સ્વર્ગની નીચે મનુષ્ય/અનુક્રમ/૧: Difference between revisions
No edit summary |
No edit summary |
||
Line 68: | Line 68: | ||
{{HeaderNav2 | {{HeaderNav2 | ||
|next = ૨ | |next = ૨ | ||
}} | }} |
Latest revision as of 23:17, 27 September 2021
સામે એક નદી છે. એ નદી પાર કરવી પડશે. પુરુષનું નામ રંજન છે. ઉંમર ૩૪ વર્ષની છે. શરીરનો બાંધો અને સ્વાસ્થ્ય સારાં છે. તેણે આછા ચૉકલેટ રંગનું પેન્ટ અને સફેદ પહેરણ પહેર્યાં છે. સફેદ પહેરણ તેને ગમે છે. ખભે કૅમેરા લટકે છે. સ્ત્રીનું નામ ભાસ્વતી છ.ે ઉંમર ૨૭ વર્ષનીછે. તેણે ઘેરા આસમાની રંગની સાડી અને બ્લાઉઝ પહેર્યાં છે. બ્લાઉઝ નીચે બ્રાની આઉટલાઈન નજરે પડે છે. તેની બ્રાનો રંગ કાળો છે, ચણિયાનો રંગ પણ કાળો છે, પછી દેખાશે. તેનું બોલાવવાનું નામ સતી છે.બધાં એ જ નામે બોલાવે છે, પણ તેનું નામ ઝરણું હોત તોય બંધબેસતું આવત. તે ઘણી સુંદર છે અને નાની ઉંમરના બાળકની જેમ મસ્તીખોર છે. રૂપ વગરની સ્ત્રીઓની વાત જુદી હોય છે અને રૂપાળી સ્ત્રીઓની વાત જુદી હોય છે. આ રૂપની વાત છે. આ બંને પતિ-પત્ની છે. આ બંને જણની પોતાની આગવી એવી અનેક ગોપન વાતો છે, જેમ ઘણાં લોકોની હોય છે. કોઈ કોઈ દિવસ એવું નથી થતું કે બપોરે જ આકાશમાં સાંજના જેવું અંધારું થઈ જાય! આજ પણ એવો જ દિવસ છે. નૈર્ઋત્ય ખૂણામાંથી ધીરે ધીરે ફેલાતાં જઈ હવે આખા આકાશમાં વાદળ છવાઈ ગયાં છે. છતાં એ વાદળ પથ્થર જેવાં સખત છે. વરસવાનાં કોઈ ચિહ્ન નથી. એ વાદળોની પશ્ચાદ્ભૂમાં નદીના સામે કાંઠેનો પહાડ ગંભીર લાગે છે. આ દિવસોમાં કોઈ નદી પાર કરીને પહાડ પર ચઢવાની ઇચ્છા નથી કરતું, પણ ભાસ્વતી ઘણી જિદ્દી છે. પહોંચતાં પહોંચતાં જ ઘણું મોડું થઈ ગયું. સવારથી જ મોટરગાડી બગડી ગઈ હતી. રંજને કહ્યું હતું, ‘આજે બહાર નહિ નીકળીએ.’ ભાસ્વતીએ કહ્યું હતું, આખો દિવસ ડાકબંગલામાં નહિ બેસી રહેવાય. રંજને કહ્યું હતું, પણ ગાડી બગડી ગઈ છે ને? ભાસ્વતીએ કહ્યું હતું, બે વર્ષ પહેલાં આપણી પાસે ક્યાં હતી ગાડી? તે વખતે પણ આપણે પ્રવાસે તો જતાં. તેથી રંજન ગયો હતો – દોઢ માઈલ દૂરથી ગાડીનો મિકેનિક બોલાવી લાવવા. મિકેનિકે આવી ઠક ઠક કરી કહ્યું કે ગાડીને ગેરેજમાં લઈ જવી પડશે. ઠેલતાં ઠેલતાં લઈ જવી પડી. રંજને ઇચ્છ્યું હતું કે ગાડીને ચાલું થતાં ભલે વધારે સમય લાગતો. ગેરેજવાળાઓએ કહ્યું કે, ગાડીમાં ઘણી ખરાબી છે, બે દિવસ પહેલાં તૈયાર નહિ થાય. નિશ્ચિત ભાવે ડાકબંગલા પર આવીને રંજને કહ્યું કે, બે દિવસ પહેલાં હવે ક્યાંય જઈ શકશે નહિ. ગાડી નહિ મળી શકે. ભાસ્વતીએ કહ્યું, બસ તો છે. લોકો બસમાંય ફરવા જાય છે. નહિતર બસો ચાલે કેવી રીતે? રંજને કહ્યું કે, એ ખોટું છે. બસમાં બેસીને માણસ કામધંધે જાય છે, ફરવા નથી જતા. તે ઉપરાંત બસ છેક નદીના કાંઠા સુધી નહિ જાય. લગભગ એક માઈલ પગે ચાલીને જવું પડશે. – પગે ચાલીને જવાની તમને બીક લાગે છે? રંજન બીકણ નથી. તેના શરીરમાં તાકાત છે, છાતીમાં હિંમત છે. પૃથ્વી પરના હારી ખાનાર માણસોમાંનો તે નથી, બલ્કે તે તો ઘણું બધું મેળવતો રહ્યો છે. તરવામાં તેણે મેડલ મેળવ્યો છે, કૉલેજ ટીમમાં ક્રિકેટ રમેલો છે. ભૂતબૂતમાં માનતો નથી. શહેરના માર્ગ પર એકાએક હોહલ્લો થતાં તે નાસવા લાગતો નથી, પણ જરા ઊભો રહી બેએક ક્ષણ શાંતિથી જુએ છે, પણ ડુંગર ચઢવાનું તેને નથી ગમતું. ગમતું નથી તે બસ નથી ગમતું. તેનું કોઈ કારણ નથી. મોટરગાડી સાથે જ ચઢાવી દો – તેને પહાડના શિખર પર, તો તે સૌંદર્યનું પાન કરશે. પણ તે સૌંદર્યના લોભથી પગે ચાલીને ડુંગર નહિ ચઢે. આમ છતાં તે મહેનતથી ડરતો નથી. સમુદ્ર તરવાની વાત કોઈ કરે તો એ વાતમાં રંજન રાજી છે. અનેક માણસોની આવી જાતજાતની કમજોરીઓ હોય છે. તેમાંય ખાસ કરીને, આ નદી પાર કરીને આ પહાડ જોવા અંગે તેના મનમાં એક બીજો વાંધો પણ હતો. પહાડ અંગે એક વહેમ પ્રચલિત હતો. તે વહેમને તે ટેકો આપવા નહોતો માગતો. ભાસ્વતી તો બસ જવાની જ જવાની. આવી વાત સાંભળીને ભાસ્વતી પરીક્ષા કરી જોવા માગે છે અને જ્યારે નજીકમાં જ તો છે. રંજનનો એવો મત હતો કે બધા વહેમોની પરીક્ષાની હઠ પણ એક રીતે તો એને માની લેવા બરાબર છે. – તમે આળસુવેડા કરવા માગો છો ને એટલે આમ બોલો છો. આવા બધા તર્ક શા માટે કરો છો! રંજન પાયજામો અને ગંજી પહેરીને ડાકબંગલાના વરંડામાં બેઠો હતો. તેના પહોળા કાંડા પર બાંધેલી ઘડિયાળના કાચ પર પડીને તડકો ચળકતો હતો. રંજનનું સ્વાસ્થ સુદૃઢ હતું. પોલાદના બખ્તર જેવી તેની છાતીની આકૃતિ હતી. આ માણસને જોઈ તેને કોઈ આળસુ ન કહે. તો યે રંજને હસીને કહ્યું હતું, કોઈ કોઈ વેળા આળસુવેડા કરવાનું પણ ખરાબ નથી લાગતું. ચાલને આજ આખો દહાડો પડ્યાં રહીએ! ભાસ્વતીએ તેનો હાથ પકડી, ખેંચીને કહ્યું, ના ઊઠો. એટલે પછી નીકળવું જ પડ્યું. સ્થાનીય લોકોમાંથી કોઈએ કહ્યું હતું કે, તે પહાડ ચઢતાં-ઊતરતાં ત્રણ કલાક લાગે છે. જ્યારે કોઈ કોઈએ તો કહ્યું કે તે પહાડ પર ચઢી જ શકાતું નથી – દેખાય સીધો તેથી શું? તો વળી પાછું કોઈએ કહ્યું કે, સરસ મઝાનો રસ્તો તૈયાર કરવામાં આવ્યો છે, કોઈ અગવડ નથી. બેક જણે તેમને જવાની એકદમ ના કહી હતી. પહાડ અને રસ્તા વિષે જુદા જુદા માણસોના જુદા જુદા મત હોય છે. જેઓ રસ્તો માપનારા છ,ે તેમના સિવાય રસ્તાની લંબાઈ વિશે બીજા કોઈ અંદાજ કાઢી શકતા નથી હોતા. પહાડ પણ કેટલાકને માટે હંમેશ માટે ખૂબ દૂર હોય છે, જ્યારે કેટલાક વિચારે છે કે ગમે તેટલો ભલેને દૂર હોય, જવું જોઈએ, પણ આ પહાડની વાત જુદી છે. તેઓ આ પહાડની ભક્તિ કરે છે. તેનાથી ડરે પણ છે. રંજને નારાજ થઈને અભિપ્રાય દર્શાવ્યો કે તે લોકોની વાતો પર વિશ્વાસ કરી શકાય તેમ નથી. કોઈ કોઈની વાતનો કોઈ કોઈની જોડે મેળ જ ખાતો નથી. ભાસ્વતીએ કહ્યું કે જાતે જઈને જોઈશું એટલે ખબર પડશે કે કોની વાત સાચી છે ને કોની ખોટી. રંજન સાહસી છે, તો ભાસ્વતી દુઃસાહસિકા. ખખડી ગયેલી બસ હતી. પણ તેમાંય ફર્સ્ટ ક્લાસ, સેકન્ડ ક્લાસ, થર્ડ ક્લાસ હતા. ભાસ્વતીની ઇચ્છા થર્ડ ક્લાસમાં બધાં સ્ત્રીપુરુષો જોડે ભળીને જવાની હતી. રંજને અનુમતિ આપી હતી, કારણ કે વાંધાનો કોઈ અર્થ નહોતો, એ તે જાણતો હતો. પણ બસનો કંડક્ટર એ વાત કાને જ ધરતો નથી. કોઈ ભદ્ર માણસને – એટલે કે જેને જોઈને જ ખબર પડે કે ખિસ્સામાં પૈસા છે. અને ગોરા ચહેરાવાળી રમણીને તે થર્ડ ક્લાસમાં લઈ જ ના શકે – એવો કોઈ નિયમ ભલે નથી. હા-નાની ચર્ચા બહુ લાંબી ચાલે તેમ નહોતી. પોતાની ભાષામાં તે જોરદાર બોલ્યે જતો હતો, જે રંજન અને ભાસ્વતીની સમજમાં નહોતું આવતું. આ પ્રદેશમાં જે ભાષા ચાલે છે, તે બરાબર હિન્દી પણ નહોતી. મધ્યપ્રદેશ હતો. પરિણામેે, લોખંડની સાંકળથી ઘેરાયેલા ફર્સ્ટ ક્લાસમાં જ જવું પડ્યું. એંજિનની ગરમ, બળેલા મોબિલની ગંધ અને છતાં બીજા સામાન્ય ગરીબ માણસોની સાથે શરીરે ઘસાઈ ભીડમાં બેસવાનું નહોતું એ જ આ ક્લાસનો આરામ. દોઢ કલાકમાં પહોંચવાની વાત હતી, પોણા ત્રણ કલાક થયા. જ્યાં તેમને ઊતરવાનું હતું, ત્યાં એક નાસ્તા માટેની દુકાન હતી. પૂરી અને શાક. શુદ્ધ – ઘણુંબધું સોડાતા શુદ્ધ દૂધની બનાવેલી ચા. કલકત્તાના માણસોને પરિચિત ચાનો કોઈ સ્વાદ તેમાં નહોતો. ઘરે આવી ચા જો કદીકને બની હોય તો કકળાટ થઈ જાય. એ ચાનો મુખ્ય ગુણ તો તે ગરમ હતી તે. તેમણે બે કપ ચા લીધી. તે પી ગયા પછી વળી બીજા બે કપ. આ પણ એક પ્રકારની મઝા છે! આ પછી એક માઈલ સુધી પગે ચાલવાનું હતું. સ્વાભાવિક રીતે જ એક માઈલ ત્રણ માઈલ જેટલો હતો. આ દરમિયાન વાદળ ઘેરાઈ આવ્યાં હતાં. બપોરે પણ સાંજ જેવું લાગતું હતું. ચમકતું બાહ્ય દૃશ્ય હવે મનને અરુચિકર લાગતું હતું. આકાશમાં પંખી નથી, અનેક ખડમાંકડીની ઊડાઊડ શરૂ થઈ છે. એવામાં વાદળને ચીરીને એક વિમાન પસાર થયું – ખૂબ અવાસ્તવિક લાગે છે. જાણે ક્યારેય વિમાન જોયું જ નથી, એવી નજરે ભાસ્વતીએ આકાશ ભણી જોયું. રંજને કહ્યું, આજે ના જવું એ જ બરાબર છે! આકાશનાં રૂપરંગ સારાં નથી. ભાસ્વતીએ કહ્યું. મને પાછા જવાની ઈચ્છા થતી નથી. – જો રાતે બહુ જ મોડું થઈ જશે તો? – જ્યાં હોઈશું, ત્યાં રાત તો થવાની જ છે ને! નદી નાની હતી. અહીંના લોકોએ જણાવ્યું હતું કે પાણી વધારે નથી. ચાલીને પાર થઈ શકે તેમ છે. પ્રત્યક્ષ પ્રમાણરૂપે એક બળદગાડીને નદી પાર કરી આ બાજુ આવતી જોઈ. બળદગાડી પહાડ પરથી આવતી નહોતી. પેલી બાજુ બીજા કોઈ ગામનો ચોક્કસ રસ્તો હશે. ભાસ્વતીને ખભે એક મોટી ચામડાની બેગ લટકતી હતી – તેમાં પરચુરણ ઉપયોગની ચીજવસ્તુઓ હતી. ઘણો ભાર હતો. રંજનને ખભે માત્ર કૅમેરા હતો. નદી પાર કરવા માટે ભાસ્વતીએ સાડી ઊંચી લીધી. રંજને રાજકપૂરની પ્રસિદ્ધ મુદ્રામાં તેના પેન્ટને વાળી લીધું. નદીના પાણીમાં પગ મૂકતાં જ ખબર પડી કે પાણી જેટલું ઠંડું છે, તેટલો તેનો વેગ પણ તીવ્ર છે. નદી ભલે નાની હોય પણ એનો પ્રવાહ તેજ છે. તેની છાતી પરથી પસાર થઈ શકો, પણ તેને માનવી પડે. જો કે આ નદીમાં તરવાનો સુયોગ નહોતો, છતાં તેમાં પગ મૂકતાં જ રંજનનો મૂડ સારો થઈ ગયો : – સતી, મારો હાથ પકડ. ભાસ્વતીને બધી વસ્તુઓમાંથી આનંદ મળતો. આ ઠંડું પાણી, પ્રવાહનું ખેંચાણ – તેની સ્પૃહાને ઉત્તેજિત કરે છે. એક હાથમાં ચંપલ, બીજો હાથ રંજનના હાથમાં, મોટા મોટા પથ્થરના ટુકડાની અણીઓ પગે વાગતી તોયે તે હસતી હતી. હસતાં હસતાં બોલી, ક્યાંક વધારે પાણી હશે તો? ભાસ્વતીને તરતાં આવડતું નથી. પ્રખ્યાત તરવૈયા સાથે તરવાનું ન જાણનાર છોકરીનાં લગ્ન થાય એ એવી કંઈ ન બને એવી વાત નથી. વૈજ્ઞાનિકની પત્ની શું પૂજા–અર્ચના કરતી નથી? અનેક મહાકવિઓની સ્ત્રીઓએ કવિતાને પસંદ કરી નથી. પાણી વધારે હોય કે ના હોય, ભાસ્વતીના પ્રશ્નમાં ભયનો લેશ નહોતો. આ તો બધું કૌતુક. માત્ર રંજનને મોઢેથી તે આશ્વાસનનાં વચનો સાંભળવા માગે છે, જે બોલીને રંજન પરિતૃપ્ત થશે. પુરુષોની દુર્બળતા જાણતાં સ્ત્રીઓને જરાય વાર લાગતી નથી. સ્ત્રીઓ વળી પુરુષને રહસ્યમય પ્રાણી તરીકે જોતી નથી. વિશ્વસનીયતા એ જ મુખ્ય યોગ્યતા. રંજન વિશ્વસનીય છે, ભલે પહાડ ઉપર નહિ, પણ પાણીમાં તો ખરો જ. ભાસ્વતીની સાડી ઘૂંટણ સુધી ઊંચે ઊઠી હતી. પાણીના વધવા સાથે તે વધારે ઊંચી થતી જતી હતી. ક્યાંય કોઈ નહોતું. આવી નિર્જનતા નરનારીને બહુ આનંદ આપે છે, એટલે સુધી કે પતિ-પત્નીને પણ. બેડરૂમમાં કોઈ હોતું નથી તો પણ આ આકાશની નીચે પહાડ અને નદીની પૃષ્ઠભૂમિમાં બે જણનો એકલાં હોવાનો સ્વાદ કૈંક જુદો જ હોય છે. ભાસ્વતીએ નીચે નમી નદીમાંથી એક ખોબો પાણી લઈ રંજનના શરીરે છાંટ્યું. રંજન ચિડાયો નહિ. વચ્ચોવચ પ્રબળ પ્રવાહની વચ્ચે પણ પોતાને દૃઢતાથી સ્થાપીને તે ભાસ્વતી ભણી એક નજરે જોઈ રહ્યો. ભાસ્વતીનો ખભો પકડી, જરા નમાવી હસતાં હસતાં બોલ્યો, ‘પાડી દઉં, પાડી દઉં?’ કોઈ એ જોનાર તો નહોતું. કોઈ જાણતું નહોતું કે તે કલકત્તાની એક મોટી સંસ્થાનો જવાબદાર ઑફિસર છે. અહીં છોકરમત કરવામાં વાંધો શો? કોઈ ના જુએ તોયે કેટલીય બાબતમાં જરા વાંધા જેવું હોય છે. ભાસ્વતીએ તેની સાડી પોતાની સાથળની ઘણે ઉપર સુધી ઊંચી લીધી હતી. રંજન તે તરફ એકીટશે જોઈ રહ્યો! જરા શરમાઈ, આંખ ફેરવી વળી પાછો ફરી જોઈ રહ્યો. આ વખતે તેની દૃષ્ટિમાં અને મોઢા પર જુદી રીતનું હાસ્ય હતું. ભાસ્વતીની ગોરી સાથળ, તેના પર નીલ સાડી, જાણે યવનિકા! જે પુરુષે તેની પત્નીને શયનકક્ષમાં અનેકવાર નિરાવરણ જોઈ છે અને ઊંઘના ઘેનમાં તે સાથળ પર અનુભૂતિહીન હાથ મૂક્યો છે, અનેક વેળા પત્ની જ્યારે કપડાં બદલતી હોય છે તેની નજીકમાં જ રહીને, અને તેય નજર નાખ્યા વિના જ કોઈ સામાન્ય ચોપડી વાંચતો રહ્યો છે – આજે તે શરીરનો કશોક ગોપન આભાસ પામીને રોમાંચિત છે. આવું થતું હોય છે. પાણી થોડું વધ્યું. ભાસ્વતીએ હવે સાડી ઊંચે લેવાને બદલે, એકદમ છોડી દીધી. પલળી એકાકાર થઈ ગઈ. અહીંની આદિવાસી સ્ત્રીઓ આ નદી પાર કરતી વખતે સાડી ભીની કરતી નથી – ભલેને અનેક લોકો હોય! તેનું કારણ એ છે કે તેમની પાસે બીજી સાડી જ નથી હોતી. ભાસ્વતીની પાસે પણ અત્યારે બીજી સાડી નથી, તોયે તેણે પહેરવાનાં કપડાં ભીંજવી નાખ્યાં. માત્ર પોતાના પતિથી શરમાઈને! ભાસ્વતી કંઈ સાધારણ સુંદરી નથી. એ જરૂર કે તેની આંખો, નાક, મોં અને બીજા અંગપ્રત્યંગોનો અલગ અલગ રીતે વિચાર કરતાં તેમાં ક્યાંક દોષ જેવું લાગે, પણ આનંદિત રહેવાની તેની ક્ષમતા જ તેને આટલી સુંદર બનાવે છે. તે જાણે આ સ્રોતસ્વિની નદીનું જ પ્રતિરૂપ છે. પાણી નસીબદાર! ભીની સાડી સાથે પાણી ઠેલતાં ઠેલતાં ચાલતાં સમય વધારે લાગે છે. પ્રવાહને વિઘ્ન નડતાં પ્રતિવાદમાં ગુંજારવ કરે છે. – જુઓ તો ખરાં કેવાં સુંદર નાનાં નાનાં માછલાં છે! – જલદી જલદી ચાલ, સતી! – તમે આ માછલાં કેમ જોતા નથી? – જલદી જલદી પાછા જવાનું છે ને? – હજી તો પહોંચ્યાં જ નથી, ત્યાં પાછા ફરવાની વાત! – સાડા સાત પછી કોઈ બસ નથી! તે પછી તો અહીં જ રાત વીતાવવી પડશે. – તો તો ભારે મઝા આવશે. બરાબર વન વચ્ચે! નાની નાની રાખોડી રંગની માછલીઓ સર્ સર્ કરતી પાણીમાં તરી રહી છે. આવો પ્રવાહ છતાંય તેઓ વચ્ચે વચ્ચે એક જગ્યાએ સ્થિર થઈને રહી શકે છે. આ પાણીમાં કોઈ પ્રકારની શેવાળ થતી નથી, ચોખ્ખી રેત છે. અસંખ્ય તિતિઘોડા અહીં તેમના માથા પર થઈ આમતેમ ઊડે છે. માછલાં દેખાડવાના અતિ ઉત્સાહમાં નીચી થતાં જ ભાસ્વતી ભારનું સમતોલન જાળવી શકી નહિ – આંચકો ખાઈ પાણીમાં પડી ગઈ. તરત જ પ્રવાહ તેને જરા દૂર ખેંચી રહ્યો. ભયમિશ્રિત કલહાસ્યથી ચિત્કાર કરી ઊઠી ભાસ્વતી. રંજન તે ક્ષણે જ પત્નીને પકડવા પાણીમાં કૂદવા જતો હતો, પણ તે સાથે સાથે મનમાં યાદ આવી ગયું કે તેને ખભે કૅમેરા લટકે છે અને કૅમેરાને કયો મૂરખ પાણીમાં ડૂબાડે? રંજન ખમચાઈને ઊભો રહ્યો, કેમ કે એ વાત પણ તેના મનમાં છે કે અહીં પાણી ખાસ વધારે નથી. નાક અને મોંમાં પાણી પેસી જવા છતાં ભાસ્વતી કંઈ ડૂબી જવાની નથી. ભાસ્વતીને પરણ્યા પહેલાં જો ભાસ્વતીને આનાથીય છીછરા પાણીમાં પડી ગયેલી દેખત તો કૅમેરા બગડવાના જોખમે પણ તે પાણીમાં કૂદી પડત. રંજન ત્યાં ઊભો રહી હસવા લાગ્યો. હસતાં હસતાં જ બોલ્યો, ‘સારું થયું, ઠીક થયું.’ ભાસ્વતી તે ક્ષણે જ ઊભી થઈ ગઈ. તે વખતે તેના મોઢા પર લજ્જા કરતાં બનાવટી ગુસ્સો વધાર હતો. રંજન ખભેથી કૅમેરા ઉતારીને હાથમાં લઈ બે પગ પહોળા કરી ઊભો રહ્યો. આ પ્રવાહમાંય તે ડગતો નથી – પાણીમાં તે આ રીતે સહજ રહી શકે છે. પહેલા ફોટા વખતે ભાસ્વતીએ ચાળા પાડ્યા. બીજા ફોટામાં ભાસ્વતીના બંને હાથ તેના વાળ ઉપર હતા, મોઢું ઉપરની દિશામાં હતું અને વાદળની છાયા પડતાં તે મોઢું પૌરાણિક નારી જેવું લાગતું હતું. ભાસ્વતીના શરીરમાંથી એક કંપ પસાર થઈ ગયો. તે ક્ષણે, તે ખાસ ક્ષણે તેના મનમાં થયું કે, કેવું તો સુંદર છે આ જીવવું! દશે દિશાવ્યાપી નિર્જનતાની વચ્ચે એક નદી, તેની વચ્ચે ઊભી છે સર્વાંગે ભીંજાઈ ગયેલી એક નારી અને તે દૃશ્યને ચિરસ્સ્થાયી કરી રાખ્યું છે રંજને.