સરસ્વતીચંદ્ર-સંક્ષિપ્ત લઘુ આવૃત્તિ/૧૨: Difference between revisions
(Created page with "{{SetTitle}} {{Heading| પ્રકરણ ૧૨ : ગુણસુંદરી | }} {{Poem2Open}} જે દિવસે બહારવટિયાઓએ મનોહ...") |
No edit summary |
||
Line 81: | Line 81: | ||
હાલમાં વિદ્યાચતુર અને ગુણસુંદરી બે જ રત્નનગરીમાં રહેતાં. કુમુદસુંદરી સાસરે જતી રહી. સર્વ ગયા છતાં વૃદ્ધ માનચતુર ઘણાક ઘા ખમી જીવતો હતો અને મનોહરપુરીમાં રહેતો હતો. તેની ચાકરી કરવા સુંદર પણ મનોહરપુરી જ રહેતી હતી અને વેશકેશનો ત્યાગ કરી પૂર્ણ વિધવાવ્રત પાળતી હતી. | હાલમાં વિદ્યાચતુર અને ગુણસુંદરી બે જ રત્નનગરીમાં રહેતાં. કુમુદસુંદરી સાસરે જતી રહી. સર્વ ગયા છતાં વૃદ્ધ માનચતુર ઘણાક ઘા ખમી જીવતો હતો અને મનોહરપુરીમાં રહેતો હતો. તેની ચાકરી કરવા સુંદર પણ મનોહરપુરી જ રહેતી હતી અને વેશકેશનો ત્યાગ કરી પૂર્ણ વિધવાવ્રત પાળતી હતી. | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
<br> | |||
{{HeaderNav2 | |||
|previous = ૧૧ | |||
|next = ૧૩ | |||
}} |
Latest revision as of 16:39, 31 May 2022
જે દિવસે બહારવટિયાઓએ મનોહરપુરીની પાડોશમાંના ત્રિભેટામાં આટલી ધામધૂમ મચાવી મૂકી તે દિવસે એ ગામડામાં પણ કેટલીક ધામધૂમ મચી રહી. જે સાયંકાળે લૂંટાયેલા સરસ્વતીચંદ્ર મણિમુદ્રા અર્થદાસને પહેરાવી ને અર્થદાસ નાસી ગયો, તે જ સાયંકાળે બહારવટિયાઓએ ચંદ્રકાંતને લૂંટ્યો હતો. રત્નનગરીથી સુવર્ણપુર આવવા ચંદ્રકાંત નીકળ્યો ત્યારે અચિંત્યો વિદ્યાચતુર ભણીથી સંદેશો મળ્યો કે સુવર્ણપુરના કેટલાક બહારવટિયા સર્વ રસ્તા રોકી તોફાન કરે છે; માટે હું તમારી જોડે બીજા સવાર મોકલું ત્યાં સુધી આગળ ન જશો. ગુણસુંદરીને સહકુટુંબ ભદ્રેશ્વર જવું હતું અને તે રસ્તે બીક ન હતી. કુમુદસુંદરીની વાટ જોવાના વિચારથી મનોહરપુરીમાં પોતાના બાકીના કુટુંબ સાથે રોકાવાની ધારણાથી આજ જ બપોરે તે આવી પહોંચી હતી. રત્નનગરીના સવાર આવી પહોંચતાં ચંદ્રકાંતને બીજા સમાચાર મળ્યા કે બહારવટિયા લોક ભમે છે. છતાં તે સરસ્વતીચંદ્રને મળવા માટે નીકળ્યો, લૂંટાયો ને સવારોની મદદથી સદ્ભાગ્યે બચી ગયો. સવારોની શિખામણથી એને પણ મનોહરપુરી જવું પડ્યું. આમ સાયંકાળે પાછો એ ગુણસુંદરીનો અતિથિ થયો. વિદ્યાચતુર અને તેમનું કુટુંબ આ ગામની વસ્તી પર બહુ મમતા રાખતું અને વસ્તી પણ તેમના પર એવી જ મમતા રાખતી હતી. ગામની ગરીબ વસ્તી પોતાના પ્રિય પ્રધાનની ગુણિયલ પત્નીનું સ્વાગત કરવા ઉપરનીચે થઈ રહી હતી. અને ગુણસુંદરી આવ્યાની ખબર પડતાં જ તેના ઉતારા ભણી ચોમાસાની નદીના પૂરપેઠે વળવા લાગી. મનોહરપુરીમાં પૂર્વે વીતાવેલા મુગ્ધ પ્રસન્ન દાંપત્યજીવનનું અહીં આવતાં જ ગુણસુંદરીને સ્મરણ થયું અને પવનથી મોરનો કલાપ ફરફર થઈ ચમકે તેમ આ સ્મરણથી તેનું હૃદય થવા લાગ્યું. ગુણસુંદરીનું વય આજે પાંત્રીસેક વર્ષનું હતું. પરંતુ તેને સંતતિમાં માત્ર બે જ પુત્રીઓ હોવાથી તેનું સુંદર શરીર નબળું પડ્યું ન હતું અને માત્ર છવ્વીસ સત્તાવીસ વર્ષની તે દેખાતી હતી. એ શરીરે મધ્યમ કાઠાની હતી, એનો વર્ણ છેક સોનેરી નહીં તેમ જ છેક રૂપેરી પણ કહેવાય નહીં એવો હતો. મોં ભરેલું હતું. વાળ કાળા, સુંવાળા, ચળકતા, ઝીણા અને છુટ્ટે અંબોડે ઢીંચણ સુધી આવે એટલા લાંબા હતા. કપાળ મોટું હતું, આંખો ચળકતી ને ચકોર હતી. તેનો સ્વર છેક કુમુદસુંદરી જેવો ન હતો, તોપણ તેમાં કોમળતા હતી અને ગાન સમયે કુમુદના જેવો જ સ્વર કાઢી શકતી. ઊંચાઈમાં પણ તે એના જેટલી જ હતી. તેનું મોં હંમેશ હસતું રહેતું અને ઘણાક માણસ પ્રાત:કાળે એનું મોં પ્રથમ જોઈ દિવસ આનંદમાં જશે એવી શ્રદ્ધા રાખતા. ‘કામ સાથે કામ’ એવું જ તે સમજતી. કુમુદસુંદરીમાં જે સહનશીલતા અને સુશીલતા હતી તે પણ ગુણસુંદરીની જ હતી. પિયર તથા સાસરાની ડોશીઓના પ્રસંગથી તેનું હૃદય કુટુંબવત્સલ અને ક્ષમાશીલ થયું હતું. તોપણ કોઈ તેની આર્દ્રતાનો દુરુપયોગ કરી શકતું નહીં, કારણ એને ખેદ થતો તે સામું માણસ ખમી શકતું નહીં. પોતાના મામા જરાશંકરને સંતતિ ન હોવાથી વિદ્યાચતુર મોસાળમાં ઊછર્યો હતો. એ જન્મ્યો ત્યારે તેના બાપ માનચતુરનું વય પાંત્રીસેક વર્ષનું હતું અને તેને અંગ્રેજી રાજ્યમાં નાના ગામમાં મામલતદારના કારકુનની નોકરી હતી. તે સાધારણ ભણેલો હતો, પરંતુ બુદ્ધિશાળી ગણાતો. વૃદ્ધાવસ્થા પર્યંત ન છૂટેલી લંપટતાથી વ્યાધિગ્રસ્ત થઈ નોકરી છોડી તેને ઘેર આવવું પડ્યું. વિદ્યાચતુર સિવાય માનચતુરને બીજો પણ કુટુંબવિસ્તાર પુષ્કળ હતો. વિદ્યાચતુરની પહેલાં માનચતુરને બીજા બે પુત્ર અને બે પુત્રીઓ થયાં હતાં. સૌથી મોટો પુત્ર સુંદરગૌરી નામની રૂપવતી બાળવિધવા મૂકી ગુજરી ગયો હતો. સુંદરગૌરી પોતાને પિયર રહેતી હતી, પરંતુ તેનાં માબાપ ગુજરી ગયાં ને ભાઈ-ભાભીના ઘરમાં એ વધારે પડી. એક દિવસ તેને મારી કાઢી મૂકી, ગુણસુંદરીને આ વાતની ખબર થતાં ત્યાં ગઈ અને નિરાધાર જેઠાણીને પોતાને ત્યાં લઈ આવી. બીજા જેઠનું નામ ગાનચતુર હતું. તે વિદ્યાચતુરથી દસબાર વર્ષ મોટો હતો. એને ભણાવવાનો પ્રયત્ન નિષ્ફળ ગયો હતો, કારણ નાનપણમાંથી મોજશોખમાં પડેલા બાપે લડાવ્યો અને બાપના જેવી સોબત વળગી. પરિણામે નોકરીમાંથી બરતરફ થઈ ચંડિકા નામની પોતાની સ્ત્રી તથા ચાર છોકરાંના વિસ્તાર સાથે તે રત્નનગરી આવ્યો અને ગુણસુંદરીભાભીનો અતિથિ થયો. વિદ્યાચતુરની મોટીબહેન દુઃખબાના પતિ સાહસરાયને વ્યાપાર કરતાં દેવું થયું ને ગામ-પરગામ નાસવા લાગ્યો. દુઃખબાને એના ભાઈને ત્યાં મોકલી દીધી. દુઃખબાને સંતતિમાં માત્ર એક કુમારી નામની વયે પહોંચવા આવેલી કુમારી કન્યા હતી. તેને ક્યાં પરણાવવી એ દુ:ખ પણ એને થોડું ન લાગતું. વિદ્યાચતુરની બીજી બહેન ચંચળબા આ અરસામાં વિધવા થઈ. તે કામકાજમાં ચંચળ હતી પણ અભિમાની હતી અને જૂઠું સાચું કરવાની ટેવ હતી. આથી તે સાસરિયામાં સમાય એમ ન હતું. આખરે દેરાણીનાં મેણાં ન ખમાતાં ભાભીને બોલાવી ભાઈને ત્યાં રહેવા આવી. એને પંદરેક વર્ષનો યશપ્રસાદ નામે દીકરો હતો ને તેની વહુ સાલસબા હતી. જે વર્ષમાં વિદ્યાચતુર રત્નનગરીના યુવરાજ મણિરાજનો શિક્ષક થયો; તે જ વર્ષમાં થોડા થોડા દિવસના અંતરે માનચતુર, સુંદરગૌરી, ગાનચતુર, ચંડિકા, દુઃખબા અને ચંચળબા સહપરિવાર વિદ્યાચતુરને ઘેર ઊભરાયાં. એ સૌ ભાર એકદમ અને અચિંત્યો ગુણસુંદરીને માથે પડ્યો. સૌનાં જુદી જુદી જાતનાં દુ:ખનું સમાધાન કરવું. સૌના જુદાજુદા સ્વભાવની સાથે પાલવતું કરવું, અને સૌની કટેવો વેઠવી – આ સૌ કારભાર ને ચિંતાને કારણે યુવાવસ્થામાં જ ગુણસુંદરીને ભોગવૈભવનો ત્યાગ કરવો પડ્યો અને વૃદ્ધાવસ્થાનું ધૈર્ય ને શાણપણ શોધવું પડ્યું. એનું ઘર નાનું હતું, પતિની આવક પણ ખર્ચના પ્રમાણમાં જૂજ હતી. તે છતાં એની પદવીના પ્રમાણમાં આશા મોટી રાખવામાં આવતી. એટલે કશું પણ રહી જતું તો અસંતોષ થતો તેનો દોષ વિદ્યાચતુર ને ગુણસુંદરીને માથે મુકાતો. વિદ્યાચતુર એને ગુણિયલ કહી રોજ બોલાવતો. કુટુંબ સંસાર ચલાવવો એ રાજ્ય ચલાવવા જેવું છે. તે ચલાવનારી ગૃહિણીનું કામ રાજ્ય ચલાવનાર પ્રધાનના જેવું ગહન છે. દીર્ઘદૃષ્ટિ, સ્વાર્થત્યાગ, સહનશીલતા, શાંતિ, સ્નેહ, વ્યવહારકુશળતા, ઉદારતા – આદિ મહાગુણોનો ઉપયોગ ચતુર ગૃહિણીને પ્રધાનના જેટલો જ છે. ગૃહિણીનું કામ ભાડુતી ચાકરોથી થવાનું જ નથી અને ગૃહકાર્યને હલકું ગણી સ્ત્રીને બાહ્યપ્રવૃત્તિમાં ધકેલવી એ પાશ્ચાત્યબુદ્ધિ વિદ્યાચતુરને રુચતી ન હતી. ગુણસુંદરી તો કહેતી ‘તમે દાંત-અમે જીભ; તમે તમારું કામ કરો, અમે અમારું કરીશું. જીભ કોમળ કામ કરશે ને દાંત કઠોર ચાવણું ચાવશે.’ ગુણની કિંમત ગુણ ન હોય ત્યારે થાય છે. સુખની કિંમત દુઃખમાં થાય છે. તેમ ગુણસુંદરીને સુવાવડ આવી ત્યારે સૌને તેની ખોટ જણાઈ. ઈશ્વરદત્ત બુદ્ધિ અને પતિદત્ત વિદ્યા, સ્વાભાવિક અને ઉદાર સદ્ગુણો, સતત ઉદ્યોગ, યૌવનયોગ્ય ઉત્સાહ, વૃદ્ધજનના જેવી નિર્મળ વત્સલતા : આ ગુણથી ભરેલી ગુણસુંદરીનાં વખાણ વિદ્યાચતુર મોંએ ન કરતો, પણ સંતોષ પામી, ઈશ્વરનો ઉપકાર માની રાજસેવાના પ્રસંગોમાં એ જ ગુણોનું ઉપયોગીપણું પરખતો હતો. ગુણસુંદરીના સીમન્તવિધિનો પ્રસંગ આવ્યો તે સમયે ઘરની મોટી વસ્તી ઘણા કામમાં આવી, ગાનચતુરે તથા વિદ્યાચતુરના મામા જરાશંકરે કામનો ઘણો ભાગ ઉપાડી લીધો. પરંતુ સૌનાં મન જાળવવાં ને કારભારમાં અંધેર અટકાવવું તે ગુણસુંદરીને જ કરવું રહ્યું. કેમ કે ‘આ ઘર ને આ કામ મારું પોતાનું જ છે ને મારે જ પાર ઉતારવાનું છે.’ એ ફિકર કોઈને ન હતી. આ મહાસમારંભમાં વખતોવખત બિગાડ થતો તે કોઈ પ્રસંગે અટકાવાય ને કોઈ પ્રસંગે મોટું પેટ રાખીને થવા દેવો પડતો માંહ્યોમાંહ્ય ફ્લેશ ને તકરારના પ્રસંગ આવતા તે ગુણસુંદરી સમયસૂચકતાથી જાળવી લેતી. સાસુ ધર્મલક્ષ્મી જ્ઞાતિવ્યવહારમાં પ્રવીણ હતાં, પણ અવસ્થાથી તેમનું શરીર જર્જરિત થયું હતું, એટલે ઘર બહાર નીકળતાં ન હતાં, એમને મોટું પદ આપી, અભિમાન વિનાની ગુણસુંદરી બધી બાબતમાં તેમને પૂછીને કામ કરતી હતી તોપણ શામાં શામાં પોતાને પૂછ્યા વગર વહ આગવું ડહાપણ ચલાવે છે વગેરે તપાસ ડોશી ચંચળ મારફત કરતાં. ચંચળ છાશમાં પાણી ઉમેરતી; અને ડોશી સમજુ હોવાથી વહુની કિંમત સમજતી, પણ કોઈ કોઈ વખત મનમાં એની ભૂલ કાઢતી. કોઈ વખત ગુણસુંદરીને ધીમે રહીને શિખામણ દેતી અને કોઈ વખત ટાઢા ડામ દીધા જેવું પણ કરતી. ‘હશે, મોટાં છે' કરી ઉદાર વહુ સહુ ભૂલી જતી. પોતાના સીમન્તની ચિંતા સ્વાભાવિક રીતે વડીલોને માથે હોવી જોઈએ છતાં સીમન્તિનીને જ માથે આવી અને જે સમયે તેના તન-મનને આરામ અને આનંદ જોઈએ તે સમયે તેને પ્રભાતથી મધ્યરાત્રિ સુધી કળ વાળી બેસવાનો વારો આવતો ન હતો; ને છતાં ‘જસમાં જુતિયાં’ જ મળતાં. હસરાયની આપત્તિ જાણે ગુણસુંદરીએ જ આણી મૂકી હોય ને તે પરદેશ હતો તે સમયે સીમન્તનું મંગળકાર્ય કરવા વારો આવ્યો તે દોષ ગુણસુંદરીનો હોય, તેમ તેની સમક્ષ દુ:ખબા નિઃશ્વાસ મૂકતી અને તેની પાછળ રોતી. ગુણસુંદરીના સીમન્તમાં આમ કંઈ કંઈ નાટક થયાં. દરબારમાં અત્યારે સાહેબ આવેલા હોવાથી વિદ્યાચતુરને ઘેર રહેવા નવરાશ ન હતી; તેથી આવા પ્રસંગે એ ચિંતા રાખી શકત તે ચિંતા પણ ગુણસુંદરીને રાખવી પડી. છતાં સીમન્ત-પ્રસંગનો જશ પુરુષવર્ગમાં ગાનચતુરને અને સ્ત્રીવર્ગમાં ધર્મલક્ષ્મીને મળ્યો તોયે ગુણસુંદરી પોતાને જ યશ મળ્યો સમજીને રાચી. બે માસ વધારે થયા. સુવાવડના દિવસ સુધી ગુણસુંદરી ઘરકામમાંથી છૂટી નહીં. ઘર એનું કહેવાય એટલે એ કામ કરે તેમાં શી નવાઈ – એમ જ સૌ માનતું. શરીરની સ્થિતિને લીધે સૌનાં મન સાચવવાનું ઓછું થયું તેમ તેમ સૌએ કામ ઓછું કરવા માંડ્યું. અવ્યવસ્થા વધી ને કામમાંથી બચતો વખત કુટુંબક્લેશનાં બીજ રોપવામાં રોકતો થયો. ગરીબ સ્વભાવની દુ:ખબા પણ બદલાઈ. હવે તે પણ કહેવા લાગી – ‘હું તો ઘરની ભઠિયારી છું – લચકો ધાન ખાઉં છું ને ભઠિયારું કરું છું.’ ધર્મલક્ષ્મીએ પણ એ વેણમાં હાજિયો ભણ્યો. આ વાતની ગુણસુંદરીને ખબર પડતાં ખોટું લગાડ્યું નહીં પણ પોતે રસોઈમાં દાખલ થઈ. સૌ તેને નવમો માસ હોવાને લીધે ખોટો વિવેક કરતાં, પણ રસોઈ તેને જ કરવા દેતાં. છેક છેલ્લે દિવસે સત્તરઅઢાર માણસની તેણે રસોઈ કરી. પાછળ હેરોફેરો કરવાય કોઈ કામ લાગતું નહીં, તેથી મેર ભરી પાણિયારેથી રસોડામાં આણી મૂક્યો ને પેટમાં દુ:ખ થયાથી સૌ પડતું મૂકી ગજારમાં ખાટલે પડી અને ઓછું આવતાં રોઈ પડી. એની પાછળ એની દયા જાણનારી સુંદરગૌરી દોડી. ચંડિકા-ચંચળ સૌ પોતપોતાનામાં હતાં. ધર્મલક્ષ્મી પૂજામાં હતાં. દુ:ખબા ખડકીમાં માથે હાથ દઈ બેઠી હતી. ગુણસુંદરીની દયા જાણનાર બીજું માણસ વૃદ્ધ માનચતુર હતો. માંદો માંદો તે સૌ તાલ જોયા કરતો, દીકરીઓને ધમકાવતો ને ડોશીને ખીજતો. પોતાના ખાટલામાં સૂતે સૂતે ગુણસુંદરીને જતાં જોઈ તે કારણ ચેતી ગયો. અને મંદવાડ ન ગણી, લાકડી ઝાલી, ઓરડા બહાર આવી ગાજી ઊઠ્યો : ‘દુઃખબા, ચંચળ, રાંડો કરો છો શું? મોઈ તમારી મા ને એની પૂજા! વેલી બિચારીની ખબર કોણ રાખે છે જે, ઊઠો!' વડીલને હોંકારો ઘરમાંની સર્વ ભરતી ગજાર ભણી વળી? પૂજા એમની એમ રહેવા દઈ વૃદ્ધ ડોશી દોડ્યાં. ચંચળ ઉપર ચંડિકા સાથે ગપાટા મારતી હતી તે દોડતીદોડતી ઊતરી. દુ:ખબા ખડકીમાંથી ધીમેધીમે આવવા લાગી. તેને વડીલે ધમકાવી : ‘ઓહો’ આ તે કાંઈ તને જ દુ:ખ હશે! પગ ભાંગી ગયા છે જે? દોડ, નીકર પછવાડેથી ધકકો મારીશ કેની એટલે વેગ આવશે!' ચંડિકા સૌની પાછળ ડોસા ઉપર મોં મરડતી મરડતી ઊતરી અને કીડીને વેગે ચાલી. પરસાળનાં બારણામાં ડોસાએ તેનો ચાળો જોયો ને બબડ્યો : ‘કોણ જાણે કયાંથીયે કુભારજા મળી છે! ભાઈને કમાવું નહીં ને બાઈનું શરીર જરી જરીમાં ઘસાય છે!' ગજારમાં સૌ એકઠાં થઈ ગયાં. ખાટલામાં ગુણસુંદરી બેભાન જેવી પડી હતી અને સુંદરગૌરી ઈસ પર તેનું શરીર ઝાલી બેઠી હતી. ચંચળે મોટાભાઈને બૂમ પાડી સુયાણીને તેડવા મોકલ્યો. ભાંગ ને ગાંજાના ઘેનમાંથી જાગી તે ચાલ્યો જોઈ માનચતુરે નિઃશ્વાસ મૂક્યો. વૃદ્ધ અને અશક્ત, ધર્મિષ્ઠ, વહેમી, પણ પ્રસંગે સૌ આઘું મૂકનારાં, બોલે પણ માંહ્યથી વહાલવાળાં ડોશી વહુના ખાટલાની પાંગત પર બેઠાં અને કામગીરી ચંચળ પાસે હેરાફેરા કરાવી વહુની સરભરા પોતાના અનુભવ પ્રમાણે કરવા લાગ્યાં. ગુણસુંદરીનું દરદ વધતું ગયું; બેભાન થતાં થતાં અંબોડે કૂંચી હતી તે પર હાથ મૂકી આંખમાં આંસુ આણી સુંદર ભણી નજર કરી. 'લ્યો, આપજો.’ એટલું બોલી પોપચાં ઢાળી દઈ આંખ મીંચી દીધી. સુંદરગૌરી રોવા લાગી. એના પર ગુણસુંદરીનો આવે વખતે પણ આટલો વિશ્વાસ જોઈ ચંડિકાનાં ચશ્માં ફરી ગયાં. પણ એના સિવાય સૌનાં કાળજાં ધડકવા લાગ્યાં. નકામી જેવી દુઃખબા પણ કામની થઈ બધાંની વચ્ચેથી ઊઠી વડીલ પાસે આંખ લોહતી લોહતી ઓરડીના ઊમરા પાસે ઊભી રહી બોલી : ‘ભાઈને કોણ બોલાવશે? મને મને ભાભીની આશા નથી.’ અનુભવી ચંચળ અગ્નિ કરી ગરમ ઔષધો આણી સુંદરની મદદથી શેક કરવા લાગી. માનચતુર ચાલી શકતો ન હતો છતાં લાકડી લઈ ઊઠ્યો. બહાર નીકળે છે, એટલામાં સુયાણી મળી ને આઘે વિદ્યાચતુરને લઈ ગાનચતુરને આવતો દીઠો. ગાનચતુરને મેળે આટલું સૂઝ્યું જોઈ પિતાને સંતોષ વળ્યો. વિદ્યાચતુર સુંદરે આપેલી કૂંચી લઈ, બાઈને દાક્તરને તેડવા મોકલી મેડી પર ગયો. આંખ ભીની થઈ, શું કરવું તે સૂઝ્યું નહીં. અંતે ગુણસુંદરીની પેટી ઉઘાડી તો પોતાને લખેલો એક પત્ર! માંહ્ય લખ્યું હતું : ‘ઘરકામને લીધે બે માસ થયાં તમારી સાથે વાત કરવાને પા કલાક સરખો મળ્યો નથી. ઘણી વાતો મનમાંની મનમાં જ રહી ગઈ છે તેથી ટૂંકામાં કાગળમાં સૂઝ્યું તે લખું છું. તમારા ગુણ ઈશ્વર અમર રાખો. હું નહીં હોઉં તોયે બાળકની તમે સંભાળ રાખશો એવી ખાતરીથી નિશ્ચિંત છું. મને એક બિચારી સુંદરની ચિંતા છે. એનું પલ્લું એનો ભાઈ ખાઈ ગયો છે તો એની સંભાળ રાખજો. મારું ઘરેણું એને આપજો ને મારી નામનિશાની જો બાળક જીવે તો સુંદરને જ ઉછેરવા સોંપજો... જન્મથી કુમારા હોય તેની ચિંતા નહીં, પણ સ્નેહમાં રહેલું માછલું બીજે ઠેકાણે ન જીવે. એટલે મારાં જતાં, મારાથી સારી એવી કન્યા મેં જોઈ મૂકી છે તેને નહીં સ્વીકારો?... ઓ ઈશ્વર, આવતે અવતારે પણ મને મારા વહાલા ચતુર જ આપજે.' મરણ પાસે જોનારી પ્રિય સ્ત્રીના પત્રથી હૃદય પર બહુ અસર થઈ. ‘મારા જેવો કઠણ પુરુષ નહીં હોય. બબ્બે માસ થયા છતાં ઘરમાં ને ઘરમાં એની સાથે મને બોલવા વારો ન આવ્યો!' વગેરે વિચારે છે એટલામાં દાક્તર અશરણશરણબાબુની ગાડીનો ઘોષ સંભળાયો. લાજ છોડી વિદ્યાચતુર દાક્તર સાથે ઊભો ને બોલ્યો : ‘સુંદરભાભી, શી ખબર છે તે જરા દાક્તરસાહેબને કહો.’ પણ ગુણસુંદરીની લાચાર સ્થિતિ ન જોવાયાથી ‘આવું છું' કહી મેડી પર ચઢ્યો. સૌ બેઠાં છે એટલામાં દુ:ખબા ધીમે ધીમે આવી અને ગુણસુંદરીને પુત્રીનો પ્રસવ થયાના સમાચાર કહ્યા. બહુ વધામણીની વાત ન ગણાઈ છતાં ‘ચાલો લક્ષ્મીજી પધાર્યાં' કહી સૌએ સંતોષ વાળ્યો. માનું આરોગ્ય જાણી સર્વ આનંદ પામ્યાં. ગુણસુંદરી સુવાવડમાં ખાટલાવશ રહી તે વેળા સૌએ કામ ઉપાડી લીધું ને બેચાર દિવસ તો ઠીક ચાલ્યું; પણ ધીમે ધીમે ગૃહયંત્રનાં સર્વ ચક્ર શિથિલ પડ્યાં ને એની સંભાળ રાખનારની ખોટ ને કિંમત જણાવા લાગી. માંદા માનચતુરની સરભરા ઓછી થઈ, એટલું જ નહીં પણ એ સરભરામાં ગુણસુંદરીની ચતુરાઈ, ધીરજ, મોંની મીઠાશ ને અંતરનું વહાલ દેખાડનાર કોઈ રહ્યું નહીં અને ડોસો અકળાવા લાગ્યો. સુવાવડીની સંભાળ પણ એવી જ રહેતી. ધર્મલક્ષ્મીથી હેરોફેરો થતો નહીં. જરી જરી ગુણસુંદરી સારુ કરતી, પરંતુ દેવસેવામાં હરકત પડવાથી એ કોઈ વખત નયે થતો. અને સૌનું કામ તે કોઈનું નહીં એમ થતાં સુવાવડીનું ખાવાપીવાનું પણ મોડુંવહેલું થતું એટલું જ નહીં, તેના બાળકની પણ સંભાળ લેવાતી નહીં. એક પ્રસંગ એવો બન્યો કે માનચતુરનું ઔષધ બપોર થતાં સુધી કોઈએ તૈયાર કર્યું નહીં. જમવાની વખત તો થાય શાની, અને ડોસો આકળો થઈને, લાકડી લઈ છાનોમાનો ઘરમાં સૌ શું કરે છે તે જોવા લાગ્યો. પ્રથમ તો વિદ્યાચતુરની મેડીએ ચઢ્યો. વિદ્યાચતુર બહારથી આવેલો પણ ભૂખ લાગવાથી પલંગમાં પડી ઊંઘી ગયો હતો. તેના પલંગ પર માંકણની હાર હતી, ચાદર મેલી થઈ ગઈ હતી, અને મેડીમાં વાસીદાનો કચરો એકઠો થયેલો. સૌને ગાળ દેતો દેતો ડોસો નીચે ઊતર્યો અને રસોડે ગયો તો દુઃખબા રસોઈ કરવા નાહી હતી અને સૌ તૈયાર જેવું હતું, પણ શાક સમાર્યા વિના પડી રહેલું તે સામું જોઈ દુઃખબા પણ બેસી રહેલી, ડોસો વધારે ક્રોધમાં આવી ત્યાંથી પરસાળ ભણી ગયો, તો ત્યાંની મેડીમાંથી ગાનચતુરનું ગાયન સંભળાયું અને નીચે ચંડિકા હીંચકા પર સૂતી હતી તેની સાથે હાથમાં સાવરણી લઈ ચંચળ વાતો કરતી હતી. બેમાંથી કોઈએ વાતના રસમાં ડોસાને દીઠો નહીં. ગજાર ભણી જાય છે તો સુંદર બિચારી એકલી સુવાવડીનું ઔષધ તૈયાર કરે ને ઘડીમાં ઘોડિયામાંના બાળકની સંભાળ રાખે. ગુણસુંદરી સૂતી સૂતી ભૂખે પેટ દાબતી સુંદરને સૂચના આપે. ક્રોધ હતો તેમાં દયા ઉમેરી ડોસો પરસાળ બહાર નીકળ્યો તો અગાશીમાં છોકરાં ધક્કામુક્કી કરે; ઘરનું બારણું ઉઘાડું, તેમાં આવી શેરીનું કૂતરું જીભ કાઢી હાંફતુંહાંફતું ઊભેલું, અને બારણા સામે કૂવો હતો ત્યાં પાણી ભરવા ગયેલો ચાકર ગપાટા મારે. ડોસો કૂતરાને હાંકી બારણું વાસી ધર્મલક્ષ્મીની ઓરડી ભણી ગયો. ડોશી દેવસેવામાં હતાં. દહાડો ઘણો ચડ્યો હતો તેથી દેવના દીવામાંથી ઘી ને વાટ બે થઈ રહ્યાં હતાં. દીવો ઘેર ગયો હતો અને દેરાસરના પાટિયા પર ડોસી રૂ, ઘી ને દીવાસળી શોધતાં હતાં. ડોસો બારણામાં ઊભો હતો તેના ભણી એની પૂઠ હતી. સૌની રીસ ડોસાએ ડોશી ઉપર કાઢી. ધર્મલક્ષ્મી વગર રથનું ચક્ર ચાલે એમ નથી અને એ તો ખટકર્મમાં જ પડેલી, તેથી કાંઈ જલદ ઉપાય કરવો જોઈએ એવું ધારી, બોલ્યાચાલ્યા વિના, વગર નાહેલા ડોસાએ દેરાસરના પાલખાને અડકી બધા દેવ ઉપાડી લીધા ને ધીરેથી નીકળી જઈ ઘરના ટાંકામાં દેવને પધરાવવાનો વિચાર કર્યો. ઘડીક શાંત થતાં પાણી પીવાની ગોળીમાં બધા દેવને નાખી દઈ ડોસો છાનેમાને પોતાને ઠેકાણે સૂઈ ગયો અને શું તાલ થાય છે – જામગરી સળગાવી બંદૂકનું નિશાન બરોબર વાગે છે કે નહીં – તે જોતો હોય તેમ, આતુરતાથી વાટ જોવા લાગ્યો, જોતો જોતો નીચલો ઓઠ દાંત તળે ચૂસવા લાગ્યો અને આંખો ચગાવી મૂછે તાલ દેવા લાગ્યો. ડોશીને દીવાસળી જડી અને તેણે દીવો પ્રકટાવ્યો; પાલખા પાસે દીવો મૂકે છે તો દેવ ન મળે! ડોશી ચમકી; પાલખાની તળે ને ચારે પાસ શોધવા લાગ્યાં. ‘કોઈ દેવને ચોરી તો નહીં ગયું હોય?' એવી ફાળ પડી, અને બારણું ઉઘાડે તો ડોસાએ કાઢી મૂકેલો કૂતરો ઊભેલો ને કૂવે ચાકર ગપાટા મારે. ડોશીએ ઘરમાં બૂમ પાડી. બૂમ સાંભળી ચંચળ, ચંડિકા, સુંદર, દુ:ખબા, ઘરનાં છોકરાં, ગાનચતુર, વિદ્યાચતુર સૌ ચોકમાં ભરાઈ ગયાં. કોઈ કહેઃ પાલખામાંથી ગબડી ગયા હશે, આસપાસ ફરી શોધો. છેવટે ડોસો આંખો ચોળતો ચોળતો લાકડી પર ટકી બહાર આવ્યો ને ગુસ્સે થઈ બોલ્યો : ‘આ શું તોફાન માંડ્યું છે? ઘરમાં ન કોઈને ખાવાની ચિંતા ને ન કોઈને ખવરાવવાની ચિંતા. એક વાગ્યો ત્યાં સુધી ઘરમાં જાણે બૈરું જ ન હોય તેમ નથી કોઈ પૂછતું કે ખાવાની કેટલી વાર છે ને નથી કોઈ કહેતું કે જમવા ઊઠો... દેવ એના જડવાના હશે તો જડશે ને નહીં જડવાના હોય તો નહીં જડે. પણ આ બધા જીવતા પરમાત્માના પેટની ચિંતા-ફિકર હોય કે ન હોય? એવી ચિંતા ન રાખે તેના પર તો દેવ ન કોપતા હોય તોયે કોપે. દુ:ખબા, અમને જમાડ તરત. એને તો દેવ જડશે ત્યાં સુધી લાંઘણો કરવી પડશે.' ડોશીને એક દુઃખમાં બીજું દુ:ખ આ વચન સાંભળવાનું આવ્યું. પોપચે કરચલીઓવાળી આંખોમાં આંસુ ભરાયાં અને કાન ઉપર હાથ દેતી દેતી બોલી : ‘અરેરે, આવાં નાસ્તિક વચન ન બોલતા હો તો? બળ્યું આ પેટ ને બળ્યા આ ધોળા વાળ! પેટે દેવની નિન્દા કરાવી ને ધોળા વાળે પણ દેવનું સ્મરણ ન કરાવ્યું. દુ:ખબા! ચંચળ! ચંડી વહુ! આ તમારા પાપને લીધે મારે આ વચન સાંભળવાં પડ્યાં! નાની વહુ ઘરમાં હરતીફરતી હોય તો મારે આ વખત ન આવે! ચંચળ, દેવ ક્યાં ગયા તે હું સમજી છું. તારા બાપનો સ્વભાવ તને ખબર છે. જા એમને સૌને જમાડ, મારે તો દેવ ન જડે ત્યાં સુધી જમવું નથી.’ આંખે આંસુ ન માય એમ ડોશી પાલખી આગળ બેસી રોયાં ને આખરે નાકલીટીઓ તાણી દેવને કાલાવાલા કરવા લાગ્યાં : ‘મહારાજ! ક્ષમા કરો – એમનું પાપ મને આવજો ને મારું પુણ્ય એમને જજો! પણ ક્ષમા કરો!' ઘરમાંનું સર્વ મંડળ ભરાયું હતું તેમાં સૌની સાથે લડતો લડતો ડોસો સૌને ધમકાવવા લાગ્યો; ઘરની અવ્યવસ્થા બાબત પોતે જેટલું સૂતાં સૂતાં જોયા કર્યું હતું અને જેટલાં જેટલાં જેનાં અપલક્ષણ હતાં તે તે સૌને ધમકાવી ધમકાવી કહી બતાવ્યાં અને ગાળો ઉપર ગાળો દીધી. ચંડિકાને તથા પોતાની બે દીકરીઓને લાકડી ઉગામી ઘર-બહાર કાઢી મૂકી, સાંકળ દઈ, ગાનચતુરને હુકમ કર્યો કે આપણે સૌને સારુ જમવાનું તૈયાર કર – રાંડોને તો આમ જ ઘટે.’ વિદ્યાચતુર નાનપણથી પરદેશ રહેલો એટલે પિતાનું આવું ઉગ્ર સ્વરૂપ જોવાનો વારો તેને આજ જ આવ્યો. બહાર લોકો ભરાઈ ગયા. નાટક વધી ગયું જોઈ ડોસો હાથમાં નથી એવું સમજી ડોશી દેવમંદિર છોડી પાછાં બહાર આવ્યાં. મહાદેવના ગુણ તપોધન જાણે, તેમ ડોસાનો સ્વભાવ વર્તી જનારી ડોશીને પોતાનો સ્વભાવ બદલવો પડ્યો. ડોસાના વચનમાં સત્ય હતું તે સમજાયું. કુટુંબનું હિત જાળવવું એ પણ એક ધર્મ છે એવો વિચાર થયો, અને ધર્મની ઉત્સાહી ડોશી દેવનું દુઃખ ભૂલી પતિદેવ ભણી ચાલી. નદી સમુદ્ર પાસે જતાં પોતાનો પટ વધારે વધારે પહોળો કરે તેમ પતિની ઇચ્છા જાણી વળતી ડોશી પોતાના અંત:કરણને વધારે ઉદાર કરવા લાગી. ‘હું શું કરું? મારો સ્વભાવ છે તે દેવસેવામાં ચિત્ત પરોવાય છે ત્યારે ઘરસેવા પર રહેતું નથી. મારો વાંક હું કબૂલ કરું છું, પણ આટલો બધો કોપ ન ઘટે. ત્રણે જણીઓને બહાર કાઢી તે ઢેડફજેતી થાય છે ને લોક બારણે ભરાયા છે.' ડોશીએ ત્રણેને ઘરમાં બોલાવી લીધી. ડોસો લોકોને ધમકાવી બારણા બંધ કરી પાછો આવ્યો. ‘જા! દેવને પાણીની ગોળીમાંથી કાઢી લે! આજ તો ગોળીમાં નાખ્યા, પણ હવે ભૂખે મરીશ તો કૂવામાં નાખીશ.' ડોસો વિકરાળ અને રાતીચોળ આંખ કરી બોલ્યો. ડોશી બિચારી પાણી ભરેલી ગોળીમાં હાથ ઘાલી દેવને લઈ આવી – કોઈને ડોશીનું એટલું કામ કરવુંયે ન સૂઝ્યું. ધર્મલક્ષ્મીની દેખરેખ નીચે ઘરનો સંસાર પાછો ઠેકાણે પડ્યો; પણ દેવને અપવિત્ર સ્થળે નાખ્યા તે વાતનો ડંખ ડોશીના દિલમાંથી મરણ સુધી ગયો નહીં.
સૂતકને લીધે ઘરમાં કોઈ ઠેકાણે સ્પર્શ થાય એમ ન હતું, એટલે મળતો અવકાશ ગુણસુંદરી બીજી રીતે રોકવા લાગી. ઘણુંખરું તો ઘરનાં સૌ માણસના મનની સ્થિતિ જાણવામાં તે રોકાતી. માનચતુરની ઓરડીમાં એ કેટલોક વખત ગાળવા લાગી. ડોસાની નાનપણથી તે અત્યાર સુધીની અથઇતિ પૂછતી અને ડોસાના મનના ઊંડા ઊભરા બહાર કઢાવી ડોસાનો શો અસંતોષ છે તે જાણી લેવા પ્રયત્ન કરતી. ધર્મલક્ષ્મી પૂજા કરે ત્યારે તેની પાસે બેસે, દુઃખબા રસોઈ કરે ત્યારે તેની પાસે બેસે, ચંચળ બપોરે નવરી પડે ત્યારે તેની પાસે બેસે, ચંદ્રિકા એકલી પડે ત્યારે તેની પાસે બેસે, ઘરનાં નાનાંમોટાં છોકરાંને વિનોદ આપે ને ઉપદેશ કરે. આમ ઘરનાં સર્વ માણસને તેણે વશ કરી દીધાં. થોડોક વખત ગુણસુંદરી સૌ વેરાયેલા મણિકાની માળા જેવી બની ગઈ. આ સુખસ્વપ્ન ઓથાર વગરનું ન હતું, અંત વગરનું પણ ન નીવડ્યું. એક દિવસ બપોરે એકલી બેઠી બેઠી પોતાના ઘરના ઇતિહાસનો તે વિચાર કરતી હતી. બાલ્યાવસ્થાનાં સુખદુ:ખ સાંભર્યાં. જીવનનો વસંતકાળ – યૌવનકાળ યાદ આવ્યો. હાલમાં કુટુંબભારની વેડ વહેવામાં એ સર્વ વાતો સ્વપ્નવત્ લાગી. પાંચ પાંચ માસ થયા પતિ સાથે વાત સરખી પણ થઈ શકતી નહોતી તે વિચાર થયો ને આંખમાંથી આંસુની ધાર ચાલી. ખોળામાં બાળક કુમુદસુંદરી હતી તેના પર આંસુનાં ટીપાં પડ્યાં તે લોહતી લોહતી બોલી : ‘અરેરે સુખી દેખાતી દીકરી! તારેયે શું મારા જેવું થશે?' સરસ્વતીચંદ્ર અને કુમુદસુંદરી આગળ જતાં એક જ ઘરમાં અત્યંત સ્નેહ છતાં પરાયાં જેવાં રહેવાનાં હતાં તે સૂચવનાર અમંગળ શુકન થતા હોય તેમ દીકરીને છાતીસરસી વધારે દાબી. આજ જરાશંકર મામાને ત્યાં જમવાનું હતું. વિદ્યાચતુર કામમાં રોકાયેલો હોવાથી અવકાશે જમવા જવાનો હતો. પરસાળ ભણી આવતાં ગુણસુંદરી રોતી હોય એવો ભણકારો લાગ્યો. વિદ્યાચતુર એની પાસે આવ્યો. ચંદ્રકળા મોટાં વાદળાંમાંથી નીકળી આકાશને કંઠે લટકી પડે એમ ગુણસુંદરી વિદ્યાચતુરને વળગી પડી. ક્યાં સુધી વિનોદવાર્તા ચાલી. યૌવનકથા ચાલતાં ચાલતાં કુટુંબકથા ચાલવા માંડી. સાહસરાયને કરવી ઘટતી મદદ, કુમારીનું લગ્ન, ચંચળબહેનનાં છોકરાંને માટે કરાવવાનાં લૂગડાં-ઘરેણાં, સાસુજી ધર્મલક્ષ્મીને સંતોષ થાય તે માટે દેવને સારું કરાવવો ઘટતો રૂપાળો પાલખો – આમ જે સૂઝ્યું તે સઘળું કુટુંબના કલ્યાણ ને આનંદ અર્થે ગુણસુંદરીએ વિદ્યાચતુરને કહ્યું. એટલામાં તો સાંકળ ખખડી. ઉઘાડી જુએ છે તો સુંદરગીરી જમીને હાંફતીહાંફતી આવી. વિદ્યાચતુર પાઘડી પહેરી જમવા જવા નીકળ્યો. તે ગયો ને ગુણસુંદરી પાછી વળે છે તો સુંદરગૌરી રોવા જેવી ધ્રૂજતી ધ્રૂજતી ઊભેલી. ગુણસુંદરી એનું કારણ પૂછે છે ત્યાં ગાનચતુર ઉતાવળો ઉતાવળો અંદર આવ્યો અને સુંદર ઊભી હશે એમ માની ગુણસુંદરીને ખભે હાથ મૂક્યો. ભૂલ સમજાતાં જ ઝંખવાણો પડી ઉપર ચાલ્યો ગયો. ગુણસુંદરી બધું સમજી ગઈ. એટલામાં ધસતીધસતી ચંદ્રિકા બહારથી આવી ને સુંદરગૌરીને ગાળો દેવા ને તડીતડી ભીંત સાથે દાબવા લાગી. ગુણસુંદરી વચ્ચે પડી ને સુંદરને છોડાવી. પણ સૌ – ધર્મલક્ષ્મી સુધ્ધાં સમજ્યે વગર સમજ્યે ચંદ્રિકાનો પક્ષ લઈ આઘાં ખસી ગયાં ને ગુણસુંદરીને છોભીલી કરી મૂકી. ક્રોધમાં કાંઈ વધારે-ઓછું બોલાઈ ન જવાય ને એકાંતમાં ઊભરા શાંત થાય એ ઇચ્છાથી સુંદરગૌરી કુમુદને લઈને પોતાની મેડીએ ચડી ગઈ. હૈયું ખાલી કરતાં સુંદર મોટે સાદે રોઈ પડી તે નીચે સંભળાયું; પણ ક્રોધના માર્યા કોઈએ તે પર ધ્યાન આપ્યું નહીં. માત્ર માનચતુર ઘરમાં આવી સૌને ક્રોધનો તાલ જોતો હતો તે એકદમ લાકડી ઝાલી ઉપર આવ્યો. ડોસાએ પૂછ્યું, ‘કેમ સુંદર! કેમ રડે છે? ગુણસુંદરી, શું છે?' સુંદરે તો ઉત્તર ન દીધો. પણ ખરી વાત કહેવાનો લાગ ઠીક આવ્યો છે જાણી જરા ઊંચે સ્વરે ગુણસુંદરી બોલી : ‘કોણ જાણે શાથી રુવે છે તે. જમીને બારણું ઉઘાડી એ આવ્યાં ને તે પાછળ ધસતા ધસતા મોટાભાઈ આવ્યા ને મને દેખી ઉપર ચાલ્યા ગયા. ત્યારનાં રડે છે ને કારણ કહેતાં નથી.' ‘ઠી-ક! એ તો સમજ્યો બધું.’ ડોસાને ક્રોધ ચઢ્યો. શું બોલવું શું ન બોલવું તેનું ભાન ન રહેતાં મોટે સાદે બોલતો બડબડતો મૂછે હાથ દેતો, પગથિયાં પર લાકડી જોરથી ધબધબ મૂકતો નીચે ઊતરવા લાગ્યો : ‘નખોદ વાળવા બેઠો – હરામખોર? વિચાર નથી કરતો કે એ તો તારી મા થાય? ‘મા’ શબ્દ પર ભાર મૂકી દાંત કચડ્યા. ડોસો પરસાળની મેડીએ ચઢ્યો, અંદર પેઠો; ગાનચતુર ચમકી ઊભો થયો ને ડોસાની સામે આવ્યો કે ડોસાએ દાંત ને ઓઠ પીસી લાકડી ઉગામી દીકરાને લગાવી. ગાનચતુર આઘો ખસી ગયો. લાકડી વાગતી વાગતી રહી ગઈ ને ખાટલા પર પડી તે ખાટલાની ઈસ ભાંગી ગઈ. ડોસાએ પોતાનું બધું જોર કાઢ્યું. આંખોમાંથી તીક્ષ્ણ કટાક્ષ નાખી, ભમર ચઢાવી બોલ્યો : ‘કેમ સુંદર તારી મા ન થાય કે?' બીજા હાથની તર્જની વીંઝી દાંત કચડી વળી બોલ્યો – ‘જોજે બચ્ચા, આજ તો જવા દઉં છું, પણ ફરી એનું નામ દીધું તો હું માંદોસાદો પણ તને તો પૂરો કરી દઉં એટલી આ શરીરમાં સત્તા છે. ક્રોધથી ધોળા ચળકતા વાળ ઉપર પરસેવાનાં ટીપાં ભરાયાં અને મોગરાના ફાલ ઉપર ઝાકળ જેવાં દેખાયાં. ઘરનું સર્વ મંડળ હારદોર છાનુંમાનું તેના સામું જોતું ઊભું રહ્યું અને તે કોટડીમાં પેસી લાકડી નીચે નાખી દઈ ખાટલામાં બેઠો. ગાનચતુરને ધમકાવી માનચતુર પાછો ફર્યો ત્યાર પછી સૌ શાંત થઈ ગયાં, એક બીજા પર પ્રીતિ બતાવવા લાગ્યાં ને ગઈ ગુજરી ભૂલી જઈ આ મોટું કુટુંબ કલ્લોલ કરતું દેખાયું. એકમાત્ર ગાનચતુર તેમાં ભાગ લઈ શક્યો નહીં. તે દિવસે રાતને પહેલે પહોરે માનચતુર પાસે ધર્મલક્ષ્મી આવીને બેઠી અને ડોસો-ડોશી વાતો કરવા લાગ્યાં. ચોકમાં બેઠાં બેઠાં ગુણસુંદરી, ચંદ્રિકા વગેરે વાતો કરતાં કરતાં વચ્ચે વચ્ચે આ વાતોપણ સાંભળતાં હતાં. ડોશીએ ગાનચતુર બાબત આ શી નવાજૂની થઈ તે પૂછ્યું. બધા સમાચાર કહી ડોસો આખરે જરા મોટે સ્વરે અકળાઈને બોલ્યો : ‘હવે એ મારાથી સુધરે એમ નથી. હવે તો એને એની બાયડી સુધારે ત્યારે. બાયડી બગડે તે ભાયડાને વાંકે, ને ભાયડો બગડે તે બાયડીને વાંકે. તેં મને સુધાર્યો તો એને એની બાયડી સુધારે, નીકર પડો બે જણ ખાડામાં?’ ચંદ્રિકાએ આ સૌ સાંભળ્યું ને હૈયું ભરાઈ આવ્યું. રોજ ગુણસુંદરીની અદેખાઈ કરનારા ને એનું વાંકું બોલનારા ચંડિકા આજ અચિંતી રોઈ પડી ને રોતી રોતી બોલી : ‘જોયું ભાભી! આ પણ મારો વાંક! બીજાની કુટેવ તે હું શી રીતે સુધારું? મારું જ પ્રારબ્ધ ફૂટેલું. હું શેં મોઈ નહીં?' ચતુર ગુણસુંદરી જેઠાણીને પોતાની કરવાનો આ પ્રસંગ ચેતી ગઈ ને જેઠાણીને શાંત કરવા મંડી ગઈ. ‘જુઓ, મોટાભાઈનો સ્વભાવ પડ્યો, તેનું ઓસડ તમારા હાથમાં છે. એમની મરજી ઉપાડી લેવી અને આંગળીને ટેરવે રમાડવા એ તમને ન આવડે એવું નથી. એમની મરજી ઉપાડી એટલે એ તમારા દાસ થયા સમજવા. આપણે ઊકળીએ ત્યારે એ ઊકળે કોની? આપણે ગોળ ખાધા સાથે કામ રાખવું.’ ‘એ તો મને કંઈ ન આવડે.’ ‘અરે મારા ચતુર ભાભીજી, તમને ન આવડે એમ તે હોય?' એમ કહી ગુણસુંદરી હસી પડી. ચંડિકા પોતાના વખાણ સાંભળી ખુશ થઈ ગઈ, એને હસાવી પટાવી ગુણસુંદરી મેડી પર લઈ ગઈ. ગુણિયલના ગુણે જેઠાણીનું ઝેર ઉતાર્યું હોય તેમ દ્વેષ ઉતારી દીધો અને થોડી વાર ઉપર જે જેઠને આખા ઘરમાં પોતાનું કોઈ માણસ જડતું ન હતું તેને મન નાની ભાભી મા જેવી વત્સલ વસી. ગાનચતુર નોકરી વિનાનો હતો અને અપકીર્તિ પામી નોકરી ખોઈ બેઠો હતો. વિદ્યાચતુરે મલ્લરાજ પાસે ખાનગી મંત્રીનું કામ કરતા જરાશંકર મામાને તે વિશે કહ્યું હતું; પણ ગાનચતુરના દુર્ગુણોને લીધે કાંઈ ન થઈ શક્યું. પતિથી ન થયું એ કામ ઉપાડવા પત્નીએ પ્રયત્ન કર્યો. પોતે મામાને ઘેર ગઈ. જેઠના ચારિત્ર્ય માટે પોતે જામીન થઈ. મામાથી ગુણસુંદરી તરછોડાઈ નહીં અને થોડા જ દિવસમાં રત્નનગરીમાં ગાનચતુરને યોગ્યતા પ્રમાણે નોકરી મળી. આ ઉપરાંત પુત્રવધૂ મનોહરી સાસુ ચંડિકાને જરાયે ગાંઠતી ન હતી ને ઉદ્ધત તથા ઉચ્છૃંખલ બનતી જતી હતી. તેનેય ગુણસુંદરીએ ધરિધીરે સમજાવી પટાવીને મધુરતાથી સુધારી. આમ ગાનચતુર ને ચંડિકા બે જણ મનમાંથી ગુણસુંદરીનાં દાસ થયાં ને કાયમનાં ઋણી બન્યાં. ગુણસુંદરીનો સંસારકારભાર હજી પૂરો ન થયો. બે નણંદોની ચિંતા બાકી જ હતી. દુઃખબા માબાપને હૈયાસગડી જેવી હતી. તેમાં તેનો ધણી સાહસરાય હજી ગામપરગામ અથડાતો હતો અને દુઃખબા પર કાગળ સરખો લખતો ન હતો. ત્યાં વળી કુમારી પરણવા લાયક બની. પણ એનું દુઃખ કાપવું એ પૈસા વિના મુશ્કેલ હતું. વિદ્યાચતુરની ટૂંકી આવક લાંબા ખરચમાં વરી જતી તે પોતે જાણતી. એક દિવસ વિદ્યાચતુરને સ્વસ્થ ચિત્તે બેઠેલો જોઈ તેણે દુઃખબાની વાત કાઢી. ‘કુમારીનું લગ્ન કર્યા વિના તો ચાલે એમ નથી. આપણે આ કામ માથે નહીં લઈએ તો કોણ લેશે? દેવું કરવું એ ઠીક નથી, પણ મારું પલ્લું કોઈને ઘેર મૂકી રૂપિયા ઉપાડો. બચત થાય ત્યારે પાછું લાવજો. એ બહાને સાહસરાયને પણ બોલાવાશે. રૂપિયા આવે તે બધા લગ્નમાં નહીં જાય; થોડા બચશે તેમાંથી સાહસરાયનું દેવું પતાવો.’ વિદ્યાચતુર હસીને બોલ્યો : ‘ઠીક પલ્લું જ્યાં ત્યાં સસ્તું પડ્યું છે! પલ્લું ગયું પછી તમે શું કરશો?' ‘મારું સૌભાગ્ય હશે તો પલ્લાનો શો ખપ છે? ને મારું સૌભાગ્ય જ વાંકું હશે તો પલ્લું પણ વાંકું નહીં થાય એમ કોણે કહ્યું? તમે હશો તો લાખ પલ્લાં છે. કોઈનું કલ્યાણ કરવા પ્રસંગે આપણા ભાવિનો વિચાર કરવો જ ન હોય – ઊઠો મારા ચતુર!' દુ:ખબાની બાબતમાં કાંઈ રસ્તો કાઢવો એવું વિદ્યાચતુરના મનમાં પણ થયું. પણ સ્ત્રીની પરીક્ષા કરવા, તેની બુદ્ધિની કસોટી કરવા ને હાલ જેટલું તે બોલે છે તેટલું પ્રસંગે પાળે છે કે નહીં તે જાણવામાં પોતે ગંમત માનતો. એટલે વિદ્યાચતુરે ગુણસુંદરી જેટલું કરે તે તેટલું કરવા દેવાના માર્ગ પકડ્યા. ગુણસુંદરીએ કુમારીનું લગ્ન કરવું ધાર્યું ને ઘરમાં પતિની સંમતિથી સૌને વાત કરી. બધાંએ શાબાશી આપી પણ માનચતુર અકળાયો. ડોશી મૂઆની બીક નહીં, પણ જમનો રસ્તો પડવાની બીક. હજી તો ચંચળનાં પણ છોકરાં પરણવાનાં બાકી હતાં. ડોસો ગુણસુંદરીને ખીજી પડ્યો : ‘ગુણસુંદરી, વિદ્યાચતુરની કમાઈ હજી લાખે લેખાં કરીએ એટલી નથી. આજથી વ્યવહાર વધારી મૂકશો તો આગળ જતાં પહોંચાશે નહીં. આજ એકને કરશો ને કાલ બીજાને નહીં થાય તો એકને કર્યું ધૂળ મળશે ને બીજાની વખત ગાળો ખાશો. જો તમને ઘણું લાગતું હોય તો કહો દુઃખબાને અને સાહસરાયને બોલાવો. પણ ઘરનાં છૈયાં ઘંટી ચાટે ને ઉપાધ્યાયને આટો એ નહીં બને.' ડોસો આમ અકળાયો ત્યારે દુઃખબા સુધ્ધાં આખું કુટુંબ હતું. પણ દુ:ખબા બોલી નહીં કે ‘તમે આટલી ચિંતા શું કરવા કરો છો?' તે સ્વભાવે ગરીબ છતાં દુ:ખને લીધે લોભી અને સ્વાર્થી બની ગઈ હતી. ગુણસુંદરી વૃદ્ધ શ્વસુરનો ઠપકો ગંભીર મુખથી સાંભળી રહી ને મધુર મધુર હસતી બોલી : ‘વડીલનું કહ્યું અમે ક્યારે ઉથાપીએ છીએ જે? પણ સાહસરાયને બોલાવવામાં ને વર શોધી મૂકવામાં તો તમારેય વાંધો નથી ને? લગ્નના ખરચનું તો પછી થઈ રહેશે. તમે છો – સાહસરાય છે – જેમ ઠીક લાગે તેમ કરજો. હવે કાંઈ વાંધો છે?' ડોસાને થયું : ‘ઈશ્વરે એનું મન જ મોટું કર્યું છે. મારો દીકરો રત્નનગરીનો કારભારી હતો તો આવું મન દીપન – પણ...’ સાહસરાય આખરે આવ્યો. દુઃખબા ધનથી લોભાઈ દ્રવ્યવાન ડોસા સાથે નક્કી કરતી હતી, પણ ગુણસુંદરીએ સમજાવી કજોડું અટકાવ્યું. કુમારીનાં લગ્ન થયાં. લગ્ન પહેલાં ગુણસુંદરીએ પોતાના અલંકાર પતિને આપવા માંડ્યા. પણ લગ્નપ્રસંગે તારે શરીરે કંઈ ન હોય તો આપણું ઠીક ન દેખાય.’ કહી વિદ્યાચતુરે અટકાવી. હિસાબ ચૂકવવાનો પ્રસંગ આવ્યો ત્યાં સુધી ઘરમાંથી કોઈએ એ બાબતની વાત જ કાઢી નહીં. પૈસા વિશે બે જણને ઉચાટ હતો – એક ગુણસુંદરીને અને એક ડોસાને. ગુણસુંદરીને થતું કે રખેને વિદ્યાચતુર મારું પલ્લું માગતાં આંચકો ખાય? ડોસાને ઉચાટ હતો કે રખેને આ ખરચનો ભાર વિદ્યાચતુરને માથે આવી પડે! ગુણસુંદરીએ કહ્યું હતું કે ‘ખરચ તમારે માથે નહીં પડે.’ એટલે ડોસાને શાંતિ હતી છતાં જીવ ઊંચો રહેતો. ગુણસુંદરીના મનમાં એવો અર્થ હતો કે ‘તમારે માથે નહીં પડે, મારે માથે લઈશ – પલ્લું આપીશ.’ આ અર્થની ભ્રાંતિ પણ ડોસાને ન હતી. લગ્નની પૂર્ણાહુતિ પછી લોકો વિદ્યાચતુર પાસે આંકડા લઈ આવવા લાગ્યા. એક જણ આંકડો આપી ગયો કે તરત ગુણસુંદરી મેડી પર ચઢીને વિદ્યાચતુરને પૂછવા લાગી કે ‘તમે શો બેત ધાર્યો?’ વિદ્યાચતુરે હસતાં હસતાં કહ્યું : ‘એ તો તમારે વિચારવાનું છે. મને શું પૂછો છો?' ગુણસુંદરી મેડીએ ચઢી ત્યારથી માનચતુર ચેતી ગયો કે લગ્નના આંકડાની વાતચીત થતી હશે. તેથી કોઈ દિવસ નહીં ને આજ જિજ્ઞાસાથી તેમની વાતો સાંભળવા લાગ્યો. તેણે જાણ્યું કે લગ્નનો ખરચ તો ગુણસુંદરીના પલ્લામાંથી ચૂકવાય છે! માનચતુરે ઓઠ કરડ્યો, હાથ વીંઝયો, અને પગ પછાડ્યો. ‘ધિકકાર છે આ દીકરાને કે વહુનું પલ્લું લેવા ઊભો થયો છે! અરેરે! મારે કર્મે એક્કે દીકરો પરાક્રમી ન ઊઠ્યો! આ દીકરાની બાબતમાં પણ હું છેતરાયો! મારું કુટુંબબોળુ! અલ્યા પલ્લું!' દંપતી વચ્ચે પલ્લાની વાત પૂરી થતાં ગુણસુંદરી નીચે ઊતરી ને માનચતુરે પૂછ્યું : ‘કેમ ગુણસુંદરી, આ આંકડાવાળાઓ ફેરા ખાય છે તેનું તમારી નણંદ પતાવશે કે નણદોઈ? કહેતાં'તાંની કે આપણે માથે નહીં પડે?' ‘ના જી, નહીં પડે આપને માથે.’ ‘ત્યારે કોને માથે પડશે? આંકડાવાળા મૂકી દેવાના હતા?' ‘આપે પરિણામ જોઈ લેવું. નણંદ-નણદોઈ નહીં આપે તોયે તમારા ઘર ઉપર ભાર નહીં પડે.' ડોસો હડપચી ચંચળાવતો ઊભો રહ્યો. ‘આણે હવે પલ્લું આપવું નક્કી ઘાર્યું. સાચું બોલી એણે મને છેતર્યો. એ આટલી કુલીનતા બતાવે ને મારાં ઘરનાં ગધેડાં તે સમજે પણ નહીં! પણ હું યે સમજ્યા છતાં ન સમજ્યા જેવો રહું તો ગધેડાનો સરદાર! એનું (દુ:ખબાનું) પલ્લું અખમ્ રહે ને ગુણસુંદરી કુમારીને પરણાવવા પલ્લું આપે! જો, જો! બ્રહ્માને ઘેર અંધારું વળી ગયું છે તે! અને દુ:ખબાનું પલ્લું અત્યારે ગૂમડે ઘસી ચોપડવા કામનું નહીં થવા દઉં.’ ડોસો પોતાને ઠેકાણે ગયો. રાત્રે સૌ સૂઈ ગયાં ત્યારે સાહસરાયને બોલાવ્યો ને ગુણસુંદરી એને સારુ પલ્લું આપવા ઊભી થઈ છે તે કહી ધમકાવ્યો. ‘હું શું કરું? મારી પાસે ઝેર ખાવા જેટલુંયે નથી. તમે રસ્તો બતાવો તે પ્રમાણે કરું.’ સાહસરાય બોલ્યો. માનચતુરને સાહસરાયની દયા આવી. દીકરીને બોલાવી બધી વાત કહી ને સાહસરાયને ધમકાવ્યો તેથી વધારે એને ધમકાવી પાણી છલ્લી કરી નાખી. ‘રાંડ! એક વિવેક તો કર! તે લે એવી નથી પણ તું વિવેકમાંથી પણ ગઈ! ક્યાં મૂક્યાં છે તારાં ઘરેણાં?' દુ:ખબા બોલી નહીં. ડોસો ખાવા ધાતો હોય તેમ બોલ્યો : ‘બોલવું નથી? કેમ? ઊઠો સાહસરાય, મને ખબર છે તે બધું લઈ લઈએ છીએ.' દુઃખબા ભડકી ઊઠી. જે પેટીમાં દાગીના હતા તેની આડે ઊભી રહી. ડોસો ચેતી ગયો એટલે અચિંત્યો આંખો કાઢી કૂદ્યો. ‘કેમ, આપે છે કે અમે લઈએ?' બીનેલી દુ:ખબાએ સૌ દાગીના બાપાના હાથમાં મૂક્યા. પ્રાત:કાળે ડોસો અને સાહસરાય છાનામાના ગામમાં જઈ દાગીના ગીરો મૂકી દ્રવ્ય લઈ આવ્યા. આણી પાસ ગુણિયલે અલંકાર કાઢી વિદ્યાચતુરને આપ્યા. અસંકાર વિનાની અડવી થયેલી પત્નીના સામું વિદ્યાચતુર જોઈ રહ્યો. હસતો હસતો પોતાના કબાટ પાસે લઈ ગયો. રૂપિયાની થેલી ઉઘાડી અને બોલ્યો : ‘ગુણિયલ, તારા ગુણની સીમા જોવાને અને અલંકાર વિના પણ તું સુંદર લાગે છે કે નહીં તે જોવા આટલું કર્યું. બાકી બહેનના ખરચના રૂપિયા તો ઈશ્વરે આપેલા જ છે. તારા અલંકાર તો પહેર જ!' શરમાતી આનંદલીન બનતી આર્યા અલંકાર પહેર્યા વિના જ નીચે ચાલી ગઈ. તે પછી માનચતુરે વિદ્યાચતુરને બોલાવ્યો ને કોને કેટલા રૂપિયા આપવાના છે વગેરે જાણી લીધું. સાહસરાયને સાથે લઈ, સૌને ઘેર વિદ્યાચતુરને નામે ડોસો નાણાં ભરી આવ્યો. માનચતુરને હવે સ્પષ્ટ લાગ્યું કે ગુણસુંદરીને આ જંજાળમાંથી છૂટી કર્યા વિના સંસારનું સુખ કે શાંતિ એ ભોગવી શકવાની નથી. એટલે માનચતુરે ધીમે ધીમે બધું પાર ઉતારવા યુક્તિઓ કરવા માંડી. સાહસરાયે પલ્લાના બાકીના પૈસામાંથી હવે ધંધો કરવા માંડ્યો છે ને એને પરદેશમાં હરકત પડે છે કરી દુ:ખબાને પરિવાર સાથે વિદાય કરી. ગાનચતુરને સમજાવી જુદો કાઢ્યો. એમ કરતાં માનચતુરને શરીરે કાંઈ અસુખ રહેતું થયું, તેનું નિમત્ત કાઢી પાણી ફેર કરવાને મિષે માનચતુર ધર્મલક્ષ્મી તથા ચંચળને એના વિસ્તાર સાથે લઈને મનોહરપુરી રહેવા ગયો. ગુણસુંદરીના ઘરમાં હવે માત્ર પોતાનું કુટુંબ તથા સુંદરગૌરી એટલાં જ રહ્યાં. પક્ષીઓ પ્રાત:કાળે ઝાડ પરથી વેરાઈ જાય તેમ ગુણસુંદરીના ઘરમાંથી સર્વ જતાં રહ્યાં અને તે એકલી પડી. ઘણીક વખત તે એકલી એકલી સૌને સંભારી રોતી. અનુકૂળ પડ્યે મનોહરપુરી જઈ આવતી પણ ખરી. આમ એકલી પડી તે પછી એને ઘણા ઘણા અનુભવ થયા. કુમુદસુંદરી પછી બે વર્ષે કુસુમસુંદરી જન્મી. પછી કંઈ સંતતિ ન થઈ. પોતે જરા વધારે મોટી થઈ ત્યાં સુધી પ્રસંગે એમ થતું કે એક પુત્ર હોય તો સારું. પણ સત્પતિ, સદ્ભ્યાસ અનુભવ અને સદ્બુદ્ધિને બળે એ અસંતોષ મટી ગયો : કેટલેક વર્ષે એવાં વર્ષ આવ્યાં કે કુટુંબમાંથી એક પછી એક એમ સૌ માણસ ગત થવા લાગ્યાં. પ્રથમ ધર્મલક્ષ્મી, પછી ચંચળ, પછી તેનાં સર્વ છોકરાં, તે પછી દુઃખબા, તે પછી ગાનચતુર અને આખરે ચંડિકા. હાલમાં વિદ્યાચતુર અને ગુણસુંદરી બે જ રત્નનગરીમાં રહેતાં. કુમુદસુંદરી સાસરે જતી રહી. સર્વ ગયા છતાં વૃદ્ધ માનચતુર ઘણાક ઘા ખમી જીવતો હતો અને મનોહરપુરીમાં રહેતો હતો. તેની ચાકરી કરવા સુંદર પણ મનોહરપુરી જ રહેતી હતી અને વેશકેશનો ત્યાગ કરી પૂર્ણ વિધવાવ્રત પાળતી હતી.