રચનાવલી/૪૯: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
No edit summary
No edit summary
 
Line 2: Line 2:


{{Heading|૪૯. ધ્રુવપદ ક્યહીં (સુન્દરમ્) |}}
{{Heading|૪૯. ધ્રુવપદ ક્યહીં (સુન્દરમ્) |}}
<hr>
<center>
&#9724;
<br>
{{#widget:Audio
|url=https://wiki.ekatrafoundation.org/images/1/1c/Rachanavali_49.mp3
}}
<br>
૪૯. ધ્રુવપદ ક્યહીં (સુન્દરમ્) • રચનાવલી - ચન્દ્રકાન્ત ટોપીવાળા • ઑડિયો પઠન: શૈલેશ
<br>
&#9724;
</center>
<hr>





Latest revision as of 13:37, 17 September 2024


૪૯. ધ્રુવપદ ક્યહીં (સુન્દરમ્)





૪૯. ધ્રુવપદ ક્યહીં (સુન્દરમ્) • રચનાવલી - ચન્દ્રકાન્ત ટોપીવાળા • ઑડિયો પઠન: શૈલેશ



સાહિત્યના ક્ષેત્રમાં પણ વારાફેરા આવે છે. ક્યારેક જગતની એકદમ નજીક જઈ સાહિત્ય એની સામે ઊભું રહે છે, તો કયારેક જગતથી મોં ફેરવી એકલુ એ પોતામાં ઊતરી જાય છે. સુધારયુગમાં સાહિત્ય છેક જગત પાસે પહોંચી ગયુ હતું. પછી પંડિતયુગમાં સાહિત્ય જગતથી દૂર સરી આદર્શલોકમાં પહોંચી ગયું હતું. ફરી ગાંધીજીને પગલે પગલે સાહિત્ય ગાંધીયુગમાં જગતની છેક પહોંચી ગયું હતું. આસપાસનો સમાજ, સમગ્ર માનવજાત, માનવજાતની પીડા, દલિતપીડિતનાં દરદો- સાહિત્યમાં ખેંચાઈ આવેલાં. આવા વિષયો લઈ ગાંધીયુગમાં ઉમાશંકર જોશી અને સુન્દરમ જેવા કવિઓએ ગુજરાતને ઘેલું લગાડ્યું હતું. જીવનની કઠોર પરિસ્થિતિ પૂરી સંવેદનાથી તેઓ ઝીલતા હતા. અસ્પૃશ્યતા, ગરીબાઈ, શોષણ, આર્થિક વિષમતાની સાથોસાથ બ્રિટીશ હૂકમત અને પ્રજાનો અસહકાર – સંઘર્ષ એવો હતો કે સુન્દરમ જેવા કવિને કહેવું પડેલું કે ‘અહીં કુટિલ જીવનાર્થ કલહો લખું કારમા' ઉમાશંકરની જેમ સુન્દરમ આપણા, ગાંધીયુગના, અગ્રણી કવિ છે. આ અગ્રણી કવિનાં આદર્શ અને સ્વપ્નોને નકામાં કરી દે એવો ચારેબાજુના જગતનો માહોલ હતો. આથી જ સુન્દરમને ‘કાવ્યમંગલા’ કાવ્યસંગ્રહમાં ‘કાવ્યપ્રણાશ’ જેવું કાવ્ય લખવું પડ્યું છે. ‘કાવ્યપ્રણાશ’ કાવ્યમાં સુન્દરમ કુદરત, મનુષ્ય અને એનાં કાર્યો વિશેનાં કલ્પના કે સ્વપ્નોને સાચા નાણી જોવા માટેનું ભ્રમણ કરે છે. પણ પ્રકૃતિથી માંડી માનવસમાજમાં એમણે સ્પેલી રમણીય સૃષ્ટિ મળતી નથી. શક્તિનો મદ, લોભવૃત્તિ, અદેખાઈ અને ઉદરપૂર્તિની પ્રખર વાસનાથી કવિ હરેક પશુપ્રાણીને ખદબદતુ જુએ છે. ત્યાં પછી આનંદનું કે સુખનું સ્વપ્ન ક્યાંથી ફળીભૂત થાય? કુદરત અને માનવજાતિથી નિરાશ થઈ કવિ ઈતિહાસ તરફ વળે છે પણ કવિને બધે જ કુટિલતા નજરે પડે છે. ‘કાવ્યપ્રણાશ’, ના વિષયને વધુ સંક્ષેપમાં અને વધુ સચોટ રીતે સુન્દરમે ધ્રુવપદ ક્યહીં?' કાવ્યમાં વ્યક્ત કર્યો છે. ‘કાવ્યમંગલા' કાવ્યસંગ્રહમાં સુન્દરમના પ્રસિદ્ધ કાવ્યોમાંનુ એ એક છે. ‘ધ્રુવપદ ક્યહીં?' કાવ્યના કેન્દ્રમાં નાયક તરીકે કોઈએક કવિ છે કે પછી કવિ ખુદ છે. શરૂમાં કહે છે કે અનેક ઉત્તમ કાવ્યોના અભ્યાસને કારણે અને ઉત્તમ કવિઓના સંપર્કને કારણે આ કવિને પણ સત્ય અને સૌન્દરયુક્ત રચનાઓ કરવાનું મન થયું. ચન્દ્ર, કોયલ, ફૂલ, પવન જેવાં કુદરતનાં તત્ત્વોમાંથી કવિ પ્રેરણા મેળવતો અને પ્રકૃતિ તેમજ મનુષ્યસૃષ્ટિનાં સંવેદનોને ગૂંથવા મથતો. પણ જૂના કવિઓએ જે માર્ગ લીધો હતો તે માર્ગ આ કવિને અવળો લાગે છે. કવિ કહે છે : ‘અરે મેં માનેલું જગત કયમ ગાન્ધર્વનગરી/ સમું આ લોપાયે’- અહીં કોઈ મધુવન નથી. કોઈ કલકલ સ્વર નથી. સંગીત નથી. અહીં તો રણનાં પવન ઉમટ્યાં છે. કવિએ કલ્પના કરેલી અને કલ્પેલા જગતનું જે ચિત્રણ કરેલું એને અને વાસ્તવિક જગતને કોઈ મેળ નથી. કવિમગજનાં સુખો કલ્પિત હતાં. અને દુઃખો પણ કલ્પિત હતાં. કવિઓએ માત્ર ભ્રમ ઊભો કરેલો. મનુષ્યને સૃષ્ટિનું કેન્દ્ર સ્થાપિત કરેલો. પણ જગત તો કાંઈક જુદું છે. તારાઓ કંઈ માણસને પ્રસન્ન રાખવા ચમકતા નથી. સૂર્યચંદ્ર કાંઈ કમળ અને કુમુદ માટે બનાવેલા નથી. ગ્રહો મનુષ્યજાતિના ભાવિ અર્થ માટે ભમતા નથી. પ્રકૃતિ પણ સુન્દર નથી. સમુદ્રો, પર્વતો, નદીઓ, જંગલો, પશુ, પક્ષી, પ્રાણી વૃક્ષો પર મનુષ્ય પોતાના ભાવોનું ખોટું આરોપણ કર્યું છે. કોયલ કે મોર કોઈ પ્રેમવાણી બોલતા નથી. કવિ કહે છે : ‘ફરે ત્યાં યે રાતા નખ પ્રકૃતિના રક્તતરસ્યા' પ્રકૃતિ પણ લોહિયાળ છે. વળી મનુષ્ય જો એમ માનતો હોય કે આ જગત એને માટે સર્જાયું છે તો તે એની ભૂલ છે : ‘લતાનાં લાલિત્યો, કુસુમ સુરભિરંગ ગરવા ફળોનાં બાહુલ્યો, તરુવર ઘટા, કુંજ રમણા/ અરણ્યો ખીણોની પ્રકૃતિ સુભગા, સુન્દરતમા/ ન સૌ નિર્માયાં કવળ મનુજને મોદ ધરવા.’ મનુષ્યના ક્ષુદ્ર મગજના સંચામાં આ બધાં વિશ્વોની રચના બંધ બેસી જાય એવું ના બને. વિશ્વોએ માણસને અનુકૂળ થવાનું નથી. વિશ્વરચનામાં જે દોષ કે વિષમતા દેખાતાં હોય તે માણસના પોતાના દર્શનથી ખામીને લીધે પણ હોઈ શકે. એટલે એણે પોતાનું સ્થાન વિશ્વમાં કયાં છે તે શોધવાનું છે. કવિ કહે છે; ‘અનાદિ મંડાયા નિયતિકૃત સૃષ્ટિ ક્રમ વિશે મનુષ્યો પોતાનું સ્થળ સમજવું થૈ જ અદના!’ આ અનુભવ પછી સુન્દરમ નાયક કવિને મુખે શબ્દો મૂકે છેઃ ‘અરે મારી ભોળી શિશુક કવિતાને હજી નથી/ મળ્યું એનું સાચ્ચું ધ્રુવપદ, ભમે આજ અટૂલી' અહીં કવિને ધ્રુવપદ મળ્યું નથી એટલે કે કોઈ નિશ્ચલ ધ્યેય મળ્યું નથી. એક બાજુ એવો અર્થ થઈ શકે અને બીજી બાજું એવો પણ અર્થ થઈ શકે કે કવિતાને ‘ધ્રુવપદ’ એટલે કે પ્રથમ યા મુખ્ય પંક્તિ મળી નથી, જેને આધારે એ વિકસી શકે. વર્તમાન પરિસ્થિતિઓથી મોં ફેરવી માત્ર ચન્દનમહેલમાં બેસી કૃત્રિમ અને કૃતક કાવ્યો કરનારા તરંગી કવિઓને સુન્દરમે આડકતરી રીતે અહીં ચીમકી આપી છે. કવિનો જગત સાથેનો સીધો નહીં છતાં ઊંડો સંબંધ છે. એના કઠોર પરિચય વિના કવિની સર્જક કલ્પના વાંઝણી રહી જાય છે. સુન્દરમે વર્ષો પછી ‘ધ્રુવપદ કમહીં?’ નો એમના કાવ્યસંગ્રહ ‘યાત્રા'માં ‘આ ધ્રુવપદ' નામક કાવ્યમાં ઉત્તર આપવાનો પ્રયત્ન કર્યો છે, જેમાં એમણે પોંડીચેરી નિવાસ દરમ્યાન અરવિંદ ફિલસૂફીથી પ્રભાવિત થઈ જીવનના ‘ઊર્ધ્વગમન'ને આગળ કર્યું છે. પણ એ કવિને મળેલા ઉત્તર કરતાં ભક્ત કે ચિંતકને મળેલા ઉત્તરની વધારે પ્રતીતિ કરાવે છે.