ગુજરાતી નિબંધ-સંપદા/યજ્ઞેશ દવે/બૂચનો વૃક્ષલોક: Difference between revisions
MeghaBhavsar (talk | contribs) (Created page with "{{Center|'''બૂચનો વૃક્ષલોક'''}} ---- {{Poem2Open}} બૂચનું ઝાડ તમે જોયું છે? જોયું હોય તો...") |
No edit summary |
||
Line 1: | Line 1: | ||
{{ | {{SetTitle}} | ||
{{Heading|બૂચનો વૃક્ષલોક | યજ્ઞેશ દવે}} | |||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
બૂચનું ઝાડ તમે જોયું છે? જોયું હોય તો તમને નસીબદાર જ કહેવા પડે. એક તો એ કે તે બહુ ઓછું દેખાય છે અને બીજું કે તમારો તેની સાથે સંબંધ થયો છે, પરિચય થયો છે અને તમે તેને નામથી ઓળખો છો. આકાશવાણી રાજકોટના પરિસરમાં એક મોટું બૂચનું ઝાડ છે – વૃક્ષરાજ જ કહોને. ઓછામાં ઓછું એકાદ સદી જૂનું. ચોથા માળની અગાસીએ ઝૂકીને વહાલ કરતું એ ઝાડ આજે પણ ચિરયુવા છે. આમ તો તેનું વૈજ્ઞાનિક નામ મિલિગ્ટોનિયા હોર્ટેનસીસ. બિગ્નોનિયેસી કુળનું વૃક્ષ. વતન બ્રહ્મદેશ બાજુનાં વિષુવવૃત્તીય જંગલો, પણ અહીં અમારા કાઠિયાવાડમાં કૃષ્ણની જેમ તે’ય ભૂલું પડ્યું છે અને અહીંનું થઈને રહ્યું છે. પેગોડાની સ્મૃતિ સાચવીને બેઠું હોય તો ખબર નથી. આ ઝાડ અહીં કેવી રીતે આવ્યું હશે? મનુષ્યોને વતન, સ્થાનાંતરણ ને પરદેશ હોય છે તેવી રીતે વનસ્પતિને પણ હોય છે. વનસ્પતિની યાત્રાઓનીય ઘણી રસિક કથાઓ છે. કોઈને પ્રાણીપક્ષીઓ લઈ જાય, કોઈ દરિયાના પ્રવાહોમાં આવી જાય. કોઈને વિજેતા જાતિઓ, ભટકતી જાતિઓ લઈ આવે, કોઈ ભૂસ્તરીય ફેરફારોથી સ્થાનાંતર કરે તો કોઈને વૈજ્ઞાનિકો લઈ જાય. આ ઝાડ કેવી રીતે આ મલકમાં આવ્યું હશે? | બૂચનું ઝાડ તમે જોયું છે? જોયું હોય તો તમને નસીબદાર જ કહેવા પડે. એક તો એ કે તે બહુ ઓછું દેખાય છે અને બીજું કે તમારો તેની સાથે સંબંધ થયો છે, પરિચય થયો છે અને તમે તેને નામથી ઓળખો છો. આકાશવાણી રાજકોટના પરિસરમાં એક મોટું બૂચનું ઝાડ છે – વૃક્ષરાજ જ કહોને. ઓછામાં ઓછું એકાદ સદી જૂનું. ચોથા માળની અગાસીએ ઝૂકીને વહાલ કરતું એ ઝાડ આજે પણ ચિરયુવા છે. આમ તો તેનું વૈજ્ઞાનિક નામ મિલિગ્ટોનિયા હોર્ટેનસીસ. બિગ્નોનિયેસી કુળનું વૃક્ષ. વતન બ્રહ્મદેશ બાજુનાં વિષુવવૃત્તીય જંગલો, પણ અહીં અમારા કાઠિયાવાડમાં કૃષ્ણની જેમ તે’ય ભૂલું પડ્યું છે અને અહીંનું થઈને રહ્યું છે. પેગોડાની સ્મૃતિ સાચવીને બેઠું હોય તો ખબર નથી. આ ઝાડ અહીં કેવી રીતે આવ્યું હશે? મનુષ્યોને વતન, સ્થાનાંતરણ ને પરદેશ હોય છે તેવી રીતે વનસ્પતિને પણ હોય છે. વનસ્પતિની યાત્રાઓનીય ઘણી રસિક કથાઓ છે. કોઈને પ્રાણીપક્ષીઓ લઈ જાય, કોઈ દરિયાના પ્રવાહોમાં આવી જાય. કોઈને વિજેતા જાતિઓ, ભટકતી જાતિઓ લઈ આવે, કોઈ ભૂસ્તરીય ફેરફારોથી સ્થાનાંતર કરે તો કોઈને વૈજ્ઞાનિકો લઈ જાય. આ ઝાડ કેવી રીતે આ મલકમાં આવ્યું હશે? |
Revision as of 07:30, 28 June 2021
યજ્ઞેશ દવે
બૂચનું ઝાડ તમે જોયું છે? જોયું હોય તો તમને નસીબદાર જ કહેવા પડે. એક તો એ કે તે બહુ ઓછું દેખાય છે અને બીજું કે તમારો તેની સાથે સંબંધ થયો છે, પરિચય થયો છે અને તમે તેને નામથી ઓળખો છો. આકાશવાણી રાજકોટના પરિસરમાં એક મોટું બૂચનું ઝાડ છે – વૃક્ષરાજ જ કહોને. ઓછામાં ઓછું એકાદ સદી જૂનું. ચોથા માળની અગાસીએ ઝૂકીને વહાલ કરતું એ ઝાડ આજે પણ ચિરયુવા છે. આમ તો તેનું વૈજ્ઞાનિક નામ મિલિગ્ટોનિયા હોર્ટેનસીસ. બિગ્નોનિયેસી કુળનું વૃક્ષ. વતન બ્રહ્મદેશ બાજુનાં વિષુવવૃત્તીય જંગલો, પણ અહીં અમારા કાઠિયાવાડમાં કૃષ્ણની જેમ તે’ય ભૂલું પડ્યું છે અને અહીંનું થઈને રહ્યું છે. પેગોડાની સ્મૃતિ સાચવીને બેઠું હોય તો ખબર નથી. આ ઝાડ અહીં કેવી રીતે આવ્યું હશે? મનુષ્યોને વતન, સ્થાનાંતરણ ને પરદેશ હોય છે તેવી રીતે વનસ્પતિને પણ હોય છે. વનસ્પતિની યાત્રાઓનીય ઘણી રસિક કથાઓ છે. કોઈને પ્રાણીપક્ષીઓ લઈ જાય, કોઈ દરિયાના પ્રવાહોમાં આવી જાય. કોઈને વિજેતા જાતિઓ, ભટકતી જાતિઓ લઈ આવે, કોઈ ભૂસ્તરીય ફેરફારોથી સ્થાનાંતર કરે તો કોઈને વૈજ્ઞાનિકો લઈ જાય. આ ઝાડ કેવી રીતે આ મલકમાં આવ્યું હશે?
અમારા તપોવન પરિસરનું તે સહુથી ઠાવકું વૃક્ષ. છેલ્લાં વીસ વરસથી વાવેલાં નીલગિરિ બૂચની સામે હોડ બકતાં ઊંચાં ઊંચાં વધતાં ચાલ્યાં પણ બૂચને આંબી ન શક્યાં. વધુ ઊંચાં થયાં હોત તોપણ બૂચની જે ઘટાદાર ગરિમા છે, ગૌરવશાળી ઠસ્સો છે તે ક્યાંથી પામ્યાં હોત? રાજકોટ બદલી થઈ અહીં આવ્યો ત્યારે ઑફિસના મકાન પાસેના આ વૃક્ષરાજ બૂચે જ મને પહેલવહેલો આવકારેલો, તેની છાયાની ગોદમાં લીધેલો. આવા જ ચેરીવૃક્ષ માટે જાપાનીઝ કવિ ઈસ્સાએ કહ્યું :
‘ચેરીવૃક્ષ નીચે કોઈયે અપરિચિત નહીં.’
અપરિચિત આવ્યા હોઈએ ભલે પણ તેની પોતીકી છાયામાં કોઈ અપરિચિત રહી શકે ખરું? કવિ કહે છે કે કોઈ જ નહીં. છત્રછાયા નીચે હોવાની ઘટના જ ભ્રાતૃભાવ જગાવે. આપણી પરંપરામાં સાત પગલાં સાથે ચાલ્યાથી મિત્ર થઈ જવાય છે એમ કહ્યું છે ને?
બૂચના આ ઝાડ પરથી મારી નજર સામે જ બબ્બે ઘાત ગઈ. ગયા વરસે સખત વાવાઝોડું આવેલું, પવનનું જોર એવું કે વૃક્ષો નાના છોડવાની જેમ ઝૂકી જાય. પવનમાં વહેતાં પાંદડાંઓ ડાળીને, અને ડાળીઓ થડને અને થડ જમીનને માંડ માંડ વળગી રહ્યાં હોય. શનિ-રવિની રજા હતી એટલે ઘરે જ હતો. વાવાઝોડાના પવનના સુસવાટા સોથ બોલાવતા હતા. અમારી કૉલોનીનુંય એક મહાકાય વૃક્ષ ધરાશાયી થયું ત્યારે આકાશવાણીના અમારા પરિસરના એ વૃક્ષની ચિંતા ઘેરી બની. આખીય સાંજ, આખીય રાત, પવન સૂસવાતો રહ્યો. સવાર પડ્યે તોફાન શાંત થયું ત્યારે વહેલો ઑફિસે ગયો. વાવાઝોડાએ સુંવાળા માર્બલ ડિઝાઇનના થાંભલા જેવા ઊંચા નીલગિરિનો ભોગ લીધેલો. એક ગુલમહોરેય ઝાક ઝીલી ન શક્યું. વૃક્ષરાજ બૂચ થોડાં પાંદડાંઓ અને ડાળીઓનો ભોગ આપી વિજેતાનો તાજ પહેરીને ઊભું હતું. હાશકારો થયો.
બીજી એક ઘાત તે પહેલાં ગઈ હતી. ઑફિસના નવા બિલ્ડિંગનું એક્સ્ટેન્શન કરવાનું હતું. જે બાજુ મકાનને એક્સ્ટેન્ડ કરવાના હતા તે તરફ બૂચ નજીક જ હતું, તેથી તેનો ભોગ લેવાય તેવી પૂરેપૂરી શક્યતા હતી. બાંધકામ માટે પાણીના સ્થાનિક સ્રોત માટેય તે તરફ શોધ ચાલી. પાણીકળા ભૂસ્તરશાસ્ત્રી ડાઇસિંગ પદ્ધતિથી ભૂતળનાં પાણીની ભાત મેળવવા હાથમાંની પ્લાસ્ટિકની બે લાકડી જમીન સમાંતર ફેરવતા જતા હતા. આપોઆપ જ આયાસ વગર લાકડીઓ વળી જાય ત્યાં પાણીનો સ્રોત નક્કી. પાણીકળા ભાઈ જેમ જેમ બૂચના ઝાડ તરફ વધતા જાય તેમ તેમ ધ્રાસકો પડતો જાય કે રખે અહીંયાં જ પાણી નીકળે. બન્યું પણ એવું જ. બૂચના ઝાડથી પાંચછ ફૂટ દૂર જ લાકડીઓ વળી ગઈ. પાણી ત્યાં જ હતું અને તે પણ ઘણું. પાણીકળા જળશાસ્ત્રીએ જગ્યાની નિશાની રાખવા ત્યાં ખીલો ઠોક્યો ને થયું કે હવે બૂચ ક્રોસે ચડ્યું, બૂચની નિશાની ગઈ. સદ્ભાગ્યે તેવું ન થયું. મકાનનું ઍક્સ્ટેન્શન કર્યું પણ મકાન બૂચને અડી શકાય તેટલા સલામત અંતરે રહ્યું. અને બાંધકામ માટે પૂરતું પાણી હતું તેથી બોર ખોદવો ન પડ્યો. મકાન થોડું વધારે આગળ વધ્યું હોત કે બોર ખોદાયો હોત તો બૂચનો ભોગ લેવાયો જ હોત. અત્યારે તો નવા બિલ્ડિંગના ત્રીજા માળની અગાશી પરથી અગાશીથીય ઉપર ઊઠેલા બૂચને અડી શકાય. તેનાં ગરેલાં ફૂલો વીણી શકાય. બાંધકામથી વધારાનો ફાયદો એ થયો કે બૂચના ઝાડ ફરતે પહોળી પાળીવાળો ચોતરો બન્યો. હવે બૂચની છાયામાં રીતસર લેટી શકાશે.
આ બૂચ આમ તો સીધું વધતું ચાલ્યું છે પણ મૂળથી વીસેક ફૂટ ઊંચે એક મોટી ડાળ જમીનની સમાંતર લંબાવી આપી છે. બૂચની ઉપર ઊઠતી ડાળો, નાની શાખા-પ્રશાખામાં મોરને બેસવું ફાવતું નહીં હોય તેથી જ લંબાયેલા હાથ જેવી આ ડાળ મોર માટે જ નહીં કાઢી આપી હોય ને? રાજકોટમાં મોર જો જીવતા નાચતા રહ્યા હોય તો તે માત્ર અમારા પરિસરમાં. પાણીની ટાંકી, અંગ્રેજી બાંધણીના ઊંચા મકાનનાં છજાં, ટોડલા, અરડૂસો, પીપળાનાં તોતિંગ વૃક્ષોની ડાળોની સાથે સાથે આ બૂચની ડાળ પણ મોરની માનીતી જગ્યા. ગર્વિષ્ઠ નીલ ડોકવાળો સફેદ પીર આંજેલો કલગીધારી મોર બેઠો હોય ને તેનાં રંગીન પીંછાંનો ભારો નીચે ઝૂકેલો હોય. પવનમાં મોર સ્થિર હોય ને મુલાયમ પીંછાંનો ભારો જરાય ભાર વગર ફરફરી રહ્યો હોય.
કાંકણસાર અને બગલાઓએ રાતવાસો કરવા માટે નીલગિરિ અને કોપર-પોડ સોનમહોરના ઝાડને પસંદ કર્યાં છે. સાંજ પડ્યે કાળી કાંકણસારની મોટી કાળી ફડફડ પાંખો અને તીણા બેસુરા અવાજો નીલગિરિ પર સંભળાય છે. સફેદ બગલાની સુંવાળી પાંખો અને ઘોઘરા અવાજો સોમનહોરના ઝાડ પર સંભળાય છે, જ્યારે બૂચનું વૃક્ષ શાંત રહે છે. ઊડતાં, ડાળ પર બેસતાં, ફરી ઊડતાં, ક્રેં ક્રેં અવાજ કરી ફરી ઠરીને ઠામ થઈ જતાં બગલાઓ અને કાળી કાંકણસારનાં સફેદ અને કાળાં ટપકાંથી ઝાડ છંટાઈ જાય છે. બૂચે તેનો સંબંધ આવાં જળપક્ષીઓ સાથે નહીં પણ કબૂતર, પોપટ, હોલાં, ચકલાં, કાબર, કોયલ જેવાં ઘરઆંગણનાં પંખીઓ સાથે રાખ્યો છે. બપોરે નિ:સ્તબ્ધતા છવાઈ હોય, પડછાયો પાયામાં લપાયો હોય, નીચે ઝૂકતી સ્તબ્ધ ડાળીઓ જાણે લીલાશ નિતારતી-વરસાવતી હોય, નીચે છાયાપ્રકાશની અદ્ભુત લીલા રચાઈ હોય ત્યારે વૃક્ષ ઉપર પણ ઓછાં રમણીય કંપોઝિશન રચાયાં હોય છે! નીતરતી લીલી ઘટા વચ્ચેથી ડોકાતી ડાળીઓનો શાખાવિન્યાસ, લાલ આંખવાળાં રાખોડી કબૂતરો, લંબાયેલી ડાળ પર કોઈ આમ તો કોઈ તેમ પેટસરસાં બેસી ગયાં છે. ક્યારેક તો ભૂખરી શાખામાં નાની ડાળીઓ, લીલાં પાંદડાંઓ વચ્ચે છૂટાંછવાયાં રાખોડી કબૂતરો એવું અદ્ભુત બૅલેન્સ સંયોજન બનાવી દે છે કે એકાદ કબૂતર આમતેમ હોય તોય બૅલેન્સ તૂટી જાય. કૅમેરો ન હોવાનો અફસોસ થાય ત્યાં જ મનમાં થાય કે કૅમેરો હોય તો પણ કેટકેટલાં કંપોઝિશનો તમે ઝીલો? આ તો ક્ષણે ક્ષણે રુચિર નવતા ધારણ કરતી પ્રકૃતિ! પાંદડાંઓ વચ્ચે પોપટ બેઠા હોય ત્યારે જાણે પાંદડાં જ થઈ ગયાં હોય. એકાદ પોપટ બોલે ને પાંદડું સળવળતું લાગે. લે, આ તો પોપટ! એક પોપટ દેખાયો પછી બીજા બેચાર કે ઝુંડ આખું શોધી શકાય. ક્યારેક તો રાખોડી બદામી હોલા, એશ કલરનાં કબૂતરો, કાળી કોયલ, પોપટી પોપટ, કથ્થાઈ સમળી એવાં તો અવનવાં રંગછાંટણાં છાંટી દે કે બૂચ જુદું જ લાગે, બાળપણની રમત હજીય ન ભૂલેલી રમતિયાળ ખિસકોલી ખરબચડા થડ પર ફર્યા જ કરે.
વચ્ચે એક વાર નરોત્તમ પલાણ રેકોર્ડિંગ માટે આવ્યા ત્યારે બૂચ પૂરબહારમાં ખીલેલું. નરોત્તમભાઈ તો પ્રેમમાં પડી ગયા. કહે, અમારા વૈષ્ણવો એ બંસીફૂલ કહે. નામ વધુ મોહક છે નહીં? હમણાં અશ્વિનભાઈ મહેતા, તિલોત્તમબહેનને મળ્યો ત્યારે અમારા બૂચપ્રેમની સમાનતાથી મજા પડી ગઈ. તિથલમાં આખી વિથિકા પ્રેમથી ઉછેરેલી ને નરમ જમીનને કારણે વાવાઝોડાએ સોથ બોલાવી દીધેલો. છતાં તક મળે ત્યારે બૂચને જરૂર ઉછેરે છે. તેમણે બૂચનું એક બીજું નામ લટક ચમેલી યાદ કરાવ્યું. એ નામ પણ ગરિમાપૂર્ણ છે. જોકે ઘણી વાર કોઈ વસ્તુ કે વ્યક્તિ જ એક સામાન્ય નામને નવી ગરિમા આપે છે જેમ કે ‘વાડીલાલ’ કે ‘સારાભાઈ’, બૂચનું એવું જ ગણવું રહ્યું.
બળબળતા ઉનાળે પહેલાં પલાશ, પછી ગરમાળો ને ગુલમહોર ખીલી ઊઠે, કહો કે કોળી ઊઠે. ચોમાસામાં તો ઝાડેઝાડ કોળી ઊઠે. હેમંતઋતુએ માગણી કરી હશે કે ઉનાળા-ચોમાસાને ઉદાર થઈ આપ્યું છે તો એકાદું પુષ્પિત થતું વૃક્ષ મને આપો. હેમંતની આ માગણી ‘તથાસ્તુ’ કહી પૂરી કરી ભગવાને બૂચ આપ્યું હશે. બૂચને ફૂલ આવે દિવાળી આસપાસ. પહેલાં ઝીણીઝીણી આછી લીલી કળીઓ બેસે પછી સહેજ મોટી થયે લીલા ઝાડમાં સફેદ ટપકાં દેખાય ને પછી સફેદ ફૂલે કોળી ઊઠે ઝાડ આખુંય. અનેક મોટા ગુચ્છાઓથી લીલા વૃક્ષ પર જાણે સફેદ બુટ્ટાઓ ભરાઈ જાય તેય સુગંધી. બૂચની ગંધ રાતરાણી જેવી બોલકી કે ધંતુરપુષ્પ જેવી ઓછાબોલી નથી. તેની આછી મીઠી ઠંડી ગંધમાં એક અનેરી તાજગી અને પવિત્રતા છે. સવારે લાંબી દાંડલીવાળાં ફૂલો ખરી જાય છે ને નીચે ‘ઝરી ઝરી પમરતી પાથરી દે પથારી.’ કેટલાંક એકાદા પુંકેસરના તાંતણે નાનકડા દીંટા સાથે લટકી રહ્યાં છે અને પવનનું નાનુંશું ઝોકું આવતાં ખરી પડે છે. બૂચનાં ફૂલોની આ આછી મીઠી સુગંધ ટાઇમ મશીન બને છે ને બાળપણના પ્રદેશોમાં ફરવા લઈ જાય છે. એકસાથે કેટલા શિયાળા જીવતા કરી દે છે. દૂબળો, ચડ્ડી પહેરેલો, હોંશે હોંશે બૂચનાં ફૂલ વીણતો નાનકડો યજ્ઞેશ દેખાય છે. યજ્ઞેશ તો પછી થયો. ત્યારે હતો નાનુ. પડોશની છોકરીઓ દોરા વગર ચોટલાની જેમ બૂચની દાંડીઓ ગૂંથતી ગૂંથતી વેણી બનાવી રહી છે. ખરતાં ફૂલોનો જાણે વરસાદ વરસે છે. ઊંચે નજર કરું છું ને બૂચનું ઝાડ આકાશને આંબતું દેખાય છે. ફરી કોઈ અવાજ મને વર્તમાનમાં લાવી દે છે. ચાલીસ ચાલીસ વરસનો બૂચ સાથેનો સંબંધ આજેય જાળવી રાખ્યો છે. ઇચ્છા છે કે મારી પછીની પેઢીનેય વારસામાં દઉં. અમદાવાદ નવ વર્ષ રહ્યો પણ ત્યાં બૂચનું ઝાડ નજરે ન ચડ્યું. જાણે બૂચવટો ભોગવ્યો. રાજકોટ આવ્યો ત્યારે આંખો ઠરી. નાના ભાઈના ફળિયામાં જાતે બૂચનો છોડ રોપી અમારો સંબંધ વધુ દૃઢ કર્યો. આજે તો તેય વધીને ફૂલો દેવા લાગ્યું છે.
ક્યારેક એવું લાગે છે કે જાણે સમસ્ત વિશ્વનું કેન્દ્ર છે બૂચનું આ મહાવૃક્ષ. તેની જ પરિક્રમા કરી રહ્યાં છે ગ્રહ, નક્ષત્ર, તારા, નિહારિકા અને આખો નભવિતાન. આકાશ, જળ અને પૃથ્વી તેમનું રહસ્ય અનેક રીતે આપણી પાસે ખોલે છે. તેનું જ એક રૂપ છે આ બૂચ. તત્ત્વોએ આ અવતાર મારા જેવાને ન્યાલ કરવા જ ધર્યો હશે ને! ક્યારેક નાની એવી લહેરખીમાં સહેજ કંપતી ડાળી અપાર આનંદ આપી જાય છે. પાંદડાંના આટલા એવા ફરકાટમાં, કંપનમાં આટલું બધું સુખ! રોમેરોમ સાથે સંધાન થઈ જાય છે. ક્યારેક મારા અશાંત ઉદ્વિગ્ન મનને આ બૂચ પરમ શાંતિ આપે છે. રવીન્દ્રનાથની પંક્તિ યાદ આવી જાય છે :
શાંત થા મારા હૃદય આ મહાકાય વૃક્ષો રૂપે અહીં પ્રાર્થના ચાલી રહી છે.