અવલોકન-વિશ્વ/કળામરમીની નજરે નીરખેલું... – પીયૂષ ઠક્કર
સંવાદ પ્રકાશન, વડોદરા; ક્ષિતિજ સંશોધન પ્રકાશન કેન્દ્ર, મુંબઈ, 2016
2.
‘નીરખે તે નજર’માં કવિ, ચિત્રકાર અને વિચક્ષણ ગદ્યકાર ગુલામમોહમ્મદ શેખનો કળામર્મજ્ઞ તરીકેનો સળંગ પરિચય સાંપડે છે. 1961થી 2013દરમ્યાન લખાયેલાં દૃશ્યકળા-વિષયક કુલ ચોવીસ ચૂંટેલાં લખાણોનો આ સચિત્ર સંચય છે. અહીં લેખકે લખેલા મૂળ ગુજરાતી લેખો, એમણે મૂળે અંગ્રેજી અને હિન્દીમાં લખેલા લેખોના એમણે કરેલા ગુજરાતી અનુવાદો તથા લેખકે કરેલા અન્યોના લેખોના અનુવાદો છે. અને લેખક સાથેના – મૂળ ગુજરાતી, તેમજ અંગ્રેજી અને હિન્દીમાંથી અનુવાદિત – વાર્તાલાપો છે. ગ્રંથને અંતે ઉપયોગી વિવિધ સૂચિઓ અને ચિત્રસામગ્રીના સ્રોત પણ મૂકવામાં આવ્યાં છે. સામગ્રી અને રજૂઆતની શાસ્ત્રીય પદ્ધતિની દૃષ્ટિએ દૃશ્યકળાવિચારણાનો આ ગંરથ ગુજરાતી ભાષામાં પ્રતિમાન સમાન છે.
3.
લેખો આરંભાય એ પહેલાં પુસ્તકનું અર્પણપૃષ્ઠ, લેખકની પ્રસ્તાવના અને લેખોની પ્રકાશનવીગત પર નજર કરતાં ગુજરાત તેમજ ભારતની કળાને અને લેખકના કળાવ્યક્તિત્વને ઘાટ આપનાર પરિબળોનો ખ્યાલ મળે છે.
અર્પણમાં સૌપ્રથમ તો તેઓ પોતાને કળાઅભ્યાસ માટે વડોદરા આવવાને પ્રેરિત કરનાર ગુજરાતના કળાગુરુ રવિશંકર રાવળનું સ્મરણ કરે છે. પછી વડોદરાની માતૃસંસ્થા ફેકલ્ટી ઓફ ફાઇન આર્ટ્સના કળાગુરૂઓ, કળામર્મજ્ઞોનો અને પોતાની જીવનસંગિની ચિત્રકાર નીલિમા શેખનો પણ એમાં ઉલ્લેખ કરે છે.
ટૂંકી પ્રસ્તાવનામાં લેખક કહે છે, કળા વિષે ગુજરાતીમાં લખવાનું જેટલું આકર્ષક તેટલું જ કપરું. એક તો કળાની ‘ભાષા’નો અભાવ એટલે બધું નવેસરથી કરવાનું. અંગ્રેજીમાં ઉત્તમ લખાણો જોતાં ગુજરાતીમાં આવું કેમ નહીં તેવા પ્રશ્નો થાય પણ અંગ્રેજીમાં વપરાતી સંજ્ઞાઓના ગુજરાતી વિકલ્પો નહીં એટલે ‘ભાષા’ અને સંજ્ઞાઓ સમેત બધું નિપજાવવાના પડકાર. આવી પરિસ્થિતિમાં જે કળામર્મજ્ઞોનાં લખાણોના અધ્યયને લેખકનું મનોજગત રચાયું તેમજ કળાવિષયક લેખનની ગુજરાતી ભાષાનું તેઓ ઘડતર કરી શક્યા તે સર્વે વિશે એમણે નિર્દેશ કર્યો છે. જોકે લેખનના છ દાયકાને અંતે લેખક ખેદ સાથે એ પણ નોંધે છે કે, આજેય દૃશ્યકળા પર સંશોધન કરી ચિત્રના મર્મ તરફ પહોંચનારા લેખકો આંગળીના વેઢે ગણાય તેટલા પણ નથી એ કડવું સત્ય સ્વીકારવું ઘટે.
4.
ચર્ચાની અનુકૂળતા માટે સંચયનાં લખાણોને આઠ ભાગમાં વહેંચું છું. પહેલો ભાગ કળાના ઇતિહાસને અને દૃશ્યકળાને આલેખવાના અને નીરખવાના વિવિધ આયામોની ચર્ચાને લગતો છે. એમાં પહેલો લેખ ભારતીય ચિત્રપરંપરાની પૂર્વભૂમિકા રચે છે, જેમાં ભારતીયતાની વ્યાખ્યાની તપાસ વિવિધ ચિત્રપરંપરાઓના ઉદ્ભવ તેમજ પ્રચલનના પરિપ્રેક્ષ્યમાં લેખકે હાથ ધરી છે. એ સાથે વિવિધ વિચારકોનાં મંતવ્યો અને બદલાતાં વલણોની છણાવટ પણ લેખકે કરી છે. એની સમાંતરે લેખકે ચિત્રપરંપરાઓના વિકાસના અનેક તબક્કાઓ અને એના વિવિધ આવિર્ભાવોનો રસલક્ષી આસ્વાદ કરાવ્યો છે. બીજો લેખ છે સદીની ખેપ. વીસમી સદીની ગુજરાતની કળાનો આલેખ આપતાં ગુજરાતની ભૌગોલિક અને ઐતિહાસિક પરિપાટીને લેખકે કળાના વિવિધ આવિર્ભાવોના પરિપ્રેક્ષ્યમાં સવિગત તપાસી છે. કળા અને કસબ, કળાકાર અને કારીગર, પરંપરા અને આધુનિકતા, પારંપરિક કળાશિક્ષણ અને સંસ્થાગત કળાશિક્ષણ, કળાઆસ્વાદમાં સાહિત્યની ભૂમિકા, બદલાતા સમય સાથે વિકસતું કળાનું સર્જન અને વિશેષપણે કળાકારોની પોતીકી વિશેષતાઓ વગેરે સંજ્ઞાઓ, વિમર્શો વિશે તાર્કિક રજૂઆત આ લેખમાં થઈ છે. ત્રીજો લેખ છે રસના અને રચનાની વાર્તા: ભારતીય કથનપરંપરા. કથાસરિતત્સાગરની વિવિધ કથન-રીતિઓને લેખક મુખ્યત્વે ભારતીય ચિત્રપરંપરાઓ અને ચિત્રરૂપોમાં શોધે છે અને સરખાવે છે. ચોથો લેખ છે ભાવકનું ચિત્રજગત. આ મૂળ અંગ્રેજીમાં લખાયેલા લેખનો ગુજરાતી અનુવાદ છે. પૂર્વ અને પશ્ચિમની આલેખનપદ્ધતિને ત્રણ કળાકારોનાં ચિત્રોની રચના દર્શકની દૃષ્ટિએ એમણે તપાસી છે. પાંચમો લેખ પત્રરૂપે સુરેશ જોષીને લખાયેલો છે. રાજસ્થાનના શેખાવટીની કળા વિશે અહીં વાત છે. લેખક કહે છે કે શેખાવટીની કળા સાચા અર્થમાં શહેરી સંગમકળા છે. (પૃ. 145)
પુસ્તકના બીજા ભાગમાં લેખકનાં બે પ્રવાસવૃતાંત છે. એક ડાયરીરૂપે છે તો બીજું નિબંધરૂપે છે. 1987માં લેખકને અમેરિકાની આર્ટ ઇન્સ્ટિટ્યૂટ ઓફ શિકાગો તરફથી મહેમાન કળાકાર તરીકે આવવાનું આમંત્રણ મળે છે. અહીં લેખકની નજરે 1987ના અમેરિકાની સાંસ્કૃતિક આબોહવા, ત્યાં વસતા ભારતીયો અને ગુજરાતીઓ તેમજ ત્યાંના કળાશિક્ષણની ઝાંખી થાય છે. બીજું વૃતાંત તે ઇટલીમાં આવેલા ચિવિતેલ્લા રાનિયેરી કેંદ્રમાં 1998ના ગાળે પાંચ અઠવાડિયાના નિવાસનો અંતરંગ અહેવાલ. ડગલે ને પગલે લેખક આપણને તે તે પ્રદેશની કળાસંસ્કૃતિની મુખોમુખ કરાવતા જાય છે.
ત્રીજા ભાગમાં મકબૂલ ફિદા હુસેન, જગદીશ સ્વામીનાથન, નસરીન મોહમદી અને ભૂપેન ખખ્ખર વિશેના સ્મૃતિઆલેખો છે. લેખક દરેક વ્યક્તિ વિશે વાત કરતાં કરતાં સાથે જીવેલા સમય વિશે પણ વાત કરે છે ને એમાંથી તે તે કળાકારની કળાની તાસીર પણ ઊઘડતી આવતી આપણે જોઈ શકીએ છીએ. જેટલી આત્મીયતાથી અંગત વાતોને વર્ણવી છે એટલી જ તટસ્થતાથી જરૂર પડી ત્યાં વ્યક્તિત્વના વિરોધાભાસોને પણ લેખકે સમભાવથી ચીંધી બતાવ્યા છે.
ચોથા ભાગમાં રવીન્દ્રનાથ ટાગોરની ચિત્રકળા વિશે લખાયેલા ત્રણ લેખના અનુવાદ છે. કે. જી. સુબ્રહ્મણ્યન, આનંદ કુમારસ્વામી અને ડબ્લ્યુ. જી. આર્ચરના આ લેખોમાં રવીન્દ્રનાથની ચિત્રકળાને સમજવાનો અને સમજાવવાનો પ્રયત્ન જોવા મળે છે. જેમાં સુબ્રહ્મણ્યનનો લેખ રવીન્દ્રનાથ વિશેનાં મતમતાંતરોની ગવેષણા કરે છે. તેમજ નિજી તારણો પણ સંપડાવે છે. અનુવાદમાં આ સાથે ચિત્રકાર અને કળાચંતિક પોલ ક્લેનો બહુપઠિત અને બહુચર્ચિત લેખ આધુનિક કળા વિશેનો છે. આ વિભાગનો અંતિમ અનુવાદ રોમાનિયન મૂળના ફ્રેંચ નાટ્યકાર યુજિન આયોનેસ્કોનો લેખ મૂળ રોમાનિયન પણ ફ્રાંસના નિવાસી શિલ્પકાર કોન્સ્ટેન્ટીન બ્રાન્કુસીનાં કેટલાંક સંસ્મરણો રજૂ કરે છે. આ સંસ્મરણોમાં એક વિલક્ષણ શિલ્પકારની શિલ્પકળા અને એમના વ્યક્તિત્વનો અંતરંગ પરિચય મળે છે.
છઠ્ઠા વિભાગમાં ફ્રેંચ સિનેમાના એક પ્રયોગશીલ દિગ્દર્શક ઝા-લુક ગોદાર્ વિશે છે. 1969માં લખાયેલા આ લેખમાં દિગ્દર્શકની ફિલ્મકળાનાં લેખાંજોખાં મળે છે. આ પછીના વિભાગમાં ત્રણ વાર્તાલાપ મૂકવામાં આવ્યા છે. સુરેશ જોષી સાથેના આકાશવાણીના વાર્તાલાપ(1966) વખતે લેખકની ઉંમર હતી છવ્વીસ વર્ષ. આ વાર્તાલાપમાં જુદાં જુદાં કળામાધ્યમોમાં અભિવ્યક્તિની તરેહ જુદી જુદી હોઈ શકે પણ એથી થતો રસાનુભવ જુદો હોતો નથી, એ ચર્ચામાં બન્ને પક્ષે સર્જકો હોવાથી માધ્યમોમાં નિહિત વિશિષ્ટતાઓ અને પ્રત્યેકની મર્મ ભેદવાની વિશેષતા સોદાહરણ ઊઘડતી આવે છે. ગીવ પટેલ સાથેનો સંવાદ(1985) લેખકના મિડ-કેરિયર રીટ્રોસ્પેક્ટીવ વખતે થયેલો છે. એમાં લેખકના બાહ્યંતરને ઘડનારાં વિવિધ પરિબળો વિશે પ્રશ્નો પુછાયા છે. પૂર્વ અને પશ્ચિમની સાથેના ઘનિષ્ઠ સંવાદ દ્વારા એક કળાકારનું કદકાઠું કેવી રીતે બંધાય છે તેની ઝાંખી અહીં મળે છે. કબીર શ્રેણીનાં ચિત્રો પાછલાં વર્ષોમાં જગાએ જગાએ ખૂબ છપાયાં છે. એ ચિત્રોના પહેલા પ્રદર્શન નિમિત્તે કળાવિવેચક કવિતા સિંહ સાથેનો સંવાદ અહીં છે. ‘પ્રત્યક્ષ’ માટે સંપાદક-વિવેચક રમણ સોની સાથે થયેલા સંવાદમાં ગુજરાતી સાહિત્યનાં સામયિકો અને ગુજરાતી ભાષામાં કળાવિષયક લેખન વિશેની રસપ્રદ વિગતો જાણવા મળે છે. લેખક યુવાવસ્થાથી હસ્તલિખિત તેમજ ચિત્રિત સાપ્તાહિક અને પછી પાક્ષિક ‘પ્રગતિ’થી માંડીને ‘ક્ષિતિજ’, ‘સાયુજ્ય’ અને ‘વૃશ્ચિક’ના સંપાદન સાથે સંકળાયેલા રહ્યા હતા. જેમાં ‘વૃશ્ચિક’ તો ભૂપેન ખખ્ખર સાથે મળીને સ્વતંત્રપણે અંગ્રેજીમાં શરૂ કરેલું. પ્રમોદ ગણપત્યે સાથેના સંવાદ(1991)માં કળાકાર શેખની કળાપ્રકૃતિનો તેમજ કળાના ઉદ્દેશ્યનો પરિચય મળે છે.
પુસ્તકનો અંતિમ લેખ વિધાનપરિષદ (ભોપાલ)ના પ્રવેશદ્વાર માટે રચાયેલા મ્યૂરલ જીવનવૃક્ષની રચનાપ્રક્રિયા વિશે છે. આ એક વિશાળકાય મ્યૂરલની રચનાપ્રક્રિયા નિમિત્તે ચિત્રકારે પોતાના ભાવવિશ્વમાં ડોકિયું કરાવ્યું છે. કળાકાર શેખને સમજવા માટેનો આ ચાવીરૂપ લેખ છે.
5.
‘નીરખે તે નજર’ના વાચકનો અનુભવો કેવો હોઈ શકે? લેખકના વિચારની દીપ્તિ અને ભાષાની સર્જકતા ધ્યાનાર્હ બને છે. કળાના ઇતિહાસના કોયડા ઉકેલતી ભાષા ક્યાંય દોદળી થતી નથી જણાતી. લલિત નિબંધની સરહદોમાં પ્રવેશી જતી આ ભાષા ગતિશીલ અને ચાક્ષુષ સંદર્ભોથી ખચિત છે. નરી વિગતોનો અહીં ક્યાંય ખડકલો નથી પણ ખપજોગી દરેક નાની નાની બાબતનું રસિક ભાવકની દૃષ્ટિએ નિરૂપણ છે. લેખક પોતે ગુજરાતી ભાષાના કવિ અને ગદ્યકાર જ નહીં, કળાના ઇતિહાસના અને ચિત્રકળાના અધ્યાપક અને સજગ કળાકાર છે. એટલે ગુજરાતી ભાષાની ક્ષિતિજો અહીં અનાયાસે વિસ્તરે છે. ઉદાહરણ તરીકે ચિત્રકાર-મિત્ર નસરીન મોહમદીની અમૂર્ત કળા વિશે કેવી ભાષામાં વાત થઈ છે તે જોઈએ –
ચિત્રોમાં પહેલેથી જ રંગને બાકાત રાખેલા. સફેદ કેન્વાસ પર કાળા તૈલરંગને વહાવે. પીંછીથી કે રોલરથી,પાતળાં ને ઘટ્ટ આવર્તનો ઊભાં કરે, કશુંક ચપટું કરી દે, વચવચમાં પીંછી કોરી કરી કે લૂગડાથી રંગ ઉપાડી લે. કો’ક વાર એમાં નાનકડાં ત્રિકોણ ને ચોરસે ચીતરી લે. એકતારી સંગીત કે તબલાંની ધનક જ થતી હોય એમ બધું એકસૂરે, એકસૂત્રે બંધાયેલું. એના આકારોને (સંગીતની જેમ જ) દેખાતી દુનિયાની કોઈ આકૃતિ સાથે સીધો સંબંધ નહીં. પણ દરેક પદાર્થની અંદર વસતા ચલિત, જીવિત તત્ત્વનો રણકાર ભળાય. પ્રકૃતિની અંદર ગોપિત જીવનો ધબકાર એમાં સંભળાય. જેમ પડછાયા આછાપાતળા ‘રંગે’ ધૂળ પર, રેતી પર, બારીબારણે, વૃક્ષ પર ચડે,આળોટે ને સૃષ્ટિ પલટાતી લાગે કે લોકપગલે અને હવાના જોરે રોજના રસ્તાનો પટ અનોખું રૂપ ધરી અચંબો પમાડે કે રાતના અંધારે બે ઘર, ઝાડ કે શેરીના થાંભલા વચ્ચે કોરું આકાશ કુદરતની અગમલીલાનું એલાન કરે,એમ એનાં ચિત્રોમાં એક આગવી, ઉત્કટ, આત્મીય અનુભૂતિ પરખાયા વગર ન રહે. પણ આ બધી લીલામાં સૂક્ષ્મની સાધના, નાટકના ધખારા નહીં, આકૃતિઓ બહાર આવીને આંખે અડતાંય લજાય એવી. એની પાસે જઈને હળવે હળવે શોધીએ ત્યારે જ છતી થાય. ઘણી વાર પડછાયે વાળ કે પાણીમાં કાચ શોધવા જેવું. કોઈક વાર વહેતી હવા કે પાતાળઝરણાની ગતિમાનતાના ભણકારા માત્ર. (પૃ. 226)
તો આની સાથે ભૂપેન ખખ્ખરના પરિવેશના સંદર્ભોથી અને પાત્રોથી ખચિત ચિત્રો વિશે કેવી વાત થાય છે તે જોઈએ –
ભૂપેન ખખ્ખરે પહેલેથી જ અવળો રાહ પકડ્યો. શરૂઆતમાં ભદ્ર કળાવૃત્તિને છંછેડવા બધા ઉચ્છિષ્ટ આવિષ્કારોને બંડખોરની જેમ અજમાવ્યા – છાપેલાં દેવદેવી ફાડીને મૂતરડીની ‘ગ્રાફિતી’માં ભેળવ્યાં, પછી ચીલાચાલુ,બજારુ ચિત્રો જેવું ચીતરવાની હઠ પકડી, અવનવા ‘કેટલોગ’ કાઢી શિષ્ટ કળા અને રૂઢિગત પ્રદર્શનવેડાની હાંસી કરી. પારંપરિક ચિત્રોના ચપટા રંગોમાં નિસર્ગવાદી ફોટા દોર્યા, છેવટે મધ્યમ વર્ગના કારીગર-કારકુન વર્ગનું જીવન નિરૂપવા વળ્યા. પરાં અને સોસાયટીના આધેડ પુરુષોના સજાતીય યૌન નિરૂપણે આપણા સમાજનાં એ ઉપેક્ષિત પાસાં – ભારતીય કળાક્ષેત્રે – પહેલી વાર મૂર્ત થયાં. આવી સતત પ્રદીપ્ત ચિત્રસાધનાએ શહેરી સમાજના બજારુ લેબાસમાં સબડતી ચેતના ને વાસનાને એ પલ્લે મૂકી એમાં વસતી વ્યક્તિનો ચહેરો સાકાર કર્યો. (પૃ. 92)
આપણે ત્યાં મોટેભાગે કળાકારના જીવનની વાત થાય પણ એની કળાની વાત નહિવત. એના મનોજગતની વાત કે એના ભાવવિશ્વ વિશે ઝાઝી માહિતી મળતી નથી. એવે વખતે આ પુસ્તકના લેખો દીવાદાંડી-સ્વરૂપ છે. અહીં કળાકારની બાથમાં કેટલું સમાયું છે તે તો વ્યાપક ફલકને અવલોકી શકતી દૃષ્ટિ હોય તો જ પામી શકાય. ઈ.સ. 1000માં રચાયેલાં ભીમબેટકાનાં ભીંતચિત્રોથી માંડીને ઈ.સ. 2001સુધીની ભાતીગળ ચિત્રસૃષ્ટિને આ કળાકારે આવરી લીધી છે. આ ચિત્રસૃષ્ટિ કે જે વિવિધ ફલક પર, વિવિધ માધ્યમોમાં, વિવિધ આશયોથી અને વિવિધ લોક દ્વારા રચાઈ છે તેનું કળામર્મીની આંખે ને એક વિચક્ષણ ગદ્યકારની બાનીમાં બયાન છે.
પીયૂષ ઠક્કર
કવિ.
એકેડેમિક એસોસિયેટ,
બળવંત પારેખ સેન્ટર, વડોદરા.
વડોદરા
piyushathakkar@gmail.com