રા’ ગંગાજળિયો/૨૨. ચકડોળ ઉપર

From Ekatra Wiki
Jump to navigation Jump to search


૨૨. ચકડોળ ઉપર

નાગર જુવાન નરસૈંયાને વિશે રા’ની પહેલી ધારણા હવે જૂની બની હતી. નરસૈંયો ક્યાં રહે છે, શું કરે છે, એ ધ્યાન વચગાળાનાં વર્ષોમાં રા’ માંડળિકને રહ્યું નહોતું. વચગાળો રા’ને માટે આપદા ને ચિંતાઓથી ભરેલો હતો. ને હવે તો રા’નું હૃદય વધુ વધુ ડોળાણોમાં ને વમળોમાં ઘૂમરીએ ચડ્યું હતું. કોઈ કોઈ વાર આગળની રાત્રિઓ નરસૈંયા વિશેની વાતોથી રસભરી બનતી હતી. કુંતાદેને મોંએથી સાંભળવા મળતું. રાસમંડળ જમાવીને વચ્ચે મશાલ ધરી ઊભો ઊભો નરસૈંયો જ રાત્રિએ સ્ત્રીઓ અને પુરુષોનાં સહિયારાં વૃંદને ગવરાવી રહ્યો હતો કે—

આશાભર્યાં અમે આવિયાં રે
મારે વા’લે રમાડ્યા રાસ રે
આવેલ આશાભર્યાં રે.

તે રાત્રિએ મહેતાજીના ચોરામાં પોતે વેશપલટો કરીને હાજર હતી. તે રાતે રાસ રચ્યો હતો. સમયનું ભાન ભુલાયું હતું. ભક્ત નરસૈંયાના હાથની મશાલ આખી સળગી રહી હતી. તે પછી એનો પહોંચો—હાથ સળગતી મશાલ બન્યો હતો. અગ્નિ-ઝાળ નરસૈંયાની કોણી સુધી ગઈ હતી. એવામાં તાજેતર વીશળ કામદારે રા’ પાસે આવી એક વધુ ચમત્કારી વાત કરી હતી કે, કોઈક પરદેશી યાત્રાળુઓ દ્વારકા જતા હતા, તેમની પાસે રોકડ ખરચી હતી, પણ વાઘેરો લૂંટશે એવી બીકે તેમણે આ શહેરમાં હૂંડી ખરીદવા નક્કી કર્યું. હૂંડીને ખરીદનાર કોઈ ન જડ્યો. કોઈક ટીખળીએ આ પરદેશીઓને વિભ્રમમાં નાખ્યા કે નરસૈં મહેતા અમારા શહેરના માતબર શરાફ છે; એ તમને હૂંડી લખી આપશે. નરસૈંયાને ઘેર તે દિવસ પચાસ-સો સંતો-અભ્યાગતનું કટક પડ્યું હતું. ઘરમાં તેમને ખવરાવવાના તાકડા નહોતા. ઠીક થયું, ટાણાસર નાણાં પહોંચાડ્યાં મારા વા’લાજીએ! એમ કહીને નરસૈં મહેતાએ નાણાં સ્વીકારી લઈ એક કાગળના કટકા ઉપર હૂંડી લખી દીધી કે, ‘શેઠ શ્રી શામળિયાજી! રૂપિયા આટલા પૂરા ગણી દેજો.’ એ જ યાત્રાળુઓ દ્વારિકાથી આંહીં પાછા ફર્યા છે. એમણે નરસૈં મહેતાને વાત કરી છે : અજબ વાત છે : યાત્રાળુઓ કહે છે કે શેઠજી, આખી દ્વારિકાપુરીમાં આ હૂંડીનો ધણી શેઠ શામળિયોજી નામે કોઈ વેપારી છે જ નહીં ને કોઈકે તમને ફસાવ્યા છે એમ અમને એકેએક દુકાનેથી જવાબ જડ્યો. અંતે અમે થાકીને દ્વારિકા બહાર નીકળ્યા ત્યારે દરવાજામાં એક પુરુષ સામે મળ્યો. એણે કહ્યું કે ભાઈ, હું જ એ શામળો શેઠ. હું ગામતરે ગયો હતો. લાવો હૂંડી સીકારી આપું. એમ કહી નાણાં ગણી આપ્યાં. વાત સાંભળીને નરસૈંયો તો ખડ ખડ હસવા લાગ્યો છે. એ તો કહે છે કે ભાઈ, મને તો હૂંડીની વાત જ યાદ નથી. મારે તો કોઈ શરાફી વેપાર પણ નથી. એ તો મારો છબીલોજી મળ્યા હશે. “કોણ છે એનો છબીલોજી કે જે વાત વાતમાં એનાં કામ કરી જાય છે?” રા’ માંડળિકના લલાટમાં આ પ્રશ્ન પૂછતે પૂછતે કરચલીઓ પડી. “એ તો કહે છે કે મારો વા’લોજી દામોદરરાય.” કામદારે દુત્તું મોં કરીને કહ્યું. “દામોદરરાય!” “એટલે પ્રભુ શ્રીહરિ.” “શ્રીહરિ એટલા સસ્તા છે! હેં કામદાર?” રા’ના માથામાં કશાંક ગૂંચળાં વળતાં હતાં. “એ તો એ કહે છે. ગામના ડાહ્યા લોકો તો એવું કાંઈ નથી માનતા. બીજું તો કાંઈ નહીં, મહારાજ, પણ આમ હૂંડીઓ લખી આપવાથી તો આપણા નગરની આંટ બગડશે.” “પણ એ ભક્તને આવા ધંધા સૂઝ્યા ક્યાંથી?” “મહારાજ! ગામ તો બોલે છે કે આ તો ધૂતવાના ધંધા કહેવાય.” “એને કહી દેજો કે મારી નગરીમાં ધુતારાવેડા નહીં ચાલે.” “મારાં બાશ્રી કુંતાદેને તો આ બધું સત્ય લાગે છે.” “કુંતાને એનું ઘેલું લાગ્યું છે ત્યારથી જ મને બીક લાગી છે.” “નગરમાં તો નરસૈંયાની સામે બૂમ વધતી આવે છે. આપણું રાજ ચાહે તેમ તોય શિવભક્ત. આપણે આંગણે ગરવા ગિરનારનું બેસણું. એટલે રાડ વધી રહી છે.” “શિવને નામે સોમનાથનું તીર્થ હાટડી બન્યું છે, તેમ દામોદરરાયજીને નામે આંહીં પાછું પાખંડ ક્યાં શરૂ થયું!” “હાં-હાં, પાખંડ જ, મહારાજ!” વાણિયાએ બોલ પકડ્યો : “આપ બરોબર શબ્દ બોલ્યા.” “મારા સામે શિવભક્તો બબડતા હતા, ત્યારે હવે આની સામે કેમ સૌ ચૂપ છે?” “મહારાજની બીકે.” “મારી બીક?” “અરે ભૂલ્યો, મહારાણીની બીકે.” “રાણીજીને કહી દેવું પડશે.” “બીજું તો કાંઈ નહીં, પણ અહીંના શૈવીઓ ને રામાનંદીઓ અમદાવાદ જઈ ચાડી ખાય તેની મને ધાસ્તી છે.” “એથી તો હવે હું જરાય ડરતો નથી, કામદાર! અમદાવાદમાં તો બખેડા ચાલ્યા છે, ને મારા બે ઉપરકોટ બસ અભેદ્ય છે.” રા’ હવે આ તોરમાં તણાયા હતા, “ને સાંઈ જમિયલશા સરીખા દરવેશની મને સહાય છે. પણ મને આ નરસૈંયાનું પાખંડ પાલવતું નથી.” “બીજી પણ એક અરજ કરવા આવ્યો છું.” વીશળ કામદારના પચાસ વર્ષે પણ લાલ ટમેટાં જેવા રહેલા ગાલમાં ગલ પડ્યા, “એક વાર ઘેર પગલાં કરો.” “કેમ?” “સારો અવસર ગયો, પણ આપને નોતરી શક્યો નથી.” “કેટલામી, ત્રીજી વારનું ઘર કે?” રા’ને ખબર હતી કે વીશળ કામદાર ત્રીજી વાર લગ્ન કરી આવ્યા હતા. “આવશું ખુશીથી.” કામદારે માનેલું કે રા’ કૃપા વરસાવી રહેલ છે. રા’એ કામદારના ગયા પછી પોતાના અંતરમાં એક થડકાર અનુભવ્યો. અવતાર ધરીને કોઈ દિવસ કોઈને ઘેર ન ડોકાનાર રા’ પોતે પોતાના જ દિલને પૂછવા લાગ્યા : ત્રીજી વાર પરણેલાને ઘેર હું શા માટે જવા લોભાઉં છું? શું વણિકોને ઘેર અપ્સરાઓ હોય છે? મારી કલ્પનાની અપ્સરાનો ચહેરોમોરો, ક્યાંય શું કોઈના મોં પર નહીં મળે? હું શા માટે આ શોધે ચડ્યો છું? આવી પૂછપરછ પણ કોને કરી શકાય? નાગાજણને હવે જેટલું પૂછી જોયું તેથી વિશેષ કેમ પૂછી શકાય? ‘હા-હા-હા’ પોતાની હજામત કરવા આવતા વાળંદને પૂછી જોવાની એને જુક્તિ સૂઝી. ‘વાળંદ સાથે વાતો કરવાનો વાંધો નથી. વાળંદને કહીશ કે વાત પેટમાં રાખજે. ને વાળંદ કોઈને વાત કહી નાખે તોપણ શું છે? કોના બાપની બીક છે? શું કોઈ મારા જીવનનું મુખત્યાર છે? હું ચાહે તે કરીશ. હું નથી દેવસ્થાનના પૂજારીઓથી ડરવાનો, કે નથી અમદાવાદના સુલતાનથી દબાવાનો. મારે આંગણે બે ઉપરકોટ છે. ને હું તો જ્ઞાનદૃષ્ટિથી માનવા લાગ્યો છું, કે વાસનાને દબાવવી નહીં. એ દબાઈ રહે તો કોઈક દિવસ પણ ફાટે ને? વાસનાને તો હળવા હાથે જ ઠેકાણે પાડવી રહી. ‘નરસિંહ મહેતાની પાછળ ટોળાં કેમ ભમે છે? રાસમંડળમાં સેંકડો નાચે છે ને ગાય છે; કેમ કે તેમની વણપુરાયેલી વાસનાઓને ત્યાં વાણી વડે શાંતિ મળે છે. મનડાં માનવા લાગે છે કે છબીલોજી મળી ગયા! નારીઓ કલ્પના કરી લ્યે છે કે કૃષ્ણે તેમને પોતામય બનાવી લીધી! પુરુષો અનુભવ કરી લ્યે છે કે રાધિકા સાથે રાસરમણ રમાયાં. કોની નારીઓ, ને કોના પુરુષો! ઘેર ઘેર અતૃપ્તિનાં આંધણ ઊકળે છે. નરસૈંયાએ, તેમને સંતોષવાની આ સૂક્ષ્મ કલા ન ગોતી હોત તો ઘેર ઘેર કજિયા થાત. ઘેર ઘેર વ્યભિચાર ચાલત, ઘેર ઘેર મારપીટ ને હત્યા પણ થાત. નરસૈંયો ડાહ્યો છે. નાગાજણ ડાહ્યો છે. મુસ્લિમ દરવેશો પણ ડાહ્યા છે. અપ્સરાઓની કલ્પનાએ મને ચડાવી દીધો છે, એટલે જ હું કુંતાદેને સતાવતો નથી. ‘રસૂલાબાદવાળા સાંઈ શાહઆલમ મૂઆ સુલતાનની બીબી મુઘલીને રૂપાળી જોઈ પરણી બેઠા, અને એ બીબીના છોકરા સુલતાન મહમદશાહ વેરે પણ એના સાવકા ભાઈ સુલતાન કુતુબશાહની વિધવા રાજપૂતાણી રૂપમંજરીને વેળાસર પરણાવી દીધી. આ બનાવો એક જ રહસ્ય બોલે છે : વાસનાને દબાવી ન દેવી, માર્ગ આપી દેવો, ઠંડી પાડી દેવી. હું તો જ્ઞાનદૃષ્ટિએ વાસનાને કામે લગાડી દઉં છું. ખોજ કરું છું—અપ્સરાની. ખોજ કરો! ઓ માનવીઓ, તમારા મનમાં બેઠેલા અંતર્યામીની ખોજ કરો. હું પણ ખોજ જ કરું છું ને! અંતર્યામીની જ ઓળખાણ ગોતું છું ને! નરસૈંયો મને ગમત, જો એ ભેગાભેગો પાખંડ પણ ન કરી રહ્યો હોત તો. પણ એ તો ઢોંગી દેખાય છે. જે કાંઈ થાય છે તે શ્રીપ્રભુ પોતાને માટે ખાસ આવીને કરી જાય છે, એવું કહેનારો કાં મૂરખ છે, કાં શઠ છે, કાં ભોળો વિભ્રમી છે, કાં જાદુગર છે, ને કાં મંતર ને તંતર કરનાર છે. નહીં તો મને—રોજ ગંગાજળે નાહનારા પરમ શિવભક્તને—કેમ ક્યાંય શંભુ નથી સહાય કરવા આવતા? હમીરજી ગોહિલને કેમ શંભુએ ન રક્ષી લીધો? અરે, શિવે પોતાનું જ જ્યોતિર્લિંગ તૂટતું કેમ ન અટકાવ્યું? નરસૈંયો મને ગમતો, હવે અણગમતો થયો છે. એનું રાસરહસ્ય મને ભાવે છે; એના પ્રભુનામના ગપાટા મને અકળાવે છે. ‘હા! હું પાછો ભૂલી જાઉં છું! વાળંદ આવશે ત્યારે એને જ પૂછીશ, કે દીઠી છે ક્યાંક અપ્સરા? તારા હાથમાં આવી છે એની આંગળીઓ? તેં ઉતાર્યા છે કોઈ એવા નખ કે જે તડકે મૂકતાં પીગળી પાણી પાણી થઈ જાય? એને હું પહેલેથી જ કહી રાખીશ, કે મારે બીજું કાંઈ કામ નથી. ખોજ કરવી છે, સાચજૂઠ પરખવું છે. સત્યનો તાગ લેવો છે; એવા કોઈ નખ હોય તો તું જોતો રહેજે. તને ઇનામ આપીશ. તારું દળદર ફિટાડી દઈશ. બસ, ફક્ત એવા નખ જ જોઈએ મારે, હો કે? બીજું કાંઈ નથી જોતું.’ રા’નું હૃદય, વીશળ કામદારના ચાલ્યા ગયા પછી, આવાં વિચારચક્રો ફેરવવા લાગ્યું. રા’ જાણે જીવતરના કોઈ એવા ચકડોળમાં ચડી બેઠા હતા, કે જેને અટકવાનું હોતું નથી. માનસ-સાગરના કિનારા પર ઇચ્છાઓનો મહામેળો મચ્યો હતો, તેની વચ્ચે આ ચકડોળ ફંગોળા લેતો હતો. રા’ એમાં ચડી ચૂક્યા હતા. ચકડોળ જરાય ઊભો ન રહે, ચગે—હજી, હજી, હજી, વધુ ચગે, અરે, જાણે કદી જ ન થંભે—એવી રા’ની ધખના હતી. ફેર ચડતા હતા, પૃથ્વી પર ઊતરવા હામ નહોતી, પડવાની બીક હતી. માટે ચગો ચકડોળ! ફરો કાળ-ચક્ર! અનંત કાળ લગી આંટા લો. નથી ઊતરવું. ધરતી પર નથી પગ મૂકવો. કુંતાદેવીનાં કરડાં નેત્રો! દૂર થાઓ! આવા વિચાર-વીંછીઓના ડંખો ખાતા રા’ માંડળિક ઘણી ઘણી વાર સંધ્યાકાળે એકલા પડી જઈને પોતાની બેઠકના ગોખે બેસતા. ગિરનાર ઉપર ચડતી એની કલ્પના ક્યાંય નહીં ને જાણે ભૈરવ-જપની શિલા પર ચડતી, ચડીને પાછું નીચે જોતી, તમ્મર ખાતી, વગર ધક્કે કેવળ પોતાનાં જ તમ્મરથી ખાબકી પડતી, અતલ ખીણમાં જઈ પડતી. કપાળ એનું કોઈ ઉનાળે સુકાઈ રહેલા ખાબોચિયામાં ખદબદતાં માછલાં-શી કરચલીઓના ખદબદાટો ધારણ કરતું; ત્યારે થોડે દૂર આવેલી મહોલાતની બારીની ચિરાડમાંથી બે આંખો રા’ના કપાળ-ખાબોચિયાના એ ખદબદાટને જોઈ જોઈ છાનું છાનું રડી લેતી : એ બે આંખો હતી કુંતાદેની.