ચારણી સાહિત્ય/7.સૈનિકોની પત્નીઓનાં સાચુકલાં લોકગીતો: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
No edit summary
No edit summary
 
Line 72: Line 72:
{{Right|[‘ફૂલછાબ’, 10-7-1942]}}
{{Right|[‘ફૂલછાબ’, 10-7-1942]}}
{{Poem2Close}}
{{Poem2Close}}
<br>
{{HeaderNav2
|previous = 6.મૃત્યુનાં વિલાપ-ગીતો
|next = 8.સોરઠી સાહિત્યનાં ઋતુ-ગીતો
}}

Latest revision as of 07:41, 12 July 2022


7.સૈનિકોની પત્નીઓનાં સાચુકલાં લોકગીતો

‘સૈનિક-પત્નીઓનાં લોકગીતો’ એ વિષય પર જુલાઈ [1942]ના ‘મૉડર્ન રિવ્યૂ’માં શ્રી દેવેન્દ્ર સત્યાર્થીનો સુંદર અંગ્રેજી લેખ છે, એમાં પોતે પંજાબનાં લોકગીતોમાં પડેલા ભાવો બતાવ્યા છે. પંજાબ હંમેશાં લડાયક પ્રદેશ રહ્યો છે, પાર વગરની લડાઈઓમાં એના ખેડૂતોના બેટાઓ હળ હેઠાં મૂકીને ભરતીમાં ગયા છે, ને ગયેલામાંથી પાછા ન આવેલાઓની સંખ્યા એટલી મોટી હશે કે ઘરેઘરમાં એનું રુદન, લડાયક જીવન પ્રત્યેની ઊંડી નફરત અને સારા ગૃહસંસાર-કુટુંબસંસાર પર પથરાઈ વળેલી એની ગમગીની એનાં લોકગીતોમાંથી ગુંજી રહે છે. લોકગીતોની એ જ ખાસિયત છે, કે એ લડાઈમાં જનારા સિપાહીઓની વીરતાનાં ખોટાં બણગાં ન ફૂંકતાં, લડાઈમાં હોમાઈ જતા મીઠા દંપતી-જીવનની જ વેદના ગાય છે. પંજાબણ ગાય છે કે “લાહોરથી સીધો કાગળ આવ્યો છે. સૈનિકો બનીને જવા કોણ કોણ તૈયાર છે? મારા સસરા ભલે જાય, મારા કાકાજીને પણ મોકલવા હું ખુશી છું, દેરને-જેઠને પણ મોકલું. પણ, ઓ સૈયરો! મારો વર તો હજુ બાળક છે, એને હું કેમ મોકલું?” સોરઠી-ગુજરાતી લોકગીતોમાં પણ સિપાહીની વહુનાં આવાં જ અકબંધ ગીતો છે :

આવ્યા આવ્યા ઉગમણી ધરતીના રે
કાગળિયા આવ્યા રાજના રે લોલ.
બાળ્યાં બાળ્યાં બાર ઘાણીનાં તેલ રે
સવારે કાગળ ઊકલ્યા રે લોલ.
કોરે મોરે લખિયું છે સો-સો સલામું રે
વચાળે વેરણ ચાકરી રે લોલ.
ચાકરીએ મારા સસરાજીને મેલો રે
અલબેલો નૈ જાય ચાકરી રે લોલ.
સસરાને મોકલો, જેઠને મોકલો. દેરને મોકલો — પણ મારા અલબેલાને નહિ મોકલું. જવાબમાં બીજા બધાને ન મોકલવાનાં કંઈક ને કંઈક કારણો અપાય છે :
જેઠ ઘેરે જેઠાણી તરજાત રે
ઊઠીને ઝઘડો માંડશે રે લોલ.
દેર ઘેરે દેરાણી નાનેરું બાળ રે
મોલુંમાં એકલ નૈ રહે રે લોલ.

ઘેર રોકાવાનાં બહાનાં સૌને હતાં. કેવળ આ એકના જ સ્વામીને આખા કુટુંબે ધકેલ્યો, ત્યારે પત્નીએ એના ઘોડાને રોકીને પૂછ્યું :

ઝાલી ઝાલી ઘોડલિયાની વાઘું રે
કેટલે તે દા’ડે આવશો રે લોલ.

જવાબમાં લડાઈની ચાકરીએ જતા સ્વામીએ સાચું કહી દીધું : પાછા તો હવે આવી રહ્યા!

ગણજો, ગોરી, પીપળડાનાં પાંદ રે
એટલે ને દા’ડે આવશું રે લોલ.

લશ્કરી નોકરીઓમાં જોડાવા જતા બહાદુર એ મર્દોની પ્રત્યેક જન્મભૂમિ — પંજાબ હો કે સૌરાષ્ટ્ર — સ્ત્રી-હૈયાંનાં આવાં સાચુકલાં (એટલે કે સત્યનિષ્ઠ) ઊર્મિગીતોથી ભરેલી હોય છે. ખેતી કરતાં લશ્કરી નોકરી વધુ કસદાર હોય છે અને યુદ્ધક્ષેત્રથી પતિ નિયમિત ખરચી મોકલતો હોય છે તે છતાં પણ મારો ધણી હળ જ ખેડે એ મને વધુ ગમે છે, એવા ઉદ્ગારો કાઢનાર પંજાબણથી જરીકે જુદી નહિ એવી સોરઠિયાણી, પોતાના વિદાય લેતા ઘોડેસવાર પિયુને કહે છે :

તમને વા’લી દરબારી ચાકરી રે
અમને વા’લો તમારો જીવ
ગુલાબી! નૈ જાવા દઉં ચાકરી રે.

પંજાબી નારી પતિને વળાવી પાછી આવે છે ત્યારે કાંઈ કામ એને સૂઝતું નથી. ચૂલો પેટાવવાનું દિલ નથી થતું. હવાઈ ગયેલાં છાણાં સળગાવ્યાં છે તેના ધૂંધવાટનું બહાનું બતાવી પોતે રડતી બેસે છે. એવા ભાવના પંજાબી ગીતની જોડાજોડ બેઠેલું આપણું સોરઠી લોકગીત પોતાની નિરાળી ભાત પાડે છે :

વાલમ વળાવીને પાછી રે આવી
ઊભી રઇ વડલા હેઠ, વા’લા
વાલમ વળાવીને ઝાંપલે આવી
ઝાંપલો ઝાંખો ઝબ, વા’લા.
વાલમ વળાવીને ઘરમાં આવી
ઘરડું ખાવા ધાય, વા’લા!
સસરો કહે વહુ કેમ પીળાં પડ્યાં રે
સાસુ કહે વહુ શાં દુઃખ, વા’લા!
દેર કહે દુઃખ હું રે જાણું
વાલમનાં વજોગ, વા’લા!

એક પંજાબી લોકગીતમાં પરણીને તાજી જ આવેલી વહુ છે, લડાઈની ભરતીમાં તેડું આવે છે, ચાલ્યાં જતા પિયુને પંજાબણ વહુ કહે છે, મારે એકાદ બેટો હોત તો યે દા’ડા કાઢત. પતિ કહે છે, ગારાનો બેટો બનાવીને રમાડજે. પત્ની જવાબ વાળે છે, ‘પણ એ તો નવરાવતાં ઓગળી જ જાય ને!’ આ જવાબમાં રહેલી વેદનાને ન સહી શકતો ધણી ચૂપ રહીને ચાલી નીકળે છે. આવું જ એક ગુજરાતી લોકગીત ક્યાંઇક ભેટેલું હોવાના મને ભણકારા વાગે છે, પણ યાદ નથી આવતું. વેધકતાને હિસાબે એ ગીત અદ્વિતીય ગણાય. ભાડૂતી લડવૈયાની રણક્ષેત્રની રણક્ષેત્ર પરની આખરી મનોદશાનો ચિતાર આપણું એક ગુજરાતી લોકગીત આપી રહ્યું છે :

પે’લા જુહાર મારા દાદાજીને કે’જો,
હોકલિયાનો ભરનારો દીકરો તારો ત્યાં રહ્યો.
બીજા જુહાર મારી માતાજીને કે’જો,
ઘડપણનો પાળનારો બેટડો તારો ત્યાં રહ્યો.
ત્રીજા જુહાર મારી બેનીજીને કે’જો,
કરિયાવરનો વોરનારો બાંધવ તારો ત્યાં રહ્યો.
ચોથા જુહાર મારી ભાભલડીને કે’જો,
હાંસીનો હસનારો દેવર તારો ત્યાં રહ્યો.
પાંચમા જુહાર મારી પરણેતરને કે’જો,
ખોળામાં પોઢનારો પરણ્યો તારો ત્યાં રહ્યો.

આવું ગીત પંજાબી લોકગીતોમાં પણ હશે. પોતાના વરની ચાકરી લખનારાઓ પ્રત્યે સ્ત્રી-હૃદયોએ લોકગીતોમાં વરાળો કાઢી છે કે ‘મરજો ચાકરીનો લખનારો રે’. પૈસા ખાતર અથવા તો બીજી કોઈ લાલચે કે મહત્ત્વાકાંક્ષાએ લડાઈમાં જનારા વરોને વિજોગણોએ મહેણાં માર્યાં છે કે ‘તમથી ભલાં ઓલ્યાં પંખીડાં રે, સાંજ પડ્યે આવે ઘેર, વા’લા!’ પરદેશની લડાઈઓમાં મશગુલ બનેલા સિપાહી-પતિને પાછો વાળવા માટે વહુ જે કાકલૂદીઓ કહાવે છે અને જે બહાનાં પહોંચાડે છે તેનો ચિતાર ‘મેંદી રંગ લાગ્યો રે’ના ગીતમાં હૂબહૂ છે. યુદ્ધની ઘેલછા કેટલી ભયંકર છે! ભાઈબહેનનાં લગ્ન તો ઠીક પણ માની જીવલેણ માંદગી પણ એને પાછો વળવા લલચાવી શકતી નથી, પણ વહુની આંખો ઊઠી છે એવું સાંભળતાં એ તુરત જ ‘હાલો સિપાઈઓ, હાલો ભાઈબંધીઓ, હવે હલકે બાંધો હથિયાર, મેંદી રંગ લાગ્યો રે’ એવી ઉતાવળ કરતો ઘરે વળે છે. આવા વિનોદાન્ત ગીતો પણ વસ્તુતઃ વિનોદની નહિ પણ વેદનાની જ અસર મૂકી જાય છે. તેના ઢાળો પણ કરુણ હોય છે. પરિહાસ અને હાંસીના સ્વાંગ હેઠળથી પણ વ્યથા જ ડોકાય છે. કારણ કે વિષય જ કલેજાના કોમળ તારોને હલાવનારો છે. લોકગીતો દંભનું ઢાંકણ ઢાંકી શકતાં નથી. એમાં રજૂ થતી દિલસચ્ચાઈ જ એનો ઉત્કૃષ્ટ ગુણ છે. યુદ્ધ — ભલે એ દેશહિતનું હો કે ભાડૂતી હો — પણ હિંસક યુદ્ધ હમેશાં માનવ-સંહારથી ખરડાયેલું હોય છે. એવા યુદ્ધની બરદાસ્તને વીરતાના વાઘા જાહેર સભાઓનાં સન્માનો કે ચંદ્રક-દાનો વડે પહેરાવી શકાય છે. કવિઓની કવિતા પણ એવી વીરતાનાં રોમાંચક વખાણો કરી શકે છે. લોકગીતોમાં એ અશક્ય છે. ત્યાં તો કલેજાંમાં ફરતી સાચી શારડીનાં જ વીંધ વર્ણવાય છે. [‘ફૂલછાબ’, 10-7-1942]