મણિલાલ હ. પટેલનાં કાવ્યો

Revision as of 09:43, 26 April 2022 by Atulraval (talk | contribs)
6 Manilal Patel Kavya Title.jpg


મણિલાલ હ. પટેલનાં કાવ્યો

સંપાદક: હસિત મહેતા



મનુ-મગનની વીતકકથા

કાયમની કઠણાઈ, વ્હાલા! કાયમની કઠણાઈ
મનુભાઈને માથે ખાસમ્ખાસ લખાઈ
કાયમની કઠણાઈ
ખેલ – તમાશા – નૌટંકી ને નિત્ય ભવાઈ
વ્યવસ્થાઓ એવી જડબેસલાક કરાઈ
એ ચાલે ત્યાં દશે દિશાએ
ઊભી વાટે આડા ડુંગર
આજુબાજુ ખાઈ
તળેટીઓ તરડાઈ
મનુભાઈનું જીવતર જાણે
ભડભડ બળતા દવની વચ્ચે
ઘેરાયેલાં વનડુંગર વનરાઈ
કોણ બળે ને કોણ બાળતું
કોણ ટાળતું કાયમ એને
સૂનકારની ટેકરીઓના ટોળે
અંધકારની છોળો ઠેલે
રણરેતીની ઝળહળ ઝાળે
ડાળે ઢાળે બળતી વેળ ઢળાઈ
મનુભાઈની કેડી એકલવાઈ
એના શિરે કોણ ગુજારે શું શું એ તો –
એ જાણે કે જાણે સાધુસાંઈ
કાયમની કઠણાઈ

જોકે, મનુભાઈને ખબર પડે છે
પિંજરમાં પૂરેલું પંખી કેમ રડે છે
કોણ સડે છે કોશેકોશે
ડાળે ડાળે ફૂલપાંદડે હોંશે
પ્રેમ જ કાયમ પોષે
માટી ફોડી માથું ઊંચકે
તરણું નિજના જોરે
કોક વરસતું ફોરેફોરે
કોક અજાણે દોરે
તો પણ અહીંયાં વિપરીત થૈને
કોણ નડે છે કાયમ માટે
અંદર જૈને અડ્યા કરે છે
દરેક ભવમાં છાતી વચ્ચે
જગ્યા કરે છે ખીલા હરદમ કાઠા
માઠામાઠા દિવસો વચ્ચે
જંપી જાવા શોધે છે એ
પળપળ શાંત સરાઈ
કાયમની કઠણાઈ... વ્હાલા...
કાંઈ ન બોલે સાંઈ...

કોઈ કહે છે મનુભૈ તો સારા માણસ
કોઈ ઉમેરેઃ જિદ્દી પણ છે -
સરળ લાગતો હોય ભલેને
બાંધછોડની બાબતમાં એ અઘરો જણ છે
ત્રીજો પુરુષ એકવચનમાં વાસ્તવદર્શી
સંબંધવાચક વિભક્તિમાં ભાવુક પણ છે...
સીધોસાદો માણસ છે આ મનુ મગનને નામે
ના, ના, એવો ખેલાડી તો નથી નથી, હા!
જોકે એના મનસપટલ પર
અંકાઈ છે લીટીઓ ઊભી આડી
ભોગ બન્યો છે રસમોનો એ
વણદીધેલી કસમોમાં અટવાયો છે
સાગર આ રઘવાયો...
મિત્રો કહે છેઃ રંગીન જણ છે, લ્હેર કરે છે
છૂપા વેશે વિક્રમ જેવોઃ સુખદુઃખ વાંચે
અમુક બાબતે ચક્રમ પણ છે ખૂંચેખાંચે
ઢાંચેઢાંચે નહિ ઢળનારો
હારે તો પણ નહિ વળનારો
ગમે ન એને ખોટો ધારો
સુધારાની વાતે એને સમાજ કાઢે બ્હારો
વ્હાલાં થૈને મુખ ફેરવે ઘરનાં માણસ
છાતી એની બળતું ફાનસ
દીવા જેવું એનું હોવું ઝળહળ બળતું
તો પણ એને માથે રોજ તવાઈ
પોતાનું જણ પૂછીપૂછીને રોજ કરે ખરાઈ
કાયમની કઠણાઈ...

ઇન્ટરવ્યૂમાં, મનુભાઈએ
‘હું તો અમથું ઝાડ હોત તો સારું’
એવી ચોખ્ખી વાત કહી છે
પીડાઓ પ્રખ્યાત સહી છે
‘સુખ તો ઊડતું પતંગિયું છે ચંચળ ચંચળ’
‘‘હોવું’ એનું નામ જ દુઃખ છે’ :
મનુભાઈની સમજણ આવી પાક્કી છે
શમણામાં પણ સામે કાંઠે
મનુભાઈથી ના પ્હોંચાતું
કાયમ એમનું ઉધાર ખાતું
જોકે–
‘વેઠે છે એ વિકસે પણ છે’
ઉક્તિ એમણે સાચ્ચે જીવતી રાખી છે
ઝાડ થવાની ઇચ્છા એમણે
ઊંડું સમજી સાચા મનથી ચાખી છે
દાઢીમૂછમાં ઝીણું ઝીણું હસવાનું પણ ફાવે છે
અણજાણી આંખે વસવાનું ભાવે છે
મનુભાઈના મનમાં, ખરું પૂછો તો
નથી ભરાઈ જરી હવા કે રાઈ
જાણે છે એ જીવતર નામે તાર તાર તન્હાઈ
સાંઈ!
બધા ગ્રહોની વચ્ચે રમતીભમતી –
તો પણ પૃથ્વી એકલવાઈ
કાયમની કઠણાઈ...
જાણી લેવા જેવી છે આ –
માણસ કહેતાં મનુભાઈની કૈંક સીમાઓઃ
ઊનાં ઊનાં આંસુના એ માણસ છે
છેક ભીતરમાં ફરે શારડી બારે મહિના
એ પોતે પણ –
નથી કોઈના અને ક્યહીંના!
તરુવર અને પંખીઓની જેમ જ
નીરવ નીરવ ગાતાં લાગે
લીલાપીળા તેજફુવારે શાતા લાગે
તરુભૂમિ એ દેવભૂમિ છે
માટી જ્યાં અદકેરી મા છે
ગાતાં પંખી મનુભાઈની ઇચ્છાઓ છે
ખાલીખાલી કિસ્સાઓ છે બધ્ધું
‘જીવતર નામે ફોગટ લીલા’ – એવું આ ભાઈ –
છાનામાના માને એમાં
અનુભવોના કાળા કાળા હિસ્સાઓ છે...
કરે પ્રવૃત્તિ ઉમળકાથી તો પણ કહે છેઃ
અર્થ વગરના આંટાફેરા ભંગુર ભંગુર
હોવું પણ છે હાથ વગરનું ચપટીક બપટીક...
સમ્બન્ધોને પોલા કહે છે
સગપણ એ તો –
દાઝ્યા ઉપર ડામ તથા ફરફૉલા કહે છે
મનુભાઈમાં અક્કલ જેવું જરી ના લાગે
આ ઑમ બોબડું
ખાલીખાલી વાગે છે અહીં
ખાલીપીલી ખેલ–તમાશા–
નૌટંકી ને નિત્ય ભવાઈ
શૉર કરે શરણાઈ
કાયમની કઠણાઈ, વ્હાલા
કાયમની કઠણાઈ...

તમે આવો

વૃક્ષોની હથેળીઓમાં વૈશાખી તડકો
હજી હમણાં જ ખોબો વાળતાં શીખેલાં –
કાંચનારને પાંદડે પાંદડે હેતની હેલી
આંગણામાં હંસો ઊતરી આવ્યા છે
જૂઈ જાઈ ને ચમેલી ઘેલી ઘેલી
રતુંબડી પીપળ કૂંપળ ચળક ચળક
પર્પલ પૃથ્વી પુષ્પિત પળ પળ
કોયલ વેલનાં વાદળી ફૂલમાં રમે
આસમાની આશાનું આકાશ.

તમે સાંભળો છો? તમે ત્યાં નથી –
જ્યાં તમે છો! તમે તો અહીં છો –
આ મ્હૉરી ઊઠેલી મોગરવેલની કળીઓમાં
ટગરીની વિસ્મયચકિત આંખોમાં
ગાંડાતૂર ડમરાની તોફાની સુગંધોમાં
કૂંપળે કૂંપળે પ્રસન્નતા વ્હેંચતી
સવારની ભૂરીભૂખરી પાંખોમાં... તમે –
આ આંગણામાં તડકોછાંયો કોમળ મુકુલ
ફરફરતું દુકુલ... રગરગમાં તરુવર તમે!

ગુલમ્હોરે કેસરિયાં કર્યાં છે
સ્વાગતમાં ઊભા છે મશાલચી સોનમ્હોર
બપોરી તડકાને હંફાવતા ગરમાળા
છાંયડાથી ભીંજાતી જાય છે સડકો
તમે આવો પુનઃ ને અડકો
જૌહર કરતી વેળાઓને કાંઠે –
જન્માંતરોથી બેઠો છું – હું એકલો...!

પિતાજી! સ્વપ્નમાં આવે છે

ખાલી ખાલી ખાટલાઓથી ભરેલી
સૂમસામ પડસાળ વચ્ચે એકલા બેસીને
કોઈની વાટ જોતા પિતાજી સ્વપ્નમાં આવે છે...
ગામ જવાની હઠ હજી એટલે છૂટતી નથી!
પિતાજીએ ઉછેરેલા આંબા હવે ફળતા નથી
ઝાંખીપાંખી સ્મૃતિ જેવા એ ઊભા છે હજી—!
પિતાજીની વાટ જોતા ખાલી ઘર જેવા!!
ડૂમો હજી ઓગળતો નથી ભેખડ જેવો.

વ્હાલની વેળાઓ, વાડામાં તડકે સૂકવેલા
પાપડની જેમ સુકાઈ ગઈ... અમને કદીય–
બાથમાં નહિ લઈ શકેલા બાપા; અને,
એમને કદી પણ અડકી નહીં શકેલાં અમે...!
સ્વપ્નમાં ભીની આંખે જોઈ રહે છે પિતાજી!
ત્યારે નહિ સમજાયેલી એમની વિધુર વેદનાઓ;
બહુ છેટું પડી ગયું છે એમણે પૂરેલાં ધાનથી...!

વાડાનાં વૃક્ષો હવે સંવાદ કરતાં નથી
રાતની ચાદર પર આગિયા ભરત ભરતા નથી
નથી આવતા સાપ થઈને પૂર્વજો ઘર સાચવવા
ખેતરોની મુઠ્ઠી ખુલ્લી પડી ગઈ છે
આવતાં નથી વખતનાં વાવાઝોડાં હવે
બોલતું નથી ડરામણું ઘુવડ
સંભળાતી નથી શિયાળવાંની લાળી...!

છત અને મોભ વગરના ઘરમાં રાતવાસો કરું... ડરું!
અઘરું હોય છે પિતાજી થવું...
સમજણની પીડાઓનું પોટલું લઈને
ગામ જાઉં છું.. પાછો વળું છું પોટલું લઈને–
પિતાજી હજી સ્વપ્નમાં આવે છે-ઉત્સુક
હું જોઈ રહું છું. વાવાઝોડા પછીની શાંતિ
– એમની આંખોમાં!!

દુઃસ્વપ્ન

ગામ પાછું સપનામાં આવ્યું છે :
હવડ કૂવામાંથી નીકળેલી રાતે
મૂઠ મારીને ગામને પથ્થર કરી દીધું છે
અંધારાએ મારી આંગળી પકડી લીધી છે
હાથમાં દીવા લઈને પાદરના વડ નીચે
રાતીપીળી બાંધણી પ્હેરી જોગણીઓ રમે છે...

આંબલીના પોલા થડમાંથી સજીધજીને
વરણાગી વંતરી બ્હાર નીકળી છે
પડછાયા એનો પ્હેરો ભરે છે
સન્નાટો શેરીમાં સભા ભરીને બેઠો છે
મકાનો આંખો મીંચીને જોઈ રહ્યાં છે...

વચલા ફળિયાના પીપળ–ચોરે
દેવલોક પામેલા ભાભાઓ
પડછાયા પ્હેરીને ગૂપચૂપ બેઠા છે
જાવલી ડાકણ કોઈનું કાળજું રાંધીને
હમણાં જ ખાવા બેઠી છે...

રમજુડા ભૂવાએ ધૂણી ધૂણીને છેવટે
લંગડા ભૂતને ગાગરમાં પૂર્યો છે
અંધારું મને નેળિયા બ્હાર લાવે છે
કાળો પાડો મુખીનું ખેતર ચરે છે
ઘોડાના ડાબલા ગાજે છે - અચાનક
ગામ છેવાડે કોઈ મરણ-પોક મૂકે છે
હું જાગી જાઉં છું : પરસેવે રેબઝેબ...!!

સીમમાં

તડકો અને હું : બન્ને બેઠા છીએ ક્યારીમાં
દૂર સુધી જંપી ગઈ છે ઇચ્છાઓ
પેલું પ્હાડની કૂખમાં મારું ગામ—
પોરો ખાતા ગોધણ જેવું ધરતીજડ્યું!

અમને અડી અડીને નીરવતા લીલી
ચઢી જાય દૂર પેલી ટેકરીઓના ઢાળ
હસ્તધૂનન કરતા શેઢાઓ મસ્તીખોર
વળી વળીને મળી જાય
મળી મળીને વળી જાય પાછા...

ઘાસ જાણે મનોરથ માટીના
સાગ માથે મુગટ મ્હોર્યો
મૂછ ફૂટી મકાઈનાં મર્દ ખેતરો
ઊંચાં થઈ થઈને જુવે
ભીનેવાન ખીલતી બાજરીને બેઘડી!
નાભિ નીચે જાગે અગ્નિ
કોમળ કમર જેવો વળાંક લેતી નદી...

છાંયડા લંબાવતાં વૃક્ષો પાછળ
સંતાતો સૂરજ રતુંબડી સહી કરી
સાંજને સીમનો ચાર્જ સોંપી
ચાલ્યો જાય અસીમની ઓ પાર!

સારસ યુગલ છેલ્લો ટહુકો કરી ઊડી
જાય ધીમે ધીમે ઓલવાઈ જાય આકાશ
પડખું ફરી જાય પૃથ્વી!!

આવશું

અષાઢી મેઘ જેમ અણધાર્યા કોકવાર તારે મલક ચઢી આવશું
ધોધમાર, ઝરમર, ફુહાર વળી વીજળી ને વાછંટો લાવશું
                            કોકવાર તારે મલક...

          પ્હાડોને પાદરનો નોખો વરસાદ -
                   એવું ભીંજાતાં ભીંજાતાં ગણવાનું હોય નહીં
          ખેતર ને માટીની જેમ બધું લથબથ મહેંકાય
                   પછી શેઢાનું શાણપણ ભણવાનું હોય નહીં

ઘર આગળ મોગરો; ગુલાબ વળી વાડામાં બારમાસી ગલગોટા વાવશું
                   કોકવાર તારે મલક....

          વૃક્ષોમાં અજવાળું થાય એવી વેળાનાં
                   પંખીઓ તારામાં અટકળને ગાશે
          બળબળતી પડસાળો ટળવળતી ઓસરીઓ
                            ટાઢોળા વાયરાની જેમ બધે વાશે

માયાળું લોક મને રોકશે ને કહેશે કે વરસો રે વાદળની જેમ વહી જાવ શું?
અણધાર્યા અષાઢી મેઘ જેમ કોકવાર તારે મલક ચઢી આવશું

વાટઃ ચાર કાવ્યો


મેં તો કાયમ વાટ જોઈ છેઃ
કઠોર કપરા કાળા ઉનાળા કૂણા પડશે
આભલે આબી [1] નીકળશે
તરસ્યાં સીમવગડામાં કોળમડી [2] વળશે
ખાખરીનાં કાચાં પાન જેવી
હવાઓ અંગેઅંગે રાગ જગવશે
દરિયે ગયેલી ખાલીખમ વાદળીવેળાઓ
જળ ભરીને પાછી વળશે...ને
તરસ્યા મલકને માથે મેઘો મંડાશે...
ફળિયાની ધૂળમાં ચકલીઓ ન્હાશે
માટી ફૉરી ઊઠશેઃ મ્હૉરી ઊઠશે મન!
પણ આ તે કેવી અંચાઈ!
થોડાંક છાંટાઓએ જ (ધૂળની જેમ)
છાતીને ચાળણી ચાળણી કરી દીધી છે
ડુંગરે ડુંગરે વને વને દવ લાગ્યો છે ને –
નવસોને નવ્વાણું રઘવાઈ નદીઓમાં
લ્હાય લાગી છે લ્હાય...!
હે યજ્ઞવેદીના દેવતા!
અમને કયા ગુન્હાઓની
સજા થઈ રહી છે... આ?
કેમ??


મેં તો કાયમ વાટ જોઈ છેઃ
કે, મેઘો મ્હેર કરશે
ને કાંટાળી વાડે કંકોડીના વેલા ચઢશે
સીમ લીલછાઈ જશે
પ્હાડ થયેલો ડૂમો ઑગળીને
પાદર સુધી વહી આવશે
રતુંબડી સાંજ વાડવેલાનાં
વાદળી ફૂલોેમાં જાંબલી જાદુ લાવશે
ફળિયાને ત્રિભેટે ભીની માટી થાપીને
સાથે ઘર ઘર રમતી છોકરી પછી
ભાથું લઈને આવશે... ને
ભૂખ્યા દેવને જમાડશે...
ત્યાં જ માની હાક પડશેઃ
‘સાંજ પડી... ચાલ્યો આવ...’
પણ આ શું? –
ઋતુએ રસ્તા બદલી લીધા કે શું?–
માતાના રથ પાછા વળી ગયા-અડધેથી?
કંકોડીને કાતરા ખાઈ ગયા
ચૂલામાં શીતળા માએ વાસો કર્યો છે
ને કાચાં કોરાં ધાન એમ ને એમ
કોઠારોમાં સડી રહ્યાં છે
ચપટી કૂલેર પણ નસીબ ન થાય –
એવા તે કિયા જનમના ગુન્હાઓની
શિક્ષા થાય છે... આ?!


મેં તો કાયમ વાટ જોઈ છે કે –
સીમખેતરને વ્હાલથી
વીંટળાઈ વળતા શેઢાઓની જેમ
વ્હાલાં વળગી પડશે અમને, જાણે –
નેવનાં પાણી મોભે ચઢશે...
અજાણ્યો પથિક ઘરનો પરોણો થશે
લાપસીનાં આંધણ મૂકાશે, ને –
સામા ઘરની છોકરી આપણને
ધારીધારીને જોશે એવું કે –
ઘર અમારું ગોકળ આઠમનો મેળો થૈ જશે!
મોસમને પરવાળાં ચૂમી લેશે
કરાની કંથેરના જાળામાં
હોલીના માળામાં
વાદળી આકાશ ઊતરી આવશે...
પણ આ શું –
વેળાઓ વસૂકી ને ઋતુઓ પાછી વળી ગઈ?
હે રતિપતિ!
ઘરમાં એકલતાએ ઈંડાં મૂક્યાં છે
ને સન્નાટો સેવે છે દિવસ ને રાત...
બોબડી બોલાશ ને બ્હેરી હવાઓ
બાવળિયા વેળાઓ વાગે છે ને
મારી વ્હાલી ભાષા લોહીલુહાણ થૈ જાય છે!

અમને બેઉ છેડેથી સળગાવીને
કયા ભવનાં કયાં વેર વાળો છો?
હે દેવ...!


મેં તો કાયમ વાટ જોઈ છે –
પાનખરના પડાવ ઊઠશે, ને –
ડાળે ડાળે કથ્થાઈ કૂંપળો ફૂટશે
ઝાડની છાયામાં સૂતી ધૂળમાં
ડમરી ઊઠશે, પછી –
કૂંપળ કળી ઊઘડી ને ફૂલ બનશે
પંખીઓ વસંત ગાશે
લીલા વાયરા વાશે
વણઝારા પોઠો લઈને પાછા ફરશે
પાદર ઘૂમર માંડીને ગાશે
લોક ઓળો ને પૉંક ખાશે
તે એઈ... ને લીલા લ્હેર...
પરંતુ અચાનક આ અવળી ચૉટ શાની છે?
ભીતરમાં ફરતી શારડીએ તો
આડો આંક વાળ્યો છે
હોવાપણું ચાળણી ચાળણી થઈ ગયું છે
દૂઝણી વેળાઓ દોહવાતી નથી હવે
તે નજરુંનાં ઝેરે ઝેરે
ઘેરે ઘેરે ને નસે ને નાડીએ
વાડે વગડે તથા જંગલ ઝાડીએ
દવની જિહ્વા લપકારા લેતી ફરે છે
તાગે છે ઓળાઓ તળને
બોલે ને બાળે
ધગધગતું સીસું ઢાળે તે –
વેઠીને વેઠ્યું ના જાય ને
જીવીને જીત્યું ના જાય તે –
કયા ભવમાં અમે
તમારી ગાયો તરસી પાછી વાળેલી? હેં?
તે શાની શિક્ષા થાય છે, અમને... આમ?
શું કામ??
જવાબ આપો દેવ!!
બોલતા કેમ નથી??
મોંમાં મગ ભર્યા છે??
મેં તો કાયમ વાટ જોઈ છે –
તમારા જવાબની વાટ
કાયમ...!

નદી

એવું નથી કે નદી કેવળ
નક્ષત્રલોકમાં વહે છે
નદી ઊતરે છે પ્હાડોમાં
જંગલ-ઝાડોમાં, જટામાં
જળપરી થઈને વિહરવા
વણખૂંદ્યા ખોળે ખેલવા
નદી ઊતરે છે ઊંડાણોમાં
વનમાં જન-મનમાં વ્હેતી
ઝમઝમ ઝમે ઝીણું ઝીણું
અબોટ ખીણોમાં કુંવારકા નદી
રૂપાનાં ઝાંઝર જેવી
રજતવર્ણી આકાશગંગા જાણે
ભેખડો પરથી ભૂસકા મારે
પૃથ્વીના પડતર પ્રદેશોમાં
વેદનાને વ્હાલ કરતી
નદી વહે છે તીણી કસક લઈને
એકલી એકાંત થઈને
રગેરગમાં રહેતી
આદિમતાની વાત કહેતી
નિર્દોષ નદી કોશેકોશમાં
જાગતી રહે છે જન્મારો
પિતૃગૃહે –
કદી પાછી ફરતી નથી નદી...
સદી પછી સદી સૌન્દર્યવતી
કાળની વાતોમાં વહી જતી રાતોમાં
સીમને સુવર્ણ સુવર્ણ કરી દેતી
નદી-તડકાની જમાતોમાં
પૃથ્વીના પથ્થરિયા ડૂમાને
દેવ બનાવવા સદા તત્પર તે –
આપણી ઉદાસ સાંજને
આરતીમાં પલટી દેવા
આવી પૂગે છે ગામના પાદરે
ગામને કેડ્ય ઉપર તેડી લેતી
કુંવારી માતા જાણે
કામણગારી તે કાયમ ચાહવા જેવી
અનહદની આર્દ્ર એંધાણીઓ લઈને
દીવાની જેમ પ્રગટે છે પાંપણે પાંપણે
ઝાકળનાં જળ થઈને
સવારે સાંજરે વારેવારે નદી
ઊતરે છેક પાતાળે
ચઢે તરુવરની ડાળે ડાળે...

ઢાળ ભાળી ઢળતી
મૂળથી ભોળી તે ભૂલથી
જઈ ચઢી શહેરમાં સહેલવા
ને નખરાંખોર શહેર તો નકટું
નિર્દય ને નિષ્ઠુર નિર્વસ્ત્ર
કાળવું ભૂખાળવું
ન્હોર મારે બીકાળવું
ઉઝરડે છાતી ઝેરી ગોબરાં જળ
કયા જનમનાં વેરી ગંધાતાં...

લીરેલીરા કરે ઊતરડે મરડે
અંગાંગને પ્રજાળે બાળે તરડે
બળતી તિરાડો ગળી જાય નદી
બેબાકળી બાવરી ભડભડ
બળી જાય નદી
સદી પછી સદી
તરસી ને તરસી
એ જ નદી...

ખેતરો

એવું રખે માનતા કે –
ખેતરો કેવળ સીમમાં રહે છે
ખેતરો આવે છે વાડામાં, ખળામાં
ફળિયાં વીંધી પ્રવેશે છે પડસાળે-ઓરડે
કોઠારે, કોઠીએ ઓળખ તાજી કરતાં
ફરી વળે છે ઘરમાં, ઘટમાં ખેતરો
ખેતરો બોલે છે મન ખોલે છે
તગતગે છે આંખોમાં આખેઆખાં...

શાંત ને શાણાં દેખાતાં મોસમી –
ખેતરો માથું ઊંચકે છે
જંગે ચડે છે આકાશે અડે છે
પવન કહે તો માની જાય છે પળમાં
આંબા મહુડાના છાંયડા પી પીને
માટીની મોજ ગાય છે ખેતરો
આકરી બપોરના
બેપનાહ તડકા માટે
ખોળો પાથરતાં ખેતરો
ઉદાસ સાંજને લઈ લે છે આગોશમાં...

પ્રવાસમાં માઈલો સુધી
હાથ ફેલાવી બોલાવતાં, કુંવારી –
સગર્ભા નારીના નમણા ચહેરા જેવાં
કાચી તૂરી સુગંધભર્યાં ખેતરો
ધુમ્મસનું મલમલ ઓઢી
ચાંદની થઈને તમારા
ઘરની બારી સુધી આવી જાય છે

તમે સૂંઘ્યાં છે કદી ખેતરોને
ખરેખરી ખાતરીપૂર્વક હેતથી?!
કેવાં તો એકલવાયાં હોય છે એ...
ક્યારેક રઘવાટમાં કે ભૂલથી
શહેરની ભૂખાળવી સરહદ સુધી
આવતાં તો આવી જાય છે –
આ ભલાં ભોળાં માવતર ખેતરો
મકાઈને બદલે મકાનો ઊગતાં જોઈને
હબકી જાય છે બિચારાં બાપડાં
સિમેન્ટના સકંજામાંથી છૂટવા –
પાછાં વળવા વલવલતાં સિસકતાં
ધધકતાં ખેતરો
કદીય માફ નથી કરવાનાં આપણને
ફ્લેટમાં કેદ થઈ ગયેલાં આપણાં ખેતરો...

શલ્ય

એ સાચું છે કે –
આપણી હથેળીથી જ શરૂ થાય છે આકાશ
તો એ પણ સત્ય છે કે –
આપણી ત્વચાની સરહદે જ
સમાપ્ત થાય છે આપણું અસ્તિત્વ
આ બીકાળવા દિવસો ને કાળવી રાતો
ભ્રાન્તિઓની ભાતો
આપણે ઓળખી શકતા નથી નભનો નાતો...

આપણો જન્મ આપણી પસંદગી નથી
ને નહિ હોય મૃત્યુ પણ ઇચ્છામૃત્યુ!
આ પવનો જ પજવે છે પીડા થૈ થૈ ને...
રસ્તાઓ કાઢવામાં ને દોડતા રહેવામાં જ
હાંફી ગઈ છે વસ્તી ને તો ય હસવું પડે છે હંમેશાં
હોવાપણાની શૂળ વાગે છે ભણકારાની જેમ
ને લોહીલુહાણ કરે છે કાળકારસાની ભાષાઓ...

પોલા ને પોચા, ભલા ને ભારાડી છીએ આપણે
વળી ભણતરે ભણેલા ભરતીઓટ, તે ઠોઠ આપણે
જાત ને જંતુને જાણવાથી બચવા મથતા આપણે
રોજ નીકળી જઈએ અસલથી દૂર ને દૂર
સાંજ પડે ગુફામાં પરત ફરીએ છીએ –
પડછાયા વિનાના ભદ્ર-સંસ્કારી!
તૂટીને ય છૂટી શકતા નથી આપણે આપણાથી
નિર્ભ્રાન્ત થઈને ય નાસી શકતા નથી
નિષ્ઠુર સમયની જાળમાં ઊભેલા આપણે...

મરણ તરફ

હાથમાંથી વાસણ પડી જાય એમ
આ જીવતર પણ પડી તો નહી જાય – ?
એવી બીક લાગે છે...
પળોજણોને પાળવાની ક્યાં સુધી?
આપણા વડે એમાંથી કોઈ નવી પૃથ્વી તો
જન્મી શકવાની નથી!
કંથેરના જાળામાં આકાશ ઈંડાં મૂકશે, તોય
પવન પાંખો આપીને ઉરાડી જશે પોતાની સાથે...

ભર્યા ફળિયામાં જીવતર અવાવરું અને પડતર;
ઘડતર ઘરેડ બની રુંધતું રહ્યું નવતર નાદને
ઓરડે ઓરડે અંધારાની રમત ચાલે છે
ચારેબાજુ કોઈ ચોકી કરે છે આપણી
નખશિખ નિર્જનતા ઘેરી વળે છે ત્યારેય
કોઈ ફર્યા કરે છે અંદર ને વળી અરવ...

બહુ દૂર નથી જવાનું આમ તો
ધૂળથી મૂળ સુધી ને
કૂંપળથી કળી સુધી
અંકુરથી સુક્કી સળી સુધીની આ યાત્રા
કાતરા કાપી ખાય છે નિત્ય ને નીરવ
શેરીના છેલ્લા ઝાડ પર ઘડીક
સૂનમૂન બેસીને તકડો ઊડી જાય છે
પછી પાંખો વીંઝતું કાળું કાળું પ્હાડ જેવું પંખી
પાસે ને પાસે બહુ પાસે – ચોપાસે...
બીકમાં ને બીકમાં
હાથમાંથી જમવાની થાળી છૂટી જાય છે
બા બૂમ પાડી ઊઠે છે, ને –
દીવો રામ થઈ જાય છે...

ઉપેક્ષા

બળ્યાં ઝળ્યાં ઝાડવાં કશુંય બોલ્યાં નહીં
કપાઈ ગયેલાં ખેતરોએ મુખ ફેરવી લીધું
સુક્કા શેઢાઓ જાળ નાખીને બેસી રહ્યા
તીખાં તીણાં તણખલાં
ઘડીક તલવાર તાણીને ટટ્ટાર થયાં
દાંત કચકચાવતા તોતિંગ તડકાઓ
અવળી પૂંઠે ઊભા રહ્યા – આઘા આઘા
કંથેર કાંટાળી વાડ વાગે એટલી વેગળી રહી
નકરા પડતરમાં ઊગેલા નફકરા આવળ
એય અજાણ્યા થઈ આડું જોઈ રહ્યા
તણખતી તગતગ થતી તરસી વેળાઓ
અડ્યે અભડાતી હોય એમ છેટી રહી
આક્રમક અંધારાને આંતરી, જંપી ગયેલાં
આળસુ એદી નેેળિયાં જાગ્યાં નહીં
હિજરાતો હવડ કૂવો પણ મૂંગો રહ્યો
ખાલીખમ સુગરીમાળા પણ સૂના મૂંગામંતર
આકળા બેબાકળા બનીને મેં જોયું મારી અંદર
તો ત્યાં હું પણ ન્હોતો
મેં પૂછ્યુંઃ હું ક્યાં છું?
પણ કશેથી કોઈ બોલ્યું જ નહિ...

માટી અને મેઘ

માટી અને મેઘનાં મન મળી ગયાં છે
આ તડકો અને ઘાસ એવાં તો ભળી ગયાં છે –
કે નોખાં પાડી શકાતાં નથી પરસ્પરને
કઈ સોનાસળી ને કઈ કિરણસળી...!
હળી ગઈ છે હવાઓ મોસમી પવનો સાથે
તે ઘાસમાં ઘૂમરીઓ ખાય છે આકાશ!
પૃથ્વી સ્પંદિત થઈ ઊઠી છે આજે...
દરજીડો પાન સીવીને માળો રચે છે
રતુંબડો રાગ છલકાય છે કૂંપળે કૂંપળે
કાબરી ગાયે પાસો મૂક્યો હોય એમ –
આભલું વરસે છે... ધરતી તેજ તેજ છે...
સીતાફળીની ડાળે ડાળે સારા દ્હાડા બેઠા છે!
અરે! આ તો ધૂપ-છાંવ કે અલખની પ્રીતિ?
આ તરુઘટાઓ છે કે મેઘમાટીની અભિવ્યક્તિ રીતિ?!
ખેતરે ખેતરે ઝાંઝરી ને –
ઋતુની ખંજરી વાગે છે દિવસરાત...
કાંટાળી વાડે વાડે ફૂલોવાળી વેલ ચઢી છે –
હવે, કવિતા લખવાની જરૂર જ ક્યાં છે? –
મેઘ અને માટીનાં મન મળી ગયાં છે...

તુંઃ કવિતા

આંબે મંજરી આવે એમ
તું આવે છે હોઠ સુધી
પાતાળો વીંધીને...
કૂંપળે કૂંપળે લીલાશ
આંખોમાં ભીનાશ
તું હણહણતી ઋતુ
રણઝણતી મહેક
રોમેરોમે તું
ઊઘડે તડકો થઈને
હવાઓ રમણે ચઢે
કાંટાળા થૉરને
વેલ વીંટળાઈ વળે
તીતીઘોડા જોડું બનાવે
ઊંડે ધરબાયેલી ગાંઠને
પાછો અંકુર ફૂટે
ખેડેલા ખેતરની
કંસાર જેવી માટીમાં
પિયતનાં પાણી પ્રવેશે
એમ તું પ્રવેશે છે કણેકણમાં
હવે ચાસે ચાસે લહેર ઊઠશે
તું મૉલ થઈને
લચી પડશે ખેતરમાં –
મારામાં...!

મારે તો

મારે તો માટી થવું હતું
બીજ બનીને ઊગવું હતું
મ્હોરીને મ્હેકવું હતું
ખેતરમાં મૉલ બનીને
શીખવું હતું સહન કરતાં –
વૃક્ષ થઈને, ભણવી હતી ઋતુઓ...

પહાડોવનો કોતર કરાડો
ખૂંદવા હતાં ઝરણું થઈને
ગાવું હતું પ્રેમનું ગીત –
પંખી થઈને, – આંબવું હતું આકાશ...

કૂંપળ કળી ને પુષ્પ થવું હતું
સુગંધિત પવન થઈને
પહોંચવું હતું નક્ષત્રલોકમાં
વર્ષા બનીને વરસવું હતું
તરસી તરડાયેલી ધરતી પર
મ્હેક થઈને મટી જવું હતું ઘડીક...

જરીક જંપી જવું હતું
પતંગિયું થઈને પુષ્પની ગોદમાં...
ને તેં મને માણસ બનાવ્યો?!
અરે અરે... મને પૂરેપૂરું –
ચાહતાં ય ક્યાં આવડે છે હજી...?!

તું...

તું જ તો છે માટીમાં
ને વૃક્ષોમાં પણ તું જ...
તું અવનિ અને આકાશની
ભૂરી ભૂરી આશા...
માટીમાં મહેક ને વૃક્ષોમાં સ્વાદ
પાંદડે પાંદડે તારા જ તો રંગો છે
ને પત્તી પત્તીએ સુગંધ...
તું જાણે છે –
રાગ અને આગ એક જ તો છે...

ઋતુઓ તને જોઈને વસ્ત્રો બદલે છે
પવન ભણે તારી પાસે સુવાસના પાઠ
તડકો શીખે રંગો ઘૂંટતા તારી કને
તારી ઓથે અંધારું રચે રૂપ-આકારો
સવાર તારાથી જ છે ભીની ભીની
ને તને અડીને સમય કોમળ કોમળ...

વસંત પંચમી પહેલાં જ
આંબે આંબે
મંજરી થઈને લચી પડે છે તું
પૃથ્વી થોડે ઊંચે ઊંચકાઈ છે
ને આકાશ ખાસ્સું નીચે ઊતર્યું છે
હું આટલો સમૃદ્ધ ને પ્રસન્ન
ન્હોતો કદીય
અવનિ અને આકાશ વચ્ચે...

અમેરિકાનાં પાનખર વૃક્ષોને –

સલામ!
અમેરિકાનાં પાનખરવૃક્ષો,
તમને સલામ!
આમ અસલથી ઊભેલાં જોયાં છે
તમને ધીરગંભીર ઠરેલ
સદીઓથી સંસ્કૃતિ સાચવતાં શિષ્ટ પ્રશિષ્ટ!
પહાડો ખીણો વનો ઉપવનો મેદાનોમાં
મદમસ્ત જોયાં છે તમને લીલાશ છાંટતાં...
પણ રંગે રાતાં માતાં તે
રંગેચંગે જંગે ચડતાં તો
આજે જ જોયાં જંગલોમાં ઝળહળતાં
રંગદર્શી છટાઓથી છટપટાતાં, તે –
કત્લેઆમ કરતાં ક્યાંથી શીખ્યાં છો?
અમેરિકાનાં પાનખર-વૃક્ષો, સલામ!
સરેઆમ લીલી કટોરીઓમાં
ભરી ભરી પીધેલા હજારો સૂરજ
સળગી ઊઠ્યા છે એક સામટા આજે –
તમારામાં પ્રગટ્યો છે રંગ લીલાનો વિભાવ
કહો કે લીલાની રંગ લીલાનો સ્વભાવ;
પૃથ્વીનો એક માત્ર રંગ લીલો, તે –
આમ અચાનક આજે આ
દઝાડતા – ઠારતા – બળબળતું બ્હેકાવતા
રંગમેળાઓ આગ અને રાગના
અમારી આંખે ઝિલાય તો છે
પણ સમાતા નથી એ રાતામાતા રંગો
ભાષાના પાત્રમાં... હે પાનખરના સાથીઓ!
પાંદડે પાંદડે વિશેષણો તો ક્યાંથી લાવું?!
અવનિના ખોળામાં અગ્નિ થઈ
મ્હાલતી આ માયાને – તમારી કાયાને
અચંબિત આભ જોયા કરે છે... ને હુંય!
આ મારકણો મરુન ને મસ્તીખોર લાલ
જાંબલી ભાલાઓના પરપલ પ્રહારો
ધોવાઈને ઊજળો થયેલો કથ્થાઈ – કિરમજી
ને સંતાતો ફરતો રાખોડી ભૂરો ને નારંગી
રાતી-પીળી છટાઓ છાકટી થઈ ફરે...
સૂની શેરીમાં કેસરી સવાર તરે છે
આ શુદ્ધ સુવર્ણ શો તડકો ટાઢો હિમ
રંગોની અંગીઠીમાં અંગો શેકવા
ફરી વળે છે ઝાડવે ઝાડવે...
ને પેલા પહાડો પરથી રાતી પીળી
ખીણોમાં ખાબકતી રંગછટાઓ
રાજસ્થાનમાં જૌહર કરતી
રજપૂતાણીઓ છે કે શું?
હે પાનખરનાં વૃક્ષો!
તમે તો ક્યાંથી ઓળખો એમને?
એ મરી જાણતી હતી એમ ગર્વથી
ગૌરવથી કેસરિયાં કરતા પતિની જેમ...
ઋતુના રંગો પ્હેરતાં પ્હેરતાં
પવનમાં લ્હેરાતાં લ્હેરતાં ખુમારીથી
ખરી જવાનું આવડે છે તમને ય...
ઝિંદાદિલી તો કોઈ તમારી પાસેથી શીખે...
સલામ! હે પાનખર વૃક્ષો... અલવિદા...

અલવિદા! અમેરિકાનાં વૃક્ષો...

આવજો... વ્હાલાં!
અલવિદા! અમેરિકાનાં વૃક્ષો...
તમેય મને ગમતાં છો – ઓક, મેપલ ને પાઇન!
આમ તમને છોડી જવાનું ગમતું તો નથી,
પણ, ત્યાં મારાં વતનગામમાં, માતાના –
ડુંગર માથે કેસરિયાં કરતો ફાગણિયો
પૂર્વજ કેસૂડો હાક મારે છે. સાંભળો છો તમે?!
આગની આંચ મને બાવરું બાવરું બોલાવે છે
એ શીમળા તો તમે ક્યાંથી જોયા હોય?
ભીંતે કંકુથાપા દેતી કન્યાની હિંગળોક
કંકુ હથેળીઓ જેવાં એનાં ફૂલો હઠીલાં
મને અજંપ કરી મૂકે છે... આટલે દૂર!
ને મુંબઈ ઍરપૉર્ટના રન-વેના છેડા સુધી
મને વળાવવા આવેલા ગુલમોર-ગરમાળાઃ
– અમે એકબીજાને મળીએ ત્યારે જ મ્હોરીએ છીએ...
જાણું છું સુગંધો તમારાથી છેટી રહે છે
અમારા મ્હોરેલા આંબાની છટા અને ઘટા
એની મંજરીની માદક મ્હેક તમે જરાક
સૂંઘો તો તમને માટીમાં મળી જવાનું મન થાય...
થાય કે નિર્ગંધ અવતાર તો ધૂળ છે...!
અમે તો કડવો લીમડો ઘોળનારા ને
ખાટી આમલી ખાનારા ખાનાબદોશ છીએ
રંગો ને ફૂલો તો તમારાં ય સુંદર છે
ચૅરીબ્લોઝમ મને ય આકર્ષે છે પણ
મૂળમાટીએ આપેલી ને રોમેરોમે
દીવા પ્રગટાવતી સુગંધો તો
અમારા કેવડિયા – નાગચંપા – કૈલાસપતિમાં છે
ચૈત્રમાં ખીલેલા આંકલાની આક્રમક ગંધ
ભાલા લઈને રસ્તો રોકે છે
મ્હોરેલી અરણીઓ ચૈત્રી રાત્રિને જ નહિ
કવિની કવિતાને ય મઘમઘતી કરી દે છે
પારિજાત વનોને ય મ્હેકાવે છે – સ્વર્ગમાં!
બ્હેકાવે છે બાવરી નારને મધુકુન્દિકા...!
ને જંગલોને ગાંડા કરતો મહુડો અહીં ક્યાં છે?
અમારું કદમ્બ સાદ પાડે છે મને સદીઓથી...
રજા આપો, અમેરિકાનાં વ્હાલાં વૃક્ષો...
અલવિદા! આવજો...

કોણ છે એ...?

એ કોણ છે જે એનું જ ધાર્યું કરે છેે?
મારામાં રહીને મને જ અજંપ કરે છે!
બારેમાસ બાવનની બહાર ને અંદર નિર્દય ને નીરવ
જાળ નાખીને બેસી રહે છે મારામાં મને પકડવા!
મક્કમ રહીને માથું ખાય છે છાનુંછપનું પૂછી પૂછીને કે
તું કોણ છે ને શા માટે છે? મસ્તીખોર –
શક્કરખોર છે કે શકોરું?
રોજેરોજ કઠોરતા સાથે ઘસી ઘસીને
મને ધાર કાઢે છે પણ વાર કરતાં વારે છે
એ કોણ છે? જે ઊભો રહે છે મારામાં –
ને મને ઊઠબેસ કરાવે છે કાયમ
જે દોડતો નથી પણ દોડાવીને દમ કાઢે છે
ગમ પડવા દેતો નથી ગડની ને
ઓળખ આપતો નથી જડના જડની...
મૂળમાં ધૂળમાં કૂળમાં રગદોળે છે ને રાચે છે
ક કરવતથી કાપે છે ને મ મરજીથી માપે છે
કળથી કેળવે છે પળેપળ પ્રજાળે છે બાળે છે
ભૂખ શીખવાડી ભમતો રાખે છે પછાડા નાખે છે
મોટો કરીને શાપે છે ને એ ય પછી
નિરાંતે તાપે છે તાપણું કરીને મારામાં સતત
કોણ છે એ જે બધું જ ધૂળમાંથી મેળવે છે
ને ધૂળમાં મેળવે છે બધું જ –
કોણ છે એ કાના માતર વગરનો
મારામાં – તમારામાં – તેનામાં – તેઓમાં
કોણ છે એ જે –

હું પાછો આવીશ...

હું પાછો આવીશ –
દંતકથા જેવા આ મારા ગામમાં...
કોથળિયા ડુંગર પર
લાખા વણજારાનો ખજાનો દટાયેલો છે હજીય
એ ચરુના રણકાર રાતદિવસ સંભળાય છે સતત...
ને મારી મહીસાગરમાના ઊંડા ધરામાં
વસે છે મણિધર ફણિધર નાગ, મણિ લઈને –
હજી ય તે રાતે ચરવા નીકળે છે બ્હાર
જોજનો જોજનો ફેલાતાં એનાં અજવાળાં
એ અજવાળાની ધારે ધારે વહ્યો આવીશ પાછો...
પેલી આથમણી ટેકરીઓના ઢોળાવે ઢાળે
ટીમરુનાં ઝાડ ઝૂલે છે, ને –
એનાં પાનમાં વાળેલી બીડીઓ પીવાય છે હજી
હું એ બીડીઓની સુવાસ લેવા પાછો આવીશ...
કોતર ધારે બાવળ ડાળે ઝૂલતા સુગરી માળે ઝૂલવા –
જલદી પાછો આવીશ!

પ્હેલા વરસાદે ફૉરી ઊઠતી
માટીની આદિમ મ્હેક લેવા
કંકુવર્ણી મખમલી ઇન્દ્રગોપ થઈને
ખેતરે ખેતરે વરસી પડીશ...
ગોકળ ગાયનું રૂપ ધરીને
પેલી રાતીપીળી ટેકરીઓના
લીલેરા ઢાળ ચઢવા ઉતરવા
હું પાછો આવીશ પાલ્લા ગામમાં...!
નદી કિનારે છાનુંછપનું ન્હાતી –
વયમાં આવેલી બેનદીકરીઓની લજ્જા અને
કૂવા કાંઠે પાણી ભરતી વહુવારુઓની મજાક –
જોવા સાંભળવા ને સૂંઘવા-ચાખવા હું પાછો આવીશ...
ચાસેચાસે લ્હેરાતા માટીના શ્વાસ
શેઢે શેઢે કલગી ઝુલાવતું લાંબડું ઘાસ
ને ચામર ચળકાવતાં કાશ...
મકાઈના ખેતરમાં વાગતી પવનખંજરી
ડૂંડે ડૂંડે ડોલતી બાજરી... જોબનની હાજરી
સુગંધ રણકાવતી ડાંગરની સોન-કંટીઓના
ઉલ્લાસે ઓળઘોળ સીમને મળવા
હું પાછો આવીશ –
ખળામાં હાલરું હાંકવા... મોસમ ઉપણવા
કૂવામાં કબૂતર ને તાર પર હોલો થૈ બેસવા
તરસ્યાં તેતર છાતીમાં લઈને
હું આવીશ... ચાસ ને કલકલિયો થઈને!
કાળે ઉનાળે ય નહીં સૂકાતો
ચીડો થઈને હું –
ઊગી નીકળીશ ખેતરે ખેતરે...

(ચીડોઃ કદી નહીં સૂકાતું, ગાંઠમાંથી ફૂટતું રહેતું ફાંકડું ઘાસ)

(એક સાદીસીધી કવિતા)

કાશીરામ કાકાની વાત

કરમસદના કાશીરામકાકા કશે જતા નથી
એ ભલા ને ભલી એમની કેળ બાજરી
ખમતીધર ખોરડાના ધણીની ખેતીમાં
કણનું મણ થાય ને કાયા પરસેવે ન્હાય
હાથી મૂકો તો ય પાછો પડે એવી કેળ
તે લૂમો લેવા મુંબાઈનો મારવાડી આવે...

ટ્રેક્ટરનો જમાનો આવ્યો તે એય લાવ્યા
પણ હળબળદ ને ગાડુંઃ વાડામાં તૈયાર હોય
યંત્રોનું એવું તે ખરે તાકડે બગડી બતાવે
ને વીજળી તો વારે વારે પિયર જાય, એટલે
પંપ બાપડા પાંગળા, છતે ડિઝલે ઓશિયાળા...

કાશીરામકાકા કહે છે કે –
"ઋતુઓ રાજાનીય રાહ નથી જોતી
ને ધરતીમાતા બીજ નથી ખોતી
બાકી જિન્દગી અને ધોતી ઘસાય... જર્જર થાય...
આ જુવોને પંડનાં છોકરાં પરદેશ ગયાં તે
જમીન થોડી પડતર રખાય છે, હેં!
માલિકે આપણી વેઠવા વાસ્તે વરણી કરી તે
આપણે જાતને સાવરણી કરી –
લીલાલ્હેર તે આ સ્તો વળી...!"

કાશીરામકાકાનો સંદીપ
સીમાને પરણીને સીડની ગયો
વિનોદ વિધિને પરણીને વેનકુંઅર જઈ વસ્યો
ને બીના બોરસદના બિપિનને પરણીને
બાલ્ટીમોરમાં, – હા બાબરી બાધા માટે બધાં
બે વર્ષે આવે, પણ –
બાજરીનું ખેતર તો બાધરને જ સાચવવાનું...!

કાશીરામકાકા તો કશે જતા નથી, પણ –
સરદાર પટેલનાં વતનવાસીઓ
શિકાગોમાં ઘણાં... કે ત્યાં ચરોતરની
ન્યાત મળી, આરતી અને પ્રસાદ પછી
નક્કી થયું કે વતનની સેવા કરીએ!
કાશીરામકાકાને તેડીએ ને સન્માન કરીએ...
કાકા મને કહે કે – "મનુ ભૈ ચાલો ત્યારે
તમે ય પેન્સિલવેનિયામાં
પરેશનાં પોતરાંને રમાડતા આવજો..."
મોટા હૉલમાં મેળાવડો થયો
એકેય થાંભલા વિના આભલા જેવી છત...
કાશીરામકાકાને આઈપેડ આપ્યું ને
ઘઉંની સાથે ચીલ પાણી પીવે તેમ
મનુભૈને આઈફોન અર્પણ કરીને
ન્યાત તો રાજી રાજી...
અરે, કાશીરામકાકાને કહોઃ ‘બે શબ્દો બોલે...’
કાકાને થયું–ભલે ત્યારે! બોલ્યાઃ
"વ્હાલાં વતનવાસીઓ... ભગવાન ભલું કરજો!
આપણી ભૂમિ તે આપણી ભૂમિ! મોતી પાકે મોતી!
મેં નાપાડના નરસીને બોલાવીને નર્સરી સોંપી, તે –
બેપાંદડે થયો! ને એનો નીતિન
નર્સરીમાં રોપા ગણતાં ગણતાં
દાક્તરી કૉલેજમાં ગયો... બુદ્ધિ બુશના બાપની થોડી છે?!
પણ મૂળ વાત તો ભીતર ભોંયની છે, ભાઈઓ!
માલીપાનો ખાલીપો બઉ ખખડે હાં કે!
પ્રાર્થનાઓ કરીએ કે કૂતરાં પાળી બચીઓ ભરીએ–
–બધું જ ફાંફાં અને ફોતરાં છે–!
ભીતરની ભોમકા ફળવતી જળવતી બને તો ભયો ભયો
અમેરિકાએ આટલું શીખવાનું છે...
બાકી તો પરિશ્રમ જ પારસમણિ છે...
બહેનો ને બંધુઓ! સુખી થજો ને સુખી કરજો..."

દેશીઓ કાશીરામકાકાને કેટલું સમજ્યા
એની તો ખબર નથી પડી
પણ સીઆઈઆઈએ એ આ ટૂંકા પ્રવચન વિશે
લાંબો અભ્યાસ કરવા કમર કસી છે, ને –
કાશીરામકાકા કરમસદ આવી ગયા છે.

ક્યાં ગયા એ લોકો?

મને ગમતા હતા એ લોકો, જે –
અજાણ્યા વટેમારગુંને
ઘરે તેડી લાવી જમાડતા
તડકો પ્હેરી ખેતરે જતા
સાંજે, વરસાદે પલળતા પાછા વળતા
જ્યાં જતા ત્યાં
મારુંતારું કર્યા વગર કામે વળગતા
વિધવાને ખળે ખેતર લાવી આપતા
વહુવારુને બેડું ચઢાવતાં
જરાક મલકાઈ છલકાઈ જતા
કન્યાદાન માટે કરકસર કરી બચત કરતા...
વગડાને વ્હાલ કરતા
વાડે વાડે કંકોડીના વેલા વાવતા
એમનો પરસેવો પવનમાં પમરતો
ખેતરોમાં મૉલ થઈ ઝુલે છે હજીય...

એ લોકો ગમતા હતા મને
જે ટેકરીઓમાં ગામ વસાવતા
સાપને સરકી જવા દેતા
ઉનાળાની ઊભી વાટે પરબ બંધાવતા
પગે ચાલી પરગામ જતા
નદી ઓળંગવા
પાણી ઉતરવાની વાટ જોતા
પાડોશીને ખાટલે નવું વાણ ભરી આપતા
ચાર ભજીયાં માટે જીવ બગાડતા
સીમમાં જતાં, લક્કડિયા માતાને
ગામની સુખાકારી માટે વિનવતા...

એ લોકો પડતી રાતે પડસાળે બેસી
મહાભારત સાંભળતાં, ભરી સભામાં –
ભીષ્મના મૌન સામે અકળાઈ જતા,
બીજે દિવસે ઘરના વાડામાં
પીઠ પર પૃથ્વી મૂકી અવતાર ગણવા
નીકળેલી ગોકળગાયને જોઈને શાંત થૈ જતા,
‘છાણના દેવને કપાસિયાની આંખો જ શોભે’ –
જેવી કહેવત ઘડતા
અમારી નિશાળની ચોપડી ઊંધી પકડી
ઉકેલવા મથતા અને પૂછતા –
આ ચોપડીને પાને પાને આટલાં બધાં
કીડીમંકોડા મરેલાં કેમ ચોંટાડ્યાં છે?
ભજનમાં કબીરની સાખી ગાતા
ક્યારેક પાદરના વડ નીચે ચૉરે
જાણે છે જ નહિ એમ બેસી રહેતા
એ લોકો, જેમને મેં
જાત અને ઝાડ સાથે
વાતો કરતા જોયા-સાંભળ્યા હતા...
શનિવારે એક ટાણું કરતા
કૂતરાને કટકો રોટલોને બિલાડીને
ઘીવાળો કોળિયો ભાત ખવડાવતા,
મેળે જતા ચગડોળે બેસી છેલ થતા
ને વળતાં પત્ની માટે
સાકરનું દેરુ ને બંગડી લાવતા,
બપોરે કૂવાકાંઠે પોતાનાં જોડી કપડાં
ધોઈ ને સૂકાવાની વાટ જોતાં જોતાં
પાદરના પાળિયા ને નવરાવીને
સિન્દુર ચઢાવતા...
ઝાયણીના દિવસે ઝાંપે જઈ અને –
ગામ આખાને ગળે મળતા –
મેં હજી હમણાં સુધી જોયા હતા
દરેક ગામમાં ને મારામાં ય – !
એમના ય વંશવારસો હતા...
હું શોધું છું એમને –
મને ગમતા હતા એ માણસો
ક્યાં ગૂમ થઈ ગયા એ...?
ક્યાં??

‘મૅર મૂઈ...’

ઝાડવાએ ધારી ધારીને મને જોઈ...

કૂંપળની જેમ હું ય શરમાઈ,
          દોડી ગઈ હરખ સંતાડવાની ઑલે

‘ક્યાં છે તું...’ પૂછે શોબિગી ને
          પીપળ પર કંસારા રઘવાયું બોલે
‘મૅર મૂઈ...’ માએ કહ્યું ને –
          હું તો માને વળગીને ખૂબ રોઈ...
ઝાડવાએ ધારી ધારીને મને જોઈ...

પાંદડાંમાં સૂરજ ઊતરે ને એમ
          મારામાં ઊતરે છે ઝળહળતું ઝાડવું
અણજાણ્યું પંખી કૈં એવું તો ગાય
          મારે નામ એનું કેમ કરી પાડવું
હું જ મને શોધું છું ક્યારની
          મેં જ મને રસ્તામાં ખોઈ...
ઝાડવાએ ધારી ધારીને મને જોઈ...

ભીની આંખો

ભીની આંખો લૈ
બા, તું અમને મૂકી એકલાં ગૈ...!
તે દિવસથી આંખ અમારી
કદી ન કોરી થૈ... ભીની આંખો લૈ...

બન્ધ બારણાં બારી જેવા
સગપણ વચ્ચે જીવીએ...
ખાલી ખાલી ખેતર જેવાં
દિવસ-રાતને વ્યર્થ શીવીએ –
દુઃખનો દોરો લૈ!
બા, તું અમને મૂકી એકલાં ગૈ...!

વૃક્ષ વિનાની ધરતી જેવું
ઊનું જીવતર સૂનું લાગે...
જૂની સાંભરણ છાતી વચ્ચે
બળબળતું રણ થૈને જાગે –
વેળા તરસી લૈ...
આંખ અમારી હજી ન કોરી થૈ...

બા, તું અમને મૂકી એકલાં ગૈ...
ભીની આંખો દઈ...!!

પ્હાડોમાં...

(શિખરિણી – સૉનેટ)

મને આ પ્હાડોનો પરિચય નથી એક ભવનો,
ઘરોબો વર્ષોનો અયુત સદીઓ કૈં જનમનો...
તમે નૈ માનો, હું તરુવર હતો આ ગિરિવને
કદી આ ઢોળાવે, ખીણ-કૂહર ને ભેખડ કને.
વળી આ પ્હાડોમાં ધૂમસમય વાતાવરણ થૈ
ઝૂક્યો’તો ઝાડોમાં ઋતુ રણકતી રંગત લઈ...
વીંટાયો ડાળોમાં થડ થડ થયો વેલ ફૂલની
ધરાના રોમાંચે તૃણતૃણ પીધી ગન્ધ મૂળની!

કદી આ પ્હાડોમાં ઋષિમુનિ થયો મંત્ર રચવા,
થઈ પાછો આવ્યો રૂપવતી, તપોભંગ કરવા...
સગી આંખે જોયા વનવસનમાં પાંડવ જતા,
વિયોગે સીતાના રઘુપતિ દીઠા વિહ્વળ થતા!
હવે જોવા મારે ઝખમ દૂઝતા પ્હાડ-તરુના?!
કયા એવા શાપે રગરગ બળું? તોય મરું ના...?

દીવો બળતો નથી

હળથી થાકીપાકી છૂટેલા બળદ જેવું મનઃ
સાગરનાં મોજાં જેવો ધસી આવતો અંધકાર
ક્યાંય દીવો બળતો નથી...
શું હશે પહાડોમાં?
પહાડોની પેલે પાર શું હશે?

રતિશ્રમિત ઊંઘેલાં પંખીઓના શ્વાસ સંભળાય છે,
ભૂંસાઈ ગયું છે બધું જ!
ટોળું-વિખૂટ્યા પંખી જેવો પવન
અજાણી કન્યાની આકર્ષક આંખો જેવાં નક્ષત્રો,
કામોત્સુક વન્યપશુઓના લીલા અવાજના
લોહીમાં વાગતા ભણકારા...
ને રીંછની જેમ સામેથી સૂંઘતી હવા,
ખરેલાં પાંદડાંની ભૂખરી સૂકી ગંધ
કાગળ જેવી સપાટ હથેલી,
નકશાની નદીઓ જેવી હથેલીની રેખાઓ
નાગ જેવું પગમાં વીંટાતા રસ્તાઓ...

ગૂંચવાઈ ગયેલી દોરી જેવી સ્મૃતિઓ
વૃક્ષોની લાલ કાળી ખાટી તૂરી ગંધના ફુવારાઓ
બાળભેરુ જેવું ક્યાંક પગને પકડતું ઝરણું...
ને તાવ સમો કડવો બેસ્વાદ થાક...
...મારા પ્રવાસમાં રોજ રોજ જોઉં છું,
ક્યાંય દીવો બળતો નથી તે શું હશે?
શું હશે પ્રવાસમાં?

સારણેશ્વરમાં સાંજે

વનવટો પામેલાં
પંખીઓ વૃક્ષો લઈને જ ઊડી ગયાં હશે?
શબ્દો ખાલીખમ સૂગરીમાળે ઝૂરે
સૂકાં પાંદડાંના પીળા અવાજોમાં.

ભીને પગલે વહી જતી ઓસરતી નદી
ઊભી રહી જાય કદીકકદી
વૃક્ષોની જાંબુડી છાયાઓ તરે જળમાં
એકલા ધડ જેવાં ધૂળિયાં ખંડેરો પર
ચૂંદડીના પાલવની ઝળહળતી કથ્થઈ ભાતનું તોરણ,
સુકાયેલાં અશ્રુ જેવાં તોળાઈ રહેલાં શિલ્પો
મૈથુનમગ્ન શિલ્પયુગલ પર
સુક્કાખંખ સમયની હવડ જીભ ફુગાયેલી
તડકાનો કાચિંડો રંગો બદલે

ઢગલો થઈ પડેલો રાતા સમયનો કર્બૂર રથ
જીર્ણ મંદિરના પ્રાંગણમાં,
કબૂતરિયા રંગો રઝળે હવામાં
ટહુકતાં પુષ્પો સલામ સરખું ખરી પડ્યાં છે
થોડીક કીડીઓ તડકાના શબને દરમાં લઈ જવા મથે.

વાદ્ય જેવું જંગલ
રસ્તા વચ્ચે આંધળી ચાકણ થૈને સૂતું છે
લક્કડખોદ મને ખોદ્યા કરે
ક્યાંક કૂંપળમાં કષ્ટાતી હશે મારી કવિતા?
કાલે કદાચ
પુષ્પોને લઈને પતંગિયાં
છવાઈ જશે જંગલ ઉપર...
...!

પોળોના પ્હાડોમાં (૩)

મને આપો મારો તરુપ્રણય પાછો પ્રથમનો
મને આપો પાછાં રુધિર રમતાં આદિમ વનો.
મને ઘેરી લે છે સરિત, તરુ, પ્હાડો, ગીચ વનો
મને શોધે મારાં હરિતવરણાં ગ્રામીણ જનો.
સંબંધો સન્દર્ભો ઉતરડી અને નાગરજનો
નર્યા સ્વાર્થે શોષે, નગર-રણની સંસ્કૃતિ જુઓ!
મને સ્થાપો મારા અસલ ઘરમાં, આદિમ જન
વહી આવું પાછો ત્યજી દઈ બધાં બંધન ઘન!
સ્તનો શાં શૃંગોમાં તરુવરતટે કે જળતટે
પુરાણી માટીમાં મુજ ઘર ભીનું હોવું જ ઘટે,
બધું ભૂલી જૈને કુસુમવત્ શા વાય પવનો
બધું ભૂલી જૈને તૃણવત્ ભમે આદિમ જનો.
મને આપો મારો તરુસમય પાછો પ્રથમનો
હું આદિવાસી છું અયુત શતકો તે જનમનો.

કાળ

(ખંડકાવ્ય)
હણહણતું જંગલ મ્હેકાય
આભ ઉપર ઢોળાતું જાય
પર્વત ટોચે પહોંચી જોતાં સોળે દિશા ખૂલે
મનમાં મારા, જંગલ જોતાં
જનમ જનમનાં અજવાળાંએ ઝૂલે...
          સાગ સીસમ ને સરગવા સાદડ શીમળા શાલ
          મહુડા બહેડા બોેરડી ઉમરા જાંબુ તાલ
          આંકલવા ઊંચા ઘણા ટીમરું કાળાં ધાડ
          નામ વગરનાં ઉગીયાં અડોઅડ કૈં ઝાડ
                   ઝાડે ઝાડે દીવા બળે
                   અંધારાં ઝળહળે
                   એવા સમયની તળે
                   જંતુ જેવું મન મારું પાછું વળે
          જંગલ જાતે રચ્યા કરે પડછાયાની ભાત
          વચ્ચે એને સાંભરે માણસ ને મ્હોલાત
          પણ જંગલ રમતું રહે : દિવસ પાછળ રાત
          ફાનસ લઈ ફરતી રહે સમય નામની ઘાત
                   લીલી લીલી કણજીએ કૈં કેવડિયાના છોડ
                   ક્યાંક ફૂટ્યા છે ડાળીએ રાતા રાતા કોડ
                   ચઈતર ચંપો ખીલતો કેસૂડો બેજોડ
                   ઋતુ ઋતુના વાયરા લેતા કેવો મોડ!

વૃક્ષોનાં તો ગામ વસ્યાં છે ટેકરીઓનાં ફળિયાં
આ પાન ફરકતાં દેખું એ તો આવાસોનાં નળિયાં
આ ઝાકળ બિન્દુ લાગે છે ઝળઝળિયાં
ક્યાંક અયોધ્યા હસ્તિનાપુર
કો’ક દટાયાં નેપૂર ઉપર વેલ ઊગી છે
ફૂલો એનાં સુગંધની ઘૂઘરીઓ
રાત પડે તે રણકી ઊઠે
કોની પૂંઠે?
          જંગલની તો નોખી ને નખરાળી ગંધ
          જંગલમાં અજવાળાં અંધ
          બંધ પડ્યા છે દરવાજા પણ ખુલ્લા છે સંબંધ
*
માણસ નહીં હું મુલ્ક છું થાય અનુભવ એવો
ભીતરથી ખોદો મને મોહન-જો-દડો જેવો
          ખંડેરો પર ઝાડ
          પાંડવ જેવા પ્હાડ
          ટેકરીઓ જે થોડી થોડી
          લાગે સહોદરોની જોડી
          વ્હેતા વાયુ થંભે છે ત્યાં દોડી
          ઘાસ ચરે છે કુરુક્ષેત્રમાં ઘોડી
વિરહવિહ્વળા નારીનો અવતાર હશે આ નદી?
જળપરીની છાયાઓને રમતી દેખું
ઝળહળતી એક નગરી પેખું
જંગલ સાખે વહી ગઈ છે કેટકેટલી સદી
જે ગત જનમોમાં ચાખી’તી મેં કદીક કદી!
વહી ગયેલી નદીઓ સદીઓ દટ્ટણપટ્ટણ નગરનિવાસો
મારી ભીતર જાગે
મરી ગયેલા રાજાઓ સત્તાઓ પાછી માગે
તે હું આપું ક્યાંથી?
          પ્રાગૈતિહાસિક કાળનીય પેલે પારથી
          વર્તમાનની ધાર સુધી
          ફેલાયેલો હું આ ક્ષણે
          અરણ્યાવતાર પામું છું
          રાતી કીડી રૂપે મારું હોવુ માત્ર
          સમગ્ર જંગલને ભયભીત કરી મૂકે છે!
હું માટીનો જાયો
મ્હેંકાતી માટી શ્વસનારો
માટીના ખોળે વસનારો
માટી ચાખું, માટી પીઉં
માટી પ્હેરું ઓઢું
સાવ અચાનક સીમને મારી
એરુ જેવી સડક આભડી
લોક આભડ્યાં
યંત્ર આભડ્યાં
શ્હેર આભડ્યાં સૌને!
          ગામ નગરનો નિર્વાસિત હું
          આજે પાછો અરણ્યવાસી
          જંગલ મારી માતા જંગલ મારો શ્વાસ
          હું ઓગળતો વૃક્ષો ને વેલીમાં—
          વૃક્ષોની ડેલીમાં.
          હું ગટગટ પીઉં ઝરણાં નદીઓ
          ખાઈ જાઉં છુ સદીઓ.
          હું પથ્થરયુગનું પીળું પીળું ઘાસ
          અણુયુગનો ફળફળતો નિશ્વાસ
          હું પંખીનો માળો બનવા વનમાં આવ્યો,
          જંગલ ઉડતાં આવી મુજને ચાખે
          પડાવ નાખે
કોયલ કાબર લેલાં દૈયડ કપોત-કબૂતર કાગ
અહીં તો એના રડ્યાખડ્યા છે રાગ
દેવચકલીઓ લક્કડખોદો સમડી ગીધ ને શકરો બાજ
તેતર બગલાં ઘૂવડ ચીબરી ખરગોશોનું રાજ
          જનમ જનમથી જંગલ વચ્ચે
          સમય વૃક્ષની નીચે
          ઊભો ઊભો હું પલળું છું
          અજવાળાનાં પગલાં સૂંઘે અંધકારનો વાઘ
          છૂપાવી ઊભાં છે વૃક્ષા જનમજનમની આગ
વર્તમાનની ધ્વજાપતાકા લહેરાતી પર્ણોમાં
સદીઓના સરવાળા મળતા નદીઓના ચરણોમાં
કણ્વાશ્રમની દંતકથાઓ મળતી રહે હરણોમાં
જંગલ જોવા મળતું મુજને હજ્જારો વર્ણોમાં!
          પંખી થઈને વૃક્ષે વૃક્ષે ઊડે છે એ કોણ!
          છાયાનો આભાસ બનીને
          જળને તળિયે બૂડે છે એ કોણ?
ઉનાળામાં આગ વરસતી વર્ષાકાળે મેઘ
ખંડેરોમાં હજી ચળકતી દેખું તાતી તેગ
રાત પડે સંભળાતા પાછા અસવારોના વેગ!
ઓ જંગલદેવ!
દેવને દવની ઇચ્છા
ભડભડ લાગે આગ, આગમાં બળતી કોની જાત?
પહાડો ઉપર જૌહર કરતી રાત!
મારી ભીતર બળી રહી છે રાતી ચટ્ટક વાત
બળી રહ્યાં પાતાળો સાત!
          આ ઉમરા ઊંચા રાજમહેલ છે
          વૃક્ષો છે પ્રાસાદો
          ફૂલ ભરેલી વલ્લરીઓ સુન્દરીઓ
          પ્હાડે પ્હાડે મેદાનોમાં
          જંગલ નામે શહેર વસ્યું છે સૈકાં જૂનું
          સૂનું સૂનું!
વનકન્યાઓ ફરવા નીકળે ફૂલો પહેરી
શ્વાસોથી ભીંજેલા વનમાં
ચાંદરણાંએ લીધી ઘેરી
દેવોએ પણ ઊંચા થઈને દેખી –
          કોક દીસે દમયંતી જેવી
          કોક વળી પાંચાલી
          કોક શ્યામળી કોક વીજળી
          ક્યાંક ઉર્વશી શકુન્તલાઓ મળશે
          જંગલને બેહોશ કરી કન્યાઓ પાછી વળશે
          અજવાળાના કાંઠે ઊભી અંધકારને મળશે
          સવાર થશે તે ઊંડાણોમાં
          સમય સાથરે ઢળશે
          સૂનકારનો સાપ બધાંનો ચોકી પહેરો ભરશે.
આ રાતી રાતી ભોંય
તે પર પડતી કાળી ભૂરી છાંય
શૃંગો ઉપર શ્યામવાદળી ઢોળાવો પર રાતું
જંગલ સાંજે ફરફરતા કોઈ રુમાલ જેવું વાતું
ચાંદનીએ ભીંજાતું...
કેસૂડાં થકી કેસરી વળી શીમળાથી કૈં લાલ
ફૂલો ફળતાં ફરી વળે જંગલ ઉપર વ્હાલ
          સૂનકાર લાગવા છતાં
          અશાન્ત છે આ અરણ્ય આમ તો
          એની ભીતરમાં તો
                   માણસ ડૂબ્યાં
                   યુદ્ધો ડૂબ્યાં
                   દરિયા ડૂબ્યા!
          એક માણસથી વિશેષ કશું જ નથી આ રાન
          લાગે તદ્દન અભાન
          પણ
          હજારો ક્ષણો ગર્ભાધાનની સંગ્રહી બેઠું છે.
          ગર્ભવતી હવાઓ વાય
          છાયાઓ જાંબુડી થાય
          અરણ્ય એટલે નિકટતા
          નરી ખચિતતા!
આદિમ જળની ફેલાયેલી જાળ
જળને જીવતું રાખી રહી શેવાળ
છદ્મવેશમાં ફરતો પ્રાગૈતિહાસિક કાળ!
વૈદર્ભીનેે છોડી અહીંથી નળ ગયો છે
ટળવળતી એ પળ તો જુઓ
સ્વર્ણમૃગના છળથી બીને
તીવ્રગતિએ વહી રહેલું જળ તો જુઓ!
લાક્ષાગૃહનું કાળું કાળું સ્થળ તો જુઓ
જંગલ વચ્ચે સમય રચેલાં છળ તો જુઓ!
          જળને વેશે મૂળને જઈને મળતું કોણ?
          ફૂલો રૂપે ડાળે ડાળે ફળતું કોણ?
          રંગો થઈને દિવસ રાતમાં ભળતું કોણ?
લીલાપીળા દિવસો ને કાળી ધોળી રાત
માંડી બેઠો માનવી અનંતકાળની વાત
ચરણો તો ચાલી જતાં પડી રહે છે ભાત

બારમાસા

| કારતક |

બાંકી બીજના ચન્દ્ર શી નાકે પહેરી નથ
રાતા મીણની પૂતળી નીરખી રહી છે રથ

ઝાકળવંતી રાતમાં જોબનવંતી નાર
ક્રૌંચ યુગલ બોલે બહુ નિર્દય ચાંદાધાર

કુમકુમ પગલાં પાડતા નવજુ નમણા દિન
જળમાં તરસ્યું વેઠતું મનડું જાણે મીન

નવી નવેલી નાયિકા છે પ્હેલી આણાત
ફોરમ ફૂટે દેહથી મ્હેકે પારિજાત

કોડ ભરેલી રાતડી કોડીલો ભરથાર
કોક કામરુદેશની કામણગારી નાર

સોના સરખા દિવસો રૂપા સરખી રાત
દીવા બળતા દેહમાં ઢાંકી ના રે’ વાત

નદીઓ સાથે નીતર્યા કુંવારકાના કોડ
આભે અડવા નીકળે કુંજડીઓની જોડ

જળથી જુદું મન પડી ઝંખે કૂંણો સંગ
આંખો ચાખે આભલું ચાખે સાંજ અનંગ

કન્યા ખીલતી પોયણી પરણ્યો ઘેઘૂર જળ
ચાંદો સૂરજ ચાખવા ‘આ જ ઋતુમાં મળ’

| માગસર |

શમણે ભીની આંખડી ઝાકળ ભીનું ઘાસ
નેહે ભીનાં નેવલાં સુગંધ ભીના શ્વાસ.

મેના મીઠું બોલતી મેડી પ્હેરે રૂપ
પડસાળે પગલાં પડે ચંપા ખીલ્યા ચૂપ

નખમાં નદીઓ નીતરી, તડકો પૂછે ક્ષેમ
ચૂંટી ખણતી સૈયરો - ‘દીવડો બળતો કેમ?’

તાંદુલવરણી રાતડી જાસૂદવરણી જાત
પ્રીતમવરણી આંખડી તાંબુલવરણી વાત

નદીએ સારસ બોલતાં તળમાં દીવા થાય
અડધી ખીલી પોયણી સૂરજથી શરમાય

ઝબૂકે તરુવર આગિયા ચાંદો જળમાં ન્હાય
આઘાં ખેતર ખોરડે નભગંગા ઠલવાય

જોબનચડતી રાતમાં પંખી બોલે ક્યાંક
અનંગ જાગ્યો આપમાં ફફડાવે છે પાંખ

સૂના મ્હોલો સોગઠાં સૂનું મન ચોગમ
દૂર સિતારી વાગતી અંગાંગે સરગમ

| પોષ |

ઉત્તર કેરા વાયરા હેમાળો લૈ વાય
ખરખર વૃક્ષો ખરી પડે થરથર કાંપે કાય

પોષ માસનો પોપટો પીળા વનમાં જાય
વસ્ત્ર વગરની વેદના છાનો છૂપો ગાય

બગલા જેવી ચાંદની વરસે વન મોજાર
તો પણ સુક્કા હોઠ છે કોરી મોરી નાર

નીડથી ચકલી નીકળે દરમાં છૂપે સાપ
કાચાં કૂણાં પોયણાં ઝંખે ઝીણો તાપ

ધુમ્મસ ખેતર ખોરડાં ધુમ્મસ ઊભાં ઝાડ
ધુમ્મસ ટહુકે મોરલા તરતા ધુમ્મસ પ્હાડ

બર્ફે થીજી રાતમાં ઘરના એકલવાસ
રજાઈ ઓઢી પોષની કરવટ બદલે શ્વાસ

નીલુ વરસે આભલું પલળે ઊભા પ્હાડ
પલળે કન્યા પાતળી તડકો પીતાં ઝાડ

આંસુ ખરતાં ઓરડે વગડે ખરતાં પાંદ
કોણ નિસાસા નાખતું ક્ષય પામે છે ચાંદ

પાદર ઊભા પાળિયે દીવે બળતી રાત
આદમ વિણ જાગ્યા કરે ઈવની એકલ જાત

| મહા |

વનમાં ફૂટી કૂંપળો જોવા જૈએ ચાલ
ફૂટ્યાં ફૂલ પલાશને હમણાં અબ્બીહાલ

એક નજર નીરખ્યું તરત પામ્યાં ફૂલો આગ
તરુવર ઊઘડ્યાં આભલે રાતા પ્રગટ્યા રાગ

પંચમ સ્વરમાં ગાય છે કોયલ થૈ કિરતાર
રાતે સૂતાં સેજમાં શમણાં આવ્યાં બાર

હિમસરોવર આંખડી બાણ ચઢાવે કામ
ઘર બધાં ગોકુળ થયાં છલક્યાં ખાલી ઠામ

આંબા મ્હોર્યાં સીમમાં વાટે વગડે ગંધ
મન મ્હોર્યાં નરનારનાં ખૂલ્યાં બારણાં બંધ

મ્હેકી ઊઠ્યા દિવસો ગ્હેકી ઊઠી રાત
મેળો મેળામાં મળ્યો પ્રીત ન પૂછે જાત

સાંજ પડે પાછાં વળે પંખી બીડે પાંખ
ઘરે ગુલાબી આવિયા હવે લૂછશે આંખ

અનંગનો અવતાર છે રાતા પીળા રંગ
તનમનવનમાં જાગતી આગ મરોડે અંગ

જળની સોબત ઝંખતું મનમાં જાગ્યું કોક
દક્ષિણવાયુ નીકળ્યા સંયમ સઘળા ફોક

| ફાગણ |

ફાગણ આવ્યો ને સખી કરે કાનમાં વાત
‘પરણ્યાં આપણ હોત તો સાસરવાસે જાત’

ચૂંટી ખણતી સૈયરો ચૂમી લે ભરથાર
પ્હેલ્લે આણે આવતી નસીબવંતી નાર

અમથી અમથું નીકળે કરતી નેત્રકટાક્ષ
વયમાં આવી ષોડષી ના રહે ઘરે-ગવાક્ષ

ઝીણું ઓઢી ઓઢણું ભાભી ખેલે ફાગ
અંગે ખીલ્યા ખાખરા નસનસ એની આગ

‘કટિ છિન કુચ કઠણ હો’ મદભર જિસ કી બાત
નિર્દે જેનો નર થયો કઠ્ઠણ એની રાત

વનમાં વાંકાં કેસૂડાં ઘરમાં વાંકી નાર
વાંકા શીમૂળ કંટકો પણ બાંકો ભરથાર

આંબે આવી કેરીઓ મેડીએ આણાત
ચાખ્યા જેવા દિવસો સૂંઘ્યા સરખી રાત

રાગે રાતી કૂંપળો આગે રાતે કોડ
જાગ્યે રાતી આંખડી તાંબુલ રાતા હોઠ

કોક વિજોગણ પાળતી પારેવાંની જોડ
છાતીમાં ડુંગર-ડૂમો સામે સૂના મોડ...

| ચૈત્ર |

પીળી ઓઢી ઓઢણી રાતી જેની કોર
ઝાંઝરના ઝણકારથી જાગી ઊઠ્યા થોર

ચંપો મ્હોર્યો આંગણે વાડી વચ્ચે વેલ
આઘા બોલે મોરલા વાંકું બોલે છેલ

તૂરા તૂરા તાપમાં ઉદર કમળ લ્હેરાય
પરદેશીને જોઈને જીવ પછી વ્હેરાય

ગુલમ્હોરોની છાલકે બુલબુલ રાતાં થાય
આંગણ લીંપે કન્યકા ગીત લગ્નનાં ગાય

ચૈતર કેરી ચાંદની મહુડાં કેરો કેફ
શીતળ પણ બાળે બહુ ચંદન કેરા લેપે

ઓખા નામે વારતા લૂણ વગરનાં અન્ન
વ્રત વીંટળાઈ ષોડષી તનથી અળગાં મન્ન

આંબે કેરી ઝૂલતી તૂરો ખાટો સ્વાદ
ચાખ્યા વિણ ચાલે નહીં અંતર જાગ્યો નાદ

મનમાં ફૂટ્યા ઓરતા વનવગડામાં પાન
કાળી કોયલ ગાય છે રાતું રાતું ગાન

વનમાં વાયુ નીકળ્યા ઊડવા લાગ્યાં ઝાડ
પંખી થઈ ઊડ્યા કરે ઘરની સામે પ્હાડ

| વૈશાખ |

કુમકુમ લખી કંકોતરી ગુલમહોરોની ડાળ
પાદર પડઘમ વાગતાં મનને પડતી ફાળ

ગરમાળાના દેશમાં લૂમે ઝૂમે ફૂલ
કન્યાને પીઠી ચડે ગુલાલવરણી ધૂળ

બોલે કોયલ બ્હાવરી આંગણ આંબા ઝાડ
ગોરજવેળા ટળવળે ટહુકા પીવા પ્હાડ

કો’ છૂંદાવે મોરલા કોક ઉછેરે ગ્હેક
કો’ સજાવે માંડવા કોક પાળતું મ્હેક

વનમાં વાતા વાયરા જનમાં એની ચોટ
ઊડે સાફા-ચૂંદડી ઉત્સુક રાતા હોઠ

મેંદી મૂકી હાથમાં કોણ નીરખતું વાટ
રજ વળી રત્નો ઉપર કણસે સૂની ખાટ

કાચી કેરી ખટમીઠી ખાવા મન લલચાય
સાખ થતાં ચાખે સૂડો મૂરખ ફેરા ખાય

દૂર રણકતા ઘૂઘરા ફળિયે વાગે ઢોલ
મોંઘાં તોરણ ચાકળા એથી મોંઘા બોલ

વેલ્ય ગઈ વેળા ગઈ શોભા લૈ ચૂપચાપ
આંગણ ઊભાં એકલાં સૂનમૂન મા ને બાપ

| જેઠ |

બરછટ બુઠ્ઠો કાગડો પણ બાંધે છે નીડ
ઊડે ઘરનું છાપરું એ નારીની પીડ

ભીડ પડી ભાંગી નહીં વળતી શાની આશ
રોજ ઊઠે છે આંધીઓ પણ જીવડો નિરાશ

ધૂળમાં ચકલી ન્હાય ને મનમાં ઘણું યે થાય
સુગરી માળો ગૂંથતી એને ‘દિવસો જાય’

વટપૂજન વ્રત પાળતી નારીને સંદેહ
ક્યાં છે બંધન પ્રેમનાં શેં દૂઝતા વ્રેહ

લમણા શેકી નાખતી ઘર લગ વાતી લૂ
વાદળ વ્હેલા પો’રનાં બપોર થતાંમાં છૂ

આઠમ ને એકાદશી નિર્જળ છે ઉપવાસ
દુઃખનું ઓસડ દિવસો મુખ જોયાની આશ

વગડા શાં વેરાન છે ઘર ખેતર ને ગામ
નર નારીના સંગને નોખો કરતો ઘામ

આવળ બાવળ બોરડી સુક્કાં કાંટા ઝાડ
દબાઈને ડૂસકાં થયા વર્ષા વિના પ્હાડ

સૂનાં ખેતર કેડીઓ વિહગ વછોઈ વાડ
સૂનાં મેડી સોગઠાં ખાલીખમ ચોપાડ

| અષાઢ |

માથે ગાજે મેવલો ડસ ડસ ડારે વીજ
‘આષાઢે અમ આવશું’ આવો, આવી બીજ

ઊંડો ઊંડો ગાજતો સમી સાંજનો મેઘ
ગયા ગુલાબી ચાકરી ઘરમાં ઝૂરે તેગ

નવલખ ધારે આભલાં ઝીણી ધારે નાર
બેઉ થકી બચવું ઘણું અઘરું છે આ વાર

કણ કણ ઊગે ઓરતા પળપળ ફૂટે પાંખ
જળ જળ માયા ઝળહળે જોતી જળની આંખ

મઘ મઘ માટી મ્હેકતી રગ રગ હળ હંકાય
નિર્મળ કન્યા કોડ લૈ વ્રત ઊજવવા જાય

કાજળ કાળો મેઘ છે જાણે યમનો વેશ
નારી! કાળા મેઘથી પણ કાળા તવ કેશ

ઝળહળ જળની છાલકે હભળક જાગ્યા થોર
સોડમ સૂણી માટીની વળતું બોલ્યા મોર

ઝરણે ઝાંઝર પ્હેરિયાં નદીએ પ્હેર્યાં નીર
ઓસરીઓ ઊભી રહી જળનાં પ્હેરી ચીર

જાગ્યા વીંછી જાતથી દરથી નીકળ્યા સાપ
ફુત્કારે, વીંટળાય બે પણ ના શમતો તાપ

પાસે પાસે આવતા પરમેશ્વરના રથ
દ્વાર ઉઘાડી દોડિયાં તો નીકળ્યો મન્મથ

| શ્રાવણ |

ઊતર્યાં દેવો આભથી ચારે બાજુ વાસ
અડકો દડકો રમ્યા કરે તડકા સાથે ઘાસ

દિવસે ઊઘડે પોયણાં સાંજે મનનાં દ્વાર
ફૂલ રાતું મધરાતનું લૈ જાતું ઓ પાર

મેઘે આંજી આંખડી જોબન મેળે જાય
કોક રિસાયું ખેતરે મનડું બહુ પસ્તાય

લીલી ઓઢી ઓઢણી પીળી પાવા જોડ
છેલ છોગાળી પાઘડી હૈયાં બકતાં હોડ

વળી વળી વરસ્યા કરે તરુવર તડકો મેહ
સાદ પાડતા ડુંગરો નદીઓ નરદમ નેહ

પવન ચકોરી ચેતના ચંચળ છે ચગડોળ
ચંચળ નારી મોરલા બોલે વિહ્વળ બોલ

જળને વાચા ફૂટતી જળને ઊગ્યા નખ
જળની કરવત કાપતી જળથી જળનાં દખ

રતિ સુંવાળા વાયરા મખમલિયો અંધાર
ઢળતી રાતે ન્હાય છે નેવાં નીચે નાર

કાચી ભીંતો ઓગળી ઊગી આવ્યું ઘાસ
પર્વત પાદર ઘર સુધી પતંગિયાંનો વાસ

| ભાદરવો |

ભાદરવાનો ભાર લઈ ગાંડો ગાજે મેહ
ગર્જે પણ વરસે નહીં પ્રેમ પુરુષનો છેહ

કાચિંડા ટાઢા પડ્યા થયા અધીરા સાપ
કાળી નાગણ નીકળે લીલો વખ ઉત્તાપ

વ્હાલા લાગે વાયરા ખાવી ગમતી ખીર
ભૂખી રતિની ઋતુઓ છોડે તાતાં તીર

આકુળ વ્યાકુળ શ્વાન છે દૂધે આવ્યાં ધાન
તડકો ભડકો છે હવે જળ પણ બદલે વાન

ઘાસ ભર્યા મેદાનમાં મદમાં ચરતાં ઢોર
વાગે પાવા પાદરે ટહુકે ટાંક્યા મોર

કાળાં જંગલ ઝાડવાં કાળાં નારી-નેણ
કાળાં ડુંગર-વાદળો કાળાં કામણ ક્હેણ

બોલે બેસી કાગડો ઘરને નેવે રોજ
વહુવારુને સાંભરે પરણ્યો રાજા ભોજ

રંગ બદલતું આભલું પ્હેરી લૈને કાય
સાંજ પડે સાગર તટે મળવાનું મન થાય

ભૂત બની સ્મરણો પીડે ભૂવા વિણ શી વાત
પાળ્યો વીંછી કાળવો ડંખ્યા કરતો રાત

| આસો |

ઝાંઝર પ્હેરી દોડતી ખળે ખેતરે વેળ
ઊભા ખેડુ આંબલા નારી ઊભી કેળ

તાંબાવરણા તાપમાં મદમાતી બપ્પોર
પાક્યાં ખેતર શાળનાં સુગંધનો શો તોર

સમાં સૂતરાં ઊતર્યાં માટીનાં ઓધાન
આંખે જોણાં ઊભર્યાં નારી માગે માન

વસ્ત્ર બદલતા દિવસો રાત બદલતી રૂપ
દર્પણવત્ કાસારમાં ચાંદો પેઠો ચૂપ

પીળી ઊડે પામરી પીળા ઊડે ધૂપ
પીળી પ્હેરી પાઘડી ફરવા નીકળે ભૂપ

રાધા સઘળી નારીઓ યુવક અમથો કા’ન
સમજી જાતાં સાનમાં વૃંદાવનનું ગાન

ડેરા ઊઠ્યા આભથી વાદળ વળિયાં ઘેર
ઊઘડી પારિજાતમાં માટી કેરી મ્હેર

વાડે પાકી ચણોઠીઓ મનમાં પાકી વાત
નરનારી નરવાં થઈ રમતાં સારી રાત

દીવા ઝબક્યા આંગણે ઊતરી આવ્યું આભ
ઘરમાં જાગે ગોઠડી દ્વારે શુભ ને લાભ

પોળોનાં જંગલોમાં

કૂંપળની ભાષામાં
જંગલ બોલ્યું
તન તરણાંનું ડોલ્યું
ઝરણાએ મોં ખોલ્યું

કેશ કર્યા છે ખુલ્લા કોણે? જંગલ વચ્ચે રાત પડી
ચાંદો પ્હેરી કોણ ગયું કે રસ્તે રસ્તે નક્ષત્રોની ભાત પડી!

ઢાળ ઉપરથી દદડે પ્હાડ
ઝીલવા ઊભાં ઝાડ
કાળું જંગલ
ઊંડાણોમાં નાખે ત્રાડ
આભ ઊતરતું કોણ નીતરતું?
ખીણ વચાળે વાદળ તરતું
જ્યોત સમી ઝળહળતી કેડી ઉપર
દમયંતીના મત્સ્ય સમાણું
ભીતરમાંથી કોણ જાય એ સરતું?
ભારે પગલાં ભરતું!

કાળાં વાદળ વચ્ચે ઊડે રાજહંસની જોડી,
ચૌદ ચૌદ વર્ષોની સૂની ઊર્મિલાની
એકલતાને કોણ ગયું અહીં ખોડી?
આ હરણાં ઝરણાં તરણાં ચાલે
જંગલ વચ્ચે જંગલ મ્હાલે
ગંધ ઘૂંટાતી પગલે પગલે
શ્વાસે શ્વાસે અરણ્ય ફાલે

પવન પાતળો વનરાજીમાં બૂડે
ધ્રાણ મહીં મ્હેંકાતી મઘમઘ
કેશરાજીઓ ઊડે!

જળવેલાને પરપોટાનાં ફૂલો
આંખો ઊઘડી શતસહસ્ત્ર કન્યાઓની
લીલપનાં અજવાળાં ઝૂલો

આ હવા મહીંથી કોનું કહેશો હરણ થયું છે
લક્ષ્મણ-રેખા ભૂંસી કોણે?
જંગલ વીંધી રાતું રાતું કોણ ગયું છે?

પહાડો વીંધી જંગલ નીકળે
કલરવ પહેરી કિરણો નીકળે
વૃક્ષે વૃક્ષે વાચા ફૂટે
ત્રાડ થકી પાતાળો તૂટે

સુકાતું સુકાતું જળમાં ખૂટે છે એ કોણ!
ટહુકો થઈને પંખીમાંથી છૂટે છે એ કોણ!

પૂર્વ દિશામાં રાતો સળગે ફાગ
તરુવર તરુવર કોણે મૂકી આગ?
પશ્ચિમમાં પીળા ગરમાળા ઝૂલે
શીમળાઓમાં કોની કાયા–
હિમદિશા થૈ ખૂલે!
દક્ષિણમાં બાવળિયા બળતા
વૃક્ષે વૃક્ષે દિવસો ઢળતા!
ચિત્કારો ફળફળતા!

યુધિષ્ઠિરોના પીતાંબર શો તડકો વરસે
કરાડ કોતરે કાન માંડીને સાંભળીએ તો–
બાર વરસનાં વનવાસીઓ કણસે
અયુત વર્ષનું મૌન સત્યને તરસે!

શિલ્પો ઉપર ઊગ્યા પીપળા અઢળક
નગર હતું ક્યાં? ક્યાં ગઈ ખલક?
સદીઓ પ્હેરી ઊભાં ઝાડ, ઘટાઓ,
સૂરજને સપડાવે ભરચક જાળ-જટાઓ!

લીલી કથ્થાઈ મ્હેંક
શ્યામ વાદળી ગ્હેંક
નદીઓ દર્પણ!
વેરણછેરણ પડ્યા પાળિયા
ક્યાં છે ખાંપણ?
ફૂટી ગયું સ્વ-અર્પણ?

‘વંનપર્વ-’નું વંન દીસે આ!
કોનો વિરહ હજી ભીંસે આ?
કેટકેટલા કાળ તણો અહીં હાસ રઝળતો
ક્યાંક ઘટામાં ક્યાંક ગર્ભમાં
સદીઓનો ઇતિહાસ રઝળતો!

‘લીલો ઘોડો ઊડી ગયો ને પડી રહી તલવાર’
કંઈ યુગો થયા ને કંઈ યુગોથી
જંગલ વચ્ચે જંગલ વરસે અનરાધાર!

પ્રેયસી : એક અરણ્યાનુભૂતિ

તું નિબિડ અરણ્ય
ધરતીની છાતી પર ફૂટેલાં
બદામરંગી બે શૃંગો તું,
વૃક્ષોનો ચંદનવર્ણો વ્યાપ,
લીલાકચ ઝેરનો દરિયો તું
તું કંટકવાળું લોહી
રુક્ષ ખાલ પર,
તારા હોઠથી સરેલા શબ્દો જ
દવની શિખાઓ છે,
શાખાઓ તારી આંગળીઓ
હથેલી : પાંદડાં,
તું વૃક્ષોને વીંટળાય
આગિયાઓ થઈ થઈને,
સૂતેલા પ્હાડો તારાં પડખાં
ઊરુઓ ખીણોમાં ઢળતા ઢાલ
કંપાવી દે મારાં પાતાળને
એ પ્રજ્વલિત ભૂમિ તે તું જ....
તારી છાતીનાં પંખીઓ ઊડે
બૂડે ટેકરીઓ છાતીમાં
કુંવારી ધરા સુખડગંધી–
તારી કાયાનો તરભેટો!
ને ભરડો લેતી કટિમેખલા નદીનું
વ્યગ્ર-વિવશ વહેવું એટલે તું,
નિર્મળ્ નિર્ઝરના
તળિયે ઝગમગતી
તારી આંખો-કૂકા
ઉ૫૨ તારાં તડકિત ઉન્નત શૃંગો
ને પાતાળમાં યજ્ઞવેદી
તું પ્રગટું પ્રગટું થતી આગ,
વૃક્ષોને આલિંગતી
નજર લોહીલુહાણ,
તું વૃક્ષોની ટશર
રુક્ષ પવનો રમે કેશમાં
તારી ઉચ્છ્વાસિત હવા
રીંછ થઈ રસ્તા સૂંઘે,
ડોલતા તરુઓનો કેફ તું....
તું ગંધની ખરબચડી ટેકરીઓ
શમણામાં સૂર્યોદય થાય
ને ખીણોમાં ઝરણાં ફૂટે!
પછી સવારે
ખળખળ વહેવા માંડે અરણ્ય
ખળખળ વહેવા માંડે તું–
આ અરણ્યથી
તે અરણ્ય સુધી...

તમે ઘેર નથી

વાડ પર બેસીને દૈયડ ગાય છે
વાડના કાંટાઓ એનાથી સુંવાળા થાય છે
ને તમે ઘેર નથી...

બારીમાંથી મધુમાલતીની વેલ અંદર આવે છે
ભીંતો ઓરડાઓ મહેક મહેક થાય છે
ને તમે ઘેર નથી...

ચાંદની આવીને પથારીમાં બેસે છે, પછી –
સૂનમૂન પંખી પણ કલરવતું થાય છે
ને તમે ઘેર નથી...

કેટલા દિવસો પછી એક પતંગિયું
આજે આવ્યું છે ઘરમાં ને
ફરફરે છે હવા શું બધબધે
કણકણમાં કોઈ રણઝણ રણઝણ રણઝણે છે
ને તમે ઘેર નથી...

પહેલો વરસાદ અને માટી પણ મહેક મહેક
છાતીમાં આરપાર મારમાર
તારતાર વાછંટો વાય છે
ને તમે ઘેર નથી...

શ્રાવણમાં ભીંજાતા તડકાઓ સંગાથે
આખુંયે ઘર હવે ઓગળતું જાય છે
ને તમે ઘેર નથી...

વેલાથી લીલેરી વાડ ખુદ ગાય છે
કે તમે ધેર નથી...

શું હોય છે પિતાજી...?

તે દિવસે ક્યારીમાં પાણી વાળતા
વિધુર પિતાજીની આંખોમાં
ઉચાણે નહિ પલળેલી માટી જેવી
ગોરાડું રેતાળ લાગણીઓ જોઈને
ભૂલી ગયો હતો કાળી ભૂખ...

ઓતરાચીતરાના નિષ્ઠુર તડકાની
વાઘ જેવી વેળામાં સોનાવરણી ડાંગરનું–
ગાડું ભરતા પિતાજીની એકલતા જોઈને
જલદી જલદી મોટા થવાનું મન થયું હતું...

ખેતર ખેડીને ઘેર આવતા
થાકેલા દિવસના પડછાયાની આંખોમાં
રસોડામાં નહિ સળગેલા ચૂલાનો ખાલીપો
અને તમ્બાકુ પીવાની તલબઃ
જોવાતાં – જીરવાનાં ન્હોતાં
મને ખીચડી રાંધતાં ને
‘હુક્કો ભરી આપતાં’ અમસ્થું નથી આવડ્યું!

જે જાણે છે તે જ જાણે છે -
અભાવોના કાફલાઓને આવતા રોકવા
અહોરાત જટાયુની જેમ ઝૂઝતા પિતાને -
વ્હાલ કરવા જેટલો વખત જ નથી હોતો...
ભાવથી ભરપૂર -
પ્રમાણી શકાતા નથી પિતાને
એ તો હોય છે રાખ વળેલો અંગારો
અંદરથી બળબળતો
ખોળો ઝંખતો ટળવળતો તીખારો...
થંભ પીગળે તો ઘર ટકે કેવી રીતે?
- એ લાગણીઓને સમજાતાં વાર લાગે છે!
ભીના વિસ્તારમાં ઝાડને પાણી લાગે છે -
એવા ઝાડની જેમ –
ધીમે ધીમે સુક્કાતા જતા પિતાને મેં જોયા છે...

પડસાળમાં બેઠેલા પિતાજીની આંખોમાં
ઝળઝળિયાં થઈને વહી ગયેલાં વર્ષો જોયાં
હતાં...
મા શું હોય છે?
એ તો એની હયાતીમાં જ સમજાઈ જાય છે..
પરંતુ
પિતાજી શું હોય છે? –
એ તો એમના ગયા પછી જ
સમજાય તો સમજાય કોઈકને...!!

વળી વતનમાં

પાછો આવી ગયો છું,
મારાં સીમવગડામાં
બહુ ઊંડા ચાસ પાડી ગયા છે મારામાં, તે -
ખેતરો પૂછે છે કે કોતરો ક્યાંથી લાવ્યો? હેં?
ભલા માણસ!
બહુ દૂર નીકળી ગયો હતો?
ઉષર માટીમાં કશું ઊગતું નથી, જાણે છે ને!

પછી તો કૂવાનાં પાણી કબૂતર થૈને બોલ્યાં
કૂંપળમાં વૃક્ષોએ કાળજાં ખોલ્યાં
જતી વળતી કેડીઓની
કરકરિયાળી ધૂળ વ્હાલથી વળગી પડી...

મા-ની ગેરહાજરીમાં
શેઢાઓએ મને ખોળામાં બેસાડ્યો
તડકો તેતર થૈને રમવા આવ્યો
સસલાં ચાંદની લઈ આવ્યાં...
ષોડષીના ગવન શો પવન ફરફર્યો
માથાબોળ નાહેલી સાંજનાં
સૂનાં અંધારાં મને ઘેરી વળ્યાં
તરસ્યાં ખેતરો તડપી ઊઠ્યાં રોમેરોમ...
ખેડેલાં ખેતરોમાં તરફેણો ફરે એમ
ઋતુઓ ફરી વળી લોહીમાં...

પુનઃ
હું તરસી ઊઠ્યો -
પીઠ પસવારતા મા-ના હાથ માટે!
પાંપણ પાંદડે મોતી લૈને -
સવાર
મારી સામે પાછી ઊભી રહી ગઈ!

હોવાપણું

છીએ ત્યારથી જ
ચાલે છે કરવત શ્વાસની જેમ
તે જતીય વ્હેરે ને વળતીય વ્હેરે
કાશી જવાની જરૂર જ ન પડી
આપણે તો ઠેર ના ઠેર
ભોળા ભામણ-જીવને ઘણુંય કઠે કે –
ઘેરના ઘેર ને ભૈડકાભેર

છીએ એ ગઢ કાળવો – બિકાળવો
કાઠો ને કપરો આકરો અને અઘરો
ઝવરો ખાપરોય થાકી જાય
એવો ચાલે છે કૅર
ઠેર ઠેર માલીપા મલકમાં
ચાંપાનેરનાં ખંડેરો જેવા દિવસો
ને રાતો પાવાગઢ પ્હાડ જેવી
જાતને ઝાડ જેવી બનાવવા સારુ
માટી ને મેઘ બહુયે મથ્યાં
પણ –
બળીઝળી કૂંપળ પછી –
ક્યારેય કળી ન થઈ શકી!!

ગઝલ

છાંયડાની શી ખખર આકાશ ઊંચા તાડને?
એ વિશે તું પૂછ જઈને લીમડાના ઝાડને!

કૃષ્ણની ખાતર હું મારું સ્વપ્ન એ કહેતો નથી :
તર્જની પર ઊંચકું છું હું ઇડરના પ્હાડને!

ઓઢણીને કન્યકાએ સૂકવી છે નાહીને
એટલે રોમાંચ લીલો થઈ રહ્યો છે વાડને!

જા નદી તું પ્હાડ તોડી જા હવે સાગર ભણી
કોણ ઉવેખી શક્યું છે આંખ બાંધી આડને?

લીલાશ ધોખો દઈ અને ચાલી ગઈ કોરી કડાક!
મન મનાવ્યું : શું કરે વરસાદ સૂકા ઝાડને?

છેલ્લીવેલ્લી બોલ હવે તારી અપેક્ષા છે કઈ!
કોઈ નહીં રોકી શકે મારી થડકતી નાડને!

સંવનન

(શિખરિણી)

મકાઈનું લીલું-હરિત વરણું ખેતર તમે
બની આવ્યાં મારી ખળખળ વિનાની નજરમાં;
સૂકા શેઢાનું હું તણખલું હતો, ઘાસ-લીલવું
તમારી આંખોનો પલક પવને થૈ ઝૂમી ઊઠ્યો!
હવે હું હાંકું છું હળ-બળદ, શો પીત તડકો!
તમે ત્યાં છીંડેથી મખમલ સમી કાય, સ્મિત લઈ
વળો આ બાજુ ત્યાં અમથું અમથું ગાઈ ઊઠતો!
મને બોલાવો છો ટીમણ કરવા, સ્હેજ શરમે
નવાં છો તેથી તો થડકી થડકી સીમ નીરખો–
રખે કોઈ જુવે! પણ અવશ આંખો મરકતાં–
તમારી છાતીમાં ડગુમગુ થતું કૈં અનુભવી
તમારી કંકુ-શી નજર ઢળી જતી : પાસ સરકું!
તમે મીંચો આંખો, નસનસ મહીં શોય થડકો
ઝળૂંબી પીતો હું સીમ-ચસચસી રૂપ-તડકો!

માણસ ઉર્ફે મણિલાલાખ્યાન

આ મણિલાલ એ કોણ હશે?
મણિલાલમાં વણખેડેલું ખેતર સૂતું સદીઓ ઓઢી,
મણિલાલની માટી ઝૂરે તરસે!
આ મણિલાલને ખેડ્યો હોય તો કેવું લાગે?
આમ જુઓ તો મણિલાલ તો વ્હેળા જેવો
ઝરણાં જેવો હરણાં જેવો તરણાં જેવો તરબતરિયો!
મણિલાલમાં કોયલ બોલે કાળી
મણિલાલમાં ઊભા શ્રીવનમાળી!

મણિલાલને મળવું છે તો બેસો,
જોકે મણિલાલને મળવું અઘરું
મણિલાલમાં ભળવું અઘરું
અઘરું અને કળવું,
એનામાંથી અઘરું પાછાં વળવું!
મણિલાલ તો અર્થો ચાવે શબ્દો પીએ
આ મણિલાલને મળવા નદીઓ રુવે!
મણિલાલ તો સૂકા ઘાસની ગંજી
મણિલાલ તો ખોબેખોબા આગ
આ મણિલાલને સળગાવો તો કેવું લાગે?

મણિલાલ તો સ્વપ્ન વગરનો પ્રેમ -
કે પ્રેમ વગરનું સપનું છે?!!
મણિલાલ તો સાગર છે રઘવાયો
એના કાંઠા ઉપર
સ્પર્શ ભરેલાં રોમાંચોનાં વ્હાણ ઊભાં છે,
મણિલાલમાં જંગલ ફરતું
વાદળ તરતું,
મણિલાલને ચાખો તો એ ખારો ખારો લાગે!
આ મણિલાલમાં વૃક્ષો ઊગે, ખરે પાંદડાં!
પુષ્પો ખીલે, ઝાકળ ઝૂલે...
પણ મણિલાલમાં મોટે ભાગે મૃગજળ ભમતાં લાગે!
આમ જુઓ તો મણિલાલ છે સાવ ઉદાસી
તાજો તાજો લાગે, પાછો વાસી વાસી!
આ મણિલાલને સૂંઘો તો સુંવાળો લાગે
મણિલાલમાં ઊંઘો તો બાવળિયા વાગે!
મણિલાલ તો અફવાઓમાં મળે
સવાર સાંજમાં ઢળે,
મણિલાલ તો માણસપાડી ચીસ
મણિલાલ પર સૌને રીસ!
મણિલાલને આવે ના મંજરીઓ
મણિલાલને માટે તોયે કન્યાઓ વ્રત કરતી!
મણિલાલમાં મોસમ જેવું કશું નથી
પણ મણિલાલમાં થાકીપાકી સદીઓ સૂતી છે!
મણિલાલમાં પરિસ્થિતિના તપે થાંભલા
એ પર કીડીઓની ના હાર,
મણિલાલનો તડાક થાંભલો ક્યાંથી તૂટે!
મણિલાલમાં શલ્યા થૈને અહલ્યા સૂતી હશે?
કે મણિલાલની પદરજ માટે કોક ઝૂરતું હશે?
મણિલાલ તો પડછાયો છે, પડઘા જેવો!
મણિલાલ તો પથ્થર ઉપર પાણી
મણિલાલ તો પયગંબરની વાણી!
મણિલાલ તો આમ જુઓ તો કશે નથી ને કશું નથી!
જોકે મણિલાલને મળવા માટે
ચાંદો સૂરજ ભમી રહ્યા છે,
ઝરણાં થૈને ઝમી રહ્યા છે પહાડો!
મણિલાલને મળવા માટે સુખ બિચારું ઝૂરે...
મણિલાલમાં ઝૂરી રહ્યો છે માણસભૂખ્યો માણસ!
મણિલાલમાં મણિલાલ પણ ક્યાં મળે છે?
મણિલાલને મળવા માટે ટોળાં ઊભાં આંસુ લૂછે,
મણિલાલને મળવું હોય તો બેસો
જોકે
મણિલાલને મળવા માટે
મણિલાલ પણ ટોળું થૈને ઊભો છે.

આ-ગમન પછી

(શિખરિણી-સૉનેટ)

પરોઢે આવેલા સપન સમ આવ્યા પિયુ તમે
અહીં મારે ઘેરે, સ્વજન વચ હું એકલ ઊભી–
કમાડે અંઢેલી, નયનજલ રોકી નવ શકી :
રડી હર્ષે હું વા વિરહ-દુઃખ? -જાણી નવ શકી

તમે આવ્યા ત્યારે મૂક રહી કશું યે નવ કહ્યું;
ન જોયું પૂરું મેં તવ મુખ અને પાંપણ ઢળી
હતું હૈયે એવું કર પકડશો, કૈંક પૂછશો ...
ઉવેખી લજ્જાને સ્વજન વચ એ ય નવ થયું!
વિના બોલ્યા, ચાલ્યા? કશું પણ કથ્થું નૈ નજરથી?
તમે આવ્યા શું ને પ્રિયતમ ગયા એ ય શમણું!

સવારે ઊઠું ને પગથી પરનાં ચૂપ પગલાં
થઈ સાચાં મારા વિરહકૃશ પાદે ચચરતાં :
રડી આંખો ધોઉં, શિશિર ઋતુમાં અંગ સળગે
તમે? ના... ના, સૂના પથનજરને આવી વળગે!

ગામ જવાની હઠ છોડી દે

(ગઝલ ગાન)

બાની સાથે ગયું બાળપણ ગામ જવાની હઠ છોડી દે
વસતિ વચ્ચે વિસ્તરતું રણ ગામ જવાની હઠ છોડી દે

બન્યો ડેમ ને નદી સૂકાઈ ગામ જવાની હઠ છોડી દે
ખેતર વૃક્ષો ગયાં કપાઈ ગામ જવાની હઠ છોડી દે

ચોરો તૂટ્યો ગયા પાળિયા ગામ જવાની હઠ છોડી દે
નથી ગોખલા બચ્યા આળિયા ગામ જવાની હઠ છોડી દે

નથી વાવતા ભાઈ મકાઈ ગામ જવાની હઠ છોડી દે
લોહી ખરું પણ નથી સગાઈ ગામ જવાની હઠ છોડી દે

નથી ઓટલે ભીંતે ઓકળી ગામ જવાની હઠ છોડી દે
સગપણ ભૂલી પ્રજા મોકળી ગામ જવાની હઠ છોડી દે

પાદર રસ્તા નામ પૂછશે ગામ જવાની હઠ છોડી દે
કોનું છે ભૈ કામ પૂછશે ગામ જવાની હઠ છોડી દે

સગાં અને સગપણ સૌ છૂટ્યાં ગામ જવાની હઠ છોડી દે
ખેતર સાથે અંજળ ખૂટ્યાં ગામ જવાની હઠ છોડી દે

તને કોકનાં વેણ વાગશે ગામ જવાની હઠ છોડી દે
વાતવાતમાં દુઃખ લાગશે ગામ જવાની હઠ છોડી દે

આંબા રાયણ મહુડા ક્યાં છે? ગામ જવાની હઠ છોડી દે
નોંધારી ટેકરીઓ ત્યાં છે ગામ જવાની હઠ છોડી દે

ગયા સોબતી ના રહી શાળા ગામ જવાની હઠ છોડી દે
બધા લોક શીખ્યા સરવાળા ગામ જવાની હઠ છોડી દે

નથી નેળિયાં સડકો થૈ ગૈ ગામ જવાની હઠ છોડી દે
એક સીમ પણ ધોખો દૈ ગૈ ગામ જવાની હઠ છોડી દે

છાશ રોટલો ગયાં વસૂકી ગામ જવાની હઠ છોડી દે
માટીએ પણ માયા મૂકી ગામ જવાની હઠ છોડી દે

કેડીનું ગીત

                  સૈ હું તો વગડામાં વહી જતી કેડી...
રૂપ મારું વાયરાની લ્હેરખીઃ હોય જાણે વાંસળીએ કોક ધૂન છેડી
                           સૈ હું તો આઘા મલકની કેડી...

                  મારગ મેલીને હું તો ફંટાતી ચાલતી
                  સીમાડે સીમાડે મસ્તીમાં મ્હાલતી
ડુંગરની કેડ્યે વીંટળાઉં અને ઘાટીલી ટેકરીઓ લ્યે મને તેડી
                           સૈ હું તો હૈયાં બ્હેલાવતી કેડી...

                  કેટલાંય ગામોનાં પાદર બોલાવતાં
                  સુંવાળા રસ્તાઓ શમણામાં આવતા
જાય મારી બલ્લા! જ્યાં પથ્થરમાં કોરેલાં હોય બધાં માઢ અને મેડી
                           સૈ હું તો ભવભવની કેડી...

ચોમાસું : ગીત

ફળિયામાં પાદરમાં સીમ અને વગડામાં ચોમાસું બેકાબૂ રાનમાં
દોમદોમ માટીની સાહ્યબી લીલપ થૈ ઝૂલે છે વરણાગી પાનમાં

         ભાઈ હવે ઓરે છે નેહ નર્યો ચાસમાં
         ઓળઘોળ ગામ અને સીમ સાવ પાસમાં
         આખ્ખું આકાશ પણે આળોટે ઘાસમાં

પહાડો મન મૂકી ઓગળતા આવ્યા, લ્યે! ઝરણાંના ગાનમાં
દોમદોમ માટીની સાહ્યબી લીલપ થૈ ઝૂલે છે વરણાગી પાનમાં

         કોક મને બોલાવે વાદળમાં પ્હાડમાં
         મન મારું મસ્ત અહીં વેલા ને વાડમાં
         વૃક્ષોનું ગામ ઘડી ડોલે છે તાડમાં.

ખીણોમાં ઊછળતી કુંવારી નદીઓ, લ્યો! આવી પૂગી રે મેદાનમાં
ફળિયામાં પાદરમાં સીમ અને વગડામાં ચોમાસું બેકાબૂ રાનમાં...

કણબી કાવ્ય

કણબીની વિયાઈ ભેંસ અને આવ્યો છે પાડો
ખેતરથી ઘેર જતાં કણબીને ઊતર્યો છે સાપ એક આડો

ચ્હેરાના અજવાળે રોટલા ઘડતી પટલાણીબાઈ ફાટફાટ રોતી
દીકરા વિનાના સાવ નોંધારા આયખાને પડુંપડું ઊભેલું જોતી
પટલાણી જોવાને ઝંખતી’તી ઝાડભર્યા પ્હાડો
ખેતરથી ઘેર જતાં કણબીને ઊતર્યો છે સાપ એક આડો

ઢંઢેરો પીટાયો ગામમાં કે વણજારો પોઠ ભરી આવ્યો
લેવાનું મન છતાં લીધી લેવાય નહિ એવી એ કઈ વસ લાવ્યો
જીવતરમાં ધાડ પડી તોય નથી સંભળાતી રાડો
કણબીની વિયાઈ ભેંસ અને આવ્યો છે પાડો

પાણી ના હોય એવા કૂવાને કેમ કરી કહેવાનો કૂવો
કેળ સમી ઊભી છે લ્હેરાતી પટલાણી તોય, તમે જુઓ
ઊંચી છે ન્યાત મહીં આબરૂ ને મોટો છે વાડો
ખેતરથી ઘેર જતા કણબીને ઊતર્યાં છે સાપ એક આડો

કણબીની વિયાઈ ભેંસ અને આવ્યો છે પાડો...

અવસર

ડાળ ડાળથી ખરી જવાના અવસર આવ્યા
કૂંપળ સુધી ફરી જવાના અવસર આવ્યા
ખેતર ખેતર તેતર રમતાં દીઠાં પાછાં
વગડા વેર વરી જવાના અવસર આવ્યા
માટીમાં મન રોપ્યું’ તું મેં કો’ક સવારે
જળ સંગે ત્યાં સરી જવાના અવસર આવ્યા
ફાંટ ભરીને ઋતુઓ લાવી ખળે ખેતરે
એ તડકાઓ તરી જવાના અવસર આવ્યા
વૃક્ષે વૃક્ષે સાદ પાડતી નીરવતા લ્યો
વાત કાનમાં કરી જવાના અવસર આવ્યા
વયની ડાળે કાચી કેરી લૂમે ઝૂમે
વેળા એંઠી કરી જવાના અવસર આવ્યા
દૂર સીમમાં કો’ક ગાય છે ગીત ગગનનું
હરિવર અમને હરી જવાના અવસર આવ્યા
જળમાં, તળમાં, દીવા બળતા દશે દિશામાં
દૂર મલકમાં ફરી જવાના અવસર આવ્યા

પટેલભાઈ

         સમજણમાં ભોળા ને કાળજાના કાચા, પટેલભાઈ
         વાણીથી વાંકા ને રગરગથી સાચા પટેલભાઈ

કાળઝાળ કાળી મજૂરી કરી ભરવાનાં દેવાં તે એમ તમે જિન્દગી ન જાણી
રોટલાના જેવું છે બૈરીનું મોઢું ને ઉપરથી બળદોને જોઈ ચઢે પોશ પોશ પાણી
વાણિયાના વિશ્વાસે હાલે છે વ્હાણ તમે ટેસથી ખાધા કરો છો રોજ ધાણી

         તમે ફૂગ્ગો થઈ ફૂલ્યા ને શઢ જેમ ખૂલ્યા; પટેલભાઈ
         મેળાની જેમ, તમે ઋતુ આવી ને સાવ ઉલ્યા, પટેલભાઈ

ગોફણના પથ્થરની જેમ રહે ફેંકાતું આયખું આ ફેંકાવું કોણ છે, બોલો
કણબણની ઇચ્છાઓ રાહ જોઈ પથ્થર થઈ જાય, એમ બોલે છે હોલો
ઘૂઘરાઓ બાંધની આવે અંધારું ઘેર, કોક જાગો રે, જાગો રે, બારણાં ખોલો

         માટીના મોર વિશે પટલાણી પૂછે, પટેલભાઈ
         આણાની રાત કોણે આંસુઓ લૂછે, પટેલભાઈ

ખેતરના શેઢાની જેમ વ્હાલ લંબાવે હાથ કૈંક કંકણને સમજો તો સારું
રાતા ગવનમાં ધ્રુજે છે આભલાનાં આભ એના પાણીને ચાખો તો ખારું
લાપસીના આંધણ મૂકીને પૂછે પટલાણી : આજ ઘેર રોકાશો વારું?

         ખેતરમાં દાણા ને ઘરનાંની મૂંઝાતી વાણી, પટેલભાઈ
         ખેતરમાં ચોર પડ્યા, ઘરમાં ઉજાગરે-ઉજાણી, પટેલભાઈ

પાંસળીએ પાંસળીએ વાંસળીઓ વાગતી ને સોનાના દાગીના પટલાણી માગતી
મેળાના થાક પછી ઊંઘે પટેલ ઠૂસ! મહીસાગર-પટેલાણી ચોમાસું જાગતી
ચિંતામાં સૂકાતા કણબીને રોજ રોજ પટલાણી જીવતર ને જોબન સમજાવતી

         સમજી સમજીને બધુ છેવટમાં ભૂલ્યા, પટેલભાઈ!
         વાયરામાં ઝૂલ્યા ને જીવતરમાં ડૂલ્યા, પટેલભાઈ!

પહેલો વરસાદ

પાંદડે પાંદડે પગલી પાડતો
ટાઢૂં દઝાડતો
પહેલો વરસાદ પસાર થાય છે...
નેવાં જળતરંગ થઈ બજી ઊઠે છે.
એક સામટી કેટલી નદીઓ
વાડાઓમાંથી નીકળી
ફળિયાં માથે મૂકી વહી નીકળી છે...

તીતીઘોડાને પાંખો ફૂટી છે.
માટી માથું ઊંચકે છે
ઇન્દ્રગોપના મખમલી સ્પર્શથી
રોમાંચિત હવાઓ રણઝણે છે
હણહણે છે ઊંડાણોમાં અશ્વો વેળા લઈને...

લીલાં વસ્ત્રધારી વનદેવી
ઘરની પછીત લગોલગ પ્રગટ થયાં છે
ને ઉંબરમાં આવજા કરે દૂરની ટેકરીઓ
દાદાના હુક્કામાં દરિયાનાં પાણી ગડગડે...

મા મકાઈની ધાણી ફોડે છે...
એની સુગંધ લેવા પૂર્વજો
પડસાળે આવ્યા છે
છાપરાંનાં નળિયાંને ઢોળ ચઢાવતો –
તડકો ઘડીકમાં ઘરભંગ થાય છે તો
ઘડીકમાં ગારો ગારો...

વૃક્ષો આજે વડીલ જેવાં લાગે છે
ઘટાઓમાંથી નીકળેલો
મારકણો અંધકાર પાસે ને પાસે આવે છે
પ્હાડોમાં હજી બળતા દવનો ધુમાડો છે કે –
વાદળી વેળાઓ રમવા નીકળી છે?
પીઠ પર પૃથ્વી લઈને ગોકળગાય
મારા ઘર તરફ આવી રહી છે
ને હું હજી નેવાં નીચે...

જાત સાથે -

બારીઓ બંધ કરી દીધી છે
પડદા પાડી દીધા છે
મારી આંખે કાળા ડાબલા ચઢાવી દીધા છે
ઘાણીનો બળદ અને એક્કાનો ઘોડો મારામાં પમાય છે...
બારણું બંધ કરતાં દીકરો કહે છે :
‘તમારી સાથે જ રહી જુઓ હવે તમે એકલા...’
તારા વિહોણો અંધકાર જીરવાતો નથી
દિવાળીની દીપમાળાઓ કલ્પવી જ રહી
બેસતા શિયાળાની સાંજ બહાર ઢળું ઢળું થતી હશે
સામેના બગીચામાં વૃક્ષોની છાયાભાત એકલવાઈ -
ભીંજાઉં ભીંજાઉં હળુ હળુ હલચલતી પામું છું પથારીમાં
રસોડામાંથી મૂઠિયાં તળાવાની સુગંધ ઊઠી રહી છે
ઘીની સોડમ સાથે ઘર - ગામ - મા...? ના રે ના
દિવાનખંડમાં દીકરો ડિસ્કવરી ચેનલ પર
મેડિકલ સિરિયલ જુએ છે - ‘બધું જ બદલી શકાય છે - હૃદય
પણ...’
ઉપરના રૂમમાં - બીજો દીકરો -
‘હર તરફ હર જગહ બેસુમાર આદમી
ફિર ભી તન્હાઈયોં કા શિકાર આદમી’
ગઝલ સાંભળતાં સાંભળતાં
કમ્પ્યૂટર સાથે શતરંજ રમતો લાગે છે
ઉકળતા પાણીમાં નેપકીન નીચોવી -
મારાં અંગોને ઘસીને - લૂછી આપીને હમણાં જ
દીકરી પાછી સાસરે ગઈ છે - એનો પતિ બહારગામથી
આવવાનો છે - એની પૂંઠે પૂંઠે નીકળી ગયેલું મારું મન
મહીસાગર કાંઠેના મારા ખેતરમાં ચોળાની કૂંણી કૂંણી સીંગો
ચાવે છે; હમણાં જ ખોદાતી મગફળી - માટીની સુગંધ
મને હવામાં તરતી તરતી -
કહે છે કે : ‘જે પોતાની જાત સાથે એકલો રહી શકે છે તે -
સૌથી સુખી હોય છે દુનિયામાંઃ’
જો કે જાત સાથે રહેવું ઘણું મુશ્કેલ છે; નહીં?
કેમ, તમે શું કહો છો?


ચોપાઈ

લાગી આવે હાડોહાડ
ભાઈ કરે આંગણમાં વાડ

જીવન ખુદનો આપે અર્થ :
ગણ દિવસો ને વરસો કાઢ

જે બંધાવે એ પણ જાય–
મૂકી સૂનાં મેડી માઢ

ના છાંયો, ના ફળની આશ
‘ઊંચા લોકો’ એવા તાડ

ઝાડ નથી એ છે જીવતર
બેઠો છે એ ડાળ ન વાઢ

મતલબ બ્હેરાં સઘળાં લોક
ફોગટ તારી રાડારાડ


એની ઇચ્છા એનું હેત
બાકી માણસ નામે પ્રેત

મનથી દે એ સાચું માન–
પ્રેમ વગર સૌ રણ ને રેત

અવસર છે કે તેડું : પામ,
આંગણ આવ્યું પંખી શ્વેત

પાછળ પગલાં ગણતું કોણ
કર સાવધ ને તું પણ ચેત

પ્રેમ કરે ને રાખે દૂર
પીડા આપી જગવે હેત

મોલ બનીને ‘એ’ લ્હેરાય :
ખુલ્લું મૂકી દે તું ખેત


રક્ષક થૈને વાઢ્યાં ઝાડ
પથ્થર થૈ ગ્યા લીલા પ્હાડ

જુઠ્ઠાણાં બોલે મોટ્ટેથી
સાચ કરે ના રાડારાડ

વ્હાલાંથી વઢવામાં, બોલ–
પામ્યો શું, શી મારી ધાડ

કોનું કાયમ ક્યાં કૈં છે જ
ખેતર વચ્ચે કર મા વાડ
મેં વૃક્ષોમાં જોયો ‘એ’ જ
મલકે લૈ કૂંપળની આડ



જે કુદરતનો કારોબાર
વૃક્ષો ઊભાં હારોહાર
 
‘ઊંચો પર્વત ઊંડી ખીણ’
ને ચલવે એ ધારો ધાર
 
તારી દૃઢતા જાણે એ ય–
પીંજે તેથી તારોતાર
 
કીડી કુંજર એક જ ન્યાય
તું શીખી લે કારોબાર
 
કરે કસોટી રાખે દૂર
પૂછે ખબરો બારોબાર
 
મોસમ થૈ અવતરશે ‘એ’ જ
ને છલકાશે. ભારોભાર.

મણિલાલ હ. પટેલના કાવ્યસંગ્રહો

૧. ‘પદ્મા વિનાના દેશમાં’, ૧૯૮૩. નક્ષત્ર ટ્રસ્ટ ગુ. સા. પરિષદ. ૨. ‘સાતમી ઋતુ’, ૧૯૮૮. ચંદ્રમૌલિ પ્રકાશન. ૩. ‘ડુંગર કોરી ઘર કર્યાં’, ૧૯૯૬. પાર્થ પ્રકાશન ૪. ‘પતઝડ’ (ચયન કરેલી રચનાઓનો હિન્દી અનુવાદ) અનુ. ડૉ. માયા પ્રકાશ પાંડેય, ૧૯૯૯. દર્પણ પ્રકાશન. ૫. ‘વિચ્છેદ’ ૨૦૦૬. પાર્થ પ્રકાશન ૬. ‘સીમાડે ઊગેલું ઝાડવું’, ૨૦૧૧. લજ્જા પબ્લિકેશન ૭. ‘માટી અને મેઘ’, ૨૦૧૮. પાર્શ્વ પબ્લિકેશન ૮. ‘ચૂંટેલી કવિતા’

  1. આબીઃ વરસાદ પૂર્વે આભમાં નીકળતી વાદળીઓ
  2. કોળમડીઃ વરસાદ પૂર્વેના ઠંડા કે વાદળીઓ હંકારી જતા પવનોવાળી સવારની વેળા