અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/કાનજી પટેલ/ડચૂરો
Revision as of 10:54, 28 October 2021 by KhyatiJoshi (talk | contribs)
ડચૂરો
કાનજી પટેલ
સાંજના ગાડામાં
ભર્યો શિયાળો.
સીમની કરોડ પર ચાલે ગાડાવાટ.
ઊડતી ધૂળ કિરણોમાં થાય સોનું,
સૂરજ કાળા ઘડામાં પૂરાય.
લબકારા લે કુહાડો જંગલ પર.
ઢળી પડે સીમ.
ગાડાવાળાની છાતીમાં ડચૂરો.
ઝણઝણે એની કરોડ.
નસોનું તાપણું તડતડે.
ચાલે અંધારિયા પેટાળમાં આગિયાનાં ઝરણ.
બહુ દૂર નથી છાપરું.
આઘે નથી હોકો.
નથી છેટો ચૂડલો.
ને કરાંઠીનો ચળકતો અગ્નિ.
→