ગુજરાતી બાળવાર્તા સંપદા/કંચનકૂકડીનાં બચ્ચાં: Difference between revisions
(+1) |
({{Heading|કંચનકૂકડીનાં બચ્ચાં|કરસનદાસ લુહાર}}) |
||
Line 1: | Line 1: | ||
{{SetTitle}} | {{SetTitle}} | ||
{{Heading|કંચનકૂકડીનાં બચ્ચાં|કરસનદાસ લુહાર}} | |||
{{Poem2Open}} | {{Poem2Open}} |
Latest revision as of 15:34, 14 August 2024
કરસનદાસ લુહાર
બાલી બતકી અને કંચનકૂકડી. બન્ને બહેનપણીઓ. ઇસ્માઇલદાદાની વાડીમાં રહે. ઇસ્માઇલદાદાની વાડી અને ઘર બન્ને એક જ. ઇસ્માઇલદાદા અને ખદીજામાડી જાતે ખેતી કરે. પશુ-પંખીઓ પણ પાળે, પશુ-પંખીઓ પર બેઉને બહુ હેત. એમની વાડીમાં ચાર ગોરી ગાયો, બે જોડી બળદ, વાડીની રખેવાડી કરતા ત્રણ ડાઘિયા કૂતરા. રૂપો, રજબ અને કાળુ એમનાં નામ. ઝેબુન, જશી, જૂલી અને જોહરા નામની ચાર રંગબેરંગી બિલાડીઓ ઘર અને વાડીમાં ફરતી હોય. ક્યારેક ત્રણેય કૂતરાઓ સાથે ટહેલતી પણ જોવા મળે. મોટી માંજર અને ગળામાંના રૂપાનાં લટકણિયાંથી શોભતો કનક નામનો કૂકડો રોફથી ઘૂમતો રહે. ચાર કૂકડીઓ. કંચન તેમાંની એક. બતકનું એક સુંદર જોડલું આ સૌની સાથે રહે. બતકનું નામ બબો અને બતકીનું નામ બાલી. બાલી અને કંચનને એકબીજા વિના ચાલે નહિ. બેઉ એક-બીજાની પાકી સખીઓ. એક વાર બાલી બતકીએ ત્રણ ઈંડાં મૂક્યાં. ઈંડાં સેવાય પછી એમાંથી બચ્ચાં નીકળે. બાલી ઈંડાંને પૂરાં સેવી રહે એ પહેલાં એનું મરણ થયું. બાલીની ગેરહાજરીથી સૌ પશુ-પંખીઓ ઉદાસ થઈ ગયાં હતાં. કંચનકૂકડીને તો જરાય સોરવે નહિ. બે દિવસ તો એણે ચણ પણ ન લીધી. ઇસ્માઇલદાદા અને ખદીજામાડીનેય ભારે દુઃખ થયું, પણ શું કરવું ? વધારે ચિંતા બાલીનાં ઈંડાંની હતી. થોડા દિવસ પછી કંચનકૂકડીએ ચાર ઈંડાં મૂક્યાં. ઇસ્માઇલદાદાને આનંદ થયો. બાલીનાં ઈંડાંની ચિંતા ટળી ગઈ. દાદાએ ખદીજામાડીને વાત કરી. માડી આ ઉપાયથી રાજી થયાં. એક વાર કંચન ક્યાંક ગઈ હતી. એ વખતે ઇસ્માઇલદાદાએ હળવેથી બાલીનાં ઈંડાં ઉપાડ્યાં અને કંચનનાં ચાર ઈંડાંની વચ્ચે ગોઠવી દીધાં. થોડી વાર પછી કંચન આવી. ચારને બદલે સાત સાત ઈંડાં હતાં. એને એની કશી ગતાગમ ન પડી. કંચને સાતેય ઈંડાંને સેવવાં શરૂ કર્યાં. થોડા દિવસ ગયા અને એમાંથી સાત બચ્ચાં બહાર આવ્યાં. ચાર ઈંડાંમાંથી પીલાં બહાર નીકળ્યાં અને ત્રણ ઈંડાંમાંથી રૂડાં, રૂપાળાં ત્રણ બતકાં બહાર આવ્યાં. કંચન તો સાતેય બચ્ચાંને પોતાનાં સમજીને વહાલ કરે, ઉછેરે, સાતેય બચ્ચાં કંચનને પોતાની મા સમજે. એની આજુબાજુ હરતાં-ફરતાં રહે. ઇસ્માઇલદાદા અને ખદીજામાડી આ જોઈને રાજીપો અનુભવે. શિયાળાની સવારનો એક દિવસ. સૂરજદાદા હૂંફાળો, કૂણો કૂણો તડકો આકાશમાંથી છૂટા હાથે વેરતા હતા. કંચન પોતાનાં બચ્ચાંઓને લઈને ફરવા નીકળી હતી. આગળ આગળ મા ચાલી જાય છે. પાછળ સાતેય બચ્ચાં કૂદતાં, નાચતાં ધીમે ધીમે ચાલે છે. દાદા અને માડી ઘરની ઓસરીમાં ઊભાં ઊભાં જુએ છે. આગળ ચાલતી કંચન ઊભી રહે. ચાંચથી જમીન ખોદે, જમીનમાંથી ઝીણું જંતુ કે દાણા મળી આવે. તે બચ્ચાંનાં નાનકડાં મોંમાં મૂકે. આમ બચ્ચાંને ખોરાક આપે અને પાછી આગળ ચાલે. ખોરાક ચાવતાં બચ્ચાં આનંદથી એની પાછળ ચાલ્યાં જાય. ચાલતાં ચાલતાં રસ્તા વચ્ચે ધોરિયો આવ્યો. ધોરિયામાં બે કોસના પાણીનો પ્રવાહ વહી રહ્યો હતો. ધોરિયા પાસે કંચન ઊભી રહી ગઈ. ધોરિયો વટાવી શકાય તેમ ન હતું. કંચનનાં સાતમાંથી ચાર બચ્ચાં ધોરિયામાં ખળખળતું પાણી જોઈને પાછાં વળી ગયાં. તો ત્રણ બચ્ચાં પાણીના ખળખળાટથી ગાંડાંતૂર થઈ આગળ ચાલ્યાં. કંચન ઊભી હતી ત્યાંથી પસાર થયાં અને ત્રણેય ધોરિયાના પાણીમાં ખાબક્યાં. વહેતા પાણીમાં તરતાં તરતાં આગળ વધવા લાગ્યાં. કંચને આ જોયું અને ચીસાચીસ કરી મૂકી. જાણે એ કહેતી હતી : “દોડો... દોડો... મારાં ત્રણ બચ્ચાં તણાઈ રહ્યાં છે. એને બચાવો... બચાવો...” કંચનની ચીસો સાંભળી ઇસ્માઇલદાદા અને ખદીજામાડી એકદમ દોડી આવ્યાં. આવીને જુએ તો ત્રણ બતકાં બડી મોજથી પાણીમાં તરી રહ્યાં છે. કંચનને એમ કે, મારાં ત્રણ બચ્ચાં તણાઈ રહ્યાં છે. તેથી તે ચીસો પાડતી હતી. ઇસ્માઇલદાદાને કંચનની ચિંતાનું કારણ સમજાઈ ગયું. તેમણે કંચનના શરીર પર હાથ ફેરવ્યો. વહાલથી પસવારતાં કહ્યું : “અરે ગાંડી કૂકડી ! તું શા માટે ચિંતા કરે છે ! પાણીમાં તરી રહ્યાં એ બચ્ચાં પીલાં નથી, બતકાં છે બતકાં. અને પાણીમાં તરવું એ તો એનો સ્વભાવ છે. બતકીનાં ઈંડાં તેં સેવ્યાં તેથી એનો સ્વભાવ થોડો બદલવાનો હતો ? તારાં બચ્ચાં છે એ તો ક્યારનાં પાછાં વળી ગયાં. બતકાંને તરવા દે. એ તણાશે કે ડૂબશે નહિ. ચિંતા છોડ.” પણ કંચન તો તરફડતી, રડારોળ કરી રહી હતી. એને ઇસ્માઇલદાદાની વાત સમજાઈ નહીં. છેવટે ઇસ્માઇલદાદાએ ધોરિયાના પાણીમાંથી એક એક કરતાં ત્રણેય બચ્ચાં ઉપાડ્યાં. ઉપાડીને કંચન કૂકડી પાસે મૂકી દીધાં. કંચન પોતાનાં ત્રણ બચ્ચાંને સહીસલામત જોઈ ખુશીમાં આવી ગઈ. એનું રડારોળ આનંદની કિકિયારીમાં ફેરવાઈ ગયું. હરખથી છલકાતી કંચનકૂકડી પાછી વળીને ફરીથી ચાલવા લાગી. એની પાછળ ચાર અને ત્રણ બચ્ચાંઓ પણ ચાલી નીકળ્યાં. પોતાના વાડા તરફ જવા માટે. ખદીજામાડીએ ઇસ્માઇલદાદા સામે જોયું અને મલકાતાં મલકાતાં કહ્યું : “ગમે તેમ તોય એ મા છે, ભલે એણે એ ઈંડાં મૂક્યાં નથી, પણ સેવ્યાં તો છે ને ?!”