આંગણું અને પરસાળ/દર્પણ સમ જલ હોય...: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(+1)
 
No edit summary
 
Line 1: Line 1:
{{SetTitle}}
<br>
<br>
<big><big>'''દર્પણ સમ જલ હોય'''</big></big>
<big><big>'''દર્પણ સમ જલ હોય'''</big></big>

Latest revision as of 15:26, 20 October 2023


દર્પણ સમ જલ હોય

કવિ સિતાંશુ યશશ્ચંદ્રની એક જાણીતી કાવ્યરચના છે : ‘જટાયુ’. ઇતિહાસ અને સંસ્કૃતિનો પ્રવેશ નથી થયો એવા જીવનની, વિશુદ્ધ વન્ય જીવનની વાત એ કાવ્યની એક સરસ પંક્તિમાં મુકાયેલી છે :

‘દર્પણ સમ જલ હોય, તોય નવ જુએ કોઈ નિજ મુખ;
બસ તરસ લાગતાં લહી રહે પાણી પીધાનું સુખ.’

જંગલમાં જળાશયોનું દર્પણ જેવું સ્થિર સ્વચ્છ પાણી પશુઓ માટે તો બસ તરસ છિપાવવા માટે છે; એ એમાં પોતાનું પ્રતિબિંબ જોવા અટકતાં નથી. એવી સભાનતા, એવી આત્મ-રતિ એમનામાં હોતી નથી. દર્પણ એ માનવસંસ્કૃતિની એક વિશિષ્ટ શોધ છે – પાણીમાં પ્રતિબિંબ જોઈને જ એ શોધ કરવાનું મનુષ્યને સૂઝ્યું હશે ને? બીજા બધા જ પોતાને જોઈ શકે છે, પણ પોતે જ પોતાને જોવો કે જોવી હોય તો આ દર્પણ જ મદદે આવી શકે. આ દર્પણમાં જોવું, જોયા કરવું એને કહેવાય છે તો આત્મરતિ, પોતાને માટે જ પ્રેમ. પણ એમાં તુલના છે. બીજા કરતાં પોતે વધુ રૂપાળો કે વધુ રૂપાળી છે – એવો પ્રશ્ન, એવો ભાવ. સારું-નરસું, ઊતરતું-ચડિયાતું એવાં વિશેષણો સંસ્કૃતિએ આપ્યાં છે. ઈર્ષ્યા અને પ્રેમ – એવા મૂળ ભાવોને પણ એ સભ્યતાનો રંગ આપે છે. એટલે દર્પણ માયાવી છે. આમ તો તમે જે છો એ જ દેખાઓ એવું એ સાધન છે – એનામાં સભ્યતાનો ઠાલો વિવેક નથી, નર્યું સત્યવક્તાપણું છે. પણ મનુષ્ય કંઈ ચહેરો જેવો છે એવો જોઈને બેસી રહે એવો થોડો છે! પોતાને જેવું જોવું હોય એવું જ એ જુએ છે – જરાક લાડ લડાવે છે, પોતાના પ્રતિબિંબને જરાક પંપાળે છે – ઓહો, હું બહુ સુંદર! દર્પણને તે વળી સત્ય બોલબોલ કરવા દેવાતું હશે? હોય હવે, કોઈ એકાદ ખીલ, કે નાક સ્હેજ મોટું, કે હોઠ સ્હેજ જાડા. પણ એટલા દોષ ન જુઓ ને, તો હું જરૂર રૂપાળી, ને હું જરૂર સોહામણો. આ દર્પણ તો કાયમનું વાંકદેખું, પણ આપણે હંમેશનાં ગુણાનુરાગી. પોતાના ગુણ જ જોવા. પેલું કહ્યું છે ને, know thyself, એ આટલા માટે જ તો કહ્યું છે. દર્પણભાઈ, જરા સુધરો. એટલે દર્પણ માયાવી છે પણ આપણે સવાયા માયાવી છીએ. અને આ ફિલસૂફો! એ વળી ચાર ચાસણી ચડે એવા. એ કહે છે કે, આપણું મન એ જ દર્પણ. હટાવો સ્થૂળ દર્પણને. મનમાં જુઓ. ખરેખરું સાચું-ખોટું તો એ મનદર્પણ જ બતાવશે. આત્મરતિ નહીં, આત્મપરીક્ષા કરો – પણ એમાં મૂલ્યાંકન હોવાનું ખાનગી! કોઈ પૂછે : ‘કેટલા ગુણ મળ્યા?’ જવાબ હશે ‘જેટલા ગુણ હતા એટલા.’ પત્યું. મનની વાત મનમાં જ રાખવી. દર્પણની એક બીજી મજા જોવા જેવી છે. સો વર્ષ પહેલાંનું એક સરસ ગુજરાતી નાટક છે – ‘રાઈનો પર્વત’. એમાં એક મંડળી આવે છે : દર્પણસંપ્રદાયીઓની. હા, જાતજાતના સંપ્રદાયો છે દુનિયામાં, એમાં આ એક વધુ – દર્પણ-સંપ્રદાય. નાટકનું દૃશ્ય સરસ છે : એ લોકોએ પોતાનાં શરીર પર દર્પણો લટકાવ્યાં છે. પોતાનું મુખ જોવા માટે નહીં, બીજાઓને એમનાં મુખ દેખાડવા માટે. ‘તમે તમારાં મુખ જુઓ અને સુધરો’– એવું કહેનારા એ વિલક્ષણ સુધારકો છે, પોતાનું કલ્યાણ બાજુએ મૂકીને બીજાંનું કલ્યાણ કરવા નીકળેલા સાધુપુરુષો છે! નાટકના લેખક રમણભાઈ નીલકંઠે બહુ રમૂજી પણ બહુ માર્મિક ચિત્ર આલેખ્યું છે. દર્પણ ક્યારેક સમયને પણ ઠેકી જાય છે, એ તમને ખબર છે ને? આમ તો, સામાન્ય રીતે, દર્પણમાં આપણે જોઈએ છીએ ત્યારે એ ક્ષણનું જ, એ વેળાનું જ, પ્રતિબિંબ જોતા હોઈએ છીએ. પણ ક્યારેક, દર્પણમાં જોતાંજોતાં, આપણે સમયમાં મોટી છલાંગ મારી દઈએ, એવું બને? કૃષ્ણ એક પ્રભાવશાળી મુત્સદ્દી યાદવ રાજા હતા – યદુરાય. એક વાર દર્પણમાં જોતાંજોતાં એમનાં આ કઠણ, જરઠ આવરણ હટતાં ગયાં. આપણા એક વિચક્ષણ કવિ ભૂપેશ અધ્વર્યુનું એક કાવ્ય આ વિશે છે. દર્પણની આ બાજુ જદુરાય કૃષ્ણ. ને દર્પણની પેલી બાજુ? દર્પણની અંદર ઊંડેઊંડે, દૂર સુધી શું દેખાય છે? :

‘દર્પણની બહાર જદુરાય,
ને દર્પણમાં છેેલ ને છબીલો પેલો ક્હાનજી.’

કૃષ્ણે દર્પણમાં પોતાનો રમણીય, સુંદર, નટખટ ભૂતકાળ જોયો, કહો કે અનુભવ્યો. જદુરાયમાંથી હટી જઈને એમણે ક્ષણાર્ધ બાળકૃષ્ણનો સાક્ષાત્કાર કર્યો. કૃષ્ણે સાક્ષાત્કાર કરાવ્યો હોય એવાં દૃષ્ટાંતો તો ઘણાં જડવાનાં પણ પોતે પોતાનો ઇચ્છિત સાક્ષાત્કાર કર્યો એ તો આ કવિએ બતાવ્યું – જોતાંજોતાં જ કૃષ્ણને મુુકુટની જગાએ મોરપિચ્છ દેખાઈ ગયું... સ્વચ્છ નીતર્યું જળ અને ચોખ્ખું દર્પણ– એકબીજાના પર્યાયરૂપ છે, યુગોથી. એટલે સંસ્કૃત ભાષાના એક ઉત્તમ આલંકારિક વિદ્વાન જ્યારે ‘મુકુરીભૂત ચેતના’ એવો શબ્દ આપણને આપે છે ત્યારે કેટલું બધું સ્પષ્ટ થઈ જાય છે. એ કહે છે : કાવ્યને બરાબર, પૂરેપૂરું પામવું હોય તો એને વાંચનાર ભાવકનું ચિત્ત ચોખ્ખા મુકુર જેવું એટલે કે દર્પણ જેવું હોવું જોઈએ. દર્પણ પર ડાઘા કે રજ હોય તો ચહેરો સરખો દેખાય નહીં એમ કશા અભિગ્રહો કે પૂર્વગ્રહોની ધૂળ જામી હોય તો એવું ચિત્ત, એવી ચેતના કાવ્યને બરાબર ઝીલી શકતી નથી. ધન્ય આચાર્ય આનંદવર્ધન, તમે તો દર્પણની પણ શુદ્ધિની વાત કરી. હવે આપણે કવિ સિતાશુંની પંક્તિ સ્હેજ પલટાવીને વાંચીએ? :

જલ સમ દર્પણ હોય, તો જ એ ઝીલે વિશ્વ-સુંદરને...

૨૬.૭ ૨૦૦૮