નવલકથાપરિચયકોશ/પૃથિવી

From Ekatra Wiki
Jump to navigation Jump to search
૯૫

પૃથિવી : રમેશ ર. દવે ‘તરુણપ્રભસૂરી’

– માવજી મહેશ્વરી

નવલકથાકારનો પરિચય રમેશ ર. દવે ‘તરુણપ્રભસૂરી’નો જન્મ ૧લી સપ્ટેમ્બર ૧૯૪૭ના રોજ સુરેન્દ્રનગરના લીમડી તાલુકાના ખાંભલાવ ગામે થયો હતો. તેઓ મૂળ ચુડા તાલુકાના નાગનેશ ગામના વતની છે. તેમનાં માતાનું નામ અનુબહેન અને પિતાનું નામ રતિલાલ દવે છે. તેમનાં માતા સણોસરા(ભાવનગર)માં શિક્ષિકા હતાં. આથી તેમણે પ્રાથમિક શિક્ષણ ત્યાં લીધું. માધ્યમિક શિક્ષણ તેમણે પોતાના મામા મનુભાઈ પંચોળી ‘દર્શક’ પાસે ‘ગ્રામ દક્ષિણામૂર્તિ લોકશાળા’ અંબાલા ખાતેથી પ્રાપ્ત કર્યું. ૧૯૬૮માં તેમણે લોકભારતી ગ્રામ વિદ્યાપીઠ સણોસરા ખાતેથી હિન્દી વિષય સાથે સ્નાતકની ઉપાધિ મેળવી અને ૧૯૭૨માં આ જ વિષય સાથે ભાવનગર સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાંથી અનુસ્નાતકની ઉપાધિ મેળવી. ૧૯૮૩માં તેમણે ગુજરાત યુનિવર્સિટીમાંથી ચીમનલાલ ત્રિવેદીના માર્ગદર્શન હેઠળ ‘ગુજરાતી નવલકથામાં પાત્ર નિરૂપણ’ વિષય પર પીએચ.ડી.ની ડીગ્રી મેળવી. સાહિત્ય સર્જન : રમેશ ર. દવેએ પોતાની લેખન પ્રવૃતિનો પ્રારંભ લઘુકથા અને ટૂંકી વાર્તા લખવાથી કર્યો હતો. તેમની પ્રથમ વાર્તા ‘ગોરા નંદ યશોદા ગોરી’ મે ૧૯૬૯માં ‘કુમાર’ સામયિકમાં પ્રગટ થઈ હતી. પરંતુ તેમની પ્રથમ ધ્યાનપાત્ર કૃતિ ૧૯૮૪માં પ્રગટ થયેલ પ્રથમ નવલકથા ‘પૃથિવી’ હતી. હિન્દી લેખક પરમાનંદ શ્રીવાસ્તવ દ્વારા મલિક મોહમદ જાયસી વિશેના પુસ્તક ‘જાયસી’નો હિન્દીમાંથી ગુજરાતીમાં તે જ શીર્ષક હેઠળ અનુવાદ કરેલ છે, જે ૧૯૯૬માં પ્રકાશિત થયો હતો. ગુજરાતી સહિત્ય પરિષદના મુખપત્ર ‘પરબ’ના તંત્રી તરીકે એમણે મહત્ત્વનું કામ કર્યું છે. નવલકથા : પૃથિવી, સમજપૂર્વક, સથવારો, કોશિશ સંશય ટૂંકી વાર્તા : શબવત્, જલાવરણ, તથાસ્તુ, ગોધૂલિવેળા, ખંડિયેર નિબંધ : જળમાં લખવાં નામ, માનસી હે પ્રિય વિવેચન : ગુજરાતી નવલકથામાં પાત્ર નિરૂપણ (ભાગ ૧, ૨, ૩) અને નવલકથાકાર દર્શક એવૉર્ડ : ગુજરાત સાહિત્ય અદાકમી, ગુજરાતી સાહિત્યપરિષદનાં ઇનામો અધિકરણ લેખન માટેની નવલકથા ‘પૃથિવી’ વિશેની માહિતી આવૃત્તિ–સપ્ટેમ્બર, ૧૯૮૪ પ્રત–જાણવા મળેલ નથી. કિંમત રૂપિયા ૨૦ અર્પણ – શિશુવયે જેમણે મારી કંગાલિયત દૂર કરી મહત્ત્વાકાંક્ષા રોપી એ મારા સ્વ. પ્રબોધભાઈને તથા એ મહત્ત્વાકાંક્ષાને જેમણે વિવેક-વશ રાખતાં શીખવ્યું એ પૂજ્ય બા-બહેનને પ્રસ્તાવનાકારનું નામ : ડૉ. રઘુવીર ચૌધરી નવલકથાનો પ્રકાર : સામાજિક નવલકથા વિશે : રમેશ ર. દવેની નવલકથા પૃથિવી એક લઘુનોવેલનું પૂર્ણ નવલકથા લાગે તેવું વિકસિત સ્વરૂપ છે. કથા થોડી જટિલ લાગે. લાગવાનું કારણ માત્ર એટલું છે કે એનાં મુખ્ય પાત્રો અનિકેત, સદન, પૃથિવી જરા જુદા મિજાજનાં છે. એ પાત્રો આ જગતનાં જ છે, છતાં તે જાણે આ જગતથી બહારનાં હોય તેવું પ્રથમ દૃષ્ટિએ જણાય. જોકે નવલકથા ગુજરાતની જ છે. એમાં ભાવનગર તરફની પ્રાદેશિક ગુજરાતી તથા કેટલીક ગુજરાતી ભાષાકીય પ્રયુક્તિઓ અને રૂઢિપ્રયોગો પણ લેખકે વાપર્યા છે. વાર્તાની શરૂઆત એક જીવલેણ મૂઠભેડથી થાય છે. એનું કારણ એક સ્ત્રી ઉપર, એક ડૉક્ટર સ્ત્રીને છેતરીને થયેલા બળાત્કારની ઘટના છે. જેના ઉપર બળાત્કાર થયો છે તેનું નામ પૃથિવી છે, જે આખીય નવલકથા ઉપર છવાયેલી રહે છે. બળાત્કારની ઘટના આ નવલકથાનો વિષય નથી. નવલકથાનો વિષય ઝટ સમજાય એવો પણ નથી. કારણ કે પોતાને સમજવાનું અને પોતાની સમજથી આ જગતને જોવાનું કામ કરનારાં ત્રણ પાત્રો, પૃથિવી, અનિકેત અને સદનનાં મનોસંચલનો દ્વારા લેખકે નવલકથાને આકાર આપ્યો છે. અનિકેત અને સદન નવલકથામાં ક્યાંય પૃથિવીને એવું લાગવા દેતા નથી કે એના પર બળાત્કાર થયો છે. એ બન્ને શાલીનતા અને સહજતાથી પૃથિવીને સંભાળી લે છે. આ નવલકથાની નાયિકા પૃથિવી, જે પોતે એક ડૉક્ટર પિતાની સફ્ળ ગાયનેકોલોજીસ્ટ દીકરી હતી. તેનું ક્લિનિક ખૂબ સારી રીતે ચાલતું હતું. પણ ત્યાં ગર્ભપાતના કિસ્સા વધવા લાગતાં તે એ સ્થળ છોડીને એવી જગ્યાએ ગઈ જ્યાં તે સ્ત્રીઓની સેવા કરી શકે. એને લાગ્યું કે તે સલામત સ્થળે આવી ગઈ છે. એ છે મૈત્રીવાડી. મૈત્રીવાડી ઊભી કરનાર સદન છે. તે ખેતીવાડી વિશે અધિકૃત જાણકારી ધરાવતો વિદ્વાન છે. તો અનિકેત પોતાનો પરિવાર છોડીને, છોડવા કરતાં અવગણીને અહીં આવેલો એક ધૂની વ્યક્તિ છે, જેના કારણો લેખકે આપ્યાં છે. અહીં બીજાં પાત્રો ખાસ તો ઠુમરી જે એક અલ્લડ છોકરી છે. એ ખરે સમયે, લેખકની પ્રયુક્તિથી નહીં પણ એક કલાકીય અવધારણાથી આખીય નવલકથાને વળાંક આપે છે. લેખકે કશું જ સ્પષ્ટ કહ્યું નથી. કહેવાય એવી આ કથા પણ નથી. પૃથિવી ધારે છે કે તે અનિકેત વગર રહી શકે એમ નથી. અનિકેત અને ઠુમરી એકમેક તરફ ખેંચાય છે. બન્નેનું ખેંચાવું આમ તો એક સ્પષ્ટ સંકેત છે. પૃથિવીને અનિકેતના માલિકીભાવમાંથી મુક્ત કરવાનો. હા, પણ એ સમયે ઠુમરીનું શું? આ પ્રશ્નની કોઈ જ ચર્ચા કર્યા વગર લેખકે બહુ જ ઓછા શબ્દોમાં, અત્યંત શાંત પ્રવાહમાં કથાને વહેતી કરી છે. સદન સ્વેચ્છામૃત્યુની આકાંક્ષા ધરાવે છે. નલકથાનો અંત કદાચ કોઈને ચમત્કૃતિ લાગે, પણ એ ચમત્કૃતિ નથી. સ્વપ્ન દ્વારા લેખકે સદન કોઈ દવા ખાઈને જીવન પૂરું કરે છે. અનિકેત પણ પોતાની પ્રવાસીવૃત્તિનું કારણ આપીને એ ચિત્રમાંથી નીકળી જાય છે. પ્રશ્ન એ થાય કે આખરે આ નવલકથા રચવાનું કારણ શું? આ નવલકથા દ્વારા લેખક કહેવા માગે છે શું? વાસ્તવમાં પ્રેમ થવો, પ્રેમ હોવો, એક થવું. આ સ્ત્રી પુરુષની એક થવાની વાસ્તવિકતા છે. અહીં આ નવલકથાને જરા ધીરજથી, સંભાળીને, સાચવીને એક એક ઘટનાને વાંચવાની જરૂર છે. સદીઓથી એક સત્ય રહ્યું છે કે એક પુરુષ સાથે એક કરતાં વધુ સ્ત્રી રહી શકે છે. પરંતુ એક સ્ત્રી સાથે એક કરતાં વધુ પુરુષો રહી શક્યા નથી. લેખકે અહીં એ જ સત્ય સામે તાક્યું છે. રમેશ ર. દવેની આ મહત્ત્વની કથા છે. નવલકથા અન્ય લેખકનું નિવેદન – “કૃતિનો અંત એક સ્વપ્નથી કર્યો છે. સ્વેચ્છામૃત્યુની આકાંક્ષા ધરાવતા સદને જાણે કે કોઈ દવા લઈને દેહ છોડ્યો છે. અને પ્રવાસીવૃત્તિના ઉછાળાનો ગમે ત્યારે ભોગ બની શકે એવો અનિકેત ચિત્ર પૂરું કરીને ચાલ્યો જાય છે. આ ઘટનાને સ્વપ્ન રૂપે આલેખી ન હોત તો તાલમેલિયા લાગત. તેમ છતાં કહેવું જોઈએ કે સમયની પ્રતીતિજનક અવધિ પસંદ કરીને લેખકે આ સ્વપ્ન ઘટનાને વાસ્તવિક બનાવ તરીકે મૂકવી જોઈતી હતી. એક પુરુષથી દીકરી હોય અને બીજાથી દીકરો હોય એ ઘેલછા સંતોષાઈ ગઈ હોય તો પણ, જે અર્થમાં દ્વૈતનું અદ્વૈત શક્ય છે એ અર્થમાં સ્નેહત્રૈયીનું અદ્વૈત શક્ય નથી. સંબંધ જ્યાં બે વ્યક્તિ આગળ વધવા લાગે ત્યાં એ સામાજિક અને વૈશ્વિક બનવા લાગે છે, તેમ ત્યાગ તેમજ સમર્પણના ભાવોની તીવ્રતા ઘટવા લાગે છે. સંતપુરુષો અને સંતસ્ત્રીઓને પાત્રો બનાવીને કથાસંઘર્ષનું નિરૂપણ થઈ શકતું નથી. રમેશભાઈએ શારીરિક સંબંધને ગૌણ બનાવ્યા વિના પાત્રોને સંતસહજ માનસ આર્પવું છે. આ સંકલ્પે એમની કેવી કસોટી કરી છે એ જોવા–સમજવા વિવિધ રુચિ ધરાવતા વાચકો આ લઘુનવલ જરૂર વાંચે એમ ઇચ્છું. એમણે મૈત્રીવાડીનાં શ્રમજીવી પાત્રોના સંવાદોમાં બોલચાલની ભાષાનો લહેકો વ્યક્ત કરવામાં નોંધપાત્ર સફળતા મેળવી છે અને મુખ્યપાત્રોની ભારેખમ ભાષાને સહન કરવા માટે વાચકને જરૂરી રાહત પૂરી પાડી છે. પોતાની આ શક્તિનો રમેશભાઈને અંદાજ નહીં હોય, નહીં તો એમણે કાલ્પનિક લાગે એવાં પાત્રોને બદલે એમના નિરીક્ષણ-સંપર્કમાં આવેલાં પાત્રોના જીવનમાંથી કલાને ઉપકારક સામગ્રી પસંદ કરીને વધુ ઠાવકાઈથી સાહસ કર્યું હોત. હું એટલું જ કહી શકું કે રમેશભાઈનું આ દુઃસાહસ નથી, ડાબલાધારી નીતિવાદીઓને જરૂર લાગશે.” – રઘુવીર ચૌધરી પ્રસ્તુત નવલકથા પૃ. ૧૧–૧૨.

માવજી મહેશ્વરી
નિવૃત્ત શિક્ષક
વાર્તાકાર, નવલકથાકાર, નિબંધકાર, કૉલમિસ્ટ
મો. ૯૦૫૪૦૧૨૯૫૭
Email: mavji018@gmail.com