સત્યના પ્રયોગો/સંસારપ્રવેશ: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Heading| ૨. સંસારપ્રવેશ | }} {{Poem2Open}} વડીલ ભાઈએ તો મારા ઉપર ઘણી આશાઓ બાં...")
 
No edit summary
 
Line 36: Line 36:
આમ મેં સંસારમાં પ્રવેશ કર્યો. બારિસ્ટરી મને વસમી લાગવા માંડી. આડંબર ઘણો, આવડત થોડી. જવાબદારીનો ખ્યાલ મને કચડવા લાગ્યો.
આમ મેં સંસારમાં પ્રવેશ કર્યો. બારિસ્ટરી મને વસમી લાગવા માંડી. આડંબર ઘણો, આવડત થોડી. જવાબદારીનો ખ્યાલ મને કચડવા લાગ્યો.
{{Poem2Close}}
{{Poem2Close}}
<br>
{{HeaderNav2
|previous = રાયચંદભાઈ
|next = પહેલોકેસ
}}

Latest revision as of 10:46, 13 July 2022


૨. સંસારપ્રવેશ

વડીલ ભાઈએ તો મારા ઉપર ઘણી આશાઓ બાંધેલી. તેમને પૈસાનો, કીર્તિનો અને હોદ્દાનો લોભ પુષ્કળ હતો. તેમનું હૃદય બાદશાહી હતું. ઉદારતા ઉડાઉપણા સુધી તેમને લઈ જતી. આથી તેમ જ તેમના ભોળપણાથી તેમને મિત્રો કરતાં વાર ન લાગતી. આ મિત્રવર્ગની મારફત તેઓ મારે સારુ કેસો લાવવાના હતા, હું કમાણી ખૂબ કરવાનો છું એમ પણ તેમણે માની લીધું હતું. અને તેથી ઘરખર્ચ વધારી મૂક્યું હતું. મારે સારુ વકીલાતનું ક્ષેત્ર પણ તૈયાર કરવામાં પોતે બાકી નહોતી રાકી.

જ્ઞાતિનો ઝઘડો ઊભો જ હતો. બે તડ પડી ગયાં હતાં. એક પક્ષે મને તુરત નાતમાં લઈ લીધો. બીજો પક્ષ ન લેવા તરફ ચુસ્ત રહ્યો. નાતમાં લેનાર પક્ષને સંતોષવા ખાતર રાજકોટ લઈ જતાં પહેલાં ભાઈ મને નાશિક લઈ ગયા. ત્યાં ગંગાસ્નાન કરાવ્યું, ને રાજકોટમાં પહોંચતાં નાત જમાડી.

આ કામમાં મને રસ ન પડયો. વડીલ ભાઈનો મારા પ્રત્યેનો પ્રેમ અગાધ હતો, મારી ભક્તિ તેટલી જ હતી એમ મને પ્રતીતિ છે; તેથી તેમની ઇચ્છાને હુકમરૂપ સમજીને હું યંત્રની જેમ વગરસમજ્યે તેમની ઇચ્છાને અનુકૂળ થતો રહ્યો. નાતનું કામ આટલેથી થાળે પડયું.

જે તડથી હું નાતબહાર રહ્યો તેમાં પ્રવેશ કરવા મેં કદી પ્રયત્ન ન કર્યો. ન મેં નાતમાં કોઈ પણ શેઠ પ્રત્યે મનમાંયે રોષ કર્યો. મારા પ્રત્યે તિરસ્કારની નજરે જોનાર પણ તેમાં હતા. તેઓની સાથે નમીને ચાલતો. નાતના બહિષ્કારના કાયદાને સંપૂર્ણ માન આપતો. મારાં સાસુસસરાને ત્યાં કે મારી બહેનને ત્યાં પાણી સરખું ન પીતો. તેઓ છૂપી રીતે પાવા તૈયાર થાય, પણ જે વસ્તુ જાહેરમાં ન કરાયે તે છૂપી રીતે કરવા મારું મન જ કબૂલ ન કરતું.

મારા આ વર્તનનું પરિણામ એ આવ્યું કે નાત તરફથી મને કદી કશો ઉપદ્રવ થયાનું મને યાદ નથી. એટલું જ નહીં પણ, જોકે હું હજુ આજે પણ નાતના એક વિભાગથી કાયદેસર બહિષ્કૃત ગણાઉં છું છતાં તેમના તરફથી મેં માન અને ઉદારતા જ અનુભવ્યાં છે. તેઓએ મને મારા કાર્યમાં મદદ પણ કરી છે, અને નાત પરત્વે હું કંઈ પણ કરું એવી મારી પાસેથી આશા સરખી નથી કરી. આ મીઠું ફળ કેવળ અપ્રતિકારને આભારી છે એમ મારી માન્યતા છે. જો નાતમાં દાખલ થવાની મેં ખટપટ કરી હોત, વધારે તડો પાડવાનો પ્રયત્ન કર્યો હોત, નાતીલાને છંછેડ્યા હોત, તો તેઓ અવશ્ય સામે થાત, ને હું વિલાયતથી આવતાં જ ઉદાસીન અને અલિપ્ત રહેવાને બદલે ખટપટની જાળમાં ફસાઈ કેવળ મિથ્યાત્વને પોષનારો બની જાત.

સ્ત્રીની સાથેનો મારો સંબંધ હજુ હું ઇચ્છું તેવો ન થયો. મારો દ્વેષી સ્વભાવ વિલાયત જતાં પણ હું ન મૂકી શક્યો. દરેક વાતમાં મારી ખાંખદ ને મારો વહેમ જારી રહ્યાં. આથી મારી ધારેલી મુરાદો હું પાર ન પાડી શક્યો. પત્નીને અક્ષરજ્ઞાન હોવું જ જોઈએ અને તે હું આપીશ એમ ધારેલું, પણ મારી વિષયાસક્તિએ મને તે કામ કરવા જ ન દીધું, ને મારી ઊણપનો રોષ મેં પત્ની પર ઉતાર્યો. એક સમય તો એવો આવ્યો કે મેં તેને એને પિયર જ મોકલી દીધી અને અત્યંત કષ્ટ આપ્યા પછી ફરી સાથે રહેવા દેવાનું કબૂલ કર્યું. આમાં કેવળ મારી નાદાની જ હતી એમ હું પાછળથી જોઈ શક્યો.

છોકરાંઓની કેળવણી વિશે મારે સુધારા કરવા હતા. વડીલ ભાઈને છોકરાં હતાં ને હું પણ એક બાળક મૂકી ગયો હતો તે હવે ચાર વર્ષનો થવા આવ્યા હતો. આ બાળકોને કસરત કરાવવી, તેમને મજબૂત કરવાં, ને મારો સહવાસ આપવો, એમ ધારણા હતી. આમાં ભાઈની સહાનુભૂતિ હતી. થોડેઘણે અંશે હું આમાં સફળતા મેળવી શક્યો. છોકરાંઓનો સમાગમ મને બહુ પ્રિય લાગ્યો ને તેમની સાથે વિનોદ કરવાની ટેવ આજ લગી રહી ગયેલી છે. છોકરાંઓના શિક્ષક તરીકે હું શોભી શકું એવું કામ કરું એમ મને ત્યારથી જ લાગેલું.

ખાવામાં પણ સુધારા કરવા જોઈએ એ તો સ્પષ્ટ હતું ઘરમાં ચાકૉફીને તો સ્થાન મળી ચૂક્યું હતું. ભાઈ વિલાયતથી ઘેર આવે તે પહેલાં ઘરમાં વિલાયતની કંઈક હવા તો દાખલ થવી જ જોઈએ એમ મોટાભાઈએ વિચાર્યું. એટલે ચીનનાં વાસણ, ચા વગેરે જે વસ્તુઓ ઘરમાં પ્રથમ રહેતી તો કેવળ દવા તરીકે ને સુધરેલા મહેમાન અર્થે, તે હવે તો બધાંને સારુ વપરાવા લાગી હતી. આવા વાતાવરણમાં હું મારા ‘સુધારા’ લાવ્યો. ઓટમીલ પૉરિજ (ઘેંસ) દાખલ થઈ, ચાકૉફીને બદલે કોકો. પણ બદલો તો નામનો હતો. ચાકૉફીમાં કોકોનો ઉમેરો જ થયો. બૂટમોજાંએ તો ઘર ઘાલ્યું જ હતું. મેં કોટપાટલૂનથી ઘર પુનિત કર્યું!

આમ ખરચ વધ્યું. નવીનતાઓ વધી. ઘેર ધોળો હાથી બંધાયો. પણ ખરચ લાવવું ક્યાંથી? રાજકોટમાં તુરત ધંધો શરૂ કરવામાં તો હાંસી થાય. રાજકોટમાં પાસ થયેલા વકીલ સામે ઊભવા જેટલું મને જ્ઞાન ન મળે ને ફી તેમના કરતાં દશગણી લેવાનો દાવો! કયો મૂર્ખ અસીલ મને રોકે? અથવા એવો મૂર્ખ મળી આવે તોયે મારે શું મારા અજ્ઞાનમાં ઉદ્ધતાઈ અને દગાનો ઉમેરો કરી મારા ઉપરનું જગતનું કરજ વધારવું?

મિત્રવર્ગની સલાહ એમ પડી કે મારે થોડો વખત મુંબઈ જઈ હાઈકોર્ટનો અનુભવ લેવો તથા હિંદુસ્તાનના કાયદાનો અભ્યાસ કરવો, ને કંઈ વકીલાત મળે તો મેળવવા કોશિશ કરવી. હું મુંબઈ જવા ઊપડયો.

ઘર માંડયું. રસોઇયો રાખ્યો. રસોઇયો મારા જેવો જ હતો. બ્રાહ્મણ હતો. મેં તેને નોકરની જેમ તો રાખ્યો જ નહીં. આ બ્રાહ્મણ નહાય, પણ ધુએ નહીં. ધોતિયું મેલું, જનોઈ મેલી, શાસ્ત્રનો અભ્યાસ ન મળે. વધારે સારો રસોઇયો ક્યાંથી લાવું?

‘કેમ રવિશંકર (તેનું નામ રવિશંકર હતું), રસોઈ તો ન આવડે, પણ સંધ્યા વગેરેનું શું?

‘શું ભાઈ શૉબ, ’શંધ્યૉતર્પણ શાઁતીડું, કોદાળી ખટકરમ.’ અમે તો એવા જ ભેંમણ તો. તમારા જેવા નભાવે ને નભીએ. નીકર છેતી તો છે જ તો.’

હું સમજ્યો. મારે રવિશંકરના શિક્ષક થવાનું રહ્યું. વખત તો પુષ્કળ હતો. અરધું રવિશંકર રાંધે ને અરધું હું. વિલાયતના અન્નાહારી ખોરાકના અખતરાઓ અહીં ચલાવ્યા. એક સ્ટવ ખરીદ્યો. હું પોતે પંગતભેદ તો પાળતો જ નહોતો. રવિશંકરને પંગતનો આગ્રહ નહોતો. એટલે અમારો મેળ ઠીક જામ્યો. માત્ર આટલી શરત-અથવા કહો મુસીબત હતી; રવિશંકરે મેલની ભાઈબંધી છોડવાના ને રસોઈ સાફ રાખવાના સમ ખાધા હતા!

પણ મારાથી ચારપાંચ માસથી વધારે મુંબઈમાં રહેવાય તેમ હતું જ નહીં, કેમ કે ખર્ચ વધતું જાય ને આવક કંઈ જ નહીં.

આમ મેં સંસારમાં પ્રવેશ કર્યો. બારિસ્ટરી મને વસમી લાગવા માંડી. આડંબર ઘણો, આવડત થોડી. જવાબદારીનો ખ્યાલ મને કચડવા લાગ્યો.