ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/અ/‘ઓખાહરણ’: Difference between revisions
KhyatiJoshi (talk | contribs) No edit summary |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
Line 15: | Line 15: | ||
{{HeaderNav2 | {{HeaderNav2 | ||
|previous = ઋષિવર્ધન(સૂરિ) | |previous = ઋષિવર્ધન(સૂરિ) | ||
|next = | |next = ઓધવ | ||
}} | }} |
Latest revision as of 11:17, 1 August 2022
‘ઓખાહરણ’ [સંભવત: ૨. ઈ.૧૬૬૭] : પ્રેમાનંદના સર્જનકાળના આરંભના આ આખ્યાન (મુ.)માં ઓખા-અનિરુદ્ધનાં લગ્ન તથા એને અનુષંગે શંકર અને શ્રીકૃષ્ણ વચ્ચે લડાયેલ યુદ્ધનું ભાગવત દશમસ્કંધ-આધારિત વૃત્તાંત, ૧૪ રાગબદ્ધ ૨૯ કડવાંમાં નિરૂપાયેલું છે. અન્ય કવિઓનાં ‘ઓખાહરણ’માં મળતા બાણાસુરનું વાંઝિયાપણું તેમ જ ઓખાના પૂર્વજન્મની કથા જેવી રસાળ કથા-ઘટકો ટાળી, અવાન્તર કથારસ જતો કરવાનું જોખમ ખેડીનેયે પ્રેમાનંદ અહીં વિષયવસ્તુની એકતા સાધે છે. એમ થતાં કૃતિને સીધી, લક્ષ્યગામી ગતિ સાંપડી છે. ઓખાના મનોભાવોનાં નિરૂપણો તેમ જ વિવિધ યુદ્ધપ્રસંગોનાં વર્ણનો, અલબત્ત, વિસ્તારપૂર્વક આલેખાયાં છે, પરંતુ વિષ્ણુદાસકૃત ‘ઓખાહરણ’ સામાજિક આચારવિચારનાં નિરૂપણોથી અસમતોલ બની જાય છે એવું અહીં થતું નથી. આ કૃતિમાં માનવચરિત્રને વિશિષ્ટ પરિમાણો ને આગવી ઝીણવટો પ્રાપ્ત થયાં નથી, તેથી એ બહુધા લાક્ષણિક ચિત્રો જેવાં કે સાધનભૂત રહ્યાં છે. કૃતિનું મુખ્ય પાત્ર ઓખા જાણે માત્ર પ્રેમઘેલી અને લગ્નોત્સુક મનોભાવો તથા તજ્જન્ય શૃંગારનું નિરૂપણ કવ્ચિત્ સરસ થયું છે. ઓખા-અનિરુદ્ધનું, યુદ્ધ પ્રસંગે પ્રગટતું શૌર્ય ચમત્કાર જેવું ભાસે છે. કૃતિના રસવિધાનમાં વીરરસ પ્રાધાન્ય ભોગવે છે, પરંતુ તેનું આલંબન પાત્રના વિકલ્પે યુદ્ધ-પ્રસંગો જ બને છે. વીરના આશ્રયે અદ્ભુત, ભયાનક અને બીભત્સ રસનું આલેખન પણ થયું છે. યુદ્ધવર્ણનોમાં પ્રેમાનંદનું કવિત્વ પ્રગટ થાય છે. યુદ્ધનાં ગતિસભર ચિત્રોને શબ્દની નાદશક્તિની સહાય મળી છે, તે ઉપરાંત ‘શોણિતસરિતા’ જેવાં રૂપકોથી તાદૃશીકરણ પણ સધાયું છે. પ્રેમાનંદની રચનાઓમાં સામાન્યત: જોવા મળતાં, કથાપ્રસંગ-સંબંધિત મૌલિક ઉમેરણો અહીં નહીંવત્ છે. સમગ્ર રચનામાં કેટલાંક રસસ્થાનો હોવા છતાં પ્રેમાનંદની કાવ્યકલાનું નિર્વહણ અહીં ઉત્તમ તેમ જ સાતત્યપૂર્ણ રીતે થયું નથી. પર કડવાં સુધી વિસ્તરેલું મળતું આ આખ્યાન ૨૯ કડવાંનું છે એવો સ્પષ્ટ ઉલ્લેખ કૃતિમાંથી મળે છે. પરંતુ તેના રચના-સમય વિશે અલગઅલગ પ્રતમાં અલગઅલગ નિર્દેશ મળે છે. કવિ નર્મદને મળેલ ૨૯ કડવાં ધરાવતી પ્રતમાં રચનાસમય સં. ૧૭૨૩, ચૈત્ર વદ ૯, ગુરુવાર (ઈ.૧૬૬૭) મળે છે. વર્ષ, માસ, પક્ષ, તિથિ, અને વારના ગણિત મુજબ એ દિવસ સાચો ઠરતો નથી પરંતુ અન્ય હસ્તપ્રતોમાં મળતા રચનાસમયના નિર્દેશો તો એથી પણ વધુ અશ્રદ્ધેય જણાય છે. [ર.ર.દ.]