સોરઠી સંતવાણી/નુગરા માણસનો છેડો અડ્યો હે જી: Difference between revisions
MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|નુગરા માણસનો છેડો અડ્યો હે જી|}} {{Poem2Open}} <center>[1]</center> આંહીં મૂકેલ...") |
MeghaBhavsar (talk | contribs) No edit summary |
||
Line 113: | Line 113: | ||
{{Right|[‘ફૂલછાબ’, 26-1-1940, 9-2-1940]}} | {{Right|[‘ફૂલછાબ’, 26-1-1940, 9-2-1940]}} | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
<br> | |||
{{HeaderNav2 | |||
|previous = દેવાયત પંડિત અને દેવલદે | |||
|next = અનુભવની કામધેનુનું દોહન | |||
}} |
Latest revision as of 06:05, 29 April 2022
આંહીં મૂકેલ ભજન ‘આરાધ’નું છે. આરાધનાં ભજનો ભાંગતી રાતે જ્યારે જ્યોતની સામે ઉપાડાય છે ત્યારે દોકડ, ઝાંઝ, કડતાલ વગેરેનો ધમધમાટ બંધ થાય છે; એકલો રામસાગર (તંબૂરો) બજે છે, ફક્ત મંજીરાની એક જ જોડ મૃદુ ટુનકારો પુરાવે છે, અને ગંભીર રાગે ગવાતાં ભજનની વચ્ચે વિરામ પડે છે ત્યારે મુખ્ય ભજનિક ભજનનો અર્થ ચર્ચી બતાવતો જાય છે. આ ભજનમાં કથા છે. ગઢ ઢેલડી નામનું પુરાતન ગામ છે. (ભજનિકો વર્તમાન મોરબી માને છે.) ત્યાંના ચમાર કોટવાળની રૂપાળી સ્ત્રી પાણી જાય છે. (આંહીં નામ નથી મળતું, પણ કહેવાય છે દાળણદે.) ગઢ ઢેલડીનો રાજા રાવત રણશી દુર્બુદ્ધિથી ઘોડાને પાવાને બહાને પાણી ભરીને પાછી વળતી અછૂત સ્ત્રીની આડો ફરે છે. બાઈને સૂચક સવાલો પૂછે છે. બાઈ શાંતિથી સભ્ય જવાબ વાળે છે. પણ તેના બેડાને મતિભ્રષ્ટ રાજાની પાંભરીનો છેડો અડી જતાં પ્રભુભક્ત આ સ્ત્રી પોતાને નુગરા માણસનો છેડો અડ્યો તેથી જીવન ભ્રષ્ટ થયું ગણે છે. ‘નુગરો’ શબ્દ મૂળ ‘ન+ગરુ’ એટલે ગુરુ કે મુર્શદ વગરનો માનવી એમ થાય છે, પણ એનો લૌકિક અર્થ એવો છે કે તદ્દન નાલાયક, મતિભ્રષ્ટ, દુર્બુદ્ધિ : ‘નુગરો’ એ ભજનવાણીમાં છેલ્લામાં છેલ્લી ભારી ગાળ છે. સ્ત્રી પૃથ્વીમાં જીવતી સમાઈ જવા માટે પોતાના ધણી ખીમરાને હાથે સમાધ (ખાડો) ગળાવે છે, ગામમાં હો-હા થાય છે, ખબર પડતાં રાજા રણશી તપાસે આવે છે, ને દોષિત ખુદ પોતે છે એવી સ્પષ્ટ ધિ:કારવાણી સાંભળીને પોતે તે ખાડામાં સમાધિ લેવા તૈયાર થાય છે અને માગણી કરે છે કે જે ભક્તિમાર્ગનું પોતે આવું અપમાન કરેલ છે તેમાં પોતાને દીક્ષા અપાય. એ દીક્ષા કાંઈ બળ જોર, હુજ્જત કે હઠ કર્યે મળતી નથી. એમાં તો ગતગંગાની, અર્થાત્ પુનિત મહાનદી સમોવડ વહેતા, અઢારેય વર્ણોના જનવિરાટની અનુમતિ જોઈએ. એ અનુમતિ મળ્યા પછી જ રાજા રણશીને પરમોદવામાં (દીક્ષા દેવામાં) આવે છે. આ ભજનમાં તે સમયના લોકાચારની જે તસ્વીર પડી છે તેનું રહસ્ય-વાચન કરીએ, ઉપરાંત ભજનવાણીમાં જે કેટલાક ખાસ શબ્દો છે તેને મન પર ઠસાવીએ. એ શબ્દો છે ગઢ ઢેલડી, ‘નુગરાં’, ગતગંગા, પરમોદવું, જુમૈયો અને થાવરવાર. અને લોકાચાર એવો ગુંજે છે કે મતિભ્રષ્ટ માનવીનો સ્પર્શ — ભલે ને પછી એ રાજા હોય! — એવો સ્પર્શ અછૂતમાં અછૂત ચમારને માટે પણ ભ્રષ્ટકારી છે. એવા રાજાની છાયામાં રહેવું સલામત નથી. એવો રાજા દોષ કરે તેની સામે લોકોનો હાહાકાર જગાવવા જીવતી સમાધ લેવાય. એવો રાજા પરિતાપ પામે તો અછૂતને ઘેર પણ આવી ઊભો રહી ક્ષમા માગે, જીવતો દફનાઈ જવા તત્પર થાય, અને એવા રાજાને ‘નુગરો’ મટી ધર્મપંથે વિચરવું હોય તો એકાદ માણસની પાસે જીદ લીધ્યે ન બની શકે. એવી પુનઃપ્રતિષ્ઠા પામવા માટે તો સમસ્ત એ સમૂહગંગાની, લોકસંઘની સંમતિ મેળવવી પડે છે. ભજન-મંડળીઓમાં બીજ દિન અને થાવર વાર (શનિવાર)નું અતિ મહત્ત્વ છે. એ દિવસે ભજનિકો ભેગા થાય — ભજનો ગાય, નવા ઉમેદવારોને ધર્મમાં લે, પાપીનાં પ્રાછત તે દી ગતગંગા પાસે ધોવાય.
મોરબીના બીજા કોઈ રાજા અને વાણિયાણ વચ્ચેના પ્રસંગનું એક બીજું પણ આપણે ત્યાં ગરબા-ગીત છે : મોરબીની વાણિયાણ મચ્છુ પાણી જાય. અહીં રજૂ થયેલ ભજનમાં ધર્મની શીતળતા અને વિશાળતાનો ભાવ લહેરે છે, પણ પેલા ગીતમાં તો કોઈ માથાભારે બાઇનો ઠસ્સો તરવરે છે. એ સમાધ નથી ગળાવતી, પણ એ તો પોતે તરત જ રાજાને મોઢે રોકડું ફટકારે છે કે : મારા અંબોડામાં તારાં માથાં થાશે ડુલ. પહેલા ભજનમાં ભક્તિભાવનો નીતર્યો શાંત રસ છે, બીજા ગીતમાં પ્રબલ નારીત્વની ખુમારી છે. બન્નેના ભાવ જુદા, પણ ચોટ તો એકસરખી જ.
ગઢ ઢેલડી મોજાર,
ખીમરાની તરિયા પાણી સાંચર્યાં હે જી.
રણશી ઘોડાં પાવા જાય,
અવળા સવળા રેવત ખેલવે હે જી.
સતી, તમે કેના ઘરની નાર?
કિયા ને અમીર ઘરની નારડી હે જી.
અમે છીએ જાતનાં ચમાર,
ચૂંથિયેં ગાયુંનાં અમે ચામડાં હે જી.
છેડલો અડ્યો સતીને બેડલે હે જી.
રાજા, તારાં અંગ અભડાય,
તારી રે રૈયત તારી દીકરી હે જી.
સૈયર, સાંભળ મોરી વાત,
સંદેશો કે’જે રે કોટવાળને હે જી.
ખીમરા, વે’લી કરજે વાર,
સમાધું લેવી અમારે સાચની હે જી.
ખીમરા, સમાધું ગળાવ
નુગરા માણસનો છેડો અડ્યો હે જી.
સતી, તમે મેલો હઠ ને વાદ
રણશી ઉતારે અંગનાં ચામડાં હે જી.
શે’રમાં વાતું રે વંચાય,
ફરતી તે વાતું રણશી સાંભળે હે જી.
રણશીએ ઘોડે માંડ્યાં જીન
આવીને ઊભો રે ખીમરાને આંગણે હે જી.
ખીમરા, શેની ગાડી ખાડ?
શેને રે કારણ કૂવો ગાળિયો હે જી.
શે’રમાં રિયાનું ન કામ,
નુગરાં માણસનો છેડો અડ્યો હે જી.
શે’રમાં નુગરો ન કોય
નુગરાં માણસ ઘાણીએં પીલશું હે જી.
નુગરા તમે છો રે રાય
અવર માણસને દોષ ન દીજીએ હે જી.
ખીમરા, અમને પરમોદ!
કાયા રે પાડું હું તારે આંગણે હે જી.
ઘોડલાં ખડ નવ ખાય
અન્ન રે પાણીની મારે આખડી હે જી.
રણશી! બળનું ન કામ,
ગત રે ગંગાને અમે પૂછીએં હે જી.
મળિયાં વરણ અઢાર
ધણીનો જુમૈયો ત્યાં રચાવિયો હે જી.
બીજ દન થાવર વાર
રાવત રણશીને પરમોદિયો હે જી.
તા. 26-1-’40ના ‘ફૂલછાબ’ના અંકમાં ‘નુગરા માણસનો છેડો અડ્યો હે જી’ એ ભજન મુકાયા પછી એ ભજન અમને મોરબી, માંડળ વગેરે ગામોએથી પણ મળ્યું છે. ભજન મોકલનારાઓ કોઈ કડિયા છે, કોઈ પાનબીડીના વેપારી છે, ગામડાંના સાવ સામાન્ય માણસો છે. કારણ કે સાહિત્યના આ અમર પ્રદેશ સાથે તેમનો જીવનસંબંધ હજુયે ચાલુ જ છે. આવા આવા લોકોમાં યે આ વિભાગને સ્થાન પામતો જતો જોઈને આનંદ થાય છે. આ ભાઈઓ પાસેથી ભજન આવતાં નીચે પ્રમાણે વધારે અને વધુ શુદ્ધ પાઠની કડીઓ મળી છે :
રાજા, તારા ઘોડલા હઠાડ,
અમારે માથે માંજલ બેડલું હે જી.
રાજા, તારાં અંગ અભડાય,
અમે રે ચમાર, ચામડાં વેચીએ હે જી.
સતી, તમે કેના ઘરની નાર,
કિયા ને અમીર ઘરની દીકરી હે જી.
રાજા, તારી રૈયતને પરમાણ [પરિવાર],
ગામની વઉવારું તારી દીકરી હે જી.
હું છું ખીમરા ઘરની નાર,
લુણી રે ચમારની હું દીકરી હે જી.
રણશીએ વાઘે નાખ્યો હાથ,
છેડલો છબ્યો રે સતીને બેડલે હે જી.
બેડું મારું ભમે રે આકાશ,
દાળલદે સતી ઊભાં ઝૂરતાં હે જી.
ખીમરે કોદાળી લીધી હાથ,
આવી ઊભો સતીને આંગણે હે જી.
હાં રે ખીમરાં, ગતને તેડાવ
મશારો આપું હું સવા ગણો હે જી.
વાયક કાશીએ જાય,
કાશીનો ભેરવનાથ આવશે હે જી.
વાયક દલ્લી શેરે જાય,
કુતુબશા બાદશા ને હુરમ આવશે હે જી.
વાયક જૂનાગઢ જાય,
નવ નાથ ચોરાસી સિધ આવશે હે જી.
વાયક મેવાડે જાય,
માલદે ને રૂપાંદે રાણી આવશે હે જી.
વાયક રણુજે જાય,
પીર રામદેવ ને મીણલ આવશે હે જી.
વાયક કોળાંભે જાય,
સાલો ને સુરો બેઉ આવશે હે જી.
પંથ છે ખાંડાની ધાર,
જોઈ વિચારી સાધુ ચાલજો હે જી.
બોલ્યા બોલ્યા ખીમરા કોટવાળ
મારા સંત અમરાપર માલશે હે જી.
ઉપર પ્રમાણે મૂકેલ કડીઓમાં આટલી વાતો નવીન છે : (1) ‘ફૂલછાબ’માં આવી ગયેલ ભજન કરતાં રણશી રાજા અને દાળલદે સતીનો સંવાદ અહીં વધારે સ્પષ્ટ અને સુસંબદ્ધ છે. (2) ‘લૂણી ચમારની દીકરી’ એ દાળલદેની ઓળખાણ વિશેષ છે. (3) ચારેય બાજુના પ્રસિદ્ધ સંતોને વાયક મોકલાય છે. મોરબીથી આવેલ ભજનમાં તો પછી ‘પુરાતન જ્યોત’માં મુકાયેલ જેસલ-તોળલનાં આખરી સમયનાં ભજનો એક પછી એક ચાલ્યાં આવે છે. આપણાં ભજનોમાં આ જાતની પુનરાવૃત્તિ ઠેર ઠેર આવે છે. દાળલદે સમાધિ લે કે જેસલ સમાધ લે, માલદે–રૂપાંદે અમરાપર સીધાવે કે લાખો દેવરૂપ પામે — ત્યારે એ-નાં એ ભજનો ફરીથી ગવાય છે. આ ઉપરાંત આવે દરેક સમયે બધા સુપ્રસિદ્ધ સંતોને વાયક મોકલાય છે. એ સંતો એ સમયના સમકાલીન હોય છે એમ માનવાને કારણ નથી. પણ લોકકલ્પનામાં તો એ સંતોને આવા સમયે હાજરાહજુર રાખીને વાયક મોકલાય છે જ. એ સંતપરંપરાને જ ‘ગતગંગા’ કહેવાતી લાગે છે. (4) આ ભજનમાં નામાચરણ ખીમરાના નામનું મળતાં ભજન સંપૂર્ણ થાય છે. [‘ફૂલછાબ’, 26-1-1940, 9-2-1940]