કવિ અને કવિતા : પન્ના નાયક: Difference between revisions
No edit summary |
No edit summary |
||
Line 1: | Line 1: | ||
{{SetTitle}} | {{SetTitle}} | ||
<br> | |||
<center><big><big>'''કવિ અને કવિતા : પન્ના નાયક'''</big></big></center> | <center><big><big>'''કવિ અને કવિતા : પન્ના નાયક'''</big></big></center> |
Revision as of 16:34, 20 January 2024
અમેરિકામાં વસતાં ગુજરાતી કવયિત્રી પન્ના નાયકનો જન્મ તા. ૨૮-૧૨-૧૯૩૩ના રોજ મુંબઈમાં. વતન સૂરત. પિતા ધીરજલાલ મોદી. માતા રતનબહેન. શિક્ષણ ભારત અને અમેરિકામાં. ૧૯૫૪માં ગુજરાતી અને સંસ્કૃત વિષય સાથે સેન્ટ ઝેવિયર્સ કૉલેજ, મુંબઈ યુનિવર્સિટીમાંથી બી.એ. ૧૯૫૬માં ત્યાંથી જ, એ જ વિષયો સાથે એમ.એ. ૧૯૬૦માં નિકુલ નાયક સાથે લગ્ન. ૧૯૬૦માં અમેરિકાગમન. ૧૯૬૩માં ડ્રેકસલ યુનિવર્સિટી, ફિલાડેલ્ફિયામાંથી એમ.એ.(લાઇબ્રેરી સાયન્સ)ની પદવી મેળવી. ૧૯૭૩માં તેમણે યુનિવર્સિટી ઑફ પેન્સિલવેનિયા, ફિલાડેલ્ફિયામાંથી એમ.એ. (સાઉથ એશિયન સ્ટડીઝ)ની પદવી પ્રાપ્ત કરી. ૧૯૬૪-૨૦૦૩ સુધી વેન પેલ્ટ લાઇબ્રેરી, યુનિવર્સિટી ઑફ પેન્સિલવેનિયા, ફિલાડેલ્ફિયામાં ગ્રંથપાલ તરીકે સેવાઓ આપી. એ જ યુનિવર્સિટીમાં ૧૯૮૫-૨૦૦૨ સુધી ગુજરાતી ભાષાના અધ્યાપક તરીકે સેવાઓ આપી.
કવિતા એ આ કવયિત્રીના જીવનનો સથવારો થઈને આવી છે. “મારો અને કવિતાનો સંબંધ” લેખમાં પન્ના નાયક લખે છેઃ “કેવળ ઘર અને નોકરી અને શૂન્યતાનો અનુભવ કરાવે એવો ખાલી ખાલી પોકળ સમય. આ એકલતા અને શૂન્યતાના અનુભવમાંથી મને ઉગારવા માટે જ જાણે કવિતા પ્રગટી ન હોય! તમને સાચું કહું? કવિતા ન હોત ને તો હું સાવ એકલી થઈ જાત.” આથી તેમની કવિતાઓમાં એકલતા અને શૂન્યતા સતત પ્રગટ થાય છે. તેમણે લખ્યું છે કે તેમના ઘરના વાતાવરણમાં કવિતાના સંસ્કાર હતા. બાળપણથી જ તેમણે માના કંઠે પુષ્ટિ સંપ્રદાયનાં અનેક પદો, ભજનો સાંભળેલાં. જોકે બાળપણમાં લયબદ્ધ અને છંદોબદ્ધ ગીતો અને ભજનો સાંભળ્યાં હોવા છતાં પન્ના નાયકની કાવ્યયાત્રા અછાંદસથી શરૂ થઈ. અભ્યાસ દરમિયાન મુંબઈની સેંટ ઝેવિયર્સ કૉલેજમાં શ્રી મનસુખરામ ઝવેરી જેવા પ્રાધ્યાપકોનો લાભ મળેલો એથી કવિતા માણવાનો ભરપૂર લ્હાવો-આનંદ આ કવયિત્રીને મળેલો. આ ઉપરાંત તેઓ રાજેન્દ્ર શાહ, નિરંજન ભગત, પ્રિયકાન્ત મણિયાર, હરીન્દ્ર દવે વગેરેનાં ગીતોથી પ્રભાવિત હતાં. છતાં ભારતમાં હતાં ત્યાં સુધી તેમની કાવ્યલેખનની શરૂઆત થઈ નહોતી. ૧૯૬૦માં પન્ના નાયક ફિલાડેલ્ફિયા ગયાં. ત્યાંની એકલતા અને શૂન્યતાના અનુભવે તેમની પાસે કાવ્યસર્જન કરાવ્યું. ગ્રંથાલયમાં નોકરી કરતાં કરતાં, ગ્રંથો જ પન્ના નાયકના મિત્રો બની ગયા. તેઓ લખે છેઃ “અચાનક એક દિવસ અમેરિકન કવયિત્રી એન સેક્સટન(Anne Sexton)નો કાવ્યસંગ્રહ ‘Love Poems’ (૧૯૬૭) મારી આંખે વસી ગયો.” આ અમેરિકન કવયિત્રી એન સેક્સટનની કવિતાઓ કોઈ પણ પ્રકારના નિષેધ વિના, દંભ વિના, છોછ કે સંકોચ વિના લખાયેલી છે. એની સીધી અસર પન્ના નાયકની કવિતામાં જોવા મળે છે. પન્ના નાયકની કવિતાયાત્રાની શરૂઆત ૧૯૭૧માં ‘સ્નૅપશૉટ’ કાવ્યથી થઈ. આ કાવ્ય ‘કવિતા’ દ્વિમાસિક, મુંબઈમાં પ્રસિદ્ધ થયેલું. ત્યારપછી તેમની કવિતાયાત્રા વણથંભી ચાલુ રહી છે. તેમનો પ્રથમ કાવ્યસંગ્રહ ‘પ્રવેશ’ ૧૯૭૫માં પ્રગટ થયો. એ પછી તેમની પાસેથી સતત કાવ્યસંગ્રહો મળતા રહ્યા. તેમની સમગ્ર કવિતા ‘વિદેશિની’ (૨૦૦૦) (સમગ્ર કવિતા-૧) અને ‘દ્વિદેશિની’ (૨૦૧૦) (સમગ્ર કવિતા-૨)માં સંગ્રહિત થયેલી છે. અંગ્રેજી ભાષામાં તેમની કવિતાના અનુવાદો પ્રગટ થયાં છે. પન્ના નાયકનું કાવ્યવિશ્વ એ એમનું અંગતવિશ્વ છે જેમાં તેમની લાગણીઓ, સંવેદનાઓ, એકલતા, શૂન્યતા, ઝુરાપો વગેરે સહજપણે નિરૂપણ પામ્યા છે. અછાંદસ-છાંદસ, ગીત, સૉનેટ, મુક્તક, હાઈકુ, દીર્ઘકાવ્ય અને લઘુકાવ્ય વગેરે કાવ્યપ્રકારોમાં તેમની કલમે વિહાર કર્યો છે. આ ઉપરાંત તેમણે વાર્તાઓ પણ લખી છે ફ્લેમિન્ગો (૨૦૦૩) તેમનો વાર્તાસંગ્રહ છે. તેમની કેટલીક વાર્તાઓના પણ અંગ્રેજી ભાષામાં અનુવાદો થયા છે. તેમણે અંગત નિબંધો તેમજ ચરિત્રનિબંધો પ્રકારના લેખો પણ લખ્યા છે.
જોજનો દૂર વસતાં આ કવયિત્રીને સતત વતનનો ઝुરાપો છે. એ સાથે એકલતા, શૂન્યતા અને વ્યથામય જીવનનો અજંપો ઘેરી વળ્યો છે. છતાંય ક્યારેક જરાક અમથી ખુશી મળી જાય તો તેને જાળવી રાખવી છે. જુઓ ‘સ્નૅપશૉટ’માંઃ
‘આ ખુશીનો
સ્નૅપશૉટ લઈ
મઢાવી
સૂવાના ઓરડામાં ટાંગી શકાય તો?’
પન્ના નાયકને તેમની કવિતામાં જે કહેવું છે તે તદ્દન સાદગીભરી ભાષામાં તેઓ સહજતાથી કહે છે. આથી જ એમની કવિતામાં બોલચાલની ભાષામાં સંવાદો વિશેષ જોવા મળે છે. જુઓ ‘તને ખબર છે?’માં—
‘તને ખબર છે?
હવે હું તારું નામ બોલી શકતી નથી
એટલે
આજે તાજા જ પડેલા સ્નોમાં
હું તારું નામ લખી આવી
મારી આંગળીઓ એવી તો ઠરી ગઈ
પણ સાચે જ મઝા આવી ગઈ…
ને પછી
થોડી વાર રહીને વરસાદ પડ્યો…
હું તારું નામ વહી જતું જોઈ રહી.
વાસંતી વરસાદની સાથે’
સાવ સાદી લાગતી વાત — સ્નોમાં નામ લખવું, આંગળી ઠરી જવી, વરસાદમાં નામનું વહી જવું — કેટલી સામાન્ય છે પરંતુ એ નામનું ‘વાસંતી વરસાદ’ સાથે ચાલ્યા જવું — વહી જવું એ નાયિકાને અંદરથી હચમચાવી દે તેવી ઘટના છે. ‘કો’ક પંખી’માં પણ પંખીનું આવી ચડવું, માળો બાંધવો, પછી અચાનક ભરચાંદનીમાં ચાલ્યા જવું. એ પછી નાયિકાની વેદના, વ્યથા, તરફડાટ — છતાં જીવન જીવવાની ઝંખના જુઓઃ
‘હવે ક્યાંય એનું એકાદ પીંછું પણ મારી પાસે નથી
છતાંય
કોણ જાણે કેમ
વૃક્ષની ડાળેડાળ
એના ભારથી લચી ગઈ છે.’
ભૌતિક સુખ-સમૃદ્ધિ વચ્ચે જીવતી નારીની આંતરવ્યથા ‘દીવાનખાનામાં’ વ્યક્ત થઈ છે. તેમાં આધુનિક જીવનશૈલી પર કટાક્ષ પણ તીવ્રતાથી વ્યક્ત થાય છે.
‘દીવાનખાનાને
વ્યવસ્થિત કરું છું
ઘડી અહીં, ઘડી તહીં
વિવિધ ફેરફારથી—
વસ્તુનું મન પૂછી પૂછી
ગોઠવણી કરું છું.’
વ્યવસ્થિત ગોઠવાઈ જતાં દીવાનખાનું પ્રસન્ન પ્રસન્ન થઈ ઊઠે છે પરંતુ ભૌતિક સુખ-સમૃદ્ધિ, સુવિધાઓ સાથેની આધુનિક જીવનવ્યવસ્થામાં મનુષ્ય ગોઠવાઈ શકતો નથી. એટલે જ કવયિત્રી આગળ લખે છે :
‘આ બધાંમાં મને ક્યાં ગોઠવું?
કેન્દ્ર શોધું છું.
જ્યાં હું સરખું બેસી શકું…
— પણ બારી કનેથી રસ્તો નિહાળતી
હું ઊભી જ રહું છું.’
‘મને ક્યાં ગોઠવું?’ પોતે પણ વ્યક્તિ નહીં પણ જાણે વસ્તુ! મધુસૂદન કાપડિયાએ લખ્યું છેઃ ‘વિદેશિની’માં સ્ત્રીત્વ અને માતૃત્વનાં કાવ્યો વિરલ બલકે અજોડ કહી શકાય એવાં છે. માતૃત્વના અભાવની વેદના આ કાવ્યોમાં મૂર્તિમંત થઈ છે. આ કવયિત્રીએ બાળક વિનાના ઘરની અને જીવનની પ્રયોજનહીનતા તીવ્રતાથી આલેખી છે.’ ‘ઘર’ કાવ્યમાં ભર્યું ભર્યું ઘર ઇચ્છતી નારીની ‘ભરચક એકલતા’ વ્યક્ત થાય છે. બહારની કલબલ નાયિકાને ખૂબ ગમે છે. માતૃત્વની ઝંખના ખૂબ સરસ રીતે કાવ્યરૂપ પામી છેઃ
‘આકાશમાંથી આવે છે આંગણામાં સૂર્ય ને ચન્દ્ર
લખોટી રમતા કિશોરો, પણ એકેયને ‘આમ આવો’
એમ કહીને હું બોલાવી શકતી નથી.
તારકોનું આખું બાલમંદિર છૂટે છે પણ એમાંથી એકેય
મારે ઘેર ભૂલુંય પડતું નથી.’
તો ‘નાળ’ કાવ્યમાં ગર્ભવતી સ્ત્રીના આનંદની અનુભૂતિ, પરિવર્તન પામતું શરીર, સંવેદનો વગેરે સહજતાથી કાવ્યરૂપ પામ્યાં છે. સ્વદેશની ભૂમિ છોડીને પરદેશની ભૂમિમાં પોતાનાં મૂળિયાં તો રોપી દીધાં. પારકી ભૂમિને પોતાની તો કરી પણ માતૃભૂમિનાં મૂળિયાં તો હૈયામાં રોપાયેલાં જ હોય ને! એટલે જ કવયિત્રી વતનઝુરાપો, ઘરઝુરાપો અનુભવે છે, પરિણામે ‘હોમસિકનેસ’ જેવું કાવ્ય મળે છે.
‘અહીં જ્યારે વસંત ચેરી બ્લોસમ્સથી રંગાઈ જાય છે ત્યારે
મારું મન કેસૂડે મોહે છે
ગ્રીષ્મનાં ગુલાબ ધરા પર પોતાના બિસ્તર બિછાવી દે છે ત્યારે
હું ગુલમોરની યાદથી આંખ લાલ કરીને રોઉં છું…
અહીં બારે માસ વરસાદ પડે છે તોય
ત્યાંના જેવી વર્ષાઋતુની મઘમઘતી સોડમ
ક્યારેય શરીરે ચોંટતી નથી!’
કુદરતી સૌંદર્યના આલંબન સાથે વતનની પ્રકૃતિનો ઝુરાપો — વેદના અભિવ્યક્ત થઈ છે. પન્ના નાયકની કવિતા તેમના અંગત વિશ્વની કવિતા છે. તેમના હૃદયની વેદના – સંવેદના કોઈપણ પ્રકારના છોછ વિના કાવ્યમાં રજૂ થાય છે. ગુજરાતી કવિતામાં ખાસ જોવા ન મળતા વિષયો તેમની કવિતામાં નિરૂપાયાં છે. આથી જ મધુસૂદન કાપડિયાએ લખ્યું છેઃ ‘લગ્નજીવનની વિષમતા કે વિષમયતા, પતિપત્ની સંબંધની અસમંજસતા, પ્રિયમિલન કે વિરહ, શરીરસંબંધ કે ગર્ભધાનની વિફલતા, લગ્નબાહ્ય સંબંધો – આ સઘળાં સંવેદનો થકી નારીચેતનાના અંતઃસ્થલમાં ગુજરાતી કવિતાને પ્રવેશ મળ્યો છે.’ પન્ના નાયકની કવિતામાં તેમનાં હૃદયમાં ચાલતાં ઘમસાણો, તેમની વેદના-સંવેદનાઓનું કાવ્યમાં સીધા કથન દ્વારા નિરૂપણ થાય છે. ‘બારાખડીની અંદર – બારાખડીની બહાર’ એ દીર્ઘકાવ્યમાં કવયિત્રીએ ‘મીરાં’ના સંદર્ભ દ્વારા પોતાના હૈયાની ઊર્મિઓ, સંવેદનાઓ વ્યક્ત કરી છે. તેમની ઝંખના માત્ર ‘મીરાં’ થવાની છે. – ‘રુક્મણી’, ‘ગોપી’ કે ‘રાધા’ નહીં, દ્રૌપદી પણ નહીં જ. હૃદયનો પ્રેમ ઝંખતી નારીને પુરુષોની કામેચ્છાઓ સંતોષવાનો ભાર છે. માત્ર કઠપૂતળી થઈ જીવી રહેલી સ્ત્રીનું હૈયું બળવો પોકારે છે, પરંતુ સાવ અસહાય.
‘અહીં તો
શ્વાસને
ગ્રસી જતા રાક્ષસો,
પોકળ હસાહસો,
પામર સાહસો.
અહીં તો
જ્યોતમાં જ્યોત ન મળી
અને
અંધકારમાં જ
જ્યોત વિલીન થઈ ગઈ.
મીરાં જીવી ગઈ.
હું
મરી મરીને જીવી રહી.
ઇટ ઇઝ ટુ લેઇટ નાઉ
ઇટ ઇઝ ટુ લેઇટ.’
વિદ્રોહ પોકારતી અસહાય નારીની સંવેદનાઓ હૂબહૂ નિરૂપાઈ છે. નાયિકાના હૈયાના આર્તનાદની – વ્યથાની સચોટ અભિવ્યક્તિ થઈ છે. સમગ્ર કાવ્યમાં પાશ્ચાત્ય અને પૌર્વાત્ય સંસ્કૃતિ પણ આલેખાતી જાય છે. અછાંદસ કવિતાઓ લખનાર આ કવયિત્રીએ ગીતો પણ લખ્યાં છે. કવયિત્રીને પોતાને પણ આશ્ચર્ય એ વાતનું છે કે — ‘જેણે નાનપણથી લયબદ્ધ અને છંદોબદ્ધ કૃતિઓ સાંભળી હતી એ હું સીધી અછાંદસ તરફ પ્રારંભમાં કેમ વળી?’ કવયિત્રીનો પોતાનો ગીત-લેખનનો અનુભવ કહે છે કે તેમની પાસે ગીતની પહેલી પંક્તિ અનાયાસે આવતી હોય છે. ક્યારેક પ્રેમની અનુભૂતિ, ક્યારેક ભારતથી સ્વજનોની આવનજાવન વગેરે પ્રસંગોની ભાવાનુભૂતિ તેમના ગીતોમાં સહજ ઝિલાઈ જાય છે. જેમ કે;
‘હું તો આંખો મીંચીને ગીત સાંભળ્યા કરું,
મારી છાની આ લાગણી પંપાળ્યા કરું;’
‘વસંતનું આ ગીત લઈને
કયો ઉમળકો છલકે
સુખની ભીની સોડમ લઈને
મનમોજીલું વલખે’
પન્ના નાયકના મતે ગીત એ લયની ક્રીડા છે. આવી લયની ક્રીડા કરતાં કરતાં આયાસપૂર્વક તેમણે ગીતો સર્જ્યાં છે. જેમ કેઃ ‘આ સરવર સરવર રમતાં રમતાં કમળ કમળ થઈ ખીલ્યાં રે આ ઝરમર ઝરમર ઝરતાં ઝરતાં રંગવાદળને ઝીલ્યાં રે.’ જોકે પ્રાસાનુપ્રાસ અને લયહિલ્લોળને કારણે શબ્દનું સંગીત પ્રગટે છે. પુરુષોના ઇશારે જીવવાનું આ નારીના સ્વભાવમાં નથી. એ વાત તેમના ગીતમાં બોલકી બનીને પ્રગટ થાય છેઃ
‘કોઈની બુદ્ધિના પાંજરામાં લાગણીનું પંખી થઈ,
ટહુક્યા કરવાનું મને મંજૂર નથી;’
નારીસ્વાતંત્ર્યની વાત ગીતમાં ગૂંથાઈને આવે છે તો અન્ય ગીતમાંઃ
‘રોજ સાથે ને સાથે રહેવાનું હોય તો ફાવે નહીં.
હું તો તારી તો છું પણ હું તો મારી પણ છું.’
આ ઉપરાંત પન્ના નાયકે સરસ હાઇકુઓ પણ આપ્યાં છે. શ્રી મધુસૂદન કાપડિયા લખે છેઃ ‘શબ્દશિલ્પ અને અલંકારસમૃદ્ધિનાં ઉત્તમ દૃષ્ટાંતો ‘ચેરીબ્લોસમ્સ’નાં હાઇકુઓ છે. ઘણા હાઇકુઓ પતંગિયાં જેવાં નાજુક નમણાં છે.’ જેમ કે,
‘બેઠા શ્વાનની
લટકતી જીભમાં
હાંફે બપોર.’
તુલસી, શોધ્યા કરે
બાનાં પગલાં.’
સંવેદનની સચ્ચાઈ, સહજતા, સાદગી, સરળતા, સીધીસાદી બાની સાથે પન્ના નાયકનું કાવ્યવિશ્વ રચાયું છે, સર્જાયું છે. આ કવયિત્રી માટે કવિતા — કવિતાસર્જન શું છે તે એમના શબ્દોમાં જોઈએ ‘મારો અને કવિતાનો સંબંધ’માં તેમણે પોતાની કવિતા વિશે નોંધ્યું છે કેઃ ‘મારે ઓછામાં ઓછા શબ્દો દ્વારા મારી કવિતા વિશે કંઈ પણ કહેવાનું હોય તો હું એટલું જ કહીશ કે કવિતા એ મારી એંશી વર્ષની મા છે, મારી મિત્ર છે, મારા થાકેલા હૃદયનું પરમધામ છે. આશ્વાસનનો શબ્દ મને જેટલો કવિતા પાસેથી મળ્યો છે એટલો મનુષ્ય પાસેથી નથી મળ્યો.’
- ઊર્મિલા ઠાકર