રચનાવલી/૧૯૨

Revision as of 16:14, 22 June 2023 by Shnehrashmi (talk | contribs)


૧૯૨. ઓડીસી (હોમર)


પ્રાચીન ભારતીય સંસ્કૃતિના આધારસ્થંભ જેમ ‘મહાભારત’ અને ‘રામાયણ’ જેવાં મહાકાવ્યો છે, તેમ પ્રાચીન ગ્રીક સંસ્કૃતિના આધારસ્થંભ જેવાં ‘ઇલિયડ’ અને ‘ઓડિસી’ મહાકાવ્યો છે. યુરોપની પ્રજાનો એમાં મૂલ્યવાન અનુભવ પડેલો છે. ઈ.સ. પૂર્વે આઠમી નવમી સદીથી આજ સુધી એ માનવઇતિહાસ, માનવકેળવણી અને માનવ સંવદનાનો વારસો રહ્યાં છે એટલું જ નહિ યુરોપીય સાહિત્યના માપદંડ રહ્યાં છે. આ બે મહાકાવ્યોએ ઊભાં કરેલાં ધોરણો અને વિચારધારાથી યુરોપીય સાહિત્ય મપાતું રહ્યું છે. આ બે મહાકાવ્યોનો રચનાર ગ્રીક મહાકવિ હોમર છે. અલબત્ત, આ મહાકવિ વિશે કોઈ પ્રમાણભૂત માહિતી મળતી નથી. એના જન્મસ્થળ અંગેની અને એના સમય અંગેની અનેક ધારણાઓ આગળ ધરવામાં આવી છે એટલું જ નહીં ‘ઓડિસી’માં ટ્રોયના પતન અંગે ગીત લલકારતા એક અંધ રાજકવિ ડિમોડકસને ધ્યાનમાં રાખીને પરંપરાથી એવી માન્યતા પણ ચાલી આવે છે કે હોમર અંધ હતો. હોમરનાં હોવા વિશે પણ શંકા ઉઠાવવામાં આવી છે કેટલાક કહે છે કે બે મહાકાવ્યો હોમરનાં નથી પણ પ્રજાનાં સામૂહિક સાહસો છે. તો કેટલાક વળી એવું કહે છે કે બંને મહાકાવ્યો શૈલીમાં બહુ જુદા હોવાથી એક જ હાથે લખાયેલાં નથી પણ આજના વિવેચકોએ સ્પષ્ટ રીતે સ્વીકાર્યું છે કે બંને મહાકાવ્યો હોમરનાં જ છે અને હોમરની જુદી જુદી વયે લખાયા હોવાથી જીવનની બદલાયેલી દૃષ્ટિ અને જુદી શૈલીનો એમાં પરિચય થાય છે. જોવાની વાત એ છે કે હોમરનાં હોવા કે ન હોવા વિશે પડકાર થયો છે, પણ આ મહાકાવ્યોનું જે ભર્યું ભર્યું કાવ્યત્વ છે એની સામે કોઈએ પડકાર કર્યો નથી, કરી શકે તેમ પણ નથી. હોમરે પહેલાં ‘ઇલિયડ’ લખ્યું છે, જેમાં ટ્રોયના પતનની કથા છે; જ્યારે ‘ઓડિસી’માં ટ્રોયના પતન પછીના દશ વર્ષથી શરૂ થતી ઓડિસ્યૂસ અંગેની કથા છે. એમાં મુખ્યત્વે ઓડિસ્યૂસના રખડપાટની કથા છે. ઓડિસ્યૂસ ઇથાકાનો રાજા છે. પોતાના મોટા લશ્કર સાથે એ એગમેમ્નોન સાથે જોડાઈ રહ્યો છે અને એગમેમ્નોન મેનેલાઅસને હેલન પાછી સોંપવા ટ્રોયનગર પર જબરો હલ્લો કરવા જઈ રહ્યો છે. દશ વર્ષના લોહિયાળ યુદ્ધ બાદ નગર પડે છે અને અકીઅન યોદ્ધાઓ ઘર તરફ દરિયાઈ માર્ગે પાછા ફરે છે. ઓડિસ્યૂસ મહાકાવ્યનો પ્રારંભ થાય છે ત્યારે ટ્રોય પડ્યાને દશ વર્ષ વીતી ગયાં છે. પણ ઓડિસ્યૂસ હજી સુધી ઘેર પાછો ફર્યો નથી. બીજા બધા જ યોદ્ધાઓ સહીસલામત પોતપોતાને વતન પહોંચી ગયા છે. અથવા તો યુદ્ધમાં ખપી ગયા છે પણ ઈથાકાના રાજા ઓડિસ્યૂસ અંગે કોઈ સમાચાર નથી. ઓડિસ્યૂસની ગેરહાજરીમાં ઇથાકાના ઉમરાવો અને ઈથાકારાજ્ય નજીકના ઉમ૨ાવો લાલચુ નજરે ઇથાકાના મહેલમાં એકઠા થયા છે એમને એમ છે કે કેમ કરીને ઓડિસ્યૂસની પત્ની પનેલપીનું મન ઓગળે અને એમના પર રીઝે. પણ પતિપરાયણ પનેલપી પોતાના પતિના સ્મરણમાં ખોવાયેલી અને પુર્નલગ્ન ઇચ્છતી નથી આ બાજુ ઉમરાવો પનેલપીનું મન ફરે એની રાહ જોતા બેઠા છે અને પોતાના એશઆરામ અને વિલાસમાં રાજ્યનાં નાણાં વેડફી રહ્યા છે ઉપરાંત ચાકરોને ભ્રષ્ટ કરી રહ્યા છે પણ ઓડિસ્યૂસનો પુત્ર ટેલિમેક્સ જેવો મોટો થયો કે તરત જ એ જુદા જુદા અકીયન રાજાઓનો સંપર્ક કરે છે અને પોતાના પિતા જીવે છે કે નહીં એ વિશે જાણવા કોશિશ શરૂ કરે છે. આ દશ વર્ષ દરમ્યાન ઓડિસ્યૂસ જગતમાં રખડે છે. દરિયાઈ દેવ પસીડન એના પર યાતના પર યાતના ગુજારતા રહે છે પણ ઓડિસ્યૂસ માન્યામાં ન આવે એવાં પરાક્રમો અને સાહસો સાથે બહાર આવે છે. ઓડિસ્યૂસનું વહાણ અને એના બધા માણસોનો નાશ થાય છે પણ એના બહાદુર સૈન્યમાંથી એ એકલો બચેલો હોવા છતાં પૂરેપૂરો ઝઝૂમે છે. આખરે ફીએશિયનોના રાજાની સહાયથી એ ઈથાકા પહોંચે છે. ઓડિસ્યૂસ દેવી અથીનીને પ્રિય હોવાથી અથીની પણ એને મદદ કરે છે અને એ રીતે ઓડિસ્યૂસ ઉમરાવોને સજા આપી ફરીને પોતાને ઈથાકાના રાજા તરીકે સ્થાપે છે. પુત્ર ટેલિમેક્સ અને પિતા ઓડિસ્યૂસનો મેળાપ થાય છે. ‘ઓડિસી’ કથામાં ઓડિસ્યૂસ એકલો ભાગ્યને જીતવા મથે છે અને સફળતાપૂર્વક દેવો, મનુષ્યો અને પ્રકૃતિની સામે વિજય હાંસલ કરે છે. કોઈ એક સમર્થ વ્યક્તિના અનુભવો અને વ્યક્તિત્વ પર અહીં ધ્યાન કેન્દ્રિત હોવાથી આ મહાકાવ્ય ઉત્તમ પ્રકારે ગૂંથાયેલું લાગે છે. હોમરની ઉપમાઓ પણ આપણા કાલિદાસ કવિની ઉપમાઓની જેમ આકર્ષક છે. વળી, આ મહાકાવ્ય મૌખિક પરંપરાનું હોવાથી એમાંના છંદ, એમાં આવતાં વિશેષણો એમાં આવતી બોલચાલની છટાઓ, એમાં આવતાં પુનરાવર્તનો પણ એને સુન્દર બનાવે છે. આજે તો પુરાતત્ત્વવિદોના સંશોધનને કારણે, ગ્રીક લેખકોની મથામણને કારણે અને તુલનાત્મક તેમજ નૃવંશશાસ્ત્રીય અભ્યાસોને કારણે એવું પણ સાબિત થયું છે કે ટ્રોય નામનું નગર હતું અને વિનાશકારી યુદ્ધ પણ થયું હતું. આમ આ મહાકાવ્ય માનવઇતિહાસની કડી પણ બની શક્યું છે. સૌ પ્રથમ નર્મદે હોમરનાં બંને મહાકાવ્યોનો સાર ‘નર્મગદ્ય’માં આપેલો છે અને તાજેતરમાં હોમરના બીજા મહાકાવ્ય ‘ઇલિયડ’નો જયંત પંડ્યાનો ગુજરાતી પદ્યાનુવાદ પ્રાપ્ય બન્યો છે.