ચાંદનીના હંસ/મારી વાત: Difference between revisions
(+1) |
No edit summary |
||
Line 14: | Line 14: | ||
છેલ્લે મારા સર્જનકાર્યમાં પ્રેરણારૂપ બનનાર સર્વશ્રી ભરત નાયક, નીતિન મહેતા, શિરીષ પંચાલ, વિરચંદ ધરમશી, ‘સમન્વય’ બેઠકમાં મળતા તમામ કવિમિત્રોને અને મારી કવિતાને હૂંફ આપતા રહેલા મિત્રો – સર્વશ્રી હેમંત શાહ, ડૉ. દર્શન ઝાલા, મૂકેશ ત્રિવેદી, સુરેશ ઝવેરી, ડૉ. રમણ સોની, જયદેવ શુકલ, વિનીત શુકલ, મુકુલ ચોકસી અને બકુલ ટેલરને હૃદયપૂર્વક યાદ કરું છું. | છેલ્લે મારા સર્જનકાર્યમાં પ્રેરણારૂપ બનનાર સર્વશ્રી ભરત નાયક, નીતિન મહેતા, શિરીષ પંચાલ, વિરચંદ ધરમશી, ‘સમન્વય’ બેઠકમાં મળતા તમામ કવિમિત્રોને અને મારી કવિતાને હૂંફ આપતા રહેલા મિત્રો – સર્વશ્રી હેમંત શાહ, ડૉ. દર્શન ઝાલા, મૂકેશ ત્રિવેદી, સુરેશ ઝવેરી, ડૉ. રમણ સોની, જયદેવ શુકલ, વિનીત શુકલ, મુકુલ ચોકસી અને બકુલ ટેલરને હૃદયપૂર્વક યાદ કરું છું. | ||
આ કૃતિઓ અગાઉ કવિલોક, સંજ્ઞા, કવિતા, કંકાવટી, પરબ, વિશ્વમાનવ, ખેવના, યુગસેતુ, ક્ષણિક, પગલું, કલહરી, નવનીત-સમર્પણ, વિ., શબ્દસૃષ્ટિ, એતદ્ અને સાયુજ્યમાં પ્રથમ પ્રસિદ્ધ થઈ છે. એ સર્વેના તંત્રી-પ્રકાશકોનો આભારી છું. | આ કૃતિઓ અગાઉ કવિલોક, સંજ્ઞા, કવિતા, કંકાવટી, પરબ, વિશ્વમાનવ, ખેવના, યુગસેતુ, ક્ષણિક, પગલું, કલહરી, નવનીત-સમર્પણ, વિ., શબ્દસૃષ્ટિ, એતદ્ અને સાયુજ્યમાં પ્રથમ પ્રસિદ્ધ થઈ છે. એ સર્વેના તંત્રી-પ્રકાશકોનો આભારી છું. | ||
{{Poem2Close}} | |||
૨ જૂન ૧૯૯૧, મુંબઈ {{Right|'''– મૂકેશ વૈદ્ય'''}} | ૨ જૂન ૧૯૯૧, મુંબઈ {{Right|'''– મૂકેશ વૈદ્ય'''}} | ||
<br> | <br> |
Latest revision as of 14:09, 28 June 2024
૧૯૭૨થી ૧૯૮૯ના ગાળામાં રચાયેલી રચનાઓમાંથી પસંદ કરીને કેટલીક રચનાઓ અહીં મૂકી છે. અપવાદરૂપે એક જ રચના (‘કશાકનું પગેરું શોધતો...’થી શરૂ થતી. પૃ. ૬૨.) અહીં ૧૯૯૧ની લીધી છે. આ સમયગાળામાં કવિતા વિશેના પ્રચલિત ખ્યાલો આત્મસાત કરવાનું બન્યું. અનેક પ્રશ્નો ઊઠતા રહ્યા, અનેક જગ્યાએ ગૂંચ પણ અનુભવી. લખતાં લખતાં સમજ કેળવાશે અને એ ગૂંચનો ઉકેલ આખી પ્રક્રિયામાંથી પસાર થતા મળતો જશે એવી શ્રદ્ધાથી લખતો રહ્યો છું. શબ્દને લયબદ્ધ કરવાની શરૂઆત એકદમ નાનપણમાં થઈ. બારેક વર્ષની વયે ‘જન્મભૂમિ-પ્રવાસી’ના ‘બાળજગત’ વિભાગમાં એક ગીત પ્રકટ થયેલું, ત્યારે માત્ર લય હતો. આજે પણ પહેલી શરત લય જ રહે છે; અછાંદસમાં પણ. સાતેક વર્ષની ઉંમરે મમ્મીના કંઠે ગવાતાં પ્રભાતિયાં અને ભજનો સાંભળતો. એ અરસામાં જ નરસિંહ મહેતા કૃત ‘નાગદમન’ની એક પંક્તિ – ‘સહસ્ત્ર ફેણે ઘૂઘવે જેમ ગગન ગાજે હાથિયો’ સાંભળતા વરસાદી આકાશમાં મેઘથી અભિન્નરૂપે ફરતીમેર ફેણ હોય એવું દૃશ્ય ખડું થયાનું આજે પણ બરાબર યાદ છે. સર્ગશક્તિનો પ્રથમ સ્પર્શ એ ક્ષણે અનુભવ્યો હોય એવું આજે લાગે છે. શિક્ષક માતા-પિતાનો સાહિત્યપ્રેમ મારામાં આવ્યો. ધારણ સાતમામાં વતનગામ ચિખલીમાં ભણવાનું થયું. ત્યાં આચાર્ય શ્રી ધીરુભાઈ રાવળ, વર્ગશિક્ષક શ્રી ઈશ્વરભાઈ રાવળ તથા મારા મામા સર્વશ્રી પ્રકાશ, ગિરીશ અને અશ્વિન વ્યાસના સાન્નિધ્યમાં મારી કવિતા ઊછરી, વિકસી. કવિતા શા માટે લખું છું? એ પ્રશ્નના ઉત્તરમાં કહી શકું કે બીજાં અનેક કારણો હોવા છતાંય, મુખ્ય હેતુ કવિતાની પ્રાપ્તિ છે. રસાત્મક શક્તિ દ્વારા કલ્પનામૂલક અને સંસ્કારમૂલક વ્યાપાર પ્રત્યક્ષ કરવા માટેની ભાષાકીય મથામણ એટલે કવિતા. ભાષાની અનેકવિધ શક્યતાઓ પ્રત્યેનું આકર્ષણ સતત મનમાં ઘૂંટાતું રહ્યું છે. ભાષાના સુબદ્ધ માળખા દ્વારા અને એમાં ય કવિતામાં અપેક્ષિત એવાં વિશિષ્ટ ભાષા-સંયોજન દ્વારા ચિત્તના અવળ-સવળ પ્રદેશો ઉલેચી શકાશે અને એ દ્વારા જાત અને જગતને પામી શકાશે એવો મનુષ્યસહજ ભ્રમ અત્યારે તો છે. આ ખ્યાલને લીધે જ કવિતામાં રૂપાન્તરિત થઈને આવતું જીવન કાચી સામગ્રી કે વિષય-વસ્તુથી વિશેષ લાગે છે. કાવ્યસ્વરૂપમાં રહેલી માનસિક પ્રક્રિયાઓની લાઘવપૂર્ણ અભિવ્યક્તિની અનેક શક્યતાઓ મને આકર્ષતી રહી છે. સંકુલતાનાં જુદાં જુદાં પરિમાણો, વિવિધતા અને સૂક્ષ્મતાને પામવા માટે પણ મને આ સ્વરૂપ વધુ અનુકૂળ લાગ્યું છે. અનુભવને શબ્દનું સઘન, સુઘટ્ટ પોત (texture) આપવાની વાત પણ એટલી સહેલી નથી. ભાષા સાધન અને સાધ્ય બન્ને ય છે. એ સિદ્ધ કરવા માટે મારામાં ઊછરેલી અથવા તો કહો કે મારા કવિ-વ્યક્તિત્વનો સ્પર્શ પામેલી ભાષા ઘડવા માટે હું પ્રયત્નશીલ રહું છું. આખા અનુભવનો અર્ક એકાદ કલ્પનમાં આવતા આનંદ અનુભવાય. એ જ રીતે તર્કને અતિક્રમી જાય એવું સત્ય આવાં કલ્પનની શૃંખલા દ્વારા વ્યક્ત થઈ શકે એવું લાગ્યું છે. છતાં ય કલ્પન દ્વારા જ કવિતા થઈ શકે એવું નથી. અન્ય રીતિ, તરાહો પણ અજમાવી છે. એકદમ સરળ લાગતી વાત પણ ઘણીવાર છટકી જતી લાગી છે. તેથી સંતોષ ન થાય ત્યાં સુધી ફરી ફરી શબ્દો સાથે મચવાનું રહે છે. ચિત્ત શબ્દો સાથે મચેલું હોય ત્યારે જીવનને ઉત્કટપણે સ્પર્શી લેવાતું હોય એવું લાગ્યું છે. તે સાથે જ જીરવવી ન ગમે એવી વાસ્તવિકતામાંથી પલાયન થવા મન કાવ્ય-પ્રવૃત્તિમાં પરોવાતું હોય એવું ય લાગ્યું છે. એ જ રીતે મારું ભાષા પરનું પ્રભુત્વ ઓછું છે કે પછી ભાષાનું સામર્થ્ય ઓછું છે એવી દ્વિધા પણ અનુભવી છે. આવા અનેક વિરોધી બિન્દુઓ વચ્ચે અનિર્ણયાત્મક મનઃસ્થિતિ હોવા છતાં ય અંદરના આવેગને અનુસરીને લખતો રહ્યો છું. શાળાના દિવસોમાં ગીતરચનાઓ સાથે છંદોબદ્ધ સોનેટ પણ અજમાવ્યાં હતાં. પણ શિખરિણી અને હરિગીત સિવાયના છંદોનો રસ્તો મારે માટે ઉબડખાબડ જ રહેલો. પ્રમાણમાં સહેલા એવા માત્રામેળને આત્મસાત કરવા મથ્યો. કવિતા વિશે વિચારતો થયો ત્યારથી (૧૯૭૨) લયનું ભારે આકર્ષણ રહ્યું છે. ગીતો ગેય અને મૃદુ જ હોય એ ખ્યાલથી ઊફરા ચાલવાના ઉત્સાહે robust imagesવાળાં ગીતો લખવા પ્રેર્યો. તે સાથે જ અછાંદસમાં મુક્ત વાણી ઘડવાની અનેક શક્યતાઓ જણાઈ. શરૂઆતમાં સ્મૃતિમાંથી ઊઘડતું ભાવવિશ્વ અને એકમેકમાં એકાકાર સમયલીલાના અવનવાં રૂપ આકર્ષતાં હતાં. પછી નગણ્ય (insignificant) બની રહેલા મનુષ્ય અસ્તિત્વ વિશેના સંવેદનોએ જોર પકડ્યું. ‘કવિલોક'માં છપાયેલી પ્રથમ રચના ‘આંગળીને ટેરવે એકાદ તારો ચીંધી શકાય’થી માંડીને ‘મેદનીમાં', ‘ગતિસ્થિતિ’ વગેરે રચનાઓમાં પરિસ્થિતિઓ સામે લાચાર, લાઇલાજ બની રહેતા માણસને ઇન્દ્રિયસંવેદ્ય કલ્પનો દ્વારા પામવાની અને શબ્દોમાં આંકવાની શરૂઆત કરી. જુદી જુદી બાની અજમાવવા પ્રેરાયો. કાફકાની ‘મેટામોર્ફોસીસ’ ૧૯૭૪માં વાંચેલી. એની પણ પ્રબળ અસર. તે દિવસોમાં આસપાસ સંભળાતા શૂન્યતાના નગારા અંગે સચેત થયો કે આ બધુ ઉછીનું તો નથી ને? ફરી ઉપર જણાવી તે રચનાઓ સાથે મૂકી શકાય એવી રચના ‘એકાકી' દસ વર્ષ પછી લખાઈ. આમ કેટલીક વસ્તુએ મારે પીછો નથી છોડ્યો ને કેટલીક જગ્યાએ મેં એ વસ્તુનો. વસ્તુના મિનિમલ, એબ્સ્ટ્રેક્શનના વિભાવથી પ્રભાવિત રહ્યો છું. છતાંય લખતી વખતે વસ્તુને અતિક્રમી જવાય એવું પણ બન્યું છે. ‘દેશવટાનું ગીત’માં જીવલેણ પ્રેમિકા જેવી જિંદગી સાથે જ નાયક સંવાદ છેડે છે. જ્યારે ‘નદી’માં ઊંડે ઊંડેથી એ સંવાદનું અનુસંધાન હોવા છતાં ય નવી જ દિશા ખુલતી આવે છે. ‘આકાશ એકાએક ઊંચકાઈ જાય’, ‘ઝંઝા', ‘કાળું છિદ્ર', ‘દાબડા’ વગેરે રચનાના કેન્દ્રમાં મૃત્યુ વિષયક સંવેદન રહ્યું. કવિતા એક એવી બારી લાગે છે જે મુક્ત અવકાશમાં ઊઘડે છે તે સાથે જ ભીતરમાં પણ ઊઘડે છે. આન્તર-બાહ્ય વાસ્તવિકતાઓ કવિતા દ્વારા જ જોડાય છે. કવિએ ‘ખાબોચિયું' (૨)નાં વૃક્ષોની જેમ ડોકાઈને એ બારીમાંથી જ જાત અને જગતને પામવાનાં છે. ચાંદની અને હંસ શબ્દ સાથે ચાલી આવતા રુઢ સંકેતો હું નકારું તો પણ રહેવાના જ. એમાં રહેલી રોમાન્ટિક ઝાંયનું જોખમ પણ હું જાણું છું. કવિશ્રી મકરંદ દવેએ કાવ્યસંગ્રહને શુભેચ્છા વ્યક્ત કરતાં કહ્યું હતું તેમ ‘શુભ્ર ધવલ ઉત્થાન’ પણ ખરું. ભાવને મૂર્ત રૂપ આપવાના નિર્દેશ સાથે મારા મનમાં કવિ વાલેસ સ્ટિવન્સ જેનો આગ્રહ સેવે છે એ ‘Imagination and reality equal and inseperable’નો વિચાર રહેલો છે. આ લખવા પાછળ કવિતા સિદ્ધ થઈ છે કે કવિતા પામ્યો છું એવો કોઈ દાવો નથી. મારી મૂંઝવણ અને મથામણની આ લખાણ દ્વારા ઝાંખી આપવાનો એક નમ્ર પ્રયાસ આ છે. કવિતાને સુજ્ઞ ભાવક તો એને ચાતરીને ચાલી શકે છે. જેમની રસકીય દૃષ્ટિ માટે મને ખૂબ આદર રહ્યો છે એવા કવિતાના સાચા મર્મજ્ઞ શ્રી જયંત પારેખે પ્રાસ્તાવિક લખી મને ઉપકૃત કર્યો છે. મારા ઘડતરમાં એમનો મહત્ત્વનો ફાળો રહ્યો છે. હું એમનો ઋણી છું. આંતરરાષ્ટ્રીયખ્યાતિપ્રાપ્ત ચિત્રકાર અને કળાસિદ્ધાંતવિદ્ શ્રી પ્રભાકર બર્વેએ આ કવિતાઓ પ્રેમપૂર્વક સાંભળી એ વિશે સવિસ્તર ચર્ચા કરી એનો અકથ્ય રોમાંચ છે. કાવ્યસૃષ્ટિને અનુરૂપ ચિત્ર આપવા માટે શ્રી પ્રભાકર બર્વેનો; ઉષ્માપૂર્વક અક્ષરાંકન – ડિઝાઇન કરી આપનાર મિત્ર હર્ષદ શાહનો અને લે-આઉટ અંગે સૂચનો કરનાર શ્રી પવનકુમાર જૈનનો હું આભારી છું. આ કવિતાના પ્રકાશનની જવાબદારી ઉઠાવનાર મુ. શ્રી રમણિકભાઈ ઠક્કર તથા શ્રી ગિરીશભાઈ ઠક્કરનો પણ હું ઋણી છું. સર્વશ્રી, કાન્તિ પટેલ, જયંત પારેખ, કવિશ્રી સિતાંશુ યશશ્ચન્દ્ર તથા શ્રી અરૂણ અડાલજા મારા અભ્યાસકાળથી આજ લગી, મારી કવિતામાં ઉત્કટપણે રસ દાખવી એ વિશે ચર્ચા વિચારણા કરતા રહ્યા છે. સ્મૃતિશેષ ભૂપેશે અનેક કવિતાઓ વિશે વિસ્તારપૂર્ણ વિવેચના – પ્રતિભાવરૂપે પત્રમાં લખી મોકલી હતી. કવિશ્રી રાધેશ્યામ શર્માએ એમની ઉત્તમ કાવ્યદૃષ્ટિનો લાભ મારી બે રચનાને આપ્યો છે. કવિશ્રી હરીન્દ્ર દવે, ડૉ. ધીરેશ અધ્વર્યુ તથા સંસ્કૃત સાહિત્યના મરમી ડૉ. અરવિંદરાય ઝાલાએ અનેક કપરા સંજોગોમાં મને હૂંફ અને હિંમત આપી છે. આ સર્વે આત્મીયજનોને હું કૃતજ્ઞભાવે યાદ કરું છું. છેલ્લે મારા સર્જનકાર્યમાં પ્રેરણારૂપ બનનાર સર્વશ્રી ભરત નાયક, નીતિન મહેતા, શિરીષ પંચાલ, વિરચંદ ધરમશી, ‘સમન્વય’ બેઠકમાં મળતા તમામ કવિમિત્રોને અને મારી કવિતાને હૂંફ આપતા રહેલા મિત્રો – સર્વશ્રી હેમંત શાહ, ડૉ. દર્શન ઝાલા, મૂકેશ ત્રિવેદી, સુરેશ ઝવેરી, ડૉ. રમણ સોની, જયદેવ શુકલ, વિનીત શુકલ, મુકુલ ચોકસી અને બકુલ ટેલરને હૃદયપૂર્વક યાદ કરું છું. આ કૃતિઓ અગાઉ કવિલોક, સંજ્ઞા, કવિતા, કંકાવટી, પરબ, વિશ્વમાનવ, ખેવના, યુગસેતુ, ક્ષણિક, પગલું, કલહરી, નવનીત-સમર્પણ, વિ., શબ્દસૃષ્ટિ, એતદ્ અને સાયુજ્યમાં પ્રથમ પ્રસિદ્ધ થઈ છે. એ સર્વેના તંત્રી-પ્રકાશકોનો આભારી છું.
૨ જૂન ૧૯૯૧, મુંબઈ – મૂકેશ વૈદ્ય