આંગણું અને પરસાળ/પુષ્પો સાથે વાત

From Ekatra Wiki
Jump to navigation Jump to search


પુષ્પો સાથે વાત

ઘરના પાછળના ભાગમાં વાવેલી રાતરાણી એક રાતે એકાએક જ બારીમાંથી પ્રવેશે છે ને સુગંધના એક આછા હડદોલાથી ‘શું ચાલે છે?’ કહી જાય છે; કોઈ અજાણ્યા રસ્તે પસાર થતાં, કોઈ એક શ્વાસમાં કદંબની માદક સુવાસ પ્રવેશી જાય છે ને અધવચ્ચે રોકાઈ જવાય છે – આંખો આશ્ચર્યથી આમતેમ કદંબવૃક્ષને શોધે છે. વહેલી સવારે કૂંડામાંનાં ને ક્યારામાંનાં પુષ્પો ચૂપચાપ ‘હૅલો’ કહી બેસે છે. સુગંધ આપી શકતાં નથી એ રંગોના સ્મિતથી આકર્ષી જાય છે. પણ બધાં જ પ્રથમ દૃષ્ટિએ પ્રેમ કરી બેસે છે – ને પહેલા શ્વાસે જ વીંટળાઈ વળે છે. કોઈ કહેશે : લો, આ તો બિલકુલ વરણાગિયાવેડા! અમે તો કામમાં ગળાબૂડ, આવોતેવો સમય નથી અમારી પાસે. એ બધા કવિઓના ધંધા! તો, ત્યારે ભૂલો છો તમે. કેટલાક કવિઓનેય સમય નથી. પુષ્પોની જ કવિતા લખવામાંથી ઊંચે જોવાનો કે આસપાસ જોવાનો સમય હોય તો જુએ ને એ શબ્દસેવીઓ પુષ્પો તરફ! પુષ્પોને જોયાં-ઓળખ્યાં વિનાય ક્યારેક પુષ્પોની કવિતા લખી શકાય છે. કાલિદાસે ને રવીન્દ્રનાથે પુષ્પો તરફ ભરપૂર જોઈ લીધું છે એ આ લોકોને કામ આવી જાય છે. કવિતાનો એ અમર વારસો છે – વારસદારોની મૂડી! આ મજાકની પાછળ ક્યારેક એક કમનસીબ વિડંબના પણ હોય છે. ઉમાશંકર જોશીએ એક મરમાળું કાવ્ય લખ્યું છે :

‘કરજે પ્રિય માફ આટલું, કદી બોલાવી ન લાડથી તને.
બહુ મગ્ન હું આજ આપણાં લખવામાં મિલનો તણી કથા.’

પ્રેમકાવ્ય લખવામાં જ પ્રેમ કરવાનો વખત રહેતો નથી! ઓહ! રૉબર્ટ ફ્રૉસ્ટની પેલી જાણીતી પંક્તિઓ પણ યાદ આવવાની. કવિ કહે છેઃ માનવજાતનું એટલું મોટું ઋણ છે કે કામમાં રચ્યાપચ્યા રહેવું પડે છે ને મનગમતાં કામ થતાં નથી. The woods are lovely, dark and deep, but I have promises to keep – આ સઘન લીલી વનરાજિ આગળ અટકવું છે પણ મારે તો હજુ આપેલાં વચનો પાળવાનાં છે... જીવનની કપરી વાસ્તવિકતા સામે હોય ત્યારે પ્રકૃતિપ્રેમ કોઈને બિનજરૂરી વૈભવ જેવો લાગી પણ શકે. ઝવેરચંદ મેઘાણીએ એક વાર, ગરીબો-શોષિતોની પડખે રહેવાની સક્રિયતાને બદલે પ્રકૃતિ અને પ્રેમની કવિતા લખનાર કવિને ઠપકો આપેલોઃ ‘કવિ, તને કેમ ગમે?’ જે ‘શ્રેય’ હોય, કર્તવ્ય હોય, એની સામે; જે ‘પ્રેય’ હોય, મનગમતું હોય એને બાજુએ રાખવું પડતું હોય છે, ક્યારેક. પરંતુ સાધારણ સંજોગોમાં, આપણાં કામ આટોપતાં-આટોપતાં વચ્ચે સ્હેજ વખત મળી જતાં કે વહેલી સવારે, સૂરજનો પહેલો સ્પર્શ થતો હોય ત્યારે ઘરઆંગણાનાં પુષ્પો સાથે કે ક્યાંક થોડેક દૂર દેખાતા એકાદ પુષ્પ સાથે વાતો કરી છે તમે, ક્યારેક? આંખની સામે એક નાનકડું ફૂલ રેશમી સ્મિત કરતું હોય ત્યારે એકાદ ક્ષણ વહાલ કર્યું છે એને? જેણે રંગ અને સુગંધ તમને આપ્યાં એને એકાદ પ્રેમાળ સ્પર્શ કર્યો હશેને તમે? કે એ મિલન-પળ ખાલી ગઈ? આપણે જો સંપર્કોના માણસ હોઈએ – જાતજાતના માણસોની જાતજાતની ખાસિયતોમાં આપણને રસ હોય, એ રીતે આપણે સૌની સાથે મળવાભળવા માગતા હોઈએ, માણસોને મળીને આપણે આખી મનુષ્યતાને ભેટવા માગતા હોઈએ તો તો આપણને જાતજાતનાં પુષ્પોનો પરિચય કરવાનું પણ ગમે. ઋતુઋતુનાં પુષ્પો, એની જુદીજુદી છટાઓ – આકારની, રંગોની, રંગોની મિલાવટની, આછી ને માદક સુગંધની છટાઓ માણવા જેવી. બહાર, દાખલા તરીકે, ઉનાળો ધગધગતો હોય, નજર ન કરી શકાતી હોય, ત્યારે ગરમાળો ને ગુલમહોર તો પૂરબહારમાં આપણને સત્કારવા તૈયાર હોય છે. ઐશ્વર્ય શબ્દનો ખરો અર્થ ત્યારે જાણવા મળે. ઓરડાની અંદરનું ઐશ્વર્ય, ગમે તેટલું વૈભવી હોય તોપણ, પેલા પુષ્પિત ઐશ્વર્ય આગળ તો ઝાંખું. અરે ભલા માણસ, એવું ક્યાં કહું છું કે તાકી જ રહો આખો વખત ફૂલોને, નવરા માણસની જેમ. દોડતાં, ચાલતાં, કામ કરતાંકરતાં એક જરા નજર કરી લેવાની છે, જરાક ઊંડો શ્વાસ લેવાનો છે. તમારી પરવાનગી વગર પણ, સુગંધ તો તમારા નાકમાં પ્રવેશી જ જવાની. તમે ઓળખો નહિ તો એળે જવાની, ઓળખો તો પ્રસન્ન કરવાની. ક્યારેક એક ઊંડો શ્વાસ તરબતર કરી મૂકે... જો એ શ્વાસ આપણા ચિત્તના કોશેકોશમાં પહોંચે તો. જેને ત્યાં ફૂલનો છોડ ઉઘાડી શકવાની સગવડ નથી એ બનાવટી ફૂલોનો ગુચ્છો રાખે છે ઘરમાં. આબેહૂબ પુષ્પો! મારે એમના પર કટાક્ષ નથી કરવો. ચાલો, પુષ્પના આકારમાં ને રંગમાં એમને એટલો તો રસ પડ્યો ને? દીવાલોના ને ફર્નિચરના રંગોમાં કંઈ ખૂટતું લાગ્યું હશે એટલે જ એ આ ગુચ્છ લઈ આવ્યાં હશે ને? અને ખાતરી છે કે એ જ મિત્રોને કદીક પુષ્પની સુગંધની પણ જરૂર પડશે ને એ એમની બારી ખોલશે... ને દૂરથી કોઈ રાતરાણી એમને પૂછશે, ‘કેમ છો, મજામાં ને?’

૨૬.૭.૨૦૦૮