રાતભર વરસાદ/૧: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Heading| ૧ | }} {{Poem2Open}} પતી ગયું – પણ એ થયું – મારે બીજું કાંઈ જ કહેવાનુ...")
 
m (Atulraval moved page રાતભર વરસાદ/1 to રાતભર વરસાદ/૧ without leaving a redirect)
(No difference)

Revision as of 21:07, 15 January 2022


પતી ગયું – પણ એ થયું – મારે બીજું કાંઈ જ કહેવાનું નથી. હું, માલતી મુખરજી, કોઈની પત્ની અને કોઈની મા – મેં કર્યું – જયંતની સાથે. મને અને જયંતને – અમને બંનેને કરવાની ઇચ્છા હતી. કદાચ નયનાંશુને એમ પણ લાગે કે અમે પહેલાં પણ કર્યું હશે – પણ ના – આજે રાત્રે પહેલી જ વાર – આજે રાત્રે, ચાર કલાક પહેલાં. આ જ પલંગ ઉપર, જ્યાં હું અત્યારે સૂતી છું. કેવી રીતે થયું? સહેલું છે. ખરેખર મને સમજાતું નથી કે પહેલાં કેમ ન થયું – મારા સંયમ અને જયંતની ધીરજથી મને આશ્ચર્ય થાય છે. સાંજે નવેક વાગ્યે જયંત આવ્યો. તરત જ વરસાદ પડવા માંડ્યો. એટલો જોરમાં હતો કે અડધા કલાકમાં તો અમારી ગલીમાં પાણી ભરાઈ ગયું. દસ વાગ્યા, સાડા દસ થયા અને વરસાદ તો રોકાવાનું નામ જ લેતો ન હતો. અંશુ ગયો હતો બેલઘાટ, એની માંદી કાકીની ખબર કાઢવા. બેબી મારી માને ત્યાં હતી. દુર્ગામણિ રસોડામાં એની સાદડી પર ઊંઘી ગઈ હતી. ફ્લૅટનું બારણું વાસીને હું સૂવાના રૂમમાં આવી – જોતી હતી કે વરસાદની વાછટથી કાંઈ ભીનું નથી થતુંને. ‘મારી સિગારેટ ખલાસ થઈ ગઈ છે. કદાચ નયનાંશુના ખાનામાં એકાદ પૅકેટ હોય’. મારી પાછળ આવતા જયંત બોલ્યો. ખાનામાં જોવા હું નીચે વળી ત્યાં પાછળથી જયંતે મારી કમર પર હાથ વીંટાળ્યો. મેં ઊંચા થઈને તેની સામે જોયું અને કહ્યું, ‘તો તારે સિગારેટ નથી જોઈતી?’ તેણે મારા કાનમાં ધીરેથી કહ્યું, ‘લોટન!’ તેનો હાથ મારા હાથમાં લઈને મેં બારણું વાસ્યું અને લાઈટ બંધ કરી. મને હવે સારું લાગે છે – ખૂબ સારું લાગે છે. મને લાગે છે કે મારી જાતને ઘણા વખત સુધી સંયમમાં રાખીને મેં બરાબર કર્યું ન હતું. મારું શરીર આનંદથી તરબતર હતું અને મને ઉંઘ આવી ગઈ. પછી અચાનક જ્યારે આંખ ઉઘડી ત્યારે લાઈટ ચાલુ હતી અને હું ભીના કપડામાં સામે ઊભેલા નયનાંશુની સામે જોતી હતી. ‘તું આવી ગયો?’ મેં પૂછ્યું. ‘હા – મારા રાતના કપડાં ક્યાં છે?’ ‘ડાબા ખાનામાં.’ આંખો બંધ કરતાં મેં કહ્યું. હું થાકેલી હતી, મારે ઊભા થવું ન હતું. અંશુએ કહ્યું, ‘આટલી મોડી રાતે બારણું ખુલ્લું રાખવું બરાબર ન કહેવાય. ઘરમાં માત્ર તું અને દુર્ગામણિ જ છો અને બંને ઘસઘસાટ સૂતા હતા. આ તો ચોરને આમંત્રણ કહેવાય!’ ‘બારણું ખુલ્લું હતું?’ નયનાંશુ કપડા બદલવા બાથરૂમમાં ગયો. અચાનક મારી નજર પડી એના પલંગ પર પડેલા મારા કબજા પર. મારા શરીર પર તો માત્ર એક ઢીલી વીંટાળેલી સાડી જ હતી. તરત જ ઊભા થઈને કબજો પહેર્યો અને સાડી સરખી કરીને વાળ ઓળ્યા અને મોં પર થોડો પાવડર લગાડ્યો. અરીસામાં જોયું તો માલતી બીજા કોઈ પણ દિવસે દેખાય તેવી જ દેખાતી હતી. પણ લોકો કેવી ભૂલ કરી બેસે છે – એ આશ્ચર્યજનક નથી? કરતાં પહેલાં હું બારણું વાસવાનું ભૂલી ન હતી (પ્રેમ એટલો બધો આંધળો અને ઉતાવળો નથી હોતો!), પણ જયંતના ગયા પછી મેં સૂવાના રૂમનું અને ફ્લૅટનું બારણું બંધ કર્યું ન હતું. સૂઈ જતાં પહેલાં મને કપડાં પહેરવાનું પણ સૂઝ્યું ન હતું. નયનાંશુની નજર પડી હશે? ભલે પડી – એક પરણેલી સ્ત્રી પોતાના સૂવાના રૂમમાં પોતાની મરજી મુજબ સૂઈ શકે છે. અમે જમવા બેઠા ત્યારે નયનાંશુએ પૂછ્યું, ‘આટલે મોડે સુધી જમ્યા વિના કેમ બેસી રહી?’ ‘મોડું થઈ ગયું છે?’ ‘બાર વાગ્યા. તારે તો જમી લેવું હતું.’ બાર વાગ્યા સાંભાળીને મને ખૂબ નવાઈ લાગી. જયંતના આવ્યા પછી મને સમયનું ભાન જ રહ્યું ન હતું. આટલું મોડું થયું છે એવી ખબર હોત તો મને જરૂર અંશુની ચિંતા થઈ હોત. તે રૂમમાં આવ્યો ત્યારે મેં કહ્યું હોત, ‘આટલું મોડું કેમ થયું? કાંઈ થયું તો નથીને? મને ચિંતા થતી હતી.’ એની સામે જોતાં મને લાગ્યું કે અત્યારે તે પણ મારી પાસેથી આવું જ કાંઈ સાંભળવા માંગતો હતો. એટલે મેં કહ્યું, ‘આટલું મોડું કેમ થયું?’ ‘વાહ, આટલો વખત તું ક્યાં હતી? જોતી નથી કેટલો ધોધમાર વરસાદ પડે છે? બેલઘાટમાં તો ગંગા વહે છે! મારે સિઆલદા સુધી ચાલવું પડ્યું અને પછી જોરાગિરજા સુધી રિક્ષા લીધી ત્યારે મને ટૅક્સી મળી.’ તેના બોલવામાં એવો આત્મસંતોષનો રણકો હતો, જાણે તે સુંદરવનમાં વાઘને મારીને પાછો ન આવ્યો હોય! મને યાદ છે થોડા દિવસ પહેલાં તેણે બાથરૂમમાં વીંછીને જોઈને કેટલી બૂમો પાડી હતી અને પછી ક્યાંકથી એક લાકડી શોધીને એ જંતુને દૂરથી મારીને મને કહ્યું હતું ‘મેં એને મારી નાખ્યો.’ તેની સામે જોયા વિના જ મેં કહ્યું હતું, ‘તેં બહુ જ બહાદુરીનું કામ કર્યું.’ (ચારેક વર્ષ પહેલાં બેબીએ પણ કહ્યું હતું, ‘મા, મા, સાંભળ, બારી પર કાગડો બેઠો હતોને, એને મેં ઉડાડી મૂક્યો!’) ક્યારેક તો મને તે એક નાના બાળક જેવો લાગે છે. એક યુવાન અને સમજુ સ્ત્રીને પોતાનો પતિ બાળક જેવો હોય તો કેવું લાગે? આ જ પરિસ્થિતિમાં જયંતે શું કર્યું હોત? તેણે તો પોતાના જૂતા નીચે વીંછીને કચરી નાખ્યો હોત અને એક શબ્દ પણ બોલ્યો ન હોત! ભાતમાં ચીકન કરી નાખતા નયનાંશુએ કહ્યું, ‘મેં તને કેટલી વાર કહ્યું છે કે મારી રાહ ન જોવી. તારે તો સમયસર જમી જ લેવું.’ જવાબમાં મેં કહ્યું, ‘મને એકલા જમવું નથી ગમતું.’ આ સાચી વાત છે, મેં જોડી કાઢ્યું ન હતું! મને નયનાંશુ વિના જમવું નથી જ ગમતું. મને એવી ટેવ પડી ગઈ છે. કદાચ એ રૂઢિ પણ હોઈ શકે. નાનપણમાં મેં મારી માને મારા પિતાની રાહ જોતાં જોઈ હતી. કદાચ હું પણ એને જ કારણે આમ કરતી હોઈશ! અચાનક અટકી જઈને અંશુએ પૂછ્યું, ‘કોઈ આવ્યું હતું?’ જરા પણ દ્વિધા કે સંકોચ વિના મેં કહ્યું, ‘જયંત – જયંતભાઈ આવ્યા હતા – નવેક વાગે. તારી ઘણી રાહ જોઈ.’ (આ જ એક તકલીફ છે – બીજાંની સામે ‘ભાઈ’ કહેવાનું!) ‘મારી રાહ? શાને માટે?’ ‘એમના છાપા માટે કાંઈ કામ હતું.’ ‘તેં મારે માટે બેસવાનું ન કહ્યું?’ મારી આંખ સાથે આંખ મેળવતા અંશુએ કહ્યું. જરા પણ સંકોચ વિના મેં પણ બરાબર તેની સામે જોઈને જવાબ આપ્યો, ‘કમાલ વાત કરે છે! મધરાત સુધી તે કોઈ રાહ જોતું હશે? અને હું કહેત તો પણ શું તે બેસતે – એમને પણ પણ પત્ની અને કુટુંબ છેને.’ પછી નયનાંશુએ પૂછ્યું, ‘આ વરસાદમાં તે પાછો કેવી રીતે ગયો?’ હું સહેલાઈથી કહી શકી હોત – ‘મને શી ખબર?’ પણ મેં એવું ન કહ્યું. હસવાનો પ્રયત્ન કરતાં હું બોલી, ‘તું તો જયંતભાઈને જાણે છેને – એમને કાંઈ આવા વરસાદની અસર થાય?’ અંશુ પણ હસીને બોલ્યો, ‘તારી વાત સાચી છે. બેબીની વર્ષગાંઠ યાદ છેને? ધોધમાર વરસાદને કારણે બસ ને ટ્રામ – બધું જે બંધ હતું. રુસા રોડ પર પણ પાણી ભરાઈ ગયું હતું અને જયંતભાઈ છેક ટૉલીગંજથી ચાલતા આવ્યા હતા. મનાય જ નહીં!’ મેં જવાબ ન આપ્યો. કારણ, નયનાંશુ જાણતો હતો કે હું એ સાંજ ભૂલી નથી – કોઈક વાતો એવી હોય છે જે ક્યારેય ન ભૂલી શકાય. તે દિવસે હું સમજી ગઈ હતી કે જયંત પાણી ભરાયેલા રસ્તા પર ત્રણ માઈલ બેબી કે નયનાંશુ માટે ચાલ્યો ન હતો – તે મારે માટે આવ્યો હતો. નયનાંશુ પણ એ સમજી ગયો હતો – તે કાંઈ મૂરખ નથી! તે શરૂઆતથી જ જાણતો હતો કે શું થવાનું છે. આખી દુનિયામાં કોઈ એવો પતિ હોય જે આ એક વિષય માટે જાગ્રત ન હોય? જમ્યા પછી તેણે સિગરેટ સળગાવી ત્યારે મેં પૂછ્યું, ‘તારી કાકી કેમ છે?’ ‘ખાસ કાંઈ થઈ શકે તેમ નથી. હવે થોડા દિવસોની જ મહેમાન છે.’ ‘તે ભાનમાં છે?’ ‘બિલકુલ. એમ તો થોડું થોડું અવારનવાર બોલે પણ છે અને ગંગાજળમાં બોળેલું કપડું ચૂસી પણ શકે છે. લોકોની સામે તાકી રહે છે.’ ‘તને ઓળખ્યો?’ ‘તરત જ.’ ‘તું મને તારી સાથે કેમ ન લઈ ગયો?’ મારાથી બોલાઈ ગયું. ‘મેં તો તને પૂછ્યું હતું – પણ તારે આવવું ન હતું.’ ‘તેં આગ્રહ કેમ ન કર્યો – મને શી ખબર કે આવું હશે – એટલે કે થોડા દિવસોનો સવાલ હશે.’ નયનાંશુએ મારી સામે જોઈને જવાબ આપ્યો, ‘તારે જવું હોય તો કાલે જઈ આવજે – તરત કાંઈ નથી થઈ જવાનું. તે માંદા નથી – માત્ર ઉંમર થઈ છે – આ તો કોઈ મરવા પડેલા ઘરડા ઝાડ જેવું છે.’ ત્યાર પછી અમે બંને કાંઈ પણ બોલ્યા વિના અંદર જઈને અમારા પોતપોતાના પલંગમાં સૂવા ગયા. એક નાનકડા રૂમમાં બાજુબાજુમાં બે પલંગ – હાથ લાંબા કરીએ તો એકબીજાને અડકે, અમે એટલા પાસે હતા. હું જાગતી હોઉં અને નયનાંશુ ઊંઘી જાય તો મને એનો શ્વાસ સંભળાય. કાલે મારે રૂમ ફરીથી ગોઠવવો પડશે. પલંગ આટલા પાસે હોય તે બરાબર નથી. બીજા કોઈ સૂતેલા માણસના ઊંડા શ્વાસ સાંભળવા કોને ગમે? મારો પલંગ બેબીના રૂમમાં મૂકાવું? જો કે તે નાનો છે અને ત્યાં દક્ષિણનો પવન આવે છે. અને મને ઈલેક્ટ્રીક પંખા નીચે આખો વખત સૂવું નથી ગમતું. સવારે માથું ભરાઈ જાય છે. આ રૂમમાં ચોક્કસ ગૂંગળામણ થાય છે. હવે વરસાદ થોડો ઓછો થયો છે અને તરત જ ગરમી લાગે છે. અને આ પંખાનો અવાજ – જાણે કોઈ જીવડું માથા પર ગણગણતું હોયને! અમે બંને જાગતા પડ્યા છીએ અને જાણીએ છીએ કે બીજી વ્યક્તિ પણ સૂતી નથી – એક જ રૂમમાં, એક જ અંધકારમાં બે જાગ્રત કરોળિયા પોતપોતાનું જાળું વણી રહ્યા છે. બે મોટા અને જાડિયા કરોળિયા, આગની જેમ ચળકતી આંખો, એકનું જાળું બીજાના જાળાને અડકતું, તેમાં અટવાતું અને આખો રૂમ ભરાઈ જતો. અત્યારે વરસાદ નથી પડતો અને તોય મને સંભળાય છે વરસાદ – કોઈ ઝાંખા ભૂરા બોગદા પર પડતો વરસાદ જેના છાપરાની તડમાંથી ટપકતાં અને નીચે નીતરી આવતાં ટીપાં. મારાં પોપચાંની નીચેનો અંધકાર આ અસહ્ય ગરમીથી વિખરાઈ જાય છે અને લાલ અને પીળાં ટપકાં દેખાય છે. કોઈ જાણતું નથી કે આ બોગદાનો અંત ક્યાં છે. હું ગૂંગળાઉં છું. તમને લાગે છે કે હું ગભરાઉં છું? તો તમે માલતીને નથી જાણતા. હમણાંથી – ઘણા સમયથી – માલતી પોતાના પતિથી દૂર રહે છે. તેના પતિને માલતી જોઈએ છે – અને શા માટે નહીં? – પણ તેને નયનાંશુની ટૂંકી આંગળીઓ નથી ગમતી. તેના શ્વાસની વાસ પણ તેનાથી નથી સહેવાતી. તેના શરીરની પાસે સૂવાના વિચાર માત્રથી તેને કંપારી છૂટે છે. તેના હાથના સ્પર્શથી તે ધ્રૂજી ઊઠે છે. માલતી શું કરી શકે? એક ટાંકણી ભોંકાતા અચાનક નીકળતા ‘આહ’ જેવી આ વાત છે. તે તેના પતિને સમજાવે છે કે હવે તેને આવી બાબતોમાં રસ નથી રહ્યો, હવે તેની ઉંમરે આ બધું ન હોય, તેની બેબી મોટી થતી જાય છે, વગેરે, વગેરે. આવાં બધાં ઉપજાવી કાઢેલાં બહાનાંથી તે તેના પતિને ઠંડો પાડવાનો પ્રયત્ન કરે છે. પણ માલતી માત્ર બત્રીસ વર્ષની છે, નયનાંશુ સાડાત્રીસનો અને બેબી માત્ર આઠ વર્ષની. બિચારો નયનાંશુ દયામણો થઈને ધીરા પગલે પોતાના પલંગમાં પાછો ફરતો અને માલતી તેનાથી વધારે અકળાતી. તેના નાસીપાસ ચહેરાથી માલતીને સૂગ ચડતી. ખરેખર તો તે જોઈએ એટલો આક્રમક નથી. તે એક સદ્‌ગૃહસ્થ જેવો છે. પેલા સામાન્ય માણસો જેવો જેની તે મશ્કરી કરે છે અને જેને જયંત ધિક્કારે છે. પણ જ્યારે તે તૈયાર થઈને, સૂટ પહેરીને ઑફિસ જાય છે કે પછી ઘરે ઝભ્ભા અને સૂરવાલમાં ફરતો હોય છે ત્યારે તે મને ગમે છે. તે ખૂબ વાંચે છે, સરસ વાતો કરે છે, સરસ દેખાય છે અને તેની ઔપચારિક વાતચીતમાં તો કાંઈ જ કહેવા પણું નથી. સ્ત્રીઓ તેનાથી હજી પણ આકર્ષાય છે. (ઑૅફિસની અપર્ણા તો તેના પર ફિદા છે). થોડી નાની હતી ત્યારે હું પણ તેના પ્રેમમાં પડી હતી અને જ્યારે તેને પરણી ત્યારે મને લાગતું હતું કે હું ઈડરિયો ગઢ જીતી છું. પછી દસબાર વર્ષ વીતી ગયાં અને જુવાનીનો જોશ ઉતરતો ગયો તેમતેમ તે વધુને વધુ બાલિશ થતો ગયો. અલબત્ત, મને એવું લાગે છે. હવે તે મને પ્રેમી તો શું, પતિ જેવો પણ નથી લાગતો. જાણે મારું શરીર, મારાથી અલગ થઈને નયનાંશુ પર ગુસ્સે થઈ ગયું છે. હું દુબળી થઈ ગઈ – એકવાર માંદી પણ પડી – એ માંદગી પણ કદાચ નયનાંશુને દૂર રાખવા માટે ન હોય! પહેલાં તો એક અંદર ભભૂકતો ગુસ્સો હતો. મને સમજાતું ન હતું કે હું શાને માટે ગુસ્સે થાઉં છું પણ જયંતને મળ્યા પછી મને અચાનક કારણ સમજાયું. અમારા લગ્ન થયા ત્યારે તેની કાકીએ મને કહ્યું હતું, ‘યાદ રાખજે, પતિ જેવી કોઈ જ સમૃદ્ધિ નથી.’ આ સાંભળીને હું મનમાં હસી હતી કારણ કે મેં સાંભળ્યું હતું કે બાર વર્ષે પરણીને તે તેર વર્ષે વિધવા થયા હતા. તેમને તો પતિ એક પ્રાણી છે કે પછી કોઈ શાકભાજી કે ધાતુ, તે વિચારવાનો પણ અવસર નહીં મળ્યો હોય. એમને માટે તો પતિ એક બોદો શબ્દ, એક અસ્પષ્ટ, ડાઘી, કટાયેલી, વિભાવના જ હતો – અને છતાંય કેટલી શક્તિશાળી, અગત્યની વ્યક્તિ! અમારા લગ્ન પછી એક વર્ષ અમે નયનાંશુના પારિવારિક ઘરમાં – બેલઘાટમાં રહ્યાં હતાં. ત્યારે તેની આ વૃદ્ધ કાકી મારે માટે ખાસ પ્રેમ રાખતાં હતાં. તે મને વહાલથી બોલાવતાં અને જ્યારે પણ હું એકલી હોઉં ત્યારે અચાનક જ તે મારા પતિના ગુણગાન ગાવા બેસી જતાં: ‘તું જાણે છે, એને તો સારા માર્ક માટે મેડલ મળ્યો છે! યાદ રાખજે તેને તો ઘણા સાહેબો સાથે ઓળખાણ પણ છે!’ સ્ત્રી હોવું એટલે શું તે વિશે હું ત્યારે જ સભાન થતી જતી હતી. હું તેમની સામે જોઈ રહેતી અને વિચારતી – આ બાળવિધવા, આજન્મ કુમારિકા, લાચાર સ્ત્રી કેમ લેશમાત્ર દુઃખી નથી જણાતી. તેમને ક્યારેય પોતાના જીવનનો ખાલીપો, વ્યર્થતા, નિષ્ફળતા સાલતા નથી? સાચે જ મેં બહુ ઓછા લોકોને આટલા નિખાલસ અને શાંતમન જોયા છે – તે જાણે પોતાની જાતથી સંપૂર્ણપણે સંતુષ્ટ હતા. રોજ એક જ વખત જમવાનું, દર મહિને બે વાર એકાદશીના ઉપવાસ કરવાના, શિવરાત્રિ અને બીજા ઉપવાસ – બધું જ જાણે તેમને કોઠે પડી ગયું હતું. અને કેટલાં કામગરાં – બપોરનો આરામ નહીં, કેરીનાં અથાણાં બનાવવા અને આવી ઘરડી આંખે પણ કેવી સરસ રજાઈ બનાવતાં! મેં તેમને ક્યારેય બેસી રહેલાં નથી જોયાં અને ક્યારેય ફરિયાદ કરતાં પણ નથી જોયાં. ખરેખર તો એમ લાગે કે તેમને ખબર જ નથી કે તેમને ફરિયાદ કરવાનું કોઈ કારણ છે! કદાચ કોઈએ તેમને ગાઈવગાડીને કહ્યું હોત કે ‘બહેન, સાંભળો, તમને તો કાંઈ જ મળ્યું નથી, તમારે દુઃખી હોવું જોઈએ’ તો કદાચ તેમનું જીવન જુદું જ હોત. પણ શા માટે હું આ ઘરડા બહેનનો આટલો બધો વિચાર કરું છું? અરે હા, એમની માંદગી અને બાકી રહેલા થોડા દિવસો! આવતીકાલે એમને મળવા જઈ આવીશ. આજે ના ગઈ કારણ મને હતું જયંત આવશે અને કોઈ જ ઘરે ન હોય એ ઠીક ન લાગે. કાલે જરૂર જઈ આવીશ. પત્ની અને ઘરની વહુ બનવાથી શરૂઆતમાં હું ખૂબ આનંદમાં હતી. અમારા લગ્ન પછી મારા નવા અવતારમાં સફળ થવા માટે હું પ્રયત્ન કરતી. બેલઘાટના પરિવારમાં હું બધાંની સાથે હળીમળી જવાનો પ્રયાસ કર્યા કરતી. પણ નયનાંશુ મારા પ્રયત્નોને પ્રોત્સાહન આપતો ન હતો. તે મને કહેતો, ‘મારી મા રસોડામાં જાય છે ત્યારે તું પણ કેમ રસોડામાં જાય છે?’ ‘કેમ, મારે ન જવું જોઈએ?’ ‘આ તે કાંઈ જવાબ કહેવાય? તું કેમ જાય છે તે જણાવ. તારે ત્યાં કાંઈ કરવાનું તો હોતું જ નથી!’ આ સાંભળીને હું અંદરખાને તો ખુશ જ થઈ હતી. મને લાગતું કે અંશુને હું આખો વખત તેની પાસે જ રહું એ ગમે છે. તેથી શરમાઈને હું કહેતી, ‘મારે જવું હોય છે, માટે – બસ?’ ‘એ તે કાંઈ કારણ કહેવાય! સારું લાગે માટે તું જાય છે. મારા ભાભી જાય છે માટે તું પણ જાય છે. કુટુંબમાં બધાંને સારું લગાડવા માટે તું જાય છે.’ ‘કદાચ એ સાચું પણ હોય – પણ તેમાં ખોટું શું છે?’ ‘તારે જે નથી કરવું તે તું બીજાને ખુશ રાખવા માટે કરે છે અને એમ બતાવે છે કે તેમાં તને આનંદ આવે છે! એ ખોટું છે!’ હું હસીને કહેતી, ‘ઘણાં છોકરાંઓને સ્કૂલે જવું નથી ગમતું. તો તેમણે સ્કૂલે નહીં જવાનું?’ ‘આ બે સરખી વાત નથી. સ્કૂલે ન જવાથી છોકરાંઓને નુકસાન થાય છે. તારી સાસુને સારું લગાડવાથી તું તારી જાતને સુધારતી નથી. ઉપરાંત, છોકરાંઓને શિસ્ત શીખવવાનું હોય છે પણ તું તો મોટી થઈ ગઈ છું.’ પહેલાં તો મને સમજાતું ન હતું કે તે શું કહેવા માંગે છે. ક્યારેક તે તેના એક નાના પિતરાઈને ગમાર કહેતો ત્યારે હું ચમકી જતી. (તેનો વાંક એટલો જ હતો કે તે અધકચરી jokes કહેતો અને બધાંની પથારી પર દિવસના કોઈ પણ સમયે પડી રહેતો.) પણ તેને માટે આવી ભાષા વપરાય? આખરે તો તે તેનો પિતરાઈ ભાઈ હતો! છતાં પણ હું અંશુને સન્માનની નજરથી જોતી હતી કારણ કે તેનો દૃષ્ટિકોણ હંમેશ સ્પષ્ટ અને આગવો રહેતો. હું હજી તેના વિદ્યાર્થી જેવી જ હતી. તે પથારીમાં પડ્યા પડ્યા જે પુસ્તકો વાંચતો તેમાં મને જરાય સમજ પડતી નહીં. તે મારાથી વધુ બુદ્ધિશાળી હતો એમ મેં સ્વીકારી લીધું હતું. પણ ક્યારેક ક્યારેક મને બીજો પણ એક વિચાર આવતો. હું જોઈ શકતી હતી કે અમુક બાબતોમાં નયનાંશુ કાંઈ જ જાણતો નથી: તે મારા સ્વભાવ અને મારી સ્ત્રૈણતા વિશે કાંઈ જ જાણતો ન હતો – મને ભાભી સાથે રસોડામાં જવું કેમ ગમતું, તેની મા પાસેથી ક્યારેક ક્યારેક રાંધતાં શીખવાનું મન મને કેમ થતું, મારાં સાસરિયા સાથે કુટુંબનો એક ભાગ બનીને રહેવાનું મને કેમ ગમતું – આ બધું જ મારા માટે સહજ હતું. તેમાં મારી કોઈ ચતુરાઈ કે ચબરાકી ન હતી. તે આવી સાદી વાતો સમજતો પણ નહીં અને સમજવાનો પ્રયત્ન પણ કરતો નહીં. લગ્નથી તે પામવા માંગતો હતો એક પત્ની – સમગ્ર અને સંપૂર્ણ. મારે માત્ર એક પતિ જોઈતો ન હતો પણ જોઈતું હતું એક નવું જીવન જેનું મધ્યબિંદુ તે હોય. મારે એ બેલઘાટના પરિવારના એક અંશ બનીને, એક સભ્ય બનીને રહેવું હતું જેથી અંતે મને મારા પોતાના થોડા અધિકાર મળે. પણ ધીરે ધીરે અંશુએ મને તેની જેમ વિચારતાં શીખવ્યું. તેણે મને પ્રતીતિ કરાવી કે બેલઘાટના એ ત્રણ માળના મકાનમાં બધાંની સાથે રહેવાનું અમારે માટે કેટલું અગવડભર્યું હતું. જેમાં બધાં એકબીજાની સાથે એક લોટના પિંડની જેમ બંધાતા હોય તેવી સંયુક્ત કુટુંબ જેવી ઘૃણાસ્પદ પ્રથામાં કોઈ પણ વ્યક્તિના સ્વતંત્ર અને સુંદર વિકાસને કોઈ જ અવકાશ નથી. અને થોડા સમય પછી હું પણ તેની જેમ અમારા પોતાના ફ્લૅટમાં રહીને પોતાના સ્વતંત્ર જીવનનો આરંભ કરવાનાં સ્વપ્નો જોવા માંડી. ‘દરેક પુખ્ત વયની વ્યક્તિ એક આગવી અને સ્વતંત્ર વ્યક્તિ છે. તમારે તમારું પોતાનું વ્યક્તિત્વ વિકસાવવું જોઈએ. બીજાનાં ઢાળેલાં બીબામાંથી બનતી પ્રતિમા બનવું ન જોઈએ.’ હું મારી ભાભીઓ સાથે સાડી ખરીદવા જાઉં કે હિન્દી ફિલ્મ જોવા જાઉં કે પછી ગુરૂવારની લક્ષ્મીપૂજામાં ગાઉં કે મારા પેલા અલ્લડ પણ નિખાલસ દિયર સાથે કેરમ રમું ત્યારે મારે નયનાંશુ પાસેથી આવું કાંઈ સાંભળવું પડતું. અને બીજું – નયનાંશુ હંમેશ કહેતો, ‘આ સાડી, ઘરેણાં, હિન્દી ફિલ્મો – આ બધાં છોકરીવેડા તું ક્યારે છોડીશ?’ અને હું કહેતી, ‘હું તો છું જ છોકરી. તો છોકરીવેડા ન કરું તો શું કરું?’ ‘છોકરી હોવું અને છોકરીવેડા કરવા એ બે એક વાત નથી.’ ‘તો બેમાં શું ફેર છે તે મને સમજાવશો, સાહેબ?’ હું જ્યારે તેને આમ ચીડવતી ત્યારે તે મને તેની બાથમાં લઈ લેતો અને પછી બધા વાદવિવાદનો અંત આવી જતો. પણ ફરી કોઈ વાર બીજા પ્રસંગે તે આ જ વાત ફરી કરતો અને બધાંનો સાર એક જ હતો કે કોઈ ને કોઈ વાત કે પછી મારી અમુક વર્તણૂક તેને ગમતી નહીં. આનો અર્થ એમ થતો કે બીજાને હું જેવી ગમું તેવા મારે ન થવું. નયનાંશુ પોતાને ગમે તેવી રીતે મારું સ્વરૂપ નવેસરથી ઘડશે. મારું સ્વતંત્ર વ્યક્તિત્વ એટલે બીજા કોઈને ગમે તેવી માલતી નહીં પણ નયનાંશુને ગમે તેવી માલતી! પણ તે સમયે હું તે સમજી શકી ન હતી. ઘણા સમય પછી જ્યારે તે દિવસો અંગે હું વિચાર કરતી હતી ત્યારે મને એ સમજાયું – કદાચ એમ પણ હોય કે મને એમ હમણાં જ સમજાયું. તે સમયે તો મારે માટે જે નયનાંશુને સ્વીકાર્ય ન હોય તેનો વિચાર પણ આવવો અસંભવ હતો. ત્યારે તો તેના મારા પ્રત્યેના સંપૂર્ણ માલિકીભાવને હું મારા પ્રત્યેનો ગાઢ પ્રેમ માનતી હતી. ત્યારે હું એક મુગ્ધા હતી. ભલે હું એક મુગ્ધા હતી પણ ત્યારેય – લગ્નવિધિની સુવાસ વીલાય તે પહેલાં – મને સમજાઈ ગયું હતું કે અંશુને પુસ્તકોનો થોડો વધારે પડતો શોખ હતો અને તેને પુસ્તકોમાં જે ગમ્યું હોય તે પ્રમાણે તે પોતાના જીવનનું આયોજન કરવા માંગતો હતો. મારામાં થોડી સામાન્ય બુદ્ધિ હોઈ હું આ સમજી શકી હતી. કૉલેજના છેલ્લા થોડા મહિના હું તેની વિદ્યાર્થિની હતી. ત્યાં જ અમે મળ્યાં હતાં. તે હતો એક યુવાન અધ્યાપક – તાજેતરમાં જ ડીગ્રી મળેલી, વાતચીતમાં ચબરાક – અમારા ક્લાસની ઓગણત્રીસમાંની એક પણ છોકરી એવી ન હતી કે તેને જોતાં જેના હૃદયમાં વસંતના પવનની લહેર ન ફરકી જતી હોય. બીજાની સાથેની શરતના બહાના હેઠળ હું તેની સાથે અમારા અભ્યાસ અંગે કાંઈક વાત કરવા ગઈ હતી. ત્યાર બાદ તે મારા ઘરે અચાનક જ થોડાં પુસ્તકો લઈને આવી ચડ્યો. પરીક્ષાના સંદર્ભમાં તે ખાસ અગત્યનાં હતાં. ત્યારે જ મને થયું હતું, ‘તો તારા મનમાં પણ એ જ વાત ચાલે છે!’ અઠવાડિયા દસ દિવસ પછી તે ફરી પાછો આવ્યો – આ વખતે પુસ્તકો પાછા લેવા! જ્યારે તેણે જાણ્યું કે મેં હજી પુસ્તકો વાંચ્યાં નથી ત્યારે તેણે થોડા ફકરા પસંદ કરીને મોટેથી વાંચીને સમજાવ્યા. મેં ખૂબ ધ્યાનથી સાંભળ્યું પણ કાંઈ જ સમજી નહીં. મારા કાનને તેનો અવાજ પહોંચ્યો અને મારી આંખે તેના ચહેરાના હાવભાવ અને હોઠનું હલનચલન જોયાં. ને પછી, જ્યારે અમે પરસ્પર એક સમજુતી પર પહોંચ્યા ત્યારે મારા કુટુંબીજનો પરિસ્થિતિ સમજીને થોડા દ્વિધાગ્રસ્ત થઈ ગયા, (પોતાની કુંવારી દીકરી સાથે કોઈ પણ યુવાન પુરૂષને ખાસ મિત્ર બનતો જોઈને વડીલો ચિંતાગ્રસ્ત થઈ જ જતા હોય છે; છતાં એક વાર તેના લગ્ન થઈ જાય પછી તેઓ બધી જ ચિંતામાંથી મુક્ત થઈ જાય છે; જાણે લગ્ન બધી જ પીડાની અકસીર દવા ન હોય!) ત્યારે પણ અંશુ જે કાંઈ મને કહેતો તે અમુક અંશે તો પુસ્તકિયું જ હતું. અમારા લગ્ન પછી પણ એમ જ ચાલતું રહ્યું. રવિવારે બપોરે જમ્યા પછી તે રૂમમાં આવીને તે મારી સામે અંગ્રેજી પ્રેમકાવ્યો વાંચતો. તે સમયે તેને ડી. એચ. લૉરેન્સનાં કાવ્યો ખૂબ ગમતાં હતાં. અમારા સંવનનના સમયમાં કોઈ પણ સંજોગોમાં હું તેનો સંગાથ ઝંખતી હતી. પણ હવે હું તેની પાસેથી જુદી જ વર્તણૂકની અપેક્ષા રાખું એ સહજ હતું. મને સમજાતું ન હતું કે જે માણસ પ્રેમની ચેષ્ટા કરી શકે તેમ હતો તે કેમ પ્રેમકાવ્યો વાંચતો હતો કે પછી તેની વાતો કરતો હતો! અને જ્યારે તે મને બાથમાં લેતો ત્યારે પણ તે એટલી સાવધાની અને હળવાશ દાખવતો કે મને એમ લાગતું કે પ્રેમચેષ્ટા દરમિયાન પણ તે માનસિક રીતે કોઈ પુસ્તકનો અનુવાદ કરી રહ્યો છે. હું બબડતી, ‘બસ હવે, રહેવા દે, તું મને હેરાન કરે છે!’ – જે બધું સ્ત્રીઓ અનેક વર્ષોથી પુરૂષને વધુ ઉશ્કેરવા કહેતી આવી છે તે બધું જ! પણ તેની હેરાનગતિની ચરમ સીમા પર પણ મને એમ લાગતું કે અંશુ મારી સાથે પ્રેમમાં ન હતો પણ તેની પ્રેમચેષ્ટાની વિભાવનાના પ્રેમમાં હતો! પ્રેમના વિષય પર તે અત્યંત લાંબાં અને અઘરાં ભાષણ કરી શકતો. અમારા લગ્નને પાંચ મહિના થયા હશે ત્યારે એક એવો બનાવ બન્યો જેનાથી આખાય કલકત્તામાં સનસનાટી છવાઈ ગઈ હતી. પંચાવન વર્ષના એક જાણીતા બેરીસ્ટર એક MA ભણતી, પરણેલી યુવતી સાથે મુંબઈ ભાગી ગયા. મામલો કોર્ટે ગયો હતો પણ તેમાં કાંઈ ઉપજ્યું નહીં. એવું સાંભળ્યું હતું કે યુવતીએ છૂટાછેડા લીધા અને પછી બેરીસ્ટર તેની સાથે પરણ્યા અને તેમનું કલકત્તાનું ઘર તેમની પહેલી પત્નીને આપી દીધું અને તેને મહિને પાંચસો રૂપિયા આપવાનું પણ કબૂલ્યું. બેચાર છાપાંઓએ પોતાનો સ્પષ્ટ અભિપ્રાય વ્યક્ત કર્યો અને નામ આપ્યા વિના બેરીસ્ટરને ઝૂડી નાખ્યો. અમારો બેલઘાટ પરિવાર પણ આ બાબતમાં એકમત હતો. એકલો નયનાંશુ બધાંથી વિરુદ્ધ મત ધરાવતો હતો. એક દિવસ ગુસ્સે થઈને મેં કહી દીધું, ‘તું ગમે તે કહે, પેલો બેરીસ્ટર તો એક બુઢ્‌ઢો લંપટ જ કહેવાય!’ ‘એટલે તું કહેવા શું માંગે છે? જો એને એમાં જ રસ હોત તો શું એને કલકત્તામાં જ વેશ્યાઓ ન મળી હોત? અને એ સદ્‌ગૃહસ્થના બલિદાનનું શું? એણે એની કલકત્તાની ધીકતી પ્રેક્ટિસ છોડી દીધી – છતાંય લોકોએ એને માથે છાણાં થાપ્યાં!’ ‘બલિદાનને મારો ગોળી – એક તો પેલો લથડી ગયેલોે, મૂરખ બુઢ્ઢો અને સાથે પેલી પરણેલી છોકરી – એ બંનેને તો ઝાડ પર લટકાવીને અધમૂવા થાય ત્યાં સુધી ફટકારવા જોઈએ.’ મારી સામે આંખો કાઢીને નયનાંશુ બોલ્યો, ‘તું તો નાનકડી ભોળીભટાક છોકરી છું. તને શું સમજ પડે?’ બસ, ત્યારથી મારી અને નયનાંશુ વચ્ચે ગરમાગરમ દલીલો થવા માંડી. ‘પતિ અને પત્ની કે પછી કોઈ પણ સ્ત્રી અને પુરૂષના સંબંધમાં અગત્યની વસ્તુ છે પ્રેમ. ઈશ્વરની આંખમાં લગ્ન જેવી કોઈ વસ્તુ છે જ નહીં. લગ્નના નામે બધે જ કેટલોય વ્યભિચાર ચાલી રહ્યો છે. પતિ અને પત્ની વચ્ચે પ્રેમ ન હોય ત્યારે સાથે રહેવું એ એક અધમ વહેવાર છે. જ્યારે સ્ત્રી તેના પતિ અથવા તેના સગા સિવાયના પુરૂષો સાથે વાત પણ ન કરી શકે ત્યારે તેની વફાદારી માત્ર એક ફારસ બની જાય છે.’ જાણે તે એક ક્લાસમાં ભાષણ આપતો હોય તેવી રીતે આવા શાણા શબ્દો નયનાંશુ મને ઘણી વાર સંભળાવતો અને દાખલા આપી સમજાવતો. ‘પ્રેમનાં તો પારખાં લેવા જોઈએ અને તે સ્પર્ધા સિવાય શક્ય નથી. પતિ અને પત્ની થયા એટલે એકબીજાની સાથે આખું જીવન વીતાવવાની ફરજ નથી બની જતી. જો સંબંધ અંગત અને વ્યક્તિગત ન હોય, યાદદાસ્તમાંથી ગણિતના ઘડિયા બોલવા જેવો યંત્રવત્‌ થઈ જાય, કે પછી કોઈ વ્યક્તિ બીજા કોઈ પર્યાયના અભાવે બંધાઈ જાય તો પછી એ સહવાસને જુલમ કે નરી માન્યતા કે પછી નર્યો દંભ જ કહેવો જોઈએ. અને આપણા આ સહનશીલ દેશમાં જ્યારે પણ દાંપત્યજીવનની વાત થાય છે ત્યારે મોટા ભાગના લોકો આવો જ અર્થ કરતા હોય છે.’ નયનાંશુના આ બધા વ્યાખ્યાનોનો યોગ્ય અને શીઘ્ર જવાબ હું આપી શકતી ન હતી પણ હું ખૂબ ગુસ્સે થતી હતી. તે સમયે હું નવી નવી પરણેલી હતી. મને એક ક્ષુધાતુર કુંવારિકામાંથી પુખ્ત વયની પરિણીત સ્ત્રી બનવાનું સદ્‌ભાગ્ય પ્રાપ્ત થયું હતું અને મારી અપેક્ષા વધુ સતેજ થતી હતી. લગ્નની આખીય વાત મને ગમતી હતી. હું તો એમ પણ માનતી હતી કે અમારો સંબંધ ગયા જન્મથી બંધાયો હતો. એક દિવસ મેં કહ્યું, ‘તો પછી તારા મત પ્રમાણે પુરૂષોએ કૂતરા-બિલાડાની જેમ ઇચ્છા પ્રમાણે ભટકવું જોઈએ?’ ‘વિચારશૂન્ય પ્રાણીઓની સરખામણી માણસ સાથે ન થઈ શકે. તે પ્રેમ નથી કરતા. તેમને માત્ર શરીર હોય છે, મગજ નથી હોતું.’ હું બોલી ઊઠી, ‘હું તારી પાસેથી માત્ર એક જ શબ્દ સાંભળું છું – પ્રેમ. પણ મને સમજાવ તો ખરો કે આ પ્રેમ શું છે!’ મારી સામે એક નજર નાખીને તેણે જવાબ આપ્યો, ‘તું તારી જાતે જ એ ન સમજી શકે તો તને એમાં કોઈ મદદ ન કરી શકે.’ હું તો અમારા લગ્ન પહેલાં નયનાંશુના પ્રેમમાં પડી હતી પણ પાછળથી મને લાગતું હતું કે પ્રેમમાં પડવાનું જરૂરી ન હતું. લગ્ન મહત્વનું હતું – સ્થાયી અને વ્યવસ્થિત. માટે જ – નયનાંશુ ભલે ગમે તે કહે – વડીલોએ નક્કી કરેલા લગ્ન સામે કોઈ જ ટકી શકે એવી દલીલો નથી. મેં એક વાર તેને પૂછેલું, ‘મારી સાથે લગ્ન કરવાનો પ્રસ્તાવ તારા વડીલોએ મૂક્યો હોત તો તું તેનો સ્વીકાર ન કરત?’ ‘ગાંડી થઈ ગઈ છું? જેને ઓળખતો પણ ન હોય તેની સાથે કોઈ પણ કેવી રીતે લગ્ન કરવાનું સ્વીકારી શકે?’ ‘પણ ધાર કે આજે હું તને ગમું છું, કાલે બીજી કોઈ છોકરી તને વધારે ગમે તો?’ થોડું હસીને નયનાંશુએ જવાબ આપ્યો, ‘એ શક્યતા તો હંમેશા રહેલી જ છે. પણ એવા ભયમાં શાને માટે રહેવું?’ મને તેનો જવાબ જરા પણ ગમ્યો નહીં. મેં ભારપૂર્વક તેને કહ્યું, ‘પણ હું તો ક્યારેય એવી કલ્પના પણ નથી કરી શકતી કે તારા સિવાય બીજો કોઈ મારો પતિ હોય કે મારા સિવાય બીજી કોઈ તારી પત્ની.’ ફરી તે હસ્યો અને મારો મુરબ્બી હોય તેમ બોલ્યો, ‘તું તો બાળક જ રહી.’ આ વાત થયા પછી થોડા જ દિવસમાં અમે એક સંગીતના કાર્યક્રમમાં ગયા હતા. મારી મા અમારી સાથે હતી. મુક્તિપાદ ઘોષે પહેલાં વિષાદસભર શાસ્ત્રીય રાગ માલકૌંસ ગાયો અને પછી લખનૌની શૈલીમાં એક હળવી ઠુમરી ગાઈ – અદ્‌ભુત! નયનાંશુને સંગીતમાં જરાય રસ નથી. તે મારે લીધે જ આવ્યો હતો અને આખો વખત જડની જેમ બેસી રહ્યો હતો. બહાર નીકળીને મારી માએ પૂછ્યું, ‘નયનાંશુ, મઝા આવી? સરસ હતું, નહીં?’ તેણે કહેવા ખાતર કહ્યું, ‘સરસ.’ હું તો સંગીતથી એટલી બધી અભિભૂત થઈ ગઈ હતી કે મને ગાનારના હોઠ, આંખો અને હાથની ચેષ્ટા દેખાયા કરતા હતા. એકાએક હું બોલી ઊઠી, ‘મુક્તિપાદ ઘોષની પત્ની કેટલી નસીબદાર હશે.’ તરત જ મારી માએ મને અટકાવી, ‘આવી મૂરખ વાતો કરાય?’ આમાં શું મૂર્ખામી હતી તે તો મને અમે ઘેર પહોંચ્યા પછી જ સમજાયું. કોઈની પત્ની નસીબદાર છે એનો અર્થ એમ થાય કે મને તેની અદેખાઈ આવે છે કે પછી હું તેની પત્ની કે પ્રેમિકા થવા માંગું છું. અને ધારો કે જો એ સાચું પણ હોય તોય કોઈ પણ પરણેલી સ્ત્રીથી એના પતિની હાજરીમાં તો આવા શબ્દો ન જ બોલાય! ત્યારે મને સમજાયું કે આ લગ્ન નામની સંસ્થા એ પુરૂષની આશ્ચર્યજનક શોધ છે. દાખલા તરીકે, જો હું પરણેલી ન હોત તો શી ખાતરી કે આજે હું નયનાંશુને પ્રેમ કરું છું પણ કાલે મુક્તિપાદને ગાતાં સાંભળીને એના પ્રેમમાં ન પડું? પણ હું પરણેલી છું માટે મારાથી એવો વિચાર પણ ન થાય? અને જો મને એવો વિચાર આવે તો મારે તેને દબાવી દેવાનો અને મારી મા સાથે સંમત થવાનું કે મારે આવા વિચારોને ઉત્તેજન ન આપવું! અને આને આપણે પ્રેમ કહીએ છીએ – નયનાંશુનો ઉદાત્ત પ્રેમ! આને જો આપણે સ્વીકારીએ તો બધાં જ વેરવિખેર ન થઈ જઈએ? જે લોકો લગ્નના બંધનમાં સજ્જડ અને સહીસલામત બંધાયા છે તેમની વાત જુદી છે! વરસાદ ફરી શરૂ થયો છે અને ભીનો, ઠંડો પવન વાય છે. જયંત, તું અત્યારે શું કરી રહ્યો છું? ઊંઘી ગયો છું? કે પછી મારો વિચાર કરતો કરતો આંખો બંધ કરીને પડી રહ્યો છું? કે પછી અંધકારમાં તાકી રહ્યો છું? ના, તું નયનાંશુ નથી, તું જયંત છે – એક બળવાન અને ખડતલ પુરૂષ. તું એક ફિક્કો બૌદ્ધિક નથી. તું વિભાવનાથી જીવતો નથી. જે પણ હોય, તારે માટે એ જ સારું છે. તું ભૂખ્યો હોય તો તારે ખાવાનું જોઈએ. તને ઇચ્છા થાય તો તારે પ્રેમ કરવો પડે. આને માટે તારે કોઈ જાતની ચર્ચા કરવાની જરૂર પડતી નથી. હું જાણું છું કે તું અત્યારે શું કરતો હોઈશ. બીજી પથારીમાં નયનાંશુની સાથે મારી કલ્પના કરીને તેં કેટલીય રાતો પડખાં ઘસતાં વીતાવી હશે. મચ્છરોનાં ટોળાંની માફક અદેખાઈ તને કરડતી રહી હશે. પણ આજે રાતે તને તારી ‘લોટન’ મળી. ડૉક્ટરની સીરિંજમાં જેમ લોહી ધસી આવે તેમ હું તારા બાહુપાશમાં દોડી આવી. તેથી હવે તું ઘસઘસાટ ઊંઘી ગયો હોઈશ – આખો દિવસ મજૂરી કરીને થાકેલા લોકો જેમ લાકડું થઈને ઊંઘે છે તેમ. અને ધોવાનાં કપડાંના ઢગલા જેવી તારી પત્ની તારી બાજુમાં પડી હશે. આવતીકાલે તું એક નવી ધગશથી કામ પર દોડી જઈશ. છાપખાનામાં પાંચ કોલમ તારા આવતા અંક માટે લખી નાખીશ અને આખા શહેરમાં જાહેરખબર માટે ફરી વળીશ. જયંત, તું કાંઈ આખો દિવસ ઍરકંડિશન્ડ ઑફિસમાં બેસી રહેતો નથી. તું તો આખો દિવસ તડકામાં તપતો રહે છે, વરસાદમાં ભીંજાતો રહે છે. તું તો છૂટો છે, તું તો સાહસિક છે, જયંત – મારું જીવન, મારો પ્રકાશ! હવે ફરીથી હું તારે માટે તરસું છું. વરસાદના અવાજથી મારી તરસ જાગી ઊઠી છે. ચાલ પાછા ઘૂસી જઈએ પેલા બોગદામાં – જેના તડવાળા છાપરામાંથી પાણી ટપકતું હતું. મને તરસ લાગી છે. પણ પાણી જમવાના રૂમમાં છે. હું કેવી રીતે લેવા જાઉં? કદાચ નયનાંશુ જાગી જાય કે જાગે છે એવી ચેષ્ટા કરે અને મારે એની સાથે બોલવું પડે – કદાચ એ મને સીધો જ સવાલ કરે – ના, મારે એ બધું અત્યારે નથી કરવું, મારે અત્યારે કોઈ જ ઝઘડામાં નથી ઉતરવું. હું તો પ્રેમમાં છું. મને પડ્યા પડ્યા પ્રેમ માણવા દો. જયંત, હું તને ચાહું છું. આ જ સારું છે – આ ઢોંગ – અહીં મૃત:પ્રાય મૌનમાં પડ્યા રહેવું અને તરસથી બળતા રહેવું.