અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/યશવંત ત્રિવેદી/ગીત મને કોઈ ગોતી આપો: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
No edit summary
No edit summary
 
Line 42: Line 42:
{{Poem2Close}}
{{Poem2Close}}
</div></div>
</div></div>
{{HeaderNav
|previous=[[અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/`નાદાન'/માગ્યું | માગ્યું]]  | વિધાતાથી ઘણી રકઝક કરી એક જ રટણ માગ્યું ]]
|next=[[અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/લાભશંકર ઠાકર/ચાંદરણું | ચાંદરણું]]  | હું વ્યસ્ત હ્યાં ટેબલપે કચેરીમાં  ]]
}}

Latest revision as of 12:12, 22 October 2021


ગીત મને કોઈ ગોતી આપો

યશવંત ત્રિવેદી

મારી દંતકથાનો ચાંદ મને કોઈ લાવી આપો.
કોઈ રાધાનાં લોચન-શા આ દરિયાઓ
ઈ દરિયાઓની પાર ઝૂલતી સાંજનાં કોઈ વાંસવનો
ઈ વાંસવનોના કોક મોરના મોરપીંછમાં
પૂરવજનમ થૈ ઊડી ગયેલું ગોકુળ મારું ગોતી આપો.
મારી દંતકથાનો ચાંદ મને કોઈ લાવી આપો.
મારો ચઈતર તો અંધ, મને શીદ ફૂલોભરી તડકાની ડાળી બતલાવો?
મારા ગોકુળની ઋતુ ઋતુ, આ અંધ શહેરમાં નિયૉનના પરદાઓમાં શીદ લટકાવો?
કોઈ કન્હાઈની આંખોમાં તરતાં આકાશો
ઈ આકાશોને કહો કે ઊતરે હળુહળુ કોઈ બોરસલીની ડાળે
ઈ બોરસલીની ડાળ હવે તો વસંતનું ઝુમ્મર થૈ ઝૂલે
ઈ ઝુમ્મર નીચે રીસે ઊભી રાધાને ફૂટ્યું ગીત મને કોઈ ગોતી આપો.
મારી દંતકથાનો ચાંદ મને કોઈ લાવી આપો.
સમયના તૂટી ગયેલા દર્પણમાં લો આજ મને કોઈ પૂરવજનમથી સાંધી આપો.
ઈ દરપણના કોક શહેરના અવશેષોથી કન્હાઈ-રાધા આજ મને કોઈ લાવી આપો.
મારી દંતકથાનો ચાંદ મને કોઈ લાવી આપો.
(ક્ષિતિજને વાંસવન, ૧૯૭૧, પૃ. ૪૦)



આસ્વાદ: વસંતનું ઝુમ્મર — જગદીશ જોષી

એક મરાઠી કવિએ કહ્યું છે: ‘આપણે બધા દાંત વિનાની દંતકથા જ છીએ!’ હું મારા પૂર્વજન્મથી વિખૂટો પડી ગયો છું. સાત જનમના સળિયા પાછળ ઊભો રહીને કોઈ માનવ આ જનમને જુએ તો ‘સમયના તૂટી ગયેલા દર્પણ’માં એ ભાગ્યે જ પોતાને – પોતાના પ્રયોજનને – ઓળખી શકે. અને … મારો પૂર્વજન્મ એટલે સમયની પેલે પાર રહેલું કોઈ મધુર દૃશ્ય, મધુર સ્વપ્ન, રાધાને ફૂટેલું કોઈક ગીત. એ દૃશ્યમાં સાંજનાં કોઈ વાંસવનો, કોઈક મોરનાં મોરપીંછ, કોઈ કાનુડાની આંખોમાં તરતાં આકાશ અને એ આકાશને કોઈ બોરસલીની ડાળે ‘હળુહળુ’ ઉતારવાની અને ‘વસંતના ઝુમ્મર’ની નીચે રસભરી રાધાના કંઠેથી ગીત છલકાવવાની ઝંખના. આ બોરસલીની લચેલી જાળના સુગંધી પડછાયામાં ગીતથી મહેકતી રાધાની ફરી એક વાર ઝાંખી કરી લેવાની ઝંખના.

શૈશવમાં રામે ચાંદને નીચે આણવા રઢ પકડી હતી: અને કૌશલ્યાએ જળભરેલી થાળીમાં ચાંદનું પ્રતિબિમ્બ આણી આપ્યું હતું. સનાતમ શૈશવની અવસ્થા ભોગવતો કવિ ‘પૂરવજનમ થૈ ઊડી’ ગયેલાં સ્વપ્નોને – પોતાના ગોકુળને – આ અવતારમાં અવતારવા ઝંખે છે. પણ આજે પ્રતિબિમ્બમાંયે ચાંદની ઝાંખી કરાવે એવી કૌશલ્યા ક્યાં છે? કે ક્યાં છે જીવનભરની આરજૂને નક્કર કંચનકાયા આપે એવી રાધા? આજે નથી તો બળ્યું. એની બળતરા નો’તી. પણ આ બધું હતું. અને છતાં આજે નથી – આ જ શૂળ છે. તૂટેલું દર્પણ જ એ વાતની સાક્ષી પૂરે છે; અને એ દર્પણના ટુકડાઓ છે જ એટલે તો ફરી પાછી, પાછી ફરી, ફરી ફરી, આશા-આકાંક્ષા-ઝંખના-નિરાશા.

‘નથી-નથી-નથી’ના ઊછળતા આ ખારા દરિયાની વચ્ચોવચ કવિએ પોતાનાં સ્વપ્નોનું એક ‘હાજી અલી’ બાંધી લીધું છે. એ ઇમારતની કમનીયતા હજી આંખોને આંજી રહે છે. પરંતુ એ હજી અલીની મંજિલ પર પહોંચવાની જે સુગંધિત જન્મજન્માંતરોની કેડી હતી તેની ઉપર શહેરી જીવનનાં ખારાં પાણી ફરી વળ્યાં છે. એ દરિયાનાં પાણી પાછાં વળે અને એ કેડી ઉપર ફરી પાછી હરફર શરૂ થાય તો જ કલ્પનાના એ મંદિર સાથે ઘરોબો બંધાય. વિખૂટા પડી ગયેલા એ નમણા ટાપુ સાથે – પૂરવજનમના એ સ્વપ્ન સાથે – ‘સાંધી’ આપવા એટલે તો કવિ કાકલૂદી કરે છે.

મારું ગોકુળ તો ‘પૂરવજનમ થૈ ઊડી’ ગયું છે. મારો વસંતકાળ હવે તો આંધળોધબ થઈ ગયો છે. તો, હવે ફૂલોથી હરીભરી ‘તડકાની ડાળી’ઓ બતાવીને મને નાહક શા માટે રંજાડો છો? અંધ શહેરમાં તો એ ઋતુઓ હવે ‘નિયોનના પરદાઓ’માં લટકે છે, અને એ દેખાડી તમે જંપી ગયેલી એ ઝંખનાને ફરી પાછી શા માટે લહેરાવો છો?

દુનિયાદારીની સમજદારીમાં આ બધું ‘દંતકથા’ના વર્ગીકરણમાં ફાઈલ થઈ જતું હશે… પણ કવિ માટે તો એ દંતકથા નથી જ નથી. યશવંત ત્રિવેદાની કવિતા ક્યારેક વાણીલાલાનું દૃષ્ટાંત’ બની રહેતી હોય, ક્યારેક તેઓ ભાષાને વધુ પડતાં લાડ લડાવી દેતા હોય, તોપણ અભિવ્યક્તિની છટા ધ્યાન ખેંચે છે. આ કાવ્યમાં સચવાયેલું પ્રમાણભાન કલ્પનલીલાને બલવત્તર બનાવે છે. અષ્ટકલના લહેકાઓ અને ગીતની બધી જ છટાઓવાળું આ કાવ્ય કેવું આસ્વાદ્ય બન્યું છે! ‘ઈ’થી પ્રારંભ પામતી પંક્તિઓ જુઓ. તળપદી, બોલાતી ભાષાનો ઉપાડ અને મરોડ વિશેષ ધ્યાન ખેંચે છે. શહેરની બુલડોઝર વાસ્તવિકતાઓ વચ્ચે બોરસલીની ડાળમાં વસંતનું ‘ઝુમ્મર’ જોવા માટે તો કવિની રોમાન્ટિક દૃષ્ટિ જ જોઈએ. (‘એકાંતની સભા'માંથી)