નવલકથાપરિચયકોશ/સમુડી: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(+1)
 
(Added Book Cover)
 
Line 3: Line 3:
'''‘સમુડી’ : યોગેશ જોષી '''</big><br>
'''‘સમુડી’ : યોગેશ જોષી '''</big><br>
{{gap|14em}}– પાર્થ બારોટ</big>'''</center>
{{gap|14em}}– પાર્થ બારોટ</big>'''</center>
 
[[File:Samudi.jpg|250px|center]]
{{Poem2Open}}
{{Poem2Open}}
લેખક પરિચય :
લેખક પરિચય :

Latest revision as of 16:45, 29 December 2023

૯૪

‘સમુડી’ : યોગેશ જોષી

– પાર્થ બારોટ
Samudi.jpg

લેખક પરિચય : નામ : યોગેશ ભાનુપ્રસાદ જોષી જન્મ : ૩ જુલાઈ ૧૯૫૫ વતન : વિસનગર અભ્યાસ : B.Sc., M.Sc. વ્યવસાય : BSNL અમદાવાદમાં જુનિયર એન્જિનિયર તરીકે જોડાયા હતા અને ડે. જનરલ મૅનેજર તરીકે નિવૃત્ત થયા. સાહિત્યિક પ્રદાન : કવિ, નવલકથાકાર, વાર્તાકાર, બાળસાહિત્યકાર, અનુવાદક, સંપાદક, ગુજરાતી સાહિત્ય સભાના મંત્રી (૨૦૦૪-૦૯), ગુજરાતી સાહિત્યસભાના ઉપપ્રમુખ, ‘પરબ’ના સંપાદક. નોધપાત્ર પુરસ્કાર : ૧૯૮૭ બળવંતરાય ઠાકોર પુરસ્કાર (‘કવિલોક’ ત૨ફથી) ૧૯૮૯ ગુજરાત સાહિત્ય અકાદમીનો પુરસ્કાર (‘પતંગની પાંખે’ માટે) ૧૯૯૧ સંચારશ્રી ઍવોર્ડ, ડિપાર્ટમેન્ટ ઑફ ટેલિકૉમ્યુનિકેશન, ભારત સ૨કા૨, (જુનિય૨ ટેલિકોમ ઑફિસ૨ તરીકે કમ્પ્યુટરાઈઝેશન માટે) ૧૯૯૩ ગુજરાત સાહિત્ય અકાદમીનો પુરસ્કાર (‘હજીયે કેટલું દૂર?’ માટે) ૧૯૯૮ નર્મદ સુવર્ણચંદ્રક (‘મોટીબા’ માટે) ૧૯૯૮ ગુજરાત સાહિત્ય અકાદમીનો પુરસ્કાર (‘મોટીબા’ માટે) ૧૯૯૯ ધનજી-કાનજી સુવર્ણચંદ્રક (કથા તેમજ ચરિત્રસાહિત્ય માટે) ૨૦૦૧ ગુજરાત સાહિત્ય અકાદમીનો પુરસ્કાર (‘વાસ્તુ’ માટે) ૨૦૦૧ ગુજરાતી સાહિત્ય પરિષદનો પુરસ્કાર (‘વાસ્તુ’ માટે) ૨૦૦૧ ગોવર્ધનરામ ત્રિપાઠી પુરસ્કાર (‘વાસ્તુ’ માટે) ૨૦૦૧ ઘનશ્યામદાસ સરાફ સાહિત્ય પુરસ્કાર (‘વાસ્તુ’ માટે) ૨૦૦૨ ‘કલાગૂર્જરી’, મુંબઈનો પુરસ્કાર (નિબંધસંગ્રહ ‘અંતઃપુર’ માટે) ૨૦૦૭ ઉશનસ્ પુરસ્કાર (‘જેસલમેર’ માટે) ૨૦૧૧ જયન્ત પાઠક પુરસ્કાર (‘ટકોરા મારું છું આકાશને’ માટે)

અધિકરણ માટે પસંદ કરેલ નવલકથા :- યોગેશ જોષી કૃત ‘સમુડી’ પ્રથમ આવૃત્તિ : ઈ. સ. ૧૯૮૪ પસંદ કરેલ નવલકથાનું વર્ષ : પાર્શ્વ દ્વારા સુધારેલી સાતમી આવૃત્તિ ઈ. સ. ૨૦૧૭. પ્રકાશક : પાર્શ્વ પબ્લિકેશન, અમદાવાદ. અર્પણ : પ્રિય સુમન શાહ અને સૌ. રશ્મિતાબહેનને. આ નવલકથાનો અનુવાદ હિન્દી ભાષામાં થયો છે અને દક્ષિણ ગુજરાત અને ભાવનગર યુનિવર્સિટીના અભ્યાસક્રમમાં સ્થાન પામી છે. આ નવલકથા ઉત્તર ગુજરાતના ગ્રામજીવનનું નિરૂપણ છે. માનવ સ્વભાવમાં આવતા ધીમા પરિવર્તનનું કલાત્મક આલેખન સર્જકે કરેલ છે. નૈના સાથેના લગ્નજીવનને લઈને કોઈ નિર્ણય ન લઈ શકતો હર્ષદ દ્વિધાના દ્વીપ પર ઊભો જણાય છે. કાલ્પનિક સૃષ્ટિ અને વાસ્તવ વચ્ચે આભ જમીનનું અંતર છે એ હર્ષદને જણાય છે. શરૂઆતમાં કથાપ્રવાહ મંદ ગતિએ આગળ વધે છે જે અંત સુધી ધસમસતો પ્રવાહ બને છે. આ નવલકથા કુલ અઢાર પ્રકરણોમાં વિભાજિત થયેલ છે. જેમાં મુખ્ય પાત્ર સમુડી, હર્ષદ અને શાંતાફોઈબા છે. નવલકથાની શરૂઆત આ રીતે થાય છે કે, હર્ષદ નૈના સાથેના પોતાનું લગ્નજીવન તોડવાનો વિચાર કરતો હતો અને સમુડી તેને બૂમ પાડે છે. પાછું ફરીને હર્ષદ સમુડીને જુવે છે અને પછી કથા ભૂતકાળમાં પ્રવાહિત થાય છે એટલે કે Flashbackની ટેક્નિકના ઉપયોગથી નવલકથાનો ઉઘાડ થાય છે. વિવાહના એક વર્ષમાં સમુડી કેટલી બદલાઈ ગઈ છે એની કલ્પના કરતો હર્ષદ વિચારમાં પડી જાય છે કે સમુડી ગામડે કેવી લઘરવઘર ફરતી હતી અને અત્યારે કેવી સુંદર દેખાતી હતી. જાણે કે એક વર્ષમાં બધું જ બદલાઈ ગયું. હર્ષદનાં લગ્ન થવાનાં હતાં ત્યારે નૈનાએ આઇબ્રો કરાવેલી એ જોઈને તેને એટલી નવાઈ લાગી હતી અને આખો દિવસ આઇબરો... આઈબરો... બોલ્યા કરતી અને અત્યારે એની આઇબ્રો એટલી સરખી કરાવીને આવી છે કે, કોઈ ચિત્રકારે જાણે હમણાં જ તાજી ચીતરી હોય. હર્ષદના ઘરે આ સમુડી કામ કરતી હોય છે. તે હર્ષદની બાને શોંતાફૈબા કહીને બોલાવતી. તે ઘરકામ કરતાં એક વાર સાબુ જોઈ જાય છે તો એની સુગંધથી ઘેલી ઘેલી થઈ જાય છે અને શોંતાફૈબા પાસે સાબુથી નાહવાની વાત કરે છે. આમ અહીંયાં ઉત્તર ગુજરાતના ગામડાની ગરીબ છતાં અલ્લડ છોકરી છે તેનું સુંદર નિરૂપણ છે. એક વાર એવું થાય છે કે શોંતાફૈબાને ખૂબ તાવ આવે છે, સમુડી પોતાં મૂકે છતાં તાવ સહેજે ઓછો થાય નહિ. સમુડીને શોંતાફૈબા માટે મા જેટલો પ્રેમ કેમ કે તે પોતે મા વિનાની હતી. રાત્રિના અંધકારમાં હર્ષદના પિતા ફાનસ લઈને ડૉક્ટરને બોલાવવા જાય છે તો બીજી બાજુ સમુડી હર્ષદને કહે છે કે તમે પોતાં મૂકો હું આવું. એમ કહીને તે જતી રહે છે. થોડી વારમાં અંધારું અંધારું થઈ જતાં હર્ષદ બેચેન થઈ જાય છે, પણ દૂરથી ફાનસનો પ્રકાશ આવે છે. જેમાં હર્ષદના પિતા ડૉક્ટરને લઈને આવે છે. થોડી જ વારમાં સમુડી ભુવાને લઈને આવે છે. કેમ કે એમની નાતમાં માન્યતા છે કે જ્યારે દવાથી તાવ ના મટે ત્યારે ભુવાથી તાવ મટે. એક બાજુ ભુવાએ વિધિ ચાલુ કરી અને બીજી બાજુ ડૉક્ટરે દવા, ઇન્જેકશન આપ્યાં. બીજે દિવસે શોંતાફૈબા ઘોડા જેવાં થઈ ગયાં. બે દિવસ પછી સમુડી કહે છે કે હું કાલે નહિ આવું કેમ કે ‘મારી બુન કાળી આવ સ’ પણ ખરેખર તો વાત એમ હતી કે શોંતાફૈબાને ઠીક થઈ જાય એ માટે સમુડીએ મેલડી માતાની બાધા રાખી હતી અને એ પૂરી કરવા જવાનું હતું. હર્ષદ મનમાં વિચારે છે કે, શું નૈના કદી આવી બાધા રાખે? સમુડીનાં લગ્ન ચાર વર્ષની ઉંમરે થઈ ગયાં હતાં. દેખાવમાં ઠીકઠીક, વાંચવા લખવાનો ભારે શોખ, ભરતગૂંથણ એટલું સરસ આવડે ઉપરથી શોંતાફૈબાએ એને પ્લાસ્ટિકના વાયરમાંથી બગલથેલો, પાકીટ, તોરણ, ઝુમ્મર વગેરે બનાવતાં શીખવાડી દીધું અને તે વેચવા લાગી. આમ આવક વધતાં બીજાના ઘરનાં કામ તેણે છોડી દીધેલાં સિવાય શોંતાફૈબા. હર્ષદને એક પ્રસંગ યાદ આવે છે કે ઘરમાં ઉંદરોનો ત્રાસ વધી ગયો હતો તો શોંતાફૈબાએ કીધું કે ‘અવઅ બજાર જાય એટલ ઉંદર મારવાની ટીકડી લેતી આવજ’ સમુડી કહે ‘ઇમો ઉંદેડીઓને મારી નાખવાની હું જરૂર?’ પછી સમુડી એક એક કરીને બધા ઉંદરોને પકડીને ગામની ભાગોળે છોડી આવે છે. આ ઘટના જ્યારે હર્ષદ નૈનાનાં ઘરે રહેવા જાય છે તો નૈના હાથમાં પત્થર લઈને ઉંદેડીના ફુરચા ઉડાવી દે છે. એ જોઈને હર્ષદ અંદરથી હચમચી જાય છે કે નૈના આવી નિર્દયી? હર્ષદને નૈના બહુ જ ભોળી અને લોહીમાંસ નહિ પણ લાગણી અને સંવેદનોની બની છે એમ લાગતું કેમ કે એણે કલ્પનામાં જે સ્ત્રી કલ્પી હતું એ કંઈક આવી જ હતી, તેથી જ તો જાણ્યા વિચાર્યા વગર લગ્નની હા પાડી દીધી. આ વાતનો પસ્તાવો ખૂબ થાય છે પાછળથી હર્ષદને, કેમ કે કલ્પના અને વાસ્તવિકતા બંને અલગ હોય છે, એક નહિ. નૈના આમ ખૂબ શરમાળ પણ થિયેટરના કામુક અંધારામાં નૈનાની શરમ ક્યાં જતી રહેતી એ હર્ષદને સમજાતું નહોતું. નૈનાનું નામ ઇંગ્લિશના પ્રોફેસરે શર્મા સાથે જોડાયેલું હતું એવી વાતો પણ સંભળાતી. સમુડીની નાતમાં કોઈએ લગ્ન તોડેલાં નહિ પણ સમુએ તોડી નાખેલાં એ માટે તેના પિતાને ખૂબ સહન કરવું પડેલું. બધાએ નાત બહાર કાઢી મૂકેલા અને વિતાડેલું પણ ખૂબ. એ દિવસે સમુડી બહુ ખુશ હતી કેમકે એને ગમતો છોકરો તેજો ગામમાં લગનમાં આવવાનો હતો અને એને મળવા માટે શોંતાફૈબાના ઘરે બોલાવ્યો. શોંતાફૈબાએ એક મા વગરની સમુને મા નથી એવું લાગવા દીધું નહિ. બીજી બાજુ હર્ષદ નૈના સાથે લગ્ન તોડી નાખવા માગતો હતો પણ કહી શકતો નહિ કેમ કે એના પિતા ખૂબ સંવેદનશીલ હતા અને એ આ વાતને સહન ના કરી શકત. આમ હર્ષદ દ્વિધાના દ્વીપ પર ઊભો હોય છે. એક વાર સમુડી સૂર્યાસ્ત જોવા માટે ખેતરમાં ટેકરી છે ત્યાંથી પાછી આવે છે એમાં તેના રસ્તામાં ગામનો ગુંડો કહેવાય એવો સોમલો એની ઇજ્જત પર હાથ નાખે છે. બે- ત્રણ દિવસ પછી એની લાશ કૂવામાંથી મળે છે. સમુનાં લગ્ન તેજા સાથે લેવાનાં હતાં ત્યારે તેને ચેતવવા જીવલો આવેલો , જેની સાથે સમુડીએ લગન તોડી નાખેલાં. એ ચેતવીને ગયો કે જો જાન આવશે તો તેજાની અર્થી ઊઠશે અને સોમલાએ તારી પર નજર બગાડી એને રસ્તામાંથી મેં જ માર્યો છે એમ ધમકી આપીને જાય છે. શોંતાફૈબાના કહેવાથી હર્ષદના પિતાએ પોલીસ બંદોબસ્ત કરાવ્યો અને લગ્ન પાર પડ્યાં અને તે બંને મુંબઈ જતાં રહ્યાં. લગ્ન પછી જીવલાના લોકોએ સમુડીના બાપને મારી નાખેલો જેની જાણ સમુડીને બવ મોડા થઈ હતી. મુંબઈ ગયા પછી સમુડીનું સરનામું કોઈ પાસે હતું નહિ. નોકરીની અરજી કરતા રહેતા હર્ષદને ટપાલ આવે છે મુંબઈથી. નોકરી માટે તે જાય છે મુંબઈ અને થિયેટરની બહાર તેને સમુ-તેજો મળે છે અને ઘરે જમવા લઈ જાય છે. નવલકથાના અંતે મહેનતુ તેજો સમુડીને ખુશ રાખવાનો પ્રયત્ન કરતો હોય છે. સમુડી પણ આખો દિવસ કામ કરતી હોવાથી બંને જણા ખાસ્સા રૂપિયા કમાતાં હોય છે અને તેઓની રહેણીકરણી પણ બદલાઈ ગઈ હતી. હર્ષદ સાથે હવે સમુ વધારે વાત નથી કરતી બસ એટલું જ પૂછ્યું કે શોંતાફૈબા કેમ છે? અને પછી ભારે મૌન. સમુના ઘરેથી નીકળતા હર્ષદને સમુડીનો ખાલીપો સમજાતો નથી. આ હસતી ખીલતી સમુડી બારણાંની ફ્રેમમાં જડાયેલી હોય એવી થઈ જાય છે. વતનથી કપાયેલી સમુડી મુંબઈમાં ભૌતિક રીતે સુખી છે પણ અંદરનો ખાલીપો ભૌતિકતાથી પરિપૂર્ણ થતો નથી. વિવેચક જયેશ ભોગાયતા ‘અનુબંધ ’ પુસ્તકમાં “ ‘સમુડી’ના સંવેદન વિશ્વનો આવિષ્કાર” લેખમાં જણાવે છે કે, ‘સમુડી’ની રસાનુભૂતિનો આધાર સમુડીનું સંવેદનવિશ્વ છે. સમુડીના સંવેદન વિશ્વનો એક અંશ હર્ષદ-સમુડીનો સ્નેહ સંબંધ પણ છે. વરસાદમાં ઉન્મુક્ત બની માટીનો સ્વાદ માણતી સમુડીના પાત્રની તીવ્ર સંવેદનશીલતાનું એક પાસું છે. સમુડીનો જીવનરાગ, પ્રકૃતિરાગ, કૃતિનું પ્રથમ મહત્ત્વનું દૃષ્ટિબિંદુ છે. સમુડીના સંવેદન પ્રવાહોની સમાંતરે હર્ષદના મનોજગતને પ્રગટ કરતી ઘટનાઓ કૃતિનું બીજું દૃષ્ટિબિંદુ છે. હર્ષદ તથા સમુડી ગુજરાતીમાં અવતરેલી નયનાનો વિવાહ સંબંધ અને તેનું વિફલન કૃતિનું ત્રીજું દૃષ્ટિબિંદુ છે. નયના સાથેનો વિવાહ સંબંધ તૂટતાં, લાગણીશીલ આધાર ગુમાવતા વિહ્વળ હર્ષદના ચિત્તમાં ઘૂંટાતો સમુડી માટેનો અજંપો કૃતિનું ચોથું મહત્ત્વનું દૃષ્ટિબિંદુ છે. આ બધાં બિંદુઓ સમુડીના સંવેદનવિશ્વને સીધાં સ્પર્શે છે. સમુડી નવલકથા છે કે લાંબી ટૂંકી વાર્તા કે લઘુનવલ? લેખક લઘુનવલ તરીકે ઓળખાવે છે. લઘુનવલમાં કૃતિના મુખ્ય પાત્રનો વિકાસ અપેક્ષિત છે તેવો કોઈ ચરિત્ર વિકાસ સમુડીના પાત્ર વડે સિદ્ધ થયો નથી. ‘સમુડી’ કૃતિને લોકચાહના મળી છે તેનું મુખ્ય કારણ વિસ્મયજનક અને મુગ્ધતાપૂર્ણ ઘટનાઓનું સહજ નિરૂપણ છે. આધુનિકતાના અતિરેકના સમયે જીવનથી છલકાતી સમુડીના જીવંત પ્રવેશને સૌએ સહર્ષ સ્વીકાર્યો છે.

પાર્થકુમાર બારોટ
B.A., M.A. (Gold Medalist), Ph.D. (Running)
ગુજરાતી વિભાગ,
મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી ઑવ બરોડા, વડોદરા
મો. ૮૨૦૦૧૧૨૪૧૯
Email: bparth517@gmail.com