zoom in zoom out toggle zoom 

< ઉમાશંકરનો વાગ્વૈભવ

ઉમાશંકરનો વાગ્વૈભવ/પ્રવાસ/યુરોપયાત્રા: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Heading| ૪. યુરોપયાત્રા | }} {{Poem2Open}} ઉમાશંકરે ૧૯૮૦માં પોતાની બે પુત્ર...")
 
No edit summary
 
Line 28: Line 28:
ગુજરાતી પ્રવાસ-સાહિત્યમાં ઉમાશંકરનું પણ ઉલ્લેખનીય સ્થાન રહેશે જ. ઉત્તમ પ્રવાસી કવિનું પ્રવાસકર્મ, એનો પ્રવાસધર્મ કેવાં હોય તે એમનાં પ્રવાસવર્ણનો સરસ રીતે બતાવે છે. એમનાં પ્રવાસવર્ણનોમાંથી માનવના આંતરિક સૌન્દર્યનું, એના કલા અને સંસ્કારવૈભવનું તેમ જ માનવતાના વૈશ્વિક પ્રભાવનું જે ઉમદા ચિત્ર મળે છે તે અનન્ય છે અને તેથી જ આપણા આ સમર્થ શબ્દયાત્રીનું ‘વિશ્વયાત્રી’ થવાની સાધના વ્યક્ત કરતું પ્રવાસ-સાહિત્ય આપણી એક મૂલ્યવાન વિરાસત બની રહે છે. સર્જક માત્ર તાત્ત્વિક અર્થમાં જંગમ સ્વભાવનો, મનોયાત્રી તો હોય જ છે. એને સમજવામાં એની મનોયાત્રા – જીવનયાત્રાને પ્રગટ કરતી આવી યાત્રાકથાઓ પણ ઘણી ઉપયોગી નીવડે એ સ્પષ્ટ છે. ઉમાશંકરનું આ રીતે પ્રવાસ-સાહિત્યના ક્ષેત્રનું પદાર્પણ જોવું–મૂલવવું જરૂરી છે.
ગુજરાતી પ્રવાસ-સાહિત્યમાં ઉમાશંકરનું પણ ઉલ્લેખનીય સ્થાન રહેશે જ. ઉત્તમ પ્રવાસી કવિનું પ્રવાસકર્મ, એનો પ્રવાસધર્મ કેવાં હોય તે એમનાં પ્રવાસવર્ણનો સરસ રીતે બતાવે છે. એમનાં પ્રવાસવર્ણનોમાંથી માનવના આંતરિક સૌન્દર્યનું, એના કલા અને સંસ્કારવૈભવનું તેમ જ માનવતાના વૈશ્વિક પ્રભાવનું જે ઉમદા ચિત્ર મળે છે તે અનન્ય છે અને તેથી જ આપણા આ સમર્થ શબ્દયાત્રીનું ‘વિશ્વયાત્રી’ થવાની સાધના વ્યક્ત કરતું પ્રવાસ-સાહિત્ય આપણી એક મૂલ્યવાન વિરાસત બની રહે છે. સર્જક માત્ર તાત્ત્વિક અર્થમાં જંગમ સ્વભાવનો, મનોયાત્રી તો હોય જ છે. એને સમજવામાં એની મનોયાત્રા – જીવનયાત્રાને પ્રગટ કરતી આવી યાત્રાકથાઓ પણ ઘણી ઉપયોગી નીવડે એ સ્પષ્ટ છે. ઉમાશંકરનું આ રીતે પ્રવાસ-સાહિત્યના ક્ષેત્રનું પદાર્પણ જોવું–મૂલવવું જરૂરી છે.
{{Poem2Close}}
{{Poem2Close}}
<br>
{{HeaderNav
|previous = [[ઉમાશંકરનો વાગ્વૈભવ/પ્રવાસ/ઈશાન ભારત અને અંદામાનમાં ટહુક્યા મોર|૩. ઈશાન ભારત અને અંદામાનમાં ટહુક્યા મોર]]
|next = [[ઉમાશંકરનો વાગ્વૈભવ/આ મહાનિબંધ3ના પ્રકાશન નિમિત્તે | આ મહાનિબંધના પ્રકાશન નિમિત્તે...]]
}}
<br>

Latest revision as of 20:15, 9 November 2021


૪. યુરોપયાત્રા

ઉમાશંકરે ૧૯૮૦માં પોતાની બે પુત્રીઓ નંદિની તથા સ્વાતિ સાથે યુરોપના ૧૬ દેશોની યાત્રા કરેલી. એ યાત્રા અંગેના કુલ ૨૫ લેખો ‘યુરોપયાત્રા’ નામના પુસ્તકમાં ગ્રંથસ્થ છે. આ લેખોમાં નવ લેખો નંદિનીબહેનના, સાત લેખો સ્વાતિબહેનના અને નવ લેખો ઉમાશંકરના છે. નંદિનીબહેને જ ઉમાશંકર અને સ્વાતિને લાંબો કાગળ લખીને, બને તેટલી દલીલો કરી, યુરોપની યાત્રા માટેનો પ્રસ્તાવ તો મૂક્યો જ, સાથે એમને ના પાડવાની તક જ ન મળે તે માટે બે ટિકિટો લઈને તે અમદાવાદ મોકલી આપી અને પરિણામે બંનેય જિનીવા આવ્યાં. તે રીતે એમનો પ્રવાસ આરંભાયો. (યુરોપયાત્રા, ૧૯૮૫, પૃ. ૧૨)

આ યુરોપયાત્રામાં ઉમાશંકરે લેખકો, કેળવણીકારો, ચિંતકોને મળવાનું વિચાર્યું ન હતું. અપવાદરૂપે જ કવિ માર્ટિન ઑલવુડને અને તેમનાં ચિત્રકાર પત્ની એનિલિયાને મળવાનું ગોઠવાયેલું. વળી માદ્રિદમાં ફાધર વાલેસ અને તેમનાં માતુશ્રી અને ભાઈને, પૅરિસમાં શ્રી શ્વૉબને તથા પૂર્વમાં વિયેનામાં રતિભાઈ – બીએટ્રિસ-(દિવ્યાદેવી)ને મળવાનું પણ થયેલું. (પૃ. ૧૨૯) આમ તો આ સમગ્ર યુરોપયાત્રા દરમિયાન ભૂગર્ભમાં રહેવાનો જ તેમનો અભિગમ રહેલો. (પૃ. ૧૩૦)

આ યુરોપયાત્રામાં પ્રવાસનો આરંભ થાય છે જિનીવાથી. દરમિયાન નંદિનીબહેન જિનીવામાં હતાં અને તેમણે ઉત્તર ઇટાલીની જે યાત્રા કરેલી તેનો લેખ આ પુસ્તકમાં પહેલો છે. સમયને જીતી લેનાર – કહો કે તેને પકડી રાખનાર ફ્લૉરેન્સનો; વેનિસ, વેરોના, પીસા, મિલાનોનો નંદિનીબહેન ખાસ તો સ્થાપત્ય, શિલ્પ ને ચિત્રકળાની દૃષ્ટિએ પરિચય આપે છે. કલાની ટોચેથી કુદરતની ટોચે પહોંચવાનો ઉપક્રમ નંદિનીબહેનનો તો રહ્યો જ હતો, સાથે સ્વાતિબહેન તથા ઉમાશંકરનો પણ ખરો જ. મહેલ ને કિલ્લાઓ, બગીચા ને મ્યુઝિયમોની – કલાતીર્થો ને સાહિત્યિક તીર્થોની, ટૂંકમાં, પ્રકૃતિદર્શનથી માંડીને કલાદર્શન – સંસ્કૃતિ ને સંસ્કારદર્શનની આ યાત્રા બની રહે છે. આ યુરોપયાત્રા વસ્તુત: યુરોપના આંતરવૈભવના દર્શનની યાત્રા બની રહે છે. બીજો લેખ ‘જિનીવા’ સ્વાતિબહેનનો છે. તેમને યુનોનો પૅલેસ એ ‘કદાચ જિનીવાનું સૌથી નીરસ સ્થળ’ (પૃ. ૧૩) લાગે છે. જૂનું જિનીવા શહેર તેમને અદ્ભુત લાગે છે. એ પછી નંદિનીબહેન ‘ઇન્ટરલાકન’માં આલ્પ્સના હિમસૌન્દર્યનીય વાત કરે છે. એ વાત કરતાં સૂર્યપ્રકાશમાં ઝળકતા મૉં બ્લૉંને વિમાનમાંથી અનુભવ્યાની ચમક ઉમાશંકરના ચહેરા પર છવાયેલી હોવાનું તેઓ નોંધે છે. (પૃ. ૧૬) આ સાથે આ યાત્રા દરમિયાન રોમેં રોલાં, ગૉલબ્રેથ વગેરેનીયે વાત થાય છે. વળી ઇન્ટરલાકન આગળ બે સરોવર જોડતી નદીના નિર્મળ પાણીને જોઈને તો નંદિનીને થાય છે : “પાણી પણ કોઈએ ધોયું હોય.” (પૃ. ૧૯) આ પ્રદેશમાં ફરતાં તાજગી ઊંડે સુધી પહોંચ્યાનો અનુભવ નંદિનીબહેન વર્ણવે છે. આલ્પ્સની મોહકતાના અનુભવે પોતાની યુરોપયાત્રા આલ્પ્સથી પૂરી કરવાનો ખ્યાલ પણ તેમના ચિત્તમાં ચમકે છે. (પૃ. ૨૧) એ સ્વિટ્ઝર્લૅન્ડની સોહામણી રાજધાની બર્નનો નિર્દેશ પણ થાય છે એ પછી સ્વાતિબહેને દક્ષિણ ફ્રાન્સના પ્રોવાંસ પ્રદેશના મુખ્ય નગર આવિન્યોં ને તે પછી રીવીએરા – મોનાકો સુધીની યાત્રાની વાત કરતાં ‘ફ્રાન્સનું સાચું જીવતું સ્વરૂપ, એનો આત્મા, તો ફ્રાન્સનાં આવાં (આવિન્યોં જેવાં) નાનાં નગરોમાં અને નાનાં ગામડાંઓમાં અને ગ્રામપ્રદેશનાં ખેતરોમાં જ છે. (પૃ. ૨૫–૨૬) સ્વાતિબહેને ‘સ્પેઇનનો ચહેરો’માં સ્પેઇનના આંતરવ્યક્તિત્વનો પરિચય આપતાં બીજા દેશોની ઠંડી તટસ્થતાથી જુદી જે કેટલીક લાક્ષણિકતાઓ જોવા મળે છે તેનો નિર્દેશ કર્યો છે. આત્મીયતા સાથે ત્યાંનો સ્વતંત્ર મિજાજ પણ તેમણે અનુભવ્યો છે. સ્પેઇનના સૌથી યુરોપીય શહેર બાર્સીલોના, માદ્રિદ, એસ્કોરિયાલ મઠ વગેરેની મુલાકાતનો રસપ્રદ અહેવાલ અપાયો છે. એમાંયે સ્પેનના મહાન કલાકારો એલ ગ્રેકો, વાલેસ્કયુ (વેલાઝક્વેઝ) અને ફ્રાન્સિસ્કો ગોયાની કળાનો વિશેષભાવે પરિચય મળે છે. સ્પેઇનની વાતમાં આખલાયુદ્ધ તેમ જ દૉન કિહોતેનીયે વાત આવે તે સ્વાભાવિક છે.

ઉમાશંકર ‘આટલાન્ટિકની અટારીએ’માં પોર્તુગલની વાત રજૂ કરે છે. ભારતમાંના પોર્તુગીઝ સંસ્થાનોના કારણે ઘણા ગોવાવાસીઓ પોર્તુગલમાં હોવાનું તેઓ નિર્દેશે છે. તેઓ લિસ્બન, સિન્ત્રા, સાન સબાસ્તિયન વગેરેની મુલાકાત લે છે. લિસ્બનના થોડા કલાકોના અનુભવે એ પ્રદેશ પૂરો યુરોપીય નહીં હોવાની તેમને લાગણી થાય છે. (પૃ. ૫૩) તેઓ કાસ્તેલો સાઓ જોર્જના ખંડેરો પરની ઊંચી અટારીએથી લિસ્બનનું વિહંગાવલોકન કરતાં માનવસૃષ્ટિ અને પ્રકૃતિ એકમેકમાં ભળી જઈ ભવ્ય સર્જનરૂપે પ્રત્યક્ષ થતાં હોવાનું અનુભવે છે. (પૃ. ૫૨)

ઉમાશંકર આદિએ યુરોપના કેટલાક દેશો જોયા હોઈ તેમણે એક મહિનાની યુરોપયાત્રામાં સ્પેઇન-પોર્તુગલને એક અઠવાડિયું અને એક પખવાડિયું સ્કૅન્ડિનેવિયાને આપવાનું નક્કી કર્યું હતું. (પૃ. ૫૮)

તેમણે પોર્તુગલથી પૅરિસ–લક્ઝમબર્ગ જોઈ, બ્રસેલ્સ થઈને, એમસ્ટરડેમ પહોંચી ત્યાં બે દિવસ રોકાઈ, કૉપનહેગન થઈ ઓસ્લો પહોંચવાનું ગોઠવેલું. સ્વાતિબહેને ‘કાફે સંસ્કૃતિ’વાળા પૅરિસની મુલાકાતમાં નોત્રદામ, સાં શાપેલ દેવળ, લુવ્ર, રોદાંનું મ્યુઝિયમ વગેરે જોયાંનું બયાન આપ્યું છે. ‘એક દિવસમાં પૅરિસને લૂંટાય એટલું લૂંટીને’ (પૃ. ૬૨) તેઓ લક્ઝમબર્ગ પહોંચ્યાં. ‘લક્ઝમબર્ગની સવાર’નું વર્ણન નંદિનીબહેને આપ્યું છે. ત્યાંના મધ્યકાલીન યુગની મોહકતા તેમણે અનુભવી. ત્યાંથી બ્રસેલ્સ પહોંચ્યાં. નંદિનીબહેન નોંધે છે તેમ, વિક્ટર હ્યુગોના મતે તે ‘દુનિયાનો સૌથી સુંદર ચોક’ છે (પૃ. ૭૦) એ ચોકમાં તેમને રોનક સાથે સૌમ્યતા અને વિશાળતા સાથે આત્મીયતાનો અનુભવ થયો. (પૃ. ૭૧) બ્રસેલ્સથી ટ્રેનમાં તેઓ એમસ્ટરડેમ પહોંચ્યા. દરમિયાન ઉમાશંકરે ઢળતી બપોરે પ્રવૃત્તિઓના વંટોળના મહાન ખંડનાં નાનાં ખામણાંઓમાં શાંતિ જાણે શ્વાસ લઈ રહી હોય તેવો અનુભવ કર્યાનું નોંધ્યું છે. (પૃ. ૭૪) એમસ્ટરડેમ નહેરોનું નગર છે. ત્યાં ‘ફેસ્ટિવલ ઑફ ફૂલ્સ’ની વાત કરતાં ઉમાશંકર લખે છે :

“સંગીતકાર હવામાં કોઈ અજબ ઊંડા આવેશથી લયલકીરો વેરી રહ્યો હતો. એકકાન ઊભેલાં અસંખ્ય માણસો એ પકડવા જાણે ઊડવા કરતાં ન હોય ! તેઓ ઊભાં હતાં પણ એમનું લોહી નાચતું હતું. કોઈની આંખ કે મુખરેખા નાચે ! કોઈનું મસ્તક કે આખું શરીર ડોલે...” (પૃ. ૭૫)

આવી ‘મૂર્ખજનમહોત્સવ’ની સગવડ આપીને એમસ્ટરડેમે આનંદપ્રમોદ સાથે સમાજના માનસિક સ્વાસ્થ્યની સારસંભાળ લીધી હોવાનું ઉમાશંકરે યોગ્ય રીતે જ જણાવ્યું છે. તેમને આ મહોત્સવથી સામૂહિક ભાવવિરેચન (‘કેથાર્સિસ’) સધાતું પણ લાગ્યું છે. (પૃ. ૮૧) તેમણે એમસ્ટરડેમના રિય્સ્ક મ્યુઝિયમ તેમ જ વિન્સેન્ટ વાન ગૉહના મ્યુઝિયમની મુલાકાત લઈ રેમ્બૉં તેમ જ વાન ગૉહનાં ચિત્રોનો જે સ્વાદ લીધો તેની માર્મિક રજૂઆત કરી છે. ઉમાશંકરને રેમ્બૉંમાં એક પારગામી વાસ્તવનું દર્શન થયેલું. (પૃ. ૭૭) એમસ્ટરડેમમાં બે દિવસ ભર્યાભર્યા ગાળીને તેઓ કૉપનહેગન ઊતરી ટિવોલી પહોંચ્યાં. કૉપનહેગનના તે વિખ્યાત આનંદબાગનું વર્ણન કરતાં ઉમાશંકર એક ચિંતનીય મુદ્દો રજૂ કરે છે. તેઓ લખે છે :

“ટિવોલી નામ ભલે રોમથી થોડે દૂરના ઉત્તમ બાગનું હોય. અહીં તો ટિવોલીનો પ્રાસ ફ્રિવોલી (ફ્રિવલસ, આછકલાઈભર્યું) સાથે મેળવી શકાય. ગમે તેમ કરી ગમ્મતના મિજાજમાં આવવું, ક્યાંક કશાકમાંથી પણ ટીપું રમૂજ નિચોવી લેવી, એવું માનસ પ્રાધાન્ય ભોગવતું લાગે. ધનના ઉકરડા શહેરોમાં જામે ત્યારે એનું એક આડપરિણામ આવાં ખોખલાં પ્રમોદધામોરૂપે આવે છે.” (પૃ. ૮૦)

ઉમાશંકરે ‘માનવજાતિનાં અસ્તિત્વનાં મૂળિયાંને અમૃતથી સીંચનાર હૅન્સ ઍન્ડરસનના પ્રયત્નોની વાત કરી, એવી ‘સંજીવનીની તાજગી’ લૂંટવા તરફ પ્રજા વળે એવી પ્રાર્થના સાથે ટિવોલીની વિદાય લીધી હતી.

આ પછી ઉમાશંકર ઑસ્લોની વાત કરે છે, અને ત્યારે પોતાની ઇબ્સન સાથેની ઓળખાણ તાજી કરે છે ! (પૃ. ૮૨) ત્યાં લોકવિજ્ઞાનનું મ્યુઝિયમ પણ નિહાળે છે. ઉમાશંકર ત્યાર પછી બર્ગન પહોંચે છે. સ્વાતિબહેન ઓસ્લો-બર્ગન રેલવેમાર્ગને ‘યુરેઇલ યાત્રાનો એક ઉત્તમ ટુકડો’ હોવાનું જણાવે છે. બર્ગન નૉર્વેનું ઓસ્લો પછીનું બીજું મોટું બંદર – શહેર છે. ત્યાંના બગીચા–મ્યુઝિયમ વગેરેની મુલાકાત લઈ તેઓ ટ્રાઉન્ડહાઈમના ફ્યૉર્ડ જોતાં જોતાં બોદ્ઓ (બોદો) પહોંચ્યાં ને ત્યાંથી ‘મીડનાઇટ સન’ માટેની સ્ટીમર પકડી.

ઉમાશંકરે બોદો જતાં ૧૭ જૂન, ૧૯૮૦ના રોજ આ લખનારને ઉદ્દેશીને સુંદર પત્ર લખેલો. આ ‘યુરોપયાત્રા’માં આ જ એક લેખ પત્રસ્વરૂપે છે, જેમાં છેલ્લે ઉમાશંકર આ મહાનિબંધ લખનાર ચંદ્રકાન્ત શેઠને ‘જય સદાસૂરજ’ પાઠવે છે ! આ પત્રના આરંભે તેઓ હેનરિક હાઈનેના એક કાવ્યનો સરસ સંદર્ભ ટાંકે છે. આ પત્રમાં તેઓ ત્યાંની પ્રાકૃતિક પરિસ્થિતિ અને તેના સૌન્દર્યનો સુંદર ખ્યાલ આપે છે. એમાં એમની આત્મીયતાની સુવાસ ને પ્રસન્નતાની ચમક પણ અનુભવાય છે. ‘હું તો કહું છું, સ્વાતિ ભારતથી યુરોપમાં તડકો લેતી આવી છે’ જેવાં વાક્યો આપણને આકર્ષે છે. મધરાતે બાર વાગ્યે પશ્ચિમ ક્ષિતિજ ઉપર લાલચોળ ઝૂમતા સૂરજનો તેમણે રસમય ચિતાર આપ્યો છે. સૂર્ય આથમવાનું જ ભૂલી બેઠો ન હોય – તેવી ઉત્પ્રેક્ષા તેઓ કરે છે. (પૃ. ૯૨) કવિએ દૂર રહ્યાં રહ્યાં પત્ર દ્વારા આપણને મધરાતના એમના સૂર્યદર્શનમાં સાથે લીધા એ માટે તો કૃતજ્ઞતાભાવ જ વ્યક્ત કરવાનું ગમે !

એ પછીના ‘ઉત્તર ધ્રુવના સાન્નિધ્યમાં’ પણ ઉમાશંકરે ત્યાંની વિશિષ્ટ પ્રકૃતિનો વાસ્તવિક અને રમ્ય ચિતાર આપણને આપ્યો છે. હર્સ્ટાડ બંદરે સ્ટીમર નાંગરતાં ત્યાં બૅન્ડનું સંગીત સાંભળવા મળ્યું, જેને તેઓ સવારના સૂર્યોપસ્થાન જેવું જણાવે છે. તેઓ આખો યુરોપ દારૂમાં ડૂબડૂબાં હોવાનું જણાવી તેને મુઝારો થયો હોવાનું લાભશંકરનું નિદાન રજૂ કરે છે. (પૃ. ૧૦૦) તેઓ ઉત્તર ધ્રુવનો પ્રવાસ કરાવતી નૌકાને ‘અલૌકિક રૂપના તૃષાતુરોની નૌકા’ તરીકે ઓળખાવે છે. ત્યાંનો મહાસાગર જોતાં ઉમાશંકરને ‘નરી ભવ્યતા’નો સાક્ષાત્કાર થાય છે, જેમ ન્હાનાલાલને ‘નરી સરલતા’નો એક વાર થયેલો તેમ. (પૃ. ૧૦૨) ઉમાશંકર ઉત્તરધ્રુવ નિમિત્તે ‘સ્નેહમુદ્રા’ના સર્જક ગોવર્ધનરામનેય યાદ કરે છે અને સાથે વેદોપનિષદના મંત્રોને પણ. ત્યાં રહી પહેલું ચિત્રકાર્ડ ‘યાત્રિકોત્તમ’ કાકાસાહેબને મોકલે છે. તે સાથે એ ભૂમિ પર ૧૯૭૪માં પગલાં પાડનાર કિશનસિંહને, તથા સ્કૅન્ડિનેવિયન કવિતાના અનુવાદક ભણોત વગેરેનેય યાદ કરે છે. તેમને આખા મહિનાની તેમની યુરોપયાત્રાનો ઉત્તમોત્તમ ભાગ ઉત્તર ધ્રુવની સમુદ્રયાત્રાવાળો લાગ્યો છે. (પૃ. ૧૦૪)

‘લૅપલૅન્ડના ખોળામાં’ નંદિનીબહેને નૉર્વેની બસોનો, ‘મચ્છરોના મહાનગર’ કારાશ્યોકનો ને ત્યાંના લૅપ લોકોનો પરિચય આપ્યો છે. રોવાનીએમી ‘સરોવરના દેશ’ ફિનલૅન્ડનું ઉત્તરે છેલ્લું મોટું શહેર છે. ત્યાંની પ્રકૃતિ, ત્યાંનું શિલ્પસ્થાપત્ય વગેરેનો સ્વાતિબહેને સરસ ખ્યાલ આપ્યો છે. ‘સાવોન્લિના’નો સવિગત પરિચય નંદિનીબહેને આપ્યો છે. ત્યાંના વરસાદનો અનુભવ કરતાં ઉમાશંકર ‘સાવોન્લિના’ સાથે ‘સાવન-લિલા’નો મેળ બેસાડી દે છે ! (પૃ. ૧૨૦) ‘હેલસિન્કી’ લેખમાં નંદિનીબહેન યુરોપયાત્રાના સંદર્ભમાં એક મહત્ત્વની વાત કરે છે ને તે છે ‘તરત જ જ્યાં નથી જવાતું એ જગ્યા પહેલી જોવી’ એ ન્યાયે એક બાજુ સ્પેઈન-પોર્ટુગલ અને બીજી બાજુ ફિનલૅન્ડ એ છેડાના દેશોને ખાસ પસંદગી મળી.’ (પૃ. ૧૨૨) ફિનલૅન્ડ તેમને રસપ્રદ દેશ લાગ્યો હતો. તેની રાજધાની હેલસિન્કી સ્થાપત્યકળાના નમૂનારૂપ છે અને ત્યાંના ‘ત્રણ લુહારો’નું શિલ્પ જોતાં ઉમાશંકરે ‘ઘણ ઉઠાવ’વાળી સુન્દરમ્‌ની કાવ્યરચના યાદ કરેલી તે નંદિનીબહેન જણાવે છે. (પૃ. ૧૨૪) તેઓ હેલસિન્કીથી સ્વીડનના સ્ટૉકહોમ જતી સ્ટીમર લે છે., સ્વીડનમાં તેમણે ચિત્રકળાનાં મ્યુઝિયમોની મુલાકાત લીધી. સ્વાતિના કારણે મહાન નાટ્યકાર સ્ટ્રીન્ડબર્ગનાં સન્ધ્યાનાં ચિત્રો જોવાની તક મળી. સ્ટૉકહોમમાં સદ્ભાગ્યે, વધુ રોકાવાનું થયું તેથી તે બંધ કિતાબ જેવું ન રહ્યું. માર્ગરિતાબહેનનો તેમ જ મહાન સ્વીડિશ શિલ્પકાર કાર્લ મિલેસની જગાનો મિલન-દર્શન-લાભ થયો એ આ પ્રવાસની ઇષ્ટ ઉપલબ્ધિ હતી. ઉમાશંકર સ્વીડનબોર્ગની પ્રતિમા ન જુએ એ કેમ બને ? એ પ્રતિમાદર્શને તેઓ ભૃગુરાય અંજારિયાનુંયે સ્મરણ કરે છે. એ પછી ઉમાશંકર મુલ્શ્યો પહોંચે છે જ્યાં સ્ફૂર્તિમંત કવિ માર્ટિન ઑલવુડનો મેળાપ થાય છે. તેઓ ‘સ્વીડનની શ્રી’નો ચિતાર આપતાં એમાં કુશળતાથી માર્ટિન ઑલવુડ સાથેના પોતાના ત્યાંના સત્સંગની વાત પણ વણી લે છે. માર્ટિન-દંપતીનો પરિચય આપતાં તેઓ લખે છે :

“ડગલે ડગલે ઇતિહાસની લગની, આસપાસની પ્રકૃતિની અને કળાની સુંદરતામાં મન, પણ ક્ષણેક્ષણ રસ તો નવા કામનો – એનું નામ કવિ માર્ટિન. શ્રીમતી એનિલિયાથી આ બધું બેવડાય છે એમ નહીં – અનેકગણું થાય છે.” (પૃ. ૧૪૨)

યુરોપનાં – ખાસ કરીને ઉત્તરનાં શહેરો જોતાં સાંજના કર્ફ્યુ જેવી સ્થિતિ જોવા મળે છે. ઉમાશંકર આવો કર્ફ્યુ લાવનાર સભ્યતાની માર્મિક રીતે આલોચના કરે છે. (પૃ. ૧૪૪–૧૪૫)

સ્વીડનના મુલ્શ્યોથી નીકળી ઉમાશંકર પશ્ચિમ જર્મનીના પ્રાચીન કૉલોન શહેર સુધી આવી પહોંચે છે. પશ્ચિમ યુરોપના હૃદય જેવી ર્હાઈન નદીના કિનારે સવારની એકાન્ત શાન્ત આભામાં ચાલવું તેઓ પસંદ કરે છે. પશ્ચિમ જર્મનીના દર્શનમાં કિલ્લાઓ ને દેવળોનો મહિમા ભારે ! તેમણે જર્મનીની ભીતરમાં ડોકિયું કરવા ર્હાઈનનો નૌકાપ્રવાસ પસંદ કર્યો હતો. જર્મનીની વાત હોય ને ગ્યોઇથેનું, બીથોવનનું સ્મરણ ઉમાશંકર કેમ ચૂકે ? ર્હાઈન પણ ઉમાશંકરને ‘ર્હાઈનગંગા’ લાગે છે. (પૃ. ૧૫૦) ર્હાઈનના અનુભવ બાદ ઉમાશંકર સ્વિટ્ઝર્લૅન્ડની આલ્પ્સ ગિરિમાળાઓના ખોળે પહોંચી જવા મનને તૈયાર કરે છે.

સ્વાતિબહેન ‘લુગાનો’ લેખમાં આલ્પ્સની યાત્રાના – ત્યાંની ‘શ્વેતસૃષ્ટિ’ના કેટલાક રમ્ય અનુભવો રજૂ કરે છે. નંદિનીબહેન પણ ‘આલ્પ્સમાં અવારનવાર’ લેખમાં પોતાની યુરોપયાત્રાના શ્રીગણેશ આલ્પ્સથી આરંભાયાની વાત કરી, આલ્પ્સની વિવિધ છટાઓ વિવિધ જગાઓથી જોયાનો ઉલ્લેખ કરે છે. તેઓ સૌમ્ય શાંત એન્ડરમાટની વાત કરતાં ત્યાં નિસર્ગશ્રીનું તાદૃશ ને આકર્ષક બયાન આપે છે. (પૃ. ૧૫૬–૫૭)

છેલ્લે ‘યુરોપયાત્રા’માં ઉમાશંકરનો લેખ છે ‘વિયેના અને પાસેની ઑડન-કુટીર’ વિશેનો. આ લેખનો શરૂઆતનો ત્રણેક પૃષ્ઠ જેટલો અને છેલ્લો એક ફકરો – એટલો ભાગ બાદ કરતાં તે પછીનો ભાગ ‘ઇસામુ શિદા અને અન્ય’માં પુનર્મુદ્રિત થયો છે. ઉમાશંકર ૧૯૭૩માં વિયેનાથી પસાર થયા ત્યારે, જે થોડાક કવિઓ સમક્ષ ભાષાએ પોતાનું હૃદય ખોલ્યું છે તેમાંના એક કવિ ઑડનને મળવાની તક હતી પણ તે સરી ગઈ. ફરી વિયેના આવ્યા ત્યારે તેઓ રતિભાઈ જોશીના મહેમાન થયા. તેમના સુંદર નિવાસની વાત કરી, તેઓ વિયેનાની સંગીતના ઘર તરીકે ઓળખાણ આપે છે. પૅરિસના જેવા કલાધામ આ વિયેનાની મુખ્ય શોભા વનો હોવાનું તેઓ જણાવે છે. (પૃ. ૧૬૦) વિયેનાનિવાસ દરમિયાન દૂરદર્શન પર વિમ્બલ્ડનની ટેનિસસ્પર્ધા ખેલાતી જોવાનું બન્યું તો તેનુંયે બયાન ઉમાશંકરે અહીં કર્યું છે. તેમણે ફ્રૉઇડના નિવાસનું મ્યુઝિયમ પણ જોયેલું પણ તેની વાત નિવારી છે.

વિયેનાનિવાસના સંદર્ભે સ્ટ્રૉબેરીનો, મહેલો-કિલ્લા-દેવળોનો નિર્દેશ છે; પરંતુ તેમની કલમ ઑડનનું જીવનચિત્ર ઉપસાવવામાં વિશેષભાવે પ્રવૃત્ત થાય છે. ઑડનના સંબંધે ભોમિયાની જેમ સહાયભૂત થનાર જૉસેફા સ્ટૉબલનું રેખાંકન પણ આકર્ષક છે. ઑડનની પુષ્પછોડોથી થોડીક આચ્છાદિત સાદી કબરને આઠ વાગ્યાના સૂર્યપ્રકાશમાં જોતાં ઉમાશંકર લખે છે : “એ કિરણોમાં અંગ્રેજી કવિતાની ખુશાલી ચમકી રહી હતી.” (પૃ. ૧૬૯)

છેલ્લે ઉમાશંકર પોતાની બે દીકરીઓથી છૂટા પડી પોતે પૅરિસ થઈ ભારત આવવા નીકળ્યા. પોતાના બુઝુર્ગ વિચારમિત્ર આંદ્રે શ્વૉબની એંશીમી વરસગાંઠમાં પૅરિસમાંની તેમની ઉપસ્થિતિની નોંધ પણ લેવાઈ.

ઉમાશંકરનું આ ‘યુરોપયાત્રા’ યુરોપના સંસ્કારસંસ્કૃતિનું કેટલુંક લાક્ષણિક રીતનું દર્શન કરાવે છે. ખરેખર તો આ પુસ્તક લેખમાળારૂપ છે. એમાં અપવાદરૂપ છે એક પત્ર ‘મધરાતે સૂરજ’. બાકીના લેખોમાં કેટલાક તો નોંધ જેવાયે લાગે; આમ છતાં આ લેખમાળામાં યુરોપના આંતરવ્યક્તિત્વે ચમકતા ચહેરાની ઝાંખી–ઝલક જરૂર થાય છે. માત્ર ઉમાશંકરના જ નહીં, નંદિનીબહેન તથા સ્વાતિબહેનની કલારુચિનો, તેમની સર્જનાત્મક નિરૂપણરીતિના ઉન્મેષોનો પણ પરિચય મળે છે. યુરોપયાત્રા વિશેષભાવે પ્રકૃતિયાત્રા ને કલાયાત્રા લાગે તો નવાઈ નથી. પ્રકૃતિ, મનુષ્ય અને કલાનાં ત્રણ બિન્દુઓને સાંકળતો, ત્રણ સર્જક-પ્રતિભા દ્વારા આલેખાતા આ પ્રવાસ-ત્રિકોણમાં વત્સલ પિતા અને પિતાના કાવ્ય-કલાના વારસાને શોભાવતી બે વિચક્ષણ દીકરીઓનો પારિવારિક મંગળત્રિકોણ પણ જોવા મળે છે. યુરોપની આ યાત્રા કેટલીક રીતે પ્રકૃતિયાત્રા સંસ્કૃતિયાત્રા ને કલાકૃતિયાત્રા પણ બની રહે છે. પ્રવાસવર્ણનની એક સાહિત્યિક કૃતિ તરીકે આ ‘યુરોપયાત્રા’માં કલાત્મક ઘાટ ને રજૂઆતરીતિમાં એકધારી ઊંચાઈ ને સુશ્લિષ્ટતા કદાચ ન લાગે, તેમ છતાં યુરોપને તેમ ઉમાશંકર અને તેમના પરિવારની તાસીરને સમજવામાં આ ‘યુરોપયાત્રા’ જરૂર ઉપયોગી થાય એવી છે. ‘અલગારીની રખડપટ્ટી’ જેવી કૃતિઓના સંદર્ભમાં જોતાં આ પ્રવાસવર્ણનની વિશેષતા ને વિભિન્નતા તુરત જ પામી શકાય એમ છે. ઉમાશંકર કેવા મહાન મનુકુલયાત્રી હતા તેનો સ્પષ્ટ સંકેત આ ‘યુરોપયાત્રા’માંથી પ્રાપ્ત થાય છે.

ગુજરાતી પ્રવાસ-સાહિત્યમાં ઉમાશંકરનું પણ ઉલ્લેખનીય સ્થાન રહેશે જ. ઉત્તમ પ્રવાસી કવિનું પ્રવાસકર્મ, એનો પ્રવાસધર્મ કેવાં હોય તે એમનાં પ્રવાસવર્ણનો સરસ રીતે બતાવે છે. એમનાં પ્રવાસવર્ણનોમાંથી માનવના આંતરિક સૌન્દર્યનું, એના કલા અને સંસ્કારવૈભવનું તેમ જ માનવતાના વૈશ્વિક પ્રભાવનું જે ઉમદા ચિત્ર મળે છે તે અનન્ય છે અને તેથી જ આપણા આ સમર્થ શબ્દયાત્રીનું ‘વિશ્વયાત્રી’ થવાની સાધના વ્યક્ત કરતું પ્રવાસ-સાહિત્ય આપણી એક મૂલ્યવાન વિરાસત બની રહે છે. સર્જક માત્ર તાત્ત્વિક અર્થમાં જંગમ સ્વભાવનો, મનોયાત્રી તો હોય જ છે. એને સમજવામાં એની મનોયાત્રા – જીવનયાત્રાને પ્રગટ કરતી આવી યાત્રાકથાઓ પણ ઘણી ઉપયોગી નીવડે એ સ્પષ્ટ છે. ઉમાશંકરનું આ રીતે પ્રવાસ-સાહિત્યના ક્ષેત્રનું પદાર્પણ જોવું–મૂલવવું જરૂરી છે.