ગુજરાતી બાળવાર્તા સંપદા/નદીકિનારે ટામેટું... ટામેટું: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
No edit summary
({{Heading|નદીકિનારે ટામેટું, ટામેટું...|પ્રજ્ઞા પટેલ}})
 
Line 1: Line 1:
{{SetTitle}}
{{SetTitle}}
 
{{Heading|નદીકિનારે ટામેટું, ટામેટું...|પ્રજ્ઞા પટેલ}}
<big><big>'''પ્રજ્ઞા પટેલ'''</big></big><br>
 
<big>'''નદીકિનારે ટામેટું, ટામેટું...'''</big><br>


{{Poem2Open}}
{{Poem2Open}}

Latest revision as of 15:46, 14 August 2024

નદીકિનારે ટામેટું, ટામેટું...

પ્રજ્ઞા પટેલ

રોજની ટેવ મુજબ રાત્રે સૂતાં પહેલાં માનુષીએ મમ્મીને કહ્યું, ‘મમ્મી વાર્તા સંભળાવ ને...’ માનુષીનાં મમ્મી સ્વાતિબહેન મૂંઝાયાં. રોજેરોજ દીકરીને કઈ વાર્તા સંભળાવવી ?? ચકો-ચકી, કાગડો-મોર, જંગલ, લુચ્ચું શિયાળ, આળસુ કબૂતર, કજિયાખોર સોનુ, કૂતરો, રૂપરૂપના અંબાર જેવી રાજકુમારી અને ઠીંગણો રાજકુમાર - આ બધી વાર્તાઓ - પાત્રો, ક્યારેક ક્યાંક વાંચેલી - સાંભળેલી તો કોઈ જાતે બનાવેલી - બધો સ્ટૉક ખલાસ થઈ ગયો છે. સ્વાતિબહેન તો ક્યારેક વાર્તા એની એ રાખે, પાત્ર બદલે... પણ રોજ વાર્તા દીકરીને સંભળાવવી તો પડે જ. ‘હં, આજે કઈ વાર્તા સાંભળવી છે ?’ લાડ કરતાં મમ્મીએ પૂછ્યું. ‘સરસ... સરસ મજાની... લાંબી લાંબી નહીં, ટૂંકી ને ટચ... આજે જ પૂરી થઈ જાય એવી...’ ‘માનુ, ગીત સંભળાવું તને ? એક દિવસ વાર્તા ને એક દિવસ ગીત, બરાબર ? આજે ગીતનો વારો છે... મારી માનુ તો બહુ ડાહી છે, મમ્મીને વહાલી છે...’ માનુષીએ આંખો પટપટાવી, હાથના ચાળા કર્યા, માથું ખંજવાળ્યું ને પછી બોલી, ‘ઠીક છે, તારી પાસે વાર્તાઓ ન હોય તો ગીત ચાલશે... ઠીક છે, પણ કાલે તો વાર્તા, હોં...’ મમ્મીએ ગળું ખંખેર્યું... માનુષી સામે ગોઠવાઈ ને ગાવા લાગી... “નદીકિનારે ટામેટું... ટામેટું... ઘી-ગોળ ખાતું’તું ખાતું’તું... નદીએ નાવા જાતું’તું જાતું’તું...” ‘મમ્મી... મમ્મી...’ સ્વાતિબહેન ચમક્યાં. શું થયું એકદમ ? માનુષી બે હથેળી બે કાન પર દબાવીને આંખો પહોળી કરી, માથું આમ-તેમ હલાવી રહી છે. ‘શું થયું બેટા ? ઊંઘ આવે છે ? ગીત નથી સાંભળવું ?’ માનુષી ચાળા કરતાં ગાવા લાગી... “નદીકિનારે ટામેટું... ટામેટું...” ‘અરે મમ્મી, મારી વાત તો સાંભળ.’ ‘બોલ, શું કહેવું છે તારે ? ગીત ના ગમ્યું ?’ ‘પણ મમ્મી... આ ગીત તેં કેટલી વાર મને સંભળાવ્યું છે ?’ ‘તે શું થઈ ગયું ?’ ‘અરે પણ ટામેટું નદીકિનારે શું કરવા ગયું ? કેવી રીતે ગયું ?’ હવે સ્વાતિબહેન માથું ખંજવાળવા લાગ્યાં. આ ગીત તો માનુષી નાની હતી ત્યારથી એ ગાતાં હતાં, એને ખૂબ ગમતું હતું... અને આજે... ‘બેટા, આ તો છે ને... તે ગીત છે...’ ‘હા હવે, એ તો મનેય ખબર પડે છે, ગવાય તે ગીત.’ ‘વાહ રે વાહ, તું તો કેટલી હોશિયાર છે, ગવાય તે ગીત, કે’વું પડે હોં...’ ‘મમ્મી, તું મારી વાતને એમ કાપી ન કાઢ...’ માનુષી ખીજમાં બોલી. ‘લે વળી, મારા હાથમાં કાતર છે કાંઈ તે તારી વાત કાપું ? કાપવું જ હોય તો ચાદરનો ટુકડો કાપું, કાગળ કાપું, પણ તારી વાત તે કંઈ કાપવાની ચીજ છે ?’ સ્વાતિબહેને દીકરીને લાડ કરતાં કહ્યું. ‘હા, તું મને પટાવ નહીં. પણ મમ્મી, ટામેટું નદીકિનારે જાય, જાય કઈ રીતે ? એકલું જ જાય ? ચાલતું ચાલતું કે પછી ગાડી કે સ્કૂટરમાં ? ઓકે, ઠીક છે... ટામેટું ઘી-ગોળ કેવી રીતે ખાય ? નદીકિનારે ઘી-ગોળ કોણે આપ્યાં ? કે પછી નદીકિનારે હોટલ હતી ? જે જાય એ બધાંને ઘી-ગોળ મળે..’ માનુષી ધડધડાટ પ્રશ્નો પૂછવા લાગી. સ્વાતિબહેન વચ્ચે જ બોલ્યાં, ‘બેટા, આ તો બાળગીત છે, આપણે રમત રમતાં ગાઈએ છીએ ને !...’ ‘તે હેં મમ્મી, ઘી-ગોળ આવ્યાં ક્યાંથી ? શું નદીમાં ઘી-ગોળ ઊગતાં હતાં ? કે પછી નદીમાં પાણી નહોતું ? પણ ઘી-ગોળ જ કેમ ?’ ‘અરે બેટા, છોકરાંવને ઘી-ગોળ બહુ ગમે ને એટલે...’ મમ્મીએ ખુલાસો કર્યો. ‘ઓકે, ઠીક છે... પણ પાછું ટામેટું નાવા જાય. બિચ્ચારું, તણાઈ ન જાય ? નદી કેવડી બધી મોટી ને ટામેટું બિચારું નાનકડું... મમ્મી, આવું તે ગીત હોય વળી ?’ માનુષીના મનમાં ઘણા પ્રશ્નો ઊઠે છે. સ્વાતિબહેન તો દીકરી સામે જોઈ જ રહ્યાં. હજુ થોડા દિવસ પહેલાં જ આ ગીત સંભળાવેલું ત્યારે દીકરી નાચવા માંડી હતી, અને આજે ? આટલા બધા પ્રશ્નો ?? ‘બેટા, આ તો ગીત છે ગીત... એમાં આવું જ આવે છે.’ વાત પૂરી કરવા સ્વાતિબહેને કહ્યું. ‘પણ ગીત આવું કેમ છે ?’ વાત પડતી મૂકે તો એ માનુષી નહીં. ‘જો, તને એક વાત કહું, સાંભળ, હું નાની હતી ને, નાની એટલે તારા જેવડી, ત્યારે મારી બા પણ મને આ જ ગીત સંભળાવતી હતી.. અમે ટાબરિયાં ભેગાં થઈને આ ગીત ઉપર રમત રમતાં, મને બહુ જ મજા પડતી.’ સ્વાતિબહેન ધીરે ધીરે સમજાવતાં બોલ્યાં. ‘મમ્મી, તારી બાને બીજાં ગીત નહીં આવડતાં હોય.’ માનુષી ટહુકી. ‘એવું નથી, બેટા...’ સ્વાતિબહેન સાચેસાચ મૂંઝાયાં. માથું ખંજવાળવા લાગ્યાં ને આમતેમ જોવા લાગ્યાં. ત્યાં જ સંજયભાઈ ધીરેથી રૂમમાં ગાતાં ગાતાં પ્રવેશ્યાં : “નદી કિનારે ટામેટું ટામેટું... ઘી-ગોળ ખાતું’તું ખાતું’તું નદીએ ન્હાવા જાતું’તું જાતું’તું...” ‘ચૂપ, બિલકુલ ચૂપ, પપ્પા તમે પણ... તમેય તે..’ કાન પર આંગળી મૂકી માનુષી બોલી. ‘ચાલ, ઊભી થા તો, તું, હું ને તારી મમ્મી, આપણે ત્રણેય રમીએ ને ગાઈએ ને ટામેટા સાથે જલસા કરીએ...’ પપ્પાએ માનુષીને પલંગમાંથી નીચે ઉતારી, સ્વાતિબહેનનો હાથ પકડી લીધો, ત્રણેય ગોળ ગોળ ફરવા લાગ્યાં, મમ્મી-પપ્પા તો મસ્તીથી ગાય છે - “નદીકિનારે ટામેટું ટામેટું.. ઘી-ગોળ ખાતું’તું ખાતું’તું...” “પપ્પા, મારે નથી ગાવું આ ગીત ને નથી રમવું.’ માનુષી હાથ છોડાવી પાછી પલંગમાં ગોઠવાઈ ગઈ. ‘પહેલાં મારા પ્રશ્નોના જવાબ આપો...’ ફરી ધનાધન એ જ પ્રશ્નો. ‘ટામેટું નદીકિનારે કઈ રીતે જાય ? ઘી-ગોળ કેવી રીતે ખાય ?...??’ ‘હં... હં... મને બધી ખબર છે, મેં બહારના રૂમમાં બેઠાં બેઠાં તારા બધા પ્રશ્નો સાંભળ્યા છે.’ પપ્પાએ શાંતિથી પલંગમાં બેસતાં કહ્યું. ‘હા, તો હવે જવાબ આપો.’ માનુષીએ ફરી નિશાન તાક્યું. ‘જો સાંભળ. એક દૂર દૂરના ગામની આ વાત છે. એ ગામમાં એક મોટ્ટી નદી હતી. નદીકિનારે એક વાંસની ઝૂંપડીમાં એક કુટુંબ રહેતું હતું. નદીકિનારે એમની જમીનમાં તેઓ ખેતી કરતાં હતાં.’ માનુષીને રસ પડવા માંડ્યો. પપ્પાની સોડમાં ભરાઈ. ‘હં, પછી ? શું થયું ?’ ‘એ નાના કુટુંબમાં દાદા-દાદી, મમ્મી-પપ્પા, એક દીકરો ને એક દીકરી રહે. દાદા-દાદી એક ખેતરમાં ટામેટાંની ખેતી કરે, મમ્મી-પપ્પા બીજા ખેતરમાં શેરડીની ખેતી સંભાળે...’ પપ્પાએ વાર્તા માંડી. ‘બહુ મજા પડે એ તો. નદીકિનારે ઝૂંપડીમાં રહેવાનું, ખેતરમાં ફરવાનું, તાજી તાજી શેરડી ને ટામેટાં ખાવાનાં...’ માનુષીના મોંમાં પાણી આવ્યું. ‘અરે માનુષી, શેરડીમાંથી ગોળ બનાવવાની ભઠ્ઠી પણ હતી ત્યાં...’ સ્વાતિબહેને વાત આગળ વધારી. ‘તે તને કેવી રીતે ખબર પડી ?’ માનુષીએ મમ્મી સામે શંકાથી જોયું. ‘મને પણ આ વાતની ખબર છે. ઘેર કોઈ હોય નહીં, ભાઈ-બહેન આખો દિવસ કરે શું ? થોડું રમે, ખેતરમાં ફરે, સરસ લાલચટક ટામેટાં શોધીને ખાય તો વળી ક્યારેક તાજી શેરડીના સાંઠા તોડી ખાય...’ સ્વાતિબહેને વાર્તા આગળ વધારી. ‘હં, પછી શું થયું ?’ ‘હં, પછી છે ને તે... અરે હા, એ બેયને ટામેટું, શેરડી ને ગોળ બહુ ભાવે, એટલે એમનાં મમ્મી-પપ્પાએ લાડમાં એમનું નામ, એટલે કે દીકરીનું નામ ટામેટું પાડેલું. દીકરાનું ગોળ... આખું ગામ આ વાત જાણે, હોં...’ પપ્પાએ હાવભાવ સાથે વાતમાં મીઠાશ ઉમેરી. ‘આવાં તે કંઈ નામ હોતાં હશે ?’ માનુષીએ પૂછ્યું. ‘બેટા, લાડકાં નામ... તને જેમ અમે માનુ, લાડુ, ઢાપલી વગેરે નામથી બોલાવીએ છીએ ને એમ લાડકાં નામ...’ સ્વાતિબહેને સમજાવ્યું. ‘ઓકે, ઠીક છે. વાત તો સરસ છે, હોં, પણ આ ગીત...’ ‘ભાઈ-બહેન ટામેટાં ખાય, શેરડી ખાય, ગોળ ખાય, ઘી પણ ચાટી જાય, એટલે દાદા-દાદી ગાતાં - “નદીકિનારે ટામેટું... ટામેટું...” બેય ભાઈ-બહેનને નદી ખૂબ ગમે. નદીમાં નાવા જતાં રહે.’ પપ્પાએ પ્રેમથી કહ્યું. ‘દાદા-દાદી ગાય, મમ્મી-પપ્પા ગાય, પછી તો આખું ગામ આ ગીત ગાવા માંડ્યું. છોકરાં બધાં નદીકિનારે ભેગાં થાય, નદીમાં નાય, ટામેટાં, ઘી-ગોળ ને રોટલો ને છાશ ખાય, એકબીજાના હાથ પકડી આ રમત રમે, ગોળ ગોળ ફરે, અને મજા કરે.’ સ્વાતિબહેને દીકરીને લાડ કર્યાં. ‘બોલ, હવે કંઈ પૂછવું છે ? આને જ બાળગીત કહેવાય. નદીકિનારે ટામેટું પણ હોય, ઘી-ગોળ હોય, માનુષી પણ હોય ને મજા જ મજા હોય, ખરું ને બેટા ?’ પપ્પા બોલ્યા. ‘મજા પડી ગઈ, હોં આજે તો બાળગીત ને વાર્તા - બેય સાથે મળી ગયાં, હોં... મને બહુ ગમ્યું આ ગીત.’ માનુષી ખુશ થઈ ગઈ. ‘તો પછી... ચાલ આપણે ગીત ગાઈએ, હોં...’ “નદીકિનારે માનુષી, માનુષી, ભેળ-પુરી ખાતી’તી ખાતી’તી નદીએ નાવા જાતી’તી જાતી’તી...’ મમ્મી-પપ્પા ગાવા લાગ્યાં. ‘ના, આવું નહીં...’ માનુષી રિસાઈ. ‘તો પછી ?’ ‘નદીકિનારે ટામેટું ટામેટું... ઘી-ગોળ ખાતું’તું ખાતું’તું...’ માનુષી મમ્મી-પપ્પાના હાથ પકડી ગાવા લાગી. નાચવા માંડી. એના ચહેરા પર લાલચટક ટામેટા જેવી સરસ તાજગી હતી.