અર્વાચીન કવિતા/દોલતરામ કૃપારામ પંડ્યા: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
No edit summary
No edit summary

Line 2: Line 2:
'''દોલતરામ કૃપારામ પંડ્યા'''
'''દોલતરામ કૃપારામ પંડ્યા'''

{{right|'''સંસ્કૃત મહાકાવ્યની શૈલીનાં
{{gap|1em}}બે ગુજરાતી મહાકાવ્યો'''}}

{{right|'''સંસ્કૃત મહાકાવ્યની શૈલીનાં
{{gap|1.5em}}બે ગુજરાતી મહાકાવ્યો'''}}

{{Poem2Open}}
{{Poem2Open}}

Latest revision as of 02:06, 12 July 2024

દોલતરામ કૃપારામ પંડ્યા

સંસ્કૃત મહાકાવ્યની શૈલીનાં
બે ગુજરાતી મહાકાવ્યો

ઇન્દ્રજિતવધ (૧૮૮૭), સુમનગુચ્છ (૧૮૯૯) આપણા લૌકિક જીવનની કવિતા દલપતરામમાં પ્રકટ થઈ ત્યારે તેણે પોતાનું કળારૂપ વ્રજભાખા વગેરેની કવિતામાંથી અપનાવ્યું અને તેને કંઈક વિકસાવ્યું પણ ખરું, તથા તેમાં આપણા તળપદા કાવ્યના અંશો પણ બને તેટલા પ્રગટવા દીધા. યુનિવર્સિટીની કેળવણીની અસર હેઠળ આપણા કવિઓ સંસ્કૃત, ફારસી અને અંગ્રેજી કવિતાનાં કળારૂપો તરફ વળ્યા. એમાંનો સંસ્કૃત અને ફારસીની ગાઢ અસરવાળો તથા તેને મુકાબલે અંગ્રેજીની આછી અસરવાળો જે એક કવિવર્ગ થયો તેનું કાર્ય આપણે જોઈ લીધું. આની સાથેસાથે અથવા એની પણ પહેલાં મૂકી શકાય તેવી ગાઢ અસર એકલી સંસ્કૃત કવિતાની આપણી કવિતામાં પ્રગટી છે. એ અસર હેઠળ સંસ્કૃત મહાકાવ્યની ઢબે ગુજરાતી કવિતામાં મહાકાવ્ય લખવાના બે અતિ પ્રશસ્ય પ્રયત્નો થયા. એમાંનો પહેલો પ્રયત્ન છે દોલતરામનું ‘ઇન્દ્રજિતવધ’, બીજો છે ભીમરાવનું ‘પૃથુરાજરાસા’.

દોલતરામની કળારુચિ – દ્વિરંગી શૈલી

દોલતરામની પ્રતિભા અને કળારુચિએ સંસ્કૃત મહાકાવ્યની ઢબે કેટલીક વાર સંસ્કૃત કવિતાની ઊંચી છટાનો સ્પર્શ કરી શકતી કળાશક્તિ દાખવેલી હોવા છતાં તત્ત્વ રૂપે દલપતશૈલીની રહેલી છે. દોલતરામ જાણે ઘણું સારું સંસ્કૃત ભણેલા દલપતશૈલીના જ કવિ છે. આ ‘મહાકાવ્ય’ની રચનાપૂર્વે તથા તે પછી પણ તેમણે લખેલાં ‘સુમનગુચ્છ’માં સંગૃહીત થયેલાં તેમનાં છૂટક કાવ્યો જોતાં દલપતશૈલીનાં ઘણાં લક્ષણો એમાં જોવા મળે છે. ઉપરાંત દલપતમાં જે નથી તે, મધ્યકાલીન સંસ્કૃત કવિતાના સંપર્કથી જન્મેલાં અપલક્ષણો પણ તેમનામાં છે. આ ‘સુમનગુચ્છ’નાં કાવ્યોમાં સંસ્કૃતની પ્રૌઢ શૈલીની રચનાઓ છે, તથા તળપદી ભાષામાં સરળ રચનાઓ પણ છે; દલપતરામના જેવી લુખ્ખાશ છે તથા અર્થ વિનાનું લંબાણ પણ છે; યમકઝમકનો અતિરેક છે, તથા. કેટલીક વાર તદ્દન અપરુચિમાં સરી જતું સ્થૂલ શૃંગાર તરફનું વલણ પણ છે. આ કાવ્યોમાં દલપતકાવ્યમાં સ્પર્શાયેલા પ્રકૃતિસૌંદર્ય, નીતીરીતિ, ઉપદેશાદિક વિષયોનું નિરૂપણ છે.

‘ઇન્દ્રજિતવધ’ – શિથિલ રચનાતત્ત્વ

‘ઇન્દ્રજિતવધ’ કાવ્ય એ સંસ્કૃત મહાકાવ્યની વ્યાખ્યા પ્રમાણેનાં બધાં અંગોપાંગો જાળવેલી એક સંપૂર્ણ કાવ્યકૃતિ છે. ગુજરાતી કવિતામાં આવી રીતનું સાંગોપાંગ પૂર્ણ રૂપે સંસ્કૃત મહાકાવ્ય લખવાનો આ પહેલો પ્રયત્ન છે. મહાકાવ્યમાં આવશ્યક એવું ઐતિહાસિક વસ્તુ, નાયકપ્રતિનાયકની યોજના, નગર સમુદ્ર પર્વતો ઋતુઓ ઉદ્યાન જળક્રીડા સુરતક્રીડા વગેરેનાં વર્ણનો, સંસ્કૃત રીતિની અર્થપ્રૌઢિ, શબ્દાલંકારો તથા અર્થાલંકારો એ બધું લેખકે અતિશય શ્રમપૂર્વક અને ખંતપૂર્વક અહીં ઉપજાવ્યું છે, પરંતુ કાવ્યરચનામાં દોલતરામની જેટલી ઉત્સાહી બુદ્ધિ છે તેટલી સમર્થ તેમની પ્રતિભા નથી. કાવ્યની શૈલીમાં તેમનાં ઇતર કાવ્યોમાં જે દોષો દેખાય છે તે અહીં પણ છે. ઉપરાંત કાવ્યના કેટલાક ભાગોમાં તેમણે જે ઊંચી કલ્પનાશક્તિ બતાવી છે તે સર્વત્ર એકસરખી પ્રકટ થઈ નથી. અર્થાત્‌ આ કાવ્યમાં સદોદિત જાગ્રત સર્વત્ર સમસ્થિતિવાળી અશિથિલ પ્રતિભાનો હાથ દેખાતો નથી. દોલતરામની દૃષ્ટિ મોટે ભાગે મહાકાવ્યની વ્યાખ્યાનુસારનાં અંગોપાંગોની રચના ઉપર જ ઠરેલી છે. પરંતુ પ્રત્યેક અંગને રસથી અનુપ્રાણિત કરી એ તમામ અંગઉપાંગોનો આખા પ્રબંધમાં વ્યાપક બનતો અને કાવ્યના સમગ્ર સમુચ્ચયમાં મૂર્ત થતો રસ નિપજાવવાની તેમનામાં દૃષ્ટિ તથા શક્તિ દેખાતી નથી, એટલું જ નહિ, પણ કાવ્યનાં ઉપાંગોએ કાવ્યની મુખ્ય વસ્તુ કરતાં વધારે પડતું પ્રાધાન્ય મેળવી લીધું છે, અને એ રીતે કાવ્યની રચના વિશુંખલ અને રસરહિત બનેલી છે.

કાવ્યનું વિશૃંખલિત સૌંદર્ય

આ અત્યંત ગંભીર તથા કાવ્યને અકાવ્ય કરી મૂકે તેવી ક્ષતિ છતાં કાવ્યમાં છૂટક વિશૃંખલિત સૌંદર્ય ઠીકઠીક વપરાયેલું છે, અને એ ખંડિત મુક્ત રીતિનું તથા બહુબહુ તો ખંડકાવ્યની રીતિનું સૌંદર્ય આ કૃતિનો કીમતી અંશ છે. કાવ્યનાં અનેક વર્ણનોમાં, રામની સેનાનું, પ્રભાતનું, નગરયાત્રાનું, વિહારનું, રાત્રિનું, સુલોચનાના વિરહનું તથા સમુદ્રવર્ણન વધારે સુંદર છે; તેમાં યે રાત્રિ તથા સમુદ્રનાં વર્ણનોની સમૃદ્ધ કલ્પના ગુજરાતી કવિતામાં હજી અજોડ જેવી છે. વર્ણનોમાં કવિ અલંકારની તથા ચિત્ર ઊભું કરવાની શક્તિ સારી બતાવે છે. લંકાનું વર્ણન કરતાં આપેલાં ચિત્રો ગુજરાતનાં જ છતાં ખરેખર મનોહર છે. ઉદાહરણ રૂપે રાજાની સવારી જોતી નગરનારીઓનું ચિત્ર જોઈએ :

પ્હેરીને અમર : અમૂલ્ય બાંટ સાડી,
ખોળામાં નિજ શિશુ ધાવણું સુવાડી;
આપે છે સ્તન મુખમાં પ્રમોદ આણી,
બેઠી છે ઉમર વિષે અનેક શાણી.
રૂપાળી તસતસ કંચુકી ધરીને,
લાડીલો શિશુ કૃશ કેડથી ગૃહીને;
ન્યાળે છે મુખ સુતનું જરા હસાવી,
રામાઓ શશિ સમ ગેહ બ્હાર આવી.

કેટલીક વાર કવિ સુંદર અર્થાલંકારો યોજે છે. લંકાનું સૌંદર્ય વર્ણવતાં તે લખે છે :

અગર વૈભવ આ ત્રણ લોકનો
નવ ઘટે, વસતા જહીં દુર્જનો
પતિતપાવન રાઘવસુંદરી,
સતત ષડ્‌ ઋતુ રે મદની ભરી.
થાય લીન સરિતા સમુદ્રમાં,
...થાય લીન ગિરિજા મહેશમાં;
લીન થાય જ્યમ શ્વાસ વાતમાં,
તેમ લીન વહુ નાથબાથમાં.

ઇન્દ્રજિતના મૃત્યુને કવિ એક જ ઉપમાથી સુંદર રીતે વર્ણવે છે :

ભાણ પ્રતાપી લંકના, સુલોચનાના પ્રાણ
અનંતમાં લય થઈ ગયા, ભર દરિયે જ્યમ વ્હાણ.

કાવ્યની સમાપ્તિના ભાગમાં સુલોચનાના સતી થવાના પ્રસંગમાં કવિએ વધારેમાં વધારે શક્તિ બતાવી છે. એટલા ભાગની પંક્તિઓ ગુજરાતી અર્વાચીન સાહિત્યની પંક્તિઓમાં મોખરે બેસે તેવા ગુણવાળી છેઃ

ચઢી માતાઅંકે અગર ઉંમરે શૈશવ ધરી,
ચઢી મામાઅંસે, અગર વરપટે જય વરી,
ચઢી શૈયામાં કે પતિહૃદયમાં જોબનવતી,
ચઢી ચિતા મધ્યે ત્યમ પતિ સમીપે કુલવતી.
...સતીને અંગુષ્ઠે સહજ પ્રકટ્યો વહ્નિ ક્ષણમાં,
વશ્યો આવી ત્યારે શરદ ઋતુનો ચન્દ્ર તનમાં,
ભર્યાં સ્નેહે ચક્ષુ, વદન પણ હાસ્યે મલકતું,
વરાંકે પર્યકે રમણશિરનું બિંબ લસતું,
...ધરે દિવ્યા જ્યોતિ, વપુ અનલમાં સ્નાન કરતું,
પડ્યું જાણે ભૂલું પરમપદનું તેજ ભમતું,
...તુટ્યાં જોતાં જોતાં, સજડ પડ અષ્ટાવરણનાં,
ઉડ્યાં ઉચ્ચે પંખી વિમલ થઈને દ્વૈતવનનાં,
ત્યજી કારા જેવાં વપુ સ્વબળથી વિસ્તૃત થતાં,
ધરી આ બે સત્ત્વો પુનિત રતિ અદ્વૈત બનતાં.