અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/રાજેન્દ્ર પટેલ/માટલું: Difference between revisions
MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|માટલું|રાજેન્દ્ર પટેલ}} <poem> માટલું પડ્યું પડ્યું જોયા કરે...") |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
Line 122: | Line 122: | ||
{{Right|પરબ, ડિસેમ્બર}} | {{Right|પરબ, ડિસેમ્બર}} | ||
</poem> | </poem> | ||
{{HeaderNav2 | |||
|previous =મસોતું | |||
|next = શ્રી પુરાંત જણસે | |||
}} |
Latest revision as of 11:17, 29 October 2021
રાજેન્દ્ર પટેલ
માટલું પડ્યું પડ્યું જોયા કરે છે
ઍક્વાગાર્ડ, ફ્રીઝ, કિચન,
પ્લૅટફૉર્મ પરની પ્લાસ્ટિકની બૉટલ
અને થરમોસ.
માટલું મીટ માંડીને જાણે બેઠું છે
માની જેમ.
એક વાર
ટકોરા મારી ખાતરી કરી
બા માટલું લાવેલી
પૂજા કરી પાણિયારે મૂકેલું
અને પહેલી વાર પાણી ભરેલું
ત્યારે આખેઆખો પહેલો વરસાદ પીધેલો.
હવે ન ટકોરો રહ્યો ન એ સ્વાદ રહ્યો
પણ એ ઝુરાપામાં ઝમતી
રહી છે એક માટલી.
એક માટલું તૂટ્યું
કોઈ ફૂટપાથ પરના ચૂલાની
કલાડી બનીને રાજ કરવા લાગ્યું.
કલાડી તૂટીને
છોકરાઓની રમતની વસ્તુ બની ગઈ
એ પછી મેલ કાઢવાની ઢીકરી બની
ને છેવટે કોઈ બાળકના હાથે
દીવાલ પર લીટી બનીને અદૃશ્ય થતી ગઈ
અદ્દલ માની જેમ.
માટલું ભરાય
ખાલી થાય.
બુઝારાની જગાએ મૂકેલી બાની નાનકી વાટકી
યાચક બનીને પાણી પીતાં બધાંને
કરુણાથી જોયા કરે અને
અંકે કરે બધાંનો સંતોષ.
માટલાથી સાવ જ નજીક છતાં ખાલી.
આખો વખત આકાશ પીધા કરે
વાટકી કદીય ખાલી થઈ નથી.
માટલું એ જોઈ નિતનવું માટલું બનતું રહે.
માના મર્યા પછી મહિને
પાણી ભરીને માટલી મંદિરે મૂકેલી.
પછી એ માટલીમાંથી કોણે પાણી પીધું હશે?
કયા પંખીએ પીને ટહુકો કર્યો હશે?
કયું ગીત ગાયું હશે?
જેટલી વાર માટલામાંથી પાણી પીઉં છું
એટલી વાર
એ વાત યાદ આવે છે.
વર્ષો વીત્યાં
માની પાછળ મૂકેલી માટલીનું પાણી
જાણે ખાલી થયું નથી!
માટલું મસ્તીથી માટી જોડે
રહે રમમાણ.
પાણી, આકાશ એના સદાનાં સાથી
પવન એનું પાણી પીવે ત્યારે એને
ટાઢકનો ઉમળકો થાય.
પાણી ભરવાનો અને ખાલી થવાનો અવાજ
એને હંમેશાં જાગતું રાખે.
મૌનનો મહિમા કરતું એ ચૂપચાપ બેસી રહે
જાણે બેઠું હોય કાળ કાંઠે.
માટલું કદીય ખાલી થતું નથી
એ જેમ જેમ ખાલી થાય છે
એમ એમ ભરાય છે
અજ્ઞાત અવકાશથી.
અને
જેમ જેમ ભરાય છે
એમ એમ ખાલી થાય
એની અંદરનો અંધકાર.
જળ ને માટી બંને છે
માટલાની ડાબી ને જમણી આંખો.
સતત નિરખે
ખાલી થવું ને ભરાવું
અને છતાં
હંમેશાં ભર્યાભર્યા રહેવું.
બાપુજીની ચિતા પતે
પાણી ભરેલી માટલી ફોડી
પાછળ જોયા વગર જ ઘેર પાછો ફરેલો.
ફૂટેલી માટલીનું પાણી
એમને પહોંચ્યું હશે કે કેમ?
એ ચિંતાએ
સ્મશાન કદી ખસતું નથી
મારામાંથી.
માટલું ડૂબેલું હોય છે જળમાં
અને જળ ડૂબેલું હોય છે માટલામાં
માથે, કેડે,
પાણિયારે કે પરબે
જાણે એ રહેતું હોય સદા
કોઈક અજાણ્યા નિભાડામાં.
માટલું ઘણી વાર મમળાવે છે
માટીનું ગોંદાવું
ચાકડા પરનું ઘૂમરાવું
નિભાડે તપવું
પછી ટકોરાબંધ થઈને
નીકળી પડવું
કોઈ ઘરે, કોઈક પરબે
અને પછી તૂટી જવું
ફરી ફરીને બનવા
વધુ ટકોરાબંધ, એક માટલું.
માટલું ભલે માટીનું રહ્યું
પણ મેલું નથી.
ટિપાઈ ટિપાઈને સ્થિર થાય છે
તપી તપીને ઠંડું થાય છે
ને રાહ જોઈ જોઈને
સભર થાય છે
એટલે એ
ન રહે ત્યારે પણ રહે છે.
ફ્રીઝ ખોલી
પ્લાસ્ટિકની બૉટલથી સીધું પાણી પીતી
દીકરીને એવી રીતે જોઈ રહું છું
જેમ એક કાળે
માટલું મને જોઈ રહેતું હતું.
પરબ, ડિસેમ્બર