The Story of My Life: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
No edit summary
No edit summary
Line 17: Line 17:
Helen Keller<br>
Helen Keller<br>
<center>{{color|red|<big><big><big>'''મારી જીવનકથા'''</big></big></big>}}
<center>{{color|red|<big><big><big>'''મારી જીવનકથા'''</big></big></big>}}
અંધત્વ અને બહેરાશની સામે હેલન કેલરના વિજયની અદ્ભુત અને આશ્ચર્યજનક જીવન-કહાણી.
'''અંધત્વ અને બહેરાશની સામે હેલન કેલરના વિજયની અદ્ભુત અને આશ્ચર્યજનક જીવન-કહાણી.'''
<br>'''હેલન કેલર'''
<br>હેલન કેલર





Revision as of 00:21, 7 November 2023

‘એકત્ર' સંકલિત શ્રેણી

Granthsar-logo.jpg

વિશ્વનાં ઉત્તમ પુસ્તકોની સંક્ષિપ્ત આવૃત્તિઓનો કૅલિડોસ્કૉપ



The Story of My Life-title.jpg


The Story of My Life

Helen Keller

મારી જીવનકથા

અંધત્વ અને બહેરાશની સામે હેલન કેલરના વિજયની અદ્ભુત અને આશ્ચર્યજનક જીવન-કહાણી.
હેલન કેલર



ગ્રંથસારાંશ : એકત્ર ફાઉન્ડેશન
અનુવાદ: ચૈતન્ય દેસાઈ

લેખિકા પરિચય:

‘મારી જીવનકથા’ એ હેલન કેલરની આત્મકથા હોવાથી તે પોતે જ લેખિકા છે. હેલન એવી પ્રતિભાશાળી, નોંધનીય, પ્રતિષ્ઠિત વ્યક્તિ છે કે તેની જીવનગાથા દુનિયામાં લોકોને પ્રેરણા આપતી રહી છે. ૨૭ જૂન, ૧૮૮૦ના રોજ અમેરિકાના અલાબમા પ્રાંતના ટસ્કમ્બીયામાં તેનો જન્મ થયેલો. ૧૯ માસની નાજુક શિશુ અવસ્થામાં જ ભયંકર માંદગીમાં તેણે આંખ અને કાન ગુમાવ્યાં... આ બે મહત્ત્વપૂર્ણ જ્ઞાનેન્દ્રિયો નકામી થતાં મોટાભાગના આવા વ્યક્તિ એકલતા અને હતાશામાં ડૂબી જાય, પણ કેલરનું જીવન તો આત્મબળ અને સંકલ્પશક્તિથી આગળ વધી અનેક અસાધારણ સિદ્ધિઓ મેળવવા સર્જાયું હતું.

ઍન સુલીવાન જેવી પ્રતિબદ્ધ અને કરુણામયી શિક્ષિકા હેલનના જીવનમાં આવતાં હેલનના જીવનમાં પરિવર્તનકારી વળાંક આવ્યો. તેઓ એનાં આજીવન સાથી-સહાયક રહ્યાં. તેમનાં તજજ્ઞ માર્ગદર્શન અને અથાક પ્રયત્નો તથા સમર્પણ ભાવથી હેલન ફીંગરસ્પેલીંગ મેથડથી લખતાં-વાંચતાં શીખ્યાં, જેણે એને માટે ભાષા અને જ્ઞાનપ્રાપ્તિનાં દ્વાર ખોલી આપ્યાં. અને આગળ જતાં હેલન માટે એ સ્વ-ખોજની યાત્રા બની રહી.

જ્ઞાનપ્રાપ્તિ માટેની એની દૃઢતા અને તરસ એને શૈક્ષણિક ક્ષેત્રે સારી સફળતા તરફ દોરી ગઈ. રેડક્લીફ કૉલેજમાંથી સ્નાતક થનારી તે પહેલી મૂકબધિર-અંધ વિદ્યાર્થીની હતી. તેની શૈક્ષણિક સિદ્ધિઓ ઉપરાંત, હેલન તેના જેવા અન્ય વિકલાંગ કે દિવ્યાંગજનોની સમાજસેવા માટેની રૉલ મોડેલ બની રહી. દિવ્યાંગોને પણ સમાજ એક સરખી રીતે સ્વીકારે, શિક્ષણની સમાન તક આપે અને તેમનું ગૌરવ વધારે તે માટે હેલન આજીવન કાર્યરત રહી. મહિલાઓને મતાધિકાર, કામદારોના કાનૂની અધિકાર અને શાંતિપ્રસારનું એણે વિશ્વભરમાં ખૂબ કામ કર્યું. દૃશ્ય-શ્રાવ્ય માધ્યમોની બોલબાલાવાળા જગતમાં, વિકલાંગતા વિનાના નોર્મલ લોકોના પ્રભાવવાળા જગતમાં, એક અંધ-બહેરી મહિલા આત્મબળે આગળ વધી, પડકારોને હરાવી, પોતાનો આગવો દૃષ્ટિકોણ વિકસાવી કેવી સફળ થઈ તેની સ્વાનુભવ-ગાથા તે આ પુસ્તક છે !

દુનિયાએ એની યોગ્ય કદર, સન્માન પણ કર્યાં છે : વિવિધ માન-સન્માનોમાં તેને પ્રેસિડેન્શ્યલ મેડલ ફોર ફ્રીડમ મુખ્ય છે. તેણે હેલનકેલર ઈન્ટરનેશનલ ઓર્ગેનાઈઝેશન સ્થાપ્યું, જે વિશ્વસ્તરે દિવ્યાંગો માટે પાયાનું કામ આજે પણ કરી રહ્યું છે. માનવીય તત્ત્વની અસીમ સમર્થતા, મક્કમ નિર્ધાર, ફિનિક્ષ પંખીની જેમ રાખમાંથી પુનઃ બેઠા થવાની તાકાતના પ્રતીક સમી હેલન કેલર ઈતિહાસનાં પાનાં પર પોતાની અમીટ છાપ છોડી ગઈ છે. તેનો કાર્યવારસો તેની સંસ્થા આગળ ધપાવે છે, તેનાં લખાણો લોકોને પ્રેરણા આપે છે.

હેલન કેલરનું અવસાન ૧ જૂન, ૧૯૬૮ના રોજ થયું, પરંતુ એના જીવન-કવનનો ચિરસ્થાયી પ્રભાવ - વિપત્તિ ઉપર વિજય મેળવવા, શિક્ષણનું મહત્ત્વ સમજવા અને વધુ કરુણામય જગત બનાવવા મથનારી પેઢીઓને સદાયે પ્રેરણા આપતો રહેશે...

વિષયવસ્તુ :

૧૯૦૩માં પ્રકાશિત The Story Of My Life, પ્રારંભિક બાળપણમાં અંધત્વ અને બહેરાશનો ભોગ બનેલી, આત્મબળે અને યોગ્ય તાલીમે આગળ વધેલી નોંધનીય મહિલા હેલન કેલરના ઘડતરની જીવનકથા છે. વિકાસબાધક શારીરિક વિકલાંગતા અને અન્ય અવરોધોનો તેણે કેવી રીતે સામનો કર્યો અને એની આ જીવનયાત્રામાં ધરીરૂપ ભૂમિકા ભજવનાર અસાધારણ વ્યક્તિઓનો પરિચય આ પ્રેરક પુસ્તકમાં કરાવ્યો છે.

પ્રસ્તાવના :

‘The Story Of My Life’ હેલન કેલરની આત્મકથા, વાચકો ઉપર ઊંડી મર્મસ્પર્શી અને પ્રેરક અસર છોડી જાય છે. ૨૦મી સદીની એક ‘most iconic figure’ બની રહેલી આ યુવતીએ, માંદગીજનિત અંધત્વ અને બહેરાશની મર્યાદાઓને હરાવી જીવનમાં કેવી નોંધપાત્ર સફળતા હાંસલ કરી તેનું અદ્ભુત વર્ણન તેની ૨૨ વર્ષની ઉંમરે લખેલી આ જીવનકથામાં વાંચવા મળે છે. એના કૉલેજકાળની વિગતોમાં-વિકલાંગતા સામેના તેના સંઘર્ષો અને અકલ્પનીય વિજયો, તેમાં એમનાં શિક્ષિકા અને પછી જીવનભરનાં સાથી ઍન સુલીવાનનો બહુમૂલ્ય ફાળો જોવા મળે છે.

કેલરનું વર્ણન એ અદમ્ય માનવીય જુસ્સો, સ્થિતિસ્થાપકતા, મુશ્કેલીમાંથી બેઠા થવાની તાકાત અને તૃપ્ત ન થઈ શકે તેવી જ્ઞાનપિપાસાના દસ્તાવેજ જેવું છે. એના બોલકા શબ્દો, તેણે અનુભવેલા જગતને અને કરેલા કાર્ય, ભાષાની પરિવર્તનકારી શક્તિને નિહાળવા અને વ્યક્તિના જીવન ઉપર શિક્ષણની ઊંડી અસરથી અભિભૂત થવા વાચકોને આવકારે છે.

આ ઉત્કૃષ્ટ સાહિત્યકૃતિ, વિકલાંગતાની બાધક સીમાને અતિકમી જઈ, વિપત્તિ ઉપર વિજયની વૈશ્વિક કથા બની રહી છે. આત્મકથાના પાને પાને હેલન કેલરનું જીવન ખૂલતું જાય છે, અને આપણને આશાનાં કિરણો તથા પ્રેરણાના ઝરણામાં તરબોળ કરે છે. માનવીની શીખવાની ક્ષમતા, કરુણા અને ખંતપૂર્વક ધ્યેય હાંસલ કરવાના અવિરત પ્રયાસની હંમેશા યાદ અપાવે છે.

ચાવીરૂપ મુદ્દાઓ :

૧. શિશુ અવસ્થાથી જ હેલન કેલરે અંધત્વ અને બહેરાશના ડબલ પડકારો ઝીલ્યા છે.

(From infancy, Helen Keller faced the dual challenges of being both blind and deaf.)

આલાબમાના ટસ્કમ્બિયામાં ૧૮૮૦માં જન્મેલી હેલન કેલરનું જીવન, અપંગપણાની બધી આપત્તિઓને પાર કરતી અને માનવીય અપેક્ષાઓની પૂર્તિ કરતી અસાધારણ યાત્રા બની રહ્યું છે.

માત્ર ૧૯ જ માસની નાજુક ઉંમરે તે ભયંકર તાવની શિકાર બની. આ બિમારી આવી તે પહેલાં, હેલન સામાન્ય નોર્મલ બાળકની જેમ બોલી-ચાલી-સાંભળી શકતી હતી, એટલું જ નહિ, એનામાં વસ્તુ જલ્દીથી શીખી લેવાનાં fast Learnerનાં લક્ષણો પણ દેખાતાં હતાં. તેમ છતાં, જયારે બિમારીએ એનાં આંખ અને કાન છીનવી લીધાં ત્યારે એને પ્રત્યાયનના બીજા વિકલ્પો અપનાવવાની ફરજ પડી. પોતાને બીજા સમક્ષ અભિવ્યક્ત કરવા, વાતચીત વ્યવહાર કરવા હકારમાં ને નકારમાં માથું ઉપર નીચે હલાવવું, સાદા હાવભાવ કે હાથનાં હલનચલન-ઈશારા કરવા એ જ એનાં સાધન બની રહ્યાં હતાં. સદ્ભાગ્યે, એની માતા, બાળકી શું કહેવા-કરવા માગે છે તે બરાબર સમજી જતી. (દરેક માતામાં આવી જન્મજાત શક્તિ અને કરુણાભાવ હોય છે. मातृदेवो भव અમસ્તું નથી કહેવાયું !). પાંચ વર્ષની ઉંમર સુધીમાં તો હેલન કપડાંની ગડી કરવી, તેને ગોઠવવાં, સાફ-સફાઈ કરવી જેવાં નાનાં નાનાં ઘરકામમાં સક્રિય ભાગ લેતી થઈ ગઈ હતી. તેમ છતાંયે, આંધળી અને બહેરી બાળકીને આગળ વધવામાં સખત હતાશામાંથી પસાર થવું જ પડયું હશે. એનું મન તો તેજતર્રાર હતું, પણ બે જ્ઞાનેન્દ્રિયોનાં ઘોડા મનના કાબૂની બહાર હતા. આથી જયારે તે પોતાની લાગણી-માગણી, વાત બરાબર સમજાવી ન શકતી ત્યારે તે ખૂબ ગુસ્સે પણ થઈ જતી, એ આપણને સમજાઈ શકે તેવું છે. હંમેશા એનું વર્તન સરળ અને ડાહ્યું-ડમરું જ હોય એવું ન બનતું. એની ઈચ્છા મુજબનું ન થાય ત્યારે એનાં સ્વાભાવિક પરિણામો ઘણાં નાટ્યાત્મક આવતાં. વસ્તુની ફેંકાફેંકી, તોડફોડ, હાથ-પગ પછાડવા, ખીજવાઈ જવું, નારાજ થવું વગેરે તો આવી વ્યક્તિ માટે સામાન્ય હોય એવી સમજ આસપાસના લોકોએ રાખવી પડતી.

એક વખત આવી ઘટનામાં હેલને ધીરજ ગુમાવીને ખૂબ આવેગપૂર્વક પોતાનું વસ્ત્ર અગ્નિમાં ફેંકી દીધેલું અને તે દાઝી ગયેલી, કપડાંએ આગ પકડી લીધી, પણ સારા નસીબે તે બહુ દાઝી નહોતી ગઈ... હેલન સામેની પડકારજનક પરિસ્થિતિઓમાં તે કયારેક વિક્ષેપજનક વર્તન કરી બેસતી. એકવાર એની માતાને ત્રણ કલાક માટે રસોડામાં પૂરી દીધેલી અને બારણાની ચાવીનો એને ખ્યાલ ન રહેલો. બિચારી માતા, આવાં તો ઘણાં ગેરવર્તનનો ભોગ બનતી રહેતી. આથી પરિવારને લાગ્યું કે હવે આવી બહેરી-મૂંગી-આંધળી દીકરીને એના પ્રકારનું કંઈક શિક્ષણ આપવું જોઈએ. પણ આવી વિકલાંગને ધીરજ અને પ્રેમથી કેળવી શકે એવી ક્વોલીફાઈડ ટીચર શોધવી એ મોટી ચેલેન્જ હતી... પરંતુ એની આગળ વધતી જીવનકથામાં આવે છે કે આખરે એક ખૂબ જ સુયોગ્ય શિક્ષિકા એને મળી ગઈ, જે એની ભાવિ જીવનયાત્રાનો માર્ગ બદલી નાખવાની હતી- તેઓ હતાં મીસ ઍન સુલીવાન !

૨. હેલનના જીવન ઉપર ઊંડો પ્રભાવ પાથરનાર મીસ સુલીવાન, તેનાં એક નોંધપાત્ર શિક્ષિકા અને જીવન સહાયક બની રહ્યાં.

ટેલીફોનના શોધક ડૉ. એલેકઝાંડર ગ્રેહામ બેલને વોશિંગ્ટનમાં મળવા ગયા પછી હેલનનાં માતાપિતાને એમણે સલાહ આપી કે, ‘તમે આ બાળકી માટે બોસ્ટનની પર્કિન્સ ઇન્સ્ટીટ્યૂટ (અંધજન શાળા)નો સમ્પર્ક કરો.’ હેલને એની અવારનવાર મુલાકાત લીધી, ત્યાંના નિયામક મિ. એનેગ્નોસને મળી, અને એમણે આંધળા-બહેરાંની બરાબર કાળજી લઈ કેળવી શકે તેવાં શિક્ષિકા ઍન સુલીવાનનો સમ્પર્ક કરાવી આપ્યો.

૧૮૮૭માં ઍન સુલીવાન હેલનના જીવનમાં દેવદૂત બની પ્રવેશ્યાં, જેણે માત્ર અક્ષરજ્ઞાન જ નહિ, ભાષાનાં મૂળતત્ત્વો હેલનને ખૂબ કરુણા અને પ્રેમપૂર્વક શીખવ્યાં. એમણે ‘મેન્યુઅલ આલ્ફાબેટ’ પદ્ધતિ અપનાવી. હેલનની હથેળીમાં તેઓ અક્ષર, શબ્દ લખે અને સ્પર્શથી સમજાવે. આ રીતે હેલન પહેલો શબ્દ શીખી DOLL- વસ્તુ. ઢીંગલી પકડાવી અને તેને શું કહેવાય તે શબ્દ તેની હથેળીમાં લખ્યો... કેવું સરસ..? એક હાથમાં વસ્તુ ને બીજા હાથમાં શબ્દ ! પછી એનું પુનરાવર્તન... દૃઢીકરણ... બસ, ચાલ્યું એનું શિક્ષણ... જિજ્ઞાસુ વિદ્યાર્થિની અને કુશળ શિક્ષિકાની જોડી જામી ગઈ !

એક દિવસ, આ જ પદ્ધતિએ WATER શબ્દ શીખવવા, ગ્લાસમાંનું પીવાનું પાણી અને ઝરણાનું પાણી એક જ પદાર્થ છે તેનો અનુભવ કરાવવા એને ઝરણા પાસે લઈ ગઈ, પાણીમાં હાથ બોળાવ્યો, પાણી પાયું... હેલનને આ રીતે બધી વસ્તુના નામ શીખવામાં ખૂબ મઝા પડી.. પણ આ તો મૂર્ત-દૃશ્યમાન-સ્પર્શગમ્ય વસ્તુની વાત થઈ, અમૂર્ત લાગણીના શબ્દોનો પરિચય કેમ કરાવવો ? હેલનના માથે હાથ મૂકાવીને લખ્યું હાથમાં-THINK. દિમાગથી વિચાર કરાય... હવે LOVE જેવો ભ્રામક, આભાસી ખ્યાલ શીખવવાનો પડકાર આવ્યો. શિક્ષિકાએ એક સરસ મર્મસ્પર્શી સરખામણી કરી બતાવી : જેમ વાદળાં આપણાથી પકડાતાં નથી, પણ એમાંથી પડતો વરસાદ આપણને સ્પર્શે છે, ઠંડક અનુભવાય છે, સારું લાગે છે. ઉનાળામાં ગરમ થયેલી ધરતી ઉપર ચોમાસું બેસતાં વરસાદ પડે, ધરા તૃપ્ત થાય, ઠંડક અને હાશ થાય એ પ્રેમનો અનુભવ ! માતાની ગોદમાં સારું લાગે એ પ્રેમ ! સુલીવાને સમજાવ્યું, પ્રેમ વિના આપણે આનંદ, મઝા, રમતિયાળપણાનો અનુભવ ન કરી શકીએ. આવી આવી અનેક રીતે શિક્ષિકાએ માનવીય સંવેદનાઓ, જગત સાથે આપણાં જોડાણો, વગેરેની ઊંડી સમજ હેલનને આપી, જેણે આંધળી-બહેરી-મૂંગી દીકરીને વિશાળ દુનિયા ખોલી આપી... ખૂબ ખૂબ આભાર આવાં દૃષ્ટિવંત, કરુણામયી શિક્ષિકાનો, જેના સર્વ પ્રકારના સાથ-માર્ગદર્શનમાં હેલન અસરકારક કમ્યૂનીકેશન શીખી. પોતાની જાતને હતાશાની કેદમાંથી મુક્ત કરી અને જીવનમાં ઘણાં નોંધપાત્ર કામો કરવા સમર્થ બનાવી.

૩. હેલન કેલરની (શિક્ષણ)યાત્રા, મુશ્કેલીની ક્ષણો અને અપાર આનંદ-આશ્ચર્યની ઘડીઓ—બંને પ્રકારના અનુભવોથી સભર છે.

બાળપણ અને કિશોરાવસ્થા દરમ્યાન, કેલરે કેટલાક વિવિધ અનુભવો પ્રથમવાર કર્યા, ગાઢ મિત્રતા વિકસાવી, પણ એના જીવનમાં કેટલાક અંધારિયા કાલખંડ પણ આવ્યા.

૧૨ વર્ષની વયે, પર્કિન્સ ઇન્સ્ટીટયૂટના એક હોમવર્કમાં હેલને અન્યમાંથી ચોરી કરી, જેનો એને કડક ઠપકો મળ્યો. ત્યાંના નિયામક મિ. એનેગ્નોસ માટે હેલેને લખેલી વાર્તા, બીજી કોઈક વાર્તામાંથી ઉતારો કરીને લખી હોવાનો આરોપ મૂકાયેલો, જોકે એવી વાર્તા તેણે કદી એ પૂર્વે સાંભળી હોવાનું તેને યાદ ન હતું પણ આ ઘટનામાં હેલનની આકરી જુબાની લેવાઈ કે તેં આ ઉતારો જાણી જોઈને કર્યો હતો કે અજાણપણે થયો?

ચિંતા અને શંકાનાં વાદળાંમાંથી બહાર આવી, હેલને જગત જોડેના તેના વ્યવહારોમાં આત્મવિશ્વાસ કેળવ્યો. ૧૦ વર્ષની ઉંમર સુધીમાં તેણે વાતચીત કળા શીખી લીધી. Ragnhild Kata નામની નોર્વેની એક અન્ય બહેરી છોકરી પણ બોલતાં શીખેલી, તેને અનુસરીને હેલને પણ બોલતાં શીખવાનો મક્કમ નિર્ધાર કરેલો અને તેણે તેના અદમ્ય પ્રયત્ન કરેલા. સારા કૂલર નામની એક પ્રભાવી મહિલાએ હેલનને એનો ચહેરો સ્પર્શીને બોલતી વખતે થતી હોઠની, ગળાની મુવમેન્ટ, જીભની સ્થિતિ બતાવીને તેમ બોલતાં શીખવેલું. અને બીજા સાથે કેવી રીતે વાત-વ્યવહાર થાય તેની તાલીમ આપેલી.

પોતાની આસપાસના જગતને ઉત્સાહ ને આનંદથી માણવામાં, તેની જોવા-સાંભળવાની વિકલાંગતાને અવરોધરૂપ ન માનવાની કૃતનિશ્ચયતા એણે મજબૂત કરી લીધી હતી. કોઈક લોકો તેને પૂછતા કે, ‘તું જોઈ-સાંભળી શકતી નથી એટલે નાયગ્રા-ધોધ જેવી જગ્યાની ભવ્યતા ને સૌંદર્ય તું કેવી રીતે માણી શકે?’ હેલને તરત જ જવાબ આપેલો કે, તે તમારા લોકોની જેમ જ એ માણી શકે છે, એની કલ્પનાશક્તિ ખૂબ તીવ્ર હોય છે. તે પ્રેમ, ભલાઈ, દયા જેવી અમૂર્ત લાગણીઓ પણ સારી રીતે જાણી શકે છે.

૪. હેલને સેવેલું ઉચ્ચ અભ્યાસનું સ્વપ્ન સાકાર થયું.

સાલ ૧૯૦૦માં હેલનની કૉલેજ અભ્યાસયાત્રા શરૂ થાય છે. અહીં એને જુદા પ્રકારના પ્રશ્નો ને પડકારો આવ્યા. પરંતુ એક મક્કમ મનની છોકરી માટે એમાંથી માર્ગ કાઢવાનું અને પોતાનું ધ્યેય સિદ્ધ કરવાનું અહીં શક્ય બન્યું તેની સુખદ સ્મૃતિ હેલનના મનમાં સદાયે અકબંધ રહી.

શરૂઆતમાં, એણે યુવતીઓની કેમ્બ્રિજ સ્કૂલમાં પ્રવેશ લીધો, ત્યાં આજનાં ધારા-ધોરણ મુજબ જોઈએ તો, એની આટલી વિકલાંગતા છતાં, બહુ ઓછામાં ઓછી કાળજી લેનારું વાતાવરણ મળ્યું. એના વર્ગખંડ સુધી એને દોરી જવા માટે ત્યાં કોઈની મદદ ન મળે, ત્યારે હેલને ઍન સુલીવાનની લર્નિંગ મેથડ અમલમાં મૂકી....કૉલેજની પ્રિલિમિનરી પરીક્ષામાં એણે પોતાના ટાઇપ રાઈટર ઉપર જવાબો ટાઈપ કર્યા, અને આચાર્ય મિ. ગીલ્મને તેના હાથ ઉપર જોડણી લખી બતાવી. આથી એણે પરીક્ષામાં કરેલી ભૂલો ઓળખવામાં ને સુધારવામાં મદદ મળી.

શાળાના આ અભ્યાસના છેલ્લા વર્ષમાં હેલન બીમાર થઈ ગઈ. આથી આચાર્યને લાગ્યું કે હવે હેલન નાસીપાસ થશે, એના સાથી છાત્રો સાથે બેસી તે પરીક્ષા ન આપી શકશે. પરિણામ સ્વરૂપે, એવું લાગતું હતું કે કૉલેજમાં જવા માટે એને હજી એક વર્ષ રાહ જોવી પડવાની. તેમ છતાં હેલનનાં માતા દીકરીનું વર્ષ બગાડવા માગતાં નહોતાં. એને સ્કૂલના છેલ્લા વર્ષમાંથી ઊઠાડી લીધી, અને ઘરે વ્યક્તિગત ટયૂશનની વ્યવસ્થા કરી. આમ છતાં પણ, તેને પરીક્ષાનાં પેપર લખવામાં વધારાનો સમય કે જરૂરી સહાય(હવે તો, અંધ પરીક્ષાર્થીને રાઈટર અપાય છે) ન આપવામાં આવી, બીજા બધા વિદ્યાર્થીઓની જેમ જ અને સાથે જ તેણે પરીક્ષા આપી.

હેલન બ્રેઇલ લિપિ કરતાં (કાગળ ઉપર ઉપસાવેલાં ટપકાંને સ્પર્શીને ‘વાંચવા’ની પદ્ધતિ) બીજી મેથડથી શીખી હતી, પરીક્ષામાં લખવાની પદ્ધતિ જુદી હોવાથી એને બીજગણિતમાં બહુ મુશ્કેલી પડી... તેમ છતાં, આવા ગેરલાભો અને અડચણો વચ્ચે પણ તેણે કૉલેજની પ્રવેશ પરીક્ષા પાસ કરી દીધી... હેલનને કૉલેજકાળમાં જર્મન અને અંગ્રેજી સાહિત્ય જેવા વિષયો બહુ ગમતા. એણે ફ્રેંચ અને ગ્રીકમાં પણ ઘણાં પુસ્તકો વાંચી સારી ક્ષમતા કેળવી હતી. પરંતુ જર્મન ભાષા માટે એને વિશેષ લગાવ અને રસ રહ્યો, તેની વાર્તાઓની સરળતા અને નિખાલસતા એને સ્પર્શી જતી, એને સૌથી વધુ ગમતાં અંગ્રેજી પુસ્તકો હતાં - બાઈબલ અને શેક્સપિયરનું નાટક મૅકબેથ... હેલનને સાહિત્યમાં એક પ્રકારનો સંતોષ, આશ્વાસન અને મનની શાંતિ મળતાં, એના લેખકો, પાત્રસૃષ્ટિ બધાં હેલનને જુદી-વિકલાંગ ગણતા નહોતાં. એમને માટે તો હેલન પણ એક આમ વાચક જ હતી. એનાં સ્થાન વર્ણનો હેલનને તે જગ્યાઓએ લઈ જતાં, જ્યાં એને મુક્તિથી ફરવાનું મળે... સમગ્ર જીવન દરમ્યાન, હેલનને ઘણા અવરોધોનો સામનો કરવાનો આવ્યો, તોયે તેની સામે એણે જરાયે રંજ કે હતાશા ન દાખવ્યાં, તે નોંધનીય છે. ઉલટાનું એ પડકારોને પડકારવામાં-પાર કરવામાં એને આનંદ અને જીવનનો હેતુ જણાતો.

સમાપન :

સામાન્ય સ્વસ્થ માણસો કરતાં અનેક ઘણા પડકારોથી શરૂ થયેલી હેલનની જીવનયાત્રા, એક દૃઢ મનોબળની વ્યક્તિ, શિક્ષણ અને અન્ય ધ્યેયો સાધવામાં કેવી સફળ થાય છે તેની દૃષ્ટાંતકથા અને દંતકથા જેવી છે. એના સમર્પિત શિક્ષકો-સહાયકો-સ્વજનોનાં માર્ગદર્શન અને મદદ દ્વારા હેલન માત્ર અસરકારક રીતે અવરોધોની વચ્ચે સફળ થવાનું જ ન શીખી, પરંતુ જીવનનાં સૌંદર્યો અને આશ્ચર્યોને ઊંડાણથી માણતાં પણ શીખી.

આત્મકથામાં બાળપણથી માંડી કૉલેજકાળનાં ઘણાં પ્રેરણાદાયી સંસ્મરણો, પોતાનાં સ્વપ્નાંને સાકાર કરવા વિકરાળ પડકારોનો સામનો કરવાનાં હિંમત, ધગશ, ધૈર્ય અને સાતત્ય-નું સુંદર નિરુપણ થયેલું છે. બાળપણની માંદગીની અંધત્વ અને બહેરાશની ભેટ, હતાશા, ગુસ્સો, વ્યગ્રતાવાળું બાળવર્તન,તજજ્ઞો, તબીબો, શિક્ષણસંસ્થાઓનું માર્ગદર્શન અને સુલીવાન જેવાં શિક્ષિકાની પ્રાપ્તિ આખરે હેલનને એકલતા ને અંધકારના ભંડકિયામાંથી બહાર લાવી વિશ્વનો પ્રકાશ બતાવે છે. તેના માર્ગદર્શનમાં જ હેલનમાં પ્રકૃતિપ્રેમ અને શિક્ષણની ઝંખના જાગી, વાચનની ભૂખ લાગી. આપણા કવિ ભાનુપ્રસાદ પંડ્યા લિખિત ‘દુનિયા અમારી’ કાવ્યમાં અંધજનની ખુમારી વ્યક્ત કરતી પંક્તિ છે ‘દેખ્યાનો દેશ ભલે લઈ લીધો નાથ, કલરવની દુનિયા આમારી’ જેમ તેની બે જ્ઞાનેન્દ્રિયો છીનવાઈ, પણ કલ્પનાશક્તિ તીવ્ર વિકસી. એણે પોતાની વ્યક્તિમત્તાને પીછાણી, આત્મવિશ્વાસ અને સ્વ-ગૌરવને સૂતેલાં જગાડ્યાં અને પ્રગતિના પંથે ચાલી નીકળી...

શિક્ષણયાત્રા દરમ્યાન હેલનને શ્રેણીબદ્ધ નવા નવા ભણતરના ને ઘડતરના પાઠો શીખવા મળ્યા, જે આપણે નોંધ્યા. જીવનમાં નવું નવું જાણવા-શીખવાની સફરમાં સુલીવાન સદાયે હમસફર રહ્યાં, તેમણે હેલનને બોલતાં, લખતાં, વાંચતા-વિચારતાં-વર્તતાં-વાત કરતાં બધું જ શીખવી એક સશક્ત, મક્કમ મહિલા તરીકે જીવનઘડતરમાં પાયાની ભૂમિકા ભજવી. હેલનના માતાપિતાનું એને કૉલેજ અભ્યાસ કરાવવાનું સ્વપન પણ પૂરું કર્યું, રેડક્લીફમાં પ્રવેશ અપાવ્યો. તેના નાનપણના અને શાળાના અનુભવો કરતાં કૉલેજના જરા જુદા રહ્યા, તોયે કોઈપણ વિષયને ભણવામાં વિવેચનાત્મક પૃથક્કરણનું મહત્ત્વ તેને સમજાયું અભ્યાસ દ્વારા એની સંવેદનાનું વિશ્વ વિસ્તર્યું, નાની ક્ષુલ્લક માહિતી પ્રાપ્તિના અભિગમ કરતાં સાંવેગિક સંપન્નતા વધારનારા શિક્ષણને તે પસંદ કરતી...

હેલન જેવી શારીરિક અપંગતા ભલભલાને ડરાવી દે, દબાવી દે પણ એ અડચણોને એણે ઉત્સાહથી પાર કરી. તેની શિક્ષણપ્રાપ્તિની તમન્ના અને જીવનઘડતરની ઝંખના અડગ, અચલ હોઈ તેણે એ ધ્યેયો હાંસલ કર્યાં અને આ રીતે તેની આત્મકથા - ‘કાળા માથાનો માનવી, મુશ્કેલીને પણ નમાવી, ધારે તે કરી શકે’ એવા માનવીય જુસ્સા અને જોમભર્યો જામ છે. દુનિયાએ આ પ્રેરક જીવન ગાથાને ખૂબ વધાવી છે.

મહત્ત્વપૂર્ણ અવતરણો :

  1. “હું એક માત્ર છું. છતાં હું એક છું. હું બધું ન કરી શકું, તોયે કંઈક તો કરી શકું... અને કારણ કે હું બધું ન કરી શકું. હું જે કરી શકું છું તે કરવાની કદી ના પાડી શકતી નથી.”
  2. “દુનિયામાં સર્વોત્તમ અને સૌથી સુંદર વસ્તુઓ જોઈ શકાતી નથી કે સ્પર્શી શકાતી નથી - તેને તો હૃદયથી અનુભવવાની જ હોય !”
  3. “અન્યનાં જીવનમાં ખુશી પ્રસારવાનો નિઃસ્વાર્થ પ્રયાસ, એ જ આપણા જીવનમાં ખુશી ભરવાનો પ્રારંભ છે.”
  4. “ચારિત્ર્ય સરળતા ને શાંતિમાં વિકસાવી શકાતું નથી. માત્ર વેદના અને કસોટીના અનુભવ દ્વારા આત્મશક્તિ વધે, મહત્વાકાંક્ષાને પ્રેરણા મળે અને સફળતા હાંસલ થાય છે.”
  5. “જ્ઞાન એટલે પ્રેમ, પ્રકાશ અને નૂતનદૃષ્ટિ !”
  6. “તમારો ચહેરો સૂર્યપ્રકાશ તરફ રાખો, તો તમને તમારો પડછાયો દેખાશે નહિ.”
  7. “જો આપણે કોઈ ચીજને પ્રાપ્ત કરવા લાંબો સમય મંડ્યા રહીએ તો આપણે જે ઈચ્છીએ તે કાંઈ પણ કરી શકીએ.”

આવાં અવતરણો હેલન કેલરના અજેય અને અદમ્ય જુસ્સાને વ્યક્ત કરે છે. તેના જીવનનો દૃષ્ટિકોણ ખંત અને મહેનતની તાકાતમાં તેની શ્રદ્ધા, દયાભાવના અને જ્ઞાન/શિક્ષણમાં તેના વિશ્વાસનું એમાં પ્રતિબિંબ જોવા મળે છે.