પ્લેટો-ઍરિસ્ટૉટલ-લૉંજાઇનસની કાવ્યવિચારણા/અનુલેખ : પ્લેટોને મળતા બચાવ: Difference between revisions
m (Meghdhanu moved page પ્લેટો-ઍરિસ્ટૉટલ-લૉંજાઇનસની કાવ્યવિચારણા - જયંત કોઠારી/અનુલેખ : પ્લેટોને મળતા બચાવ to પ્લેટો-ઍરિસ્ટૉટલ-લૉંજાઇનસની કાવ્યવિચારણા/અનુલેખ : પ્લેટોને મળતા બચાવ without leaving a redirect) |
No edit summary |
||
| Line 12: | Line 12: | ||
આપણે ત્યાં તો પ્લેટો જેવી વિચારધારા સંભવિત હોય એવું પણ લાગતું નથી. આપણે ત્યાં તત્ત્વવિચારે અને ધર્મે કવિતાનો – આલંકારિક વાણીનો અને કલ્પનાનો ભરપૂર આશ્રય લીધો છે. આપણાં પુરાણો પ્લેટો જેને ગપગોળા લેખે એવાં વર્ણનોથી ભરેલાં છે, ને પ્રેમલક્ષણા ભક્તિ જેવો આવિષ્કાર પણ પ્લેટો સ્વીકારી શકે એવો સંભવ જણાતો નથી. | આપણે ત્યાં તો પ્લેટો જેવી વિચારધારા સંભવિત હોય એવું પણ લાગતું નથી. આપણે ત્યાં તત્ત્વવિચારે અને ધર્મે કવિતાનો – આલંકારિક વાણીનો અને કલ્પનાનો ભરપૂર આશ્રય લીધો છે. આપણાં પુરાણો પ્લેટો જેને ગપગોળા લેખે એવાં વર્ણનોથી ભરેલાં છે, ને પ્રેમલક્ષણા ભક્તિ જેવો આવિષ્કાર પણ પ્લેટો સ્વીકારી શકે એવો સંભવ જણાતો નથી. | ||
દાર્શનિક પ્લેટોની માનવચિત્તની સમજ જ કંઈક ઊણી રહી ગઈ હોવાનું દેખાય છે. કલ્પનાશીલતા કે કલ્પનારસિકતા એ માનવચિત્તની એક સહજ વૃત્તિ છે એ એ જોઈ શક્યા નહીં ને કલ્પનાજન્ય વર્ણનને એ રીતે સ્વીકારવું શક્ય છે – એમાં સત્યાસત્યનાં ધોરણો વચ્ચે લાવવાની જરૂર નથી એ એમના મનમાં બેઠું નહીં. માનવચિત્તની કલ્પનાશીલતાને અવગણીને કરેલી કોઈ પણ યોજના અવાસ્તવિક જ ઠરે ને નિષ્ફળ જાય. પ્લેટોની આદર્શ રાજ્યની યોજનામાં ઘણી અવાસ્તવિકતા છે. પ્લેટોએ માનવચિત્તને એક શિક્ષણીય પદાર્થ તરીકે જ જોયું, પણ માનવચિત્તની કલ્પનાશીલતાને ગણનામાં લીધા વિના એને કેળવવાના પ્રયત્નોનું શું થાય? પ્લેટોની આદર્શ રાજ્યની યોજના એક માનસચિત્ર તરીકે જ રહી એમાં કંઈ આશ્ચર્ય નથી. | દાર્શનિક પ્લેટોની માનવચિત્તની સમજ જ કંઈક ઊણી રહી ગઈ હોવાનું દેખાય છે. કલ્પનાશીલતા કે કલ્પનારસિકતા એ માનવચિત્તની એક સહજ વૃત્તિ છે એ એ જોઈ શક્યા નહીં ને કલ્પનાજન્ય વર્ણનને એ રીતે સ્વીકારવું શક્ય છે – એમાં સત્યાસત્યનાં ધોરણો વચ્ચે લાવવાની જરૂર નથી એ એમના મનમાં બેઠું નહીં. માનવચિત્તની કલ્પનાશીલતાને અવગણીને કરેલી કોઈ પણ યોજના અવાસ્તવિક જ ઠરે ને નિષ્ફળ જાય. પ્લેટોની આદર્શ રાજ્યની યોજનામાં ઘણી અવાસ્તવિકતા છે. પ્લેટોએ માનવચિત્તને એક શિક્ષણીય પદાર્થ તરીકે જ જોયું, પણ માનવચિત્તની કલ્પનાશીલતાને ગણનામાં લીધા વિના એને કેળવવાના પ્રયત્નોનું શું થાય? પ્લેટોની આદર્શ રાજ્યની યોજના એક માનસચિત્ર તરીકે જ રહી એમાં કંઈ આશ્ચર્ય નથી. | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
{{HeaderNav2 | {{HeaderNav2 | ||
Latest revision as of 02:09, 28 April 2025
આગળના લખાણમાં પ્લેટોને જાણે કોઈ બચાવ જ ન મળતો હોય એમ લાગે છે. એકબે બચાવો પછીથી નજરે ચડ્યા છે એને અનુષંગે કેટલીક વાત કરવી યોગ્ય લાગે છે. એક વાત એ છે કે કવિતા અને તત્ત્વજ્ઞાન વચ્ચેનો ઝઘડો તો જૂનો હતો – પ્લેટોએ પોતે એનો ઉલ્લેખ કર્યો છે – એટલે કવિતા સાથે વાંકું પાડનાર તત્ત્વચિંતક પ્લેટો કંઈ પહેલા નથી, એ તો પરંપરામાં આવે છે. એટલે એમનો ઝાઝો દોષ ન કાઢી શકાય. આ બચાવ પ્લેટોને કેટલો મળી શકે એ પ્રશ્ન છે. પૂર્વેના તત્ત્વચિંતકોએ કવિતા અને કવિઓ સાથે વાંકું પાડ્યું હશે, એમાં દોષો જોયા હશે. પરંતુ કોઈએ પ્લેટોની જેમ સમાજવ્યવસ્થામાં કવિતા અને કવિના સ્થાન અને કાર્ય વિશે બારીકાઈથી ને સમગ્રપણે વિચાર્યું હોય તથા કવિતાના સ્વરૂપને, એના અસ્તિત્વને જ પડકાર્યું હોય એવું જણાતું નથી. આ બાબતમાં પ્લેટો અ-પૂર્વ જ રહે છે. પ્લેટોના સમયમાં ગ્રીક સંસ્કૃતિની અવનતિ શરૂ થઈ ગયેલી અને કવિતાકળાની સ્થિતિ પણ સંતોષજનક નહોતી એ સંદર્ભમાં પ્લેટોના વિચારોને જોવા જોઈએ એમ પણ કહેવામાં આવે છે, પરંતુ પ્લેટો પછી તરત ઍરિસ્ટૉટલ આવે છે – પ્લેટોના જ એ શિષ્ય ને પ્લેટોના સમયમાં શ્વાસ લેનારા. એમને કવિતાકળા વિશે પ્લેટો કહે છે તેવું કશું કહેવાનું નથી થતું, ઊલટું એ તો કવિતાકળાની પ્રવૃત્તિનું ગૌરવ કરે છે. પોતાની સમયસ્થિતિ સામેનો પ્લેટોનો આ પ્રત્યાઘાત હોય તો એ પ્રમાણ બહાર કહેવાય. પ્લેટો જેવા દાર્શનિક પ્રાસંગિક સ્થિતિ અને મૂળભૂત વસ્તુસ્વરૂપ વચ્ચેનો ભેદ ન કરી શકે એ તો ઘણું નવાઈભર્યું કહેવાય. એક મરાઠી લેખકે તો પ્લેટોનો અદ્ભુત કહેવાય એવો પક્ષ કર્યો છે, એ પ્લેટોને પૂર્ણપણે અધ્યાત્મવાદી કે આધ્યાત્મિક સામ્યવાદી તરીકે ઓળખાવે છે અને એમને જ્ઞાનેશ્વર તથા લેનિનની સાથે મૂકે છે. વળી કહે છે કે – “મનુષ્યજીવનનું ઉન્નયન કરવા માટે પ્રયત્નો કરનારા અનેક મહાપુરુષો આ જગતમાં થઈ ગયા. જરથુસ્ટ્ર, શ્રીપ્રભુ રામચંદ્ર, શ્રીકૃષ્ણ, ભગવાન બુદ્ધ, ઈશુ ખ્રિસ્ત અને મહંમદ પયગમ્બર – એ અવતારી પુરુષો થઈ ગયા; તે જ રીતે સૉક્રેટીસ, માર્ક્્સ, લેનિન, ગાંધી વગેરે મહાપુરુષોએ તે માટે પોતાની જિંદગી ખર્ચી નાખી. આમાંથી કોઈએયે કળાનાં, સાહિત્યનાં અવાસ્તવિક, અપ્રમાણ ગાણાં ગાયાં નથી. જીવનની ઉન્નતિની દૃષ્ટિએ જેટલું મહત્ત્વ તેને દેવું જોઈએ તેટલું મર્યાદિત મહત્ત્વ તેમણે તેને આપ્યું. પ્લેટોએ પણ તે જ કર્યું.” (અ. ના. દેશપાંડે, પ્લેટોનું સાહિત્યશાસ્ત્ર, પૃ. ૭૭) આ અવતારી પુરુષો ને મહાપુરુષોની સાથે પ્લેટોને બેસાડવાનું ઔચિત્ય ભારે શંકાસ્પદ છે. એમાંના કોઈએ કળાનાં અને સાહિત્યનાં અવાસ્તવિક ને અપ્રમાણ ગાણાં ગાયાં નથી એ સાચું હશે, પણ એમણે કોઈએ કળાની અને સાહિત્યની અવાસ્તવિક ને અપ્રમાણ અવહેલના નથી કરી એ પણ એટલું જ સાચું છે. ગાંધીજી જરૂર સદાચારને કળા અને સાહિત્યની ઉપર મૂકે છે, પણ સાહિત્યના ક્ષેત્રને એ પ્લેટોના જેટલું સાંકડું કરી નાખતા હોય એવું દેખાતું નથી. એમની સાહિત્ય અને કળાની રુચિ ખાસ્સી ઉદાર જણાય છે. પ્લેટો રાજ્યવાદી – શાસનવાદી છે. અંતરાત્માના અવાજને માનનારા ગાંધીજી રાજ્યવાદી બની ન શકે અને નથી. કોઈ ખરેખરો અધ્યાત્મવાદી પુરુષ રાજ્યવાદી ન બની શકે. એનો વિશ્વાસ માણસની આત્મશક્તિમાં હોય છે. રાજ્યની શાસનશક્તિમાં નહીં. આપણે ત્યાં તો પ્લેટો જેવી વિચારધારા સંભવિત હોય એવું પણ લાગતું નથી. આપણે ત્યાં તત્ત્વવિચારે અને ધર્મે કવિતાનો – આલંકારિક વાણીનો અને કલ્પનાનો ભરપૂર આશ્રય લીધો છે. આપણાં પુરાણો પ્લેટો જેને ગપગોળા લેખે એવાં વર્ણનોથી ભરેલાં છે, ને પ્રેમલક્ષણા ભક્તિ જેવો આવિષ્કાર પણ પ્લેટો સ્વીકારી શકે એવો સંભવ જણાતો નથી. દાર્શનિક પ્લેટોની માનવચિત્તની સમજ જ કંઈક ઊણી રહી ગઈ હોવાનું દેખાય છે. કલ્પનાશીલતા કે કલ્પનારસિકતા એ માનવચિત્તની એક સહજ વૃત્તિ છે એ એ જોઈ શક્યા નહીં ને કલ્પનાજન્ય વર્ણનને એ રીતે સ્વીકારવું શક્ય છે – એમાં સત્યાસત્યનાં ધોરણો વચ્ચે લાવવાની જરૂર નથી એ એમના મનમાં બેઠું નહીં. માનવચિત્તની કલ્પનાશીલતાને અવગણીને કરેલી કોઈ પણ યોજના અવાસ્તવિક જ ઠરે ને નિષ્ફળ જાય. પ્લેટોની આદર્શ રાજ્યની યોજનામાં ઘણી અવાસ્તવિકતા છે. પ્લેટોએ માનવચિત્તને એક શિક્ષણીય પદાર્થ તરીકે જ જોયું, પણ માનવચિત્તની કલ્પનાશીલતાને ગણનામાં લીધા વિના એને કેળવવાના પ્રયત્નોનું શું થાય? પ્લેટોની આદર્શ રાજ્યની યોજના એક માનસચિત્ર તરીકે જ રહી એમાં કંઈ આશ્ચર્ય નથી.