સ્વાધ્યાયલોક—૭/કવિતાની કામધેનુ: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Heading|કવિતાની કામધેનુ}} {{Poem2Open}} ૧૯૭૭નું વર્ષ ન્હાનાલાલ જન્મશતાબ્...")
 
No edit summary
 
Line 20: Line 20:


{{HeaderNav2
{{HeaderNav2
|previous =  
|previous = લયની સૃષ્ટિમાં
|next = પિતૃતર્પણ
|next = પિતૃતર્પણ
}}
}}

Latest revision as of 21:01, 5 May 2022


કવિતાની કામધેનુ

૧૯૭૭નું વર્ષ ન્હાનાલાલ જન્મશતાબ્દીનું વર્ષ છે. સમગ્ર ગુજરાત વરસભર એના આ લાડીલા કવિની જન્મશતાબ્દીનો ઉત્સવ ઊજવશે. સહૃદયો એમના નિભૃત એકાન્તમાં કવિની કવિતાનો જે અનિર્વચનીય આનંદ અનુભવે એ આનંદ જ કવિને તો યથાર્થ અંજલિ છે. છતાં આજ લગીમાં અનેક સ્થળોએ અનેક સંસ્થાઓના ઉપક્રમે ગીતો, નાટકો, વ્યાખ્યાનો આદિ અનેક પ્રકારે જાહેર ઉત્સવો યોજાયા છે અને હજુ પણ કેટલોક સમય યોજાશે. અખિલ ભારતીય કક્ષાએ પણ સાહિત્ય અકાદમીએ ગયા માર્ચમાં અમદાવાદમાં ન્હાનાલાલ જન્મશતાબ્દી નિમિત્તે અર્વાચીન યુગમાં ભારતીય ભાષાઓમાં ગદ્યકાવ્ય, મુક્ત છંદ અને અન્ય છંદપ્રયોગો અંગે એક પરિસંવાદ યોજ્યો હતો. ભારત સરકારે ન્હાનાલાલની સ્મૃતિમાં ટપાલ-ટિકિટ પ્રગટ કરવાનો નિર્ણય કર્યો છે. જે પ્રજામાં ન્હાનાલાલ જેવા કવિ પાકે એ પ્રજાની તો પેઢીઓની પેઢીઓ ન્યાલ થાય! ન્હાનાલાલની કવિતા પૃથ્વીલોકની કામધેનુ છે. ૧૯૦૩માં એનો જન્મ થયો. આજે પોણી સદીથી પ્રજા એનું અમૃત પીએ છે અને સદીઓ સુધી પીશે. અખૂટ છે એનું અમૃત. ન્હાનાલાલના જન્મને સો વર્ષ થયાં, એમના કવિજન્મને પંચ્યાશી વર્ષ થયાં, એમના પ્રથમ કાવ્યપ્રકાશનને ચુમ્મોતેર વર્ષ થયાં, એમના અવસાનને એકત્રીસ વર્ષ થયાં. પૂરતો સમય પસાર થયો છે. એથી હવે ગુજરાતની પ્રજા માટે ન્હાનાલાલની વાસ્તવિક કવિમૂર્તિની પ્રતિષ્ઠા કરવાનો આ સુયોગ્ય સમય છે. આરંભમાં ભાવનાશીલ ન્હાનાલાલ-ભક્તોએ અનુરક્તિપૂર્વક ન્હાનલદેવની સ્થાપનાનો અતિરેક કર્યો હતો. વચમાં અતિ-આધુનિકોએ વિરક્તિપૂર્વક ન્હાનાલાલની કવિતાની અવહેલનાનો અતિરેક કર્યો હતો. આજે આટલા કાલ-અંતરે જ્ઞાનપૂર્વક ન્હાનાલાલની વાસ્તવિક કવિમૂર્તિની પ્રતિષ્ઠાનું કર્મ કરવાનું આપણને કાવ્યપુરુષનું આહ્વાન છે. આપણે એ સ્વીકારીશું? એનો સ્વીકાર એ જ ન્હાનાલાલને આપણી સર્વોત્તમ અંજલિ હશે. અને ત્યારે સાથે-સાથે આપણે આ પણ સ્વીકારીશું કે માત્ર ન્હાનાલાલની કવિતાને આપણા યુગના માપદંડથી માપીશું નહિ પણ આપણા યુગને ન્હાનાલાલની કવિતાના માપદંડથી પણ માપીશું? ન્હાનાલાલની કવિતા આપણા જીવનની સાથે સુસંગત છે? માત્ર એવો પ્રશ્ન પૂછીશું નહિ પણ આપણું જીવન ન્હાનાલાલની કવિતા સાથે સુસંગત છે? એવો પ્રશ્ન પણ પૂછીશું? ન્હાનાલાલની કવિતામાં મનુષ્ય અને મનુષ્યજીવનનો જે આદર્શ છે તે આપણા યુગમાં મનુષ્ય અને મનુષ્યજીવનનો જે આદર્શ છે એના સંદર્ભમાં સત્ય છે? માત્ર એટલું જ શોધીશું નહિ પણ આપણા યુગમાં મનુષ્ય અને મનુષ્યજીવનનો જે આદર્શ છે તે ન્હાનાલાલની કવિતામાં મનુષ્ય અને મનુષ્યજીવનનો જે આદર્શ છે એના સંદર્ભમાં સત્ય છે? એ પણ શોધીશું? એપ્રિલમાં સુરતમાં જે ઉત્સવ ઊજવાયો એમાં પ્રમુખપદેથી વિષ્ણુપ્રસાદ ત્રિવેદીએ આ સ્વીકાર્યું હતું અને એના સાક્ષી તરીકે એની અહીં સહર્ષ નોંધ લઉં છું. ૧૯૭૬ના ડિસેમ્બરમાં મુંબઈમાં યશવંત દોશી, વાડીલાલ ડગલી અને મેં ‘ગ્રંથ’નો જૂન માસનો અંક ‘ન્હાનાલાલ જન્મશતાબ્દી અંક’ તરીકે પ્રગટ થાય એવો નિર્ણય કર્યો હતો. પછી એક દિવસ એની પૂર્વતૈયારી રૂપે ન્હાનાલાલ અને એમની કવિતા વિશે કોણ શું લખે એ વિચાર્યું તો લગભગ પંચોતેર જેટલા વિષયો સૂઝ્યા. પછી એ વિષયો પર લખવામાં જેમને આનંદ આવે એવા સર્જકો તથા ભાવકો, સહૃદયો, વિદ્વાનો અને વિવેચકોનું સ્મરણ કર્યું. અને એ સૌને નિમંત્રણ કર્યું. એ સૌએ ન્હાનાલાલની કવિતા પ્રત્યેના એમના સ્નેહને કારણે અને ‘ગ્રંથ’ પ્રત્યેના એમના સદ્ભાવને કારણે પોતાને લખવાની ઇચ્છા છે એ જણાવ્યું, એમાંથી કેટલાકે પોતાને લખવાની જેટલી ઇચ્છા છે એટલું સ્વાસ્થ્ય નથી એથી નહિ લખી શકાય એમ પણ જણાવ્યું. કેટલાકે લખવાનો આરંભ કર્યો પણ કોઈ ને કોઈ અનિવાર્ય સંજોગને કારણે એમનું લખાણ પૂરું ન થયું. લખી શક્યા ન લખી શક્યા તે સૌ મુરબ્બીઓ અને મિત્રો પ્રત્યે કૃતજ્ઞતા અનુભવું છું અને એ સૌનો અહીં હૃદયથી આભાર માનું છું. જે વિષયો પર આમ લેખો પ્રાપ્ત નથી થયા તે વિષયો છે : ન્હાનાલાલની રસસિદ્ધિ, ‘નન્દનવનના પ્રાસાદોની ટોચથી’, ન્હાનાલાલ અને ધર્મભાવના — આર્યસંસ્કૃતિ — ઇતિહાસ — લોકસાહિત્ય — સમાજકારણ — શિક્ષણ — યુવકપ્રવૃત્તિ આદિ, ન્હાનાલાલમાં નારીજીવનનો આદર્શ, ન્હાનાલાલમાં ગુજરાતીતા, ન્હાનાલાલ અને પૂર્વકાલીનો—સમકાલીનો—અનુકાલીનો, ન્હાનાલાલના અનુવાદો, ન્હાનાલાલનાં કથનોર્મિકાવ્યો, ન્હાનાલાલનું છંદોવિધાન, ન્હાનાલાલની આલંકારિતા, ડોલન, ‘તેજેઘડ્યા શબ્દો’, ન્હાનાલાલનાં કાવ્યોમાં કલા-આકૃતિ, ન્હાનાલાલ અને નાટ્યતત્ત્વ, ન્હાનાલાલ—આધુનિકતાના સંદર્ભમાં, ન્હાનાલાલ — ચરિત્રકાર, ન્હાનાલાલ — વત્સલ વડીલ, ન્હાનાલાલ — દલપત—નર્મદના વારસ, ન્હાનાલાલ — રોમૅન્ટિક કવિ, ન્હાનાલાલનો કવિઆદર્શ, ‘બાદશાહનામું’, ‘પ્રેમભક્તિભજનાવલિ’, ‘ઉષા’, ‘વસંતોત્સવ’, ‘દ્વારિકાપ્રલય’, ‘હરિસંહિતા’, ‘ભગવદ્ગીતા’, ‘ઉપનિષદપંચક’, ‘પિતૃતર્પણ’, ‘શરદપૂનમ’, ‘ગિરનારને ચરણે’, ‘ધૂમકેતુનું ગીત.’ જે લેખો પ્રાપ્ત થયા એમાંથી મોટા ભાગના લેખો આ અંકમાં પ્રગટ થાય છે. પણ પાનાંની નિશ્ચિત સંખ્યાની મર્યાદાને કારણે એમાંથી કેટલાક લેખો આ અંકમાં પ્રગટ થયા નથી. એનું દુઃખ છે. આ લેખો ડિસેમ્બર સુધીમાં હવે પછીના અંકોમાં પ્રગટ થશે. જેમના લેખો આ અંકમાં પ્રગટ થયા નથી એ સૌ મુરબ્બીઓ અને મિત્રોની અહીં ક્ષમાયાચના કરું છું. આ અંકમાં અંતે ન્હાનાલાલ કવિ અને એમની કવિતા વિશેના લેખો અને ગ્રંથોની શક્ય એટલી સંપૂર્ણ સંદર્ભસૂચિ પ્રગટ થાય છે. અને મુખપૃષ્ઠ પર સ્વયં ન્હાનાલાલને પણ જે અતિપ્રિય હતી એ પ્રસિદ્ધ છબી પ્રગટ થાય છે એની સહર્ષ નોંધ લઉં છું અને એના સર્જકોનો અહીં હૃદયથી આભાર માનું છું. જે સંસ્થાઓએ અને ‘ગ્રંથ’પ્રેમી સજ્જનોએ આ અંકમાં જાહેરખબર આપી છે અને એમ પરિચય ટ્રસ્ટને આ અંકનો ભાર સહન કરવામાં સહાય આપી છે એ સૌનો અહીં હૃદયથી આભાર માનું છું. પરિચય ટ્રસ્ટ આ અંક રૂપે ન્હાનાલાલ જન્મશતાબ્દીના પ્રજાકીય ઉત્સવમાં ઉપસ્થિત થાય છે અને એ દ્વારા ન્હાનાલાલ અને એમની કવિતાને અભિનંદન અને અભિવંદન અર્પણ કરે છે. આશા છે કે આ અંક ન્હાનાલાલની કવિતાના આસ્વાદ — અને અભ્યાસમાં પણ — યત્કિંચિત્ નમ્ર અર્પણરૂપ હશે!

૧૯૭૭


*