ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/સ/સાહિત્ય સંદર્ભે વૈશ્વિકતા: Difference between revisions
(Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''સાહિત્ય સંદર્ભે વૈશ્વિકતા, ભારતીયતા અને ગુ...") |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
Line 12: | Line 12: | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
<br> | <br> | ||
{{HeaderNav2 | |||
|previous= સાહિત્યવેઠિયો | |||
|next= સાહિત્યિક ઇતિહાસ | |||
}} |
Latest revision as of 08:45, 9 December 2021
સાહિત્ય સંદર્ભે વૈશ્વિકતા, ભારતીયતા અને ગુજરાતીતા : આજનો માનવ એક વિશિષ્ટ તબક્કામાંથી પસાર થતો રહ્યો છે. કોઈપણ વસ્તુનો વિચાર હવે તે સાંકડા પરિઘમાં રહીને કરી શકે તેમ નથી. ‘માનવે વિકસાવેલાં વિજ્ઞાન અને કલા તેમજ માનવતા વિશેના બદલાયેલા દૃષ્ટિબિન્દુએ આ બાબતને વધુ પુષ્ટ કરી છે. એના દેખીતા પરિણામ રૂપે આજે ‘વૈશ્વિક’ અભિગમ દૃઢ બનતો ગયો છે. આવા વૈશ્વિક દૃષ્ટિકોણમાંથી જ ‘વિશ્વસાહિત્ય’ના ખ્યાલનો જન્મ થયો છે. આવા ખ્યાલ પાછળ આજનું પશ્ચિમ – તેના અનેક સાંસ્કૃતિક પ્રવાહો – તે વિશેની ક્રિયા-પ્રતિક્રિયાઓ ઊભાં છે. અહીં ‘વિશ્વસાહિત્ય’ એટલે વિશ્વના સર્વ દેશોના સાહિત્યનો વત્તાકાર-ગુણાકાર અભિપ્રેત નથી. સપાટી ઉપરના એવા ખ્યાલને વટીને માનવજાતમાં જે સનાતન છે, સાર્વત્રિક છે, સર્વમાન્ય અને સર્વસ્પર્શ્ય છે તેને રસકીય રૂપે પ્રકટ કરતા વિશ્વના શ્રેષ્ઠ સર્જકો અને તેમની તેવી કૃતિઓ, એવો અર્થ નિષ્પન્ન થાય છે. ‘વૈશ્વિકતા’ પ્રકટ કરતી આવી કૃતિઓ સ્થળ-કાળને અતિક્રમી જાય છે. તે સર્વની, સદાકાળની સ્પૃહાનો પછી વિષય બની રહે છે. ‘ઇલિયડ-ઑડેસી’, ‘રામાયણ-મહાભારત’ કે ‘હેમ્લેટ-શાકુન્તલ’ વગેરે કૃતિઓનું પ્રશિષ્ટતત્ત્વ અભ્યાસીઓને એવી ‘વૈશ્વિકતા’નો સંતર્પક અનુભવ કરાવી રહે છે. ‘વૈશ્વિકતા’નો અર્થ આમ ભૂગોળતત્ત્વથી આગળનો, માનવતત્ત્વ, માનસતત્ત્વ, ઇતિહાસતત્ત્વ, રસતત્ત્વ એવો કરવાનો રહે છે. સીમાઓમાંથી નિ :સીમ બની રહેવાનો, અંતમાંથી અન્-અંત બની રહેવાનો એમાં ઉપક્રમ છે. ‘વૈશ્વિકતા’ના આવા વિભાવ પાછળ સ્વરાષ્ટ્રના સાહિત્યને લુપ્ત કરવાની કે ખોરવી નાખવાની વાત નથી. ઊલટાનું, ‘વૈશ્વિક’ ખ્યાલથી સબળ બનેલી સર્જકચેતના અન્ય સાહિત્ય કે સર્જકો કરતાં પોતાની વિશિષ્ટતા કે વિશેષતા શામાં છે, તેમાં શી ન્યૂનતા છે, તેનો ક્યાસ કાઢી શકે છે. એટલું જ નહિ, વૈશ્વિક સાહિત્યના પુરસ્કાર્ય અંશોને કે ઇતરભાષા-સાહિત્યની સમૃદ્ધિને તેવો શ્રેષ્ઠ સર્જક આત્મસાત્ કરતો રહે છે, એના પ્રભાવને ઝીલતો જાય છે ને એમ પોતાના સાહિત્યને ગૌરવાન્વિત કરતો રહે છે. એલિયેટ, ટાગોર વગેરેનાં દૃષ્ટાંતો તરત સ્મરણમાં આવે. સાહિત્યસંદર્ભે ભારત જેવા દેશનો વિચાર કરીએ છીએ ત્યારે અન્ય દેશો કરતાં કંઈક જુદું ચિત્ર ખડું થાય છે કારણ કે અહીં અનેક ભાષાઓ છે, અનેક પ્રાંતો છે, અનેક જાતિઓ છે, એ દરેકને ‘પોતાની’ કહી શકાય તેવી ખાસિયતો છે. આપણી ‘ભારતીયતા’ એ રીતે ન્યારી છે. આપણું સાહિત્ય અનેક પ્રાંતોની અનેકવિધ ભાષાઓમાં, સાથે અનેક ઉપરાષ્ટ્રીય સાહિત્યના સહારે રચાતું રહ્યું છે. ‘અનેકતામાં એકતા’ની વાત કરીએ છીએ ત્યારે તેમાંની ‘અનેકતાને’ ભૂંસી નાખી શકાતી નથી. પ્રદેશવિશેષે, પ્રજાવિશેષે, ધાર્મિક-સામાજિક-ઐતિહાસિક કે સાંસ્કૃતિક કિંવા ભાષાગત અલગપણું રહ્યું છે જ. આવી પ્રાદેશિક પરંપરાઓને લઈને આપણી ‘ભારતીયતા’નું રૂપ જટિલ બન્યું છે. ઉપરાંત આ દરેક ઉપર અર્વાચીન પશ્ચિમના નવ્ય વિચારોનો અને તેના સાહિત્યનો પણ ઓછેવત્તે અંશે પ્રભાવ પડતો રહ્યો છે. પ્રાચીન અને મધ્યકાલીન પરંપરાઓ વિશેની પકડ હવે નહિવત્ બની છે. પશ્ચિમપ્રેરિત સાહિત્યસ્વરૂપોનું આધિક્ય હવે એકદમ વધી ગયું છે. આપણે ત્યાં પરંપરા અને આધુનિકતા – બંને યુગપદ્ દેખા દે છે. માર્ક્સ અને ગાંધીની સાથે દેરિદા અને રજનીશજી પણ વંચાય છે. પુરુષાર્થવાદની સાથે પ્રારબ્ધવાદનું પ્રવર્તન પણ ટક્યું છે. શુદ્ધ શિક્ષણની જિકરની સાથે તેનું વાણિજ્યકરણ કરનારા-ઓ પણ છે. જ્ઞાતિનાં જડબેસલાક બંધનોની સામે વ્યક્તિ-સ્વાતંત્ર્ય અને મુક્તજીવનના હિમાયતીઓ પણ છે. આપણી ‘ભારતીયતા’ આવાં અનેક વિરોધી બળોથી પોષાતી રહી છે. ક્યાંક તે પરસ્પરમાં ભળે છે તો ક્યાંક ટકરાવ પણ છે. આપણે ત્યાં એક રાષ્ટ્રમાં અનેક ભાષાઓ અને અનેક પ્રજાઓ છે. તેમાં એકસાથે ભાતીગળ બળો પણ સક્રિય રહ્યાં છે. છતાં પ્રેમ, દયા, કરુણા, અહિંસા, માનવતા કે બન્ધુતા સહઅસ્તિત્વનો પ્રશ્ન આવે છે ત્યાં લગભગ બધી પ્રાદેશિક ભાષાના સાહિત્યમાંથી એકસૂર ઊઠે છે. આવા સૂર પાછળ રાષ્ટ્રની પરંપરા અને તેની સંસ્કૃતિ રહ્યાં છે. સાહિત્યસંદર્ભે ‘ભારતીયતા’ પ્રાદેશિક બળોને સાથે લઈને ચાલે છે ત્યારે પણ તેવે વખતે ‘એકતા’નો, સંસ્કૃતિધારાના કેટલાક સર્વજનીન પ્રમુખ અંશોનો તેમાં અનુભવ થઈ રહે છે. સાંસ્કૃતિક, રાજનૈતિક કે સાહિત્યિક પ્રભાવને લઈને ભારતીય સાહિત્યનો બ્રિટન-અમેરિકાના સાહિત્ય સાથે પણ સંબંધ રહ્યો છે. એવાં જ કારણોસર કંઈક ચીન-રશિયા કે જર્મન જેવાં રાષ્ટ્રોના સાહિત્ય સાથે પણ. આપણી ‘ભારતીયતા’ આવાં અનેક પરિમાણો દાખવનારી છે. ગાંધીજી, ઉમાશંકર, ટાગોર, પ્રેમચંદ, મૈથિલીશરણ, અજ્ઞૈય, સુનીલ ગંગોપાધ્યાય, વ્યંકટેશ માડગૂળકર વગેરે ધ્યાનપાત્ર અનેક લેખકોની રચનાઓમાં એવી બહુકોણીય ‘ભારતીયતા’નો આવિર્ભાવ થતો જણાય છે. ‘ગુજરાતીતા’નો વિચાર કરીએ છીએ ત્યારે તેમાં તેના તળનો રંગ, પ્રાદેશિક વિશેષો, આગવા રીતરિવાજો, તેની ભાષાગત કેટલીક લાક્ષણિકતાઓ વગેરે તત્ત્વો તો ભળેલાં છે જ, સાથે કેટલુંક વૈશ્વિક અને કેટલુંક ભારતીય પણ તેમાં ઝમતું આવતું રહે છે. તેથી આજની ‘ગુજરાતીતા’ને સંકુચિત કે સાંકડા અર્થમાં બાંધી શકીએ તેમ નથી. તેનાં ચરણ ગુજરાત ઉપર છે, પણ મસ્તક અને આંખ તો ગુજરાતની સાથે ભારત અને વિશ્વ પ્રતિ પણ મંડાયેલાં રહે છે. એક સજ્જ ભાવક તરીકે આપણી પણ ગુજરાતી સાહિત્ય પ્રત્યે, આવી ‘ગુજરાતીતા’ પ્રત્યે તેવી જ અપેક્ષા રહી છે. ગોવર્ધનરામ, પન્નાલાલ, સુરેશ જોશી કે રાવજી વગેરેનાં એવાં દૃષ્ટાંતો હાથવગાં છે. પ્ર.દ.