સાહિત્યિક સંરસન — ૩/અજય ઓઝા: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
No edit summary
No edit summary
 
Line 99: Line 99:
વિજય છક થઈ ગયો, ‘આવો પ્રશ્ન?’
વિજય છક થઈ ગયો, ‘આવો પ્રશ્ન?’
ગુસ્સામાં આવી ફોન કાપી નાખે છે, કે તરત જ પેલા આંકડાની બાદબાકી મોબાઇલ સ્ક્રીન પર સામે આવી ઊભી રહે છે - ૩,૫૬,૭૪,૧૧૩ !  
ગુસ્સામાં આવી ફોન કાપી નાખે છે, કે તરત જ પેલા આંકડાની બાદબાકી મોબાઇલ સ્ક્રીન પર સામે આવી ઊભી રહે છે - ૩,૫૬,૭૪,૧૧૩ !  
માય ગોડ...!
માય ગોડ...!
માનો કે દેશનાં દરેક સ્ત્રી-પુરુષ પરણી જ જાય તોપણ - હા, તોપણ ... સાડા ત્રણ કરોડથી પણ વધુ પુરુષોને કુંવારા રહેવું જ પડે!
માનો કે દેશનાં દરેક સ્ત્રી-પુરુષ પરણી જ જાય તોપણ - હા, તોપણ ... સાડા ત્રણ કરોડથી પણ વધુ પુરુષોને કુંવારા રહેવું જ પડે!
...ફરજિયાત આજીવન વંઢાપો?
...ફરજિયાત આજીવન વંઢાપો?

Latest revision as of 19:44, 31 October 2023


++ અજય ઓઝા ++


વંઢાપો —



‘શું નામ કહ્યું? મુંગેરીલાલ ને?’ કાઉન્ટર પાછળ સાદી રિવૉલ્વિંગ ચૅરમાં બેસેલો માણસ પોતાની પહેલી આંગળી હડપચી પર ટેકવતાં જરા નાજુક અંદાજે પૂછે છે. ‘નામ તો હજી ક્યાં મેં જણાવ્યું જ છે? મારું નામ વિજય.’ ‘બરાબર, ઉંમર?’ પેલા માણસે પૂછ્યું. હાવભાવની સાથે ધીમે ધીમે તેનો અવાજ જરા વધુ પડતો સ્ત્રૈણ થતો જાય છે. એ ફરી પૂછે છે, ‘ઉંમર કેટલી?’ વિજય સહેજ ખચકાયો, આજુબાજુ કોઈ નહોતું તો પણ નજર આમતેમ ફેરવતાં હળવે સાદે બોલ્યો, ‘અ..આડત્રીસ.’ ‘આડત્રીસ પૂરા ને?’ પેલો માણસ જાણી જોઇને વિજયની આંખમાં ઝીણી આંખે તાકતાં ખાતરી કરવા પૂછે છે. વિજય કંઈ બોલતો નથી. રિવૉલ્વિંગ ચૅરને સ્થિર કરી દઇને એ માણસ હડપચી પર ટેકવેલી આંગળી હટાવી કમ્પ્યૂટરનાં કી-બોર્ડ પર લઈ જાય છે, ને એક પછી એક સવાલો પૂછતો જાય છે - ‘જન્મતારીખ? વજન? ઊંચાઈ? જાતિ? ધર્મ? કુંડળી? જ્ઞાતિબાધ છે? ખોડ-ખાંપણ? નોકરી-ધંધો? વાર્ષિક આવક? સરનામું? ફોન નંબર?’ વિજય એક પછી એક જવાબો લખાવતો જાય છે. તેણે પૂછ્યું, ‘આટલી બધી કૉલમ આવે છે?’ પેલો માણસ હસે છે ને આંખ પરથી ચશ્માં ઉતારી કમ્પ્યૂટર સ્ક્રીન પર જડાયેલી નજર ફરી વિજય પર પ્રસરાવી વિશિષ્ટ છતાં નાજુક અદામાં બોલે છે, ‘બહાર તમે અમારી આ વિશાળ ઍરકન્ડિશન્ડ શૉપનું નામ તો વાંચ્યું જ હશે ! ત્રીસ-ત્રીસ વર્ષોથી આ ‘માય પાર્ટનર મૅરેજ-બ્યુરો’ ચલાવીએ છીએ. ઠેકઠેકાણે અમારી બ્રાન્ચ ખુલી રહી છે. ને હવે તો વેબસાઇટ પણ લૉન્ચ કરી છે. અને જુઓ, આ વખતે તો અમારાં ફોર્મમાં કેટલીક કૉલમ વધીને પણ આવી છે.’ ‘એમ? હજુ કોઈ વિગત ભરવાની બાકી રહી છે?’ વિજય અધીરો થયો. ‘હેં? હા, લખાવો - પરિણીત/અપરિણીત/છૂટાછેડા કે વિધુર? બોલો.’ ‘અપરિણીત.’ વિજયે તરત જવાબ આપ્યો. પેલો માણસ એ આખરી ડેટા કમ્પ્યૂટરમાં ફીડ કરતાં પહેલાં ફરી એકવાર વિજયના ચહેરાના ભાવોનું નિરીક્ષણ કરી લે છે. ‘ઑકે, તો હવે રજિસ્ટ્રેશન ફી ભરી આપો. ટૂંક સમયમાં તમારે માટે યોગ્ય પાત્ર અમે શોધી આપીશું.’ આંખો એકધારી પટપટાવતા રહી એ માણસે હસીને સૂચના આપી. તગડી રજિસ્ટ્રેશન ફી ભરીને વિજય જરા હળવાશ અનુભવતો ‘માય પાર્ટનર મૅરેજ- બ્યુરો’ની બહાર નીકળે છે.

* * *

‘પણ મને એ જ નથી સમજાતું મામા, કે આ આપણો આખો પંથક મૂકીને આપણે આમ રાજસ્થાનની સરહદે કન્યા શોધવા શું કામ જઈ રહ્યા છીએ?’ સરહદી ધોરી માર્ગ પર પૂરપાટ વેગે દોડી રહેલી કારમાં સાથે બેઠેલા મામાને વિજય પૂછે છે. મામા જરા અકળાતા જણાય છે, ને વળી વિજય સામે દયામણું હસીને જવાબ ગોઠવી આપે છે, ‘તારી ઉંમર જોતાં હવે તારાં મા-બાપ અધીરાં થયાં છે. આપણી બાજુ હવે કન્યાનો દુકાળ પડ્યો છે. ને બહારના પંથકમાં જેવી માગો એવી કન્યા મળી જવાના ચાન્સ વધારે હોય.’ ‘મને તો એ વાત જ ગળે નથી ઊતરતી.’ ‘રોજ છાપામાં, ટીવીમાં, દુષ્કર્મના, બળાત્કારના સમાચાર આવે છે ને?’ મામા કહે. ‘હા, તો?’ વિજયને કશું સમજાતું નથી. ‘અમુક ઉંમર થાય એટલે પુરુષને કોઈ પણ ભોગે પરણાવી જ દેવો જોઇએ. નહિતર તેનામાં ધીરે ધીરે આવી બધી વિકૃતિ આવતી જાય.’ મામા બોલ્યા. ‘એટલે? શું મને પણ? આ રીતે? કોઈ પણ ભોગે?’ વિજયને તો કેટલાય સવાલો અકળાવી મૂકે છે, ‘હેં મામા, કોઈ પણ ભોગે, એટલે?’ ‘નિ રાંત રાખ ભાઈ, તને કોઈ જબરજસ્તી ક્યાં કરે છે? તું તારે શાંતિથી જોઈ તો લેજે. જો પસંદ પડે તો આગળ...’ મામા વાતને ઠારવા મથે છે. ‘પણ, પસંદ પડે જ નહિ, તો?’ વિજય વચ્ચે જ બોલે છે. ‘જો ભાઈ, આપણે ચોખ્ખે-ચોખ્ખો હા કે ના-નો જવાબ જ નથી આપવાનો. ના પસંદ પડે તો છોકરીના હાથમાં એક હજાર રૂપિયા આપીને નીકળી જવાનું અને ગમી જાય તો છોકરીના હાથમાં પાંચસો ને એકાવન અને છોકરીના બાપને પચાસ હજાર!’ વિજય ચમક્યો, ‘પચાસ હજાર? આવા તે વળી ક્યાંના રિવાજ છે, મામા?’ ‘રિવાજ છે એમ જ સમજ, વચ્ચે રહીને જે માણસ આપણને છોકરી દેખાડવાનો છે એણે ફોન પર આ બધું મને સમજાવ્યું છે, ને વળી એ પોતે તો એક રૂપિયો પણ નથી લેવાનો.’ ટૂંકમાં સમજાવતાં મામા જરા કંટાળેલા ચહેરે બોલે છે. વિજય વધુ સવાલો પૂછી તેને પજવે નહિ એ માટે મામાએ ‘ડ્રાઇવર સાંભળે છે’ એવો ઇશારો કરી વધુ ચર્ચા ન કરવાનું પણ સમજાવી દીધું. ‘ઠીક છે, તો એક હજાર રૂપિયા તૈયાર રાખજો.’ વિજયના હોઠે આવેલું વાક્ય બહાર આવી ન શક્યું. જોકે, એમ જ થયું. વિજયે વિચાર્યુ કે રૂપિયા લઈ દીકરી વેચવા તૈયાર હોય એ પરિવારની મજબૂરી કેવી હશે? કશોક અપરાધભાવ અનુભવતો એ તો કન્યા સામે પણ આંખ ન મિલાવી શક્યો. કોણ જાણે કેમ પણ આ રીતે છોકરી પસંદ કરવી એને જચ્યું જ નહિ. પેલો વચેટ માણસ જરા મામા પર ગિન્નાયેલો લાગ્યો. પરિણામે પાછા ફરતાં આખે રસ્તે મામા પણ વિજય સાથે તોછડા જ રહ્યા. જુદી જુદી રીતે થોડી-થોડી વારે ડ્રાઇવર સાંભળતો હોવાની સહેજ પણ દરકાર કર્યા વગર જ એ કહેતા રહ્યા કે, ‘તારી માના કહેવાથી મેં તારે માટે એક દિવસની રજા બગાડી, એ બિચારીને એમ કે છોકરી જેવી હોય તેવી, વરહ બે વરહમાં તો આપણે એને આપણી સાથે ઘડી લેશું, પણ આ નવલશા નાનજીના રૂપરૂપના અંબાર સમા કુંવર એમ શેના માને? એક તો આપણામાં છોકરીઓ મળે નહિ, એમાં આટલા બરા શા કામના? હીરોઇન જ જોતી હોય તો થાવું’તું ને મોટા લાટસાહેબ? મને પણ એમ કે આધેડ ઉંમરે પહોંચીને હવે તો તને પણ ડહાપણ આવી ગયું હશે, પણ તને તો બુદ્ધિ પણ વરી નહિ ભાઈ ! ફરી તારી મા કહેશે તો હું તો એને પણ કહી દઇશ કે હવે આ તારાં રાજકુંવર સાથે મને જ પરણાવી દે તો વાત બને, બાકી આ વાંઢા હારે હવે કોઈ બાઈ તો શું ભાયડો પણ લગન કરવા તૈયાર ના થાય ! મારી તો ભૂલ થઈ ગઈ ભાઈ, હવે તો તારામાં રસ લે, ઈ આ મામો નહિ... યાદ રાખજે.’ એકાદ ક્ષણ વિજયને ‘માય પાર્ટનર મૅરેજ-બ્યુરો’નો મેનેજર યાદ આવે છે. પાછા ફરતા આખે રસ્તે વિજયને પોતે ક્યો ગુનો કર્યો છે એ સમજવામાં જ ઘર આવી ગયું.

* * *

‘માય પાર્ટનર મૅરેજ-બ્યુરો’માંથી વિજય પર ફોન આવે છે, ‘હલો કાકા?’ ‘અલ્યા, હું તને કાકો લાગું છું?’ વિજય ઊકળી ઊઠે છે. ‘અરે... વિજયભાઈ, તમારું જ કામ હતું.’ ‘બોલો.’ ‘તમારી પ્રોફાઇલ બની ગઈ છે, નેટ પર અમારી સાઇટમાં મૂકાવવી છે ને?’ ‘હા, હા. મૂકી જ દો ને ભાઈ. એમાં પૂછવાનું હોય?’ ‘થેન્ક્સ, મને ‘ભાઈ’ કહેવા બદલ ! પ્રોફાઇલ ઓર્ડિનરી લિસ્ટમાં રાખવી છે કે પ્રમોશનલ કૅટેગરીમાં?’ ‘એટલે?’ ‘હું સમજાવું. રેગ્યુલર લિસ્ટમાં શું થાય કે લોકો વેબસાઇટ ખોલે પછી બધા મુરતિયાઓનાં નામનું લિસ્ટ ઓપન કરે ત્યારે એમાં છેલ્લે ક્યાંક તમારી ઉંમર મુજબના ક્રમે તમારું પ્રોફાઇલ જોવા મળી શકે. અને પ્રમોશનલ કૅટેગરીમાં સાઇટ ખૂલતાં જ તમારા ડેશિંગ અને સ્માર્ટ મોડેલિંગ ફોટોગ્રાફ સાથે આખી પ્રોફાઇલ જરા ‘હાઈ-પ્રોફાઇલ’ બની અમારા હોમપેજ પર સતત તરવરતી રહે. પણ એનો ચાર્જ જરા...’ છેલ્લા વાક્ય સુધીમાં તો એ અવાજ આદત મુજબ વધુ સ્ત્રૈણ બનતો જાય છે. ‘ભરી દઇશ, જે ચાર્જ હશે તે હું ભરી દઇશ, તમે મારું પ્રોફાઇલ જલદીથી પ્રમોટ કરી જ દો પ્લીઝ.’ વિજય કહે છે.

* * *

‘હલો પોપટલાલ?’ જાણીતો સ્ત્રૈણ અવાજ. ‘શું તમે પણ? વિજય બોલું છું.’ ચહેરાની રેખાઓ તંગ થાય છે તો પણ સંયમથી વિજય બોલે છે. ‘હા, કામ એ હતું કે કન્યાઓની નવી યાદી સાથેની લેટેસ્ટ ડિરેક્ટરી છપાઇને આવી ગઈ છે. તમારે જોઇએ છે કે?’ ‘હા, હા. કેમ નહિ?’ ‘શું છે કે સાતસોને પચાસ રૂપિયાની ડિરેક્ટરી છે, ને મોટાભાગની નકલો તો આવતાવેંત જ ઊપડી ગઈ. હવે ચારેક નકલો પડી છે ને મારી સામે અત્યારે બેસેલા પાંચ કસ્ટમરો એક-એક હજારમાં લેવા પડાપડી કરે છે... તો.. શું કરું? ..હેં? ..એમ? ...આવો છો ને? તો એક કૉપી ખાસ તમારા માટે જુદી મૂકી રાખું. હા, જલદી લઈ જાવ પોપટલાલ... સૉરી, વિજયભાઈ.’ વિજય તાત્કાલિક ડિરેક્ટરી ઘરે લઈ આવે છે, પૂરો અભ્યાસ કરી પોતાને યોગ્ય જણાય તેવી કન્યાઓના પ્રોફાઇલ પર ટીકમાર્ક કરી લે છે ને પછી પળનોય વિ લંબ કર્યા વગર એક પછી એકનો સંપર્ક કરવા બેસી જાય છે. ‘હલો, હું વિજય બોલું છું. ‘માય પાર્ટનર મૅરેજ-બ્યુરો’ની નવી ડિરેક્ટરીમાંથી આપનો નંબર મળ્યો.’ ડિરેક્ટરીમાંથી શોધેલી પહેલી કન્યાના આપેલા નંબર પર ફોન લગાવે છે. ‘હા, બોલો ને.’ સામેથી અવાજ આવે છે. ‘મારો પ્રોફાઇલ નંબર ૭૬૫૦ છે, મારા પોતાને માટે જ વાત કરવાની છે. નાનકડી જોબ કરું છું.’ વિજય જરા સંકોચાય છે. થોડી ક્ષણોના વિરામ બાદ સામેથી જવાબ મળે છે, ‘તમારી વિગતો જોઈ લીધી, અમારી દીકરી ઠીક ઠીક ભણી છે, પણ અમને જોબ ને બદલે બિઝનેસ કરતા છોકરાની ઈચ્છા છે, બે-ચાર સારાં સારાં ઠેકાણે વાત પણ ચાલે છે. લગભગ ગોઠવાઈ પણ જશે. તમે પણ તમારા જેવું કોઈ ‘આછું-પાતળું’ ઠેકાણું શોધી લો, મળી જ જશે.’ ‘આછું-પાતળું?’ વિજયને ખૂંચે છે. પણ વિજય હિંમત હાર્યા વગર આગળ વધે છે. તેની આંગળી નેક્સ્ટ પ્રોફાઇલ તરફ દોડી જાય છે. ‘હલો, મૅરેજ-બ્યુરોની બુકમાંથી રેફરન્સ લઈ આપને ફોન જોડ્યો છે.’ ‘ઓહ, ભલે ભાઈ, પણ અમારી બેબીના તો અમે આજે જ ગોળ-ધાણા ખાધા હો. તમે જરા મોડા પડ્યા.’ સામેથી ખુશખુશાલ સ્વરે ગોળ-ધાણા ભરેલો ગળ્યો જવાબ મળ્યો જે વિજયને તો ખાટો જ લાગ્યો. હિંમત રાખીને વિજય વધુ એક ફોન જોડે છે. ‘જી, ‘માય પાર્ટનર મૅરેજ-બ્યુરો’ની ડિરેક્ટરીમાંથી આપનો નંબર મળ્યો, આમ તો વડીલોએ વાત કરવી જોઈએ, પણ સંજોગવશાત્ હું જ મારા માટે વાત...’ અધવચ્ચે જ સામે છેડેથી અવાજ આવે છે, ‘શું કહ્યું? મૅરેજ-બ્યુરોની ડિરેક્ટરીમાં હજુ પણ અમારી દીકરીનું નામ બોલે છે? એ લોકોએ કાઢ્યું જ નથી?’ ‘હજુ પણ? મતલબ?’ વિજય પૂછે છે. ‘એટલે એમ કે અમારી દીકરીનાં તો ગયે વરસે જ લગન થઈ ગયાં, એ તો પોતાને સાસરે રાજકોટ સેટ પણ થઈ ગઈ.’ સામેથી જવાબ મળે છે. ‘અચ્છા, તો રાજકોટનો નંબર આપી દો...’ વિજય અનાયાસ બોલી પડે છે. ‘શું? શું કહ્યું?’ સામેનો અવાજ લાલ-પીળો થતાં વિજયને ભાંગરો વટાયાનું ભાન થાય છે ને ફોન કાપી નાખે છે. ત્યારબાદના પણ કરેલા કેટલાંક પ્રયત્નોમાંથી મોટે ભાગે સરખો જ જવાબ મળે છે - ‘અમારી દીકરીનાં તો લગ્ન થઈ ગયાં.’ - ‘અમે તો મૅરેજ-બ્યુરોમાં નામ જ નથી લખાવ્યું’ - ‘અમારે તો અમારાં ગામમાં જ જોઇએ હોં.’ – ‘મારી દીકરીને ત્યાં છોકરાં રમે છે, તોયે આ મુઆ મૅરેજ-બ્યુરોવાળા દસ વરસથી અમારી દીકરીનું નામ કાઢતા નથી?’ છેવટે કંટાળીને વિજય મૅરેજ-બ્યુરોની ઑફિસે જ પહોંચી જાય છે. ‘અરે ભાઈ, તમારી ડિરેક્ટરીમાંની મોટા ભાગની છોકરીઓ તો પરણી ગઈ છે, એ બધાનાં નામ કેમ હજી પણ ચાલુ રાખો છો?’ પેલો માણસ ઘડીભર પોતાની આંખો પટપટાવી વિજયની સામે જુએ છે, ‘હં... હં, એમાં એવું છે ને સાહેબ, જો અમે એ રીતે નામ કાઢતાં જઇએ તો તો આ ડિરેક્ટરી અરધી ખાલી થઈ જાય કે નહિ? જુઓ ફોગટલાલ, બીજા કોઇને કહેતા નહિ, પણ તમને ખરું કહું તો એમાં કેટલાક પ્રોફાઇલ તો ‘ડમી’ અથવા તો સાવ ‘ફેક’ પણ મળી આવશે.’ પછી હડપચી પર આંગળી ટેકવીને જરા ખાસ નાજુક અંદાજે, ‘યૂ નો, એક રીતે આ બધું તો અમારા બિઝનેસનો એક ભાગ જ...’ વિજય વિચિત્ર નજરે તેની સામે તાકી રહે છે.

* * *

‘વિજય, બેટા!’ ‘હા, મા.’ ટીવી પર ચૅનલ સર્ફિંગ કરતાં કરતાં વિજય બોલે છે. ‘હવે ક્યાં સુધી મારે આ દિવસો આમ વેંઢારવાના? મારા નસીબમાં વહુનું સુખ...?’ જરા હાંફ ચઢતાં મા વધુ બોલી શકતી નથી. માની આ રોજિંદી બળતરા વિજયને ગમે નહિ, પણ આખરે એક મા પોતાની વ્યથા ક્યાં જઈ ઠાલવે? એમ વિચારી જાતને સંભાળી લેતો, ‘મા, મારા હાથની વાત છે? તો કહે, તું કહે તે કરવા તૈયાર છું. આ ગામમાં જેટલા જીવનસાથી પસંદગી મેળા થયા એ બધામાં હું ગયો હતો ને? બધા મેળાવડામાં છોકરીઓ માંડ વીસ-પચીસ જ હોય ને છોકરાઓ પાંચસો. કેમ મેળ પડે? તેં કહ્યું એટલે મામા સાથે પણ જઈ આવ્યો કે નહિ?’ ‘રહેવા દે હવે, તેં તો તારું ધાર્યુ જ કર્યુ છે ને ભાઈ ! મને મામાએ બધું કહ્યું.’ માએ જાણે ઠંડું પાણી રેડ્યું આખીયે વાત પર. એક ન્યૂઝ ચૅનલ પાસે આવીને ચૅનલ ફરતી અટકી ગઈ, રિમોટ થંભી ગયું ને વિજય પણ. ન્યૂઝ રીડર પૉપ્યુલેશનનાં આંકડાનું એનાલિસિસ સમજાવી રહ્યાં હતાં - ‘આપણાં દેશની કુલ વસતી સવા અબજ થવા જઈ રહી છે ત્યારે દેશમાં પુરુષોની સંખ્યા ૬૨,૩૧,૨૧,૮૪૩ અને સ્ત્રીઓની સંખ્યા ૫૮,૭૪,૪૭,૭૩૦ છે.’ વિજયના ચિત્તમાં ઝબકાર થાય છે, પાસે પડેલો મોબાઇલ હાથમાં લીધો ને ટીવી પર મંડાઈ રહેલા ફીગરને મોબાઇલનાં કેલક્યુલેટરમાં લીધા. જોકે, વિજય બાદબાકી કરે એ પહેલાં જ ન્યૂઝ રીડર એ કામ કરી આપે છે - ‘દેશમાં દર એક હજાર પુરુષોની સામે ૯૪૩ સ્ત્રીઓનો દર છે, ને એ અંતર પણ દર વરસે વધતું રહે છે.’ મોબાઇલ કેલક્યુલેટર પણ બાદબાકીનો બહુ મોટો જવાબ શોધી કાઢે છે, એ જોઈ વિજય વિચારે ચઢી જાય છે. એવામાં ‘માય પાર્ટનર મૅરેજ-બ્યુરો’માંથી રિંગ આવે છે, પેલો જાણીતો સ્ત્રૈણ અવાજ સંભળાય છે, ‘હલો વનેચંદ?’ ‘ઓફ્ફો... તમે ફોન વિજયને લગાવો છો ને નામ વનેચંદનું બોલો છો? મારા લાભની કોઈ વાત હોય તો એ બોલો ને? કોઈ નવું મારે લાયક પ્રોફાઇલ?’ ‘હા, હા, વિજયભાઈ, તમારા લાભની જ વાત છે.’ પેલો માણસ હસે છે ને પોતાની ખાસ અદામાં બોલે છે, ‘તમે અમારી આ વિશાળ ફર્મના અવિરત વિકાસયાત્રાના એકમાત્ર સાક્ષી છો ! પાંત્રીસ વર્ષથી આ ‘માય પાર્ટનર મૅરેજ-બ્યુરો’ ચલાવીએ છીએ. દેશ-વિદેશમાં અમારી બ્રાન્ચ જામી રહી છે. વેબસાઇટ પણ ધમધોકાર ચાલે છે. જુઓ આ વખતે ફરી એકવાર અમારા અપડેટેડ સૉફ્ટવૅરનાં પ્રોફાઇલમાં કેટલીક કૉલમ વધીને પણ આવી છે.’ ‘તો એમ બોલો ને, નવી કૉલમોમાં શું લખાવવાનું છે, બોલો જલદી.’ ‘ચાર પ્રશ્નો ઉમેરાયા છે, પહેલો છે; તમારું બ્લડ ગ્રૂપ કયું છે?’ ‘એ-બી નેગેટિવ. બીજો પ્રશ્ન?’ ‘થેલેસેમીયા? એચ.આઈ.વી.?’ ‘નૉ... નૉ, એવું કંઈ જ નથી. ચોથો પ્રશ્ન શું છે?’ ‘ચોથો ને છેલ્લો પ્રશ્ન... એમ કરો ને, તમે રૂબરુ જ આવી જાવ ને વનેચંદ... સૉરી, વિજયભાઈ!’ ‘ના, ના, ફોન પર જ કહી દો ને, લખાવી દઉં.’ ‘છેલ્લો પ્રશ્ન છે... તમે સજાતીય લગ્નમાં રસ ધરાવો છો?’ વિજય છક થઈ ગયો, ‘આવો પ્રશ્ન?’ ગુસ્સામાં આવી ફોન કાપી નાખે છે, કે તરત જ પેલા આંકડાની બાદબાકી મોબાઇલ સ્ક્રીન પર સામે આવી ઊભી રહે છે - ૩,૫૬,૭૪,૧૧૩ ! માય ગોડ...! માનો કે દેશનાં દરેક સ્ત્રી-પુરુષ પરણી જ જાય તોપણ - હા, તોપણ ... સાડા ત્રણ કરોડથી પણ વધુ પુરુષોને કુંવારા રહેવું જ પડે! ...ફરજિયાત આજીવન વંઢાપો? વિજય કશાક અજ્ઞાત ભયથી લગભગ ધ્રૂજવા લાગે છે. એને થાય છે કે આ પૃથ્વી પર સ્ત્રીઓની અનિવાર્યતા લોકોને કેમ નહિ સમજાતી હોય? ‘અમુક ઉંમર થાય એટલે પુરુષને કોઈ પણ ભોગે પરણાવી જ દેવો જોઇએ. નહિતર તેનામાં ધીરે ધીરે આવી બધી વિકૃતિ આવતી જાય.’ મામાના શબ્દો યાદ આવ્યા, ‘તને તો બુદ્ધિ પણ વરી નહિ ભાઈ ! ફરી તારી મા કહેશે તો હું તો એને પણ કહી દઇશ કે હવે આ તારા રાજકુંવર સાથે મને જ પરણાવી દે તો વાત બને, બાકી આ વાંઢા હારે હવે કોઈ બાઈ તો શું ભાયડો પણ લગન કરવા તૈયાર ના થાય!’ ટીવી પર હવે કોઈ બળાત્કારના સમાચાર પર એક રિપોર્ટ પ્રસારિત થાય છે. એનાથી ઉબાઈને વિજય ચૅનલ ફેરવે છે તો ગીત આવે છે, ‘આદમી હૂં આદમી સે પ્યાર કરતા હૂં...’ વિજય શરીરમાંથી એક ભયંકર લખલખું પસાર થતું અનુભવે છે. શું મારી સાથે કોઈ ભાયડો પણ...? મારામાં વિકૃતિ? મામાની વાત સાચી જ હશે, કોઈ પણ ભોગે પરણવું જ જોઇએ... હા, કોઈ પણ ભોગે ! ઉતાવળે ઉતાવળે કશુંક વિચારીને એ મૅરેજ-બ્યુરોની ઑફિસે કૉલબેક કરે છે. ‘બોલો ને મુંગેરીલાલ.’ જાણીતો સ્ત્રૈણ અને સુકોમળ સ્વર, ‘તમે કેમ ફોન કાપી નાખેલો? આપણી વાત અને તમારા પ્રોફાઇલની કૉલમ અધૂરી રહી ગયેલી. બોલો શું લખાવો છો?’ જરા અટકીને વિજય બોલે છે, ‘હા, સજાતીય લગ્નની કૉલમમાં મારી ‘હા’ જ લખો. સાંભળ્યું તમે? મને રસ છે, મારી ‘હા’ લખી દો તેમાં.’ વિજયનો અવાજ વધુ ભારે થતો જાય છે, ‘પણ મારી એક શરત છે. તમે સાંભળો છો ને? ... હલો? કેમ બોલતા નથી?’ થોડીવારે સામેથી કોમળ અને સ્ત્રૈણ અવાજ આવે છે, ‘અરે...અરે, સાંભળું છું. બરાબર કાન દઈ સાંભળી જ રહ્યો હતો. તમારી બધી શરત મંજૂર છે, આ તો તમારી ‘દોસ્તાના’ વાતો સાંભળીને હું જરા ભાવવિભોર થઈ ગયેલો ને એટલે જરા... બોલો... બોલો, વહાલા વિજય, બોલો, શી શરત છે?’ ‘શરત એ છે કે, ગૅ-મૅરેજ કર્યા પછી હું ને મારા ‘લાઇફ-પાર્ટનર’ એક દીકરીને જન્મ આપી તો શકીશું ને? હેં?’



તન્ત્રીનૉંધ :

એક એવો સમયગાળો હતો જ્યારે આપણા સમાજમાં કોઈ પુરુષ પરણ્યા વિનાનો રહી ગયો હોય, તો લોકો એ માટેનો શબ્દ પ્રયોજીને જરાક દુર્ભાવથી કહેતા, એ તો વાંઢો છે, છોડો ! ખાનગીમાં એની દયા પણ ખાતા. પણ જમાનો બદલાયો અને આ વાર્તામાં છે એવાં ‘માય પાર્ટનર મૅરેજ બ્યુરો’ મદદે આવી ગયાં.

વિજયના એ નિ ર્ણયમાં, ચોખ્ખાં ન દેખાય એવાં બે તરફથી દબાણ હતાં. એક તો, મા-નું વૅણ, કે, ‘હવે ક્યાં સુધી મારે આ દિવસો આમ વેંઢારવાના? મારા નસીબમાં વહુનું સુખ...?’ અને વિજયે જોયેલી મા-ની એ ‘રોજિંદી બળતરા’. બીજું દબાણ મામાની આ ટકોર કે ‘અમુક ઉંમર થાય એટલે પુરુષને કોઈ પણ ભોગે પરણાવી જ દેવો જોઇએ. નહિતર તેનામાં ધીરે ધીરે આવી બધી વિકૃતિ આવતી જાય.’ વિજય એ બ્યુરો પાસે જાય છે, એટલું જ નહીં, બ્યુરોનો સ્ત્રૈણ મૅનેજર એને મૂંગેરીલાલ, પોપટલાલ, વનેચંદ જેવાં સમ્બોધનો કરે છે, એ સહી લે છે, અને છેલ્લે સજાતીય લગ્ન માટે પણ તૈયાર થઈ જાય છે. મામાએ કહેલું કે લગ્ન માટે કોઇ જબરજસ્તી નથી કરવાનું, પણ વાચકને થશે કે જાત પર જબરજસ્તી વિજયે જાતે જ કરી, અલબત્ત, ક્રમે ક્રમે, વાતના વળને સમજી સમજીને. જોકે, વિજય, ’ગૅ-મૅરેજ કર્યા પછી હું ને મારા ‘લાઇફ-પાર્ટનર’ એક દીકરીને જન્મ આપી તો શકીશું ને? હેં?’, એવી શરત મૂકે છે. વાચકને થાય કે આવી શરત કેમ, પણ થોડું વિચારતાં એને એમ સમજાશે કે કદાચ પોતાની જાતીયતાને સાચવવા લેવા વિજયથી એ શરત અભાનપણે મુકાઇ ગઈ હશે.

‘ત્રીજી વ્યક્તિ કથનકેન્દ્ર’-થી કહેવાયેલી આ વાર્તાનો કથક એક આગવી લઢણથી આખી વાતને વિકસાવે છે. વાત આમ તો હઁસીમજાકથી કરે છે, પણ એની એ રીતમાં વિજયની કરુણતા અ-છતી નથી રહેતી. વાત માટે સંવાદતત્ત્વને કથકે સરસ રીતે પ્રયોજી જાણ્યું છે. ખાસ તો, એણે પેલા સ્ત્રૈણ મૅનેજર અને વિજય વચ્ચેના સંવાદોને સાવ જ વાસ્તવિક રાખ્યા છે, જેથી આ આખા સામાજિક પ્રશ્નની વાસ્તવિકતા બરાબ્બર સૂચવાઈ જાય છે.

ગુજરાતી ભાષામાં ‘ઘરડાપો’ ‘બૂઢાપો’ ‘રંડાપો’ સંજ્ઞાઓ છે પણ એ સાથે હવેથી આ ‘વંઢાપો’ સંજ્ઞાને પણ સ્મરણમાં રાખવી જોઇશે.