેરચંદ મેઘાણી/૪૯. કૃષ્ણકળી: Difference between revisions
MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|૪૯. કૃષ્ણકળી|ઝવેરચંદ મેઘાણી}} <poem> ગામનાં માણસ મૂરખાં રે એને...") |
MeghaBhavsar (talk | contribs) No edit summary |
||
Line 54: | Line 54: | ||
{{Right|(સોના-નાવડી, પૃ. ૩૩૨-૩૩૩)}} | {{Right|(સોના-નાવડી, પૃ. ૩૩૨-૩૩૩)}} | ||
</poem> | </poem> | ||
{{HeaderNav2 | |||
|previous = ૪૮. માની યાદ | |||
|next = ૫૦. દીઠી સાંતાલની નારી | |||
}} |
Latest revision as of 09:05, 22 September 2021
ઝવેરચંદ મેઘાણી
ગામનાં માણસ મૂરખાં રે એને કાળવી કે’તાં રે.
હું કે’તો કૃષ્ણકળી કૃષ્ણકળી કૃષ્ણકળી રે,
ગામનાં માણસ મૂરખાં રે એને કાળવી કે’તાં રે.
દીઠી વૈશાખને દા’ડે, સીમને કૂબે, બાપની વાડી રે:
માથે કાંઈ ઘૂમટો નો’તો
ખંભે કાંઈ સંગટો* નો’તો,
ઝૂકાઝૂક ઊડતો ચોટો મોકળો એની પીંઠ પછાડી રે;
કાળી! મર દેહની કાળી –
મેં તો જોઈ આંખ બે કાળી.
બીજું કાંઈ દેખવું નો’તું, આંખ બે કાળી, હરણાંવાળી રે
આંજ્યા વિણ આંખ બે કાળી રે. – ગામનાંo
આભે એક વાદળી ભાળી ભાંભરી ઊઠી ગાય બે કાળી રે.
આવી ફાળ પામતી બાળી કાળવી એની ઝૂંપડી બા’રી રે
ભાંગીને આંખનાં ભમર આભની સામે ઊભલી ન્યાળી રે
તે દી મેં કાળવી દીઠી,
દીઠી બસ. આંખ બે મીઠી,
બીજું કાંઈ દેખવું નો’તું, આંખ બે કાળી, હરણાંવાળી* રે
આંજ્યા વિણ આંખ બે કાળી રે. – ગામનાંo
ઊગમણી લેરખી આવે, મૉલ ઝુલાવે, ખાય હીંચોળા રે,
સીમે કોઈ માનવી નો’તું, એક ઊભો હું, ન્યાળતો લીલા રે.
મારી કોર ઠેરવી આંખ્યો
ઝાંખ્યો કે નવ રે ઝાંખ્યો? –
હું જાણું, કાળવી જાણે, કોઈ ત્રીજું જણ કાંઈ ન જાણે રે.
કાળી! મર હોય એ કાળી,
મેં તો બસ આંખડી ન્યાળી.
બીજું કાંઈ ન્યાળવું નો’તું, આંખ બે કાળી, હરણાંવાળી રે
આંજ્યા વિણ આંખ બે કાળી રે. – ગામનાંo
એવો જગ જેઠ બેઠો ને મેવલો બેઠો આભ ઈશાને રે,
એવી આષાઢની બાદલ-છાંયડી કાળી રાવટી તાણે રે
એવી કોઈ શ્રાવણી રાતે દિલ એકાએક ડોલવા લાગે રે
એવી એક કાળવી કેરાં કાજળ-ઘેરાં સ્મરણાં જાગે રે.
ગામનાં લોકો! કાળવી કો’, દિલ ચાય તે કે’જો રે,
હું તો કહું કૃષ્ણકળી કૃષ્ણકળી કૃષ્ણકળી રે;
માથે કાંઈ ઓઢણી નો’તી
વેળા લાજવાનીય નો’તી,
બીજું કાંઈ ન્યાળવું નો’તું, બસ દીઠી બે આંખડી કાળી રે,
કાળી કાળી મેઘની છાયા હેઠ મેં દીઠી આંખ બે કાળી રે
કાળી કાળી હરણાંવાળી રે. – ગામનાંo
સંગટો = સાડીનો સરગટ. હરણાંવાળી = હરણાંની આંખો જેવી.
૧૯૪૪
રવીન્દ્રનાથના કાવ્ય ‘કૃષ્ણકલિ’ પરથી. ‘રવીન્દ્ર-વીણા’ની પ્રથમાવૃત્તિમાં મેં ‘હરિની કૃષ્ણકળી રે’ એવો પ્રયોગ કરેલો તે ખોટો છે. કૃષ્ણકલિ નામના બંગાળી ફૂલને કૃષ્ણ ભગવાનની સાથે કશો સંબંધ ન હોવાનું જાણ્યું છે. કવિવરના પોતાના બે અંગ્રેજી અનુવાદો પૈકી એકમાં આનું ભાષાન્તર ‘શી ઇઝ એ લીલી ઑફ માય હાર્ટ’ એમ કર્યું છે. (‘લવર્સ ગિફ્ટ’, કાવ્ય ૧૫.]
(સોના-નાવડી, પૃ. ૩૩૨-૩૩૩)