રચનાવલી/૬૬: Difference between revisions
KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|૬૬. શાહમૃગો (મનોજ ખંડેરિયા) |}} {{Poem2Open}} મજાકમાં કહેવું હોય તો કહેવાય કે મોટાભાગના કવિઓ બાડા હોય છે. એ જોતા ક્યાંક લાગે અને જોતા હોય કંઈક બીજું જ. આપણને લાગે કે કવિઓ ‘ઊંટ' ‘જનાવરની...") |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
Line 15: | Line 15: | ||
<br> | <br> | ||
{{HeaderNav2 | {{HeaderNav2 | ||
|previous = | |previous = ૬૫ | ||
|next = | |next = ૬૭ | ||
}} | }} |
Revision as of 11:07, 8 May 2023
મજાકમાં કહેવું હોય તો કહેવાય કે મોટાભાગના કવિઓ બાડા હોય છે. એ જોતા ક્યાંક લાગે અને જોતા હોય કંઈક બીજું જ. આપણને લાગે કે કવિઓ ‘ઊંટ' ‘જનાવરની જાન' કે ‘કાંચીડો’ જુએ છે પણ વાસ્તવમાં એ માણસનું વાંકાપણું, લગ્નની કુરૂઢિ અને રંગ બદલતા આધુનિક માણસની છબીને જોતા હોય છે. આપણા ગઝલકારોમાં આધુનિક કવિ તરીકે નખશિખ બહાર આવેલા મનોજ ખંડેરિયા પણ આપણને લાગે કે ‘શાહમૃગો'ને જુએ છે પણ ખરેખર તો ઉત્તમ વસ્તુ મેળવીને ગુમાવી દીધા પછીની માણસમાં પડેલી એને વિશેની સ્મૃતિ અને ધખનાને જુએ છે. મનોજ ખંડેરિયાને ગઝલને પૂરેપૂરી ગુજરાતી ગઝલ બનાવી છે. એટલું જ નહીં પણ એમણે ગુજરાતી ગઝલને પૂરેપૂરી આધુનિક કવિતામાં ઢાળવા પ્રયત્ન કર્યો છે. અને આધુનિક કવિતા પણ એવી કે જેમાં કોઈ દેખાડો ન હોય, કોઈ ધામધૂમ ન હોય, કોઈ પ્રયોગોના મોટા ધમાકા ન હોય. જાણે કે પડેપડમાંથી નીતરીને શાંત રીતે કશુંક બહાર આવતું હોય એવી જ નીતરી આધુનિક કવિતા, બીજી રીતે કહીએ તો તેઓ ગુજરાતી ભાષાની 'નીતરી ગઝલ'ના એક માત્ર ગઝલકાર છે. જૂનાગઢના રહેવાસી હોવાથી એમની ગઝલમાં જૂનાગઢની જાતજાતની વાત વણાતી આવે; સાથે સાથે ગુજરાતીના બીજા કવિઓની ભાષાની વાત પણ વણાતી આવે અને ખુદ લખવા અંગેની વાત પણ વણાતી આવે એવું એમનું ગઝલનું પોત છે. એમણે બહુ લખ્યું નથી. એમની ગઝલ તો ઓછી છે પણ ક્ષણોને તોડવા બેસું તો વરસોનાં વરસ લાગે’ જેવી એમની ગઝલ તો ગુજરાતીમાં પાંચ ઉત્તમ ગઝલની પસંદગી કરવાની આવે તો એમાં સ્થાન પામે એવી સશક્ત છે. ગઝલકારની આવી તેજસ્વી કારકિર્દી ધરાવનાર મનોજ ખંડેરિયાએ એમનાં શરૂઆતનાં વર્ષોમાં એક દીર્ઘકવિતા ‘શાહમૃગો’ લખી છે. આજે પણ એ રચના પૂરો સંતોષ આપે એવી સફળ છે. ‘શાહમૃગ’માં ‘શાહ’ શબ્દ અહીં વધારાનો અર્થ ઉમેરે છે. ‘શાહમૃગ’ આમ તો પક્ષી છે પણ ‘શાહ' સાથે જોડાય છે, એટલે એમાં એક દબદબો દાખલ થાય છે. કવિ પહેલી જ પંક્તિમાં એનો એ દબદબો પ્રગટ કરે છેઃ ‘શાહમૃગોનાં રૂપે રૂપે વારી ગયાં રે લોક' મનુષ્યનો તો સ્વભાવ છે કે રૂપ જોયું નથી અને એને કેદ કર્યું નથી. તરત શાહમૃગોને વાડામાં રાખ્યાં. એની ફરતે દીવાલોનો પહેરો ગોઠવ્યો અને પહેરો ગોઠવીને શાહમૃગોને જીવની માફક જાળવવા લાગ્યા. હજારો લોકે ઊમટ્યાં ‘શાહમૃગોને જોવા આવે નગર/ શાહમૃગોને જોવા માટે આવે ગામ' નાના મોટા, નર નારી બાળક વૃદ્ધ બધાનાં મનમાં શાહમૃગો સ્વપ્ન બની ગયાં. મોહ અને પ્રેમ ચાહવાની વસ્તુની જ અવદશા કરે છે. શાહમૃગોની દશા જુઓઃ ‘જુએ દીવાલો / જુએ ઝાંપલો કદી કદી આકાશે માંડે આંખ પ્રસારે પાંખ છતાં યે કેમે ના ઉડાય?' પણ કેદ પુરાયેલા ને ક્યારેક કોઈ તરકીબ મળી જાય છે ત્યારે એમાંથી દોડતાંકને છૂટે છે. આ રચનાના શાહમૃગો પણ એમ જ વાડામાંથી ભાગ્યાં, અને ભાગતામાં શાહમૃગોને પકડવા દોડેલાઓ ભલે શાહમૃગોને પકડી ન શક્યા, પણ કવિ પકડવા દોડેલાઓની ગતિને બરાબર પકડી શક્યા છે: ‘નગર નગરની ભીંતો દોડી શેરી દોડી રસ્તા દોડ્યા/ મકાન દોડ્યાં બારી દોડી બાર ટોડલા દોડ્યા દુકાન દોડી/ દુકાન-ખૂણે પડ્યાં ત્રાજવાં દોડ્યાં' પણ શાહમૃગો તો આમ બધાને આવતા જોઈને બમણી તીવ્રછૂટી ગતિએ નાઠાં. કેવાં નાઠાં? કવિએ અનુભવ કરાવ્યો છે. ‘ક્યાંય ભડકતા ભાગ્યા હફરફરફરફ આખા પંથે ધૂળ ઉડાડી હફરફ... હફરફ../ ધૂળના ઊંચા પહાડ ઉડાડી હફરફ.. હફરફ.../ ધૂળથી આખું આભ ઢાંકતા જાય/ દોડતા જાય...' શાહમૃગો તો ગયાં. ક્ષિતિજની પાર ગયાં. એની પાછળ ગામ નગર અટવાતાં રહ્યાં. ઝબકી ઝબકીને આંખ ચોળીને લોકો હવે પૂછ્યા કરે છેઃ ‘ શાહમૃગો પકડાયાં?’ કોઈને ખબર નથી શાહમૃગો ક્યાં છે? કવિ અંતે કહે છેઃ ‘શાહમૃગોની કરે પ્રતીક્ષા આંખ’ હાથમાં આવેલું કેદ કરેલુ, કશુંક છટકી જાય, હાથમાં ન રહે અને આપણા હાથ સતત એને માટે તલપતા રહે એવા આપણા એક સામાન્ય અનુભવને અહીં કવિએ ‘શાહમૃગો' દ્વારા અસામાન્ય રીતે રજૂ કર્યો છે. જકડેલું, કબજે કરેલું ક્યારેય ટકતું નથી. કદાચ આ શાહમૃગો કાળના અવતારો હશે. ઉત્તમ સમયને, ઉત્તમ ક્ષણોને, ઉત્તમ અનુભવને ગમે એટલો અટકાવવા, સ્થિર કરવા પ્રયત્ન કરીએ પણ સમય ઝાલ્યો રહેતો નથી, કે પાછો ઝલાતો નથી. ગયેલા ઉત્તમ સમયની પ્રતીક્ષા જ કર્યા કરવાની રહે છે. એક બાજુ કશું હાથ રહેતું નથી, અને બીજી બાજુ એને અંગેની પ્રતીક્ષા ખૂટતી નથી - આ બે વચ્ચે સબડ્યા કરવાની કરુણતા મનુષ્યના લલાટે સનાતન લખાયેલી છે. મનોજ ખંડેરિયાની આ આખી રચના ‘કટાવ’ છંદમાં છે. લાંબી ટૂંકી પંક્તિઓમાં આવર્તનોથી આખું કાવ્ય લયની મોહિની ઊભી કરે છે. એક શ્વાસે અને અદ્ધર શ્વાસે એ આપણને એમાંથી પસાર કરે છે.