અવલોકન-વિશ્વ/પારદર્શકતાની પાંખો – રાધેશ્યામ શર્મા: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(+1)
 
(+1)
 
Line 53: Line 53:
{{Poem2Open}}
{{Poem2Open}}
પિતા સાથેના સંબંધોની ઝલક, ઘડિયાળને ચાવી આપવાની ટેવમાં પ્રતીકાત્મક રીતે છતી થઈ છે:
પિતા સાથેના સંબંધોની ઝલક, ઘડિયાળને ચાવી આપવાની ટેવમાં પ્રતીકાત્મક રીતે છતી થઈ છે:
 
{{Poem2Close}}
::''‘અમારા બાપદાદાના સમયનું/એક ઘડિયાળ/અમારા ઘરમાં છે/બાપુજી પહેલાં તેને રોજ સવારે આઠ વાગ્યે નિયમિત ચાવી આપતા/કાકા સાથે ઝઘડો થયો હોય/કે મારો દાખલો ખોટો પડ્યા પછી/મને પ્રસાદી મળી હોય/તો પણ બાપુજી ચાવી આપવાનું/કદી ભૂલતા નહીં. (પૃ. 46)''
::''‘અમારા બાપદાદાના સમયનું/એક ઘડિયાળ/અમારા ઘરમાં છે/બાપુજી પહેલાં તેને રોજ સવારે આઠ વાગ્યે નિયમિત ચાવી આપતા/કાકા સાથે ઝઘડો થયો હોય/કે મારો દાખલો ખોટો પડ્યા પછી/મને પ્રસાદી મળી હોય/તો પણ બાપુજી ચાવી આપવાનું/કદી ભૂલતા નહીં. (પૃ. 46)''
{{Poem2Open}}
{{Poem2Open}}
Line 206: Line 206:
::''અને''
::''અને''
::''શરીરમાં વાગી ઊઠતી ઝાલર''
::''શરીરમાં વાગી ઊઠતી ઝાલર''
::''ચામડી પાસે ખણખણી ઊઠતો દરિયો (પૃ. 14)''<poem>
::''ચામડી પાસે ખણખણી ઊઠતો દરિયો (પૃ. 14)''</poem>
{{Poem2Open}}
{{Poem2Open}}
દૃશ્ય-શ્રાવ્ય કલ્પનનું આ કોલાજ જાજરમાન અને જીવંત છે.
દૃશ્ય-શ્રાવ્ય કલ્પનનું આ કોલાજ જાજરમાન અને જીવંત છે.
Line 230: Line 230:
::''… ચાલને હવે જઈએ મુંબઈ…''
::''… ચાલને હવે જઈએ મુંબઈ…''
::''… ઘરે તો જવાનું જ છે''
::''… ઘરે તો જવાનું જ છે''
::''પણ કયા ઘરે જાઉં? (પૃ. 44-45)''<poem>
::''પણ કયા ઘરે જાઉં? (પૃ. 44-45)''</poem>
{{Poem2Open}}
{{Poem2Open}}
‘ધૂળ’ એક પ્રસરી જતા પ્રતીક સમી કૃતિ છે.
‘ધૂળ’ એક પ્રસરી જતા પ્રતીક સમી કૃતિ છે.

Latest revision as of 04:47, 15 October 2023

પારદર્શકતાની પાંખો – રાધેશ્યામ શર્મા


???
???
કોઈ પણ કવિ નિજી અવાજની શોધમાં નીકળતો હોય તોય ભાષા અને સંવેદનશીલતા સાથે કામ પાડવાનું આવે જ. એની મથામણ ભાષાની સાથોસાથ અસ્તિત્વનાં સંવાદી-વિસંવાદી તત્ત્વોને સમજવાની, પામવાની હોય તે સ્વાભાવિક છે. ભાષા અને અનુભવનું અદ્વૈત ફોર્મમાં સધાતું આવે છે. સ્વાનુભૂતિ પણ અન્તે તો ભાષામાં રૂપાન્તર પામે.

કવિ નીતિન મહેતા એમના ‘અનિત્ય’ સંગ્રહમાં એક પ્રતિજ્ઞા સાથે પ્રગટ થયા. છંદમાં લખ્યા બાદ છંદ છોડી દઈ અછાંદસમાં કાવ્યરચના કરવી:

અમુક જ કલ્પનો,પ્રતીકોમાં કામ કરવું, કથન ને નાટ્યતત્ત્વના પલટાઓ આવે, ભાષા સાથે ક્યાંક ઝીણું નકશીકામ થાય, સરળ બાની, વિનોદ ને વ્યથા એક સાથે ગુંથાતાં આવે એવી કવિતાની ડિઝાઇન રચવાનું ગમ્યું છે. વિરામચિહ્નો પ્રગટપણે કવિતામાં ન આવે, વિધાનો પણ ક્યારેક આવે, ભાષા-વાસ્તવ તો ચિત્તની મૂંઝવણોને આજુબાજુ મૂકવાથી શું થાય તેનું કુતૂહલ રહ્યું છે.

શું થાય-નું કુતૂહલ કાવ્યસંચયમાં કેવી રીતિએ થયું? – એનો તો સર્જકની રચનાપ્રક્રિયાનાં ઉદાહરણો સમેત કાવ્યે કેવો આકાર લીધો તેના અવલોકનથી અંદાજ મળે.

સંગ્રહનું નામ પણ કવિતાસંગ્રહોની પરંપરા સાથે બેસતું નથી. ‘અનિત્ય’ શબ્દ સામાન્ય ભાવકને આધ્યાત્મિક વિચાર તરફ દોરે. નિત્ય શું, અનિત્ય શું?

સર્જનપ્રક્રિયામાં જે તે શબ્દો વારંવાર રચનાઓમાં ડોકાયા તેનો ધર્મ- અધ્યાત્મ સાથે ભાગ્યે જ સીધો સંબંધ છે. પ્રશ્નો કરવા હોય તો આવા હોય.

ભાષા અનિત્ય છે?

સંવેદના અનિત્ય છે?

સંવેદના જેમાં પ્રકટી એ અનુભવ અનિત્ય છે?

અનુક્રમમાં કૃતિઓનાં શીર્ષકો છે, તદુપરાંત ‘એક કાવ્ય’ના નામે અગિયાર કૃતિઓ અને ‘એક રચના’ના નામે ત્રણ કાવ્યો છે. એવી એેક કૃતિ ‘એક રચના’માં ‘અનિત્ય’ શબ્દ ડોકિયું કરે છે:

ચીજવસ્તુઓ મને ઘેરી ન વળો
જાતે રંગાયા વિના મને રંગનાર
વહાલ વિલાપ ને વેરથી
મને તમારી જોડે વણનાર
આમ તો
આપણે બન્ને અનિત્ય
ચાલો ત્યારે નીકળું (પૃ. 90)

નિલિર્પ્તતા અહીં ‘અનિત્ય’નો પર્યાય છે.

પૂરા સંગ્રહમાં મૃત્યુ, સપનાં, પિતા, મિત્રો સાથેના સંબંધો જાણે નિત્ય હોય તેમ અભિવ્યક્તિ પામ્યાં છે. દા.ત.

મરણને સમજીએ એ પહેલાં
આ જગતને સમજવાનું હોય
સમય પીગળી જતાં પહેલાં
એના સંગીતમાં તરવાનું હોય
સપનાંઓને અંતે એક સમુદ્ર (પૃ. 83)

મરણની વસંતનો સપનાં સાથેનો સંબંધ જોઈએ:

આ સપનાંની કોઈ ઓળખ?
હા, એ થોડાં સાયકોસોમેટિક
ને એના મરણની પણ વસંત (પૃ. 88)

પિતા સાથેના સંબંધોની ઝલક, ઘડિયાળને ચાવી આપવાની ટેવમાં પ્રતીકાત્મક રીતે છતી થઈ છે:

‘અમારા બાપદાદાના સમયનું/એક ઘડિયાળ/અમારા ઘરમાં છે/બાપુજી પહેલાં તેને રોજ સવારે આઠ વાગ્યે નિયમિત ચાવી આપતા/કાકા સાથે ઝઘડો થયો હોય/કે મારો દાખલો ખોટો પડ્યા પછી/મને પ્રસાદી મળી હોય/તો પણ બાપુજી ચાવી આપવાનું/કદી ભૂલતા નહીં. (પૃ. 46)

અગાઉની રચનામાં,ઘડિયાળ સાથે, પિતાના કારાગારમાંથી એસ્કેપ કરવાનું પરાક્રમ નોંધાયું છે:

અટકેલી ઘડિયાળને/ચાવી દેતાં જ/પિતાનું અમથું હાસ્ય/મારી આજુબાજુ કારાગાર રચે/સળિયા તોડી ભાગું/ને/સામેની દીવાલ જોડે માથું અફળાય (પૃ. 39)

મિત્રો અંગેના ભાવાનુબન્ધો પણ રસપ્રદ છે – ‘રમણભાઈને (સોનીને?) કે’જો કે મારા સંગ્રહનો રિવ્યુ જલદી કરાવે (પૃ. 4)

કડવી રાત્રિઓમાં વ્યાસ, અખો, પ્રેમાનંદ, કાફકા, કેમ્યૂ, બેકેટ, કુંદેરા શાંતિથી ઊંઘવા ન દે… સુરેશ જોષી, રાવજી, શેખ, લાભશંકર, સિતાંશુ, દિલીપ ને મારા સમકાલીનો/ પ્રશ્નો પૂછી પૂછી/ મને સતત મૂંઝવે… (પૃ. 58)

સંગ્રહના આરંભે લાંબી (આવી બીજી પણ છે) રચના ‘ના પાડી હતી તો પણ ગયો ને’માં અંગ્રેજી અવતરણ છે તે સંગ્રહની ઘણી કૃતિઓને પણ ઊંડણમાં લે છે: Nothing is funnier than unhappiness – Samuel Backett. અહીં તો કાવ્યનાયક ‘ના’ની સામે હા હા હા હજાર વાર હા રે હા બબડી અંગૂઠામાં ભચ્ચ દઈ ટાંકણી ખોસી દેતાં લોહી-પરુ ભરેલાં ટીપાં જમીન પર પડે છે ને – ‘એમાંથી છરી તલવાર ઉછાળતું ટોળું મારી ચારે બાજુ ભગવાલીલા વાવટાઓ લઈ ફેરફુદડી ફર્યા કરે/ બસ એને મૂંગો મૂંગો જોઈ રહું/ ભીંત પરનો અરીસો જરા હલી ઊઠે. (પૃ. 7)

બોલચાલની ભાષાભર્યું કાવ્ય ‘કેમ ફાવી ગયુંને’માં ગુંડાગર્દી માહોલની ભાષાનો સહજ નમૂનો મજાનો છે:

‘યાર અપુનકા તો ઐસા કિ કિસીકો ભાવ નહીં દેને કા
પેલીને એક વાર ફીટ કરી દેવી છે
એય ગાંડુ તેરી માબેન હૈ ક્યા
કાન કે નીચે એક ખીંચ કે દે દૂં ક્યા’ (પૃ. 9)

મૃત્યુના સંબંધે ‘એક કાવ્ય’માં ભાષાનો ઉલ્લેખ વિલક્ષણ વિશિષ્ટ છે:

‘કેટલાંયે વર્ષોથી માત્ર ઊંઘું છું
કદાચ મરી ગયો હોઈશ…
સંસ્કૃતિનાં ઓજારો
રંગરોગાન કરેલી ઉધારીઓ
મશીનગનથી વીંધાતી ભાષા’ (પૃ. 80)

મોત બોલાવે છે ‘આવે ત્યારે’માં:

‘ચાલ બહુ થયું ભાષા વિનાના પ્રદેશમાં’

પણ નાયક શરણું સ્વીકારતો નથી:

‘હું તો ચાલીશ હાંફીશ થાકીશ રિસાઈશ
પણ શરણે તો નહીં જ…’

મોંમાં તરણું લઈ મૃત્યુ સમક્ષ ઝૂકવાનું નથી અને તેય શબ્દના ઉદરમાં શૂન્યતા પ્રવેશ્યા છતાંય:

‘લખાયેલા શબ્દોમાં
ખાલીપણું
ચુપચાપ પેસી ગયું છે
હવે આ છેલ્લી ચાલમાં
ભલે કોઈ સાથી નથી
માત્ર મારે જ ચાલવાનું છે’ (પૃ. 71)

(ટૂંકમાં આઇ હૅવ ટુ બૅર માય ઓન ક્રોસ…)

ઉપર ‘ભાષા વિનાના પ્રદેશ’નું વર્ણન આવ્યું, એવું બીજું કથન પણ એટલું જ ધ્યાનાર્હ છે:

‘હા, ચોક્કસ,
તમારી ચુપકીદી સાથે
એક દિવસ હું જરૂર વાત કરીશ.
હમણાં તો આપણે
ભાષા વિનાના સમયમાં ચુપચાપ.’ (પૃ. 57)

ભાષાવિહોણો પ્રદેશ ત્યાં સ્થાનની, જગ્યાની, સ્પેસની જિકર છે, ત્યારે અહીં ભાષા વિનાના સમયની એટલે કે પ્રદેશ નિરપેક્ષ એબ્સ્ટ્રેક ટાઇમનો સંદર્ભ છે. એક રચનાકાર ગદ્ય-કવિતામાં શું સાધી શકે એનું આ સ-રસ ઉદાહરણ છે. આંખ સાંભળે અને કાન ભાળે એવા ઇન્દ્રિયવ્યત્યયનો આ નિકટ નમૂનો નથી? ભાષા-અનુષંગે, પ્રદેશ કવિની ચેતનાનો છે એમ સમય પણ સર્જકની અનુભૂતિનો છે, એટલે તો એમનો નાયક ભાષા વિનાના પ્રદેશમાંથી ભાષા વિનાના સમયમાં ટ્રાન્સપોર્ટ–ટ્રાન્સફર થઈ શકે છે! પાછું, ઓછું હોય તેમ ‘ચુપચાપ…’

ભાષા સાથે જેણે પાકુ પનારું સ્વીકાર્યું હોય તેમણે શ-બ-દો સાથે અવિનાભાવી સંબંધ રાખવાનું થાય પણ અહીં તો કર્તાની ફરજ, ઊલટ ન્યાયે, શબ્દો સ્ટ્રેન્જર સ્વરૂપે બજાવે છે!

દરેક લખાણ પછી
શબ્દો કેમ અજાણ્યા બની જતા હશે?
દર વખતે દૂર દૂરના અનેક શબ્દો
પાસે આવે
મને રચે
ને એકાએક અવકાશમાં અદૃશ્ય થઈ જાય (પૃ. 98)

સૂક્ષ્મતાથી અવલોકીએ તો લખાણ રચાયું તે ક્ષણ સુધી શબ્દો હતા પરંતુ લખાણ પછી શબ્દો અજાણ્યા, ઇતર (Outsider) બની રહ્યા, તેમ છતાં જ્યારે ત્યારે દર વખતે દૂર દૂરના અનેક શબ્દો કવિના વ્યક્તિત્વની છાપ મુજબ ફરી જાય અને ઓચિંતા અવકાશમાં અદૃશ્ય થઈ જાય!

એથીય આગળ ‘શબ્દોથી રચાયેલા વિશ્વમાં/જરાક અમથા ફરીએ ફરીએ/હજી તો એક વળાંકથી બીજે માત્ર વળીએ/અને એકાએક/અજાણ્યા મુસાફર થઈ જઈએ/તો કઈ ઓળખ રચીએ?’ (પૃ. 99)

જેમ કવિતામાં એમ્પટીનેસ – ખાલીપણાની અનુભૂતિ આવી એ જ પાટે અજાણ્યા મુસાફર લેખે આઉટસાઇડરની ટૅગ ચોંટાડી છતાં ‘કઈ ઓળખ રચીએ?’ પંક્તિમાં આઇડૅન્ટિટી ક્રાઇસિસ વિશદપણે પ્રસ્તુત થઈ છે.

કાવ્ય રચતાં, વ્યક્તિમાં હોય તેવું પાંડિત્ય પ્રગટ થયા વગર રહે? ત્યારે અહીં તો એ આત્મપ્રસ્તુતિમાં ગરકાયા વિના તિરસ્કૃતિમાં પ્રવર્તે છે. ઉ.ત.:

પૂળો મૂક તારા ચબરાકિયા પાંડિત્યમાં
ફરી આંખમાં આંખ પરોવી
ત્રાટક કરતાં કહે
તેં જ ઊભા કર્યાં છે પ્રપંચો (પૃ. 96)

પ્રપંચકર્તા રૂપે ગિલ્ટી નીતિન એક વ્યક્તિ – જાણે પોતાને દંડ રૂપે મૃત્યુ પાસે નોતરું મોકલાવે, બોલાવે છે:

મારી બાલ્કનીમાંથી
નદીકિનારે ચાર માણસો જતાં
પલંગ પર જરા લંબાઉં
કાનમાં કોઈ કહે નીતિન… નીતિન…
હવે તો નીકળી આવ
હાથથી અવાજ ઝાટકું…. (પૃ. 78)

અસ્તિદગ્ધ નાયક ‘સુશ્રી’ને, હોસ્પિટલમાંથી કૂંડાળામાં પરાણે – કાફકાની ટ્રાયલ યાદ આવે એ રીતે – ફેંકાયા પછી એસ્કેપ કરવાનું આલેખે છે:

એક સપનું ખરું કે
એક દિવસ
હવામાં લાકડી ફેંકી
નાસી છૂટીશ (પૃ. 69)

નાસી છૂટવાના તરંગ ભેળું તીવ્ર માતૃતૃષામાં ઇંગિતસંકેતનું નિરૂપણ – તક ચૂકી જવાની કલ્પનાને સહજતાથી વર્ણવે છે: ઊંઘમાં પણ બાજુવાળી ટીનાના બ્લાઉઝનાં બટન ખોલવા હાથ લંબાવીએ ને એમ જ થાય કે ટ્રેન ચૂકી જવાશે. (પૃ. 19)… ‘પછી તેના પર માત્ર હાથ ફેરવીએ છીએ/ જેવો પહેલી વાર ટીનાના સ્તનો પર ફર્યો હતો/ને શરીરમાં સમુદ્રોએ/ ચન્દ્રને – આંબવા હાથ લંબાવ્યા હતા. (પૃ.24)

સીધી સળંગ લાંબી લીટીઓમાં રચેલી ગદ્યકૃતિમાં પણ છાતીનો ઉલ્લેખ છે: ‘મેડોનાની છાતી પર પંગિપોંગ રમતી આંખ (પૃ. 13) વૃદ્ધોના વયોગ્રસ્ત દૃષ્ટિક્ષેપોમાં ય આ ભાવ નીરખાયો છે, પરખાયો છે. ‘સિત્તેરના વૃદ્ધો વીસ વર્ષની/ છોકરીની છાતીને તાકી રહે/ ને હાથમાં સફરજન રમાડ્યા કરે/ એવું જ ગઈ કાલનું સમજવું મહેરબાન.’ (પૃ. 10) –મનોવિશ્લેષકો ઉરોજની લગનીઘેલછાને પત્ની પ્રિયા યા માતા સાથેનું તાદાત્મ્ય નિર્દેશે છે, રિમોટલી… સફરજન ફળના ઉલ્લેખો પણ એ જ દિશાના સૂચક.

સંગ્રહમાં સરરિયલ – અતિવાસ્તવના અભિનિવેશો પણ કળાત્મક છે:

‘પગની નસ ચઢી જાય
એલાર્મ બંધ કરવા ઊઠતાં સામેના
અરીસામાંથી ઊડીને એક ગીધ કપાળની
વચોવચના તલમાં પેસી જાય’ (પૃ. 11)

આયનામાં ગીધ,એ કપાળમધ્યે ઊડીને તલમાં પ્રવેશી જાય! ‘આ દુકાળમાં’ કાવ્ય તો પૂરેપૂરું અતિ-વાસ્તવભર્યું છે. ઉ.ત.

રાતે મેદાનમાં પડેલો એક તારો
ગણગણતો એક પક્ષી બને છે. (પૃ. 16)

કાઈનેટિક ઇમેજરિની આ ચમત્કૃતિ જ ગણાય.

વ્યંગ પણ કેવો સુ-સંસ્કૃત: યુવતીઓની સાડીના છેડાની/ આરપાર નીકળી જતા/ આ વૃદ્ધોના મનમાં/ બુદ્ધપૂણિર્મા હજી ઊગી નથી! (પૃ. 33)

‘દુકાળ’માંનો પ્રારંભ નરસિંહ મહેતાની ધૂનમાં ગુંથાય ખરો, પરંતુ કેવો કાવ્યમય વળાંક લે:

જાગીને જોઉં તો
હું અને જગત
આંખ અને ઊંઘ
તારોડિયું આકાશ
અને
શરીરમાં વાગી ઊઠતી ઝાલર
ચામડી પાસે ખણખણી ઊઠતો દરિયો (પૃ. 14)

દૃશ્ય-શ્રાવ્ય કલ્પનનું આ કોલાજ જાજરમાન અને જીવંત છે.

ક્યાંક કલરસેન્સના ઝબકારા પણ ઊડે: પગના અંગૂઠાનું લીલું ચાઠું આજ સુધીમાં ત્રાંબાવરણું થઈ ગયું છે. (પૃ. 7), થેલી લઈ આવતા બાપુજી/ તેમની પાનની ડબ્બી પર/ કથ્થઈ ટપકાં પડ્યાં હોય (પૃ. 50).

આગળ, પિતા સાથેના આદર-ક્લેશ-વિરોધ સંદર્ભો જોયા એમાં માનું ચિત્રણ,ચિત્રપટના એંગલ સમું કંડારાયું છે:

હવે તો
સાધારણ તાવમાંય ડોક્ટર
ઇન્જેક્શનની સોયમાંથી શીકરો
હવા કાઢવા ઉડાડે
તો
તેમાંય માનો ચ્હેરો તગતગી ઊઠે (પૃ. 51)

સૂક્તિ તરીકે કડીઓ યાદની રાતોમાં કે કૂખમાં ગોઠવાઈ જાય એવી છે:

બાપદાદાનું ઘર
કજિયાનું કુળ
પિતા અને કાકાઓ વચ્ચે ચણાતી ભીંત…
… ચાલને હવે જઈએ મુંબઈ…
… ઘરે તો જવાનું જ છે
પણ કયા ઘરે જાઉં? (પૃ. 44-45)

‘ધૂળ’ એક પ્રસરી જતા પ્રતીક સમી કૃતિ છે.

આંખમાં જ આવી પડે
ઇતિહાસ થઈ જાય
ખંડેરોમાં ધૂણી ધખાવે
ભંડકિયામાં કાળો નાગ થઈ
લબકારા મારે….
…..
આંખ મીંચે
આદિવાસી સ્ત્રીની
ઉઘાડી છાતી પર
વાનિર્શની જેમ ચમકે
ને
બાળકના હોઠના ખૂણે
દૂધ થઈ બાઝે (પૃ. 28)

રજોડ્ડયનની ગતિ અને માતૃવત્ આદિવાસીની છાતીના વાનિર્શવર્ણ ભેળું બાળકના હોઠના ખૂણે દૂધ થઈ બાઝે’ પંક્તિ કર્તાના શિલ્પકર્મનો અહેસાસ આપે છે.

‘જૂના સમયની કેટલીક હસ્તપ્રતો’ પંક્તિથી શરૂ થતી એક કવિતા લોકકથાના આકારમાં ઢળી જતી લાગે પણ સુજ્ઞ ભાવક અનુપ્રવેશ કરી રહે પછી સર્જકના કલ્પના-અશ્વ પર આરૂઢ થઈને હરખાય:

કથાવર્ણનની આ નગરીમાં દરેક અક્ષરો
એકબીજાને વળગીને પંપાળતા ને હાંફતા
સૂતા છે
ઝીણીઈં આંખે મેગ્નિફાઇન ગ્લાસથી
રાજકુમારનાં પરાક્રમો
રાણીની ઈર્ષા
ચરૂ પર બેઠેલો કાળોતરો
પોપટના જીવમાં પુરાયેલો રાક્ષસનો જીવ…

ઝૂલવા દરિયામાં
કાંડે બાંધેલી ઘડિયાળમાં
મને ઊભેલો જોઉં…

હસ્તપ્રતમાંથી નાસતા ઘોડાઓ
ઝાકળ બને
પાંખ ફફડાવતો પોપટ
ઝાપટ મારવા જાય. (પૃ. 54)

અન્તે, ‘શબ્દ વિશે’ સર્જક નીતિન મહેતા નિજી અવાજની શોધ કરતાં ‘સ્વની ઓળખ’ આપે છે – પ્રાંજલ નિર્મલ બાનીમાં.

તું ન મુક્તિ/તું તો અશક્યતાનો સાક્ષાત્કાર/તું રેતીના કણમાં ચુપકીદીનું વિસ્તરતું રણ/તું ભય ને શરણાગતિની અણધારી હૂંફ…

થોભો –

ફ્રેન્ચ કવિ એડમંડ ઝાબેએ ન્યુ યોર્ક રિવ્યૂ ઓફ બુક્સ, 28એપ્રિલ 1977માટે પોલ ઓસ્ટરને આપેલા ઇન્ટરવ્યૂમાં એક વાક્ય કહ્યું હતું:

‘We ask questions only of exile of absence’ પણ આપણે સદ્ગત નીતિનભાઈની ગેરહાજરી વિશે અનિત્ય સવાલો નહીં કરીએ.

આના સમાન્તરે અન્ય ફ્રેન્ચ સર્જક ફ્રાન્સિસ પોન્ગનું કથન સંભારીએ:

A man sometimes shows in his death that he is worthy of living’ (Tome premier)

– અને યાદ કરીએ સંગ્રહની છેલ્લી કવિતા અને કહીએ:

લખાણમાં તું હાજર થાય

ને

પારદર્શકતાને પાંખો ફૂટે…

*

નીતિન મહેતા (1944-2010)સજગ વિવેચક, એથીય સવાયા સર્જક, કવિ. ગુજરાતી સાહિત્યક્ષેત્રના કવિજનોની પૂર્વપરંપરા અને અદ્યતન સર્જકોની રચનાત્મક ગતિવિધિની મધ્યે નીતિન મહેતાનું યોગદાન સ્મરણીય રહેવાનું. છંદોલયના વારસાનો ઉપભોગ, ઉપ-યોગ નકાર્યા વગર અ-છાંદસ ગદ્યમય લય-આવિષ્કારોમાં કાવ્યમુદ્દાઓ ધ્યાનાકર્ષક રહ્યા છે. તેમની લેખિની મુક્ત, અન-કન્ડિશનલ રહી છે. ભાષા સાથે આ કવિએ એવું કામ પાડ્યું જેમાં વર્તમાન કાળની વેદના, વૈભવ ને સંવેદનાને ‘પોત્તાની’ જ કહેવાય એવી કલ્પન-પ્રતીક-ઉક્તિથી અભિવ્યક્તિ અર્પી છે.

કોઈ પણ વિશુદ્ધ સર્જકમાં હોય એવા ગુણાલંકારો નીતિનની કાવ્ય-આકૃતિમાં માણવા મળે છે.

*

રાધેશ્યામ શર્મા
વિવેચક, કવિ.
સાહિત્ય-લેખન, અમદાવાદ.
25, ભુલાભાઈ પાર્ક,
ગીતામંદિર રોડ,
અમદાવાદ 380 022


*