ગુજરાતી ટૂંકીવાર્તાસંપદા/કિરીટ દૂધાત/વી. એમ.: Difference between revisions
No edit summary |
MeghaBhavsar (talk | contribs) No edit summary |
||
Line 246: | Line 246: | ||
મને વિચાર આવ્યો કે ત્રણ–સાડાત્રણ થયા છે તોય ઘરે નથી ગયો. હમણાં મોટાંબા ગોતવા નીકળશે કે, રોંઢો થ્યો છે તોય લેસન અધૂરું મૂકીન ક્યાં ભટક્યા કર્ય છો? હાલ્ય હવે ઘેર્યે હાલ્ય. પણ મને એકલા એકલા ઘેર જવાનું મન ન થયું. એટલે હું એમની રાહ જોઈને બેઠો રહ્યો. | મને વિચાર આવ્યો કે ત્રણ–સાડાત્રણ થયા છે તોય ઘરે નથી ગયો. હમણાં મોટાંબા ગોતવા નીકળશે કે, રોંઢો થ્યો છે તોય લેસન અધૂરું મૂકીન ક્યાં ભટક્યા કર્ય છો? હાલ્ય હવે ઘેર્યે હાલ્ય. પણ મને એકલા એકલા ઘેર જવાનું મન ન થયું. એટલે હું એમની રાહ જોઈને બેઠો રહ્યો. | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
{{HeaderNav | |||
|previous=[[ગુજરાતી ટૂંકીવાર્તાસંપદા/કિરીટ દૂધાત/એક બપોરે|એક બપોરે]] | |||
|next = [[ગુજરાતી ટૂંકીવાર્તાસંપદા/બિપિન પટેલ/સંગીતશિક્ષક|સંગીતશિક્ષક]] | |||
}} |
Latest revision as of 04:51, 28 September 2021
કિરીટ દૂધાત
જો! જંતીએ કાનમાં સુસવાટો કર્યો, ચોરાની ઠંડકમાં ઊભાં ઊભાં જ ઘારણ વળી ગયેલું. જંતીનું ધ્યાન ન હોત તો ફકીરો ક્યારે જઈને પાછો વળી જાત એનો ખ્યાલ ન આવત. જંતી બહુ પાકો, જોયું તો ફકીરો નાના દેસાઈનાકા પાસે થોભ્યો. પાછળ ચોરાથી આગળ ઉતારા સુધી કોઈ સંચળ નહોતો. એ દીપડાની જેમ નાકામાં ગળકી ગયો.
ધોડ્ય! જંતીએ કીધું. અમે બન્ને લીમડા પાછળની સંતાવાની જગા છોડી નાના દેસાઈનાકા બાજુ ભાગ્યા. અવાજ ન થાય માટે મુઠ્ઠી વાળી, પગે કપાસી થઈ હોય એમ આગલા પંજા પર દોડ્યા. નાના દેસાઈનાકા પાસે આવી, ભીંતે ચોંટી ગયા. જંતીએ હળવેથી ડોકું નાકામાં લાંબું કર્યું. પછી જો-ઓ-ઓ, કહી મનેય જોવા કીધું. ફકીરો ડેલીની સાંકળ પકડી, અધખુલ્લી બારીની સાખ પર પગ મૂકી બેફિકરાઈથી ઊભો હતો. બારીની અંદર ઊભી હતી એ ભલે ન દેખાતી હોય પણ વી.એમ. હતી એ ચોક્કસ. બારીમાંથી એનું ફ્રૉક ઊડાઊડ થતું હતું. એ વારેવારે લટ સરખી કર્યા કરતી હતી. આટલે દૂરથી પણ એની રતૂમડી હથેળી ચોખ્ખી દેખાતી હતી. વાતવાતમાં ફકીરો હસ્યો, પછી જમણી બાજુ ફરી થૂંકની પિચકારી મારી, બારીએ ટેકવેલો પગ હટાવી લીધો. ભાગ! કહી જંતીએ પાછળથી મારો કૉલર ખેંચ્યો. અમે બન્ને એ જ રીતે દોડી, ફરી પાછા લીમડાના થડ પાછળ અમારી સંતાવાની જગાએ ઊભા રહી ગયા. ત્યાં મોટા પાદર બાજુથી ભીખુમામા કાવલી ગાય દોરીને ડચકારા કરતા નીકળ્યા. અમને બેયને સંતાયેલા જોઈ હાથથી ઇશારા કરીઃ શું છે? શું છે? – પૂછવા મંડ્યા.
અમે ગભરાયા. સામે બેય હાથ હલાવી ‘અટાણે જતા ર્યો, જતા ર્યો’ કહી આજીજી કરી. એમણે હાથના ઇશારાથી, ઠીક છે તંઈ, કહીને ડચકારા કરતાં ચાલતી પકડી. ત્યાં નાના દેસાઈનાકામાંથી ફકીરો નીકળ્યો. ભીખુમામા એને જોઈ ચમક્યા. એકાએક એમના ગળામાંથી એક જુદી જાતનો ડચકારો નીકળ્યો. એ સાંભળી કાવલી ભડકીને ભાગવા મથી. ભીખુમામા, હે…હે કરતા દોરડું સતાણ કરવા મંડ્યા. ફકીરો મરમાળું હસીને આગળ નીકળી ગયો. એણે ચોરા પર એક ઊડતી નજર નાખી, થૂંકની પિચકારી મારી. બીજે ક્યાંય જોયા વગર મોટા પાદર બાજુ ચાલતો થયો.
ચોરાનું વાતાવરણ સાવ સૂનમૂન હતું, પાંચ-સાત ડોસા-ડગરા ભીનાં પનિયાં ઓઢી ઘારોડતા હતા.
– હવે ખાતરી થઈ ને ભેરુ? જતીએ પૂછ્યું.
– હં…
– આપડી વાત ખોટી નો હોય… હું તો તને અઠવાડિયાથી કીધા કરતો’તો કે હમણાંથી વી.એમ.નાં દરહણ ફરી ગ્યાં છે, પણ તને ઈ બધુંય દેખાતું નો’તું.
મેં જંતી સામું જોયું, પછી ચોરામાં નજર ફેરવી. છાપાનાં પાનાં આમતેમ ઊડતાં હતાં. સામે પાન-બીડીના થડે બેઠો વિનિયો ઝોલાં ખાતો હતો.
વી.એમ. હવે ફકીરા હાર્યે હાલવા મંડી છે. હું તો તને પે’લેથી જ ચેતવતો હતો કે ધ્યાન રાખજે. આ ખેલ ખતરનાક છે.
મને જંતી ઉપર દાઝ ચડી, પે’લાં તો ક્યાં એવું બોલ્યો’તો? હું એને મારી અને વી.એમ.ની વાતો કરતો ત્યારે એનું મોઢું ઉઘાડું રહી જતું.
– એટલો બધો લવ કરે છે તને? જંતી ચડ્ડીના ખિસ્સામાં જોરથી હાથ ફેરવીને પૂછતો.
– તંઈ શું? હું મોઢા પર બેફિકરાઈના ભાવ લાવી કહેતો.
– તું એને અડધી રાત્યે મહાણમાં મળવા બોલાવે તોય હાલી આવે?
– તંઈ શું?
– તું એને એક ધોલ વળગાડી દે તોય ઊંકારો નો કરે?
– નો કરે.
– તો પછી માર્ય એક ધોલ… પછી વાત કર્ય.
પછી આપણે નક્કી કરી લીધેલું કે બીજું કાંઈ નહીં પણ વી.એમ.ને એક ધોલ તો મારી જ જોવી. એ દરરોજ લેસન કરવા એની નાના દેસાઈનાકાવાળી ડેલીએ આવતી. અમે ત્યાં મળી લેતાં. એનું કુટુંબ ઘણું મોટું હતું. એ બધાં કોટવાળા ફળિયે રહેતાં. ઢોર-ઢાંખર નાના દેસાઈનાકાવાળી એમની ડેલીએ બાંધતાં. વી.એમ. બપોરે બાર વાગે નિશાળેથી છૂટી, ખાઈપીને, એની બા અને કાકીને ઠામ ઉટકાવી, લેસન કરવા ડેલીએ જાવું છું કહીને દફતર લઈ નીકળી જતી. ચાર વાગ્યા સુધી એ ત્યાં લેસન કરતી. હું પણ ઘેર લેસન અધૂરું મૂકી, બપોર વચાળે દોઢેક વાગે કોઈનો આવરો-જાવરો ન હોય ત્યારે અર્ધો-પોણો કલાક ત્યાં આંટો મારી આવતો. ચોરામાં ત્યારે ખાસ કોઈ ન હોય, સિવાય ભીખુમામા. એ ચાડિયાની જેમ બપોરે એક વાગ્યાથી સૌથી ઊંચા પગથિયે ખોડાઈને બેઠા હોય. શરૂશરૂમાં તો મને નાના દેસાઈનાકામાં વળેલો જોઈ બે-ત્રણ વાર વાંહે તપાસ કરવા આવેલા. તે માટે સીધા ગડારવાડે જઈ ચોરે આવીને બેસવું પડેલું. એ આમતેમ આંટા મારી વળી પાછા ચોરે આવ્યા. મને જોઈ ચમક્યા, લે તું આંયાં ક્યાંથી? તું તો નાના દેસાઈનાકામાં ગ્યેલો!
મેં જંતીને આ પીંજણની વાત કરેલી. પછી ઈ ભીખુમામા હોય જંઈ જંતીય આવી ચડે. મારે જવાનો વખત થાય એટલે જંતીને સનકારો કરું. એ ભીખુમામાને વાતોમાં રોકી રાખે. છતાંય એમને વે’મ તો પડેલો. એક વાર જંતીને પૂછેલું, ભાણો ઘેર્યે ગ્યો કે નાના દેસાઈનાકા બાજુ વળ્યો? જંતીએ એમને સમજાવી દીધેલું, કે ઈ તો તમારો ભરમ છે. પછી એય ઊભા થતા, હાલ્ય તંઈ ભામણ, હવે જાંઈ, કાવલીને નીણ્ય નાખવાનો ટેમ થ્યો. પછી મરમાળું હસી જંતીને પૂછતા, ભાણો ક્યાં ગ્યો જંતી? આપણે શું હેં? હાલ્ય તંઈ કાવલીને નીણ્ય-પૂળો કરઈ.
જંતીએ મને ભીખુમામાના વહેમની વાત કરી ત્યારે મેં ચિંતાથી કીધેલું, આ ભીખુમામો કોક દી ભવાડો કરશે. જંતીએ હિંમત બંધાવેલી, એને તો કાવલી સિવાય બીજી વાતુંમાં ક્યાં રસ છે? તું મજા કર્ય ની.
કાવલી ભીખુમામાની ગાય હતી. રંગે ધોળી દૂધ જેવી; હાડેતીય માપસરની, ગામની બધી ગાયુંમાં કાવલી એક ગાવ આઘેથી નોખી તરી આવે. ભીખુમામાનેય કાવલી ઉપર બહુ હેત. દરરોજ બપોર વચાળે એને સીંદરી ઘસીને નવરાવે. પછી ટુવાલથી ઘસીઘસી સાફ કરે. ગળે વળગીને હેત કરે. કાવલી પણ ‘અંભો’ કરી લાડ કરી લે. પછી ભીખુમામા બપોરે ચોરે આવી બેસે. હું અને જંતી વી.એમ.ની વાતો કરતા હોઈએ. એમને જોઈ બીજી આડીઅવળી વાતો ઉપાડીએ. થોડી વાર પછી હું જંતીને સનકારો કરીને નીકળું. જતી ભીખુમામાને કાવલીની વાત કાઢી આજુબાજુની દુનિયાનું ભાન ભુલાવી દે.
એક દિવસ મેં વી.એમ.ની ડેલીનું કડું ખખડાવ્યું. ત્રણ-ચાર મિનિટ થઈ છતાં બારી ન ખૂલી. મને દાઝ ચડી, સાળીની કાંઈ સમજતી નથી. આંયાં કોઈ આવી જાહે તો? મેં ફરી વાર કડું ખખડાવ્યું. સૂમસામ બપોરે એના મોટા પડઘા પડ્યા. પછી મારું ધ્યાન ગયું. બારીને બહારથી તાળું માર્યું હતું. મારું માથું ડેલીને ભટકાતાં રહી ગયું. સામેની ડેલીએ ચાર વાગ્યા સુધી બેઠો. ત્રીજા દિવસે બારી અંદરથી બંધ હતી. જેવી ખખડાવી તેવી ઊઘડી ગઈ. સામે વી.એમ. હસતી હસતી ઊભી હતી. મેં એક ઘડી એની સામે તાકીને જોયું, પછી ધડ દેતીક ધોલ ચોડી દીધી. અણધાર્યા ઘાથી એ ઘડીક ડઘાઈ ગઈ. પડી ન જવાય ઈ સારુ એણે મારો ખભો પકડી લીધો. એની આંખોમાં ધીમે ધીમે ઝળઝળિયાં નીતરી આવ્યાં. એણે એની રતૂમડી હથેળી વાંહે બેય આંખો સંતાડી દીધી.
રાણી, બે દિવસથી ક્યાં મર્યાં હતાં? આંયાં રોજ્ય ચાર વાગ્યા સુધી સામેવાળી ડેલીની સાંકળ પકડીને ટગ્યા કરઈ છઈ એનું કાંઈ નૈં? એણે એની ભીની આંખો મારા ઉપર માંડી, પછી ખસિયાણું હસી.
એ તો બે દિવસથી તાવ હતો એટલે. તને બોવ ટગાવ્યો નઈં? પણ ભૂલ મારી જ છે. મેં મારી ભેરુ જયા હાર્યે ચિઠ્ઠી મોકલાવી હોત તો તને ખબર પડત ને! હવેથી આવું નહીં કરું, બસ? મને ઝાટકો લાગ્યો. એના કપાળે, ડોકે હાથ મૂકી જોયો. હજી ડિલ ગરમ હતું. હું સાવ રોવા જેવો થઈ ગયો. મને જંતી ઉપર દાઝ ચડી. નક્કી કરી લીધું કે હવે એના દોરવાવ્યા દોરવાવું નહીં. એ દિવસે મારો મૂડ સાવ ઑફ્ફ થઈ ગયો. લેવાદેવા વગર વી.એમ. જેવી છોડીને દૂભવી. આ વી.એમ. એટલે શું માનો છો? શનિવારના દિવસે નિશાળમાં યુનિફૉર્મ પહેરવામાંથી છુટ્ટી મળતી. એ નવ વાગ્યાની રિસેસમાં ઘેર જઈ, યુનિફૉર્મ બદલાવી, બેલબૉટમ અને ટૉપ પહેરી નિશાળે આવવા નીકળતી ત્યારે ચોરાથી ઉતારા સુધી ઘરના અને દુકાનના ઓટલે બધા છોકરા એને જોવા ગોઠવાઈ જતા. એ દેખાતી બંધ થાય પછી બધા વાતો કરતા.
– હજી તો આઠમામાં છે ત્યાં શું ગજું કાઢી ગઈ છે? કોઈને અડવાબડવા દેતી હશે કે નઈં?
– જા તું, સ્નો અને બોપટ્ટી લઈને એક દી વાંહે.
– વી.એમ. એવા બોપટ્ટીના લીરાથી છેતરાઈ જાય એવી નથી હોં.
આ બધું સાંભળી જતી મારી સામે મરકી આંખ મારતો. આમ તો મેં એને હનમાનજીની દેરીએ લઈ જઈ સમ દીધેલા કે ગમે તેમ થાય તોય એ અમારા લવની વાત કોઈનેય નહીં કરે. મને ફડક પડતી કે જંતીને આમ મારી સામું મરકતો અને આંખ મારતો જોઈ કોઈને નક્કી શંકા આવશે. મને ખાતરી હતી કે ભલે મોઢે ચડીને નો પૂછે પણ ભીખુમામો મારી અને વી.એમ. વિશે કાંઈક જાણતો તો હશે જ. પણ જંતી મને બેફિકર રહેવા કહેતો. મારું ધ્યાન બીજે વાળવા અમારા વિશે જાતજાતની વાતો પૂછતો. એક વાર બોલ્યો,
– કાળુ, કોઈ દી સવારી કરી છે કે નૈં?
એ શું? એમ પૂછવા જતો હતો ત્યાં મને તરત સમજાઈ ગયું કે જંતીનો મતલબ શું છે. હું ખિજાઈને બોલ્યો,
– જો જંતી, અમે કાંઈ એવાં દેહનાં ભોગી નથી હો.
જંતી એકદમ પાછો પડી ગયો. એણે મારી માફી માગી.
– ના, ના. મારા મનમાં એવું કાંઈ નહોતું!
– મેં એને ધમકાવ્યો, તોય તું એવું બોલ્યો’તો ખરો જ ને. ભલે તું મારા માટે એવું બોલ્યો પણ તારાથી વી.એમ. વિશે હલકો વિચાર થાય જ કેમ?
પછી જંતીએ ઈશ્વરના સોગન ખાધા કે હવે પછી કોઈ દી મારી અને વી.એમ. વિશે એવો વિચાર સુધ્ધાં નહીં કરે.
એક બપોરે હું અને જંતી ચોરે બેસી ગપ્પાં મારતા હતા. ત્યાં એક છોકરો હાથમાં બૅગ લઈને મોટા પાદર બાજુ ગયો. એણે નિટેડનું પૅન્ટ ને ફૂલડાંની મોટી ભાતવાળું ખમીસ પહેરેલાં. પગમાં નવા બૂટ ચમકતા હતા. બહુ તોરથી ચાલતો હતો એટલે મને ખ્યાલ આવી ગયો કે કોઈ હીરાવાળો સુરતથી મોસમ લેવરાવવા આવ્યો લાગે છે. સીમમાં નવો પાક હિલોળા લેતો હતો. આ સમયે અમદાવાદથી મિલોવાળા અને સુરતથી હરાઘસુ લ્હાણી કરાવવા આવતા. ગામનું વાતાવરણ એમની હાજરીથી ધમધમવા માંડતું. ગામમાં ઘણી નવાજૂની થતી. બધાંના જીવ ઊંચા રહેતા. હજી અમદાવાદના મિલોવાળા સારા. બિચારા, બહુ ફાંકા ન મારે. એ તો લીલા પટ્ટાવાળા લેંઘા પહેરી ગામમાં બધાંને ઘેર ચા-પાણી પીવા નીકળી પડે. પણ હીરાવાળા તો પૅન્ટ-શર્ટ અને હાથમાં કૅવેન્ડરું લઈ આંટા મારતા હોય. ત્યાં સુરતમાં મારા દીકરા, આખો દિવસ લૂંગી અને બૉડિસ પહેરીને ભાખરી અને ડુંગળીનું ખારિયું દાબડી, હીરા ઘસતા હોય. પણ ગામમાં આવ્યા પછી દિશાએ જાય તોય બૂટ-મોજાં પહેરી ઇનશર્ટ કર્યા વગર ન નીકળે. જંતી પણ એ છોકરાને જોતો હતો.
– મેં પૂછ્યું, આ વળી કોણ આવ્યું નવું?
– જંતીએ કહ્યું, લાગે છે તો ફકીરા જેવો!
મારે જંતીને સુરતવાળાઓ વિશે ઘણું કહેવું હતું પણ દોઢ વાગવા આવ્યો હતો. વી.એમ.ને મળવાનું છાંડી જતું હતું. વળી, આજે ભીખુમામા હજી આવ્યા નહોતા. એ આવે તો બીજી દસ-પંદર મિનિટ કાવલીની વાતો કરીને બગાડે. હું તરત ઊઠ્યો. પાછો આવ્યો ત્યારે જતી ત્યાં જ બેઠેલો.
– એણે પૂછ્યું, કેમ, આજે શું વાતું થઈ?
– મેં કીધું, સાલું આ તો તકલીફ થઈ ગઈ.
– કેમ? કેમ? જંતી ચિંતામાં પડી ગયો.
– સાલી બોવ ડાપણડાઈ થઈ ગઈ છે. કે’ય કે હવે બધા બા’રગામથી મોસમ કરાવવા પાછા આવવા માંડ્યા છે. હવે ભરબપોરે બજારમાં આઠ-દસ જણા આંટા મારતા હોય છે. કાલ્ય તું ડેલીમાંથી નીકળતો’તો તંઈ વિનિયો જોઈ ગ્યેલો તે મારી સામું જોઈને હી…હી…કરતો’તો. ઈ તો સાંજે મારા ઘેર્યે મારા ભાઈ પાસે બેહવા પૂગેલો. ખાસ મને સંભળાવવા બોલતો હોય એમ આડું બોલતો હતો. મને બીક લાગી ગઈ કે ક્યાંક મારા ભાઈને વાત નો કરી દે. આપડે થોડાક દી આવું જોખમ લેવું નથી. પછી તો મોસમ જતી ર્યે, એટલે મળવાનાં જ છીયે ને? ત્યાં સુધી પંદર-વીસો દી જાળવી જાઈં. એટલા દી મળવાનું બંધ.
જંતીને પણ અફસોસ થયો,
– લે, ભાર્યે કરી માળું!
પછી વખત ખુટાડવા રોજ રેડિયો લઈને ‘જયભારતી’ સાંભળવા બેસતો. પણ મજા ન આવે. એક વાર રહેવાયું નહીં એટલે અકળાઈને વી.એમ.ને મળવા ગયો. ડેલી બંધ હતી. હિંમત એકઠી કરી એના રહેણાકના ઘર બાજુ ગયો. એ ક્યાંય દેખાઈ નહીં. વળી સાંજે એના ઘર બાજુ ફરક્યો. એ તો ક્યાંય કળાતી જ નહોતી. એના ફળિયામાં પલંગની પાંગતે બેસી એનો મોટો ભાઈ અને ફકીરો મોટેમોટેથી સુરતની વાતો કરતા હતા. એના ભાઈએ ધ્યાનથી મારી સામે જોયું. હું તરત પાછો વળી ગયો. વળી રહેવાયું નહીં એટલે બે દિવસ પછી ફરીથી આંટો માર્યો. આ વખતે બારીનો આગળિયો અંદરથી બંધ હતો. મેં કડું ખખડાવ્યું તો તરત બારી ઊઘડી. સામે વી.એમ. ઊભી હતી. હું બોલવા માંડ્યો, કેટલા દી થઈ ગ્યા, ક્યારેક તો દર્શન દે. એ એકદમ ગભરાઈ ગઈ.
કાળુ, મેં તને સમજાવ્યું તો છે, જતો રે’. ક્યાંક કોઈ ભાળી જાહે! બારી ફરીથી બંધ થઈ ગઈ. પણ એ પહેલાં મેં એને વહાલથી જોઈ લીધી. આજે એનું માથું જુદી સ્ટાઇલથી ઓળેલું હતું. પાઉડરની સુગંધ આવતી હતી. હાથના નખ રંગ્યા હતા. મને એના પર માન થઈ આવ્યું. કેટલી સાવચેતી રાખે છે! ત્યાં ને ત્યાં નક્કી કરી નાખ્યું કે બસ આમ ને આમ પંદર-વીસ દિવસ કાઢી નાખવા છે. જઈને મેડીએ બેઠો. થોડી વાર પછી જંતી આવીને ચૂપચાપ બેઠો. મેં કીધું, આજે તો વી.એમ.ને મળી આવ્યો. કાંઈ વાત તો નો થઈ પણ બહુ ટૉપ ટૉપ દેખાતી હતી, કહીને મેં રેડિયો લઈ સ્ટેશન મેળવ્યું. એ ચૂપ બેઠો, પછી અચકાઈને બોલ્યો,
– તેં વાત સાંભળી?
– શેની?
એ કંઈ ન બોલ્યો. મેં પૂછ્યું, શેની? બોલ્ય, બોલ્ય. જંતી ફરીથી ચૂપ થઈ ગયો. મેં પૂછ્યું, જંતી શું થ્યું, બોલ્ય ની? એણે પૂછ્યું, તારી પાંહે વી.એમ. ને ફકીરાની વાત આવી છે?
– શેની વાત, જંતી?
પૂછતાંની સાથે મારા હૃદયના ધબકારા જોરથી કાનમાં સંભળાવા માંડ્યા.
– જંતીએ કીધું, વી.એમ. ફકીરા હાર્યે હાલવા મંડી છે, ઈ.
– જંતી, કાંક વિચાર કરીને વાત કર્ય.
– કાળુ, વિદ્યાના સમ બસ! આ તો તારો ભાઈબંધ એટલે કીધા વગર નથી રહેવાતું. ગામમાં જુદા જુદા બે-ત્રણ જણા પાંહે આ વાત સાંભળી એટલે મેં જાતે ખાતરી કરવાનું નક્કી કર્યું. બપોર વચાળે હું ચોરાના લીમડાની આડશે સંતાઈ ઊભો ર્યો. તમારા રોજના સમયે ફકીરો આવ્યો. નાના દેસાઈનાકામાં ગરી ગ્યો. વી.એમ.ની ડેલી મોર્ય ઊભા રહીને એણે વી.એમ. હાર્યે દસ મિનિટ સુધી વાતું કરી. હું બજારે સંતાઈને સંધુંય જોતો’તો. ન્યાંથી સીધો આંયાં તારી પાંહે આવું છું. જંતી એકશ્વાસે બધું બોલી ગયો. બાબરી વીંખાઈ ગયેલું એનું ગોરું મોઢું લાલચોળ થઈ ગયું હતું.
– જા, જા! વી.એમ. કાંઈ એવી નથી. તું તો ટાઢા પોરના હાંક છે. – કહી હું રેડિયો કાને માંડી જુદાં જુદાં સ્ટેશન ઘુમડવા મંડ્યો. જતીને ખોટું લાગ્યું, તું મને ખોટો માન છ? હાલ્ય, તને સાબિત કરી બતાવું.
બીજા દિવસે હું અને જંતી લીમડા પાછળ સંતાઈ ઊભા રહ્યા. ઘણી વાર થઈ તોય ફકીરો ન આવ્યો. મને થયું જંતી ખોટો પડશે. હું થાકીને ઊભો ઊભો ઝોલાં ખાવા મંડ્યો હતો. ત્યાં જંતીએ કાનમાં સુસવાટો કર્યો. મોટા પાદર કોર્યથી ફકીરો ચાલ્યો આવતો હતો. એના પગમાં ચમચમતા બૂટ હતા. એની ચાલમાં તોર હતો. એ બેફિકરાઈથી ચોરો વટાવી ગયો. એને અમારી હાજરીનો વહેમેય નહોતો. ચોરા પાસેથી થોડે આગળ જઈ એ નાના દેસાઈનાકા પાસે થોભ્યો.
– હવે? હવે શું કરવું છે બોલ્ય? જંતી ઉઘરાણી કરતો હોય તેમ બોલ્યો.
– મારી તો મતિ ભમી ગઈ છે, જંતી. ફકીરામાં એને એવું શું દેખાણું હશે, હેં?
– જોતો નથી ઈ હીરાઘસુ છે. નોટું કમાય છે. મારા બેટા હરાઘસુ દેશમાં આવે ત્યારે કેવી ભેટું લાવે છે ઈ તું જોતો નથી? બસ વી.એમ.ને ઈ રીતે લલચાવી હશે.
– હેં!?
– હવે શું કરવાનું છે, બોલ્ય?
– શું કરવાનું હોય, જંતી?
– એની હાર્યે એક વાર ચોખવટ તો કરી લેવી જ જોઈં.
– શેની ચોખવટ?
– તારે જઈને એને મોઢામોઢ્ય પૂછી લેવાનું કે બોલી નાખ્ય, તું આ કાળુને લવ કરે છે કે ફકીરાને? સમજ્યો? એક વાર હરુભરુ વાત થઈ જાય તો આપણને ડાબા-જમણાની ખબર પડે.
– મને તો કાંઈ ખબર પડતી નથી.
– એટલે તો કઉં છું. ઈવડી ઈ એક વસ્તુનો ફોડ પાડી દે પછી શું કરવું ઈ આપડે આપડી રીતે નક્કી કરતા થાઈં.
– શું કરવાનું હોય, જંતી?
જંતીએ ચડ્ડીના ખિસ્સામાં ‘જયહિંદ’નાં ચાર પાનાં ગડી કરીને મૂકેલાં તે કાઢ્યાં.
– જો, આમાં પચ્ચીસ સમાચાર છે. એમાંથી પંદર સમાચાર તો એક જ પાના ઉપર્ય છે, મેં બરાબર્ય ગણ્યા છે. ધણીએ એની બાઈડિયુંને ધોકાવ્યાના ને ભોડાં ઉડાડી દીધાના. હું તો કઉં છું કે ભડના દીકાર કે’વાય ઈ બધાય. ધન છે એને
– મારાથી એવું નો થાય, જંતી. વી.એમ.ને ધોલ માર્યાનો પ્રસંગ મને યાદ આવ્યો.
– કાંઈ નૈં. તો હાલ્ય, આખા ગામની ભીંત્યું ઉપર્ય ચોકથી લખી નાખીયે કે વી.એમ. ફકીરા હાર્યે હાલે છે.
– એવું નો કરાય, જંતી.
– હત્ હાળા બાયલા! તો પછી મારો તને આ વાતમાં જરાય સપોર્ટ નથી એવું માની લેજે, કાળુ.
– પણ ઈ કરતાં હું એને મનાયાવું તો?
– કેવી રીતે મનાવીશ? તારી પાસે કાંઈ છે? એને ફકીરાએ બોપટ્ટી, પાઉડર અને નેલપૉલિશ લઈ દીધાં છે.
વાત સાચી હતી. આપણને કોઈ દી આવું આવું સૂઝ્યુંય નો’તું, ક્યારેક ચાર-આઠ આના હોય એય આમતેમ વપરાઈ જાય. સાચું કહું તો વી.એમ.એ પણ ક્યારેય આવી માગણી નહોતી કરી.
– વાત સાચી પણ જંતી, આનો કો’ક રસ્તો કાઢ્ય. આવી બધી વસ્તુ વળી ગામમાં મળે નહીં. કો’ક અમરેલી જાતું હોય અને મંગાવીએ ઈ વાત અછતી ન રહે. પહેલાં તો એ જ પૂછે કે એલાવ, બેય હડમાન જતિ જેવા છો ને વળી આ બધોય સરસામાન કોના માટે?
પણ જીતીને બે’ક દિવસ પછી ચિત્તલ એક હવનમાં જવાનું હતું. એણે વચન આપ્યું કે વળતી વખતે અમરેલીથી એ બધું લેતો આવશે. હવે સવાલ પૈસાનો હતો. એનો પણ ઉપાય થયો. ઘરમાં બે રૂપિયા માર્યા. જંતીએ એમાં આઠ આના દક્ષિણાના ઉમેરી એમાંનો સ્નો અને રિબિન આવ્યાં.
એક બપોરે હું આ બેય વસ્તુ વી.એમ.ને આપતો આવું આ મનાવતો આવું એવું નક્કી થયું.
બીજા દિવસે સ્નોની ડબ્બી અને રિબિન ચડ્ડીના ખિસ્સામાં સંતાડી હું ફરી વાર નાના દેસાઈનાકામાં ગયો. બારીનું કડું ખખડાવતાં ભેગી જ ફટાક ખૂલી ગઈ. સામે વી.એમ.નું હસું હસું થતું મોં મને જોઈને પડી ગયું. એ પહેલાં કરતાં ઘણી રૂપાળી લાગતી હતી. એનું આવું રૂપ જોતાં કોણ જાણે કેમ પણ હું સાવ નિરાશ થઈ ગયો. એ ખીજથી બોલી, શું છે આંયાં?
મેં ખિસ્સામાંથી સ્નો અને રિબિન કાઢીને બતાવ્યાં.
– આ શું છે?
– સ્નો અને બોપટ્ટી લે, ખાસ તારી સાટુ અમરેલીથી મગાવ્યાં છે. અને જો, મારાથી કાંઈ ભૂલ્ય થઈ ગઈ હોય તો તારી –
એણે મારા હાથમાંથી બેય વસ્તુ આંચકી લઈ સામી ભીંતે ઘા કર્યો,
– વયો જા મૈતર રાડ્યું નાખી બધાંયને ભેગાં કરું છું.
– એવું શું બોલ્ય છો વી.એમ.? તને મારી હાર્યે લવ નથી? તું તો કેતી’તી ને કે –
એણે ભડાક દઈને બારી બંધ કરી દીધી. બારીનું કડું જોરથી મારા કપાળમાં ભટકાયું. મને ઘડીક તમ્મર આવી ગયાં. મેં નીચે બેસી એક હાથે જમીન પર થોભો દઈ બીજા હાથે નીચે પડેલાં ધૂળધૂળ સ્નોની ડબ્બી અને રિબિન લીધાં. જોરથી ફૂંક મારી, ઝાપટી ફરીથી ખિસ્સામાં મૂક્યાં. પછી ભાંગેલા પગે પાછો વળ્યો. નાકું પૂરું થવામાં હતું ત્યાં સામે ફકીરો મળ્યો. મને જોઈ મૂછમાં હસી, નજરની કાતર મારી, મોઢામાંથી થૂંકની પિચકારી મારી. પછી એણે ડેલી પાસે જઈ જોરથી કડું ખખડાવ્યું.
મેં આજુબાજુ નજર ફેરવી. આ ભરબપોરે કોઈ નહોતું. હનમાનજીની દેરીએ બેઠો. સામે ભૂપત બાબર એની દુકાનમાં ઘરાકની ખુરશીમાં બેસી ઝોલાં ખાતો હતો. એક કૂતરું ગટરમાં સંતોષથી હાંફતું હતું. મેં આકાશમાં જોયું. એક સમળી ધીમે ધીમે એદીની જેમ ઊડતી હતી. ઘરાકની ખુરશીમાં ઝોલાં ખાતો ભૂપત અચાનક જાગી ગયો. એણે ફરતીમેર નજર ફેરવી. પછી પોતે ક્યાં છે એનું ભાન આવ્યું હોય એમ લાગ્યું. એની નજર મારા પર પડી. એણે મને બોલાવ્યો, આવ્ય ભાણા, દાઢી કરાવવી હોય તો. ભૂપતનો ધંધો બરાબર ન ચાલતો. એટલે એ જુવાનીમાં ન આવ્યા હોય એવા છોકરાઓની દાઢી પરાણે મૂંડતો. એમ કરતાંય છોકરાઓને વહેલી દાઢી ઊગવા મંડે અને પોતાનો ધંધો ચાલે. હમણાંથી અહીં હનમાનજીની દેરીએ બેસતો એટલે એણે મને પણ ત્રણ-ચાર વાર આગ્રહ કરેલો. ત્યાં કોઈક ઘરાક એની દુકાનમાં પગથિયાં ચડ્યું. એના તરફ જોઈ એ આશાથી બોલ્યો, આવો, આવો, બાલદાઢી બેય બનાવવાનાં છે ને? થોડી વાર પછી જંતી આવ્યો. એ મને હવે દરરોજ મનાવતો. ક્યારેક તો ધર્મની વાતો કરીને અસાર સંસારની વાતો કરતો. આજે એ કંઈ બોલ્યો નહીં. વારંવાર મારા તરફ જોયા કરતો હતો. થોડી વાર પછી ભીખુમામા કાવલી ગાય લઈને નીકળ્યા. અમને બન્નેને બેઠેલા જોઈ એ ઘડીક થોભ્યા, પછી જંતીને ઇશારાથી બોલાવ્યો. જંતી નામરજીથી ગયો. ભીખુમામા એનું કાંડું પકડી થોડે દૂર લઈ ગયા અને કાનમાં કંઈક કીધું. એટલે જંતીએ ગુસ્સે થઈ હાથ છોડાવવા ઝાટકો માર્યો. ભીખુમામાએ ફરીથી એના કાનમાં કંઈક કહ્યું. જંતીએ જોરથી ઝાટકો માર્યો. ભીખુમામાના બીજા હાથમાં કાવલીનું રાંઢવું હતું, એટલે વધારે બળ ન કરી શક્યા. જંતી ઝડપથી ચાલીને મારી પાસે આવી બેસી ગયો. ભીખુમામા હસતા હસતા ચાલ્યા ગયા. મેં જંતીને પૂછ્યું,
– એણે શું કહ્યું?
– જંતીએ કહ્યું, એ તો કાંઈ નૈં.
– સાચું બોલ્ય, જંતી.
– સાચન બસ, કાળુ!
– તું ખોટું બોલ્ય તો તને હનમાનદાદા પુગે, બોલ્ય, જંતી.
જંતીનું મોઢું પડી ગયું. એ અચકાતાં અચકાતાં બોલ્યો,
– ઈ કે’તા’તા કે કાળુને કે’જે કે વી.એમ. પાંહે રાખડી બંધાવી લેય.
– શું?
અમે બન્ને થોડી વાર ચૂપ થઈ ગયા. પછી કંઈક નક્કી કરતો હોઉં એ રીતે મેં પૂછ્યું,
– જંતી, આ કાવલીની વાત તું જાણ છ?
– કઈ?
– એક વાર ઈ ખોવાઈ ગયેલી.
– ના ભૈ, પછી ઈ કેવી રીતે જડી? જંતીએ એકદમ ઉત્સાહથી પૂછ્યું.
– થોડાક દી’ પેલાં હું આંયાં હનમાનજીની દેરીએ બેઠેલો તંઈ ભીખુમામા હાંફળાં-ફાંફળાં આવ્યા. મને પૂછવા માંડ્યા, ‘ભાણા, કાવલીને જોઈ?’ એમનું મોઢું પડી ગયેલું, કપાળમાં પરસેવાના રેલા હાલ્યા જતા’તા. મેં ના પાડી કે ગાય જોઈ નથી. ઈ વધારે ચિંતામાં પડી ગ્યા. કે’ય કે, આમ તો હું એને રેઢી મેલતો નથી. આજેય ડેલી તો બંધ કરેલી પણ બારી ઉઘાડી રહી ગયેલી, એમાંથી કૂદી ગઈ હશે. હાલ્ય ની ભાણા, એને ગોતવા લાગ્ય ની? અમે તો ચારેય સીમમાં જોઈ આવ્યા. પણ ક્યાંય ગાયના વાવડ નો’તા. ભીખુમામાના ગળે ખરેરી બાઝી જાતી’તી. મોઢામાંથી એક અક્ષરેય નો’તો નીકળતો. મને બહુ દયા આવી. છેવટે યાદ આવ્યું. મામા, કાંક ગડારવાડે નો ગઈ હોય.
ભીખુમામા ખિજાઈ ગયા, ભાણા, કાવલી કોઈ દી ગડારવાડે નો જાય. એમ બોલતાં બોલતાં જ ધોડ્યા. હુંય વાંહોવાંહ્ય ભાગ્યો. ગડારવાડાનાં મોદાં વટાવતા અડધે ગ્યા હશ્યું તો કાવલી મજેથી ઓખર કરતી’તી. ભીખુમામાનો સાદ ફાટી ગ્યો, ‘કાવલી ઈ…’ પણ કાવલીએ ઊંચુંય નો જોયું. ભીખુમામાએ કાવલીના ગળાનું રાંઢવું ખેંચ્યું તોય કાવલી ઢીંક ઉલાળીને પાછી ઓખર કરવા મંડી. ભીખુમામાએ મને કીધું, ‘ભાણા, તું વાંહેથી ધક્કો માર્ય, હું રાંઢવું ખેંચું છું.’ તે માંડ માંડ ઢીંકા-પાટુ કરતાં એને ઘેર્યે પુગાડી. ભીખુમામાએ એને ગમાણે બાંધીને બીજું કામ પરોણા લેવાનું કર્યું. મંડ્યા સબોસબ ઝીકવા. બોલતા જાય ‘ઓખર કર્યા છો – લે – લેતી જા – લે’તે કાવલી કાંઈ ભાંભરડા નાખે! ઈ સાંભળી ભીખુમામાની બા કાશીમા ધોડીને ફળિયામાં આવ્યાં ને કકળતાં બોલ્યા, રે’વા દે પાપિયા, રે’વા દે, આ પાત્યકમાંથી કયા ભાવે છૂટીશ? તોય ભીખુમામાં તો પરોણાની ઝાપટ બોલાવતા’તા. છેવટે કાશીમાં રોવા મંડ્યાં. અંતે ભીખુમામા થાક્યા, પરોણાનો ઘા કરી ગમાણની પાળ્ય ઉપર બેસીને છૂટા સાદે રોવા મંડ્યા.
જંતી થોડી વાર મારી સામે જોઈ રહ્યો. પછી બોલ્યો,
– ખોટું.
– કેમ?
– કાવલી જેવી દેવની ગાય કોઈ દી ઓખર કરે જ નંઈ.
– મેં મારી નજરે જોયું ને!
જંતી થોડી વાર સુધી મારી સામે અવિશ્વાસથી તાકી રહ્યો. પછી ઊભો થઈ ચાલતો થયો.
બપોરનો દોઢ વાગવા આવ્યો હતો. હું દેરીએ બેસી ક્યારનો ચોરા તરફ તાક્યા કરતો હતો. થોડી વારે ફકીરો નીકળ્યો. એનું ધ્યાન દેરી તરફ નહોતું. એ તરત નાના દેસાઈનાકામાં વળી ગયો. હું શું કરવું એની મૂંઝવણમાં થોડી વાર બેસી રહ્યો. પછી મને ઓચિંતી ઝાંઝ ચડી એટલે ઊભો થયો. ‘આજે તો બેયને પડકારવાં છે’ બબડતો હું વી.એમ.ની ડેલીએ જઈ ઊભો રહ્યો. ડેલીને બહારથી તાળું હતું. મને વિશ્વાસ ન બેઠો. હજી હમણાં તો ફકીરો આ નાકામાં વળ્યો હતો. હું દોડીને વી.એમ.ના ઘર કોર્ય ગયો. ત્યાં ડેલીનાં કમાડ ઉઘાડાં હતાં પણ કોઈનો બોલાશ નહોતો. મને મારા ઉપર દાઝ ચડી. એવો મૂરખો છે કે વી.એમ.ના પોતાના ઘરમાં મળતાં હોય? બોલતો બોલતો શું કરવું એ ન સૂઝતાં દોડીને જંતીના ઘેર ગયો. એ પણ ક્યાંક બહાર નીકળી ગયેલો. ફરી હનમાનજીની દેરીએ આવી ઊભો રહ્યો. પછી અચાનક કંઈક સૂઝતાં દોડીને ફરી નાના દેસાઈનાકામાં જઈ ભીખુમામાની ડેલી સામે ગડારવાડામાં દોડવા માંડ્યો. એક વાડામાં બાવળની કાંટ્ય નીચે વી.એમ. ચત્તી સૂતી હતી. ફકીરો એના પર ગોઠણભેર ઝૂકવા જતો હતો. મારો સાદ ફાટી ગયો,
એય સાળાંવ, આ શું કરો છો? મેં હાથમાં આવ્યું એવડું ઈંટનું રોડું લીધું. રમરમાવતો ઘા કર્યા. ફકીરો સડાક દેતો ઊભો થઈ ગયો. આમતેમ જોતાં જોતાં પાટલુન સરખું કરતો મારી કોર્ય થઈ નાના દેસાઈનાકામાં ભાગ્યો. વી.એમ. ગભરાઈને ઊભી થઈ નેળિયામાં બીજા છેડે ભાગી ગઈ. મેં ઈંટોડાનો ઘા બાવળની કાંટ્ય પર કરવા માંડ્યો, સાળાંવ, તમારી માનાંવ, લ્યો લેતાં જાવ, લ્યો, લ્યો. ઈંટોડાં ખૂટતાં માટીનાં ઢેફાં ઉઠાવીને ફેંકવા માંડ્યા. ઢેફાં હાથમાં જ ધૂળ ધૂળ થઈને પરસેવાવાળી હથેળીમાં ચોંટી જતાં હતાં. થોડી વાર પછી થાકીને બાવળની કાંટ્ય તરફ નજર માંડી. હવે ત્યાં કોઈ નહોતું. હું મુઠ્ઠીઓ વાળી દોડ્યો. આવીને હનમાનજીની દેરીના ઓટલે ધબ્બ કરતોક બેસી ગયો. છાતીની ધમણ એકધારી ચાલતી હતી. ચોરાથી ઉતારા સુધીનો મારગ મસાણ જેવો સૂમસામ હતો. કોઈનું ક્યાંય ધ્યાન નહોતું. કોઈને કશી પડી નહોતી.
મોઢામાંથી લાળ ઝરી ગઈ. પે’રણની બાંયથી લૂછી પછી ખ્યાલ આવ્યો એટલે આંખો પણ લૂછી. કોઈનો આવરોજાવરો નહોતો. સામેની દુકાનમાં ભૂપત બાબર કો’કની દાઢી છોલવામાં મશગૂલ હતો. એનો અસ્ત્રો ઝરડ ઝરડ ઘરાકના ગાલે ફરતો હતો. થોડી વાર પછી ભૂપત અંગૂઠા પર ભેગો થયેલો સાબુ ફેંકવા દુકાન બહાર આવ્યો,
– કોણ, એલા ભાણો છે?
મેં જવાબ ન આપ્યો. એણે કહ્યું,
– હાલ્ય ભાણા, દાઢી કરાવવી હોય તો.
ઘરાકઃ હો…હો કરીને હસ્યો, એલા ભૂપત, હવે આમ નાના છોકરાવ ચૂંથવા રહેવા દે.
ભૂપત અંદર જઈને ફરીથી દાઢી કરવામાં ડૂબી ગયો. એનો અસ્ત્રો ફરી ઝરડ-ઝરડ કરવા માંડ્યો. થોડી વાર પછી ગટરમાંથી એક કૂતરું ઊઠ્યું. એણે આખું શરીર હલાવી ડિલ પર ચોંટેલું મેલું પાણી ખંખેર્યું. હનમાનજીની દેરીનો ઓટલો અને બજાર એ પાણીથી ગોબરાં થઈ ગયાં. પછી ઊંચું જોઈ કંટાળાથી લાંબું બગાસું ખાધું અને ચોરા બાજુ ચાલતું થયું.
મને વિચાર આવ્યો કે ત્રણ–સાડાત્રણ થયા છે તોય ઘરે નથી ગયો. હમણાં મોટાંબા ગોતવા નીકળશે કે, રોંઢો થ્યો છે તોય લેસન અધૂરું મૂકીન ક્યાં ભટક્યા કર્ય છો? હાલ્ય હવે ઘેર્યે હાલ્ય. પણ મને એકલા એકલા ઘેર જવાનું મન ન થયું. એટલે હું એમની રાહ જોઈને બેઠો રહ્યો.