ગુજરાતી નિબંધ-સંપદા/વિનેશ અંતાણી/નાનાકાકા: Difference between revisions
No edit summary |
MeghaBhavsar (talk | contribs) No edit summary |
||
Line 40: | Line 40: | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
{{HeaderNav | |||
|previous=[[ગુજરાતી નિબંધ-સંપદા/વિનેશ અંતાણી/2. આ સન્નાટાને ભેદવો પડશે|2. આ સન્નાટાને ભેદવો પડશે]] | |||
|next = [[ગુજરાતી નિબંધ-સંપદા/વિનેશ અંતાણી/પાંચ વરસાદ|પાંચ વરસાદ]] | |||
}} |
Latest revision as of 11:17, 24 September 2021
વિનેશ અંતાણી
એમણે વંદન કરવા માટે ના પાડી હતી. એમની આંગળી પકડીને મારું બાળપણ વિતાવ્યું. પછી તો એમના ખભે હાથ મૂકીને ચાલી શકાય તેવી પાક્કી દોસ્તી હતી. પોતાના બધા ભાઈઓમાં એ નાના તેથી નાનાકાકા તરીકે ઓળખાતા. મારા સહિત એમનાં સંતાનો, સંતાનોનાં સંતાનો પણ એમને નાનાકાકા કહેતા. કોઈ પણ વ્યક્તિની વય જેવડી એમની વય. બાળકો સાથે હોય ત્યારે બાળક લાગે, યુવાનો સાથે હોય ત્યારે યુવાનની જેમ વર્તે અને વયસ્કોની વચ્ચે વયસ્ક દેખાય. હંમેશાં ઊજળાં સફેદ કપડાં પહેરે – ધોતિયું, ઝભ્ભો અને સફેદ ટોપી. પગમાં કાળી પૉલિશથી ચમકતા જોડા. ઊંડાઈ પ્રમાણમાં ઓછી, પણ ટટ્ટાર ચાલે. દરેક પગલામાં સ્વસ્થતા. દરેક વળાંક વખતે પાર કરી ચૂકેલા રસ્તાની સભાનતા અને બાકી રહેલા માર્ગ વિશેની સમજ.
એમનું નામ દિનકરરાય મોહનલાલ અંતાણી. મારા નામની સાથે જે નામ જિંદગીભર જોડાવાનું હતું તેમાં આગળની પેઢીનો ભાર નહોતો. સાથે ચાલતા સાથીદારનો સાથ હતો. પ્રમાણમાં ઓછું બોલે, પણ બોલે ત્યારે ક્યારેય અટકવાના નથી તેવું લાગે. કોઈ પણ મનગમતું કામ કરે ત્યારે એકધ્યાન થઈ જાય અને નીચેનો હોઠ દાબેલો હોય. મોટા ભાગે હસે અને હસાવતા રહે. ગુસ્સે થાય ત્યારે જુદી જ વ્યક્તિ લાગે. ચિંતામાં હોય ત્યારે ગેરહાજર દેખાય. લાગણી બતાવવાની ઘડીઓમાં મૂંગા રહી આંખોથી વ્યક્ત કરે. સત્યના આગ્રહી – ઘરમાં કશુંક અણગમતું થયું હોય અને સાચી વાત બહાર ન આવી હોય ત્યારે ન જમવાનો નિર્ણય લઈને બધાને અકળાવે. મૃદુ, લાગણીસભર, નમ્ર, ખોટાં કામોથી ડરતા હોય, સ્વમાની અને આખેઆખા કલાકાર.
એમણે બે-સવાબે વર્ષની નાની ઉંમરે મા ગુમાવેલી. તેથી જિંદગીભર બધું જ સાચવી રાખવાની ધૂન. નાનામાં નાની વસ્તુ નકામી થઈ જાય તોપણ ફેંકી ન દે. આખા ઘરને એમણે છેક સુધી પોતાના કેન્દ્રમાં સાચવી રાખ્યું હતું. છેલ્લા દિવસોમાં હૉસ્પિટલમાં હતા, દસ-બાર દિવસો બેભાન રહ્યા હતા તોય અજાણી જગ્યાએ મૃત્યુ ન પામવાની હઠ પકડી રાખી અને ઘરમાં લાવ્યા ત્યારે પોતાની જગાને પામતાં જ જરા પણ વિલંબ કર્યા વિના વીસ મિનિટમાં તો વિદાય લઈ લીધી.
જિંદગી આખી પ્રાથમિક શાળામાં શિક્ષક રહ્યા. આચાર્ય તરીકે નિવૃત્ત થયા. એમના દિવસો તો સમયના મધ્યમવર્ગના લોકોના દિવસો. મહિનાની બચત પાંચ રૂપિયા થાય, પણ એ બચતની નિયમિતતા જાળવે. સરકારી નોકરી ઉપરાંત ઘર સારી રીતે ચાલે તે માટે વર્ષો સુધી કચ્છના નખત્રાણા ગામના એક ફિલ્મ થિયેટરમાં ટિકિટ માસ્તરનું કામ કર્યું હતું. એ જ ગામમાં સાંજે, ફરતા પુસ્તકાલયના ગ્રંથપાલનું કામ કર્યું હતું. એ જ ગામમાં સાંજે, ફરતા પુસ્તકાલયના ગ્રંથપાલનું કામ કર્યું હતું. પોતે વાંચે ઓછું, પણ મને અને બાને વાંચવા માટે પૂરતાં પુસ્તકો લાવી આપે. કો-ઓપરેટિવ સોસાયટીના હિસાબો લખે. રાત્રે ફાનસ ફટફટ થાય કે વાટ બરાબર કતરાઈ ન હોય તો ગુસ્સો કરે. અમારા ઘરમાં કાબરચીતરી બકરી હતી. તે મરી ગઈ તે પહેલાં ઘરના દરેક કમરામાં એ બકરી ફરી આવી હતી અને છેવટે આંગણામાં બેઠેલા નાનાકાકાના ખોળામાં માથું મૂકીને તેણે પ્રાણ છોડ્યા હતા. તે દિવસ પછી ઘરમાં કોઈ પ્રાણી ન રાખવાની પ્રતિજ્ઞા એમણે લીધેલી.
ટ્યૂશન માટે ભણવા આવતા પારકાના છોકરાઓ વિશે પોતાનાં સંતાનોથી પણ વિશેષ કાળજી લે. એ એવું માનતા કે કૉલેજના પ્રાધ્યાપકો કરતાં પ્રાથમિક શાળાના શિક્ષકોનું કામ વધારે વિકટ છે. બાળકને પહેલો અક્ષર શીખવવા જેવી અઘરી કળા બીજી કોઈ નથી. એ કલાકારની કક્ષાએ જ માસ્તરનું કાર્ય કરતા.
એમની યુવાનીના દિવસોમાં સ્ટેજ-નાટકોમાં અભિનય કરતા. રાજાશાહીના દિવસોમાં તે સમયે ભુજમાં વસંતોત્સવ ઊજવાતો. આખું શહેર નાટક જોવા માટે ઊમટે. રિહર્સલના સમયે પાઠ યાદ ન રાખે અને અભિનયમાં ધ્યાન ન આપે. મોટા ભાગે દિગ્દર્શકોને ચિંતામાં જ રાખે. છેલ્લે છેલ્લે હકડેઠઠ ભરાયેલી માનવમેદનીની સામે આયોજકોના પસ્તાવા વચ્ચે એ સ્ટેજ પર એન્ટ્રી લે ત્યારે જુદી જ વ્યક્તિ હોય, આખું નાટક પોતાની ઉપર લે. આજે પણ એમના અભિનયને ઊલટભેર યાદ કરનારા લોકો જીવે છે.
તબલાં, ઢોલક અને ઢોલ વગાડે. નખત્રાણામાં નવરાત્રિની રાત્રે ગરબી ટાણે એક દિવસ ઢોલી નહોતો આવ્યો તો પોતે ઢોલ વગાડવા શેરીમાં બેસી ગયા હતા તે દૃશ્ય મને સ્પષ્ટ રીતે યાદ છે. હું એમની બાજુમાં બેઠો હતો અને એમની મસ્તીને નિકટતાથી જોઈ હતી.
બાળકોને ખુશ કરવા માટે કપાસમાંથી આબેહૂબ સસલાં અને બગલા બનાવે. પછી કોઈને મેળામાં વેચવા માટે આપે. તેમાંથી કમાણી શી થઈ તેનો ખ્યાલ ન રાખે. કારીગર પણ સારા હતા. ઘરમાં બધાં જ ઓજારો રાખ્યાં હતાં. બે પગ વચ્ચે પાટિયું દાબીને કરવતથી કાપતા હોય. ખીલી ઠોકતા હોય. કામચલાઉ ટેબલ બનાવતા હોય. ઘરના વિશાળ આંગણાને લીંપતા હોય. ફૂલઝાડ વાવતા હોય. રાતે લીંપેલા આંગણામાં બેસીને અમે બધાં સાથે જમતાં હોઈએ. વચ્ચે પડેલા ફાનસની આસપાસ બેઠેલા અમારા નાનકડા કુટુંબના પડછાયા હજી પણ મારી સ્મૃતિમાં છે. એ પડછાયાઓમાં ફૂલો ઊગ્યાં છે. એ પડછાયામાંથી લીંપણની સુગંધ પ્રસરે છે. એ બધું જ ભેળસેળ થઈને મારા પિતાજી નાનાકાકાની સ્મૃતિની સુગંધ બને છે.
એમને સંતાનોમાં ત્રણ દીકરી અને હું. અમારી સાથે – ખાસ કરીને મારી સાથે એક રમત રમે. મને કહે – તું મારો હજામ. મારા વાળ કાપવા આવ્યો છે. હું સમજી જતો કે એમને ઊંઘ નથી આવતી તેથી મારે એમના વાળમાં દાંતિયો અને હાથ ફેરવવાના છે. તેથી રાજીખુશીથી હજામ-હજામની રમત રમતો. એમના વાળમાં હાથ ફેરવતો જાઉં, હજામની ભાષામાં વાત કરતો જાઉં, એ જવાબ આપે – પછી ધીરે ધીરે હોંકારા નબળા પડે અને આરામથી ઊંઘી જાય. એ રમત વર્ષો પછી પણ હું રમ્યો હતો. એમને બ્રેઈન હેમરેજ થયું તે સાંજે એમની તબિયત ખૂબ નાજુક હતી. ડૉક્ટરે આશા છોડી દીધી હતી. એ કોમામાં હતા. ચિંતાભરી રાતે એમના બેભાન શરીર સામે જોતાં મને લાગ્યું કે એમને ગાઢ ઊંઘની જરૂર છે અને હેમરેજ થયેલા માથામાં શાંતિની જરૂર છે. હું એમની નજીક ગયો. પાસે બેઠો. નાનપણની હજામ-હજામની રમત આદરી. એમના વાળમાં હાથ ફેરવતો રહ્યો. તે પછી એક ઘટના બની. કોમામાં દબાયેલી એમની ચેતના અને મારી વચ્ચે અદ્ભુત સંક્રમણ થયું. આખી જિંદગીનો આલેખ જાણે અમે બંનેએ ચર્ચી લીધો. કોઈ પણ વખતે આટલી સઘન વાતચીત અમે કરી નહોતી. અમે બંને મૌન હતા અને બંને પક્ષે વેદના હતી, પણ સ્પર્શ કાયમ હતો અને એ સ્પર્શ જ ભાષા બન્યો હતો. મેં એમને કહ્યું હતું મારા મનમાં કે તમારે જવું હોય તો ચોક્કસ જાઓ. જો આ વિદાયની ક્ષણ હોય તો તમારા દ્વારા પ્રગટેલો હું તમારા રૂપે જ અહીં હયાત રહેવાનો છું. તમે પૂર્ણ જિંદગી જીવ્યા છો. બધું જ સભર છે. પીડાથી મુક્ત થઈ અને સનાતન સુખના વિશ્વમાં પ્રવેશો….
બીજી એક રમત પણ એ રમતા. એ સૂતા સૂતા હાથ સાવ લૂલો કરી નાખે. પછી અમને કહે – મારો હાથ મરી ગયો છે, તેને જીવતો કરો. અમે સાવ લબડેલો હાથ ઉપાડીને સ્થિર કરવાની કોશિશ કરીએ અને એ નીચે પાડી દે. અમે અમારા પ્રયાસોની નિષ્ફળતા વચ્ચે એમના મરી ગયેલા હાથને સજીવન કરવાની કોશિશ કરીએ, પણ એ મચક ન આપે.
હોળી અને ધુળેટીના દિવસોમાં એમણે કરેલાં તોફાનો, એમનો વિનોદ, મિત્રોની સાથે બેસીને રંગતમય બનાવેલી મહેફિલો, કળા અને કારીગીરીમાં નિપુણતા એમનો સ્વભાવ હતો. કોઈના પર પણ દ્વેષ નહીં. સમાજ અને કુટુંબમાં બધાને પ્રિય. વડીલ જેવા કદી પણ લાગ્યા નહીં. જિંદગીભર એમણે કશું જ માગ્યું નહીં, હંમેશાં આપતા રહ્યા. વેદના અને પ્રસન્નતાની ક્ષણોમાં મૌન બની જાય, તટસ્થ છે એવું લાગે, પણ અંદરથી એ કેન્દ્રમાં જ હોય. અભાવોની વચ્ચે જીવ્યા હશે, પણ સંતોષ એટલો બધો કે અભાવોનું રૂપ જ પ્રગટવા દીધું નહીં. એમની આંગળી પકડાવીને મને ચાલતો કર્યો. પછી દોડવા દીધો, પછી આગળ નીકળી જવા દીધો – પણ ક્યારેય મને દૂર થવા ન દીધો. મેળામાં મને શિયાળનું રમકડું લઈ આપે, મારું મેટ્રિકનું પરિણામ લાવવા ભુજ જાય, મારા માટે કપડાંને ઇસ્ત્રી કરી આપે, પુસ્તકો લાવે, મારી વાર્તાઓ છપાવાની શરૂઆત થઈ ત્યારે મલકાય, પહેલી નોકરીનો ઑર્ડર મને મળ્યો ત્યારે સંતુષ્ટ દેખાય, મારા પુત્રોના જન્મ પછી ઘોડિયા આગળથી ખસે જ નહીં અને એક રાત્રે અચાનક હીંચકા પર ઝૂલતાં ઝૂલતાં લકવાના હુમલાને ખાળવાના પ્રયત્નમાં નિષ્ફળ ગયા અને બેભાન થઈને જમીન પર ઢળી પડ્યા.
વેદનાનો ભાર હસતાં હસતાં સહન કરવાની સીમા એ પાર કરી ગયા હતા અને પછી થાક્યા હોય તેમ પક્ષાઘાતની અસર હેઠળ છ વર્ષ સુધી શારીરિક અને માનસિક પીડા સહન કરી હતી. લાકડીના ટેકે ઘરમાં હરફર કરતા થયા હતા. એમનો એક પગ ઘસડાતો હોય તેનો અવાજ અમારા બધાની નસોમાં લસરકા મારતો રહ્યો હતો. બીજાના આશ્રિત થઈ ગયા હોવાની શરમ એમની આંખોમાંથી છલકાતી રહી હતી. પણ કદીય ફરિયાદ કરી નહોતી. સતત છ વર્ષ સુધી ટગરટગર જોતા રહ્યા હતા. જિંદગીથી હાર્યા હશે તો કદી મારી બાને કશુંક કહી દીધું હશે, પણ એમની વેદનામાંથી મને બાકાત રાખ્યો હતો. બારી પાસે પડેલા પલંગ પર બેઠા હોય અને સીમિત થઈ ગયેલાં દૃશ્યો જોતા રહેતા હોય.
મારી બાના આધારે રહ્યા, પણ વજન ન આવવા દીધું. એમના શરીરમાંથી સતત રુદ્રાક્ષની સુગંધ આવતી હતી. વહાલી પુત્રી અને તેના પતિના મૃત્યુની કારમી પીડા પુરુષની છાતી સાથે સહન કરી. અમે સંતાનોએ પણ એમને કેટલીય ઘટનાઓ દ્વારા દુ:ખ આપ્યું હશે, પણ એમણે અમને તો બદલામાં વહાલ જ આપ્યું. એક સબળ કલાકાર, જિંદગીના સૌંદર્યને બરાબર સમજનાર, હસતો-હસાવતો પુરુષ, પૌત્રો અને દોહિત્રો સાથે એમની જ ઉંમરનો અહેસાસ ઊભો કરનાર એ પુરુષ પક્ષાઘાતથી સ્થગિત થઈ ગયો, પણ લાચાર ન થયો. એ માણસ કદી પણ ઓશિયાળો ન બન્યો કોઈનો. હાથને લૂલો બનાવીને રમત રમાડતો મારો બાપ સતત છ વર્ષ સુધી પક્ષાઘાતથી પીડાતો રહ્યો, પણ પંગુ ન બન્યો. આખી જ વાતને રમતની સહજતાથી સ્વીકારી.
એમણે શું નથી આપ્યું અમને? અમે સ્થળો બદલ્યાં છે તોપણ અદૃશ્ય રૂપે અમારી સાથે જ રહ્યા છે. એ હવે નથી એવું તો ક્યારેક લાગ્યું જ નથી. અમારાં સપનાંમાં એ આવે છે ત્યારે કપાસમાંથી સફેદ સસલાં અને બગલાનાં રમકડાં બનાવતા દેખાય છે, સ્ટેજ પર રહીને માનવમેદનીને હસાવતા દેખાય છે, ઢોલ વગાડતા દેખાય છે, નીચે વળીને હિસાબ લખતા દેખાય છે, આંગણામાં લીંપણ કરતા દેખાય છે. સફેદ વસ્ત્રોમાં સજ્જ શેરીમાં ચાલતા દેખાય છે. એ કદી પણ પક્ષાઘાતથી અપંગ બનીને બેઠેલા દેખાતા નથી.
એમના છેલ્લા દિવસોમાં આખું શરીર પક્ષાઘાતની અસરમાં આવી ગયું હતું. એમને હૉસ્પિટલમાં દાખલ કર્યા હતા. બધો જ સમય એ કોમામાં રહ્યા. બાહ્ય સ્પર્શો અને સંવેદનાઓમાંથી મુક્ત થઈ ગયા, છતાં પણ એમનું શરીર જીવતું હતું. છેવટે એક વહેલી સવારે અમે નિર્ણય લીધો કે હવે દવાઓની અસરથી શ્વાસ લેતું શરીર આરામ માગે છે. ડૉક્ટરની સલાહ લઈને અમે એમને ઘેર લાવ્યા ત્યારે મારે લખી આપવું પડ્યું હતું કે હું મારી જવાબદારી પર એમને લઈ જાઉં છું. હૉસ્પિટલની કૉરિડોરમાં સ્ટ્રેચર પર લઈ જવાતા એમના બેભાન શરીરને જોતાં મને સમજાયું હતું કે આ ક્ષણ સુધી મારા ભવિષ્યની જવાબદારી એમણે ઉપાડી હતી, હવે પછીની ક્ષણોથી એમના મૃત્યુની જવાબદારી મારી છે.
એ પુરુષની વિદાયની ક્ષણો ધન્યતાની ક્ષણો હતી. એમના મૃત્યુનો પણ આદરભેર સત્કાર કરવાનો અમે નિર્ણય લીધો હતો. કોઈએ પણ આંસુ પાડવાનું નહોતું. શરીરમાંથી છૂટીને અમારા બધામાં વિસ્તરી જવા માગતા દિ. મો. અંતાણીના આત્માની મુક્તિનો એ ધન્ય પ્રસંગ હતો. મહાયાત્રાએ નીકળેલા મારા પિતાએ શ્વાસની ગતિ વધારી દીધી. કુટુંબના બધા જ સભ્યો એમની આસપાસ ઊભાં હતાં. પક્ષાઘાતથી વિરૂપ થયેલો ચહેરો મૂળ રૂપ પામ્યો. મને ખાતરી છે કે જીવનની અંતિમ ઘડીએ એમના શરીરમાં એમની ચેતના સંપૂર્ણપણે જાગ્રત થયેલી હતી. કોમામાં રહીને આટલા દિવસો આંખો ન ઉઘાડી, પણ છેલ્લી ઘડીઓમાં આંખો ઉઘાડી અને આસપાસ ઊભેલાં બધાં જ સ્વજનોની સામે વહાલપૂર્વક નજર ફેરવી હતી. એ બધું જ જોઈને સમગ્રતાને પોતાની સાથે લઈને સ્થિર થયા હતા.
એમના ચહેરા પર દિવસો સુધી વધેલી સફેદ દાઢી અને લાંબા થયેલા સફેદ વાળની વચ્ચે દિવ્ય ગરિમા હતી. કોઈ રડ્યું નહોતું. અમે બધાંએ દૃઢતાથી એમના શરીરને વિદાય આપી હતી અને એમના આત્માનો સ્વીકાર કર્યો હતો. ઋષિ જેવો પુરુષ ઋષિનું રૂપ ધારણ કરીને ગયો અને તે ક્ષણે અમારામાં ભળી જઈને પાછો આવ્યો.
એમને વંદન કરવાનાં નથી. મારા ખભા પર રહેલા એ દોસ્તના હૂંફાળા હાથના સાન્નિધ્યમાં હજી પણ મારે અને અમારે આગળ વધતા રહેવાનું છે. એ ફોટામાં સ્થિર નથી થયા – મારા નાનાકાકા અમારી વચ્ચે જ હરફર કરે છે…