ગુજરાતી બાળવાર્તા સંપદા/બોર જાંબુ બમ બમ
રમેશ શિ. ત્રિવેદી
એક છે ને રાતું-રાતું, પાક્કું બોર હતું. બોર બોરડી પરથી ટપ્ દઈને પડી ગયું. બોર નીચે પડ્યું એવું ગાવા લાગ્યું : હું જાડું જાડું બમબમ ! હું ચાલું કેવું ધમધમ ! બોર તો પછી નાચતું-કૂદતું ચાલવા માંડ્યું. રસ્તામાં એને જાંબુ મળ્યું. બોર કહે : અલ્યા, જાંબુ, ક્યાં જાય છે ? જાંબુ કહે : છે ને હું તો ફરવા જાઉં છું ! બોર કહે : એમ ! પણ કયાં ફરવા જાય છે ? જાંબુ કહે : છે ને મારે તો આખા જંગલમાં ફરવું છે ને. ઝાડ પર પહાડ પર વેલા ને વડ પર ઊંચા-ઊંચા તાડ પર બધે જ ચઢવું છે, ફરવું છે, નદીમાં પડવું છે અને ખૂબ મજા-મજા કરવી છે ! બોર કહે : અલ્યા, જાંબુ, હું ય આવું તારી સાથે ? જાંબુ કહે : ચાલને દોસ્ત, હસતા-કૂદતા ફરીશું, મોજ-મજા કરીશું ! જાંબુ ને બોર નાચતાં-કૂદતાં, ફૂલ જેવું હસતાં-હસતાં, આગળ ને આગળ ચાલવા લાગ્યાં. એકબીજાંને ટપલી મારતાં-મારતાં ગાવાં લાગ્યાં : અમે જાડા જાડા બમબમ. અમે ચાલીએ કેવા ધમધમ ! રસ્તામાં ડોલતા પહાડ જેવો હાથી મળ્યો. હાથીએ ઝીણી આંખોથી જોયું ને કહ્યું : ‘અલ્યા, બોર-જાંબુ, તમે બે ટિનકુડા-ટિનકુડા આમ ક્યાં ચાલ્યાં ? હેં ??...’ બોર હસી પડ્યું : ‘હાથીદાદા, અમે તો છે ને, તમને મળવા જ આવ્યાં છીએ હોં !...’ હાથીએ કહ્યું : ‘અલ્યા, મારું તે વળી શું કામ છે ?’ બોર કહે : ‘હાથીદાદા, છે ને અમારે લપસણી ખાવી છે !...’ હાથી હી-હી કરતો હસી પડ્યો : ‘તો એમ વાત છે ! તો લ્યો, હું નીચે બેસી જાઉં, પછી મારી પીઠ પરથી તમતમારે ખાઓ, લપસણી...!’ બોરે જાંબુને તાળી આપી : ‘ચાલો, ખાઈએ લપસણી !’ બોર તો હાથીદાદાની પીઠ પર એક કૂદકે ચઢી ગયું. એણે જાંબુને પણ હાથ ઝાલીને ઉપર ચઢાવ્યું ને પછી તો સરરર કરતાં નીચે... હેય, હેય...!! ફરી પાછાં હસતાં-હસતાં હાથીદાદાની પીઠ પર !.... ફરી પાછાં સરરરર કરતાં નીચે... હેય ! હેય ! જાંબુ-બોર તો લપસણી ખાઈખાઈને થાકી ગયાં. હાથીદાદાને ‘થૅન્ક યુ’ - કહીને પછી બંને ફરી પાછાં ઊપડ્યાં... ધમ... ધમ... ધમ... રસ્તામાં એક શિયાળ મળ્યું. શિયાળે પૂછ્યું : ‘અલ્યા, બોર-જાંબુ, આમ કઈ બાજુ ?’ જાંબુએ કીધું : ‘શિયાળમામા, શિયાળમામા, અમે તો છે ને થાકી ગયાં છીએ !....’ શિયાળ હસી પડ્યું : શાને થાકી ગયાં આમ ? બોર-જાંબુ એકસાથે હસતાં-હસતાં બોલ્યાં : અમે તો છે ને વહેલી સવારથી ફરતાં ફરીએ છીએ. શિયાળ કહે : ‘એમ ! ક્યાં-ક્યાં ફર્યાં તમે ?’ જાંબુ-બોર બંને સાથે બોલ્યાં : ‘મામા, અમે તો બહુબહુ જ ફર્યાં, ને ટાંટિયા તો એવા દુખે છે... એવા દુખે છે !’ શિયાળ હસ્યું : ‘એમ વાત છે ! તો એમ કરો તમે બંને જણ લટકી જાઓ !’ બોરે કીધું : ‘ક્યાં લટકીએ મામા ?’ શિયાળે ફરી હસીને પોતાની ભરાવદાર પૂંછડી તરફ ઇશારો કર્યો. ‘અરે ! વાહ, મામા, વાહ !’ - કહીને બોર-જાંબુ તો લટકી પડ્યાં. અને હેય, હેય, કરતાં ગાવાં લાગ્યાં : ઝૂલો ખાવાની કેવી મજા ! હેંકૂટ ખાવાની કેવી મજા ! શિયાળ તો ખૂબ દોડ્યું. એ દોડીદોડીને હાંફી ગયું : ‘અલ્યા, બોર-જાંબુ, તમે તો ખરેખર જાડા-જાડા બમ છો !...’ જાંબુને દયા આવી : ‘મામા, બસ, ઊભા રહી જાઓ !...’ બોરે કીધું : ‘થૅન્ક યુ, મામા !’ થોડો થાક ઓછો થયો. એટલે પાછાં બંને દોડવા લાગ્યાં. રસ્તામાં નદી આવી. બોર-જાંબુ તો હેય, હેય ! કરતાં નાચી ઊઠ્યાં. નદીમાં ભૂસકા માર્યા. મજા કરી હેય, હેય !! બોર-જાંબુ આગળ ચાલ્યાં. ચાલતાં-ચાલતાં ઊભાં રહી ગયાં. જાંબુ કહે : ‘અરે ! આ શું ?’ બોર કહે : ‘આ તો ખિસકોલીનું બચ્ચું છે !’ જાંબુ કહે : ‘બિચારું ઝાડ પરથી પડ્યું લાગે છે હોં !’ બોર દોડીને નદી પાસે ગયું; પાણી લઈ આવ્યું, પાણી ખિસકોલીના બચ્ચાને છાંટ્યું. બચ્ચાએ આંખો ખોલી. જાંબુ કહે : ‘અલ્યા, બચ્ચા, તને ભૂખ લાગી છે ?’ બચ્ચું ધીમેથી બોલ્યું : ‘મે ઝાડ પર ચઢતાં હજુ નથી આવડતું. તે પડ્યું ધબ્ દઈને, મને... ભૂ...ખ... લાગી છે !’ જાંબુ બોલ્યું : ‘તો એમ કર, મને ખાઈ જા તું !’ બોર બોલ્યું : ‘ના, પહેલાં મને ખાઈ જાય !’ જાંબુ કહે : ‘ના, પહેલાં મને ખાઈ જા !’ ‘અરે ! બચ્ચું તો અલોપ થઈ ગયું !’ ... બોર-જાંબુ એકબીજા સામે અચરજથી જોઈ રહ્યાં. બોર-જાંબુ તો ઘડીકમાં આમ જુએ, તેમ જુએ, ઘડીકમાં આગળ જુએ, પાછળ જુએ, ઊંચે જુએ, નીચે જુએ. બોર કહે : ‘આ કોણ આવ્યું ?’ જાંબુ કહે : ‘અરે ! આ તો પરી લાગે છે !’ ‘અલ્યા, હું તો પરી નથી. વન-દેવી છું ! પણ તમે કોને શોધો છો ?...’ ‘અમે ? ખિસકોલીના બચ્ચાને શોધીએ છીએ.’ બોર-જાંબુ તો આટલું બોલીને વન-દેવીની ઝગમગ થતી પાંખોને, ચમક-ચમક થતી આંખોને, લીલીછમ સાડીને જોતાં રહ્યાં. વનદેવી હસી પડ્યાં : ‘અલ્યા, જુઓ તો ખરાં, બચ્ચું તો પે...લું રહ્યું, ઝાડ નીચે...’ બોર હસ્યું : ‘હા, અલ્યા, કેવું લપાઈને બેઠું છે એની મમ્મી પાસે !’ જાંબુ ય હસ્યું : ‘જુઓ તો ખરા કેવું ટગરટગર જોયા કરે છે !’ ....ટિનકું, મારું બેટ્ટું ! જબરું છે હોં !...’ વનદેવી કહે : ‘અલ્યા, બોર-જાંબુ, તમે બચ્ચાંને બચાવ્યું તે જોઈને હું ખુશ થઈ હોં ! આ આખુંય વન મારું છે. હું આ વનની દેવી છું...’ બોર-જાંબુ એકબીજાં સામે જોઈ રહ્યાં. વનદેવીએ હસીને કીધું : ‘આ ખિસકોલી, આ બચ્ચું, આ ઝાડ, પેલી કોયલ, પેલો કાગડો, પેલો પહાડ ને ઝરણાં, સસલાં ને હરણાં, પેલાં વાડ ને વેલાઓની ઝૂલ, સુંદર રંગબેરંગી ફૂલ... ને પતંગિયાં, ગુનગુન કરતા ભમરા એ બધાં ય મારાં છે હોં...’ બોરે ધીમેથી પૂછ્યું : ‘વનદેવીજી, અમેય તમારાં નહીં ?’ જાંબુ ય હસ્યું : ‘હા, અમે ય વનમાં જ રહીએ છીએ ને !’ વનદેવી તો ખૂબ હસ્યાં. એમણે કીધું : ‘અલ્યા, તમે તો બહુ ચાલાક છો હોં !’ બોર-જાંબુ એકબીજા સાથે જોઈને હસી પડ્યાં. વનદેવીએ કહ્યું : ‘અલ્યા, રાત પડી, અંધારું થયું, તમે એમ કરો, મારી આંગળી પકડી લ્યો, ચાલો, હું તમને તમારે ઠેકાણે મૂકી જાઉં !’ ‘હા, ચાલો !...’ - કહીને બોર અને જાંબુએ વનદેવીની બંને હાથની એક એક આંગળી પકડી લીધી. એ ચાલતાં-ચાલતાં ગાવા લાગ્યાં : અમે જાડાં જાડાં બમબમ ! અમે ચાલીએ કેવાં ધમધમ. પછી બોરડી આવી, બોર તો જઈને બોરડી પર લટકી પડ્યું અને જાંબુ ય જઈને જાંબુડા પર બેસી ગયું ને પછી છે ને વનદેવી ય થઈ ગયાં - અલોપ !!