રા’ ગંગાજળિયો/૨૩. સૂરોનો સ્વામી: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Heading|૨૩. સૂરોનો સ્વામી|}} {{Poem2Open}} ઘણાં વર્ષ પર જે ઊના ગામનું પાદર ભ...")
 
No edit summary
 
Line 88: Line 88:
રાતે દુકાન વધાવી લઈ તાળું વાસતા વ્યાપારી ધરણીધરને કાને વરસતા વરસાદમાં બજાર સોંસરવા સાદ આવ્યા : “ધરણીધરજી! શેઠજી! ઊભા રે’જો. હાટ વાસશો મા. હું કેદારો રાગ માંડી દેવા આવી પહોંચ્યો છું. વાસશો મા, હાટ વાસશો મા!”
રાતે દુકાન વધાવી લઈ તાળું વાસતા વ્યાપારી ધરણીધરને કાને વરસતા વરસાદમાં બજાર સોંસરવા સાદ આવ્યા : “ધરણીધરજી! શેઠજી! ઊભા રે’જો. હાટ વાસશો મા. હું કેદારો રાગ માંડી દેવા આવી પહોંચ્યો છું. વાસશો મા, હાટ વાસશો મા!”
{{Poem2Close}}
{{Poem2Close}}
<br>
{{HeaderNav2
|previous = ૨૨. ચકડોળ ઉપર
|next = ૨૪. રતનમામી
}}

Latest revision as of 11:29, 24 December 2021


૨૩. સૂરોનો સ્વામી

ઘણાં વર્ષ પર જે ઊના ગામનું પાદર ભાટ-ચારણોનાં ત્રાગાંએ ગોઝારું કરી મૂક્યું હતું, તે જ પાદર આજે મૃદંગ, પખવાજ અને તંબૂરના સૂર-તાલે સચેત બન્યું છે. એક ખોખરા ગાડામાંથી પાંચસાત પુરુષો ઊતરે છે. તેમની મૂછો મૂંડેલી છે, તેમના કપાળમાં ટીલાં છે, તેમના પોશાક મશ્કરી કરાવે તેવા છે. “એલાં છોકરાંઓ,” એમાંના એક જણે નીચા વળી, ત્યાં એકઠાં થયેલાં તાલમબાજ છોકરાંને પોતે છોકરાં જેવડા થઈને જ કહ્યું : “અમારું ગાવું ને નાચવું જોવું છે?” “હા હા.” છોકરાં આ પુરુષના સ્વાભાવિક બાલભાવ તરફ ખેંચાઈ આવ્યાં. “જોજો હો ત્યારે!” એમ કહી હાથમાંની કરતાલ કટકટાવતે એ પુરુષે ઊંચી ભુજા કરી ગાન ઉપાડ્યું—

અરે નાગર નંદજીના લાલ!
રાસ રમતાં મારી નથડી ખોવાણી.

ચલતીના તાલમાં એ ગીત બીજા બધા સોબતીઓએ પોતપોતાના સાજ પર ઝીલવા માંડ્યું. જમાવટ થઈ ગઈ. છોકરાં ન રહી શક્યાં. એમણે પણ નૃત્યમાં પોતાના નાના પગનાં પગલાં મિલાવ્યાં. ગવરાવનારો એ પુરુષ નીચો નમી નમીને નખરાં કરવા ને ફેરફુદરડી ફરવા લાગ્યો. ને પછી જ્યારે—

રાધાજીની નથડીનો
કાનુડો છે ચોર-ચોર-ચોર,
નાગર નંદજીના લા…લ!
રાસ રમતાં મારી નથડી ખોવાણી.

એ ‘ચોર-ચોર-ચોર’ના તાલ દેતી થપાટો મૃદંગ પર પડી, ને ગવરાવનારનાં કરતાલ ઝટકોરાયાં, ત્યારે છોકરાંની ટોળી ગજબ તાનમાં આવી ગઈ. “બાકીનું ગીત સાંભળવું છે ને?” ગવરાવનાર પુરુષે છોકરાંને સરખી વયના સાથી સમી નિર્મળ અદાથી પૂછ્યું. “હા, અમારે નાચવું છે, ને ગાવું છે.” છોકરાં અધીર બન્યાં. “ત્યારે તમે નાગરવાડામાં શ્રીરંગ મહેતાનું ઘર જોયું છે ને?” “હા,” એક છોકરો બોલી ઊઠ્યો, “કુંવલભાભી થે, ઈ ઘલ ને? કુંવલભાભી તો હજી હમણાં જ લોતાં’તાં. એ-એ-એ-કઉ, છું કામ લોતાં’તાં? એ-એ-એ એના બાપા છે ને, એના નલછિયા બાપા છે ને, તે ધૂનાગઢથી આવા નૈ, અતલે.” “ઠીક ત્યારે,” એ પુરુષે કહ્યું, “જો બચ્ચા, તું જા, તારી કુંવરભાભીને કહી દે કે રુવે નહીં, નલછિયા બાપા આવ્યા છે, આવ્યા છે!” “કાં છે?” “હું-હું-હું પોતે નલછિયો બાપો.” “અલલ! લે! આવા નલછિયા બાપા હોય?” બાળક હસી પડ્યાં. “લો છોકરાં! મારા ભાઈલા કરું. હાલો શ્રીરંગ મહેતાનું ઘર બતાવો. આપણે બજારમાં ગાતા ગાતા અને નાચતા-કૂદતા જઈએ. મજા પડશે, ખરું?” ખોખરા ગાડામાં, ગળિયલ બળદો જોડાવીને, પાંચસાત સાધુડાંની સાથે આવેલા એ નરસૈંયા ભક્તનું કીર્તનમંડળ જ્યારે ઊનાની બજારમાં છોકરાંની ઘીંઘરથી વીંટળાઈને ગાતું ને ઊછળી ઊછળીને નાચતું નીકળ્યું, ત્યારે ઊના શહેરના નાગરોમાં ખિખિયાટા ચાલ્યા ને નરસૈંયાના વેવાઈ શ્રીરંગ મહેતા શરમાતા શરમાતા સામા આવ્યા. દીકરાના નાગર સસરાના વિચિત્ર રંગઢંગ દેખીને સહી લેવું સહેલ નહોતું. ઊના શહેરે દૂરથી સાંભળેલો નાગર નરસૈંયો પહેલી જ વાર નિહાળ્યો. પોતાની આબરૂના કાંકરા થતા જોનાર વેવાઈએ આ તમાશો અટકાવવા માથાકૂટ કરી તે નિષ્ફળ ગઈ. ગામલોકો ટોળે વળ્યાં. ગલીએ ગલીએ સ્ત્રીઓ છોકરાં તેડી તેડી વૃંદે વળી. મેડીઓની બારીઓ, ઝરૂખા ને ગોખ-રવેશો જાણે જીવતાં બન્યાં. પણ ભગતડો નાગર નરસૈંયો કોઈ વિચિત્ર પ્રાણી હશે તે ભ્રાંતિ ભાંગી ગઈ. લોકલાગણી સંગીતભૂખી હતી. ધંધારોજગારમાં ને વ્યવહારની ક્ષુદ્રતામાં સબડતાં નરનારીઓ કોઈ એક પ્રબળ રસોર્મિનાં પિપાસુ હતાં. તેમણે પોતાની જ આતમવાણીનો સ્પર્શ અનુભવ્યો. તેમણે નરસૈંયાના કંઠમાંથી સૂરોની રેલમછેલ ચાલતી અનુભવી. પહેલા વરસાદમાં નાગાંપૂગાં થઈને નાહવા દોડતાં નાનાં બાળકોના જેવી અંતરોર્મિ સેંકડો નરનારીઓની બની ગઈ. તેમના પગ છૂપા છૂપા નરસૈંયાના ગાનના તાલે તાલે થનગન્યા. સ્ત્રીઓ એકબીજીને પૂછતી હતી : “આ તો વંઠેલો નથી લાગતો. આ ક્યાં વરણાગિયો છે? આની આંખો તો કશેય ભમતી નથી. આ તો એના ગાનમાં ગરકાવ છે.” પણ નરસૈંયાનું કીર્તન દૂર દૂર નીકળી ગયું; સેંકડો કાન ફરી પાછા સુકાઈ ગયા. પહેલો મેહ પડે તેને શોષી જઈને તપેલી ધરતી જેમ હતી તેમ બની રહે છે, તેમ લોકોનો હૃદય-પ્રદેશ પણ હતો તેવો જ સૂકો થઈ ગયો. ને ફરી વાતો ચાલી : “હોય તો હોય ભૈ! મૂવા કાંસિયા કૂટે છે ને ઠેકડા મારી મારી ભરી બજારેય ગાય છે, એ તે નાગરના કુળને શોભે?” પછી તો ‘ઝાઝા ચાંચડ ઝાઝા જૂવા, તિયાં મે’તાના ઉતારા હુવા’. અને પહેલીવહેલી સગર્ભા બનેલી એક પંદર વર્ષની વહુવારુ પોતાના બાપની હાંસી સાંભળતી સાંભળતી શ્રીરંગ નાગરના ઘરને એક ખૂણે અશ્રુ સારતી ઊભી રહી. એનું નામ કુંવરબાઈ. માવિહોણી, ખોટનો ભાઈ હારી બેઠેલી, જગતભૂલ્યા ભોળા બાપની ગિલા સાંભળતી સગર્ભા દીકરી કુંવર જ્યારે બાપને ઉતારે જઈ થાંભલી ઝાલી ઊભી રહી, ત્યારે બાપે એને માટે એક પોટકું છોડ્યું; “લે બાઈ,” એ ગરીબડું મોં કરી વસ્તુઓ કાઢતો હતો : “લે, તારા સીમંત અવસરે બાપ ફક્ત આટલી જ પહેરામણી લાવેલ છે. આ ગોપીચંદન છે, આ તુળસીની માળા છે, આ ખાસ વૃંદાવનથી આવેલ વ્રજરેણુ છે. શ્રીહરિને વહાલાં હતાં આ સર્વ વાનાં. તારી બાનું કાંઈ ઘરાણું તો નથી બાકી રહ્યું. એ જીવી ત્યાં સુધી સંતો-અતિથિઓને, છેલ્લી વાળી વટાવીને પણ જમાડી ગઈ છે. ને મારો ઓરતો કોણ કરે? હું તે કાંઈ માણસમાં છું! હે-હે-હે-હે શ્રીહરિ.” “આ લે, ભાભી!” નણંદ એક કાગળ લઈને કુંવરબાઈ પાસે આવી : “છોરુ આવશે ત્યારે મામેરામાં જે જે વાનાં જોશે તે લખીને લાવી છું, દઈ દે તારા બાપને.” “હાસ્તો.” અન્ય સગાંએ શોર મચાવ્યો, “શ્રીહરિ જેને શબ્દે બંધાયેલો છે એવો તારો અડીખમ બાપ શું મામેરું નહીં પૂરે? એને આબરૂની ખેવના નહીં હોય, પણ અમારે તો સંસારમાં જીવવું જોશે, અમારા ઘરનું હીણું નહીં પડવા દેવાય. આ લે આ ખરડો, દે તારા બાપને.” “ભેગા બે પા’ણા પણ નોંધજો.” એક દાદીએ ટોણો માર્યો. “કેમ, દાદીમા?” નણંદે પૂછ્યું. “મામેરાનાં આ બધાં વાનાં પવનમાં ઊડી ન જાય તે દબાવવા માટે!” “શ્રીહરિને મામેરું કરવું હશે તો કરશે, બાપુ!” એમ કહીને નરસૈંયાએ કાગળની લાંબી ટીપ રડતી પુત્રીના હાથમાંથી લઈને પોટલીમાં બાંધી લીધી. ને ફરી પાછો એ તો ભરબજારે ગાતો ને નૃત્ય કરતો ચાલી નીકળ્યો.

થોડા મહિના પછી નરસૈંયાને ઊનાથી કાગળ મળ્યો : “ટીપ પ્રમાણે એકેએક ચીજ પહોંચી છે. બે પથ્થરો પણ સોનાના મળ્યા છે. આપની ગરીબાઈની અમે ક્રૂર ઠેકડી કરી તે બદલ સૌ પસ્તાઈએ છીએ. વેવાઈજી, ક્ષમા કરજો!” “મારો છબીલોજી જ અવસર સાચવી આવ્યા; બીજું કોણ હોય? લ્યો ત્યારે, છબીલાજીના ગુણ ગાઈએ.” ફક્ત એટલું જ કહીને નરસૈંયાએ તે રાત્રિએ પ્રભુ-ભજનનો ઉત્સવ માંડ્યો. રા’ માંડળિકે નરસૈંયાનાં ઊના ખાતેનાં બે વધુ પાખંડોની વાતો સાંભળી વધુ રોનક અનુભવ્યું, “મારો બેટો! આ પણ જબરો ધુતારો જાગ્યો છે જૂનાગઢમાં!”

મહિનાઓ વીતી ગયા છે. એક દિવસ નરસૈંયો જૂનાગઢમાંથી ક્યાંક ચાલ્યો ગયો છે. એને ઘેર પચાસેક અભ્યાગતોની જમાત પડી છે. ઘરમાં કોઈયે ઘરનું માણસ નથી. માટલામાં આટો કે દાળ નથી. ગામમાં કોઈએ સીધું જોખ્યું નથી. અભ્યાગતો ભૂખ્યાં થાય છે ત્યારે ભજન કરી લ્યે છે. રાત્રિએ ઊંઘ આવે છે ત્યારે એ ક્ષુધિતો ફરીથી કીર્તન કરે છે. વળતે દિવસે એકાદશીના નિમિત્તે ઉપવાસ ખેંચે છે. સૌ વાટ જોઈ બેઠાં છે કે નરસૈંયાજી અબઘડી ખાવાપીવાનું સાધન કરી લાવશે. જૂનાગઢમાં આંગણે અભ્યાગત અતિથિઓ લાંઘણ પર લાંઘણ ખેંચી રહ્યાં છે ત્યારે તળાજા ગામની બજારમાં નરસૈંયો ધરણીધર નામના એક વૈશ્યની દુકાને બેઠો છે. તળાજા પોતાનું મોસાળગામ છે ત્યાં પણ એ ‘માંડી વાળેલ’ ને ‘ઓટી વાળેલ’ તરીકે જાણીતો થઈ ચૂક્યો છે. એના વ્યવહારની આબરૂ ત્યાં રહી નથી. “ધરણીધરજી! ઘેર અભ્યાગતો ભૂખ્યાં બેઠાં છે.” “પણ હું શેના પર ધીરું? કાંઈ લાવ્યા છો?” “કંઈ નહીં. ઘરમાં કશું નથી. મરતી મરતી માણેકબાઈ સાડલા પણ વેચી વેચીને મુજ નાલાયકનો વહેવાર ચલાવતી ગઈ છે.” “પણ કાંઈ બીજી વસ્તુ? તંબૂરો, મંજીરા, કરતાલ, કાંઈ કરતાં કાંઈ?” “એ બધું જ વેચાઈ ચૂક્યું છે.” “ત્યારે તો મહેતાજી, મારે ધીરવું શાના ઉપર?” “મારા વાલાજીની આબરૂ ઉપર.” “તમે તો ભક્તરાજ રહ્યા, આબરૂની થોડી ખેવના કરવી છે? આંહીંથી નાણાં લઈને પીઠ વાળી, એટલે કોણ ધરણીધર ને ક્યાં તળાજું! ઓળખે છે જ કયો ભાઈ? આવું ડીંડવાણું કહેવાય તમારું તો.” “ત્યાં અભ્યાગત ભૂખ્યાં બેઠેલ છે, શેઠજી!” નરસૈયો સામી દલીલો ન સૂઝતાં એકની એક વાત ગોખતો રહ્યો. “હાં—ત્યારે તો—ત્યારે જુઓ, મહેતાજી! તમને કાંઈકે એવી બંધણીમાં લેવા જોઈએ કે કરજ પહેલું યાદ આવે. તમારી દાનત વિશે મને શક નથી, તમારી આળસની જ મને બીક છે.” “તમે કહો તેમ કરું.” “ત્યારે હું એમ કહું છું, કે આ લ્યો આ કાગળ, કોરી ચાળીસ ગણી દઉં, તેની સામે દસ્તાવેજમાં માંડી આપો.” “શું?” “તમારો કેદારો રાગ.” “એટલે?” “એટલે બીજું તો શું? કોરી ચાળીસ ભરી ન જાવ ત્યાં લગી બીજા બધાય રાગ તમારે ગાવા, ન ગાવો એક ફક્ત કેદારો રાગ.” “ભલે, લાવો લખી આપું.” એમ કહીને નરસૈંયાએ કાગળ લીધો. ફરી ફરી લખત વાંચ્યું. વાંચી વાંચીને એણે ડોકું ધુણાવ્યું. ધરણીધર તરફ એ દયામણી દૃષ્ટે જોઈ રહ્યો. “મારાથી નહીં બને.” કહીને એણે નિ:શ્વાસ નાખ્યો. “કાં? બત્રીસ રાગ ગાઈ જાણો છો એમાંથી એક કેદાર નહીં ગાવ તો શું નડવાનું છે?” “કેદારો તો મારો શ્વાસ છે. ધરણીધરજી, કેદાર રાગ તો મારી નાડીઓનું રુધિર છે.” “જુઓ, વિચાર કરી જુઓ, ભક્તજી! હું કંઈ સોનું, રૂપું કે માલમતા, કશુંય માગું છું? હું તો માગું છું એક જ રાગ ન ગાવાની બંધણી—જેની ફૂટી બદામ પણ કોઈ બીજો વેપારી ન આપે.” “આવી બંધણી? મારું ગળું ટૂંપવું છે, શેઠજી? પછી હું મારા વા’લાજીનાં કાલાંઘેલાં કઈ રીતે કરીશ? મારા શામળાને શી રીતે રીઝવીશ?” નરસૈંયો ભક્ત તળાજામાં અગાઉ ઘણી વાર આવેલો. ધરણીધર શેઠની દુકાને લેણેદેણ, ઉપાડ કાયમ રાખતો. પણ આટલાં વર્ષમાં કોઈ દિવસ ધરણીધરે નરસૈંયાના મોં પર આવો ઉશ્કેરાટ નહોતો જોયો. સદાકાળ નિજાનંદે મસ્ત રહેનાર નરસૈંયો એકના એક પુત્ર શામળશાના મોત સામે પણ હસતો રહેલો. એ હાસ્યને બદલે, આ વખતે એના મોં ઉપર વેદનાનાં ગૂંચળાં ઘૂમવા લાગ્યાં. કાનનાં મૂળ સુધી એના ગાલ લાલ લાલ બની ગયા. આંખોના ડોળાએ સ્થિરતા છોડી ઘૂમાઘૂમ માંડી, ને વીફરી ગયેલા અવાજે એણે કહ્યું : “કેદારો ગાવાનું છોડું? શું કહો છો, શેઠ! કેદારો સાંભળવા મારા શ્રીહરિ તલખે, તે વારે હું એને બીજા કયા રાગે—બીજા કયા સૂરો વડે ફોસલાવી શકું? મારો વાલોજી રોજની થાળી શે આરોગશે કેદારો સાંભળ્યા વગર? મારા બાળગોપાળને પારણિયે નીંદર કેમ ઊડશે કેદારાના પ્રભાતી સૂર કાને પડ્યા વગર? મારા કૃષ્ણ ગોવાળિયાને ધેનુનાં ધણ ઘોળીને ચારવા જાવું કેમ ગમશે એ કેદારો સાંભળ્યા વગર? કાળધરીના ઘૂનામાં કાળીનાગ ગાયોને પીવાનાં જળકમળ ઝેર ઝેર કરે છે, તેને વાલોજી નાથશે શી રીતે કેદારો સાંભળ્યા વગર? મારા દામોદરરાયને કેદારો સાંભળ્યા વગર રાધિકાજીને ખોળે પણ કાંટા જ ખૂંચે કે બીજું કાંઈ? તમે મને ફસાવવા આવ્યા છો, શેઠિયા!” “આ રહી ચાળીસ કોરી.” ધરણીધરે ગણી કરીને સામે જ ઢગલી ધરી દીધી હતી, “ને આ રહ્યો દસ્તાવેજ. સહી કરી આપો એટલી જ વાર.” “ના-ના-ના. મને લલચાવો મા. મને મૂંઝવો મા. એ કોરીઓને સંતાડી દ્યો. એ દસ્તાવેજ ફાડી નાખો, મારે નથી રોકાવું.” એમ કહીને નરસૈંયો ઊઠ્યો, આંખો આડા એણે હાથ દઈ દીધા. “તો ભલે અભ્યાગતો ભૂખે મરે.” એની ફરી ગયેલી પીઠ ઉપર ધરણીધરજીએ લાકડીના સોટા જેવા આ શબ્દો સબોડ્યા, કે તુરત નરસૈંયો, “ભલે મરી જાય અભ્યાગતો! ભલે થાવું હોય તે થાય. ભલે—ભલે—ઉલ્કાપાત થઈ જાય.” એવી ચીસો પાડતો, વટેમાર્ગુ વાઘ-દીપડાથી નાસે તેવા વેગે નાઠો, ગામબહાર નીકળી ગયો. સીમમાં પણ શ્વાસધમણ બની દોડતો હતો. સીમાડો છોડ્યા પછી એણે ગતિ ધીરી પાડી. અને પોતે કેદારો રાગ ત્યાં મૂકી તો નથી આવ્યોને, એની ખાતરી કરવા એણે જંગલમાં ગળું વહેતું મૂક્યું; ને એ હર્ષાવેશમાં આવી ગયો. કેદારો એના કંઠમાં સાબૂત હતો. એ પગલાં ઉપાડતો ચાલ્યો, પણ એનું શરીર કામ કરતું નહોતું. ઘણા મહિનાથી પેટપૂર તો ખાવા પામ્યો જ નહોતો. થોડુંક અન્ન ને ઉપર ઝાઝું બધું પાણી પી જઈને એ ઓડકાર ખાતો. બાકીનો સમય ગાવામાં ગાળતો. ભૂખ લાગી જ નથી, મને ભૂખ છે જ નહીં, એવાં એવાં માનસિક રટણ કરીને એ ભૂખને વીસરી જતો. પણ એ લાંબી સ્થિતિને સંભાળી લેનાર સ્ત્રી ચાલી ગઈ હતી. નરસૈંયો એકલો બન્યો હતો. ભૂખના દુ:ખે એનાં હાડ ભાંગી નાખ્યાં હતાં. એમાં એકાએક એને યાદ આવ્યું, ‘પાછો વળીને આ હું ક્યાં જઈ રહ્યો છું? હું પાછો જૂનાગઢ જાઉં છું, પણ શો ગર્વ લઈને જૂનાગઢ જઈશ? કેદારો રાગ ઘરેણે ન મૂક્યો, બસ ન જ મૂક્યો, ચાળીસ કોરીમાં મેં જીવ ન બગાડ્યો, એ બધું હું કોને જઈ કહીશ? ભૂખ્યાં બેઠેલ આશાતુર અભ્યાગતો એ મારી ગર્વ-વાણી સાંભળીને શું કહેશે? શાબાશી દેતાં દેતાં ભૂખે મરી જશે? ને એવી શાબાશીને શું બટકાં ભરીશ? એ ભૂખ્યાને હું ક્યાં મોકલાવીશ?’ સાંજ પડતી હતી. પાંચેક ગાઉ પોતે તોરમાં ને તોરમાં નીકળી ગયો હતો, નવા વિચારે એને ઊભો રાખ્યો. ‘ના, ના, ના,’ એણે મનમાં ને મનમાં કહ્યું, ‘હે શ્રીહરિ, આજ સુધી મારે ઘેરે જ્યારે જ્યારે ભીડ પડી તે તે ટાણે તું કોઈ ને કોઈ માનવીના હૈયામાં પેસી જઈ મારા અવસરો ઉકેલી ગયો છે. તેથી આજ શું તને કોઈક ભીડ પડી હશે તે ટાણે હું તારી આબરૂ રગદોળી નાખીશ?’ આકાશમાં વાદળાં ઘેરાતાં હતાં. ગગનના સિંધુમાં સામસામી જાણે જંગી નૌકાઓ અફળાતી હતી એ જોઈને નરસૈંયાએ મનમાં બબડાટ ચલાવ્યો : ‘જોઉં છું, જોઉં છું, વાલાજી! તારે ઘેરેય કાંઈક ભીડ પડી છે. તું કશીક વિપદે ઘેરાણો છો. તું મારી સંભાળ લેવા આવી શક્યો નથી એમ હું જોઉં છું. પણ લોકો તો કહેશે ને, કે આ નરસૈયો ડિંગેડિંગ જ હાંકતો હતો, લોકો કહેશે કે જોજો, આ ભગતડાના વાલાજીએ અત્યારે દેવાળું કાઢ્યું. લોકો મને નહીં નિંદે, પણ તને—જગતના પાલનહાર શ્રીહરિને—વગોવશે. એ તારી વગોવણી થવા દઉં કે તને રીઝવવાનો કેદાર રાગ સાચવી બેસું? તું તો, મારા વાલા! મોટા મનનો છો. ને તારે તો ભક્તોની ખોટ નથી. કેદારના સૂર સંભળાવનારા તો તારે કિન્નરો-ગંધર્વોય ક્યાં ઓછા છે? શું મારું મિથ્યાભિમાન! હા-હા-હા!’ નરસૈંયો વાદળાંની ગડગડાટી પ્રભુમુખના હાસ્ય-ખખડાટારૂપ સમજી પોતે પણ સામે હસી પડ્યો : ‘ગજબ મારું મિથ્યાભિમાન! ધરણીધરને હું એમ કહી આવ્યો કે મારો કેદારો સાંભળ્યા વગર શ્રીહરિ ઊંઘશે ને જાગશે ક્યાંથી? ખાશે ને પીશે કેવી રીતે? એ અભિમાનના તોરમાં હું નાસી આવ્યો, ને ઘેરે બેઠેલાં અભ્યાગતોનું મોત ઢૂંકડું લાવ્યો! ગમાર! કેવો ગમાર! ઝટ પાછો વળું. ક્યાંઈક ધરણીધર શેઠ બદલી બેસશે.’ એમ કહેતો એ મૂઠીઓ વાળીને પાછો તળાજા તરફ દોડવા લાગ્યો. પ્રભુનું ગગનહાસ્ય ચાલુ રહ્યું, પણ તે સાથે કાળી કાળી વાદળીઓ પૃથ્વી પર તૂટી પડી. એની કોટાનકોટ જળધારાઓ વચ્ચે થઈને નરસૈંયો દોડ્યો જાય છે. દોડતું એ સુકોમળ શરીર, વિરાટના આ સહસ્રધારા તારોના વાદ્ય પર કોઈક બજાવનારની ફરતી આંગળી જેવું દેખાય છે. એની છાતી પર પવન-સુસવાટાના ધક્કા પડે છે. એના મોં ઉપર મેઘ-ધારાઓ સોટીઓની તડાતડી બોલાવે છે, પણ એ ઊભો રહેતો નથી. એને લાગી ગયું છે કે મારો વાલોજી, અખિલ બ્રહ્માંડમાંથી આ હસાહસ કરીને કહે છે— “ઘેલો નરસૈંયો! મિથ્યાભિમાની નરસૈંયો! પોતાને ગાવું છોડવું ગમતું નહોતું એટલે મારા નામનું—મારી ઊંઘનું ને મારા ભોજનનું—બહાનું ચલાવ્યું. મૃત્યુલોકમાં મને બેઆબરૂ બનાવ્યો!” રાતે દુકાન વધાવી લઈ તાળું વાસતા વ્યાપારી ધરણીધરને કાને વરસતા વરસાદમાં બજાર સોંસરવા સાદ આવ્યા : “ધરણીધરજી! શેઠજી! ઊભા રે’જો. હાટ વાસશો મા. હું કેદારો રાગ માંડી દેવા આવી પહોંચ્યો છું. વાસશો મા, હાટ વાસશો મા!”