સમગ્રમાંથી સઘન-વિવેચનશ્રેણી – ભોગીલાલ સાંડેસરા/વિવેચક-પરિચય: Difference between revisions
(લેખક >> વિવેચક-પરિચય) |
m (Meghdhanu moved page સમગ્રમાંથી સઘન-વિવેચનશ્રેણી – ભોગીલાલ સાંડેસરા/સર્જક - પરિચય to સમગ્રમાંથી સઘન-વિવેચનશ્રેણી – ભોગીલાલ સાંડેસરા/વિવેચક-પરિચય without leaving a redirect: લેખક >> વિવેચક-પરિચય) |
(No difference)
| |
Latest revision as of 03:27, 12 August 2025
ભોગીલાલ જયચંદભાઈ સાંડેસરા ( ૧૩-૪-૧૯૧૭ — ૧૮-૧-૧૯૯૫ ) ગુજરાતી સાહિત્યના ગણનાપાત્ર સંશોધકનો જન્મ પાટણ તાલુકાના સંડેરમાં. ૧૯૩૫-૩૭ દરમિયાન ‘ગુજરાત સમાચાર’ અને ‘પ્રજાબંધુ’ના તંત્રીખાતામાં સેવાઓ આપી. ૧૯૪૩થી ૧૯૫૦ સુધી ભો. જે. વિદ્યાભવન, અમદાવાદમાં અર્ધમાગધીના અધ્યાપક - સંશોધક. ૧૯૫૦થી ૧૯૭૫ સુધી મ.સ.યુનિવર્સિટી, વડોદરામાં ગુજરાતી વિભાગના અધ્યાપક અને અધ્યક્ષ. ૧૯૫૮ - ૧૯૭૫ સુધી પ્રચ્યવિદ્યામંદિરના નિયામક. ‘સ્વાધ્યાય ત્રૈમિસક’ને એમની સંપાદકીય સૂઝનો લાભ મળ્યો છે. એમના ઘડતરમાં રામલાલ ચૂ. મોદી, આચાર્ય કલ્યાણરાય, વિદ્વાન મુનિ જીનવિજયજી અને મુનિ પુણ્યવિજયજીનો ફાળો મહત્તમ રહ્યો. એટલે જ એમની વિકાસયાત્રા સમૃદ્ધ બની. સાધુમુનિઓની નિશ્રાને કારણે સાંડેસરાએ જૈન હસ્તપ્રત ભંડારોમાંની પ્રશિષ્ટ રચનાઓ હસ્તપ્રતરૂપે વાંચી. એ વાંચનને પરિણામે તેઓ સંસ્કૃત, પ્રકૃત, અપભ્રંશ અને જૂની ગુજરાતી ભાષાનો સ્વાધ્યાય સારી રીતે કરી શક્યા. હસ્તપ્રતોના ઊંડા અભ્યાસને કારણે મધ્યકાલીન કૃતિઓના આધારભૂત પ્રસ્તુત સંપાદનો એમની પાસે મળ્યાં છે. ‘સિંહાસનબત્રીશી,’ રૂપસુંદરકથા,’ ‘ઉષાહરણ,’ ‘કર્પૂરમંજરી,’ ‘નલદવદંતીરાસ,’ ‘પ્રાચીન ફાગુ સંગ્રહ’ વગેરે. સાંડેસરાના સમગ્ર સાહિત્યને અભ્યાસીએ તો જણાશે કે સાહિત્યસમીક્ષા અને ઇતિહાસ નિમિત્તે તેમણે મૌલિકલેખન કર્યું છે. સાંડેસરાની વિદ્વદસજ્જતા હસ્તપ્રતવિદ્યાથી માંડીને ક્રમશ: સાહિત્યના વિભાવો, ઇતિહાસ, ભાષાશાસ્ત્ર, સ્થાપત્યકલા એમ વિવિધ ક્ષેત્રોમાં વિકસતી રહી છે. એમનું સાહિત્યવિવેચન નોંધપાત્ર રહ્યું છે. ‘સાધારણીકરણવ્યાપાર,’ ‘ઊર્મિજન્યભાવાભાસ,’ ‘અનુભાવનાશક્તિ’ જેવા સાહિત્યના વિભાવોની તેમણે કરેલી ચર્ચા નોંધપાત્ર બની છે. નરોત્તમ વાળંદ નોંધે છે તે મુજબ સાંડેસરાનું સાહિત્યવિવેચન ઇતિહાસ અને સંસ્કૃતિને સાથે લઈને ચાલે છે.
કીર્તિદા શાહ