અન્વેષણા/૧૭. દેલવાડાનાં મંદિરો: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(+1)
 
No edit summary
 
Line 29: Line 29:
<br>
<br>
{{HeaderNav2
{{HeaderNav2
|previous = ૧૬. ભોજરાજાનું સરસ્વતીસદન ...  
|previous = ૧૬. ભોજરાજાનું સરસ્વતીસદન...  
|next = ૧૮. વડનગર  
|next = ૧૮. વડનગર  
}}
}}

Latest revision as of 02:16, 11 September 2023


દેલવાડાનાં મંદિરો



ગુજરાતની ઉત્તર સરહદે આવેલો આબુનો પહાડ એક પુરાતન તીર્થધામ છે. પુરાણોણોમાં તેને હિમાલયના પુત્ર તરીકે વર્ણવેલો છે. પૂર્વે વસિષ્ઠઋષિનો આશ્રમ એ સ્થાન પર હતો. પૌરાણિક આખ્યાયિકા પ્રમાણે વસિષ્ઠઋષિની ગાય નંદિની એક વાર ચરવા ગઈ હતી, તે એક મોટા કોતરમાં પડી ગઈ હોવાથી રાત્રે પાછી આવી નહિ; આથી ઋષિએ સરસ્વતીનું ધ્યાન ધર્યું, એટલે સરસ્વતીએ કોતર પાણીથી ભરી દીધું, અને નંદિની તરીને બહાર આવી. બીજે દિવસે ઋષિએ એ કોતર પૂરી દેવા માટે હિમાલયને પ્રાર્થના કરી. હિમાલયે પોતાના પુત્ર નંદિવર્ધનને અર્બુદ નામના નાગની પીઠ ઉપર બેસાડીને મોકલ્યો અને તેણે એ કોતર પૂરી દીધું. અર્બુદ નાગના નામ ઉપરથી એ પર્વત પણ અર્બુદ અથવા આબુ તરીકે ઓળખાયો. આ આખ્યાયિકા સૂચવે છે તે પ્રમાણે, આ પર્વત નાગલોકોનું પ્રાચીન નિવાસસ્થાન લાગે છે. જનમેજયના સર્પસત્રમાંથી બચવા માટે નાગલોકોએ અર્બુદની એક ગુફામાં આશ્રય લીધો હતો એમ પણ પુરાણકાર કહે છે. આબુના પ્રાચીન રાજકર્તા પરમાર વંશની ઉત્પત્તિ વસિષ્ઠઋષિના હોમકુંડમાંથી થઈ હોવાની વાત એ વંશ સાથે સંબંધ ધરાવતા, આબુ ઉપરના શિલાલેખોમાં નોંધેલી છે. પરદેશી લડાયક પ્રજાઓને ઋષિઓએ હિંદુધર્મમાં દાખલ કરી ક્ષત્રિય તરીકે સ્થાન આપ્યું એટલું જ તારતમ્ય આ કથામાંથી નીકળે છે. આબુ ઉપર અચલેશ્વરનુ મંદિર એ પરમાર રાજાઓના વંશપરંપરાગત કુલદેવનું સ્થાનક છે, અને તેમનું શુદ્ધિસત્ર પણ એ સ્થાનમાં જ ઊજવાયું હોય એવો પૂરો સંભવ છે. પૌરાણિક પરંપરા સાથે સંબધ ધરાવતાં અનેક નાનાંમેટાં તીર્થધામો આબુનાં શિખરો ઉપર અને એની ઘાટીઓમાં આવેલાં છે. પરંતુ મધ્યકાલથી આબુ જૈનોનું પણ એક મહાતીર્થ બન્યું છે. આબુ ઉપર જૈન મંદિરોના સમુદાય બે સ્થળે છે – એક અચલગઢ ઉપર અને બીજો દેલવાડામાં. દેલવાડાના મંદિરસમુદાય સમુદ્રની સપાટીથી આશરે ૪,૦૦૦ ફૂટની ઊંચાઈએ આવેલો છે. ‘દેલવાડા’ શબ્દ સંસ્કૃત ‘દેવકુલપાટક’ ઉપરથી બન્યા છે. ‘દેવકુલપાટક’ એટલે મંદિરોનું નગર. શત્રુંજય અને ગિરનારનાં તીર્થોની જેમ દેલવાડામાં પણ મંદિરોનું અને તેની અંદરની દેવકુલિકા અથાત્ દહેરીઓનુ એક નગર વસેલું છે. દેલવાડામાં પાંચ પ્રાચીન જૈનમંદિરો છે. પાટણના ચૌલુક્ય રાજા ભીમદેવના મંત્રી વિમળશાહે સં. ૧૦૮૮માં બંધાવેલું આદિનાથનું મંદિર એમાં કાલાનુક્રમે સૌથી પહેલું છે. વિમલશાહનું મંદિર વિમલવસતિ તરીકે ઓળખાય છે. ત્યાર પછી ધોળકાના વાઘેલા રાજા વીરધવલના મંત્રીઓ વસ્તુપાલ અને તેજપાલે સં. ૧૨૮૭માં બંધાવેલું નેમિનાથનું મંદિર આવે છે. યુવાન વયમાં મરણ પામેલા, વસ્તુપાલના મોટાભાઈ લુણિગના કલ્યાણાર્થે એ બાંધેલુ હોવાથી લૂણવસતિ તરીકે ઓળખાય છે. ત્રીજું મંદિર ગુર્જર જ્ઞાતિના ભીમાશાહે બંધાવેલું આદિનાથનું મંદિર છે. ભીમાશાહનું મંદિર ક્યારે બંધાયું એનો નિશ્ચિત સમય મળતો નથી, પરંતુ વિક્રમની પંદરમી શતાબ્દીમાં થયેલા આચાર્ય સોમસુંદરસૂરિ પોતાના સમયમાં એનો જીર્ણોદ્ધાર ચાલતો હોવાનું લખે છે, એટલે ત્યાર પહેલાં એકાદ-બે સૈકા પહેલાં એ બંધાયું હશે એમ કહી શકાય. ભીમશાહના મંદિરમાં પ્રથમ તીર્થંકર આદિનાથની આઠ ફૂટ ઊંચી ૧૦૮ મણ પિત્તળની, પંચતીર્થીના શિલ્પસમૃદ્ધ પરિકરવાળી મૂર્તિ છે. ભારતનાં જૈનમંદિરોમાં આટલી વિશાળ ધાતુમય મૂર્તિ બીજે ક્યાંય જોવામાં આવતી નથી, એથી એ મંદિર પિત્તલહર (અર્થાત્ પિત્તલગૃહ) તરીકે ઓળખાય છે. ચોથું મંદિર ચૌમુખજીનું છે, જેના ગર્ભગૃહમાં ચારે દિશામાં ચાર મૂર્તિઓ હોય એવા મંદિરને ચતુર્મુખ અથવા અથવા ચૌમુખ કહેવામાં આવે છે. આ મંદિર ક્યારે અને કોણે બંધાવ્યું એ નિશ્ચયપૂર્વક કહી શકાતું નથી. એક એવી દંતકથા ચાલે છે કે વિમલવસતિ અને લૂણવસતિ બંધાવતાં વધેલા પથ્થરોમાંથી કારીગરોએ પોતાના તરફથી આ મંદિર બાંધ્યું, પરંતુ એ માની શકાય એવું નથી; કેમકે વિમલવસતિ અને લૂણવસતિના સમયમાં પણ ૨૦૦ વર્ષનું અંતર છે. પિત્તલહરના દરવાજા ઉપરના ૧૪૮૯ના એક શિલાલેખ પ્રમાણે, એ સમયે દેલવાડાંમાં માત્ર ત્રણ જૈન મંદિરો-એટલે કે વિમલવસતિ, લૂણવસતિ અને પિત્તલહર એ ત્રણ હતાં. આથી ચૌમુખજીનું મંદિર એ પછી બંધાયું હોવું જોઈએ. અપવાદરૂપ થોડીક મૂર્તિઓ સિવાય આ મંદિરના ત્રણે માળમાંના મૂળ નાયક વગેરે ઘણીખરી મૂર્તિઓ ઓસવાલ સંઘવી, મંડલિક અને તેના કુટુંબીઓએ સં. ૧૫૧૫ અથવા તે આસપાસમાં કરાવી છે, એમ એની ઉપરના શિલાલેખોમાંથી જણાય છે. મંદિર પણ સં ૧૫૧૫માં મંડિલકે બંધાવ્યું હશે એમ અનુમાન થાય છે. ચૌમુખજીના મંદિરમાંની ઘણીખરી મૂર્તિઓ ખરતર ગચ્છના શ્રાવકોએ કરાવી છે અને તેમની પ્રતિષ્ઠા ખરતર ગચ્છના આચાર્યોએ કરી છે; તેથી એ ખરતરવસતિ તરીકે પણ પ્રસિદ્ધ છે. પાંચમું મંદિર મહાવીર સ્વામીનું છે. શ્વેતાંબરોનાં આ પાંચ મંદિરો જે કમ્પાઉન્ડમાં આવેલાં છે તેની સામે એક ટેકરા ઉપર દિગંબર જૈનોનું મંદિર છે, જે એમાંના જૂની ગુજરાતી ભાષામાંના શિલાલેખ ઉપરથી સ. ૧૪૯૪માં બંધાયું હોવાનું જણાય છે. પરંતુ ભારતની અમર સ્થાપત્યકૃતિઓમાં દેલવાડાનાં મંદિરોનુ જે અજોડ સ્થાન છે, તે તો વિમલશાહની વિમલવસતિ અને વસ્તુપાલતેજપાલની લૂણવસતિને આભારી છે. વિમલશાહના પૂર્વજો ગુજરાતનું પ્રાચીન પાટનગર શ્રીમાલ અથવા ભિન્નમાલ, જે અત્યારે મારવાડમાં ગણાય છે, ત્યાંના વતની પોરવાડ વણિક હતા. શ્રીમાલના પતનકાલમાં તેઓ ઉત્તર ગુજરાતમાં ચાણસ્મા પાસેના ગાંભૂ ગામમાં જઈને વસ્યા હતા. વનરાજ ચાવડાએ સં. ૮૦૨માં પાટણ વસાવ્યું ત્યારે વિમલશાહના એક પૂર્વજ નીના શેઠને તેણે પાટણમાં લઈ જઈને વસાવ્યા હતા, અને ત્યારથી એના વંશમાં ગુર્જરેશ્વરોનું મંત્રીપદ ચાલતું આવ્યું હતું. વિમલશાહનો પિતા વીર, મૂળરાજ સોલંકીનો મંત્રી હતો. વિમલનો મોટોભાઈ નેઢ ભીમદેવ પહેલાનો મહામંત્રી હતો. વિમલ પોતે ભીમદેવનો સેનાપતિ હતો અને અનેક યુદ્ધોમાં વિજય મેળવીને તેણે ભીમદેવની પ્રીતિ સંપાદન કરી હતી. આબુના પરમાર રાજાઓ, જેમની રાજધાની આબુની તળેટીમાં આવેલ ચંદ્રાવતીમાં હતી તે પાટણના ચૌલુક્ય સમ્રાટના માંડલિકો હતા. એ સમયનો ચંદ્રાવતીનો રાજા ધંધુક પાટણપતિ ભીમદેવના આધિપત્યનો અસ્વીકાર કરવા લાગ્યો, આથી તેને વશ કરવા માટે ભીમદેવે વિમલને સૈન્ય સાથે મોકલ્યો. વિમલને આવતો સાંભળીને ધંધુક ત્યાંથી નાસી ગયો અને ધારાનગરીનો રાજા ભોજ જે એ સમયે ચીતોડમાં હતો તેના આશ્રયે જઈને રહ્યો. ભીમદેવે ચંદ્રાવતીનો અને આબુના રાજ્યનો વહીવટ કરવા માટે દંડનાયક તરીકે વિમલની નિમણૂક કરી. પાછળથી વિમલે સામનીતિનો પ્રયોગ કરી ધંધુકને યુક્તિપૂર્વક ચંદ્રાવતીમાં પાછો બોલાવ્યો અને ભીમદેવ સાથે તેની સંધિ કરાવી દીધી. આ પછી વિમલે પોતાની ઉત્તરાવસ્થા ચંદ્રાવતીમાં તેમ જ આબુ ઉપરના અચલગઢમાં ગાળી. એક વાર ધર્મઘોષસૂરિ નામે આચાર્યે ચંદ્રાવતીમાં ચાતુર્માસ કર્યો. તેમના ઉપદેશથી વિમલે આબુ ઉપર તીર્થ માટે જગા પસંદ કરી. તે જગા બ્રાહ્મણોને મોટી રકમ આપી ખરીદ કરીને ત્યાં આદિનાથનું મંદિર, તેની આસપાસની જગતીની દહેરીઓ, જે સામાન્ય રીતે ‘ભમતી’ નામથી ઓળખાય છે તે, તથા પોરવાડોની કુલદેવી અંબિકાનું મંદિર બાંધ્યું. આ આખો મંદિરસમૂહ વિમલવસતિના નામથી ઓળખાયો. વિમલવસતિ બંધાયા બાદ એક સો કરતાં વધુ વર્ષ પછી, વિમલના જ વંશમાં થયેલા સિદ્ધરાજ અને કુમારપાલના મંત્રી પૃથ્વીપાલ અને તેમનાં બીજાં સગાંસંબંધીઓએ વિમલવસતિની કેટલીક દહેરીઓનો જીર્ણોદ્ધાર કરાવ્યો, અને મંદિરની સામે એક હસ્તિશાલા કરાવીને તેમાં પોતાના નામાંકિત પૂર્વજોની ઘોડેસવાર તેમ જ હાથી ઉપર બેઠેલી મૂર્તિઓ સ્થાપન કરી. વિમલશાહની મહાકાય ઘોડેસવારમૂર્તિ એ હસ્તિશાલામાં આજે પણ વિદ્યમાન છે. વિમલવસતિ બંધાયા બાદ લગભગ પોણા ત્રણસો વર્ષ પછી સં. ૧૩૬૦માં અલાઉદ્દીન ખિલજીના સૈન્યે ગુજરાત ઉપર આક્રમણ કર્યું ત્યારે એનો મૂર્તિભંજક ઉત્સાહ વિમલવસતિ ઉપર પણ ફરી વળ્યો. એણે મંદિરનો ગભારો, ગૂઢ મંડપ, અંદરની ઘણી મૂર્તિઓ તથા - હસ્તિશાલાના કેટલાક ભાગનો નાશ કરી નાખ્યો, આથી એનો ફરી વારનો જીર્ણોદ્ધાર સં. ૧૩૭૮માં માંડવ્યપુરના વતની વીજડ, લાલિગ વગેરે પિતરાઈ ભાઈઓએ કરાવ્યો. વસ્તુપાલ-તેજપાલના મંદિર લૂણવસતિનો પણ રસિક ઇતિહાસ છે. જૂના પ્રબંધોમાં વર્ણવ્યા પ્રમાણે વસ્તુપાલ અને તેજપાલ એક વાર તેમના કુટુંબ સાથે સૌરાષ્ટ્રમાં આવેલાં જૈન તીર્થોની યાત્રાએ જતા હતા. એ સમયે તેઓ પોતાની પાસેનું ધન હડાળા ગામ પાસે દાટવા માટે ગયા. ત્યાં વળી જમીન ખેાદતાં બીજું પુષ્કળ ધન નીકળ્યું. વસ્તુપાલના કુટુંબમાં તેજપાલની વિદુષી પત્ની અનુપમાનું ખૂબ માન હતું. વસ્તુપાલે અનુપમાને પૂછ્યું, કે ‘આ ધનનું શું કરવું?' અનુપમાએ ઉત્તર આપ્યો: ‘એને પર્વતના શિખર ઉપર સ્થાપિત કરવું જોઈએ, જેથી એ જેમ આપણે હાથ આવી પડયું, તેમ કોઈને હાથ ન જાય.' આ ઉપરથી વસ્તુપાલ—તેજપાલે એ ધનનો વ્યય આબુ અને ગિરનાર ઉપર અદ્ભુત કારીગરીવાળાં મંદિરો બંધાવવામાં કર્યો. પ્રબંધોમાં સચવાયેલી આ દંતકથા જેવી વાતમાં વાસ્તવિકતા કેટલી હશે એ કહેવું મુશ્કેલ છે, પરંતુ અનુપમાની સલાહ તાત્ત્વિક અર્થમાં સાચી પુરવાર થઈ છે; કેમકે વસ્તુપાલે બાંધેલાં અને સમરાવેલાં સેંકડો જૈન, શૈવ અને વૈષ્ણવ દેવાલયો, મસ્જિદો, ઔષધાલયો, ધર્મશાળાઓ, વાવો, સરોવર, કૂવાઓ, પ્રપાઓ અને તેમનાં પોતાનાં અનેક કુટુંબીઓનાં મહાલયોમાંથી આબુ અને ગિરનાર ઉપરનાં મંદિરો સિવાય બીજું કંઈ જ બચ્યું નથી. લૂણવસતિના બાંધકામ ઉપર પણ અનુપમાની જાતિદેખરેખ હતી. તેની જ સૂચનાથી કારીગરો માટે જમવાની વ્યવસ્થા કરવામાં આવી હતી. પર્વત ઉપરની સખત ઠંડીમાંથી બચવા માટે દરેક કારીગરની આગળ એક સઘડી મૂકવામાં આવી હતી. કામ ઝડપથી પૂરું થાય એ માટે દરેક કારીગરને તેના શિલ્પકામથી પડેલા આરસના ભૂકા જેટલી ચાંદી વેતનરૂપે અપાતી એવું પણ પ્રબંધોમાં નોંધેલું છે. મંદિરમાં મૂળ નાયક તરીકે પ્રતિષ્ઠિત કરાવવામાં આવેલી નેમિનાથની મૂર્તિ ખાસ ખંભાતમાં તૈયાર કરાવવામાં આવી હતી. લૂણવસતિમાં વસ્તુપાલે પોતાના પૂર્વજોની, પત્ની સહિત પોતાની, પોતાના ભાઈઓ તથા તેમની પત્નીઓની મૂર્તિઓ મુકાવી, જે સર્વ આજસુધી અખંડ છે. લૂણવસતિના ગર્ભગૃહ અને ગૂઢમંડપને ભંગ વિમલવસતિની સાથે થયો હતો અને તેનો જીર્ણોદ્ધાર પણ સં. ૧૩૭૮માં વિમલ વસતિની સાથે, પેથડ નામે એક મોટો વેપારી સંઘ લઈને આવ્યો હતો તેણે કરાવ્યો હતો. વિમલવસતિ અને લૂણવસતિના બાંધકામમાં કરોડોનો ખર્ચ થયો હોવાનું જૈનપરંપરા નોંધ છે તે અતિશયોક્તિભર્યું લાગતું નથી. બન્ને મંદિરો ઊંચી જાતના સફેદ આરસનાં બાંધેલાં છે. એ પ્રકારનો આરસ આબુની આસપાસ પચીસેક માઈલની અંદર મળતો નથી. એટલે દૂરના પ્રદેશોમાંથી એ પથ્થર લાવીને આટલી ઊંચાઈએ ચડાવવામાં, પર્વત ઉપરની ઠંડીમાં બહારથી સ્થપતિઓ, શિલ્પીઓ અને કારીગરો બોલાવીને વર્ષો સુધી કામ ચાલુ રાખવામાં, જેની એકએક પૂતળી તૈયાર કરવામાં દિવસો અને મહિના નીકળી જાય એવાં અદ્વિતીય શિલ્પોથી સમસ્ત મંદિરને મઢી લેવામાં, તથા આખાયે ગુજરાત અને રાજસ્થાનના સુપ્રસિદ્ધ પુરુષોએ જેમાં હાજરી આપી હતી એવા મોટા પ્રતિષ્ઠામહોત્સવો યોજવામાં એ સમયની સેાંઘવારી ધ્યાનમાં રાખીએ, તોપણ ધનનો અપાર વ્યવ થયો હશે. આબુ ઉપરનાં આ મંદિરો બેઠા ઘાટનાં, નીચા શિખરવાળાં છે અને બહારથી એટલાં સાદાં છે કે તેની અંદર આટલી કલાસમૃદ્ધિ ભરેલી હશે એની કલ્પના પણ ત્યાં પ્રથમ વાર પ્રવેશ કરનારને આવી ન શકે. આબુમાં ધરતીકંપના કારણે મંદિરોની બાંધણી નીચી રાખી હોવાનું અનુમાન થાય છે. મહાદેવનો નંદી એક શિંગડા ઉપર આબુને ધારણ કરે છે અને જ્યારે થાક લાગે ત્યારે બીજા શિંગડા ઉપર લઈ લે છે, એ પ્રચલિત દંતકથા આબુ ઉપરના ભૂકંપોની સૂચક છે. વિમલવસતિ અને લૂણવસતિ એ મંદિરોના જીર્ણોદ્ધૃત થયેલા ગર્ભગૃહ અને ગૂઢમંડપ સિવાયના બધા જ ભાગો–એના અદ્ભુત કોતરણીવાળા ઘૂમટો, અનેક દેવકુલિકાવાળી ભમતીઓ અને એની છત, તોરણો અને સ્તંભો, ગોખલાઓ અને શાલભંજિકાઓ, વિમલશાહ અને વસ્તુપાલની તથા એમના પૂર્વજોની મૂર્તિઓ – એ બધું મંદિરોના સ્થાપનાકાળે હતું તેમ મોજૂદ છે. ભારતની શિલ્પ અને સ્થાપત્યની કલાએ ગુજરાતમાં પ્રાપ્ત કરેલી સર્વોચ્ચ સિદ્ધિના એ ઉત્કૃષ્ટ નમૂના અહીં, લગભગ મૂળ સ્થિતિમાં દર વર્ષે હજારો યાત્રીઓને આકર્ષતા વિદ્યમાન છે. પરમ શૃંગારિકથી પરમ ધાર્મિક સુધીની જીવનની સર્વ પ્રવ્રુત્તિઓનું–સારીયે લોકલીલાનું જેમાં પાષાણની આકૃતિઓમાં નિરૂપણ કરેલું હોય છે એવી, ભારતનાં પ્રાચીન મંદિરો જેવી દૃશ્ય કલાકૃતિઓની સમૃદ્ધિનું વર્ણન શબ્દો દ્વારા કરવાનું મુશ્કેલ છે. દર્શન કરીને જ અનુભવાય એવી, એ પાષાણમય કાવ્યના કવિની વિલક્ષણ સૃષ્ટિનું વર્ણન કરવાને શબ્દો અસમર્થ જ નીવડે. છત, સ્તંભો, બારસાખો, ધાર્મિક કથાપ્રસંગો આલેખતાં શિલ્પોની હારમાળાઓ અને ગોખલાઓનાં સૂક્ષ્મ કોતરણીવાળાં અલંકરણો કેવળ અદ્ભુત છે. શિલ્પીઓએ પોતાની કલાના વાહન તરીકે આરસનો જે વિનિયોગ દેલવાડાનાં મંદિરોમાં કર્યો છે તે ભારતમાં અદ્વિતીય છે અને કેટલીયે રચનાઓ તો ખરેખર સૌંદર્યના કોઈ સ્વપ્ન જેવી છે. લૂણવસતિના ઘૂમટની રચના વિષે કર્નલ ટોડ લખે છે કે ‘એનુ વર્ણન કરતાં કલમ હારી જાય છે અને ગમે તેવા કુશળ ચિત્રકારની પીંછીને પણ એનું આલેખન કરતાં બેહદ શ્રમ પડે છે.’ એ તો સ્પષ્ટ રીતે કહે છે કે ગૉથિક સ્થાપત્યની સૌથી અલંકૃત પરંપરાનો કોઈ પણ નમૂનો એની બરાબરી કરી શકે એમ નથી. ‘એ ઘૂમટની વચ્ચે લટકતું આરસનું ઝુમ્મર અર્ધા ખીલેલા કમળના ફૂલ જેવું દેખાય છે, જેની પાંખડીઓ એટલી બારીક, એટલી પારદર્શક અને એવી ઘાટીલી છે કે તે જોઈને દૃષ્ટિ સ્તબ્ધ થઈ જાય છે.' પણ આ મંદિરોનાં શિલ્પોમાં માત્ર નિર્જીવ વસ્તુઓનું આલેખન નથી. એમાં સંસાર વ્યવહારનાં, ગૃહજીવનનાં, ધાર્મિક અને પૌરાણિક ઇતિહાસનાં, વેપાર અને વહાણવટાનાં તથા સંગ્રામોનાં ચિત્રણ છે. ભારતમાં અન્ય કેટલેક સ્થળે આવેલાં પ્રાચીન મંદિરોથી ઊલટું જ, વિમલવસતિ અને લૂણવસતિનું લગભગ પ્રત્યેક પ્રસંગશિલ્પ ઓળખી શકાયું છે, અને એનું ધ્યાનથી દર્શન કરનારને મધ્યકાલીન ભારતના રીતરિવાજો, પહેરવેશ, ઉત્સવો, આનંદ વિનોદ વગેરે વિષે તેમ જ જૈન ધાર્મિક કથાપ્રસંગો અને ઇતિહાસ વિષે, ટૂંકમાં સમગ્ર સંસ્કારિતા વિષે, જાણે કે પ્રત્યક્ષ શિક્ષણની પદ્ધતિએ, ખૂબ જાણવાનું મળે છે અને એ રીતે યાત્રાનું સાફલ્ય થાય છે. આબુનાં મંદિરોમાં આરસને વાણી પ્રાપ્ત થઈ છે. ઐશ્વર્ય સાથે સરસ્વતીસેવાના આદર્શો ચરિતાર્થ કરનાર ગુજરાતના વીર મંત્રીઓના ઉચ્ચ ધર્મપ્રેમ અને કલાપ્રેમના પ્રતીકરૂપ એ મંદિરો પ્રત્યેક માનવી માટે દર્શનીય છે.

[‘અખંડ આનંદ,' જુલાઈ ૧૯૫૦]