zoom in zoom out toggle zoom 

< સમગ્રમાંથી સઘન-વિવેચનશ્રેણી – ભોગીલાલ સાંડેસરા

સમગ્રમાંથી સઘન-વિવેચનશ્રેણી – ભોગીલાલ સાંડેસરા/ઊર્મિજન્ય ભાવાભાસ

From Ekatra Wiki
Jump to navigation Jump to search
વિભાગ ૧ સાહિત્યવિચાર અને ભાષાવિચાર
(૧) ઊર્મિજન્ય ભાવાભાસ [PATHETIC FALLACY][1]

પ્રકૃતિકાવ્યના વિષયની સાથે Pathetic fallacy નામનો એક વિષય સંકળાયેલો છે. આગળ સમાસોક્ત પ્રકારની વાત કરતાં મેં કહ્યું હતું કે એ પ્રકારનાં પ્રકૃતિકાવ્યોમાં કવિ, પ્રકૃતિનાં અંગ કે દૃશ્ય ઉપર કોઈ માનવીનો સમારોપ કરે છે. એવી જાતનો સમારોપ તો આખા કાવ્યમાં ચાલુ રહે છે. પણ કેટલીક વાર પ્રસંગવશાત્ કવિ માનવધર્મોમાંથી એકાદનું આરોપણ પોતાના વર્ણનવિષય ઉપર કરે છે. નરસિંહરાવના ‘ચંદા’ જેવામાં આ સમારોપ આખા કાવ્યમાં જળવાયો છે, પણ નીચેનાં કાવ્યચરણોમાં આવો સમારોપ માત્ર પ્રાસંગિક જ છે, એટલે કે એકદેશી છે.

(૧) આવે સમીર મૃદુ રમ્ય ઉષામુખેથી
તે ચૂમતો તુજ કપોલ પૂરે સુખેથી,
કુસુમમાળા પૃ.૬૨
(૨) રવિનું તેજ જો સહુ ઠાર
રેલી રહ્યું કરતું હાસ.
(૩) અહિંયાં પાટણ જૂનું અહિં આ લાંબું સૂતું.

વગેરે ચરણો સમાસોક્ત નહીં એવાં પ્રકૃતિકાવ્યોમાંથી લીધાં છે. છતાં આ ચરણોમાં ‘સમીર ચૂમતો’, ‘રવિનું હાસ કરતું તેજ’, ‘પાટણ લાંબું સૂતું’ વગેરેમાં સમીર, તેજ અને પાટણનું વર્ણન માનવધર્મની ભાષામાં કર્યું છે, એટલે કે અચેતનનું વર્ણન ચેતનના ધર્મોથી કર્યું છે. આવાં ચરણોને સામાન્ય રીતે Pathetic Fallacyનાં દૃષ્ટાન્તો ગણી લેવાય છે, પણ એ યોગ્ય નથી. માટે Pathetic Fallacy જેને હું ‘ઊર્મિજન્ય ભાવાભાસ’નું નામ આપું છું તેનું સ્વરૂપ સમજી લેવાની જરૂર છે.

એ વચન અને એની પાછળ રહેલો વિચાર મૂળ પ્રચારમાં લાવનાર અંગ્રેજ લેખક રશ્કિન હતો. એણે ઊર્મિજન્ય ભાવભાસને કાવ્યદોષ ગણ્યો છે. સામાન્ય રીતે ઊર્મિજન્ય ભાવાભાસ એટલે અચેતનમાં ચેતનનું કે ચેતનધર્મનું આરોપણ કરવું તે એમ મનાય છે. પણ જ્યાં જ્યાં અચેતનમાં ચેતનધર્મનું આરોપણ હોય ત્યાં બધે જ આ દોષની હાજરી માની તો કવિતાનો વિષય જ પ્રવિરલ થઈ જાય. પણ એમ નથી. આ ઊર્મિજન્ય ભાવાભાસનો દોષ, બીજા સામાન્ય કાવ્યદોષોની પેઠે સાપેક્ષ દૃષ્ટિએ ક્યાંક દોષરૂપ હોય છે તેમ ક્યાંક ગુણરૂપ પણ હોય છે. જેમ વીરરસમાં ઓજસનો વપરાશ ગુણ છે, પણ શૃંગાર કે કરુણમાં એ દોષ છે, તેમ આ કાવ્યદોષ પણ ક્યાંક દોષરૂપ હોય છે અને ક્યાંક નથી હોતો, એટલે કે આ દોષ અનિત્ય છે, નિત્ય નથી. આ દોષનું આવું સ્વરૂપ સમજવા માટે આપણે એની વિગતમાં ઊતરવું પડશે.

આપણા સાહિત્યમાં આ વિષયની તાત્ત્વિક ચર્ચા આજથી ૩૫-૪૦ વર્ષ પહેલાં થઈ ગઈ છે. તેમાં આપણા ત્રણચાર સમર્થ વિદ્વાન વિવેચકોએ ભાગ લીધો હતો. મણિભાઈ દ્વિવેદી,[2] આનન્દશંકર ધ્રુવ[3] અને રમણભાઈ[4] ઉપરાંત નરસિંહરાવ[5] પણ આ ચર્ચામાં ઊતર્યા હતા. એ ચર્ચામાં નરસિંહરાવનું વક્તવ્ય કાલગણનાની તેમજ સિદ્ધાન્તસ્થાપનની દૃષ્ટિએ અંતિમ હતું. નરસિંહરાવનું એ પૃથક્કરણ એટલું તો સબળું છે કે રશ્કિન પોતે પોતાના સિદ્ધાન્તની જે કેટલીક ઉપપતિઓ સ્પષ્ટ કરી શક્યો નહોતો તે નરસિંહરાવની એ ચર્ચામાં વિશદ થઈ ગઈ છે. નરસિંહરાવની એ ચર્ચામાં કંઈક ગમ્ય રહી ગયો છે એવો એક આનુષંગિક મુદ્દો મારે પાછળથી ચર્ચીને વિશદ કરવો છે તે સિવાય આ વિષયના નરસિંહરાવના નિર્ણયો જ અહીં નોધી લઉઁ છું.

એમના તેમ જ રશ્કિનના કહેવા મુજબ જ્યારે કવિ પોતાની વિકારગ્રસ્ત એટલે ઊર્મિદાસ્યયુક્ત મનઃસ્થિતિમાં, પ્રકૃતિ ઉપર પોતાના ભાવનું આરોપણ કરે ત્યારે ઊર્મિજન્ય ભાવાભાસનો દોષ ઊભો થાય છે. રશ્કિન લખે છે.[6]

“I believe these instances are enough to illustrate the main point I insist upon respecting the pathetic fallacy, - that so far as it is a fallacy. it is always the sign of a morbid state of mind, and comparatively of a weak one.”

નરસિંહરાવ પણ એવું જ લખે છે:[7] ‘અસત્ય આરોપ તો ત્યારે જ થાય છે કે જ્યારે પ્રકૃતિના સત્ય સ્વરૂપ અને તત્ત્વને કવિની ક્ષણિક લાગણીઓ વિકારપૂર્ણ રીતે પોતાનો રંગ અર્પે છે. અને પ્રકૃતિ માનવને જે ખરા અને ઊંડા સંદેશ પહોંચાડે છે તેનું સ્વરૂપ મનુષ્યની વિકારમલિન દૃષ્ટિ મચડી નાંખે છે.’

આમ મુખ્ય સિદ્ધાન્ત બાંધીને પછી રશ્કિન કેવા સંજોગોમાં આ કાવ્યદોષની તીવ્રતા વધેઘટે છે તેવી વાત કરે છે. તે કહે છેઃ (p.176) In ordinary poetry, if it is found in the thoughts of the poet himself, it is at once a sign of his belonging to the inferior school; if in the thoughts of the characters imagined by him, it is right or wrong according to the genuineness of the emotion from which it springs; always however implying necessarily some degree of weakness in the character.'

નરિસંહરાવે પણ લખ્યું છે (પૃ.૨૦૪-૮) “તેમ હું ધારું છું કે રશ્કિનનો પ્રધાન ઉદ્દેશ આ પ્રકારના ભાવારોપ બહુધા આત્મલક્ષી (Subjective) કાવ્યને સંબંધે જ નિયમિત કરવાનો જણાય છે.. મારું કહેવું એમ નથી કે Pathetic Fallacy ને અન્ય સ્થળે અવકાશ જ નથી. પરંતુ નીચેના ચર્ચાથી જણાશે કે અન્ય પ્રકારની કવિતામાં પ્રવેશ પામતાં જેમ જેમ એ કવિતાનું આત્મલક્ષી સ્વરૂપ ઘટતું જાય છે તેમ તેમ આ ભાવારોપનું સ્વરૂપ બદલાતું જાય છે. અને કેટલેક ક્રમે જતાં fallacyનું સ્વરૂપ લુપ્તવત્ થાય છે.[8]

ત્યારે આ પ્રકારનો ભાવારોપ કવિતામાં કે’વે કે’વે પ્રસંગે આવે છે તે તપાસીએ. ભાવ અને ભાવારોપની તીવ્રતાના પ્રમાણમાં અનુક્રમ લઈશું, તે ક્રમે નીચે પ્રમાણે કવિતામાં આ ભાવારોપ જોવામાં આવે છે :-

(क) આત્મલક્ષી (subjective) કાવ્યમાં
(ख) પરલક્ષી (objective) કાવ્યમાં
(૧) કવિએ ઉત્પન્ન કરેલાં પાત્રો પોતાની લાગણીઓની છાયા પ્રકૃતિ ઉપર પાડે છે ત્યારે;
(૨) કવિ પોતે જ પોતે ઉત્પન્ન કરેલાં પાત્રોની દશા સાથે પ્રકૃતિને સમભાવ ધરતી વર્ણવે છે ત્યારે;
(૩) વર્ણન કરેલાં માનવવૃત્તાન્તોને માટે અનુકૂળ પ્રકૃતિના બનાવો તે જ વખતે બનેલા કહીને કવિ વર્ણવે છે. મુખ્ય વૃત્તાન્તના ચિત્રને યોગ્ય પશ્ચાદ્-ભૂમિ તરીકે ચીતરે, અને તે જ ક્રિયામાં માનવવૃત્તાન્ત અને પ્રકૃતિના વૃત્તાન્ત વચ્ચે કોઈક ગૂઢ અને સૂક્ષ્મ સંબંધની છાપ પાડે છે ત્યારે.”

ઉપરના બન્ને ઉતારાઓ તપાસતાં જણાશે કે રશ્કિનના માત્ર બે વિભાગને નરસિંહરાવે ચાર વિભાગમાં પૃથક કર્યાં છે. રસ્કિનના ‘in the thoughts of the poet himself’ ને નરસિંહરાવે આત્મલક્ષી વિભાગમાં તેમ જ પરલક્ષી (૨) અને (૩)માં જુદા પાડ્યા છે. તેથી જે વિશદતા રસ્કિમાં નથી. તે નરસિંહરાવનાં વિવેચનમાં આવી છે.

જ્યારે કવિ ઊર્મિવશ બન્યો હોય અને પોતાના મન ઉપરનો કાબૂ ખોઈ બેસીને પ્રકૃતિમાં પોતાના જ મનોભાવનું આરોપણ કરે ત્યારે આ દોષ ઉભો થાય છે. એટલે આ દોષ શુદ્ધ આત્મલક્ષી કાવ્યમાં જ થાય એ સ્પષ્ટ જ છે; કેમ કે પરલક્ષી કાવ્યમાં, કંઈ ને કંઈ પ્રમાણમાં, કવિ આત્મનિષ્ઠ હોય છે એટલે તેનો પોતાના મન ઉપરનો કાબૂ હાજર હોય જ. નરસિંહરાવ પરલક્ષી કાવ્યના અમુક પ્રકારમાં પણ આ જાતનો દોષ હોય એમ માનતા જણાય છે, પણ પરલક્ષી કાવ્યમાં કવિ જે કંઈ લખે છે તે પોતાની અંગત ઊર્મિઓ વિશે નથી હોતું પણ પોતે જ સર્જેલાં પાત્રને કે પ્રસંગને લગતી ઊર્મિઓ વિશે જ હોય છે. પાત્રની પોતાની ઉક્તિમાં જો ઊર્મિજન્ય ભાવાભાસ હોય તો તો એ દોષરૂપ ન જ ગણાય. કેમ કે પાત્રના માનસનું તાદૃશ પ્રતિબિમ્બ પાડવા માટે કવિને એમ કરવું પણ પડે. આમ નરસિંહરાવના कમાં એ દોષ હોઈ શકે પણ ख (૧)માં તો એ હોય જ નહીં. વળી ख (૩)માં પણ એ દોષ ન હોય, કેમ કે પશ્ચાદભૂનો ઉઠાવ કરવાને કવિ જે વર્ણન કરતો હોય તેમાં એ પોતે સંપ્રજ્ઞાત જ હોય, એટલે કે પોતાનાં મનનો કાબૂ ખોઈને વિકારવિવશ એ એમાં ન જ બન્યો હોય. ख (૨)માં પણ ઊર્મિજન્ય ભાવાભાસ દોષરૂપે આવવાનો સમ્ભવ નથી; કેમકે પરલક્ષી કાવ્યમાં પોતે ઉત્પન્ન કરેલાં પાત્રોની સાથે પ્રકૃતિને સમભાવ ધરાવતી કવિ વર્ણવે તેમાં કવિનો પોતાના મન ઉપરનો કાબૂ હોય જ. એમાં અસમ્ભવદોષ હોઈ શકે એમ જે નરસિંહરાવે બતાવ્યું છે તે યોગ્ય છે, પણ એમાં ઊર્મિજન્ય ભાવાભાસ તો ન જ હોય. આમ ઊર્મિજન્ય ભાવાભાસના દોષનું ક્ષેત્ર ઘણું જ મર્યાદિત થઈ જાય છે. માત્ર કવિ પોતે જ્યાં પોતાના ભાવને વ્યક્ત કરતો હોય એવાં આત્મલક્ષી કાવ્યમાં એ જ્યાં પોતાના મન ઉપરનો કાબૂ ખોઈ બેસીને વિકારવશ બનીને પોતાના ભાવો પ્રકૃતિમાં આરોપે ત્યારે જ આ દોષ ઊભો થાય છે.

આટલે સુધીની વાત નરસિંહરાવની ચર્ચામાં સ્પષ્ટ છે. આવાં આત્મલક્ષી કાવ્યોમાં પણ કેટલીક વખત આ દોષમાંથી મુક્ત હોય એમ બને છે એ મુદ્દો એમની ચર્ચામાં બરાબર બન્યો નથી તેથી એને વિશદ કરવાની તક અહીં લઉં છું.

એમણે જ ચર્ચેલાં બે જુદાં જુદાં દૃષ્ટાંતો લઈએઃ

(૧) રે નર્મદ ! અંધારી રાત્ય,
ત્હેને મળતી તારી જાત્ય;
વિવિધ તાપથી તંમર જેહ,
રાતતણાં તમમાં સમી રેહ;
પડતીને અંધારી ગમે,
રડતાં રડતાં બંને રમે.
(નર્મદાશંકર-અનુભવલહરી)
(૨) લઘુસ્ત્રોતપટે મળી એક રસે
શું અનન્ત કરેણ કુસુમ હસે !
.... ..... ....
સહુ ટોળું મળી અહિં રંગ રસે
રમતાં રમતાં શું હશે જ હસે !
… … ….
સહુને જહિં ધીર સમીર ચૂમે
સ્મિત મંદ રમે કુસુમે કુસુમે
સરલા કોઈ ગ્રામકુમારી સમે
સહુને મુખ કૌતુક હર્ષ રમે.
(નરસિંહરાવ - કુસુમમાળા)

(૧) માં કવિ ‘રાત રડે છે’ એમ કહે છે અને (૨)માં ‘કુસુમો હસે છે, સમીર ચૂમે છે’ વગેરે કહે છેઃ છતાં (૧)માં ઊર્મિજન્ય ભાવાભાસનો દોષ છે અને (૨)માં નથી તેનું કારણ શું? બન્ને આત્મલક્ષી કાવ્યો છે. છતાં બન્ને વચ્ચે એક અગત્યનો ભેદ છે. (૧)માં કવિ પોતે જ શોકનિમગ્ન છે અને પોતાના એ જ તરંગમાં બહારની રાતને જોતાં ‘રાત રડે’ છે એમ પોતાને લાગે છે. આમાં પોતાના મનના વિકારથી રાતને એ રંગે છે એ સ્પષ્ટ છે; માટે એવી સ્થિતિમાં ઊર્મિજન્ય ભાવાભાસનો દોષ થયો કહેવાય. પણ (૨)માં કવિ પોતે ખાસ કોઈ તરંગ (mood)માં નથી, પણ બહાર જઈ કરેણનાં ફૂલોને જોતાં અચાનક એ હર્ષમાં આવી જાય છે અને કુસુમોને હસતાં કલ્પે છે, સમીરને ચૂમતો કલ્પે છે વગેરે., એમાં એના પોતાના ભાવનું આરોપણ કુસુમ ઉપર નથી. પરન્તુ કુસુમમાંથી, કેમ જાણે એક જાતનો ભાવ કવિના હૃદયમાં સંક્રાન્ત થયો ન હોય એમ લાગે છે. વર્ડ્ઝવર્થનાં Daffodils માંથી ઉતારો આપી (જેમાં Fluttering and dancing in the breeze; Tossing their heads in sprightly dance; The waves beside them danced: A poet could not but be gay, In such a jocund company વગેરે ચરણો આવે છે તે આપીને) નરસિંહરાવ નોંધે છેઃ “આમ પ્રકૃતિ ઉપર કવિના ક્ષણિક ભાવની છાપ પડવાને બદલે ઊલટી પ્રકૃતિ પોતાના સ્વરૂપનું અન્તસ્તત્ત્વ કવિના હૃદયની ક્ષણિક વૃત્તિને લુપ્ત કરીને પોતાના અન્તઃસ્વરૂપની છાપ કવિ ઉપર પાડતી જણાય છે.” આ વચનો મેં ઉપર નોંધેલા બીજા પ્રકારને લાગુ પડે છે. એટલે આ ચર્ચાનો નિષ્કર્ષ હું આમ સમજું છુઃ

૧. પરલક્ષી પ્રકૃતિકાવ્યોમાં ઊર્મિજન્ય ભાવભાસનો વપરાશ દોષરૂપે આવી શકે જ નહીં.
૨. આત્મલક્ષી કાવ્યોમાં એ દોષરૂપે આવી શકે, તેમાં પણ
(૧) કવિ પોતે અમુક ભાવમાં હોય અને વિકારવશ થઈને પોતાના તે ભાવને પ્રકૃતિ ઉપર આરોપે ત્યારે આ દોષ થાયઃ પણ,
(૨) કવિ પોતે સ્વસ્થ મનથી પ્રકૃતિદર્શન કરતો હોય અને પ્રકૃતિદર્શનથી જ એના મનમાં જે ભાવો ઊઠે તેને એ જ્યારે માનવધર્મનાં શબ્દોમાં વર્ણવે ત્યારે આ દોષ ન આવે.

અલબત્ત, આ બધી સ્થિતિમાં ખરું માર્ગદર્શક તત્ત્વ તો રસ્કિને પોતે નોંધ્યું છે તે જ છે કે પ્રકૃતિમાં માનવધર્મારોપણ કરતી વખતે કવિનું મન વિકારગ્રસ્ત દશામાં ન હોવું જોઈએ. કવિ પોતાના ઊર્મિનો દાસ બનીને પોતાની બુદ્ધિ ઉપરનો ગ્રાહ ખોઈ બેસે ત્યારે જ આ દોષ ઊભો થાય.

સંસ્કૃત સાહિત્યમાં આ વિષયની કેટલીક ચર્ચા ધ્વન્યાલોકમાં આવે છે. તેમાં એક પૂર્વપક્ષી કહે છે કે चेतनानां वाक्यार्थी भावें रसाद्यलंकारविषयः । એટલે કે જ્યાં ચેતનનું જ મુખ્ય વર્ણન હોય ત્યાં રસાદિ અલંકાર હોય, પણ જો અચેતનનું વર્ણન હોય તો ત્યાં રસાદિ અલંકાર ન હોય. આ પૂર્વપક્ષ જે ઉદ્ભટાદિના મતવાળો છે તેનો મત એવો છે કે કાવ્યમાં રસ બહુ જ ગૌણ છે બહુ બહુ તો અલંકારના એક સ્વરૂપ તરીકે એનો સ્વીકાર થઈ શકે. તેમાં પણ જો અચેતન વસ્તુના વર્ણનથી રસ કે ભાવ ઉત્પન્ન થતો હોય તો ત્યાં એ રસ કે ભાવને અલંકાર તરીકે ન ગણી શકાય. આમ આ પૂર્વપક્ષ અચેતનના વર્ણનને અનિષ્ટ ગણે છે. તેના જવાબમાં આનન્દવર્ધન કહે છે : तर्ह्युपमादीनां प्रविरलविषयता निर्विषयता वामिहिता स्यात् । यस्मादचेतनवस्तुवृतान्ते वाक्यार्थीभूते पुनश्चेतनवस्तुवृत्तान्तयोजनया यथाकथंचिदभवितव्यम् । એટલે કે કાવ્યમાં અચેતનનું વર્ણન ન હોવું જોઈએ એમ કહો તો તો ઉપમાદિ અલંકારોનો પ્રદેશ સાવ રહેશે જ નહિ, અથવા બહુ જ થોડો રહેશે કેમકે અલંકાર માત્ર (એક સ્વભાવોક્તિ સિવાય) કલ્પનાજન્ય છે અને એમાં બહુધા અચેતનની યોજના કરાય છે જ ત્યારે પૂર્વપક્ષ જવાબ આપે છે. सत्यामपि तस्यां चत्राचेतनानां वाक्यार्थीभावो नासौ रसवदलंकारस्य विषयः । અચેતનની સાથે ચેતનની યોજના હોય તો પણ એટલે કે આપણા શબ્દોમાં અચેતન ઉપર ચેતનનું કે તેના ધર્મોનું આરોપણ હોય તો પણ અચેતનનું વર્ણન છે માટે ત્યાં રસ નથી જ એમ પૂર્વપક્ષનું કહેવું છે. આમ પૂર્વપક્ષના મતે અચેતનમાં ભાવારોપણ કરવું તે અયોગ્ય છે, ખોટું છે માટે એવી સ્થિતિમાં ત્યાં રસ રહી શકે જ નહિ. તેમના મતે રસ તો ચેતન વસ્તુના વર્ણનમાં જ સંભવે. કેમકે રસના ભાવાનુભાવવિભાવો ચેતન વસ્તુ જ અનુભવી શકે. મુખ હસી શકે. કમલ હસી ન શકે. માટે કમલ હસે છે એમ કહેવું એ અસત્ય છે. તેથી એ રસ વિરૂદ્ધ છે. એટલે સમજાશે કે આ પૂર્વપક્ષની સ્થિતિ pathetic fallacy ની સામાન્ય સમજણ જેવી છે. આ સ્થિતિનો જવાબ આનન્દવર્ધન આમ આપે છે: तन्महतः काव्यप्रबन्धस्य रसनिधानभूतस्य नीरसत्वमभिहितं स्यात् । કેમકે મહાન કવિઓના પ્રબન્ધમાં પણ અચેતન ઉપર ચેતન ધર્મનું આરોપણ તો દેખાય છે. તો શું એ બધાં કાવ્યો જ નથી? એમ હોય તો તો કાવ્યોનો વિષય બહુ મર્યાદિત થઈ જશે. यस्मान्नास्त्येवासावचेतनवस्तुवृतान्तो यत्र चेतनवस्तुवृतान्तयोजना नास्ति अन्ततः विभावत्वेन । આનન્દવર્ધનનું કહેવું એમ છે કે અચેતનનું વર્ણન કરવામાં ચેતન ધર્મની યોજના ન હોય એમ બને જ નહિ. સીધી યોજના ન હોય તો આડકતરી રીતે પણ અચેતન વર્ણન ચેતનને ઉપકારક હોય; માટે તો આનન્દવર્ધન કહે છે કે અન્તે વિભાવ સ્વરૂપે ચેતનયોજના તો હાજર હોય છે જ. આનન્દવર્ધનનો આ મુદ્દો સમજવા જેવો છે. એણે કહ્યું છે કે ચેતનની યોજના વગરનું અચેતનવર્ણન હોય જ નહીં. તો કોઈ એમ પૂછે કે ઉત્તરરામચરિતના નીચેના શ્લોકમાં ચેતનયોજનાં ક્યાં છે?

एते त एव गिरयो विरुवन्मयूरास्तान्येव मतहरिणानि वनस्थलानि ।
आमज्जुवज्जुललतानि च तान्यमूनि नीरन्घ्रनीलनिचुलानि सरित्तटानि ।.
ઉત્તરરામચરિત, ૨, ૨૩.

આ તો શુદ્ધ પ્રકૃતિવર્ણન જ છે. આનન્દવર્ધનનો જવાબ એ છે કે ત્યાં પણ એ રામના કરુણરસના ઉદ્દીપનવિભાવ તરીકે તો ઉપયોગી છે, માટે જ કવિએ એ અચેતનવર્ણન કર્યું છે. માટે અચેતનની સાથે ચેતનનો સમ્બન્ધ અયોગ્ય નથી. આ ચર્ચાનો સાર આમ પૂર્વપક્ષ કહે છે કે અચેતનના વર્ણનમાં ચેતનને ભેળવવું જ ન જોઈએ, જો ભેળવીને એવું વર્ણન કરો તો એ બધો ઉતરતાં વર્ગની કવિતાનો જ પ્રદેશ થશે. આનન્દવર્ધન એમ સ્વીકારવાને તૈયાર નથી. એ તો કહે છે કે અચેતનની સાથે ચેતનની યોજના કરીને જ એટલે કે અચેતન અને ચેતનનો સમ્બન્ધ બાંધીને જ મહાકવિઓ અચેતનવર્ણનમાં રસ લાવે છે. માટે આનન્દવર્ધનના મતે અચેતનમાં ચેતનની યોજના કરવામાં કશો જ દોષ નથી.

આ ચર્ચાનો વિષયમાં એટલું ધ્યાન રાખવાની જરૂર છે કે સંસ્કૃતમાં આત્મલક્ષી પ્રકૃતિકાવ્ય જેવો પ્રકાર જ નથી તેથી તેમાં Pathetic Fallacyના દોષનો પ્રશ્ન જ ઊભો થતો નથી. આથી આનન્દવર્ધનને અચેતનમાં ચેતનની યોજનામાં દોષ દેખાતો નથી તે આપણને પણ સર્વથા સ્વીકાર્ય છે. કેમકે આનન્દવર્ધનનું લક્ષ્ય જ પરલક્ષી કાવ્યો છે.અને પરલક્ષી કાવ્યોમાં ઊર્મિજન્ય ભાવાભાસનો દોષ આવતો નથી એ આપણે ઉપર જોઈ ગયા.

એટલે સંસ્કૃત કાવ્યશાસ્ત્રની દૃષ્ટિએ તપાસતાં ઊર્મિજન્ય ભાવાભાસ ઔચિત્યના પ્રદેશનો જ પ્રશ્ન થશે. જ્યાં જ્યાં અનુચિત ભાવનું નિરૂપણ હોય ત્યાં ત્યાં ભાવાનૌચિત્યનો દોષ ઊભો થાય જ. આત્મલક્ષી કાવ્યોમાં પણ Pathetic Fallacyના વિષયમાં યે એક સ્થિતિમાં અચેતનમાં ચેતનભાવ મૂકવામાં ઔચિત્ય છે, અને બીજી સ્થિતિમાં નથી એમ ઉપર બતાવ્યું જ છે. આથી, ખરી રીતે આ આખો પ્રશ્ન ભાવાનૌચિત્યનો જ છે.

આટલું વાંચ્યા પછી Pathetic Fallacy માટે રમણભાઈએ યોજેલ ‘વૃત્તિમય ભાવાભાસ’ અને નરસિંહરાવે યોજેલ ‘અસત્યભાવારોપણ’ કરતાં ‘ઊર્મિજન્ય ભાવાભાસ’ને હું વધારે યોગ્ય શા માટે ગણું છું તે સહૃદયોને સમજાઈ ગયું હશે જ. રશ્કિનનું પોતાનું જ કહેવું છે કે આ દોષ ઊર્મિમાંથી જ ઉદ્દભવે છે. ‘વૃત્તિમય’થી Patheticનો અર્થ બરાબર સમજાતો નથી. વૃત્તિ એટલે, ‘મનનું વલણ’ એવો સામાન્ય અર્થ આપણે કરીએ છીએ. વૃત્તિ એટલે ઊર્મિ, feeling emotion, (જે અર્થ Pathetic શબ્દથી ખાસ અનુલક્ષાય છે) એવો અર્થ સમજાતો નથી. આથી વૃત્તિમય શબ્દ મને યોગ્ય લાગતો નથી. ‘અસત્ય ભાવારોપણ’ રશ્કિનના મૂળ ઉદ્દેશનો બરાબર વાચક છે, છતાં એમાંથી Pathetic Fallacyના મુખ્ય તત્ત્વનો-ઊર્મિનો વશ થયેલાં વિકારી મને કરેલો ભાવારોપ એ અર્થ નીકળતો નથી. Pathetic Fallacyમાં એજ તત્ત્વ મુખ્યતઃ ઉદ્દિષ્ટ છે એમ મેં આગળ નોંધેલા રશ્કિનના અવતરણથી સિદ્ધ છે જ. આથી જ મેં મૂળ અંગ્રેજી વચનો Pathetic Fallacyનું ભાષાન્તર ‘ઊર્મિજન્ય ભાવાભાસ’ કર્યું છે. કવિ પોતે ઊર્મિગ્રસ્ત હોય ત્યારે જ આ દોષ ઊભો થાય છે. આવી મનોદશામાં એ જે માનવભાવ પ્રકૃતિમાં જુવે તે ઊર્મિજન્ય જ હોય, તેમ વળી એ ભાવ નહીં પણ ભાવાભાસ જ હોય માટે Pathetic Fallacy માટે ‘ઊર્મિજન્ય ભાવાભાસ’ યોગ્ય વાચક છે એમ હું ધારું છું.

પ્રો. જોગ (અભિનવ કાવ્યપ્રકાશ પૃ.૧૧૦-૧૨૦માં) Pathetic Fallacy માટે ‘સમાધિ’ શબ્દ વાપરે છે. ભોજ અને દણ્ડીનો સમાધિગુણ તે જ Pathetic Fallacy છે એમ એમણે કહ્યું છે. પરંતુ સમાધિને Pathetic Fallacy ગણવામાં કેટલીક મુશ્કેલી છે. એક તો દણ્ડી અને ભોજ બંનેની એ ગુણની વ્યાખ્યા પ્રમાણે પણ અચેતનમાં ચેતનધર્મનો આરોપ તે સમાધિગુણ એમ ફલિત થતું નથી જ. એમની વ્યાખ્યા પ્રમાણે તો એક પદાર્થનો ધર્મ બીજા પદાર્થમાં લેવાય ત્યારે આ ગુણ બને છે. એટલે જેમ ‘કમલ હસે છે’માં સમાધિગુણ છે તેમ ‘વદન વિકસે છે’માં પણ ગુણ છે. બીજું સંસ્કૃત કાવ્યશાસ્ત્રમાં સમાધિગુણના સ્વરૂપ પરત્વે બધા લેખકો એકમત નથી. આનન્દવર્ધન અભિનવ મમ્મટાદિ ધુરંધર કાવ્યશાસ્ત્રીઓ તો એનું જુદું અસ્તિત્વ જ સ્વીકારતા નથી, તો બીજાઓ એની વ્યાખ્યા, દણ્ડી અને ભોજની વ્યાખ્યા કરતાં સાવ જુદી જ આપે છે. ત્રીજું (અને આ વધુમાં વધુ વજનદાર કારણ છે.) દણ્ડીની અને ભોજની સમાધિગુણની વ્યાખ્યાથી અચેતનમાં ચેતનધર્મનું આરોપણ તે જ સમાધિ એમ સમજીએ તો પણ Pathetic Fallacy નો એટલો જ અર્થ નથી. તેથી Pathetic Fallacy માટે સમાધિ શબ્દ ન ચાલે. વળી સમાધિ તો ગુણ છે અને Pathetic Fallacy તે દોષ છે. આ બધા કારણથી સમાધિ શબ્દ મને અનુચિત લાગે છે. (છપાયો, કવિતા, સપ્ટે.-ઓક્ટો. ૧૯૪૧)

કાવ્યવિવેચન, પ્રકાશક- ચારૂતર પ્રકાશન, આણંદ, ૧૯૪૯


  1. ‘માનસી’ ૧૯૯૬ અંક પહેલામાં છપાયેલ મારા ‘પ્રકૃતિકાવ્ય: પ્રકારોઃ’ નામના લેખના અનુસંધાનમાં આ લેખ લખાયો છે, તેથી અહીં વપરાયેલા સમાસોક્તાદિ પારિભાષિક શબ્દોની સમજૂતી માટે મારો આગળનો લેખ જોઈ લેવાની વિનંતી છે.
  2. સુદર્શન, જુલાઈ, ૧૮૯૮,
  3. સુદર્શન, જુલાઈ, ૧૯૯૯.
  4. કવિતા અને સાહિત્ય વો. ૧, પૃ.૧૯૦ વગરે.
  5. મનોમુકુર ભાગ ૧લો ‘અસત્ય ભાવારોપણ’ નામે લેખ.
  6. Modern Painters, vol, III, Popular Ed; 1906, George Allen P. 176
  7. મનોમુકુર, ભા.૧ લો, આવૃત્તિ પહેલી, ૧૯૨૪, પૃ. ૨૪૮
  8. આનો અર્થ એવો થાય છે કે પરલક્ષી કાવ્યના પણ અમુક પ્રકારમાં આ દોષ હોઈ શકે એમ નરસિંહરાવનો મત છે; પણ એ બરાબર નથી એની ચર્ચા આગળ આવશે.

****