શબ્દલોકના યાત્રીઓ – ૧/અનંતરાય રાવળ: Difference between revisions
(+1) |
Shnehrashmi (talk | contribs) m (added Category:અનંતરાય મ. રાવળ using HotCat) |
||
| Line 17: | Line 17: | ||
|next = પન્નાલાલ પટેલ | |next = પન્નાલાલ પટેલ | ||
}} | }} | ||
[[Category:અનંતરાય મ. રાવળ]] | |||
Latest revision as of 16:50, 1 September 2025
તાજેતરમાં પ્રો. અનંતરાય રાવળ ગુજરાતી સાહિત્ય પરિષદના પ્રમુખ તરીકે બિનહરીફ ચૂંટાયા છે. આગામી ડિસેમ્બરમાં વડોદરાની પ્રેમાનંદ સાહિત્ય સભાના નિમંત્રણથી પરિષદનું ૩૦મું અધિવેશન મળશે ત્યારે તેઓ વિધિપૂર્વક પરિષદ-પ્રમુખની નવી જવાબદારી સંભાળશે. પ્રો. રાવળ જેવા સંનિષ્ઠ અધ્યાપક, વિવેચક અને સારસ્વતની આ સ્થાને વરણી થવાથી સાહિત્યજગતમાં સંતોષની લાગણી પ્રસરી છે. તેમણે અત્યાર સુધીમાં નવ વિવેચનલેખોના સંગ્રહો આપ્યા છે. તટસ્થ અને સમભાવશીલ વિવેચક તરીકે તે સુખ્યાત છે. તેમની સાહિત્યસેવાની કદર રૂપે ૧૯૫૫માં તેમને રણજિતરામ સુવર્ણ ચંદ્રક એનાયત થયેલો. એ સમયે સન્માનને પ્રત્યુત્તર આપતાં તેમણે પિતાની કેફિયત આપેલી કે : “મને હું ઓળખું છું તે મુજબ મારી સત્ત્વાભિવ્યક્તિ કે મારું પ્રગટીકરણ કે મારો વિશેષ સાહિત્યના અધ્યાપકનો છે; પછી બીજા નંબરે વિવેચકનો — ના, વિવેચક શબ્દ બહુ મોટો લાગે છે — સહૃદયનો. મારામાંનો અધ્યાપક જ સહૃદય બન્યો છે અને સહૃદય જ બન્યો દેખાશે અધ્યાપક. બંનેએ પરસ્પરનું ભાવન કર્યું છે. અધ્યાપનાર્થી સ્વાધ્યાયસજ્જતાએ સાહિત્યનો સતત સંપર્ક રખાવ્યો તેમ લખવાની વૃત્તિ જન્માવી, જેને અનુકૂળતા બક્ષી અમારા વ્યવસાયમાં મળતા ઘણાની સાચીખોટી ટીકા ને ઈર્ષ્યાનો વિષય બનેલા સમયના અવકાશે.” શ્રી અનંતરાય મણિશંકર રાવળનો જન્મ તારીખ પહેલી જાન્યુઆરી ૧૯૧૨ના રોજ તેમના મોસાળ અમરેલીમાં થયો હતો. તેમનું વતન સૌરાષ્ટ્રનું વલભીપુર ગામ. તે બે વરસના હતા ત્યારે બા ગુજરી ગયેલાં, દાદીએ તેમને ઉછેર્યાં. તેમણે પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ અમરેલીમાં લીધું. ૧૯૨૮માં મૅટ્રિક થયા. કૉલેજનો અભ્યાસ ભાવનગરની પ્રસિદ્ધ શામળદાસ કૉલેજમાં કર્યો. ૧૯૩૨માં સંસ્કૃત ઑનર્સ અને ગુજરાતી સાથે બી.એ.ની પરીક્ષા બીજા વર્ગમાં પસાર કરી. ૧૯૩૪માં ગુજરાતી અને અંગ્રેજી સાથે એમ.એ.ની પરીક્ષા પ્રથમ વર્ગમાં પસાર કરી. ભાવનગરમાં પ્રો. રવિશંકર જોષીએ સાહિત્યરુચિ ઘડી. બી.એ. અને એમ.એ.માં ગુજરાતીમાં પ્રથમ આવેલા. એમ.એ. થયા પછી મુંબઈ, ‘હિંદુસ્તાન પ્રજામિત્ર’ દૈનિકમાં ઉપતંત્રી તરીકે જોડાયા. ત્રણેક માસ કામ કર્યું. એમ.એ.માં ગુજરાતીમાં શ્રી અનંતરાય એકલા જ પ્રથમ વર્ગમાં આવેલા. એમના પરીક્ષક સુપ્રસિદ્ધ સાક્ષર નરસિંહરાવ દિવેટિયા એમના ઉત્તરોથી પ્રસન્ન થયેલા અને તેમણે સરકારને અનંતરાયને ગુજરાત કૉલેજના અધ્યાપક તરીકે નીમવા ભલામણ કરેલી. ૧૯૩૪ના ઑગસ્ટથી તે ગુજરાત કૉલેજમાં સાક્ષર કે. હ. ધ્રુવની જગ્યાએ ગુજરાતીના અધ્યાપક તરીકે આવ્યા. લાગલગાટ ૨૫ વર્ષ તેમણે ગુજરાત કૉલેજમાં ગુજરાતીના અધ્યાપક તરીકે કામ કર્યું. આજના ગુજરાતી અધ્યાપક-વિવેચકોની એક આખી પેઢીને તેમણે ઘડી. અત્યારના કોઈ પણ અધ્યાપક-વિવેચક એવા નહિ હોય જેમણે રાવળ સાહેબ પાસે શિક્ષણ નહિ લીધું હોય. ગુજરાત કૉલેજમાં એક પચીસી જેટલો સમય અધ્યાપનકાર્ય કર્યા બાદ તેઓ જામનગરની ડી. કે. વી. કૉલેજમાં આચાર્ય તરીકે નિમાયા. દોઢેક વર્ષ એ સ્થાને રહ્યા. એ પછી એક દશકો ગુજરાત રાજ્યના ભાષા વિભાગમાં રાજ્યવહીવટની ભાષાના ગુજરાતીકરણની પાયાની કામગીરી બજાવી અને ૧૯૭૦માં ભાષા નિયામક-પદેથી નિવૃત્ત થયા. નિવૃત્તિ બાદ તે ગુજરાત યુનિવર્સિટીના ભાષા સાહિત્ય ભવનમાં ગુજરાતીના અધ્યાપક નિમાયા. લગભગ સાડા-છ વર્ષ સુધી એ સ્થાને યશસ્વી કામગીરી બજાવી ૧૯૭૭ના જૂનમાં ભાષાસાહિત્યભવનના અધ્યક્ષપદેથી નિવૃત્ત થયા. હાલ તે ગુજરાત સરકારના લૉ કમિશનના સભ્ય તરીકે સેવાઓ આપે છે. તે બીજા ધોરણમાં ભણતા હતા ત્યારે મૂળજીભાઈ કરીને એક શિક્ષકે ‘સરસ્વતીચંદ્ર’ની વાત કરેલી. ગોવર્ધનરામ અને ‘સરસ્વતીચંદ્ર’ પ્રત્યેના આકર્ષણનું બીજ ત્યારે રોપાયેલું. ૧૯૩૨-૩૩માં તેમણે પહેલો લેખ કૉલેજ મૅગેઝીનમાં લખ્યો તે ન્હાનાલાલ ઉપરનો હતો. ગોવર્ધનરામ અને ન્હાનાલાલ એમના પ્રિય લેખકો રહ્યા છે. એમના વિસ્તૃત અભ્યાસલેખોમાં ગોવર્ધનરામ અને ન્હાનાલાલ વિશેના કદાચ સૌથી વધારે છે. કવિ સાથે તો પાછળથી ઘરનો સંબંધ થઈ ગયેલો. કવિને પણ અનંતરાયના વિવેચનમાં અને અભિપ્રાયમાં ઇતબાર રહેલો. ૧૯૩૩માં વિજયરાય વૈદ્ય નર્મદશતાબ્દી ગ્રંથનું સંપાદન કરતા હતા. આ ગ્રંથ માટે અનંતરાયે ‘નર્મદ : પ્રજાઘડતરનો વિધાયક’ નામે લેખ લખ્યો. આ તેમનો જાહેરમાં પ્રગટ થયેલો પ્રથમ વિવેચનલેખ. વિજયરાય એ વખતે ‘કૌમુદી’ ચલાવતા. અનંતરાયને તેમણે ‘કૌમુદી’માં લખવાનું નિમંત્રણ આપ્યું. તેમણે ‘કૌમુદી’માં ઘણાં અવલોકનો લખ્યાં (હજુ બધાં ગ્રંથસ્થ થયાં નથી.) આ અવલોકનો જોઈ જયંતી દલાલે પણ પોતાના માસિક માટે અવલોકનો લખવા નિમંત્રણ આપ્યું. ‘પ્રસ્થાન’ માટે રણછોડજી મિસ્ત્રીએ આગ્રહ કર્યો. રાવળ સાહેબના લેખો અને અવલોકનો પ્રગટ થવા લાગ્યાં. તેમણે ‘ઊર્મિ અને નવરચના’માં પંદરેક વર્ષ નિયમિત ગ્રંથાવલોકન કર્યું. તેમણે કેટલાં બધાં પુસ્તકો વાંચ્યાં હશે! અનંતરાય રાવળ વિવેચનને ‘ધરમનો કાંટો’ કહે છે. એ ધરમના કાંટા વડે તેમણે અસંખ્ય લેખકોની શક્તિ અને મર્યાદાઓનો તોલ કર્યો અને માર્ગદર્શન આપ્યું. છેલ્લાં પચીસ વર્ષમાં કેટલાં બધાં પુસ્તકોની પ્રસ્તાવનાઓ અને ફલૅપ તેમણે લખ્યાં છે! એ લેખકોની તેમના પ્રત્યેની શ્રદ્ધા બતાવે છે. વિદ્યમાન ગુજરાતી વિવેચકોમાં રાવળસાહેબ કદાચ સૌથી વિશેષ લોકપ્રિય વિવેચક ગણાય. તેમનો સાંગોપાંગ અભ્યાસ, નીરક્ષીર વિવેકદૃષ્ટિ, ક્ષતિઓ અને મર્યાદાઓ સૌમ્યતાથી રજૂ કરવાની ફાવટ અને સમભાવશીલ અભિગમ એને માટે કારણભૂત છે. તેમનો પ્રથમ વિવેચનસંગ્રહ ‘સાહિત્ય વિહાર’ ૧૯૪૬માં પ્રગટ થયો. એ પછી ‘ગંધાક્ષત’, ‘સાહિત્ય વિવેક’, ‘સાહિત્ય નિકષ’, ‘સમીક્ષા’, ‘સમાલોચના’, ‘તારતમ્ય’, ‘ઉન્મીલન’ પ્રગટ થયાં. ગુજરાત સાહિત્ય સભાએ ચાર ચાર વખત વાર્ષિક સમીક્ષાનું કાર્ય તેમને સોંપ્યું. એ તેમણે નિષ્ઠાપૂર્વક બજાવ્યું. ‘ગ્રંથસ્થ વાંઙ્મય’ રૂપે એ બધી સમીક્ષાઓ ગ્રંથસ્થ થઈ છે. ‘તારતમ્ય’ને ૧૯૭૪નો સાહિત્ય અકાદમી ઍવોર્ડ મળેલો. ગુજરાત સરકારનાં પારિતોષિકો તો રાવળસાહેબ જેવાને મળે જ ને! વિવેચન ઉપરાંત સંપાદન એ પણ રાવળસાહેબનું એક મુખ્ય ક્ષેત્ર રહ્યું છે. મધ્યકાલીન ‘મદન મોહના’ અને ‘નળાખ્યાન’, અર્વાચીન કલાપી, ન્હાનાલાલ અને બોટાદકરના સંચયો તેમણે સંપાદિત કર્યા છે. ‘ધૂમકેતુ’ અને નર્મદાશંકર મહેતાનાં લખાણો સંપાદિત કર્યાં છે. એ નિમિત્તે દ્યોતક પ્રવેશકો આપણને મળ્યા છે. મધ્યકાલીન ગુજરાતી સાહિત્યનો ઇતિહાસ પણ તેમણે લખ્યો છે. સ્વ. વિશ્વનાથ ભટના સહયોગમાં ટૉલ્સ્ટોયની નવલિકાઓનો અનુવાદ પણ કર્યો છે. તેમણે ‘ચા ઘર’ માટે થોડી વાર્તાઓ લખેલી અને સમ ખાવા પૂરતું એક કાવ્ય પણ લખેલું. સાહિત્ય શિક્ષણ અંગેનાં પ્રકીર્ણ લખાણો ‘ઉપચય’ પુસ્તકમાં સંગૃહીત કર્યાં છે. રાવળસાહેબે સાહિત્યિક અને શૈક્ષણિક સંસ્થાઓમાં સેવાઓ આપી છે. ગુજરાતની યુનિવર્સિટીઓની અભ્યાસ સમિતિઓમાં અને અન્ય સત્તામંડળોમાં કામ કર્યું છે. સાહિત્ય અકાદમી, નેશનલ બુક ટ્રસ્ટ, ભારતીય જ્ઞાનપીઠ જેવી દેશની અગ્રણી સંસ્થાઓમાં અને ગુજરાત વિદ્યાસભા, ગુજરાત સાહિત્ય સભા આદિ ઘર-આંગણની સંસ્થાઓને તેમની સેવાઓ સુલભ બની છે. આવા છે સૌને લાડીલા ‘રાવળ સાહેબ’.
૨-૯-૭૯