ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/સ/સંરચનાવાદ અને અનુસંરચનાવાદ: Difference between revisions
(Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''સંરચનાવાદ અને અનુસંરચનાવાદ(Structuratism and post structuralism)'''...") |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
Line 11: | Line 11: | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
<br> | <br> | ||
{{HeaderNav2 | |||
|previous = સંરચના | |||
|next = સંરચનાવાદી ભાષાવિજ્ઞાન | |||
}} |
Latest revision as of 16:08, 8 December 2021
સંરચનાવાદ અને અનુસંરચનાવાદ(Structuratism and post structuralism) : આમ તો સંરચનાના ખ્યાલનું પગેરું એરિસ્ટોટલ સુધી જડી આવે. અનેક સાહિત્યસિદ્ધાન્તકારોએ પણ સાહિત્યનું વિશ્લેષણ કરતાં સંરચનાનો મહિમા કર્યો છે. પરંતુ આજે ‘સંરચનાવાદી’ સંજ્ઞા સોસ્યૂરના આધુનિક ભાષાસિદ્ધાન્તના પ્રતિમાનને બૌદ્ધિક વિશ્લેષણપદ્ધતિ તરીકે અખત્યાર કરનાર ભાષાવિજ્ઞાનીઓ, નૃવંશશાસ્ત્રીઓ, ફિલસૂફો, મનોવિજ્ઞાનીઓ, સાહિત્યવિવેચકો વગેરેને લાગુ પડે છે. સાતમા દાયકામાં ફ્રાન્સમાં પરાકાષ્ઠાએ પહોંચેલો સંરચનાવાદ સંરચનાપરક ભાષાવિજ્ઞાન અને સંરચનાપરક નૃવંશશાસ્ત્રના વિકાસથી પ્રેરિત વિશ્લેષણપદ્ધતિ અને સાહિત્યસિદ્ધાન્ત છે. ભાષાવિજ્ઞાનને ક્ષેત્રે સોસ્યૂરે ભાષાનું ઐતિહાસિક વિશ્લેષણ છોડી દીધું. વ્યુત્પત્તિ, વાક્યવિન્યાસનાં ઇતિવૃત્ત વગેરેને તિલાંજલિ આપી અને ભાષાની સમગ્રતાને એકમાત્ર સમકાલીન રૂપે વર્ણવવાનું કાર્ય હાથ ધર્યું. વર્ણનાત્મક વિશ્લેષણને પુરસ્કૃત કર્યું. પહેલીવાર સૂચવ્યું કે ભાષા સ્વરૂપ છે, સામગ્રી નથી. ભાષાના ઘટકોને પૃથક્ પૃથક્ વૈયક્તિક રીતે મૂલવવાના નથી. ભાષા અસમાન ભાષાતત્ત્વોનો ખડકલો નથી પણ સ્વરૂપગત સ્થાનમાંથી પોતાનું મહત્ત્વ જન્માવતા એકદમ દૃઢપણે સંકળાયેલા અને પરસ્પરાવલંબી એવા એકમોની સુગ્રથિત વ્યવસ્થા છે. સોસ્યૂરના આ સંરચનાવાદી ભાષાવિજ્ઞાનની પદ્ધતિ અને એના સિદ્ધાન્તોનો અન્ય વિજ્ઞાનોમાં સીધો કે આડકતરો વિનિયોગ થયો. સંરચનાવાદની વ્યાખ્યા આપતાં પ્યાજે કહે છે કે સ્વનિયંત્રણ, રૂપાન્તર અને સાવયવતાના સિદ્ધાન્તો પર આધારિત આ શોધપદ્ધતિ માત્ર ભાષાવિજ્ઞાન અને નૃવંશશાસ્ત્ર પૂરતી સીમિત ન રહી પણ ગણિત, ભૌતિકવિજ્ઞાન, જીવવિજ્ઞાન, મનોવિજ્ઞાન ફિલસૂફી વગેરેમાં પણ સર્વસામાન્ય બની. બીજી રીતે કહીએ તો સંરચનાવાદી ભાષાવિજ્ઞાનની પદ્ધતિઓનો આ રીતે સાંસ્કૃતિક ઘટકોની અભ્યાસપદ્ધતિમાં ઉપયોગ થયો. સાહિત્યના ક્ષેત્રે ભાષાવિશ્લેષણની પદ્ધતિ અને એના સિદ્ધાન્તોથી સજ્જ સંરચનાવાદીઓએ વિવિધ પ્રકારની સાહિત્યકૃતિઓને તપાસી. ધ્વનિગત અને રૂપિમગત પ્રતિમાનનો, ક્રમવર્તી અને ગણવર્તી પ્રતિમાનનો, વાક્ય-વિન્યાસના પ્રતિમાનનો – વગેરે પ્રતિમાનનો આધાર લીધો. સંરચનાવાદી વિવેચકોએ સાહિત્યવિશ્લેષણને ભાષાવિશ્લેષણની સમકક્ષ ગણ્યું. ભાષા પ્રથમ સ્તરનું વ્યવસ્થાતંત્ર છે તો ભાષાને માધ્યમ તરીકે અખત્યાર કરનાર સાહિત્ય એ બીજા સ્તરનું વ્યવસ્થાતંત્ર છે. તેથી ભાષાના પ્રતિમાનને આધારે જ સાહિત્યનું વિશ્લેષણ થવું જોઈએ એવી માન્યતાને દૃઢ કરી. સંરચનાવાદીઓ સાહિત્યના ‘અર્થ’ પર નહિ પણ સાહિત્યકૃતિની ભાષાસંરચના પર વધારે ધ્યાન કેન્દ્રિત કરે છે. એમને મુખ્યત્વે સૌન્દર્યનિષ્ઠ વસ્તુઓ તરીકે સાહિત્યકૃતિઓની અપૂર્વતામાં રસ નથી પણ ‘સંભવિત’ કૃતિઓની મૂળભૂત સંરચનાઓમાં એમની નિસ્બત છે. એટલેકે સંરચનાવાદી વિવેચન પ્રતિનિધાનપરક સૌન્દર્યમૂલ્યોનો વિરોધ કરે છે. સાહિત્યની ‘સાહિત્યિકતા’ કે ભૌતિકતા પર એનો વિશેષ ઝોક છે. એક રીતે જોઈએ તો સંરચનાવાદ એ ફ્રેન્ચ શિક્ષણજગતમાં વ્યાપ્ત ઇતિહાસપરક અને જીવનકથાપરક વિવેચન સામેનો વિદ્રોહ છે. વળી, એ અનુકરણપરક વિવેચન કે અભિવ્યક્તિપરક વિવેચનનો વિરોધી છે. સંરચનાવાદે સાહિત્યની સંદર્ભરહિત સ્વાયત્તતા અને સ્વતંત્રતાને પ્રસ્થાપિત કરી, સાહિત્યનું વસ્તુલક્ષી વિજ્ઞાન રચવાનો ઉદ્યમ કર્યો. સંરચનવાદના મુખ્ય સૂત્રધારોમાં રોમન આકોબસન, રોલાં બાર્થ, જેનેત, તોદોરોવ, જુલ્ય ક્રિસ્તેવા વગેરે છે. સંરચનાવાદ એના અનુસંરચનાવાદી તબક્કામાં આત્યંતિક સીમા પર ખસ્યો. એક બાજુ બાર્થે સંરચનાને બદલે સંરચન પર ભાર મૂકવો શરૂ કર્યો એ સાથે કેન્દ્રમાંથી મનુષ્ય લગભગ ખસી ગયો. તો બીજી બાજુ ઝાક દેરિદાએ શબ્દને નિશ્ચિત અર્થથી કાપી, સતત અર્થની શોધમાં છૂટો મૂકી અર્થની મુક્ત ક્રીડાને આવકારતાં સાહિત્યકૃતિ વિરચન અને અનિર્ણીતતાની દિશા તરફ વળી ગઈ. બાર્થનું ઉત્તરકાલીન લેખન, ઝાક લકૉંના અને ક્રિસ્તેવાના મનોવિશ્લેષણ સિદ્ધાન્તો, મિશેલ ફૂકોના ઇતિહાસ પરનાં ટીપ્પણો, ઝયાં ફ્રૉંસ્વા લ્યોતાર અને ગિલે દેલ્યૂઝ જેવાનાં સાંસ્કૃતિક રાજકીય લખાણોએ ‘અર્થ’ની અસ્થિરતાનો પુરસ્કાર કર્યો. ચં.ટો.