ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/ક/કવિભેદ: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''કવિભેદ'''</span> : કવિભેદને કવિકોટિ સંજ્ઞાથી પણ ઓ...")
 
No edit summary
 
Line 12: Line 12:
{{right|ચં.ટો.}}
{{right|ચં.ટો.}}
{{Poem2Close}}
{{Poem2Close}}
<br>
{{HeaderNav2
|previous = કવિપ્રૌઢોક્તિમાત્રસિદ્ધધ્વનિ
|next = કવિલોક
}}
<br>
<br>

Latest revision as of 14:07, 22 November 2021


કવિભેદ : કવિભેદને કવિકોટિ સંજ્ઞાથી પણ ઓળખવામાં આવે છે. રાજશેખરે કાવ્યવિષયને આધાર ગણીને કવિને ત્રણ વર્ગમાં વહેંચ્યા છે. શાસ્ત્રકવિ, કાવ્યકવિ અને ઉભયકવિ. આ ત્રણ વર્ગમાંથી કયો કવિ ઉત્તમ એ અંગે વિવાદ છે પણ રાજશેખરના અભિપ્રાય પ્રમાણે તો દરેક કવિ પોતાના વિષયમાં શ્રેષ્ઠ છે. શાસ્ત્રકવિ રસસંપત્તિ ઊભી કરે છે; કાવ્યકવિ તર્કકઠોર વસ્તુને રમણીય બનાવે છે જ્યારે ઉભયકવિ બંને વિષયમાં સક્ષમ હોય છે. શાસ્ત્રકવિના ત્રણ ભેદ છે : શાસ્ત્રનું નિર્માણ કરનાર શાસ્ત્રનિર્માતાકવિ; શાસ્ત્રમાં કાવ્યને સમાવિષ્ટ કરનાર શાસ્ત્રનો કાવ્યનિવેષક કવિ અને કાવ્યમાં શાસ્ત્રને સમાવિષ્ટ કરનાર શાસ્ત્રીય અર્થનિવેષક કવિ. કાવ્યકવિના આઠ પ્રકાર છે : રચનાકવિ; શબ્દકવિ; અર્થકવિ; અલંકારકવિ; ઉક્તિકવિ; રસકવિ; માર્ગકવિ; અને શાસ્ત્રાર્થકવિ. રચનાકવિ કેવળ પદોના સંયોજનમાં નિપુણ હોય છે પણ એમાં અર્થગાંભીર્ય હોતું નથી. શબ્દકવિ સંજ્ઞાવાચકો, ક્રિયાવાચકો કે બંનેના પ્રયોગમાં આધિક્ય બતાવે છે. અર્થકવિ શબ્દરચનાની અપેક્ષાએ અર્થને વધુ ચમત્કારી બનાવવાનો પ્રયત્ન કરે છે. અલંકારકવિ શબ્દાલંકારો અને અર્થાલંકારોમાં વિશેષ રુચિ ધરાવે છે. ઉક્તિકવિ સુંદર ઉક્તિઓની વિશેષતા ઊભી કરે છે. રસકવિ વર્ણનને રસપૂર્ણ બનાવવા મથે છે. માર્ગકવિ વૈદર્ભી કે અન્ય રીતિનો આકર્ષક ઉપયોગ કરે છે. શાસ્ત્રાર્થકવિ શાસ્ત્રોની પ્રસિદ્ધ સંજ્ઞાઓને પોતાના રચનાવિધાનમાં સામેલ કરે છે. અવસ્થાઓને અનુલક્ષીને દસ કવિભેદ કરાયા છે : મનમાં ને મનમાં કવિતા કરનાર હૃદયકવિ; કાવ્યવિદ્યાઓના અધ્યયન માટે ગુરુકુલમાં નિવાસ કરતો કાવ્યવિદ્યાસ્નાતકકવિ; ટીકાના ભયથી પોતાની રચનાને અન્યની રચના બતાવીને પઠન કરતો અન્યાપદેશીકવિ; પૂર્વકવિઓમાંથી કોઈએકને આદર્શ ગણીને એની રચના જેવી રચના કરતો સેવિતાકવિ; કોઈએક પ્રબંધના નિર્માણ વગર ફુટકળ વિષય પર છૂટક રચના કરતો ઘટમાનકવિ; કોઈએક મહાન અને પૂર્ણ કાવ્યનું નિબંધન કરતો મહાકવિ; ભિન્ન ભાષાઓમાં, ભિન્ન પ્રબંધોમાં અને ભિન્ન રસમાં સમાન અધિકારથી સ્વતંત્ર રીતે પ્રવર્તતો કવિરાજ; મંત્રના અનુષ્ઠાનથી કવિત્વસિદ્ધિ પ્રાપ્ત કરતો આવેશિકકવિ; કોઈપણ વિષય પર અસ્ખલિત શીઘ્રકવિતા કરતો અવિચ્છેદીકવિ અને મંત્રશક્તિ દ્વારા સરસ્વતીનો સંચાર કરી નવોદિતો પાસે કામ કરાવતો સંક્રામયિતા કવિ. કાવ્યકલાની ઉપાસનાને અનુલક્ષીને ચાર કવિભેદ કરાયા છે : અસૂર્યંપર્શ્ય કવિ ભોંયરામાં કે ગુફામાં કાવ્યપ્રવૃત્તિ કરતો હોય છે; નિષણ્ણ કવિ રસાવેશની સ્થિતિમાં કાવ્ય કરતો હોય છે; દત્તાવસર કવિ આજીવિકા રળવા કાવ્ય કરતો હોય છે અને પ્રાયોજનિકકવિ કોઈ વિશેષ લક્ષ્યની સિદ્ધિ કે પ્રયોજનવિશેષ માટે કાવ્ય કરતો હોય છે. પ્રતિભાને આધારે થયેલા વર્ગીકરણ મુજબ પૂર્વજન્મના સંસ્કારોનાં ફલ રૂપે કાવ્યપ્રવૃત્તિ કરનારને સારસ્વત કહે છે; આ જન્મના અભ્યાસબલથી કાવ્યપ્રવૃત્તિ કરનારને આભ્યાસિક કહે છે અને ગુરુઉપદેશ કે મંત્રતંત્ર સિદ્ધિથી કાવ્યપ્રવૃત્તિ કરનારને ઔપવૈશિક કહે છે. રચનાની મૌલિકતાને લક્ષમાં રાખી આ પ્રમાણે ચાર વિભાગ થયા છે : કોઈના પણ ઋણ વિના મૌલિક કાવ્ય કરનાર ઉત્પાદક કવિ; પ્રાચીન કવિઓના ભાવોને પરિવતિર્ત કરી અપનાવી લેનાર પરિવર્તક કવિ; અન્ય કવિઓની રચનાઓને છુપાવીને એના જેવી પોતાની રચનાઓનો પ્રચાર કરનાર આચ્છાદક કવિ અને કોઈપણ જાતની પરવાહ કર્યા વગર અન્યની રચનાને પોતાની રચના કહેતો સંવર્ગક કવિ. છેલ્લે, અર્થાપહરણને આધારે થયેલા કવિભેદને જોઈએ. પૂર્વ કવિઓનાં કાવ્યોના ભાવોના વર્ણન દ્વારા પાઠકમાં મૌલિકતાનો ભ્રમ ઊભો કરનાર ભ્રામક કવિ છે. અન્યના કથનને નવો રંગ ઉમેરી આકર્ષક બનાવનાર કર્ષક કવિ છે. અન્ય કવિઓના ભાવ રચનામાં એવી રીતે મૂકે કે એને કળી ન શકાય તે દ્રાવક કવિ છે અને કોઈપણ કવિએ ન પામેલા અર્થનું વર્ણન કરનાર ચિંતામણિ કવિ છે. ચં.ટો.