ઉદયન ઠક્કરનાં ઉત્તમ કાવ્યો/ધર્મયુદ્ધ... ?: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
No edit summary
No edit summary
Line 173: Line 173:
(ભગવાન નિરુત્તર થઈ જાય. અર્જુન રથમાંથી ઊતરી પડે અને કૌરવ-કુટુંબીજનોને મળવા પગપાળા હસ્તિનાપુર ભણી જાય.)
(ભગવાન નિરુત્તર થઈ જાય. અર્જુન રથમાંથી ઊતરી પડે અને કૌરવ-કુટુંબીજનોને મળવા પગપાળા હસ્તિનાપુર ભણી જાય.)


(૨૦૧૯)
{{gap|10em}}(૨૦૧૯)
</poem>
</poem>



Revision as of 00:26, 6 April 2024


રાવણહથ્થો’(૨૦૨૨)-માંથી


ધર્મયુદ્ધ... ?

૧. પહેલો દિવસ
(અનુષ્ટુપ)
ધર્મક્ષેત્રે કુરુક્ષેત્રે પહેલું વ્હાણું વાય છે
કૌરવો-પાંડવો વચ્ચે નિયમો ઠેરવાય છે :

ધૃષ્ટદ્યુમ્ન :
શસ્ત્રહીન થયેલાને હણવો નહીં

ભીમ :
છળપૂર્વક લડવું નહીં

અર્જુન :
વિશ્વાસે રહેલા પર પ્રહાર કરવો નહીં

જયદ્રથ :
સમાન બળવાળા સાથે જ સંગ્રામ કરવો

ભીષ્મ :
યુદ્ધસમય પછી આપણામાં પરસ્પર પ્રીતિ રહે

(કૃષ્ણ સહિત સૌ સંમતિ આપે.)

૨. દસમો દિવસ

ભીષ્મ :
રાજવૈદ, આ બાણ નીકળે એવાં નથી
નિકટથી છોડાયેલાં છે!
(ભીષ્મનાં દર્શન કરવા લોકો દૂરદૂરથી આવતા જાય – ધર્મવીર ભારતી ધૂપ ધરે, દુર્ગા ભાગવત આરતી ઉતારે, ઈરાવતી કર્વે પ્રદક્ષિણા કરે.૧)

ભીષ્મ :
મારા મસ્તકને કોણ ટટાર કરશે?

(અર્જુન બાણ તાકવા જાય ત્યાં પીટર બ્રુક કલમનું ઓશિકું કરી આપે. ઉત્તર દિશાથી પાંખો ફફડાવતાં રાજહંસ આવે)

ભીષ્મ :
ગંગાતીરે વસતા ઋષિઓ!
તમે હંસોનું રૂપ ધરીને આવ્યા?
...મારું તાળવું સુકાય છે.

(અર્જુન પાતાળ ફોડે તે પહેલાં પાણીપાતળું લહેરણિયું લહેરાવતી ગંગા આવે)

ભીષ્મ :
મા, મુસળ પેઠે ભોંકાતાં આ બાણ
શિખંડીનાં નથી
કરચલીનાં બચ્ચાં તેનું ઉદર ચીરીને બહાર નીકળે
તેમ મર્મસ્થાન ચીરીને બહાર નીકળતાં આ બાણ
શિખંડીનાં નથી

મા, વહાવી જા મને
રક્ત-કમળ પેઠે

૩. પંદરમો દિવસ
(અનુષ્ટુપ)

સત્યનારાયણરૂપ શ્રીકૃષ્ણ, પાર્થને કહે,
‘કોમળ કદલીસ્તંભ કુહાડો ક્યાં સુધી સહે?’

(મિશ્રોપજાતિ)
ધનુર્ધરોમાં અતિ ઘોર દ્રોણ
આ રુદ્ર સામે લડવાનું કોણ?
રેઢો મૂકીને પળવાર ધર્મ
જીતાય એવું કર કોઈ કર્મ’

(સ્રગ્ધરા)
‘અશ્વત્થામા મરે તો કદીય નહીં કરે યુદ્ધ આચાર્ય, પાર્થ
‘અશ્વત્થામા હણાયો’ કહી દઈ સમરે સત્વરે થા કૃતાર્થ!’

(મિશ્રોપજાતિ)
આ સાંભળીને ઝટ ભીમસેન
હસ્તી ગદાથી હણી યેનકેન
હસ્તી સરીખો મદમસ્ત ડોલે
કૃષ્ણે કહ્યું જે હતું તેમ બોલે

‘સાચે હણાયો?’ ગુરુદેવ પૂછે
‘હા, હા,’ કહી ધર્મ લલાટ લૂછે

(સ્રગ્ધરા)
મીંચી નેત્રો, સ્મરીને પરમ પુરુષને, મૂકી શસ્ત્રાસ્ત્ર હેઠાં
બ્રહ્માત્મા બ્રહ્મરૂપ, અભય સકળને અર્પતા દ્રોણ બેઠા

(ગુલબંકી)
કરાળ કાળ શો અડગ
લઈને હાથમાં ખડગ
હસે ધસે ત્યાં ધૃષ્ટદ્યુમ્ન
સૈનિકો નહીં નહીં
કહી કહી પુકારતા
મહારથી ય વારતા
છતાં ય શીર્ષ ધડ
દઈને ધડ
થકી કરે અલગ
શિખાથી હાથમાં ધરે
અરે
ફગાવે, ઘા કરે

૪. સત્તરમો દિવસ

(અનુષ્ટુપ)
સૂર્યનું ચક્ર રોકાતું આવી સત્તરમે દિને
કર્મના આર્દ્ર પોકારે પાર્થના પ્રાણ ખૂંપતા

(સોરઠો)
‘રથનું પૈડું ગ્રસ્ત થઈ ગયું છે પૃથ્વીમાં
પાંડવ પુણ્યપ્રશસ્ત! તાક ન અસ્ત્ર નિશસ્ત્ર પર!’

(દુહો)
તિર્યક વાણી કૃષ્ણની, પૃથાપુત્રનું તીર
બેમાંથી કોણે કહો, વાઢી નાખ્યો વીર?

૫. અઢારમો દિવસ

(વસંતતિલકા)
માળા ધજાગ્ર પરની વિંટળાઈ કંઠે
લેવાયું લગ્ન ઉરમગ્ન ત્રિશૂલ સાથે
જામાત્રને શકટથી ગૃહિણી ઉતારે
શિયાળવી મૃતકને રથમાંથી તેમ૨
 
(સ્રગ્ધરા)
ત્યાં કોઈ કોમલાંગી શિર-ધડ લઈને મૂકતી જોડ જોડ
પાંખોથી રાજવીને પવનલહરીઓ ઢોળતાં ગૃધ્ર પંખી
પોઢેલો પુત્ર, માતા કર તન ઉપરે ફેરવે, માથું સૂંઘે
બાંધીને પાશ મધ્યે સકળ પુરુષને, અશ્વને, હસ્તિઓને
રાતાં વસ્ત્રો સજાવી, કજલવરણની નર્તતી કાળ રાત્રિ

બળરામ :
(કટાવ)
ધિક્ ધિક્ ધિક્ ધિક્કાર હજો, ફિટકાર હજો, તારા જીવ્યામાં ધૂળ
પડી, તું મારા પગની ધૂળ
થઈને રગદોળાવા થઈ જાજે તૈયાર!
રણભીરુ ઓ ભીમ!
સુયોધનની નાભિ નીચે કરી દીધો તેં વાર?

રે રે મારા પ્રિય શિષ્યના ચાલે નાભિશ્વાસ!
પાંખ વિનાના પર્વત જેવા સુયોધનના મસ્તકને તું
હચમચ હચમચ લાત ફરી દઈ લાત કરે ઉપહાસ!

(હળ ઉપાડી રાતાં પગલે ધોડે છે બળરામ)

(દુર્યોધન પર આકાશમાંથી પુષ્પવૃષ્ટિ થાય, અપ્સરાઓ યશોગાન ગાય, સુખદાથી વાયુ વાય, આકાશ વૈડૂર્યમણિ સરખું સ્વચ્છ બને. તેને દેવતાઓનું સન્માન મળતું જોઈને પાંડવો શરમાઈ જાય. દુર્યોધનની કીર્તિથી શોકાકુલ થયેલા અર્જુનને શ્રીકૃષ્ણ આશ્વાસન આપે)

શ્રી ભગવાન ઉવાચઃ૩
(અનુષ્ટુપ)

યદા દુર્યોધન વીંઝે મંડળાકારથી ગદા
દંડને પડતો મૂકી, યમ યે નાસતો તદા

ભીષ્મ, કર્ણ અને દ્રોણ સામે કોણ ટકી શકે?
ધર્મયુદ્ધ કરીને તો ના કોઈ પટકી શકે

તમારું શ્રેય ઇચ્છીને, કપટયુદ્ધ આદરી
મહારથી હણ્યા છે મેં એક એક કરી કરી

અર્જુન :
પરંતુ પ્રભુ, યુદ્ધ પહેલાં તો તમે કંઈ જુદો જ ઉપદેશ આપતા હતા. તમે કહેતા હતા –

(અનુષ્ટુપ)૪
અર્જુન સૃષ્ટિમાં ક્ષીણ થતો ધર્મ યદા યદા
અધર્મ વધતો જ્યારે, અવતાર ધરું તદા

શ્રેષ્ઠો આચરતા તેવું સામાન્યજન આચરે
આદર્શ સ્થાપતા તેને સર્વ લોકો અનુસરે

જીત કે હારને જાણી સમાન લાભ-હાનિને
ઝૂઝતાં એ રીતે પાર્થ, પામશે નહીં ગ્લાનિને

(ભગવાન નિરુત્તર થઈ જાય. અર્જુન રથમાંથી ઊતરી પડે અને કૌરવ-કુટુંબીજનોને મળવા પગપાળા હસ્તિનાપુર ભણી જાય.)

(૨૦૧૯)

૧ ધર્મવીર ભારતી : ‘અંધા યુગ’, દુર્ગા ભાગવત : ‘વ્યાસપર્વ’, ઈરાવતી કર્વે : ‘યુગાન્ત’, પીટર બ્રુક : ‘ધ મહાભારત.’ ૨ ભાસ : ‘ઊરુભંગમ્’ ૩ મહાભારત, ગદાયુદ્ધપર્વ ૪ મહાભારત, ભદવદ્ ગીતાપર્વ