રચનાવલી/૪૪: Difference between revisions
KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|૪૪. કલાન્ત કવિ (બાલાશંકર કંથારિયા) |}} {{Poem2Open}} સાહિત્યમાં વિવેચન ઘણીવાર પોતાની સૂઝથી લાયક પ્રતિભાશાળી કવિને ખોળીને એનું સ્થાન ઉત્તમ રીતે મુકરર કરી આપતું હોય છે, તેવી જ રીતે વિ...") |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
Line 15: | Line 15: | ||
<br> | <br> | ||
{{HeaderNav2 | {{HeaderNav2 | ||
|previous = | |previous = ૪૩ | ||
|next = | |next = ૪૫ | ||
}} | }} |
Revision as of 16:07, 3 May 2023
સાહિત્યમાં વિવેચન ઘણીવાર પોતાની સૂઝથી લાયક પ્રતિભાશાળી કવિને ખોળીને એનું સ્થાન ઉત્તમ રીતે મુકરર કરી આપતું હોય છે, તેવી જ રીતે વિવેચન ઘણીવાર પોતાના અંધાપાથી લાયક પ્રતિભાશાળી કવિનું સાચું મૂલ્ય સમજવામાં નિષ્ફળ જતું હોય છે અને કવિને ક્યારેક લાંબા સમય સુધી એના મુકરર સ્થાન માટે રાહ જોવી પડતી હોય છે. ગુજરાતી સાહિત્યમાં આંખે ઊડીને વળગે એવો દાખલો બાલકવિનો છે. બાલ કવિ તે બાલાશંકર ઉલ્લાસરામ કંથારિયા. ‘ગુજારે જે શિર તારે' એ એક ગઝલથી વાચનમાળાને કારણે આ કવિ યાદ રહી ગયો તો રહી ગયો. એમના મૃત્યુને આજે સો વર્ષ થવા આવ્યાં. મૃત્યુબાદ છેક અડધી સદી બાદ તો ઉમાશંકર જોશીએ એમનો ‘કલાન્ત કવિ’ કાવ્ય સંગ્રહ તૈયાર કર્યો. અડધી સદી સુધી પોતાના સ્થાન માટે રાહ જોનાર આ બાલકવિને તે પછી પણ જેટલું અને જેવું વજન મળવું જોઈએ, મળ્યું નથી. કલાપી અને મેઘાણી જેવા કવિઓના ઠેર ઠેર સમારંભો આપણને સૂઝે છે, પણ ગુજરાતી કવિતાને નવો વળાંક આપનાર અને ઉત્તમ કવિતાની ઝલક આપનાર બાલાશંકરને સંભારવાનું આપણને ભાગ્યે જ સૂઝ્યું છે. સૌ પહેલા ગુજરાતના પહેલા વિવેચક નવલરામે જ આ કવિનો સમજ્યા વગર કાંકરો કાઢી નાખ્યો અને નરસિંહરાવ જેવા વિદ્વાન પણ આ કવિને એના યોગ્ય સ્થાનમાં ગોઠવી ન શક્યા. કદાચ બાલાશંકર એમના યુગથી ઘણા આગળ હતા. માત્ર નીતિનાં ધોરણોથી કે કાટલાંઓથી બાલાશંકરની કવિતાને તપાસી શકાય તેમ નથી, દલપત-નર્મદમાં ક્યારેય નહોતો એવો ભાષાનો ઘટ્ટ વણાટ બાલાશંકરે પહેલીવાર એવો તો દાખવેલો કે પછીથી આવનાર કાન્ત, ન્હાનાલાલ, બળવંતરાય ઠાકોર જેવા કવિઓ પણ બાલાશંકરની કવિતાના પડઘા પાડ્યા વિના રહી શક્યા નથી. બાલાશંકર કવિ નથી, કવિઓના કવિ છે. સંસ્કૃત અને ફારસી સંસ્કારથી ગુજરાતી કવિતામાં નવી શૈલી દાખલ કરનારનું એકમાત્ર સુન્દરમે સાચું મૂલ્ય આંક્યું છે. નર્મદ-દલપતની કવિતા પછી નવી કવિતાને આગળ વધારનાર નરસિંહરાવ નહીં પણ કવિ બાલાશંકર છે, એ સુન્દરમે ગાઈવજાડીને કહ્યું છે. એમણે બાલાશંકરની કવિતાને શકવર્તી ઠેરવી છે. બાલાશંકરની ઊંચી કવિપ્રતિભાની ખાતરી કરાવવા માટે એમની રચના કલાન્ત કવિ જ પૂરતી છે. ‘કલાન્ત કવિ’ સો શ્લોકોની દીર્ઘરચના છે. આ રચના એકી સાથે પોતાની પ્રિયતમાને, કવિતાને અને આદ્યશક્તિને સંબોધે છે. આ ત્રણ, કવિ માટે જુદાં નથી. અહીં કવિની પ્રેયસી જ આદ્યશક્તિ છે અને આદ્યશક્તિ જ કવિતાનું સ્વરૂપ છે. પણ કોઈ સંજોગોવશાત કવિ પ્રેયસીથી દૂર થઈ ગયો છે કવિ કહે છે કે લોકો મને જુદો થયેલો માને છે પરંતુ એ પોતે તો એનાથી પલવાર માટે પણ જુદો નથી. વિરહમાં જુદા થવાનું ભાન એ જ ખરેખર તો એનાથી જુદા ન હોવાની ખાતરી હોય છે. આવી કોઈક લાગણીને લઈને કવિએ આ રચનામાં એક સાથે પ્રેમ અને ભક્તિને પ્રગટ કર્યાં છે. વર્તમાન વિરહની દશા સાથે ભૂતકાળની મિલનની દશાને પણ ગૂંથતા ગયા છે. વળી, પ્રેયસી જ આદ્યશક્તિ હોવાથી પ્રેયસીનું વૈશ્વિકરૂપ કવિએ અદ્ભુત રીતે છતું કર્યું છે : ‘મને પૂરું તારાં શિશ રવિ સ્તનોનું સ્મરણ છે / અહીં પૂર્ણિમાએ રમણીય પ્રદેશો વન વિશે / ઉઘાડાં મૂક્યાં તા મદથી છકી નીરંચલ કરી / હરી'તી તે મારી હૃદયમતિને મોહિત કરી.' કવિ જગતમાં ચારેબાજુ પ્રેયસીની હાજરીને અનુભવે છે. કહે છે : ‘કવચિદ રંગે ઘેરે સરવર લહેરે ઠમકતી / કવચિત જ્યોત્સના માંહી સ્મરણમયિ કાન્તિ ઝમકતી / કવચિત પ્રાચીમાંહી શિરમણિ ધરીને રીઝવર્તી / કવચિત અંધારામાં પ્રણતલય ખેલે ખિજવતી' આવી પ્રેયસીની હાજરી વચ્ચે પણ કવિ વિરહની વેદનાને પોતાની રીતે વ્યક્ત કરે છે કહે છે. સૂર્ય તો નદીનાં જળને માત્ર સૂકવે છે પણ કવિનો વિરહ તો એને બાળીને સદંતર ભસ્મ કરી દે છે. વિરોધાભાસમાં આવો ઉત્કટ વિરહ પણ કવિને મિલનનો આનંદ આપે છે અને તેથી કહે છે : ‘સદા રહેશે મારી નિકટ પરમાનંદલહરી’ કવિએ આ રચનામાં પોતાની આવી ‘ઇશક ધુનિ’ની ‘ગલત મનડે’ છતાં સ્વસ્થ રીતે માંડણી કરી છે. એમાં કાલિદાસ અને ભવભૂતિની સંસ્કૃત કવિતાનો અર્ક પણ ઉતાર્યો છે. કાલિદાસના ‘ઋતુસંહાર’ની જેમ અહીં ગ્રીષ્મથી વસંત સુધી નહિ પણ કવિએ વસંતથી શિશિર સુધી યાત્રા કરાવી છે. કાલિદાસને વસંતના અંત પાસે મિલનસુખ પ્રસ્તુત હતું, જ્યારે બાલાશંકરને શિશિરના અંત પાસે વિરદુ:ખ પ્રસ્તુત છે. છ ઋતુને નિમિત્ત બનાવી બાલાશંકરે પોતાની વિરહાવસ્થા અને મિલનાવસ્થાને પાસ પાસે મૂકી છે. એ પછી પોતે પ્રેયસીથી જુદો ન થયો હોત તો એનું ઇચ્છેલું ભવિષ્ય કેવું હોતુ એની કલ્પના કરી છે. ત્યારબાદ પ્રેયસીનું આદ્યશક્તિમાં મનોમન રૂપાંતર થતાં એનું સ્તવન આવે છે. કવિ કહે છે : ‘રહ્યા બાંધ્યા તારી અલકલટની સાંકળ વડે / કદી તેને કાંઈ નહીં જગતમાં બંધન નડે’ અહીં બાલાશંકરની શાક્તભક્તિ અને સૂફીમસ્તી એકાકાર થઈ ગઈ છે. કવિના જ શબ્દોમાં કહેવું હોય તો કહી શકાય કે અહીં કોઈ મહામસ્તાન જ્ઞાનીના મગજના કોઈ જુદા તારની આપણને ખાતરી થાય છે. સુંદરમે બહુ યોગ્ય રીતે કહ્યું છે કે કાન્તમાં સ્પર્શનાં વર્ણનો આવે છે, કલાપીમાં ચિત્રો વધુ આવે છે, તો બાલાશંકરમાં સુગંધનાં મીઠાં આલેખનો આવે છે. પ્રાસ આંતરપ્રાસ અને નાદનાં ઝૂમખાંઓ વચ્ચે થઈને બાલાશંકરે આ સુગંધોને રમતી મૂકી છે. સુગંધોની આવી કવિતાની સુગંધ ગુજરાતી સાહિત્યમાં વધુ પ્રસરે અને બાલ કવિને એનું યોગ્ય સ્થાન મળે એવી કામના સિવાય એમની મૃત્યુ શતાબ્દીએ બીજી શી કામના હોઈ શકે?