ઉદયન ઠક્કરનાં ઉત્તમ કાવ્યો/ગરુડપુરાણ

From Ekatra Wiki
Jump to navigation Jump to search
ગરુડપુરાણ


[એમાંથી અંશો]


|| ૧ ||
નરકમંડલમ્
(અંજારના બાબુલાલે અપમૃત્યુ પામેલા પિતા પાછળ,
વગર છાપરાના એક મકાનમાં કથા બેસાડી છે.)

ભટ્ટ : (અનુષ્ટુપ)
ગ્રંથારંભે સ્મરું વિષ્ણુ, વૃક્ષરૂપી સનાતન
મૂળ તે ધર્મ, ને યજ્ઞો ડાળીઓ, ફળ મોક્ષ છે

(ભટ્ટની હવે પછીની સર્વ ઉક્તિઓ સત્યનારાયણની કથાના ઢાળમાં)

ઓ..મ્મ! અપવિત્રઃ પવિત્રો વા
બાજોઠ પર લાલ વસ્ત્ર બિછાવો શ્રીમાન,
પોથી પધરાવો
પોથીને સૂત્ર વડે બાંધો

શ્રોતાઃ૧
ન ખૂલે, ન વંચાય

ભટ્ટ :
નાગરવેલનું લીલું પાન મૂકો,
પાન ઉપર સોપારી મૂકો

શ્રોતા ર :
સોપારી સાથે જરા કાથો, જરા ચૂનો

ભટ્ટ :
રક્તચૂર્ણમ્, શ્વેત ચૂ...ર્ણમ્
તો સૂતજીએ શૌનકાદિ બાવાઓને કહ્યું છે
કે પ્રેતની પાછળ પિંડદાન કરવું
પિંડદાનથી અંગૂઠા જેવડો જીવ
એક હાથ જેવડો થાય છે
યમદૂતો એને કાલપાશથી ખેંચતાં
અને મુદ્ગર વડે ફટકારતાં
સો હજાર જોજન લાંબા યમમાર્ગ પર ચલાવે છે

શ્રોતા ૧ :
ચલાવે રાખો, મહારાજ! ચલાવે રાખો, મહારાજ!

ભટ્ટ : (શ્રોતા ૧ તરફ તાકીને)
જેવી કરણી તેવી ભરણી!
ઘોરા, સુઘોરા, અતિઘોરા, મહાઘોરા,
ઘોરરૂપા, તલાતલા, ભયાનકા
કાલરાત્રિ, ભયોત્કટા અને ચંડા
એવી એવી નરકની દસ કોટિ
ચંડાની નીચે મહાચંડા
તેના પછી ભીમા, ભીષણ, તે સિવાય
કરાલ, વિકરાલ, વજ્ર અખિલાર્તિદા...
*

|| ૨ ||
અંજારવર્ણનમ્

ભટ્ટ :
સમજ્યાને બાબુલાલ?
શું સમજ્યા બાબુલાલ?
અશ્રુકૂપ, મૂત્રકૂપ અને વિષ્ટાકૂપ નરકોમાં, પાપીઓએ
પોતાનાં જ અશ્રુ અને મૂત્ર
ખોબે ખોબે પીવાં પડે છે!

ગરુડજી : (અનુષ્ટુપ)
મહાનાયક? અંજાર? એવું તે ત્યાં શું છે, પ્રભુ?

શ્રી વિષ્ણુ :
કેવી રીતે પિતા એને ઓળખે? કુંભકાર તો
ફૂટેલી માટલીઓને ઓળખી શકતો નથી
મીરાં કે મહરુન્નીસા ફેર કૈં પડતો નથી

કૂચગીતોથી કૂજંતો, ક્યાં ગયો ખત્રીચોક એ?
ચૂનાના પથ્થરો જ્યારે, ચારેક દિવસે, ચળે
તળેથી, ચપટું એવું એકાદું ડૂસકું મળે

(શાર્દૂલવિક્રીડિત)
‘એમાં શું? ઘરની જ વાત સમજો, સ્હેજે મુઝાશો નહીં!
લ્યો... પાનેતરમાં વિંટાળી નીકળો, વેળા વહી જાય છે’
કન્યા કોડભરી વિદાય કરવા માફો ન કે વેલડી
એકાદો પણ વાંસ કે થઈ શકે કાચી કૂણી પાલખી...
ત્યારે શામળ નામ કોઈ વણિકે ટાણું લીધું સાચવી

અંજારિયો : (અનુષ્ટુપ)
કરાળે સપ્તપાતાળે કેટલા દિવસો થયા?
પાંચ? સાત? મહેતાનું મહેણું સાચું નીકળ્યું :
પાયામાંથી જ મારુંયે ગણિત કાચું નીકળ્યું :
કેટલા દિવસો થયા
સંભળાય ફરી ફરી...
*

|| ૩ ||
ભચાઉવર્ણનમ્

ગરુડજી : (અનુષ્ટુપ)
ભચાઉ નામની ભૂંડી છે કેવી નરકાપુરી?

શ્રી વિષ્ણુ :
એકલો ને અટૂલો આ કર કોનો, કળાય છે?
રેખાઓ વાંચી વાંચીને વરતારો કરાય છે
કાનુડો રેત ખાય છે :
મૈયાનાં નયનો જોતાં ને જોતાં રહી જાય છે
મ્હેંદીભીની હથેળીએ
મક્ષિકાઓ વિરાજતી
સીમમાં, ગામ આખામાં, ચિત્તમાં સૂનકાર છે
પ્રેતને મોક્ષ દેવાને, વરાહ-અવતાર છે!

ભટ્ટ :
મરણપથારીએ સૂતેલા જીવ પાસે યમદૂતો
વાંકા મોઢાના, ભયંકર નેત્રોવાળા, નખના આયુધોવાળા
કાગડાનાં પીંછાં જેવા વાળવાળા
સિસોળિયાની જેમ ઊભેલાં રૂંવાડાંવાળા
આવી આવીને દાંત કડકડાવે છે


શ્રી વિષ્ણુ : (અનુષ્ટુપ)
કાગડા-કૂતરાઓને તક નાહક આપવી
નિષ્ઠાવાન જુઓ ઊભા, રાજ્યના કર્મચારીઓ
એકના હાથમાં ઝોલી, ઝોલીમાં કેવું સાચવ્યું
સોનાનાં કંકણોસોતું કુમળું કાંડું કોઈનું

કોઈ ક્હેતાં નથી કોઈ ઊગર્યું પરિવારમાં
તોય તે ડોશીમા રાજી-રાજી, કેવી નવાઈ છે!
બોલ્યાં બોખું હસીને કે આજના અખબારમાં
જોઈ લ્યો છવિઓ મારી, પાને-પાને છપાઈ છે!

*

|| પ ||
વિષ્ણુમોચનમ્

ગરુડજી :
વર્ણનો બહુ સાંભળ્યાં ભગવન્,
હવે નરલોક પ્રત્યક્ષ નિહાળવો છે

શ્રી વિષ્ણુ : (ઢળેલા નેત્રે)
લાચાર છું.
 
ગરુડજી :
આપ અને લાચાર? હે દ્વારકાધીશ,
ત્રિલોક અને ત્રિકાળ, આપના શ્રીદેહમાં
વિરાજમાન છે!

શ્રી વિષ્ણુ :
મંદિરની તૂટી પડેલી કમાન હેઠળ,
મારાં ચરણ દબાયાં છે, શું કરું?

ગરુડજી : (પીંછાં ક્રોધથી ફરફરે)
હે ગોવર્ધનગિરિધારી!
તુચ્છ કમાનની તે શી વિસાત?

શ્રી વિષ્ણુ :
આ મંદિરોનો ભાર હવે નથી ખમાતો.

*

|| ૭ ||
ભુજવર્ણનમ્

ભટ્ટ :
પાર્ષદો પાપીઓને ટપોટપ, નરકાગ્નિમાં હોમે છે
—બાબુલાલ! જરા પંખો ફાસ્ટ કરજો!—
વળી અંગોને ચીરી-ચીરીને, રીંગણાની માફક
કઢાઈમાં શેકે છે!
ઠીક યાદ આવ્યું,
એ બાબુલાલ, આજે પ્રસાદમાં શું બનાવ્યું છે?

(શિયાળવાનું રુદન. ગરુડજી ઉપર આસન્ન એવા શ્રી ભગવાન ભુજના ભગવા આકાશમાં પ્રવેશે.)

ગરુડજી :[અનુષ્ટુપ]
મહાબુદ્વિ, મહાવીર, મહાશક્તિ, મહાદ્યુતિ!
અરધી રાતના આ શું? આકાશોમાં અરુણિમા?
વનો ખાંડવનાં અર્જુનાસ્ત્રોથી પ્રજ્વળી રહ્યાં?

શ્રી વિષ્ણુ :
મૃતદેહો બળી રહ્યા
કોઈની હોય કાયા ને ડોકું મુકાય કોઈનું
કોઈની યજ્ઞવેદીમાં હવ્ય હોમાય કોઈનું

સૂકાની સાથમાં આજે લીલુંયે બળી જાય છે
જે થતું અસ્થિફૂલોનું, અશ્રુનું એ જ થાય છે

*
 
ભટ્ટ :
અગ્નિ સમ તેજસ્વી શીમળાના વૃક્ષ પર
પ્રેતને સાંકળથી બાંધીને
ચંડ-પ્રચંડાદિ યમદૂતો
(હાથ વીંઝીને) મુદ્ગર વડે સટાસટ સટાસટ...
સમજ્યાને બાબુલાલ?

શું સમજ્યા બાબુલાલ?
પછી માથું વગેરે અંગોને કરવત વડે...

ગરુડજી : (અનુષ્ટુપ)
કાપતા પાર્ષદો કેમ કર આ કાયના, પ્રભુ?
 
શ્રી વિષ્ણુ : (વસંતતિલકા)
ભાંગ્યાં ભડાક દઈને છતછાપરાંઓ
કંદુક શો ઊછળકૂદ કરે કન્હાઈ
મા કુમળા કવચ શી વળી વીંટળાઈ

ખાસ્સા ત્રણેક દિવસો પછી, જેમતેમ
ખોળ્યાં, સુખેથી શિશુ તો બચકારતું’તું
બાઝ્યાં કંઈક સ્તનમંડળ, રક્તબિંદુ

આશ્લેષમાંથી શિશુ કેમ બહાર લેવું?
ગાત્રો અકેક કરતાં અકડાઈ ચાલ્યાં

(અનુષ્ટુપ)
અંતે મુક્ત કર્યું એને માતાની મૃત્યુનાળથી
કાચી કૂંપળને કોઈ ચૂંટી લે જેમ ડાળથી

*

|| ૯ ||
શ્રવણફલમ્
ભટ્ટ :
વ્યાસજીએ સૂતજીને કીધેલું
અને સૂતજીએ શૌનકાદિ બાવાઓને કીધેલું
ગરુડમહાપુરાણ અહીંયાં સમાપ્ત થ... યું...
બોલો શ્રી ગરુડ મહારાજ કી...

શ્રોતાઓ
જય!
(ભટ્ટજી લોટીજીમાં ચમચો રણકાવે, યજમાન વજાડે થાળી, શ્રોતાઓ તાળી, જપિયો શંખ. બરાબર એ જ વખતે બાબુલાલના વગર છાપરાના મકાન ઉપરથી ગરુડજી અને શ્રી વિષ્ણુ પસાર થાય.)

શ્રી વિષ્ણુ :
હે મહાપ્રાજ્ઞ, તમે સહસ્ત્ર વર્ષ મારી તપશ્ચર્યા કરેલી
આ ગૂઢ શાસ્ત્ર તમારે નામે ઓળખાશે

ગરુડજી : (આંખમાં હર્ષનાં આંસુ)
સાચે જ?
કરુણાનિધિ, એવા પણ આશીર્વાદ આપો
કે આ સૃષ્ટિસમસ્ત નરક યાતનાથી મુક્ત થાય!

શ્રી વિષ્ણુ : (હોઠ ફફડે)

ગરુડજી :
જી? શું કહ્યું?

શ્રી વિષ્ણુ : (હોઠ ફફડે)

ગરુડજી : (શ્રી વિષ્ણુ તરફ ડોક ફેરવીને)
હે વાચસ્પતિ! બ્રહ્માંડો પ્રતીક્ષે છે
આપનો શબ્દ...

શ્રી વિષ્ણુ : (હોઠ ફફડે)
(સંભળાયા કરે કોલાહલ, આરતીનો.)