આંગણું અને પરસાળ/નદી: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(+1)
 
No edit summary
 
Line 1: Line 1:
{{SetTitle}}
<br>
<br>
<big><big>'''નદી'''</big></big>
<big><big>'''નદી'''</big></big>

Latest revision as of 15:29, 20 October 2023


નદી

સંસ્કૃતના કાવ્યશાસ્ત્રમાં દૃષ્ટાંતો સરળ ને રસિક હોય છે. એવું એક સરસ દૃષ્ટાંત છે. કોઈ પૂછે છેઃ તમારો નિવાસ, તમારો ઘોષ ક્યાં છે? ત્યારે પેલો કહે છે ‘ગંગાયાં ઘોષઃ’ પૂછનાર કહે છે અરે ભલા માણસ, ગંગામાં, નદીની અંદર તે કંઈ ઘર કે ઘોષ હોતાં હશે કદી? તો આ ભાઈ કહે છેઃ અરે, તમે સમજ્યા નહીં. ગંગામાં છે એમ કહીને, એવા લક્ષણથી, હું એમ કહેવા માગું છું કે ગંગાતટથી એટલો નિકટ છે મારો ઘોષ કે ગંગાની જે શીતળતા ને એનું જે પાવનત્વ (શુદ્ધિ) એનો પહેલો લાભ મળે છે મને. લક્ષણાની આ શાસ્ત્રચર્ચામાં મને તો પેલી નિકટતાની વાત ગમી ગઈ. નદીની શીતળતા જ્યાં તરત પહોંચે એટલું જ દૂર, કે એટલું બધું નજીક છે પેલું નિવાસસ્થાન. બાલ્કનીમાંથી સીધી નદી જ દેખાય એવા જલદર્શન કે સરિતાદર્શન જેવા ફ્લેટ્સનું કે નદી-સરોવર-સમુદ્રને કિનારે આવેલી હોટેલ્સનું એટલે જ આકર્ષણ રહે છે આપણને. પણ આપણે હજારો વર્ષ પાછળ નજર દોડાવીએ, તો, ઇતિહાસની સાક્ષીએ કહી શકીએ છીએ કે આખી માનવસંસ્કૃતિ જ નદીઓને કિનારે ઊછરી છે ને પ્રફુલ્લિત થઈ છે. યુફ્રેટિસ ને ટ્રાઈગ્રીસ નદીઓએ ભારતયુરોપીય પ્રજાને ઉછેરી છે અને સપ્તસિંધુએ ભારતીય આર્ય પ્રજાને પોષી છે – પેલું ગંગાયામ્ ઘોષઃના સંકેતનું જ આ બહુવિધ ને બહુરૂપ પ્રાગટ્ય છે. જે સરે છે, સતત વહે છે તે સરિતા. અને પથ્થરો, ખડકો વચ્ચેથી વહેતાંવહેતાં જે નાદ કરે છે તે નદી. સંસ્કૃતિના વિકાસને, અને ભાષાના વિકાસને પણ, નદીના રૂપકથી સમજાવવામાં આવે છે, એ ખૂબ જ સાચું ને સ્વાભાવિક છે. નદીના સ્વચ્છ કિનારા જેવાં રમણીય સ્થળો બહુ ઓછાં. મને એકદમ એક લગ્નગીત યાદ આવી ગયું – ‘નદીને કિનારે રાયવર પતંગ ઉડાડે...’ કેવું સરસ ચિત્ર છે. વળી જરાક રમૂજ કરવાનું મન થાય કે પહેલાંના રાયવરો-વરરાજાઓ ઘોડો દોડાવતા, હવે પતંગ ઉડાડે છે. પછી તો નદીકિનારે પતંગ ઊડતા ઓછા થઈ ગયા, હવે તો સાંકડાં ને જોખમી છાપરાં પર ને અગાસીઓ પર... પણ એ જવા દઈએ, ને નદીને કિનારે જ આવી જઈએ પાછા. કિનારો જોયો નથી કે ભીના થયેલા પગ પાણી તરફ વળ્યા નથી. નદી બોલાવે છે લાડથી, ને મહાનદ હોય તો આહ્વાન આપે છે કે આવ, આવી જા. કવિ અખાએ તો કર્મકાંડી માણસની, દંભી ધાર્મિકની મશ્કરી કરતાં કહેલું કે એક મૂરખને એવી ટેવ, પથ્થર એટલા પૂજે દેવ, તુલસી દેખી તોડે પાન’ – અને ખાસ તો–‘નદી દેખી કરે સ્નાન.’ નદી દેખીને એ સ્નાન કરે છે દેખાડો કરવા માટે, પણ મને તો, નદી દેખતાં જ અંદરથી ખેંચાણ જાગે છે સ્નાન માટે. એટલે મારું ય એવું જ છે – નદી દેખી કરું સ્નાન. એ આનંદની સામે કોઈ મૂરખ કહે તો નરસિંહની જેમ કહી દેવાનું – એવા રે અમે એવા રે એવા... હોડીમાં બેસીને ઊંડી નદીમાં પસાર થઈને સામે પાર પહોંચવું, એ આપણાં અનેક ભજનો-પદોનું રૂપક છે. આ પાર કે પેલે પાર – એ પણ પડકાર ઝીલવાનો રૂપકાત્મક ઉદ્ગાર છે. પણ આછા ધુમ્મસવાળી ચાંદની રાતે હોડીમાં બેસી સહેલગાહે નીકળવું એનો અહ્લાદક અનુભવ, આપણા એક મોટા કવિ બલવંતરાય ઠાકોરના એક કાવ્યમાં સરસ આલેખાયો છે :

આઘે ઊભાં તટધુમસ જેમાં દ્રુમો નીંદ સેવે

એમ એની શરૂઆત થાય છે. પછી તો આછાં મોજાં પર ‘પડે ઊપડે નાવ મારી’ એ લયનો આનંદ. કવિ આછુંઆછું વીણાવાદ્ય વગાડે છે. આખુંય વાતાવરણ રહસ્યભર્યું બની જાય છે ને કવિના ચિત્તમાં કશુંક સરકી જાય છે ધીરેથી – કોઈ વાણી, કદાચ કવિતા... સરિતા અને કવિતા – બંને ઘણો સરખો અનુભવ આપે. આકર્ષે એના પ્રવાહથી, એના નાદથી, એના અનેક વળાંકોથી ને એની ચમકથી, ને હા એના ઊંડાણથી પણ. ને પછી તો? માંહ્ય પડ્યા તે મહાસુખ માણે. પહેલાં ભીંજવે, આર્દ્ર કરે, પછી તરબોળ કરે – સંતૃપ્ત. ચોખ્ખું, પારદર્શક, સ્વાદ્ય જળ. પણ નદીની આવી પ્રશંસા કરતાં અટકી જઈએ છીએ – છોભીલા પડી જઈએ છીએ આપણે. આપણે રહેવા દીધાં છે નદીઓનાં પાણીને એવાં સ્વચ્છ, પારદર્શક, સ્વાદ્ય? કોઈ યાત્રાસ્થળનો નદીકિનારો જોયો છે? અરે જોયા પહેલાં જ દુર્ગંધથી ભરાઈ જાય આપણું નાક. યમુનાષ્ટક ગાવાનો કે યાદ કરવાનો આપણને છે અધિકાર? સરસ્વતી નદી લુપ્ત થઈ એમાં શી નવાઈ! હવે બહાર નહીં, કેવળ અંદર સરે તે સરિતા.

૫.૨.૨૦૧૧